નવ્યસર્વોદયવાદ એટલે સમસ્યાઓનું સમાધાન – ૮ નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?
હાલની કેળવણી અને નવ્યસર્વોદયવાદમાં સૂચિત કરેલી કેળવણીમાં ફેર શો છે?
ગયા લેખમાં આપણે શિક્ષણના સ્તરો જોયા.
માતા પિતા ગુરુ
આપણા શિક્ષણના સ્તરો બાળક જન્મે કે તરત જ ચાલુ થાય છે.
દોઢ વર્ષનું થાય ત્યાં સુધી તે માતા પિતાની પાસે જ રહે છે. માતા પિતા તેના ગુરુ છે. માતા પિતા બંનેને બાળમાનસની કેળવણી આપવામાં આવી છે. દરેક સ્ત્રીને તેની પ્રાથમિક કક્ષાના શિક્ષણ દરમ્યાન બાળ ઉછેરની ઘનિષ્ઠ કેળવણીનું એટલે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી તેને કેવી રીતે કેળવવું તેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જો સ્ત્રી વધુ ઉચ્ચકક્ષાની એટલે કે જો વધુ આવક વાળી નોકરી કરતી હોય તો તે આયા રાખી શકે. એટલે કે જે બાળા હજુ ભાણતી હોય પણ તેના માતા પિતાને મદદરુપ થવા નોકરી કરવા ઈચ્છતી હોય તો તે આયાની નોકરી સ્વિકારી શકે.
ભારવાળા ભણતરને ભારવિહીન ભણતર કરો.
હાલનું ભણતર બાળકના માનસિક વલણ સાથે જોડાયેલું નથી. પરીક્ષામાં મેળવેલા ગુણાંકના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ ગુણાંક તમારી યાદ શક્તિ અને મહેનતના કલાકોના સમન્વય ઉપર આધાર રાખે છે. શિક્ષણનું ખાનગીકરણ હોવાથી શાળા ચલાવતી સંસ્થાઓએ શિક્ષણને પૈસા કમાવાનો એક ધંધો બનાવી દીધો છે. ભણતર ભારવાળું થઈ ગયું છે. બાળકને મુક્ત રીતે વિચારવાનો સમય હોતો નથી. વળી શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોવાથી, તેના વિષયો પરત્વેના વિચારો સ્પષ્ટ હોતા નથી. ઇતરવાચન અને ઈતર વિચારોનો વિદ્યાર્થીની પાસે સમય નથી.
શાળાઓ અને ટ્યુશનક્લાસો બબ્બે પાળીઓમાં ચાલે છે. વાસ્તવમાં વિદ્યાર્થીને સમયનું બંધન નડવું ન જોઇએ. ભણતર ક્રમે ક્રમે સ્વયંસંચાલિત હોવું જોઇએ. પુસ્તકો બધાં શાળામાં જ હોવા જોઇએ. વિદ્યાર્થી મુક્ત હાથે શાળામાં આવવો જોઇએ. શાળા છોડ્યા પછી તેના ઉપર અભ્યાસનો કોઈ ભાર ન હોવો જોઇએ. વિદ્યાર્થીને જો મુક્ત રીતે વિચાર કરતો કરવામાં આવ્યો હશે તો તે ફક્ત અભ્યાસશીલ નહીં પણ સંશોધનશીલ પણ બનશે.
ખેલ કુદ, વ્યાયામ, કળા, ગૃહ ઉદ્યોગ અને કારીગીરી (સ્કીલ)ની અનિવાર્ય પ્રાધાન્યઃ
દેશી રમતો, ઓલંપિક્સ માન્ય રમતો, યોગ સહિતના વ્યાયામ અને કળાઓની પસંદગી વિદ્યાર્થી માટે અનિવાર્ય બનાવવી જોઇએ. આ બધું શરીર અને મનની કસરતો છે.
પ્રાથમિક શિક્ષણ આઠ વર્ષનું છે અને તે દરેક વ્યક્તિમાટે અનિવાર્ય છે.
કારીગીરીનું ભણતર (સ્કીલ ડેવેલપમેન્ટ)
પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવે તે જરુરી છે. તેથી ઓછામાં ઓછો એક ગૃહઉદ્યોગ અને એક કારીગીરી તો વિદ્યાર્થીને આવડવા જ જોઇએ. નરેન્દ્ર મોદીએ ૫૦૦ ઉપરના સ્કીલ ડેવેલપમેન્ટના વિષયો શોધાવડાવ્યા છે. જેઓને જેમાં રુચિ છે તેમાં તે નૈપૂણ્ય મેળવશે. તાલુકા કક્ષાએ દરેક કારીગીરીનું ભણતર ઉપલબ્ધ હશે. અઠવાડીયાનો એક સળંગ દિવસ એક કારીગીરી માટે ફાળવવામાં આવશે. જે કારીગીરીનો વિષય ગ્રામ્યક્ષેત્રે ઉપલબ્ધ નહીં હોય તે કારીગીરી શિખવા વિદ્યાર્થી તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે. સરકાર તેમને રોજી અપાવશે.
આકાશ દર્શનઃ
નવ્ય સર્વોદયવાદી શિક્ષણમાં આપણે ખગોળ શાસ્ત્ર (આકાશ દર્શન) ઉમેર્યું છે. વિશ્વની વિશાળતા અને મનુષ્યની અલ્પતા સમજવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ બહુ જરુરી છે. તેવીજ રીતે વિદ્યાર્થીમાં પોતાની માનવ સમાજ પ્રત્યેની ફરજ સમજવા અને વૈશ્વિક ભાવના ઉત્પન્ન કરવા માટે સંસ્કૃતના નીતિશાસ્ત્રના શ્લોકો કંઠસ્થ કરાવવાનો સમાવેશ કરાવ્યો છે. ચિત્રવાર્તાઓ બાલવાર્તાઓનો સમાવેશ કરાવ્યો છે જેથી વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે. વિદ્યાર્થી સકુ્ચિત મનનો ન થાય અને ધર્માંધ પણ ન થાય તે જરુરી છે.
ઈતિહાસ અને સંસ્કૃતિઃ
પૂર્વ પ્રાથમિક કક્ષાઓમાં ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઈતિહાસને વાર્તાઓના સ્વરુપમાં, ચિત્રકથાઓના સ્વરુપમાં અને ચલચિત્રોના સ્વરુપમાં ભણાવાવામાં આવશે. આર્યોનું આગમન અને અનાર્યો સાથેના તેના યુદ્ધો જેવી બનાવટી વાતોને ખોટી ઠેરવવામાં કરવામાં આવશે. ઉત્તર પ્રાથમિક કક્ષાએ વેદિક કાળની સંસ્કૃતિ, ઉપનિષત્ અને દર્શનકાળ ની સંસ્કૃતિ, પૌરાણિક કાળ અને સરસ્વતી નદીની સંસ્કૃતિ, અને આ બધાની એકસૂત્રતા જે સહેલાઈથી સમજાવી શકાય છે તેને સમજાવવામાં આવશે.
આર્યોના આક્રમણ અને અનાર્ય ઉપરના વિજયને લગતી વાતોમાં જે વિરોધાભાસો છે તે સમજાવવામાં આવશે. પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં રહેલી પ્રતિકાત્મક શૈલીને સમજાવવામાં આવશે. સંસ્કૃતના શ્લોકોમાં રહેલા ગુઢ અર્થોને સમજાવવામાં આવશે. પણ આ બધું ફક્ત જાણકારી તરીકે આપવામાં આવશે જેથી વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ વિષે ગૌરવ થાય.
ભાષાઓઃ
ઉત્તર પ્રાથમિક શાળામાં માતૃભાષા ઉપરાંત એક વધુ દેશી ભાષાનો ઉમેરો થાય છે. જે ફક્ત બોલવા પૂરતી અને વાંચવા પૂરતી શિખવવામાં આવશે.
શિક્ષણ પદ્ધતિઃ
ઉત્તર પ્રાથમિક શાળાથી ભણતર નાના નાના જુથો બનાવીને આપવામાં આવશે. એક અર્ધગોળાકાર ટેબલની આસપાસ વિદ્યાર્થીઓ કોઈ એક વિષયના અભ્યાસ માટે બેસશે. એક જ વિષયના અનેક જુથો હશે. કોઈ એક વિષયની ભણવાની શરુઆત કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધાવું તેનું માર્ગદર્શન જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક કરશે. ત્યાર બાદ નિષ્ણાત શિક્ષક આ જુથો કેવી રીતે અભ્યાસ કરે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે તેનું ધ્યાન રાખશે. સલાહ સૂચન કરશે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને વિદ્યાર્થીઓના જુથ બનાવશે. એક જુથ, છ વિદ્યાર્થીઓથી વધુ મોટું નહીં હોય. દરેક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આપવામાં આવશે. જે કંઈ લખવાનું હશે તે સ્લેટ પેનથી લખવાનું થશે. કાગળ નો વપરાશ કરવા દેવામાં આવશે નહીં. એવા આઈ પેડ વિકસવાની તૈયારીમાં છે જેમાં તમે સ્ક્રીન ઉપર ડમી પેનથી લખી શકો છો. લખવાની ટેવ પાડવી એટલા માટે જરુરી છે કે તમારા અક્ષરો સુધરે. તમે ટેવોના ગુલામ ન થઈ જાઓ.
સભ્યતા અને સ્વસ્થતા
ઘણા વિદ્યાર્થીઓ શરમાળ અને ડરપોક હોય છે. તેઓ શિક્ષકોને સાચી વાત કહી શકતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ તોફાની, પરપીડનવૃત્તિવાળા અને અસભ્ય હોય છે. આ પરિસ્થિતિ શિક્ષણની કચાશ અને શિક્ષકસાથેની સંવાદહીનતા કે સંવાદની ઉણપને કારણે હોય છે. વિદ્યાર્થીમાં સહયોગથી કામ કરવાની અને ભણવાની પદ્ધતિ જન્મે અને વિકસે એ શિક્ષકનું કર્તવ્ય છે. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો એક બીજાને માનથી બોલાવે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓને માનથી બોલાવે તો સભ્યવર્તન વિકસશે. તેવીજ રીતે ભૂલ કેવી રીતે સ્વિકારવી, ભૂલ થઈ જાય તો માફી કેવી રીતે માગવી. લેખિત કે મૌખિક ફરિયાદ કેવી રીતે કરવી, વિગેરે નાગરિક સભ્યતા માટે શિક્ષકે વિદ્યાર્થીઓ ઉપર ભાર મુકવો પડશે. ટ્રાફિકના નિયમો અને તેના પાલનની અનિવાર્યતા આત્મસાત કરાવવી પડશે. ફરજો બજાવવી, સભતા દાખવવી, સુખડતાનું અને સુવ્યવસ્થાનું પાલન કરવું, નીતિમત્તા રાખવી એ બધું દેશસેવા, દેશપ્રેમ અને દેશના ગૌરવમાં આવે છે તે બધું આત્મસાત કરાવવું પડશે.
પૂર્વ અને ઉત્તર (ઉચ્ચ) માધ્યમિક શાળાઓઃ
આ શિક્ષણ અનિવાર્ય નથી. પણ જેમને આગળ ભણવું છે તેઓ ભણી શકશે. અહીં જે ભાષાઓ ભણાવવામાં આવશે તે વાંચવા, સમજવા ઉપરાંત લખતાં અને સામાન્ય વાતચીત કરતાં પણ આવડે એટલી ભણાવવામાં આવશે.
શિક્ષા પદ્ધતિ પણ ઉત્તર પ્રાથમિક શિક્ષણ જેવી રહેશે. એટલે કે વિદ્યાર્થીઓ નાના જુથમાં ભણશે. જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક તેમને માર્ગ દર્શન આપશે.
માધ્યમિક શિક્ષણમાં ક્રમશઃ વિષયો, વધુ ઘનિષ્ટતાથી ભણાવવામાં આવશે.
દરેક વિષયના અનેક સ્તર (પાઠ ચેપ્ટર) હશે. એક સ્તરનો અભ્યાસ કર્યા પછી તેની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા એક સ્વતંત્ર સંસ્થા લેશે. આ કોમ્પ્યુટરાઈઝ્ડ હશે. તેમાં ઉત્તીર્ણ થવું પડશે. પણ આ પહેલાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પ્રાથમિક પરીક્ષા લેશે.
માધ્યમિક શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તૈયાર કરવાનો છે.
માધ્યમિક શિક્ષણ ૪+૨ = ૬ વર્ષનું છે.
પહેલા વર્ષે બધાજ વિષયોની રુપરેખા અને તેના કાર્યક્ષેત્ર વિષે સમજ આપવામાં આવશે. બીજા વર્ષથી પોતાને ગમતા વિષયોની પસંદગી કરવાની રહેશે.
પણ કળા અને ખેલકુદમાં પહેલા વર્ષથી જ એક કળા અને એક ખેલકુદની પસંદગી કરવાની રહેશે.
૧ ત્રણે અનિવાર્ય
૧.૧ માતૃભાષા,
૧.૨ સંસ્કૃત ભાષા
૧.૩ બીજી એક દેશી ભાષા
૨ કોઈપણ બે
૨.૧ ગણિત અને ભૌતિક શાસ્ત્ર
૨.૨ ગણિત અને રસાયણ શાસ્ત્ર
૨.૩ ગણિત અને કારીગીરી
૨.૪ શરીર શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર
૨.૫ ખગોળ શાસ્ત્ર
૩ કોઈપણ બે
૩.૧ સમાજશાસ્ત્ર અને ઈતિહાસ,
૩.૨ ભૂગોળ અને પ્રવાસન
૩.૩ નાગરિક શાસ્ત્ર
૩.૪ સુરક્ષા અને વ્યવસ્થાશાસ્ત્ર
૩.૫ શિક્ષણ શાસ્ત્ર
૩.૬ તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર
૪ કોઈપણ એક
કળાઃ સુગમ સંગીત, શાસ્ત્રીય સંગિત, ગ્રામ્ય નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, નાટ્ય લેખન, અભિનય, દિગ્દર્શન, ચિત્રકામ, સુશોભન, વક્તૃત્વ કળા,
૫ કોઈપણ એક
ખેલકુદઃ વ્યાયામ, યોગ, દેશી રમતો, વિદેશી રમતો, તરણ, દોડ, પર્વતારોહણ, અન્વેષણ, વિગેરે
દરેક શાળામાં જે તે વિષયની પ્રયોગશાળાઓ હશે.
પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મળશે. પણ તેને ક્યારે પુરું કરવું તે વિદ્યાર્થી ઉપર આધાર રાખશે. જેમ જેમ એક સ્તરીય પરીક્ષા (ચેપ્ટર)માં ઉત્તિર્ણ થવાતું જશે તેમ તે પછીના ચેપ્ટરોના અભ્યાસમાં પ્રવેશ મળતો જશે.
જે તે વિષયના નિષ્ણાત પોતાના વિષયની ઑન-લાઈન શાળા ચલાવી શકશે. પણ પ્રયોગશાળા માટે તેમણે સ્કુલ સાથે ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગોને પણ આવી શાળા ચલાવવી હશે તો ચલાવી શકશે. પણ બધી શાળાઓના વર્ગ ખંડો અને પ્રયોગશાળાના સ્થાન જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને અનુકુળ પડે તેમ એક જ સંકુલમાં રાખવામાં આવશે. પરીક્ષા એક સ્વતંત્ર વ્યવસ્થા હોવાથી, પરીક્ષા માટેની ગોઠવણ સરકાર કરશે.
માધ્યમિક શાળાના અભ્યાસક્રમો, તેને લગતા પુસ્તકો, શિક્ષકો, શાળાઓના સ્થાનની વિગતો, વિગેરે બધું જ ઑન-લાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.
વિશ્વવિદ્યાલય કક્ષાનું શિક્ષણ જે તે વિશ્વ વિદ્યાલયો નક્કી કરશે. પણ સરકાર પોતાના નક્કીકરેલા ન્યૂનતમ ધારાધોરણ તેમજ જે તે વિશ્વવિદ્યાલયોએ સરકાર સાથે સમજુતી પૂર્વક નક્કી કરેલા વધારાના ધારાધોરણોનું બરાબર પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે. સંશોધન ક્ષેત્રે વિશ્વવિદ્યાલયો ઉદ્યોગો સાથે સમજુતી કરશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ભાષા, સંસ્કૃત, માતૃભાષા, સહયોગ, નાગરિક, સભ્યતા, નીતિમત્તા, દેશપ્રેમ, દેશસેવા, ઈતિહાસ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, કળા, વ્યાયામ, ખેલકુદ