Feeds:
Posts
Comments

Posts Tagged ‘માલિકી’

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

%d bloggers like this: