Feeds:
Posts
Comments

Posts Tagged ‘માલિક’

સ્માર્ટ સીટીનું બભમ બભમ

“સ્માર્ટ સીટી”ના ગુણધર્મો, વ્યાખ્યા અને વિવરણ આપણને “ઓલ ઈન વન” જેવા લાગશે પણ સમજી લો એ બધું ભ્રામક છે. જે ગુણધર્મો બતાવ્યા છે તે સરકારી શબ્દોમાં છે. સરકારી શબ્દો અને વાક્ય રચના હમેશા અસ્પષ્ટ છે અને ભ્રામક હોય છે.

તમે શી આશા રાખો છો?

જેની માંદગી દૂર થઈ નથી તેવા માંદા માણસને,  તમે દોડવાનું કહી શકશો? જો તે દોડશે તો તે અમદાવાદથી મુંબઈ ક્યારે પહોંચશે? જે વ્યક્તિ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ભદ્ર સુધી દોડી શકતો નથી તે શું મુંબઈ સુધી દોડશે?

જે માણસ અભણ છે અને જે ખેતરનું ક્ષેત્રફળ શોધવા સક્ષમ નથી તેને તમે પૃથ્વિથી ચંદ્રનું અંતર માપવાની રીત શોધવાનું કહી શકશો?

જે ચોર છે તેને તમે તિજોરી સાચવાનું કામ સોંપી શકશો?

આ વાત સમજો.

જેને ત્યાં ચોરી થઈ છે તે ફરીયાદી હાજર છે,

જે ચોકીદાર હતો અને જેની ડ્યુટી હતી રખેવાળી કરવાની તે હાજર છે,

જે ચોર હતો અને ચોરી કરી હતી તે હાજર છે,

ચોરીનો માલ હાજર છે,

જે ન્યાયધીશે ચોરને સજા કરવાની હતી તે પણ હાજર છે.

તો હવે બાકી શું રહ્યું?

સજા કરવાની ક્રિયા બાકી રહી,

તો શું સજા થઈ?

ના જી અને હા જી,

સજા તો થાય છે. પણ કોને?

ચોરને સજા થતી નથી.

જે ચોકીદારે ફરજ ન બજાવી તે ચોકીદારને પણ સજા થતી નથી.

જે ચોરીનો માલ છે તે પણ તેના માલિકને એટલે કે ફરિયાદીને પાછો મળતો નથી.

તે માલ ચોરને જ રાખવાનું કહેવાય છે.

પણ જેનો માલ ચોરાયો હતો તેને સજા થાય છે. તેને એવું કહેવામાં આવે છે કે “તમારી અને ચોર વચ્ચે જે કંઈ બન્યું તેમાં ચોકીદારને નુકશાન થયું છે. આવા તો હજારો લાખો ચોર છે એમાં અમે અમારો સમય બરબાદ કરવામાં માનતા નથી. એટલે આ નુકશાન જેને લૂંટવામાં આવ્યો છે તેણે એટલે કે લૂંટાયેલ વ્યક્તિએ  “ઈમ્પેક્ટ ફી” તરીકે ચોકીદારને અમૂક રકમ આપી દેવી.

ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ  અને ફૂટપાથો પર ફેરિયાઓ તથા દુકાનદારો દ્વારા દબાણ, માન્ય એફ એસ આઈ કરતાં  વધુ બાંધકામ કરવું, રસ્તાઓ સાંકડા અને ભીડભાડ વાળા થઈ જાય તેવા ગેરકાયદેસર નિર્ણયો લેવા, આ બધું સરકારી નોકરોના અને સ્થાપિત હિતોના સંસ્કાર થઈ ગયા છે. આ વિષયમાં આપણી બ્લોગસાઈટ ઉપર અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. તેથી તેની વિગતોમાં ઉતરીશું નહીં. પણ સરકારી નોકરો દ્વારા કામની વ્યાખ્યાઓ કરાવવી અને તેમની દ્વારા જ “સ્કૉપ ઑફ વર્ક” નક્કી કરાવવું એ વ્યર્થ છે. પણ આવું જ થાય છે કારણ કે જરુર પડે સરકારે પોતાનો કેસ ન્યાયાલયમાં સુનિશ્ચિત રીતે હારી જવાની તૈયારીમાં રહેવાનું હોય છે.

મુંબઈના “રીડેવલપમેંટને લગતા કાયદાઓ”  જુઓ, કે અમદાવાદના “સીજી રોડ રોડની દશા” જુઓ, કે પ્રેમચંદનગર રોડની દશા જુઓ કે અમદાવાદના કોઈપણ રોડની દશા જુઓ કે રેસ્ટોરાંમાં પડતા દરોડાઓ જુઓ કે ખાણીપીણીના ખૂમચાઓ, લારીઓ, ગલ્લાઓએ કરેલા દબાણો જુઓ,  બધે જ સરકારી (મ્યુનીસીપાલી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આરટીઓ, ટ્રાફિક પોલીસ, ન્યાયાલય, ગાંધીનગરનું સચિવાલય અને અસામાજીક તત્વો ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના કામ માટેની મિલીબહગત છે.

“લૂંટ કરવી એ અમારો હક્ક છે”

કોઈપણ કામ ખરાબ અને ખોટી રીતે કરવું એમાં સરકારી નોકરો નિપૂણ છે. સરકારી નોકરોમાં સાદા કર્મચારીઓ જ નહીં પણ સર્વોચ્ચ અધિકારીઓનો અને મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉચ્ચસ્તર પર બેઠેલા અધિકારીઓ ક્ષતિપૂર્ણ “સ્કૉપ ઑફ વર્ક” બનાવે જેથી નીચેના સ્તરના નોકરો ખાયકી કરી શકે, અને સૌને પોતાનો હિસ્સો મળ્યા કરે.

એક દાખલોઃ

ટ્રાફીક પોલીસને કેમેરા (મોબાઈલ) આપી દો એટલે તે ખોટી રીતે પાર્ક થયેલા વાહનનો ફોટો પાડી દંડ વસુલ કરી શકે. આ દંડની રકમ વાહનના માલિકના ઘરે ટીકીટ મોકલી કે વાહન ચાલક પાસેથી ઓન લાઈન પણ વસુલ કરી શકે. વાહનનો ફોટો પાડવો એ કામ ટ્રાફિક પોલીસને સોંપો એટલે “”કોઈ વાહનનો ફોટો પાડવો કે ન પાડવો” એ ટ્રાફિક પોલીસની મુનસફ્ફી પર નિર્ભર રહે અને તેની ખાયકી ચાલુ રહે.

વધુ એક દાખલોઃ

સરકારે વિચાર્યું કે આપણે જનતાનું સ્વાસ્થ્ય સારું રહે માટે “ફાર્મ ફ્રેશ વેજીટૅબલ માર્કેટ” બનાવીએ. એટલે સરકારે દાખલા તરીકે વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ-૧૫) પાસે એક પ્લોટને નક્કી કર્યો. આ પ્લોટ મ્યુનીસીપાલીટીનો હતો.

અમદાવાદની વાત સમજીએ તે પહેલાં આ “ફાર્મફ્રેશ વેજીટેબલ માર્કેટ” વિકસિત દેશોમાં કેવીરીતે ચાલે છે તે આપણે જોઇ લઈએ.

ફાર્મ ફ્રેશ માર્કેટ (અમેરિકા)

farm fresh market 01

કોઈ એક ખુલ્લી જગ્યા તો વિદેશમાં પણ નક્કી થાય છે. પણ ત્યાં જમીનને બરાબર સમતલ અને મજબુત (ક્ઠણ) બનાવવામાં આવે છે. પછી જમીનના આખા પ્લોટ ઉપર ઈન્ટરલોકીંગ સીમેંટની ઈંટો પાથરવામાં આવે છે. ખેડૂતોના માલ અને માલના વાહનના પાર્કીંગ માટે પદ્ધતિસરનું પ્લાનીંગ વાળું દેખી શકાય તેવું સુવ્યવસ્થિત માર્કીંગ કરવામાં આવે છે. જે ગ્રાહકો આવે તેમના વાહનો માટે પણ અલગ રીતે સુવ્યવસ્થિત રીતે દેખી શકાય તેવું માર્કીંગ કરવામાં આવે છે. દરેક સ્ટૉલ પાસે એક સ્વચ્છ અને સુંદર કચરા પેટી હોય છે.

અમદાવાદમાં સરકારે શું કર્યું?

વસ્ત્રાપુર તળાવ સામે એક ખાલી પ્લોટ તો સુનિશ્ચિત કર્યો.

આ એક ખાડા ટેકરા થી ભરપૂર પ્લોટ હતો.

તેને સમતલ કર્યો?

નાજી. હરિ હરિ કરો…

જમીનને મજબુત કરી?

નાજી. હરિ હરિ કરો…

તેના ઉપર ઇન્ટ્રલૉકીંગ ઈંટો પાથરી?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલમાટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલના ખેડૂતના વાહન માટે પાર્કીંગનું માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

ગ્રાહકોના વાહનના પાર્કીંગ માટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો.

તો પછી કર્યું શું?

“ફાર્મ ફ્રેશ માર્કેટ” માટેનો કોંટ્રાક્ટ આપી દીધો

કોંટ્રાક્ટરે શું કર્યું?

પ્લૉટની અંદર બહારના રોડને સમાંતર એક પાંચેક મીટરની પહોળાઈવાળું અને ૨૫/૩૦મીટરની  લંબાઈમાં લીલુ શણીયા જેવું કપડું સીધે સીધું પાથરી દીધું. તે કપડું ખસી ન જાય તે માટે ફાવે તેમ ખીલાઓ ઠોકી દીધા. ગ્રાહકો અને વેપારી ઉપર તડકો ન આવે તે માટે લાંબા પહોળા શણીયાના ટૂકડાઓ થાંભલાના સહારે બાંધી દીધાં. ભાડું પણ કોંટ્રાક્ટર જ વસુલ કરે.  વાત પૂરી.

એક વાર છાપામાં જાહેરાત પણ આપી દીધી. જેમણે તે દિવસનું જે તે છાપુ વાંચ્યું અને જાહેરાત વાંચી, અને તેમાંથી જેમને રસ હતો તેવા લોકો “ફાર્મ-ફ્રેશ” શાકભાજી ખરીદવા ગયા. આ માર્કેટ ફક્ત શનિ-રવિ માટે જ હતું. શરુઆતમાં પચાસેક લારીઓ હતી. પછી ધીમે ધીમે લારીઓ ઘટતી ગઈ.

લારીઓની કે શાક રાખવા માટેના ટેબલો સંખ્યા લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ. કોંટ્રાક્ટર કહે કે તમે ભલે શનિ-રવિ શાકભાજી વેચો, હું તો અઠવાડીયાના બધા દિવસો લેખે જ ભાડું લઈશ. સરકારે આદત પ્રમાણે કોંટ્રાક્ટરના હિતમાં સુર પૂરાવ્યો. એવું કહેવાય છે કે સર્વોચ્ચ સાહેબ બદલાઈ ગયા. (નવા વહેવારની ચર્ચા કોઈએ કરવી કે નહીં?) વાતની વિગતમાં આપણે નહીં જઈએ. પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોએ ત્યાં શાક વેચવાનું બંધ કર્યું. ખેડૂતો વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ પર આવી ગયા. ગયે શનિવારે અમે શાકલેવા ગયા ત્યારે ખેડૂતો રસ્તા ઉપર શાક વેચતા હતા. એક વાત નોંધવા જેવી છે કે આ “ફાર્મ-ફ્રેશ” શાક-ભાજીની ગુણવત્તા બીજા લારી વાળાઓ કરતાં સારી હોય છે. શાકભાજીનો  ભાવ પણ યથા યોગ્ય હોય છે.

અમારા જેવા ગ્રાહકો ખુશ હતા કે ચાલો અમદાવાદમાં એક વિશ્વસનીય માર્કેટ તો થયું. પણ સરકારી અધિકારીઓની અધકચરી નીતિને કારણે “ફાર્મ-ફ્રેશ” માર્કેટ મૃત્યુને આરે આવી ગયું.

વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ ઉપર આ માર્કેટ ચાલુ રહેશે?

આ માટે તો જ્યોતિષશાસ્ત્રીઓને પૂછવું પડશે.

આમ તો બપોરથી શરુ કરી રાત્રીના ૧૦/૧૧ વાગ્યા સુધી અહીં ખૂમચાવાળાઓ, લારીવાળાઓ સહિત ફૂટપાથીયા ખાણીપીણીના ટેબલ ખૂરસીઓ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ જાય છે. ગુન્ડાઓને કોણ વધુ ભાડું આપશે તેના ઉપર પણ આધાર હોઈ શકે છે(!!). ભાઈ, કશું મફત થતું નથી.

જે સરકારી અધિકારીઓ એક સુવ્યવસ્થિત “ફાર્મ-ફ્રેશ વેજીટેબલ માર્કેટ” ન બનાવી શકે તેઓ આખા નગરને સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે?

જે સરકારી અધિકારીઓમાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની પહોંચ નથી તેઓ સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે? નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે “જેઓમાં પાદવાની પહોંચ નથી, તેઓના નામ તમે તોપખાનામાં નોંધાવી ન શકો.”

અથવા તો પછી એવું થશે કે જેમ મનમોહન સિંહે જાહેર કરેલ કે “અમે ગઈ ચૂંટણીમાં જે કંઈ વચનો આપેલાં તે બધાં પૂરા કરી દીધા છે.” વચનો તો બધા બભમ બભમ હોય છે. વચનોમાં વચન જેવું કશું હોતું નથી. ઈન્દિરાએ કહ્યું (૧૯૭૦) ”હું કહું છું ગરીબી હટાવો તેઓ કહે છે ઈન્દિરા હટાવો.” તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૨૫+ વર્ષ રાજ કર્યું પણ ગરીબી તો ન જ હટી. અને મનમોહને કહ્યું કે અમે બધા વચનો પૂરા કરી દીધા છે. કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.

જો રસ્તા ઉપરથી ઢોર હટાવવાની વાત હોય તો સરકારી નોકરો કહેશે કે અમે આ વરસમાં અત્યાર સુધીમાં “આટલા” ઢોર હટાવેલ અને “આટલો” દંડ વસુલ કરેલ. “આટલા” કૂતરા પકડેલ અને “આટલા” કૂતરાને ખસી કરેલ અને “આટલી” કૂતરીઓને કોપર ટી મૂકેલ. અમે સ્વચ્છતા માટે “આટલી” માનવ સાંકળો રચેલ અને “આટલી” જન જાગૃતિની મીટીંગો કરેલ. “આટલી” જગ્યાઓ ઉપર અમે કચરા પેટી મૂકેલ અને “આટલા” ટન કચરાનું સ્થળાંતર કરેલ.

અરે ભાઈ તમે કોઈ પણ એક દિવસ, વીડિયો કેમેરા લઈને નિકળો અને જુઓ કે કેટલા ઢોર રસ્તા ઉપર છે, કેટલા કૂતરાઓ રસ્તા ઉપર છે, કેટલો કચરો રસ્તા ઉપર છે …. રસ્તાની હાલત તો વાત જ જવા દો.

“ … કોઈની તાકાત નથી ….” નરેન્દ્ર મોદી

“જો દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે પોતે રસ્તા ઉપર કચરો નહીં નાખે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તે ભારતને સ્વચ્છ થતું રોકી શકે” આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. નરેન્દ્ર મોદીનું ઉચ્ચારણ એમ હોવું જોઇએ કે “જે સરકારી નોકરોને જે કામ કરવા માટે વેતન મળે છે તે કામ જો તેઓ નહીં કરે તો તત્કાલ તેઓ અચૂક ઘર ભેગા થશે. અને ખાલી પડેલી જગ્યા ઉપર જેઓ વેઈટીંગ લીસ્ટ ઉપર છે તેઓને તત્કાલ નોકરી માટે લેવામાં આવશે. મોટો ચમરબંધી અધિકારી હશે તેની પણ આવી જ દશા થશે.” જો આવું થશે તો જનતા જ કહેશે કે “ભારત સ્વચ્છ થયું છે.”

જેઓને કામ કરવાની સામે વેતન મળે છે તેને દંડિત કરો

જે પ્રાણીઓને પાળવામાં આવે છે તેઓ જન્મે કે તરત જ તેમનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. જો વાહનોનું રજીસ્ટ્રેશન થતુ હોય તો જે હળનું વહન કરે છે, જે દૂધનું વહન કરે છે, જે માલનું વહન કરે છે, જે મનુષ્યનું વહન કરે છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર આપવા જોઇએ. આમ કરવાથી  તે કતલ ખાને પણ જશે નહીં અને રસ્તાઓ ઉપર અડ્ડો પણ જમાવી શકશે નહીં.

જોકે પ્રાણીઓને રજીસ્ટ્રેશન નંબર આપવાથી કેટલાક પંચાતિયા લોકો અનેક પ્રશ્નો ઉભા કરશે.

જેમકે નંબર ક્યાં લગાવવો?

સમાચાર માધ્યમોને, કેટલાક કટારીયા લેખકોને, એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને અનેક વાંધા પડશે. જો તમે પશુનો રજીસ્ટ્રેશન નંબર ઓઈલપેન્ટથી લખશો તો તે ભૂસાઈ જશે, જો તેને ડામ દઈને લખશો તો એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને વાંધા પડશે. જો તમે પશુના ગળે નંબર પ્લેટ બાંધશો તો તે ક્યાંક ભરાઈ જવાના બનાવટી પ્રસંગો બનશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના જેવા “જૈસે થે” માનસિકતા વાળા રસ્તા ઉપર આવી જશે. પણ આ બધાનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવું પડશે.

ગુનો કર્યો એટલે દંડાયો જ

રોડ ટ્રાફિકને સીસીટીવી કેમેરાની પ્રોગ્રામ્ડ સીસ્ટમ દ્વારા મોનીટર કરી શકાય છે, આ સીસ્ટમ દ્વારા જ, મારામાર (પૂરપાટ) બાઈક ચલાવનારા, બાઈક ઉપર સ્ટંટ કરનારા, અવારનવાર લેવા દેવા વગર લેન ચેન્જ કરનારા, ખોટી દિશામાંથી ઓવરટેક કરનારા, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઓવર લોડ કરનારા, સીગ્નલને તોડનારા, સીગ્નલ પાસે ડાબી બાજુની લેનને બ્લોક કરનારા, સ્પીડ લીમીટ થી ૧૦ટકા વધુ સ્પીડથી ગાડી ચલાવનારા, આડેધડ પાર્કીંગ કરનારા, સફાઈ કોન્ટ્રાક્ટરોના ગાર્બેજ ટ્ર્કને ઓવર લોડ કરનારા અને રસ્તા ઉપર કચરો વેરનારા, દબાણ કરનારા, ચોરી કરનારા  સૌને ૧૦૦ ટકા દંડિત કરી શકાય છે. ગુનો કર્યો એટલે દંડાયો જ, એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. પણ સરકારને કરવી નથી. (નોકરો કહે છે અમે લૂંટીશું કેવી રીતે?)

જો આમ કરવામાં આવશે તો જ લોકોમાં રહેલી અરાજકતા અને અસામાજીક વર્તણુક દૂર થશે. જનતા કાયદાનું પાલન કરે તે જોવાની જેમની ડ્યુટી છે અને જેમને તે માટે પૈસા ચૂકવવામાં આવે છે તેમને જ્યાં સુધી દંડવામાં નહીં આવે ત્યાં સુધી “જનતાએ સુધરવું જોઇએ” એવી વાતો કરવી એ સરકારી નોકરોને છાવરવાની વાત છે.

કામનો બોજો કર્મચારીને બહાનાખોર બનાવે છે

જો તમે કામ ન કરો અથવા તો તમારા બોસે ચીંધેલુ જ કામ કરો અને બીજું તમારી ફરજમાં આવતું તમારું કામ ન કરો અથવા તો આરામથી કરો તો કામનો બોજ વધ્યા કરે છે અને તેથી કામનો ભાર લાગવા માંડે છે. જ્યારે કામ બોજા રુપ થઈ જાય ત્યારે તમારા કામમાં ક્ષતિઓ આવવાની છે. એટલે તમે કામ ઓછું કરવાના કે ન કરવાના બહાના શોધો છો. તમે ફરીયાદી થઈ જાઓ છો. તમારી વિચાર શક્તિ ઘટે છે અને તમારી કુશળતા પણ ઘટે છે. સરકારી નોકરોને સરકારે આવા કરી દીધા છે. આમાં ન્યાયાધિશો પણ આવી જાય છે.

તમે દારુની મહેફિલમાં મજા માણતા પકડાયેલા માલેતુજારોને લગતા સમાચારો વાંચ્યા હશે. પણ તમે તેના કેસ કેવી રીતે ચાલે છે, કેસની કૉર્ટની કાર્યવાહી કેવીરીતે ચાલે છે, તેના વાર્તાલાપો, દલીલો અને ન્યાયાધીશના ચૂકાદાઓની વિગતો તમને સમાચાર માધ્યમો દ્વારા જાણવા નહીં મળે. આ બધું બાંધી મુઠ્ઠીમાં રહેશે. ભાઈ કશું મફત થતું નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સ્માર્ટ સીટી, ગુણધર્મો, પાદવાની પહોંચ, તોપખાનુ, ચોર, ચોકીદાર, માલિક, ન્યાયાધીશ, ચોરીનો માલ, સજા, ઇમ્પેક્ટ ફી, રીડેવેલપમેન્ટ, અમદાવાદ, મુંબઈ, ખાણી પીણી, ગલ્લા, ખૂમચા, દબાણ, ગેરકાયદેસર, પ્રેમચંદનગર રોડ, સીજી રોડ, એસ જી રોડ, ટ્રાફિક પોલીસ, મોબાઈલ, સચિવાલય, સરકારી નોકરો, વાહન, પશુ, વસ્ત્રાપુર, ફાર્મ ફ્રેશ વેજીટેબલ માર્કેટ, ઈંટરલોકીંગ ઈંટો, ખેડૂત, પાર્કીંગ, સુવ્યવસ્થિત, હરિ હરિ, શાકભાજી

Read Full Post »

એક સંકુલનો એક માળસમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૪. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ખાદ્ય ચીજોના ઉત્પાદનને લગતી નીતિઓ એટલે કે અન્ન, ફળ, ઘાસ, ફુલ, મૂળ, પશુપાલન, દૂધ વિગેરે બાબતોમાં કેવી પ્રક્રિયાઓ અપનાવવી તે   “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૩”માં જોયું.

ટૂંકમાં ઘાસ, અન્ન, ફુલ, મધ, મૂળ જેવા પદાર્થો ઉત્પન્ન કરવા માટે જમીનનો ઉપયોગ ન કરવો.

હા, તમે વૃક્ષની નીચે રહેલી જમીનનો ઉપયોગ જેતે ખાદ્ય પદાર્થો જેવા કે ઉગી શકે તેવા ઘાસચારા, ફુલ કે ખાદ્ય કંદમૂળ ઉગાડી શકો છો. વટવૃક્ષની નીચે કુટીર બનાવી શકો છો. જેનો તમે રહેઠાણ કે ગૃહ ઉદ્યોગ તરીકે ઉપયોગ કરી શકો છો.

ઘાસ, અન્ન, ફુલ, મધ, મૂળ જેવા પદાર્થો ઉત્પન્ન કરવા માટે બહુમાળી મકાનો બનાવવા પડશે. ગેલેરીઓમાં ફુલ અને શાકભાજી ઉગાડવા પડશે.

તો હવે શું ખેતરો નષ્ટ કરી દેવા પડશે?

તાત્કાલિક કશું થઈ શકતું નથી. પણ આ દિશામાં ગતિ કરવી પડશે. આનો પ્રારંભ શહેરની નજીકના ખેતરો થી કરવો પડશે.

ભારતમાં નગરોની નજીક રહેલી જમીનના ભાવો આકાશીય થઈ ગયા છે.

જમીન માફિયાઓ, જનપ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ અને સરકારી અફસરોની મિલિભગતથી વ્યાપકરીતે અરાજકતા વ્યાપી રહી છે.

સામાન્ય ખેડૂત પણ એક જ જમીનનો ટૂકડો વેચવા માટે અનેક પાસેથી બાનાખતના પૈસા પડાવે છે.

જમીનની માલિકીને લગતા પારવિનાના કેસોનો ન્યાયાલયોમાં ભરાવો થયેલો છે.

જમીનનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઇએ

નગરની નજીક રહેલી જમીનનો ભાવ અત્યારે એકચોરસવારના ૧૦૦૦૦ રુપીયા તો છે જ. આ ભાવ એક ચોરસવાર બાંધકામ કરતાં લગભગ ડબલ છે. ભ્રષ્ટચાર કરવા માટે જનપ્રતિનિધિઓ, સરકારી અફસરો, જમીન માફીયાઓ અને બીલ્ડરોની દાઢ સળકે છે.

“અમે જમીન નહીં આપીએ”,

“અમારે તો ખેતીજ કરવી છે,

ખેતી સિવાય અમારે કશું કરવું નથી,

ધરતી અમારી માતા છે,

અમે તો ધરતીના પૂત્રો છીએ,

“અમે પ્રાકૃતિક જીવનમાં માનીએ છીએ,

“સરકાર ગૌચરની જમીન વેચી રહી છે,

“ભારતીય સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે”,

“ભારતીય પરંપરાનો નાશ થઈ રહ્યો છે,”

“જગતના તાતને આત્મહત્યાઓ કરવી પડે છે,”

આવી અનેક વાતો જનતાના બની બેઠેલા પ્રતિનિધિઓ, નેતાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ચગાવે છે. વાસ્તવમાં તો ભરવાડો અને રબારીઓ ગૌચરની જમીનનો કબજો જમાવી લે છે અને જમીન માફીયાઓ પણ પોતાનો ભાગ ભજવે છે.

સંભવ છે ક્યાંક ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હશે અને ખોટું થઈ રહ્યું હશે. કેટલાક કિસ્સાઓમાં સામાજીક રીતિરિવાજો પણ કારણભૂત હોય છે. આ બધા ઉપર સંશોધન થવું જોઇએ. સરકારે કસુરવારોને જેલભેગા કરવા જોઇએ.

ટૂંકમાં જો જમીનને લગતી સમસ્યાને જડમૂળમાંથી નષ્ટ કરવી હોય તો વ્યક્તિના જમીનની માલિકીને લગતા હક્કો નષ્ટ કરવા પડશે. બીજી સ્થાવર મિલકતને લગતા હક્કોને પણ નિયંત્રિત કરવા પડશે.

મકાનના હક્કોઃ

મકાનો જમીન ઉપર થાય છે. એટલે કઈ જમીન નો ઉપયોગ કેવા મકાનો માટે કરવો તેના માટે શાસન નિયમો બનાવશે.

સમજી લો આપણે બહુમાળી મકાનોના સંકુલો તરફ જઈ રહ્યા છીએ.

જો ગામડાંઓને એટલે કે જમીનના એક હિસ્સામાં રહેતી વસાહતને સંકુલમાં ફેરવવી પડશે. સંકુલ એટલે એક એવું બહુમાળી મકાન જેમાં કુટુંબોને રહેવા મળતું હોય, દુકાનો હોય, સ્વકીય ગ્રામોદ્યોગ-ધંધાઓ હોય, શાળા હોય, જરુરી અને પરવડે તેમ હોય તો કોલેજ પણ હોય, સરકારી કાર્યાલયો હોય, વાહનો અને પશુઓને રાખવાની સગવડ હોય, ગોદામો હોય, બસસ્ટેન્ડ હોય, કસરત અને ખેલકુદની વ્યવસ્થા હોય.

સંકુલ કેવું હશે?

સંકુલ એક બહુમાળી મકાન હશે,

આ સંકુલની રચના જે જમીન ઉપલબ્ધ હશે તેને અનુરુપ હશે.

એક નમૂના રુપ સંકુલ અહીં દર્શાવેલ છે.

આ સંકુલ ના કોલાઓ પ્રબલિત કાંકરેટ એટલેકે અંદર લોઢાના સળીયા કે તાર નાખેલું કોંકરેટના ચણતરથી બનેલું હશે. આ આર.સી.સી. કોલાઓ છે.

આ એક કોલો પાંચ મીટર લાંબો, પાંચ મીટર પહોળો અને ત્રણ મીટર ઉંચો હશે.

એટલે કે કોલાઓની હરોળનો ઉપયોગ રહેઠાણ કે સામાન્ય ઉપયોગ એટલે કે પેસેજ, દાદરો કે લીફ્ટ તરીકે કરાશે. બાકીની હરોળોનો ઉપયોગ રહેઠાણો તરીકે થઈ શકશે. કોલાને ૨૫ ચોરસમીટરનો ખંડ બનાવી શકાશે. આ ખંડને દિવાલો નહીં હોય. પણ ૪ મીટર લાબી અને દોઢ મીટર પહોળી એવી બે ગેલેરીઓ સંલગ્ન હશે. આ ગેલેરીઓ લોખંડની જાળીઓથી જડેલી હશે જેથી કોઈ તે ગેલેરીમાંથી નીચે કચરો નાખી ન શકે કે પાણી ઢોળી ન શકે.

 

ઉપરોક્ત ચિત્રમાં બીજો માળ બતાવવામાં આવ્યો છે.

જમીન તળ દુકાનો અથવા અને કાર્યાલયો હશે. આ કોલાઓને ગેલેરી નહીં હોય અને કોલાઓ સળંગ હશે. તેથી પેસેજની બંને બાજુ સળંગ ૨૦+૨૦ એમ ૪૦ દુકાનો માટેના કોલાઓ હશે. જે તે દુકાનદારને તેને અનુરુપ દુકાનના કોલાઓ વેચવામાં આવશે. એક વેપારી કે કારીગર એક કરતા વધુ કોલાઓ ખરીદી શકશે.

રહેઠાણની સંપત્તિના નિયમોની રુપરેખાઃ

શાસન, કોલાઓનું જુદાજુદા ઉપયોગ માટે વર્ગી કરણ કરશે અને તે પ્રમાણે તેનું વેચાણ કરશે. જેમકે, વેપાર, સેવા, કાર્યાલય, ગૃહ ઉદ્યોગ, શાળા, કોલેજ, રહેણાંક વિગેરે

વેચાણ લેનાર તેની માગણી અનુસાર એક કરતા વધુ કોલાઓ ખરીદી શકશે. પોતાના કોલાઓમાં માલિક વિભાગો કરી શકશે. પણ તોડફોડ કરી શકશે નહીં.

જો આ કોલાઓ પ્રજાની સંપત્તિના વિનિયમયમાં થયા હશે એટલે કે જેણે જેટલી જમીન શાસનને પરત કરી હશે તેના કરતાં અઢી ગણા વિસ્તારની સીમા જેટલા કોલા-વિસ્તાર આપવામાં આવશે. આમાં ૨૦ ટકા ની બાંધછોડ કરી શકાશે.

જેઓએ જમીન વગરનું મકાન શાસનને આપ્યું હશે તેને તેના માલિકીના વિસ્તારના દોઢ ગણા જેટલા રહેણાકના કોલાવિસ્તાર આપવામાં આવશે. તેમાં પણ ૨૦ ટકાની બાંધછોડ કરી શકાશે.

આ કોલાઓ તેણે જે તે વ્યવસય માટે લીધા હોય તે વ્યવસાય જ કરી શકશે.

કોલાઓની માલિકી અને ભોગવટાના હક્ક, જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ, બીજી વ્યક્તિ કે બીજા વ્યક્તિ સમૂહને વેચી શકશે. પણ તેનું મૂલ્ય સરકારે નિશ્ચિત કર્યું હશે. શાસન તે મિલ્કતનો કબજો લઈ તે વેચાણ કે ભોગવટાના હક્ક લેનારને તે મિલ્કતનું હસ્તાંતરણ કરશે. મિલ્કતના વેચાણના કિસ્સામાં શાસન તે મિલ્કતની ૬ ટકા કિમત પોતાની પાસે રાખશે.

ભોગવટાના હસ્તાંતરણના કિસ્સમાં શાસન, મિલ્કતના વાર્ષિક ભાડાના દશ ટકા દર વર્ષે વસુલ કરશે. આ રકમ શાસન, આગોતરી વસુલ કરશે. મિલ્કતનો માલિક, ભોગવટાના હક્કનું આગામી વર્ષમાટેનું મૂલ્ય દર હિસાબી વર્ષના પ્રારંભે પોતાની મરજી પ્રમાણે નક્કી કરી શકશે.

એટલે કે જો મિલ્કતનો માલિક મિલ્કતના ભોગવટાનું (ભાડાનું) મૂલ્ય ભોગવટાનો હક્ક તારીખ ૧૫-૦૧-૨૦૧૪ ના રોજ આપે છે. તો તે તેજ સમયે ૦૧-૦૨-૨૦૧૫થી શરુ થતા વર્ષમાટે ભાડું નક્કી કરી જણાવશે. શાસન ભાડાખતનો એક નમૂનારુપ દસ્તાવેજ બનાવશે. તેમાં રહેલાં પ્રાવધાનો દરેક માલિકે અને ભાડવાતે માનવા પડશે. આ ઉપરાંતના પ્રાવધાનો માલિક ઇચ્છે તો ઉમેરી શકશે.

અનિવાર્યપણે વેબ સાઈટ

દરેક ધંધાદારી કે કારીગર જાહેર સેવા કરનારી વ્યક્તિએ સરકાર દ્વારા સૂચિત પ્રાવધાનો વાળી વેબ સાઈટ શાસનને આપવી પડશે. શાસન, તેને તે સંકુલની વેબસાઈટમાં એક લીંક તરીકે ગોઠ્વશે. આ વેબ પેજ ઉપર મિલ્કતની વિગત, ધંધાની વિગત, મિલ્કતનો માલિક, ભોગવનાર, પોસ્ટલ એડ્રેસ, સંપર્ક ઈમેલ એડ્રેસ વિગેરે વિગતો દર્શાવવી પડશે. આમાં થનારા ફેરફાર માટે મિલ્કત ના ભોગવાનારે ૧૫ દિવસ પહેલાં નોટીસ આપવી પડશે.     

કૌટૂંબિક હસ્તાંતરણના કિસ્સાઓમાં, શાસન, કશી વસુલી કરશે નહીં. વસિયતનામામાં જેનું નામ લખાયેલું હશે કે નોમીનેશન જેના નામે હશે તેને થતા હસ્તાંતરણમાં શાસન, કશી વસુલી કરશે નહીં. મિલ્કતને ગીરો રાખી શકાશે પણ તે માટેની નોંધણી શાસનમાં કરાવવી પડશે.

રહેણાંકના મકાનો કેવા હોવા જોઈએ તે વિષે વિગતો તપાસીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગ્રામ્ય, શહેર, જમીન, ખેતર, મકાન, સંકુલ, કોલો, મિલ્કત, માલિક, ભોગવટો, ભાડવાત

 

Read Full Post »

કોણ હડતાલ ઉપર ન જઈ શકે? 

સરકારના કે કોઈના પણ અન્યાયકારી વ્યવહાર કે વર્તન સામે અહિંસક માર્ગે પ્રતિકાર કરી પ્રતિભાવ આપવો એ લોકશાહીમાં માન્ય પ્રણાલી છે.

આપણે સરકારની સામે વ્યક્ત કરવામાં આવતા પ્રતિભાવોની અને તે પણ “હડતાલ” દ્વારા વ્યક્ત થતા વિરોધ વિષે જ વાત કરીશું.

 આમ તો સરકાર વિષે વાત કરીએ ત્યારે આપણે આપણી વિષે જ કે દેશ હિત વિષે જ વાત કરીએ છીએ તેમ માની શકાય. અને જો સરકારના અંગો બરાબર કામકરતા હોય તો વિરોધની તો વાત જ ન થાય. બહુબહુ તો સંવાદ અને ચર્ચા થાય જેથી સરકારના અંગોની કાર્યદક્ષતા અને ચર્ચામાં ભાગલેનારા અને ચર્ચાને લક્ષમાં લેનારાઓના જ્ઞાન વધે.

અન્યાય એટલે શું?

મૂળભૂત રીતે જોઇએ તો કોઈ વ્યક્તિને તેના સમૂહને પૂરતા લક્ષમાં ન લેવો તેને તેની ઉપર અન્યાય કર્યો છે એમ કહેવાય. પણ કોઈ  વ્યક્તિને આપણે લક્ષમાં ક્યારે લઈએ છીએ?

 વ્યક્તિની ઓળખ તેના કામથી થાય છે. આ કામ તેને સોંપેલું અને અથવા તેણે સ્વિકારેલું હોય અને પુરસ્કાર રુપે, બદલારુપે, કે ભાવનાત્મક રીતે કે સ્થૂળ રીતે જે કંઈ આપવામાં આવે અને તેનાથી જો તે વ્યક્તિને સંતોષ થાય કે તેની “યોગ્ય કદર થઈ છે” એમ તેને લાગે તો તેને ન્યાય થયો છે. આમાં જો કોઈ નકારાત્મક ક્ષતિ આવે તો તેને અન્યાય થયો છે તેમ લાગે તો અને અથવા તેને અન્યાય થયો કહેવાય.

સરકારના અંગોમાં જે વ્યક્તિઓ કામ કરતી હોય છે તેને ભાવનાત્મક બદલા રુપે અને વિભાગીકરણ અર્થે નામ પાડેલા હોદ્દાઓ અને વેતનો આપવામાં આવે છે. તેઓ કામ સરળતાથી કરી શકે શકે તે માટે સગવડો આપવામાં આવે છે. આમાં ક્યારેક કર્મચારીઓને કોઈપણ જગ્યાએ કોઈ કારણસર અસંતોષ થાય તો અન્યાયની ભાવના ઉભી થાય છે. સરકારને પણ જો એમ લાગે કે કર્મચારીનું કામ બરાબર થતું નથી તો તેનામાં પણ અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના બન્ને તરફ હોય છે.

સરકારનું કામ સ્વસ્થ સમાજ બનાવવાનું છે.

તેમાટે અને સૌને માટે નિયમો બનાવ્યા હોય છે. કામ કરવાના નિયમો અને સરકારી પ્રતિભાવોના (સજાના) નિયમો. કર્મચારી માટે કામકરવાની પદ્ધતિના નિયમો, અને પ્રતિભાવ (આવેદન પત્ર, હડતાલ વિગેરે) વ્યક્ત કરવાની પદ્ધતિના નિયમો.

સરકારના અંગો ઘણા છે. તેમાં આપણે ફક્ત ન્યાયતંત્રના વકિલો, પોલીસ અને સરકારી સુશ્રુષા રુગ્ણાલયોના કાર્મિકો જેવા કે ચિકિત્સકો.

 જ્યાં ક્યાંય અને જ્યારે ક્યારેય ક્યાંય અન્યાય થાય ત્યારે તે અને તેનું પ્રમાણ નક્કી કરવાનું આખરી કામ ન્યાયતંત્ર કરે. આમાં નિયમોને સમજવામાં જેમને નિષ્ણાત સમજવામાં આવ્યા છે એવા હોદ્દાનામ ધારી ન્યાયધીશ હોય અને રજુઆત કરનાર વકીલ હોય.

સરકારી દ્રષ્ટિએ સમાજની સ્વસ્થતા અને આમ જનતાની સગવડો માટે જે નિયમો બનાવ્યા છે તેનો બરાબર અમલથાય તે માટે અલગ અલગ હોદ્દાનામ ધારી કર્મચારી ગણ હોય છે. સ્વસ્થ સમાજ માટે વ્યક્તિએ શરીરનું અને પોતાની અર્જિત સગવડોનું (મિલ્કતનું) પણ રક્ષણ કરવાનું હોય છે તે માટે પોલીસ તંત્ર હોય છે.

જનતાના પ્રતિનિધિઓઃ
આ અમલ કરનારા ગણ ઉપર નિરક્ષણ કરવાનું અને જરુર પડે નવા કાયદાઓ અને પદ્ધતિઓ બનાવવાનું કામ આમ જનતાના પ્રતિનિધિઓ ને સોંપેલું હોય છે.

 વ્યક્તિને અન્યાય બે રીતે થાય. કાયદાના ખોટા અર્થ ઘટન થી અન્યાય થાય. અને કોઈ કાયદાના અભાવથી અન્યાય થાય.

 કાયદાના યોગ્ય અર્થ ઘટનની રજુઆત કરવાનું કામ વકીલોનું છે.

 ન્યાયધીશોનું કામ તેની ઉપર નિર્ણય કરવાનું છે. જો કાયદો જ અન્યાયકારી હોય તેવી રજુઆત ન્યાયધીશને યોગ્ય લાગે તો તે તેને રદ જાહેર કરી શકે અથવા તો તેને યોગ્યરીતે સુધારવાનો સરકારને આદેશ આપી શકે. અથવા નવો કાયદો બનાવવાનો આદેશ આપી શકે. જો સરકાર કાયદો ન બનાવે તો? તો જનતા તેના પ્રતિનિધિઓને બીજી વખત પ્રતિનિધિ ન બનાવે.
સૌ પ્રથમ વકીલ ની વાત કરીએ.

વકીલભાઈઓ તો કાયદાના જાણકાર અને યોગ્ય અર્થઘટન માટ્ટે રજુઆત કરનારા હોય છે. એટલે જો તેમને અન્યાય થાય તો તેઓ તો તૂર્ત જ પોતે પોતાનો કેસ ન્યાયાલયમાં રજુ કરી ન્યાય મેળવી શકે અથવા જરુરી આદેશ મેળવી શકે. જો કાયદાનો અભાવ હોય તો ન્યાયાલય જરુરી આદેશ સરકારને અપાવી આપી શકે. (આપણે કોઈ દિવસ કાયદાના અભાવને લીધે વકીલો હડતાલ ઉપર ગયા હોય એવું સાંભળ્યું નથી. પણ વકીલભાઇઓને “વહીવટ”માં પડેલી મુશ્કેલીઓને ન્યાયખંડની બહાર હડતાલ રુપી શસ્ત્રથી દબાણ ઉભું કરી વહીવટી નિર્ણયો કરાવવાના પ્રયત્નો કરે છે)

 જો આ રીતે વકીલભાઈઓ હડતાલ ઉપર જાય તો જેઓને તેમની ઉપર થયેલા અન્યાય સામે વકીલભાઈઓ થકી ન્યાયાલયમાં ગયેલા છે તેમના કામ અટકી પડે છે. તેથી ન્યાયનું કામકાજ અટકી પડે. એટલે કે ન્યાયિક પ્રક્રીયા જ અટકી પડે. વકીલભાઈઓએ તો જો તેમને કોઈપણ જાતનો અન્યાય થયો હોય તો તેઓએ તો ન્યાય મેળવવા માટે ન્યાય તંત્રનો આશરો લેવો જોઇએ. તેઓ તો પોતે જ વકીલ હોય છે. એટલે વગર પૈસે જ રજુઆત કરી શકે.

ન્યાયધીશોએ કદીય પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ હડતાલનો માર્ગ અપનાવ્યો હોય એવું સાંભળ્યું નથી. જો તેઓ હડતાલ ઉપર જાય તો તેમને માટે પણ આજ વાત લાગુ પડે છે.

 પોલિસ તંત્ર

પોલિસ તંત્રનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું હોય છે. જો તેઓ હડતાલ ઉપર જાય તો આમપ્રજાના જાનમાલ જોખમમાં આવે જ. મનુષ્યનો કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. જો પોલીસો હડતાલ ઉપર જાય તો મનુષ્યના આ અધિકારને હાની થાય છે. આ અધિકારનું હનન કદી ભરપાઈ થઈ ન શકે. આ કારણસર પોલિસગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 ડોક્ટર ભાઈઓનું કામ લોકોના રોગોને દૂર કરવાનું છે. એટલે કે દર્દીની ચિકિત્સા કરવાનું છે. જો ડોક્ટરો હડતાલ ઉપર જાય અને ચિકિત્સા કરવાનું બંધ કરે તો, દર્દીની ઉપર જાનનું જોખમ આવી જાય એટલું જ નહીં ઘણા દર્દીઓનો જાન જતો પણ રહે. જો કોઈ ડોક્ટર દર્દીની જાણી જોઈને ચિકિત્સા ન કરે અને તે દર્દી મરી જાય તો આ તો ખુન જ ગણાય. એટલે ડોક્ટરો અને સંલગ્નગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 વકીલો અને ન્યાયધીશોને જ્યાં લાગે વળગે છે ત્યાં તેઓ તો ન્યાય માટે ખુદ લડી શકે છે. ન્યાયમાં ઝડપ વધારવી કે ઘટાડવી તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.

તો પછી હડતાલનું શસ્ત્ર કોણ ઉગામી શકે?

 કારણ કે દરેક કર્મચારીગણ એક યા બીજી રીતે આમ જનતાના જાનમાલના રક્ષણ માટે જવાબદાર છે. પણ પોલીસ તંત્ર અને ડોક્ટરો નિરપેક્ષરીતે સીધાજ જવાબદાર છે. તેથી ન્યાય મેળવવા માટે તેઓ પોતાની સુખાકારી માટે બીજા મનુષ્યોના પ્રાણની આહુતિ આપી ન શકે.

આમ જનતા કે જે તમને થતા અન્યાય માટે જવાબદાર નથી તેને બાનમાં લઈ તેને નુકશાન થાય તે રીતે કોઈ હડતાલ ઉપર ન જ જઈ શકે.

 કામ નહીં તો દામ નહીં

એટલે કે કામ નહીં તો વેતન નહીં. આવું અર્થઘટન સર્વોચ્ચ ન્યાયાલયે કરેલું છે. તેનું અર્થઘટન કે તારવણી એ પણ થઈ શકે કે વેતન નહીં તો કામ નહીં. એટલે કે જો તમને વેતન ન આપવામાં આવે તો તમે કામ બંધ કરી શકો. લેબર કમીશ્નર સામે ચાલીને વેતન નહીં આપવા બદલ માલિકને દંડિત કરી શકે છે.

અપ્રમાણ વેતનની એવી તારવણી થઈ શકે કે વેતનમાં અપૂર્ણતા હોય કે અવાસ્તવિક હોય એટલે કે અન્યાયકારી હોય તો તેને અનુરુપ પ્રમાણમાં કામ કરી શકાય. પણ આ વિષે કોણ નક્કી કરી શકે? ન્યાયાલય જ કરી શકે. જો કે આ માટે લેબર કમીશ્નરો હોય છે. અને વિશેષ ટ્રીબ્યુનલો રચી શકાય. વાસ્તવિકરીતે હડતાલ ઉપર જવાની જરુર પડતી નથી.

 એવું સાંભળવા મળેલ કે જાપાનમાં વાસ્તવિક રુપે હડતાલ ઉપર જવાતું નથી. જ્યારે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે કર્મચારી ગણ નોટીસ આપી પોતાનો કેસ રજુ કરે અને પછી હડતાલની નોટીસ આપે. અને પછી હડતાલ જાહેર કરે. આ હડતાલમાં કામ તો કરવાનું જ. પણ “હું હડતાલ ઉપર છું એવી પટ્ટી લગાવવાની. ટ્રીબ્યુનલ ચૂકાદો આપે ત્યારે તેનો પાછલી તારીખથી અમલ કરવાનો. ભારતમાં પણ આવી રસમ અપનાવી શકાય.

 વાસ્તવિક રીતે પડતી હડતાલમાં હિંસા રહેલી છે. હડતાલ અને બંધ સમગ્ર જનતા જ પાડી શકે અને તેમાં પણ આવશ્યક સેવાઓ તો ચાલુ જ રાખવી પડે. કોઈ એક જુથ પોતાની સુખાકારી કે કહેવાતા અન્યાયને દૂર કરવા માટે હડતાલ કે બંધ પાડી કે પડાવી ન શકે. તે માટે તો ન્યાયાલયો છે. અને કાયદાનો અભાવ હોય તો કાયદો ઘડવા માટે જનપ્રતિનિધિઓ છે,

 

પણ જો સરકાર કે સંસ્થા દાદ ન આપે તો શું? આવી બાબતમાં લેબર કમીશ્નરે પોતાની ફરજ સમજવી જોઇએ. અને જો કોઈ સરકારી સેવાની ક્ષતિને કારણે કે સંસ્થાની ક્ષતિને કારણે અન્યાય પામે તો લેબર કમીશ્નરે ખુદ ન્યાયાલય પાસે જવું જોઇએ.

 સરઘસ, દેખાવો, ધરણા, ઉપવાસ અને સંવાદઃ

લોકજાગૃતિ માટે કામબંધ રાખ્યાવગર અને સંવાદ ચાલુ રાખીને આ બધું થઈ શકે. પણ લેબર કમીશ્નરની ફરજ છે કે આવા પ્રસંગો એટલે કે સરઘસ, દેખાવો અને ધરણા એ પણ હિંસા છે અને આમજનતાને અવગડરુપ બને છે. ઉપવાસ એ ગંભીર અન્યાય સામેનું શસ્ત્ર છે. અને જો કોઇને આનો સહારો લેવો પડે તો જવાબદાર સંસ્થાને યોગ્ય સજા થવી જોઇએ.

 જનતાના માહિતિના અધિકારનું જો યોગ્ય પાલન કરવામાં આવે તો અને જવાબદાર કર્મચારી ને ક્ષતિ કરવા બદલ યોગ્ય નશ્યત કરવામાં આવે તો વ્યક્તિગત રીતે કોઈને અન્યાય ન થાય.

 મોટા ભાગના અન્યાયો આર્થિક અન્યાયો હોય છે. શિક્ષણ અને આરોગ્ય મફત હોય અને સૌને માટે સુવાધાઓ સુલભ હોય તો હડતાલોને ટાળી શકાય. આ અશક્ય નથી.

 પણ હાલતૂર્ત તો વકીલ, ડોક્ટર અને પોલીસ ગણની હડતાલ ઉપર કાયદેસર બંધી હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે

Tags:

અન્યાયઉપવાસગણઘેરાવજનતાના,ડોક્ટરતંદુરસ્તધરણાન્યાયન્યાયધીશ,

Read Full Post »

%d bloggers like this: