Feeds:
Posts
Comments

Posts Tagged ‘માલેતુજાર’

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

કોણ તોડશે મિલીભગત?

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.

તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે માસમાં ખાડાઓ પૂરી તો. કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની  ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત નહતી.

આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર  સતત વરસાદ પડે  તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.

રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?

રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ હોય એટલે પાણીને જવાની જગ્યા હોય.

ગટરો શા માટે બંધ થઈ જાય?

કારણ કે ગટરોમાં કચરો હોય.

ગટરોમાં કચરો શા માટે હોય?

કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.

રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી)  હોય. તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. ગટરોની સફાઈ પણ્ ઢગલીસીસ્ટમ થી થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.

પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?

ઉપરોક્ત અફલાતુન પ્રણાલી ફક્ત મુંબઈની વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને  ગામડાં,  બધાની આવી રીતરસમો છે.

રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.

ટેન્ડર ના સ્પેસીફીકેશન એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે . રીસરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.

એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!

વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.

વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.

તમારી આદતો જનતા સુપેરે જાણે છે.

જનતાને ખબર છે કે સરકાર % કામ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને  કરાવડાવીઆટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યાહે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!

હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.

મ્યુનીસીપાલીટીનું બીજું નામ છેશહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ થાય, લોકોની તંદુરસ્તી …. બધું આવી જાય.

ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.

સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?

શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો , એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.

૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?

ના જી, અશક્ય તો કશું નથી.

તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.

જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.

અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે  સીગ્નલનો ભંગ કર્યો કે તરત સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને મેલ દ્વારા મોકલાઈ જાય. દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ કર્યો અને પૈસા પણ ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.

અમને પૈસા ખાવા દો” 

પણ આવું થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ભર્યા. ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.

સરકારી અધિકારીઓએ કહ્યું કેવાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.

જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”

પહેલાંની જેમ ,  ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?

ધારો કે,

ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી તમને તમારું જપ્ત કરેલું  વાહન પરત મળશે.

મેમોના કેસમાં પણ આવું થઈ શકે.

સરકારી માણસ (ટ્રાફિક પોલીસકહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ ક્યાં છે!!!

અરે ભાઈ, મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું નથી. એટલે તો અરાજકતા વધતીને વધતી જાય છે.

અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.

ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ કરવાની પણ સત્તા મળી જાય છે.

ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને ખબર નથી?” 

ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.

સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.

સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ

() રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી જોઇએ. આટલી  જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.

() મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.

() મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને  સાઈન બોર્ડ બનાવોમકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું પડે.

() દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો તેને દુકાન કરવાની પરમીશન આપોપાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે  એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન  કે લારી ગલ્લો કે પાથરણાવાળો હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.

પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી  માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.

() સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.

() રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.            

() રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ  હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.

() આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.

(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધીછૂટ્ટીજેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ

ટ્રાફિક નિયમોના ભંગ

() બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ  હેલમેટ પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ બાંધવો.

() મોબાઈલ કાને લગાડવો.

() માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,

() અવારનવાર લેન બદલવી,

() સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા

() ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ચલાવવુ.

() લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું

() આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,

() ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.

(૧૦) સીગ્નલનો ભંગ કરવો,

(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું

(૧૨ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.

(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.

(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,

(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ બાંધવો.

(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા આપવી

(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક કરવી

(૧૮) સીગ્નલ આપવું

 (૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલલાઈટ અને લોંગ લાઈટ રાખવી,

(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,

(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા  ડેમેજ્ડ  કંડીશનમાં રાખવી,

(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક કરાવવું.

(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો રાખવા,

(૨૪) સ્પેર વ્હીલ રાખવું.

(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી

હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?

અરે ભાઈ કહેવાની જરુર નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?

જો સરકારી નોકરો જવાબદાર બનશે તો તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi–Part – 2.

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૨

સંત રજનીશમલ પ્રવિચાર યા પ્રવચન શૈલી નાટ્યરુપાંતરણમ્

ભક્ત એટલે આચાર્ય રજનીશ યા ભગવાન રજનીશ યા ઓશો રજનીશ યાઓશોયા સંત સંત રજનીશમલ યા આજ પ્રભુનો જીજ્ઞાસુ અનુયાયી.

ભક્તઃપ્રભો! પ્રેમ શું છે?”

પ્રભુ ઉવાચઃ જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ. તેમણે કરુણાનો સાક્ષાત્કાર કરેલોકરુણાનો સાક્ષાત્કાર બુદ્ધને કોણે કરાવ્યો. સુજાતાના હૃદયમાં કરુણા હતી. તેણે ખીર દ્વારા બોધિવૃક્ષની નીચે તપ કરતા પણ ક્ષુધા પીડિત એવા બુદ્ધને કરુણાનો સાક્ષાત્કાર કરાવ્યો. બુદ્ધમાં કરુણા તો હતી . પણ સુજાતાની ખીરથી તેમને કરુણાનો સાક્ષાત્કાર થયો. તેઓ કરુણામય બન્યા હતા. તેઓ કરુણામય થયા તેથી તેઓ સમગ્ર જગતને પ્રેમ કરતા થયા. જગતની દરેક એન્ટીટીઓ પ્રત્યે તેમને કરુણા હતી. પછી ભલે તે વાઘ, અજગર કે સર્પ પણ કેમ હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં ભલા હિંસા ક્યાંથી હોય?

RAJNISH RADHA KRISHNA

પ્રેમ અને કરુણા

પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય. કરુણા અને પ્રેમને તમે જુદા પાડી શકો. “કૃષ્ણ અને રાધાને સમજોત્યાં સુધી તમે પ્રેમને પણ સમજી શકો અને કરુણાને પણ સમજી શકો. કૃષ્ણ પ્રેમ છે અને રાધા કરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા  છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક ઈશ્વરીય સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરની રાધા કલ્પી શકાયકારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.

ભક્તઃ પ્રભો, બંસી શું છે? કૃષ્ણ ની બંસીના સૂર થી રાધા ઘેલી બને છેએટલે શું?

પ્રભુ ઉવાચઃ બંસીના સૂર ઈશ્વરનો આલાપ છે. ઈશ્વરનો આલાપ સૌને ઘેલા ઘેલા કરી દે છે. કૃષ્ણ મહાયોગી હતા. યોગીઓના ઈશ્વર હતા. “યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર … ”. જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાથી રાધા શરુ થઈ જાય છે તે ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા. બંસીના સૂરના સ્પંદનોનો પ્રભાવ છે. બંસીના સૂરો જે કૃષ્ણે રેલાવ્યા હતા તે અદ્ભૂત હતા. તેમાં અદ્ભૂત ઉર્જા હતી. ઉર્જા કદી નાશ પામતી નથી. શ્રી કૃષ્ણે જે વૃન્દાવનમાં, બંસીના સૂરો રેલાવ્યા તે સૂરો આજે પણ છે. કારણ કે સ્પંદનો નાશ પામતા નથી. સ્પંદનોની ઉર્જા નાશ પામી શકતી નથી. વિજ્ઞાન હજુ પૂરતું વિકસ્યું નથી કે જે અવિનાશી ક્ષીણ થયેલી ઉર્જાને એમ્પ્લીફાયરથી મોટી કરી શકે. જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત થશે ત્યારે તે સ્પંદનોને શ્રાવ્ય બનાવી શકશે અને સૌ કોઈ વૃન્દાવનમાં જઈ કૃષ્ણની બંસીના આલ્હાદક સૂરોને સાંભળી શકશે.

ભક્તઃ પ્રભુ! ગોપીઓ …

પ્રભુ ઉવાચઃ કૃષ્ણ શું કહે છે? તમે મારાથી શું છૂપાવી શકશો? તમે કૃષ્ણથી કશું છૂપાવી શકતા નથી. કૃષ્ણ બધું જાણે છે. કૃષ્ણ પાસે તમારે માગવાનું હોય તો છૂપાવવાની શી જરુર છે? આવરણ એ એક બંધન પણ છે. છૂપાવવું એ એક છેતરપીંડી છે. કૃષ્ણ પાસે છેતરપીંડી? કૃષ્ણ પાસે તમે મુક્ત થઈને જાઓ. કૃષ્ણ સામે શરમ કે લજ્જાનું બંધન શા માટે? કૃષ્ણ પાસે તમારે અનાવરિત થઈને જ જવાનું છે.  ખુલ્લા દિલે કૃષ્ણ પાસે માગો.

ભક્તઃ પ્રભુ! રાસલીલા….

પ્રભુ ઉવાચઃ જુઓ તમે સમજીલો. કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે. તમારામાં પણ કૃષ્ણ રહેલો છે. મારામાં પણ કૃષ્ણ રહેલો છે. રાધા વિષે પણ એવું જ છે. દરેક ગોપીમાં રાધા બેઠેલી છે. દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે. તમારે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. તમારે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે, દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે. દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને  જોવાની છે, દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે. જ્યારે આવું થશે ત્યારે આખું વિશ્વ તમને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.

RAJNISH GROUP PROGRAM

ભક્તઃ પ્રભુ, લગ્ન સંસ્થાનું શું થશે?

પ્રભુ ઉવાચઃ લગ્ન એ એક બંધન છે. દરેક બંધન એક પીડા છે. દરેક બંધન એક દબાણ છે. આ પીડા તો મનુષ્ય સમાજે જ ઉત્પન્ન કરી છે. આ બંધન તો મનુષ્ય સમાજે જ બાંધ્યું છે. પ્રકૃતિએ તો દરેક પ્રાણીઓને મુક્ત જ સર્જ્યા છે. પ્રકૃતિએ તો મનુષ્યને બંધનમાં બાંધ્યો જ ક્યાં છે? અહીં તો મનુષ્ય પોતે જ ગળામાં ગાળીયો નાખે છે અને પછી કહે છે કે મને ગુંગળામણ થાય છે… મને પીડા થાય છે. પશુપક્ષીઓ અને નાના ક્ષુદ્ર જીવો કરતાં પણ મનુષ્ય તો ઉણો ઉતર્યો છે. પોતે જ પોતાને બંધન બાંધ્યું અને પછી બુમાબુમ કરે છે “મને બચાવો …. મને બચાવો”. અરે ભાઈ તું બંધનમાંથી મુક્ત થા અને મુક્તિનો અનુભવ કર. પ્રકૃતિએ તો મનુષ્યનું મન એવું ઘડ્યું છે કે તેને બંધનમાં રહેવું ન ગમે. બંધન અપ્રાકૃતિક છે. મેં તમને કહ્યું કે આ એક દબાણ છે. તમે કોઈપણ બાબત વિષે મનને જેટલું દબાણમાં રાખશો તેટલું તેને તે બાબતનું વધું ખેંચાણ આકર્ષણ થશે. આ સ્થિતિ પ્રકૃતિએ જ સર્જી છે. માતા બાળકને કહેશે “બેટા બહાર ન જઈશ”, તો બાળકને બહાર જવાની ઈચ્છા થશે. સરકાર મનુષ્યને કહેશે દારુ ન પીવો જોઇએ. અને સરકાર તે માટે દારુબંધી નો કાયદો કરશે તો મનુષ્યને દારુનું વધુ આકર્ષણ થશે. અને મનુષ્ય છાનો છપનો પીશે. સમાજમાં બમણો દારુ પીવાશે. જો મનુષ્ય મન ઉપર કાબુ રાખવાનો પ્રયત્ન કરશે તો મન બેકાબુ બનશે અને અનેક માનસિક વિકૃતિઓ સર્જાશે. હું જોઈ શકું છું કે લગ્ન સંસ્થા તેના ભારથી જ તૂટી પડશે. લગ્ન સંસ્થા સાવ અકુદરતી છે. લગ્નસંસ્થા નિરર્થક છે.

ભક્તઃ પ્રભો વિજાતીય સંબંધો …

પ્રભુ ઉવાચઃ લગ્ન સંસ્થા જ નિરર્થક છે તેમાં જ બધું આવી જાય છે. તમે પુરુષની અને સ્ત્રીની જાતીય વૃત્તિઓની ઉપર કાબુ રાખવાનું જેટલું દબાણ લાવશો તેટલી આ વૃત્તિઓ વધુ બેકાબુ બનશો. આ દબાણ સમાજના મહાપુરુષોના બોધપાઠ દ્વારા ઉત્પન કરવામાં આવતું હોય કે સરકારના કાયદાના પશુબળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ધારોકે તમે કદાચ આ રીતે મનુષ્યના શરીરને કદાચ કાબુમાં રાખશો. પણ મનુષ્યના મનને કેવી રીતે કાબુમાં રાકશો? મનને તો સરકાર કશું કરી શકશે નહીં. તમે મનમાં કાયદાનો ભંગ કર્યો, તો શું સરકાર તમને તે બદલ દંડિત કરી શકશે? નહીં જ કરી શકે. તમારા મનની જે ઇચ્છા તમે બળજબરી કરીને દબાવી રાખી છે તે ક્યારેક તો સ્પ્રીંગની જેમ ઉછળીને આચારમાં આવવાની જ છે.

RAJNISH VERTICAL AWARENESS

ભક્તઃ પણ પ્રભો પરસ્ત્રી તો માત સમાન ગણવી જોઇએ એવું કહેવાય છે…

પ્રભુ ઉવાચઃ આ એક દંભ છે. પરસ્ત્રીને કોઈ માતા ગણી શકતું નથી. સ્ત્રી માત્ર  સ્ત્રી છે એમ દરેક પુરુષ માનતો હોય છે. પુરુષ પણ માત્ર પુરુષ છે એમ દરેક સ્ત્રી માનતી હોય છે. સ્ત્રી એવું ઈચ્છતી પણ હોય છે કે તેને સ્ત્રી માનવામાં આવે. કોઈ સ્ત્રી એવું કદી ન ઈચ્છે કે બીજા તેને સ્ત્રી ન માને. પુરુષ પણ કદી એવું જ ઈચ્છતો હોતો નથી તેને કોઈ પુરુષ ન માને. આ કુદરતી વ્યવસ્થા છે. હા સ્ત્રીને માતા બનાવી છે. પણ ઈશ્વર એવું ઈચ્છે કે સ્ત્રી પણ આનંદ કરે. પુરુષ પણ આનંદ કરે. આનંદ એ પ્રાકૃતિક વ્યવસ્થા છે અને ઈશ્વરનો આદેશ છે. ઈશ્વર સ્ત્રીને પોતાનો આદેશ માનવા બદલ પુત્ર અને પુત્રીની ભેટ આપે છે.          

કટઃ

હરિ અનંતો હરિ કથા અનંતા. વાર્તાલાપ અનંત કાળ સુધી ચલાવી શકાય. અને આગળ જતા એવું પણ નિષ્પન્ન કરાવી શકાય કે સંભોગ દ્વારા પણ સમાધિ તરફ જઈ શકાય. પરમાનંદની અનુભૂતિ સમાધિ છે.

સંત રજનીશ કોઈ રીસ્ક લેવા માગતા હતાતેઓ આકાશ ભરાઈ જાય તેટલા શિષ્યો ભેગા કરવા માગતા હતા. તેથી જેઓ સામાજીક નિયમોમાંથી મુક્તિ દ્વારા થતો વિજાતીય સંપર્કનો આનંદ લેવા માગતા હતા તેમને ટિકિટ દ્વારા સભ્ય બનાવતા. તેમનો આશ્રમ આચાર માટેની ભૌગોલિક સીમા હતી.

સંત રજનીશમલે જોયું કે દેશી માલેતુજારો તો મળે છે. પણ વિદેશી આગંતુકો પણ કંઈ કમ નથી. પરમાનંદની અનુભૂતિનો ભ્રમ તો (શરીરને) રસાયણો દ્વારા અને અથવા રસાયણપાન કરેલ સંભોગસ્થ (શરીરને) પણ કરી કરાવી શકાય છે. જ્યારે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય અને મગજને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં પહોંચતો હોય ત્યારે મગજ અન્યમનસ્ક થઈ જાય છે. તેવે વખતે આવો અનુભવ અસંભોગસ્થ અવસ્થામાં પણ કરી શકાય છે. તમે મનને  કેવા વિચારોમાં અને કેવી અવસ્થામાં રાખવા માગો છો તેની ઉપર આધાર છે. વિશ્વમાં પોતે ભળી ગયા છે તેવી અનુભૂતિ હિમાલયમાં અને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા દરમ્યાન થતી હોય છે.     

રસાયણ

સંત રજનીશમલે શરીરસ્થ રસાયણ અને સંભોગસ્થ શરીર વિષે વિચાર્યું. ધંધો કસ વાળો છે. ધંધાને વિકસાવી શકાય તેમ છે. ભૌતિક અફિણ, ગાંજા, ચરસ, કોકેન, અને એવા બીજા રસાયણોની જેમ ધર્મ ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો પણ અફિણ છે. જરુર પડે તેનો પણ ઉપયોગ કરવો. જીસસ ને પણ ભેળવવા. કન્ફુસીયસને પણ ભેળવો. સામાન્ય બુદ્ધિ કંઈ બધી સામાન્ય વ્યક્તિઓમાં હોવી જરુરી નથી.

ઉપરોક્ત સૌ રસાયણ અફિણોનો ધંધો કસદાર લાગવાથી, સંત રજનીશમલે અમેરિકામાં ધામા નાખ્યા.

ફોટાઓ માટે જુઓ ઓશોરજનીશડૉટકૉમ

આમ તો અમેરિકન સરકાર ને ધર્મ બાબતમાં કશી આળી વૃત્તિ હોતી નથી. પણ રસાયણોના ધંધા અને તેની આદતો વિષે તે થોડી ઘણી જગૃત છે. એટલે તેને ખબર પડી કે સંત રજનીશમલના આશ્રમની બાબતમાં દાળમાં કંઈક કાળું છે. આમ તો અમેરિકન સરકાર પોતાને મુક્ત વ્યક્તિસ્વાતંત્ર્યવાળીમાં ખપાવે. પણ રસાયણ કે સ્વહિતની બાબતમાં પોતાને માટે જુદા માપદંડ રાખે. કથા કથિત ધાર્મિક ભેદભાવ બાબતામાં ભારતના બંધારણનું અપમાન કરી ભારતીય સરકારની મોદીની વિસા માટેની અરજીને તે નકારે છે, અને ઈરાકમાં યુદ્ધ વખતે ક્લસ્ટર બોંબ ઝીંકી, નિર્દોષ નાગરિકોને મારી નાખે છે, તો પણ અપમાનિત એવા ભારત દેશની સરકાર પણ ચૂં કે ચાં કરી શકતી નથી, તેવી અમેરિકી સરકારને માટે તો સંત રજનીશમલને તગેડી દેવા તે ડાબા હાથનો ખેલ હતો. તે તેણે પાર પાડ્યો.

અમેરિકામાં એલબીડબલ્યુમાં આઉટ થયા પછી સંત રજનીશમલે કચ્છના એકલવાયા વેરાન પ્રદેશમાં આશ્રમ વિષે વિચાર્યું (તે વખતે કચ્છ વેરાન ઉજ્જડ હતું. હવે તો તે પર્યટન સ્થળ છે. મોદીકાકાની જય હો). પણ ત્યાં ઉહાપોહ થયો. વળી ઘરાકીનો પણ સવાલ હતો. એટલે પૂના આવ્યા. અને થોડે દૂર આશ્રમ સ્થાપ્યો. મુંબઈ નજીક હતું. મુંબઈનો દરિયો પણ નજીક હતો. માલેતુજારો પણ નજીક હતા અને વિદેશીઓ પણ ટ્રીપ મારી શકે તેમ હતા.

હાજી ઓશો આશારામ અને સંત રજનીશમલ સમાન આઈટમ વાનગીઓના વેપારી હતા. ઓશો આશારામ અમર્યાદિત પુરુષોત્તમ હતા. સંત રજનીશમલ મર્યાદા પુરુષોત્તમ હતા.

ओशो राधे राधे

ઈતિ સંત પુરાણે દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંત, પ્રેમ, કરુણા, સિક્કા, ઐક્ય, કૃષ્ણ, રાધા, બુદ્ધ, સુજાતા, ખીર, રજનીશ, બંસી, સૂર, સ્પંદન, આલાપ, ઉર્જા, સંભોગ, સમાધિ, રસાયણ, માલેતુજાર, વિદેશી, અમેરિકા

Read Full Post »

This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi  

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ

માદાઃ

માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.

શિયળઃ

શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.

સંતઃ

સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.

બ્રહ્મચારીઃ

જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.

સમાજ સુધારકોઃ

સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર રવાનો પ્રયત્ન કરનારા, સમાજને  ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ  હોય છે.

આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.

SOCIAL REFORMERS

સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.

શિયળની લૂંટઃ

આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.

સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?

સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.

સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. બળમાં બૌધિક બળ પણ આવે છે.

સ્ત્રી પ્રતિકાર કરી શકે તેવા  સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.

સ્ત્રી ને કામ ચલાઉ રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે કામચલાઉ સમયકેટલો હોઈ શકે સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.

સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?

કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.

 

કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.

એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.

વિશ્લેષણ શું કરી શકાય?

ઓશો આશારામઃ

ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરીઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. વાત કારી શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.

ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.

ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.  

સંત રજનીશમલઃ

સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.

સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.

સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.

છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.

ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ

ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ.   આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?

આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્‌” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ

Read Full Post »

તમારે રજનીશના ભક્ત થવું છે? મારે થવું છે.

બાવાઓ અત્ર તત્ર સર્વત્ર છે.

તમે રજનીશ, આશારામ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બાબા પરમસુખ, નિર્મલ બાબા અને લગભગ તેમના જેવાં રાધેમાં, એવાં “માં” ઓનો તૂટો નથી. જોકે આખી દુનિયામાં આવી સ્થિતિ પ્રવર્તે છે પણ ભારતમાં કંઈક વિશેષ હોય તેમ લાગે છે.

કટારીયાઓ પ્રત્યે કડવાશ નથી. દયા છે.

જેઓ પોતાને અસાધારણ નથી માનતા તેઓ આવા “બાબાઓ”ના અને “માં”ઓના ભક્ત બની જાય તો કદાચ ક્ષમ્ય ગણાય. પણ જેઓ પોતાને બુદ્ધિજીવી માનતા હોય અને સમાચાર પત્રોમાં કટારો લખતા હોય તેઓ જ્યારે આવા બાબાઓ અને માતાઓથી પ્રભાવિત થઈ જાય ત્યારે આશ્ચર્ય સહિત દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે દેશના સમાચાર માધ્યમો ઉપર કબજો ધરાવતા લોકોની જો બૌધિક કક્ષા આવા નિમ્ન સ્તરે હોય તો દેશમાટેના ઉચ્ચ સ્વપ્નો કોણ પુરા કરશે? જો કોઇ માઈનો લાલ નિકળશે તો પણ તે કેટલું પ્રદાન કરી શકશે?

આમ તો બાબા અને માતાઓ (“માં”ઓ) ના અનેક પ્રકારો છે. બધા જ બાબાઓ અને માતાઓ ઉપદ્રવી હોતા નથી.  જોકે મોટા ભાગના પોતાનું કાર્ય ક્ષેત્ર મર્યાદિત રાખે છે. કેટલાક પોતાનું ક્ષેત્ર દવા દારુ, યોગ અને આનંદ પુરતું મર્યાદિત રાખે છે. કેટલાક કૃષ્ણ, શિવ, સાંઈ, રામ, ઘનશ્યામ મહારાજની ભક્તિ કે વિદ્યા પ્રસાર સુધી સીમિત રાખે છે. અને કહે છે કે આ બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનો વિષય છે.

કેટલાક બાવાઓ સુખીજીવન અને આનંદની વાતો કરે છે. કેટલાક બાવાઓ ચમત્કારની વાતો કરે છે તો કેટલાક વૈશ્વિક સત્યોની વાતો કરે છે.

બ્રહ્મજ્ઞાની બાવાઓ

મોટાભાગના બાવાઓ પોતાને બ્રહ્મસત્ય  એટલે કે યુનીવર્સલ ટ્રુથ ના જ્ઞાતાઓ માને છે. અને જેમ અગાઉ જે અવતારી પુરુષોના મુખેથી બોલાયેલા વાક્યો કે પછી તેમના શિષ્યોએ તેમના મુખમાં મુકેલા શબ્દો  જેવા કે તું મારે શરણે આવી જા હું તારો ઉદ્ધાર કરીશ અને તને આ લોક અને પરલોકમાં સુખી કરી દઈશ એવું કહી કહેવડાવી વસ્તાર વધારે છે.

કેટલાક પોતાના વિસ્તરિત વર્તુળ થકી અમુક જરુરીયાતવાળા લોકોની અમુક જરુરીયાતો પુરી પણ કરી અપે છે. કેટલાક બાવાઓના વાણીવિલાસથી અતિપ્રભાવિત થઈ જાય છે. તો કેટલાક આ બાવાઓએ પોતે ફેલાવેલી અફવાઓ કે તેમના શિષ્યોએ ફેલાવેલી અફવાઓથી અતિપ્રભાવિત થઈ જાય છે.

સંશોધનનો વિષય છે

આવા પ્રભાવિત થયેલા લોકોમાં છાપાંઓના કટાર ધારકો પણ હોય ત્યારે આ બાવાઓ સંશોધનનો વિષય લાગે છે. આવા પ્રભાવિત મહાનુભાવો કયા કારણથી પ્રભાવિત થાય છે તે બાબત પણ સંશોધનનો વિષય બને છે.

પણ હવે જો આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરનારા હિરાભાઈઓ અને પંકાયેલા અસામાજીક તત્વો પાસેથી એકે ૫૬ જેવી બંદુક ખરીદનારા ની જાહેરાત ક્ષેત્રે અને બોલીવુડમાં બોલબાલા હોય અને જે દેશના  ન્યાયધીશો પણ તેનાથી પ્રભાવિત થતા હોય તો કટાર લેખકો વળી કઈ વાડીના મૂળા કે જેઓ આચાર્ય રજનીશના પ્રસંશક ચેલા ન બને!

પણ ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે મારે રજનીશના ચેલા બનવું છે, તો શું?

મને મારી વાત કરવી ગમતી નથી.

કારણ કે કદાચ મારી પોતાની વાત આત્મશ્લાઘામાં ગણાઈ જાય. અથવા જો કોઇ મારા વિષે જાણે તો, અને જો તેમનું ભણતર અને ઉલ્લેખિત જ્ઞાન મારા કરતાં ઓછું હોય તેવી તેમની સમજણ હોય તો, કદાચ મારી વાત અસ્પષ્ટ હોય અથવા તાર્કિક ન હોય અથવા અધુરી હોય તો, અને આવા સંજોગોમાં તેઓ જો મારી વાત સ્વિકારી લે તો એક ખોટો મેસેજ જાય.

*એવું પણ બને કે તેમની શૈક્ષણિક લાયકાત મારા કરતાં વધુ હોય, તેમનું વાચન અને લેખન પણ વધુ હોય અને ખ્યાતિ પણ વધુ હોય, પણ ફક્ત આ જ કારણોસર મારી વાત તેઓ સાચી ન માને અને આજ કારણસર ચર્ચાને નકારે, તો પણ જનતામાં એક ખોટો મેસેજ જાય.

“પ્રાણલાલ બાટલાવાળા”

આના બે દાખલા મારી પાસે છે. એક પ્રાણભાઈ જે “પ્રાણલાલ બાટલાવાળા” તરીકે ઓળખાતા હતા. તેમના વિષે મેં મારા મિત્રમંડળમાં એક ઈનામ બહાર પાડેલ. આ ઈનામ એ હતું કે જે કોઈ પ્રાણલાલભાઈને ખોટા સાબિત કરી દે તેને એક રુપીયો આપવો. જોકે એક રુપીયાને સો રુપીયા બરાબર ગણવાનો. કારણ કે આ ટોકન ઈનામ હતું.

પણ અમારા પ્રાણભાઈ એવા વક્તા કે તેમને વાત કરવામાં કોઈ પહોંચી ન શકે. એટલે અમારા મિત્રમંડળમાં બધા સમસમીને બેસી રહેતા અને મને કહેતા કે તમે એમને ચડાવો છો.

બીજું પણ એક ઈનામ જાહેર કરેલું તે ઈન્દીરા ગાંધી વિષે હતું. તે એમ હતું કે જો કોઈ એમ સાબિત કરી દે કે ઈન્દીરા ગાંધીએ કોઈપણ એક કામ સારું અને સાચું કર્યું હોય તો તેને એક રુપીયો ઈનામ આપવાનો. મારા આ બંને ઈનામ અકબંધ રહેલા. એક પ્રાણલાલભાઈને કારણે અને એક ઈન્દીરાને કારણે.

૧૯૭૧માં મારી કાળક્રમે અમદાવાદ બદલી થઈ. અહીં તો કોઈ પ્રાણલાલભાઈને ઓળખે નહીં એટલે એ ઈનામ સ્થગિત થયું.

મારે એક મારા ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર મિત્ર હતા. તેઓ બહુમોટા વિચારક પણ છે. ઈશ્વરની ઈચ્છા થકી હું બહુ ઓછી વ્યક્તિઓથી તેમના તર્ક, સમજણ અને કાર્યથી પ્રભાવિત થાઉં છું. પણ આ ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ તેમાં અપવાદ છે. તેઓ મારાથી કદાચ એકાદ વર્ષે નાના હશે પણ તેમના ત્યાગ અને કર્તવ્ય નિષ્ઠા થી ચોક્કસ કોઈપણ પ્રભાવિત થાય. આ મિત્ર થકી હું  અમદાવાદમાં  કેટલાક ગાંધીવાદીઓના સંપર્કમાં આવેલ.

મને બધા ગાંધી વાદી પ્રત્યે અત્યંત માન છે. અને સદાકાળ આ માન રહેશે. તો પણ કેટલાક અગ્રગણ્ય ગાંધીવાદીઓ પણ મારા આશ્ચર્ય વચ્ચે મને પરોક્ષ રીતે અહંકારી લાગ્યા. એટલે કે વિચારમાં તર્ક શુદ્ધતા જોવાને બદલે વિચાર ક્યાંથી (કઈ વ્યક્તિ તરફ થી) આવ્યો છે તેને વધુ મહત્વ આપતા હતા. આ વાત ની પૂર્વ ભૂમિકા સમજવા માટે ઉપરનો * માર્કા વાળો પેરા ફરીથી વાંચવો. મેં અમદાવાદમાં મારા મિત્રમંડળમાં એક ઈનામ જાહેર કર્યું. જે કોઈ મહાત્મા ગાંધીની કોઈ એક વાતને ખોટી સાબિત દેશે તેને સો રુપીયાનું ઈનામ આપીશ.

હવે આમાં થયું એવું કે જેઓ મારા કરતાં વધુ જ્ઞાની હતા અને ગાંધીજીના વધુ અભ્યાસી હતા તેમનું સ્વમાન ઘવાયું હોય તેવું લાગ્યું. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ડ્ઝવર્થને તેની આગળ કોઈ કુદરતી દૃષ્યનું પદ્યમય ગદ્ય કાવ્ય બનાવીને સંભળાવે.

એક બુઝર્ગ પ્રખર ગાંધીવાદીએ અમારી મંડળીમાં આ ચેલેન્જ ઝીલી અને એક દાખલો આપ્યો.

“એક અપરિણિત યુગલ ગાંધીજી પાસે આવ્યું. તેમના ધર્મ જુદા હતા. એક વ્યક્તિ મુસ્લિમ અને બીજી હિન્દુ એમ હતું. તેઓ ગાંધીજીની સલાહ લેવા આવ્યા કે તેમણે આ આંત‌ર્‌ ધર્મી લગ્ન કરવા કે નહીં. હવે તમે જાણો છો કે ગાંધીજી કોઈ એવા ભેદભાવમાં માનતા ન હતા કે ધર્મને કારણે લોકો જુદા પડે. સર્વધર્મ સમભાવમાં ગાંધીજી માનતા હતા. છતાં તેમણે આ યુગલને સલાહ આપી કે તેમણે આ લગ્ન ન કરવા. એટલે કે ગાંધીજી પોતે જ, પોતે પ્રબોધેલા સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. એટલે કે ગાંધીજી પોતે જ એટલા સાચા ગાંધીવાદી ન હતા. સાધ્યમ ઈતિ સિદ્ધં. લાવો ૧૦૦ રુપીયા.”

મેં કહ્યું કે યુગલે ગાંધીજીની સલાહ લેવાનું શા માટે નક્કી કર્યું? શું તેમને પોતાના ઉપર અને એકબીજા ઉપર આત્મવિશ્વાસ ન હતો? ગાંધીજીની સલાહ લેવા આવ્યા એજ વસ્તુ બતાવે છે કે તેમનામાં પુરતા આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસની ઉણપ હતી. આંતર્‍ધર્મી લગ્ન એ એક પડકાર છે. એ પડકાર ઝીલવામાં કચાસ હોય તો યુગલ અને સમાજ બંનેને હાનિ થઈ શકે છે. ગાંધીજી આ વાત સમજી શકેલ તેથી તેમણે આપેલી સલાહ યોગ્ય જ હતી. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને સામાજિક પડકાર સહનકરવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જ જોઇએ.

મારી વાતનો એમની પાસે કે કોઇની પણ પાસે જવાબ ન હતો. અને હુડહુડ કરી મંડળી બરખાસ્ત થઈ.

હવે આપણા રજનીશભાઈના ભક્તોની વાત કરીએ.

એ પહેલાં એક આડવાત પણ કરી લઈએ. ગીતા વિષે કોઈ ગીતાના જ્ઞાનીને પૂછીએ કે તમે મને ગીતા વિષે કંઈ કહો. તો તે એમ કહેશે કે ભાઈ ગીતા તો એક મહાસાગર છે. તમે આ અઢાર અધ્યાય જેટલીવાર વાંચો એટલીવાર ઓછા. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે તમને નવું અને નવું વિચારવા મળે અને નવું ને નવું સત્ય લાધે.

ના છતાં પણ તમે મને કંઈક કહો. તો વિનોબા ભાવે કહે છે કે વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદોનો સાર ગીતા છે. ગીતાનો સાર, ગીતાના પહેલા ત્રણ અધ્યાય છે. ગીતાના પહેલા ત્રણ અધ્યાયનો સાર ગીતાનો બીજો અધ્યાય છે અને આ ગીતાનાબીજા અધ્યાય નો સાર, સ્થિતપ્રજ્ઞ લક્ષણના શ્લોકો છે અને આ શ્લોકોનો સાર શ્લોક નંબર ૬૨ અને ૬૩ છે.

આ શ્લોકો ध्यायतो विषयान्‌ पुंषः … થી શરુ કરી  बुद्धिनाशात्‍ प्रणष्यति સુધી છે. અને આ વાત ઉપર એક પ્રકરણ લખી શકાય. જોકે ગીતાના શ્રેષ્ઠ શ્લોકો આ જ છે કે બીજા તે વિષે અલગ અભિપ્રાય હોઈ શકે. મને તો “કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન …. મા તે સંગોસ્તુ અકર્મણિ” પણ એક શ્રેષ્ઠ શ્લોક કહી શકાય એમ લાગે છે. કોઈને શું વધુ બુદ્ધિગમ્ય લાગે છે અને ગમે છે તે તેની પ્રકૃતિ ઉપર આધારિત છે. પણ આ શ્લોકોમાં રહેલા સત્ય વિષે અલગ અભિપ્રાય ન હોઈ શકે. હોય તો તેની ઉપર ચર્ચા દ્વારા સમજી શકાય.

ગીતાનું બારદાનઃ અને રજનીશનું બારદાન

ગીતાની મહાનતાની વાત કરવા બેસીએ અને તેનું પુઠું કેવું સુંદર છે. તેની છપાઈ કેવી સરસ છે. તેના પ્રાસ કેવા સરસ છે. તે કયા પ્રેસમાં છપાયેલું અને કોના પ્રકાશનના સર્વહક્ક છે એવી વાતો કરીને ગીતાની ઉચ્ચતા સિદ્ધ ન થાય.

રજનીશના ભક્તો કંઈક આવું જ કરે છે. જ્યારે રજનીશજી વિષે કંઈક વાત કરવી હોય તો રજનીશની દાઢી કેવી છે, રજનીશ ક્યાં જન્મેલા, રજનીશ કયાં ભણેલા અને ક્યાં ભણાવતા, ક્યાં ફરેલા, કોને મળેલા, કોની વિષે બોલતા, કોની ટીકા કરતા, તેમના વિષયો શું હતા. તેઓ કેવા સરસ લયથી બોલતા, શ્રોતાઓની કેવી ભીડ રહેતી, ભાષા ઉપર જબરી પકડ રાખતા …વિગેરે.

ટૂંકમાં તમે રજનીશના વિચારો વિષે કે વિચારોના ઉંડાણ વિષે કે તેના વિચારોની સાર્વત્રિકતા વિષે કશું જાણી ન શકો.

ફલાણી ફિલમ બહુ સરસ હતી. તેના ગાણાં બહુ સરસ હતા. રજનીશની વાતો વિષે પણ આમ જ સમજવું.

વાસ્તવમાં ગાણાં કે સીનસીનેરી એ ફિલમની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. ગાણાં, સીનસીનેરી, રંગો એ બધાં બાહ્ય જણશો છે.  ફિલમની બાબતમાં કથાવસ્તુમાં રહેલું ઉંડાણ અને તેની પ્રસ્તૂતિ એટલે કે નિર્દેશન મુખ્ય વસ્તુ છે.

રજનીશના ભક્ત

એક રજનીશના ભક્તે મને કહ્યું કે જુઓ મારી પાસે મારા પગથી શરુ કરી મારો હાથ પહોંચે એટલી રજનીશની ચોપડીઓ છે. તમે તેમની ટીકા કરો તે પહેલાં તમે એમની ચોપડીઓ વાંચો. જુઓ આ રહી ચોપડીઓ. અને તેમણે મને ચોપડીઓનો થપ્પો બતાવ્યો.

મેં તેમને કહ્યું હું તેમની જંગલમેં મોર નાચા અને બકરીની ત્રણ ટાંગ જેવી દલીલો વાળી ચોપડીઓ ન વાંચી શકું. પણ આપણા સાહિત્યમાં વિવેચનની એક પદ્ધતિ એ પણ છે જેનું નામ “શલાકા પરીક્ષા” છે.

જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન કરવાનું હોય અને વિવેચક ને બહુ શ્રમ લેવો જાણ્યે અજાણે ગમતો ન હોય તો તે એક સળી પુસ્તકમાં ક્યાંક વચ્ચેના પાનાઓમાં ખોસે. જે પાનું ખુલે એ પાનું વાંચે અને તેની ઉપર ટીકા કરે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે જ એક પુસ્તક પસંદ કરો અને તમે જ તેમાં સળી ખોસો. હું એજ બે પાનાં વાંચીશ અને તમને બતાવીશ કે રજનીશની વાતો કેટલી તર્કહીન છે. તમે તમારી દલીલ કરજો હું મારી દલીલ કરીશ.  બોલો મંજુર છે. તે ભાઈએ ચેલેન્જ ન સ્વિકારી. બાંધી મુઠ્ઠી લાખની.

મારી માન્યતા છે કે દુનિયામાં કશું અલૌકિક નથી. ચમત્કારો થયા નથી, થતા નથી, અને થશે નહી. ઈશ્વર છે પણ તે તર્કથી છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય નથી. ઈશ્વર તેના ભક્તોને ઉપરવટ જઈ મદદ કરતો નથી. ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય જાત, તેના સમાજની ઉન્નતિ માટે છે. માનવસમાજમાં વ્યક્તિની સુખસગવડ અને સંપત્તિ, તેને સમાજથી અળગો ન કરી દે, સંવાદ, અસંવાદ ન બને. માનવસમાજમાં અસમાનતા એટલી હદ સુધી જ હોય કે સંવાદ અને સહકાર જળવાઈ  રહે. હાથની પાંચ આંગળીઓ અસમાન હોવા છતાં અલગ અલગ અને સહયોગથી પણ કામ કરી શકે છે.  મનપસંદ જ્ઞાન માટેના દ્વારો સૌ માટે ખુલ્લાની સમાનતા પણ એટલી જ જરુરી છે.

રજનીશ ચર્ચામાં માનતા નથી. તેઓ તેમની કોઈ વાતની જવાબદારી લેવામાં પણ માનતા નથી. તેઓ કહે છે આજે હું જે કહું છું, આવતી કાલે તેથી ઉંધું પણ કહીશ. છતાં પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. અને ક્યારેય તેમણે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું કે નહીં, અને પરિવર્તન આવ્યું તો શું પરિવર્તન આવ્યું તેનો ફોડ તેમણે પાડ્યો નથી. તેમના ભક્તો પણ આ વિષે કશું કહેતા નથી. એક કાળે તેઓ અમેરિકા, તેના સંસ્કાર, તેની સરકાર, તેની જાહોજલાલી ના ચાર મોંઢે વખાણ કરતા હતા. અમેરિકાએ તેમની હકાલ પટ્ટી કરી એટલે પેટભરીને તેની બુરાઈ કરવા લાગ્યા. માંહ્યલી વાત શું હતી તેનો રજનીશે કે તેમના અનુયાયીઓએ કદી ફોડ પાડ્યો નથી. પારદર્શિતા બતાવવા માટે સિંહનું કાળજું જોઇએ. આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ થયા અને પછી ભગવાન રજનીશમાંથી ઑશો થયા. કારણ? રામ જાણે.

રજનીશને રામ કરતાં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ વધુ પ્રિય છે. કારણ કે કૃષ્ણ અને મહાવીરના ઉપાસકો માલેતુજાર છે. અને બુદ્ધ આંતરરાષ્ટ્રીય છે.   

આમ તો લોકશાહી એક વ્યભિચારશાહી છે. પણ તેજ સૌથી ઓછી ખરાબ છે. અને તે જ પરવડે. તે સિવાય તેનાથી ઓછો ખરાબ કોઈ બીજો વિકલ્પ નથી.

આમ છતાં રજનીશે રાજકારણીઓને સામાન્યીકરણ વડે પેટભરીને ગાળો આપી અને પોતાની પીઠ થાબડી છે (હોલીઅર ધેન થાઉ). વિકલ્પ આપવાની દરકાર કરી નથી. રજનીશ એ વાત સમજી શક્યા નથી કે વિકલ્પ વગરના સૂચનો દેશને લોકોને અકર્મણ્યતા તરફ અને આ અકર્મણ્યતા દેશને વધુને વધુ અરાજકતા તરફ લઈ જાય છે.

દરિદ્રતા તે સામાજીક રોગ છે

રજનીશ તાનમાં ને તાનમાં લોકોને આંચકો લાગે તેવું ઘણું બોલે છે.

ગાંધીજીની ટીકા કરવી એને કેટલાક માલેતુજાર લોકો ફેશન ગણે છે. એમાં આપણા રજનીશભાઈ સહર્ષ સામેલ થાય છે.

ગ્રામોદ્યોગ, અસહકાર, અહિંસા, સત્યાગ્રહ વિષેના ઉચ્ચારણો વિષે મેં અત્ર તત્ર લખ્યું છે. તેથી પુનરાવર્તન કરતો નથી.

ગાંધીજીએ ગરીબ લોકોને દરિદ્રનારાયણ કહેલ. નારાયણ એટલે ભગવાન. દરિદ્રને એટલે કે ગરીબને ભગવાન ગણો.

રજનીશ ગાંધીજીની કંઈક આવી રીતે ટીકા કરેછેઃ

ગાંધીજી કહે છે કે દરિદ્ર વ્યક્તિ નારાયણ છે. દરિદ્રનારાયણની સેવા કરો. વાસ્તવમાં દરિદ્રતા એક રોગ છે.   રોગને નારાયણ કેવી રીતે કહેવાય. રોગ છે. દરીદ્ગતાને જો નારાયણ ગણીએ તો તો પછી ટીબી, મેલેરીયા, ફ્લ્યુ બધા નારાયણ કહેવાય…. વિગેરે.

હવે રજનીશભાઈને ખબર નથી કે દરીદ્રનારાયણ પાછળ શું વિચાર અને ઉપચાર માટેની પ્રાથમિકતા પડેલી છે. ટીબી, મેલેરીયા, ફ્લ્યુ વિગેરે શારીરિક રોગ છે. દરીદ્રતા તે સામાજીક રોગ છે.

હવે જો રાજ્ય નો વહીવટ અને નીતિ એવી હોય કે તેમાં દશકા સુધી કોઈ અસરકારક સુધારો જોવા મળે તો સમજવું જોઇએ કે ખાટલે મોટી ખોડ છે.

ગરીબને અનુકુળ સરકારની નીતિઓ હોય અને સાક્ષરો જો વિતંડાવાદમાં રાચતા હોય તો ગરીબની સ્થિતિ એવી બને કે તમે એને એક રુમમાં બહારથી તાળુ મારીને પૂરી દીધો અને પછી તેને કહો છો કે તૂં બહાર કેમ નથી નિકળતો? તારો વાંક છે. તૂં રોગીષ્ઠ છે. રજનીશની આવી વાત થઈ. રજનીશે સમજવું જોઇએ (જો વાચન સાથે વિચાર અને મંથન હોય તો સમજાયને!) કે સમાજની માનસિકતા તમે વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણીની પ્રણાલી કેવી રાખો છો તેના ઉપર અવલંબે છે.

રાજ્યે પોતાની માનસિકતા કેવી રાખવી જોઇએ?

તેને માટે ગાંધીજી કહે છે કે સૌની પાસે ઈશાવાસ્ય વૃત્તિ હોવી જોઇએ. ઈશાવાસ્ય વૃત્તિ એટલે ઈશ્વરનો વાસ સર્વત્ર છે. તેથી તૂં તને જરુર હોય તેટલું લે. વધારાનું લેવું અણહક્કનું છે.

જો રાજ્ય  ગરીબ માણસમાં પણ ઈશ્વરને જુએ તો રાજ્યની માનસિકતા બદલાય.  અને જો રાજ્યની માનસિકતા બદલાય તો તે પોતાની પ્રણાલીઓની બદલે.

પણ લોકશાહીમાંરાજ્યકોના દ્વારા વહિવટ કરે છે?

રાજ્ય લોકો દ્વારા વહીવટ કરેછે. જો લોકો ઈશાવાસ્ય વૃત્તિ નહીં રાખે તો રાજ્ય કેવી રીતે રાખશે? લોકોને દોરનાર કોણ છે? લોકોને દોરનાર મૂર્ધન્યો છે. જો રજનીશભાઈ પોતાની જાતને મૂર્ધન્યોમાં એટલે કે વિચારક અને બહુશ્રુત માનતા હોય તો તેમણે ઈશાવાસ્ય વૃત્તિ એટલે શું તે સમજવું જોઇએ અને તેને આત્મસાત્કરવી જોઇએ. પણ આપણા રજનીશભાઈનામાં કોઈ ગહનતાથી વિચારવાની આદત નથી.

રજનીશ વિષે મેં છૂટક છૂટક લખ્યું છે. જે નીચેની લીંક ઉપર મળશે.

ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

જો કોઈ રજનીશની કોઈ પરમ વાત કરશે તો ચર્ચામાં આનંદ મળશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રજનીશ, આચાર્ય, ભગવાન, ઑશો, બાવાઓ, બ્રહ્મજ્ઞાની, ભક્તો, તર્કહીન, બેજવાબદારી, ચમત્કાર, ઈશ્વર, વૈશ્વિક, માલેતુજાર,

Read Full Post »

%d bloggers like this: