“ખાદીનો આત્મા જીવે છે?”
“ખાદી શા માટે”
મહાત્મા ગાંધીનું આ પુસ્તક મેં વર્ષો પહેલાં વાંચ્યું હતું.
તે પુસ્તક પ્રમાણે હું કંઈક આવું સમજ્યો હતો અને સમજુ છું.
ભારત દેશ ગરીબ હતો. હજુ પણ ગરીબ છે તેમ કહેવામાં આવે છે.
ગાંધીજીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ પૂછેલ કે તમે લાખો ગરીબોને તાત્કાલીક કઈ રોજી આપશો?
ગાંધીજીએ એક પ્રશ્ન એ પણ કરેલ કે એવા યંત્રો શા કામના જે અમુક સો ને રોજી આપી અમુક હજારને બેકાર કરે?
ગાંધીજી માનતાકે ગામડા સ્વાવલંબી બને અને શહેરોને પૂરક બને. શહેરો પણ ગામડાને પૂરક બને.
આ ત્રણ નો સમન્વય કરીએ એટલે ખાદી અને ગ્રામોદ્યોગનું મહત્વ સમજાય.
કોંગ્રેસ અને ખાદી
કોંગ્રેસના સભ્ય થવા માટેની ફી એક ખાદીસુતરની આંટી હતી. ૧૯૪૭ પહેલાં અને પછી પણ કેટલાક સમય સુધી એમ માનવામાં આવતું કે કોંગ્રેસીઓ પોતાને હાથે કાંતેલા સુતરની ખાદી પહેરે છે. મેં ગંગાદાસભાઈને (ભાવનગરમાં) રોજ કાંતતા જોયા છે.
મારા પિતાશ્રીએ એક લેખ લખેલ કે ખાદીને જે સરકારી મદદ થાય છે તે પ્રત્યક્ષ મદદ થાય છે. જ્યારે મીલોમાં જે કાપડ ઉત્પન્ન થાય છે તેને પરોક્ષ રીતે અનેક ગણી મદદ થાય છે. તે વિગતો વાંચી. મને આત્મસાત થયું કે સરકાર દંભી છે. મેં ૧૯૫૮ ની આસપાસ આંશિક રીતે ખાદી અપનાવી. ૧૯૬૯માં મારા પુરતી સંપૂર્ણ ખાદી સ્વિકારી. કારણ નીચે અત્રતત્ર જણાવ્યું છે.
ગાંધીજીએ ૨૦મી સદીના ત્રીજા ચોથા દશકામાં જણાવેલ કે “હું કાપડની મિલોને બંધકરવાનું કહેતો નથી. પણ જો તે બંધ પડશે તો સ્વતંત્ર ભારતની સરકાર તેને આડો હાથ દેવા નહીં આવે.”
યાદ કરો. ૨૦મી સદીના છઠા અને સાતમા દશકામાં શું થયુ? મિલમજૂરોની પાયમાલી આવી. મિલમજૂરો સિવાય બધાએ પૈસા બનાવ્યા.
મિલ મજૂરો સિવાય બીજા કોણ કોણ હોયછે?
મિલ મજૂરો સિવાયના બીજાઓ જે હોય છે તેમાં મિલ માલિકો, મજૂર મંડળના નેતાઓ, સરકારી અધિકારીઓ અને પક્ષીય નેતાઓ નો સમાવેશ થાય છે. આ બધાએ જ ટેબલ નીચે પૈસા બનાવ્યા. જો કે સરકારે જાહેરમાં મિલોને ચલાવવામાં મદદ તો કરી તો પણ મિલો બંધ પડી. મોટા પાયે થયેલી બેકારીથી આત્મ હત્યાઓ પણ થઈ. અસામાજીક પ્રવૃત્તિઓ ને વેગ મળ્યો. આ તેની આડ પેદાશ છે.
૧૯૬૮/૬૯માં ઇન્દિરા ગાંધીએ કઢંગી રીતો આચરી કોંગ્રેસના ભાગલા કર્યા. અને તેના પક્ષને ૧૯૭૦માં ગંજાવર બહુમતી મળી ત્યારે મને લાગ્યું કે નહેરુવીયન કોંગ્રેસ પાસેથી હવે કોઈપણ જાતની આશા રાખી શકાય તેમ નથી. ૧૯૬૯માં મેં મારા પૂરતી સંપૂર્ણ ખાદી અપનાવી.
નહેરુવીયન કોંગ્રેસ અને મુરતિયાભાઈ
એક મુરતિયાભાઈ કન્યા જોવા ગયા. કન્યાના પિતાજીને જણાવ્યું; “હું બહુ સારો છું”, “હું ઉડાઉ નથી પણ સાદગીમાં માનું છું”, “મારામાં કોઈ દોષ નથી”, “મારે કોઈ વ્યસન નથી”, “હું ધિરજવાળો છું’, “હું સહનશીલ છું”, “હું પ્રેમાળ છું’’ “હું મહેનતુ છું”, “હું નેક છું”, “હું દયાળું છું”, “ગરીબોને જોઈ મારી આંતરડી કકળી જાય છે”….. પણ મારામાં ફક્ત એક જ દોષ છે કે “મને ખોટું બોલવાની ટેવ છે.”
નહેરુવીયન કોંગ્રેસ આનાથી પણ એક ડગલું આગળ છે. તે તો કહેતી પણ નથી કે “મને ખોટું બોલવાની ટેવ છે”. એટલે તે કેટલું ખોટું બોલે છે તે માટે આપણે જનતાએ મહેનત કરવાની.
ખાદીનો આત્મા
મેં એક આર એસ એસ વાળા ભાઈને ૧૯૭૩ ના અરસામાં પ્રશ્ન કરેલ કે તમે સ્વદેશીમાં તો માનો જ છો. તો પછી ખાદી કેમ પહેરતા નથી?
તેમણે જણાવ્યું કે આ મિલો, આપણી મિલો તો છે. એટલે આ સ્વદેશી જ કહેવાય.
મેં કહ્યું કે આ મિલોના યંત્રો તો આયાતી છે. વળી મિલોના નફાના એક રુપીયામાં થી ૧૪ આના જેઓ કામ કરતા નથી તેમને જાય છે. મજુરોને તો બે આના પણ માંડ જાય છે.
આ સાંભળી તે ભાઈએ કહ્યું કે “પણ હવે ખાદીમાં આત્મા ક્યાં રહ્યો છે?”
કદાચ તે વખતે ખાદીમાં આત્મા તો હતો. તે આત્મા થોડો દુઃખી આત્મા હશે.
પણ હવે સાચે સાચ એક પ્રશ્ન થાય જ છે કે “ખાદીમાં આત્મા રહ્યો છે?”
ગૃહ ઉદ્યોગ, શક્ય હોય તેમ નાના વર્તુળો નું સ્વાવલંબન અને વિકેન્દ્રિત ઉત્પાદન એ પર્યાયવાચી શબ્દો નથી. જોકે ભેદ રેખા જાડી છે પણ ભેદ રેખાનો અભાવ નથી.
મોરારજી દેસાઈએ ૧૯૭૭માં સરકારને ફરમાન કરેલું કે સરકારે ફક્ત ખાદીનું કાપડ જ ખરીદવું. ૧૯૭૭-૭૯ ના અરસામાં અને તેની પહેલાં જયપ્રકાશના આંદોલન વખતે ખાદી ભંડારોને તડાકો પડેલો.
મોરારજી દેસાઈએ કૃત્રિમ રેસાઓનો રૂ સાથે ઉપયોગ કરી ખાદીના તાર બનાવવાની છૂટ આપેલી.
પોલીયેસ્ટર ફાયબરને રૂ સાથે મિશ્રણ કરવું એ વિચારણીય અને વિશ્લેષણીય છે. ખાદીના એક મીટર કાપડમાં કૃત્રિમ રેસાનું મૂલ્ય કેટલું? જો કાંતનાર અને વણનારને ૧૦૦ રૂપિયાના કાપડે ૭૫ રૂપિયા મળતા હોય તો કૃત્રિમ રેસાઓ મિશ્ર કરવા ક્ષમ્ય છે.
પણ અત્યારે જે ખાદી ભંડારોમાં પરપ્રાંતની ખાદીનું જે હદે “ડંપીંગ” થાય છે. અને આ પરપ્રાંતની ખાદીનું જે પોત હોય છે તેથી તેના “ખાદી-ત્વ” વિષે શંકા જાય છે. મહાત્મા ગાંધીની દૃષ્ટિએ પરપ્રાંતની ખાદી જો તે ખાદી જેવી લાગતી હોય તો પણ ખાદી ન કહેવાય.
તમે કહેશો કેવી રીતે?
મહાત્મા ગાંધીજી આગળ જ્યારે એક ખાદી કેન્દ્રવાળાએ પોતાના ખાદી વેચાણ વિષે વાત કરી કે “અમે આ વર્ષે ગયા વર્ષ કરતાં આટલી બધી વધારે ખાદી વેચી”. ત્યારે ગાંધીજીએ કહ્યું કે મને તમે કેટલી ખાદી વેચી તેમાં રસ નથી પણ તમે કેટલા ગામડાને ખાદી પહેરતા કર્યા તે કહો?
આ ત્યારે જ ખબર પડે કે જ્યારે સૌ સ્થાનિક ખાદી પહેરે. આ કારણ થી જ મહાત્મા ગાંધીએ સ્થાનિક ચરખા મંડળની પ્રણાલી પ્રબોધેલી.
વિનોબા ભાવે એ કહેલું કે
જો સૌ કોઈ એક વસ્ત્ર ખાદીનું પહેરશે તો દેશની શિક્ષિત બેકારીની સમસ્યા દૂર થશે
જો સૌ કોઈ પોતાના બધા જ વસ્ત્રો ખાદીના પહેરશે તો દેશની બેકારી ની સમસ્યા માત્ર દૂર થશે
જો સૌ કોઈ સંપૂર્ણ ખાદી અપનાવશે તો દેશની બધી જ સમસ્યાઓ દૂર થશે.
હજી દેશ ગરીબ છે. “કાંતવું” એ એક વૈકલ્પિક અને પૂરક વ્યવસાય છે. જો સૌ ખાદી પહેરે અને તે પણ સ્થાનિક ખાદી પહેરે તો ગરીબી તો ચપટીમાં દૂર થઈ શકે છે. ખાદીનું કાપડ શ્રેષ્ઠ કાપડ છે. કાંતનાર, વણનાર અને દરજી સૌને રોજી મળી શકે છે.
હા એક વાત ખરી કે ૫૦૦ રૂપિયે વાર મળતા મિલના કાપડ જેવું કે ૨૦૦૦ રૂપિયે મળતા ખમીસ જેવું લીસું નથી. પણ ચાલે એવું તો છે જ. તમે કહેશો કે એ જે હોય તે, એમ કહોને કે … ખરબચડું છે … ખરબચડાથી ચામડી ઘસાય નહીં?
પણ રવિશંકર મહારાજે કહ્યું હતું કે “આપણે ઘસાઈને ઉજળા થઈએ”.
“આપણે ઘસાઈને ઉજળા થઈએ” એ માર્મિક કથન છે. તેનો અર્થ સમજો.
હા જી, આપણે સૌ ઘસાઈને ઉજળા થઈએ.
બધા ઉજળા થશે તો દેશ ચોક્કસ ઉજળો થશે.
વધુ આનંદ પ્રાપ્ત કરવા માટે આજ સાઈટ ઉપર વાંચો “ચોક્ખું ઘી અને હાથી”