રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન
ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.
રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.
લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.
ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું. આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.
આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.
કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.
સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.
ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી
ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.
તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.
૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.
વાત એમ છે કે;
એક જગ્યા છે.
તેના ઉપર કબજો હિન્દુઓનો છે.
પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.
આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.
આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.
હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,
મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.
આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.
“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.
જો કે નહેરુવીયન કોંગ્રેસ અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.
આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.
શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?
જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.
નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે. તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને ગોષ્ટિ કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે. જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.
તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?
નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.
દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.
વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.
બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.
હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે
આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.
આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.
નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.
મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?
રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?
“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર નથી.
નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ દંડિત કરતું નથી?
નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.
ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે.
“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?…. વિગેરે વિગેરે” કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.
બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો, સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” … “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે … સમજ઼ા કિ નહીં?”
હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો… એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું … ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું … ચંદ્રક મેળવનાર પણ હું છું …”
મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્ જીવિત અને પુનર્સ્થાપિત કર્યા.
આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.
મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)
પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર, ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી