Feeds:
Posts
Comments

Posts Tagged ‘મૂડીવાદ’

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

શું ખાદીના વસ્ત્રો પહેરવાં અવગડ ભર્યાં છે?

khadi bhandar

ઉત્તરઃ “અવગડ ભર્યા છે અને નથી.”

પણ પહેલાં સમજી લઈએ ખાદી એટલે શું?

કપાસ ઉગે છે ખેતરમાં.

ખેતર એટલે શું?

ખેતર એટલે પ્રણાલીગત રીતે જેને આપણે ભૂમિ કહીએ છીએ તે, જેમાં આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ. વનસ્પતિ પુનઃ પુનઃ ઉત્પાદિત (રીપ્રોડક્ટીવ) છે.

કપાસમાંથી આપણે રૂ કાઢીને તેના તાર કાઢીને તારને વણીને કાપડ બનાવીએ છીએ. કામો જો આપણે રેંટીયા અને હાથશાળથી કરીએ તો તેને ખાદીનું કાપડ કહેવાય.

જો કામ ઘરમાં કરીએ તો તો તે ગૃહઉદ્યોગ કહેવાય.

ત્રણ ફેઝ વાળી વિજળી નહીં વાપરાવાની એવું મનાય છે.  જો ગામમાં કાંતણ કેન્દ્ર હોય અને ત્યાં કોઈ કામ કરવા જાય તો પણ તેને ગૃહઉદ્યોગ જ કહેવાય છે.

જો કે કાર્લ માર્ક્સ થોડો જુદો પડે. વાત  અર્થશાસ્ત્રીઓને વિચારવા દો.

વ્યક્તિએ કાંતણવણાટ કેન્દ્રમાં, જે જત્થામાં સુતર કાત્યું હોય કે કાપડ વણ્યું હોય, અને ધારો કે તે સુતર તેણે  ઘરે કાંત્યું હોત કે વણ્યું હોત અને તેને શ્રમના જે પૈસા અનુક્રમે મળ્યા કે મળે તે બંનેમાં નહીંવત ફેર હોય તો પણ તેને ખાદી કહેવાય.

હા એક વાત ખરી કે જે સરંજામ હતો, તેની માલિકી, જેણે શ્રમ આપ્યો તેની હતી. પણ વાત તો જો શ્રમકરનાર વ્યક્તિએ, શ્રમ ઘરે કર્યો હોય તો પણ એવું બની શકે કે સરંજામની માલિકી તેની પણ હોય.

ટૂંકમાં જે ઉત્પાદન થાય છે તેના યંત્રો તેના તેજ રહે છે અને કોઈ બેકાર તું નથી. કેન્દ્રમાં જઈને શ્રમ કરે તો શ્રમજીવીને સમય બદ્ધ રીતે શ્રમ કરવો પડે અથવા તો એવી ગોઠવ અને સમજુતીઓ કરવી પડે. જો જુદી જુદી પાળીઓમાં શ્રમજીવીઓને કામ કરવા બોલાવવામાં આવે તો યંત્રો ઓછા જોઇએ. પણ આવી પ્રણાલીમાં વ્યક્તિગત અનુકુળતા અને લયતાને હાનિ પહોંચે. કારણ કે માણસ માટે ઉત્પાદન છે. ઉત્પાદન માટે માણસ નથી.

પણ આપણે તેનું સુક્ષ્મ વિશ્લેષણ નહીં કરીએ. કાપડને પણ ખાદી કહીશું. પણ વિકેન્દ્રિત ઉત્પાદન કહેવાશે અને ગૃહ ઉદ્યોગ પણ કહેવાશે કારણ કે યંત્રો તેના તે જ રહ્યા.

વિકેન્દ્રિત ઉત્પાદન શ્રેય કે કેન્દ્રિત ઉત્પાદન શ્રેય?

આનો જવાબ એવો સહેલો નથી. તમે શું ઉત્પાદન કરો છો અને તેની માંગ/વપરાશ કઈ જાતનો છે તેના ઉપર આધાર રાખે છે.

આમ તો ઈશ્વરે બધું વિકેન્દ્રિત કર્યું છે. પ્રકૃતિ વિકેન્દ્રીકરણમાં માને છે. પણ જ્યારે મનુષ્ય સ્વકેન્દ્રી બને છે ત્યારે શોષણ થાય છે. વરસાદ, વનસ્પતિ, ખાડા ટેકરાઓ, અને પ્રાણીમાત્ર વિકેન્દ્રિત હોય છે. મનુષ્ય ભલે ઘરને બદલે પ્રસૂતિગૃહમાં જન્મે, કુલ જન્મની કુલ સંખ્યામાં તે કારણથી ફેર પડતો નથી. એટલે આમ સજીવ માત્ર ગૃહ ઉદ્યોગ કહેવાય. મનુષ્ય પોતે પ્રકૃતિનો હિસ્સો છે એટલે મનુષ્ય જે કંઈ પણ કરે તે પ્રાકૃતિક જ કહેવાય. વાસ્તવમાં સાનુકુળતા અને પ્રાકૃતિક સંતુલન સુચારુ છે તે જોવું જોઇએ.

રેંટીયામાં સુધારા થયા. અંબર ચરખો આવ્યો. તેથી માણસને શ્રમમાં રાહત મળી અને ઉત્પાદન વધ્યું. હાથશાળમાં પણ સંશોધન થયા અને વણાટમાં પણ સુઘડતા આવી.

હવે સ્થિતિ એવી છે કે ખાદી અને મિલના (અતિ મોંઘા કાપડને અવગણીએ તો) ચાલુ કાપડમાં ખાસ ફેર નથી. પોલીયેસ્ટર કાપડની વાત જુદી છે. તેને શરીર માટે નુકશાન વગરનું બનાવવા માટે તેમાં રૂનું મિશ્રણ કરવું પડે છે.

ખાદીના કાપડની અવગડતાઓ

() ખાદીનું કાપડ સામાન્ય મિલના કાપડ કરતાં મોંઘું છે?

મિલને કયા ભાવે વિજળી મળે છે?

મિલને કયા ભાવે પાણી મળે છે?

મિલ પોતાનો કચરો કેવી રીતે અને ક્યાં ઠાલવે છે?

મિલ કેટલું પાણી બગાડે છે અને કેટલી મીન બગાડે છે?

મિલ કેટલી હવા બગાડે છે?

નુકશાનમાં થી સરકાર તેને માફી આપે છે.

પ્રદુષિત વાતાવરણ, મીન અને પાણી, આસપાસના વિસ્તારની જનતાની તંદુરસ્તીને હાનિકારક થાય છે. બધી નુકશાનીઓ મિલો ભરપાઈ કરતી નથી. તેથી મિલનું કાપડ સસ્તું પડે છે. આવી હજાર વાતો છે. મેં સાઈટ ઉપર અત્ર તત્ર આપેલી છે.

સચોટ ઉદાહરણ “ગંગા શુદ્ધીકરણ” માટે ની પરિકલ્પનાઓ છે. નહેરુવીયન કોંગ્રેસે ઉદ્યોગો સામે એવા ક્ષતિયુક્ત કાયદાઓ ઘડ્યા કે ઉદ્યોગ જમીન બગાડે, હવા બગાડે, ભૂગર્ભ જળ બગાડે, નદી તળાવનું પાણી બગાડે, તો ભલે બગાડે. માણસો રોગિષ્ટ બને અને પીડાય તો ભલે પીડાય. કાચી ઉમરે મરે તો ભલે મરે. નહેરુવીયન કોંગ્રેસને મોડે ખબર પડી કે ઘણું બધું બગડે છે. જોકે આમાં તેણે બુદ્ધિ ચલાવી નથી. એને માટે આંદોલનો થયા છે. અને ન્યાયાલયે કમને આદેશો આપ્યા કે કાયદાઓ કરો. જો કે આવા ચૂકાદાઓ આપવા એ ન્યાયતંત્રના ખેરખાંઓનો દંભ હતો.

હાનિ પહોંચાડવી કે હાનિની પૂર્ણ શક્યતા ઉભી કરવી એ ફોજદારી ગુનો છે. પણ ન્યાયાધીશો, કારખાનાઓની બાબતમાં આવું સુયોગ્ય માનવીય અર્થઘટન કરે એ વાતમાં માલ નથી. ન્યાયધીશ કહેશે; સરકારે “બગાડના સુધાર માટે” પ્રણાલી બનાવવી જોઈએ અને તકનિકી સહાય આપવી જોઇએ. વાત પૂરી.

ગંગા શુદ્ધીકરણ માટે પરાર્ધો રુપીયા ખર્ચાયા. નહેરુવીયન કોંગ્રેસના અનેક નેતાઓ, બીજા પક્ષોના નેતાઓ, ન્યાયધીશો અને સરકારી અધિકારીઓ માલદાર થયા. બહુ વખત પહેલાં કેલિકો મિલનું ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હતું. તેની તીવ્ર દુર્ગંધ કિનારે વસતા લોકોને આવતી. પાણી, હવા અને નદી ત્રણે બગડતાં હતા.   ઉદ્યોગોને બધી છૂટ.  

બધું હોવા છતાં ખાદી એટલી મોંઘી નથી.

ખાદી ગરમીમાં ઠંડક અને ઠંડીમાં રક્ષણ આપે છે.

મિલના કાપડના વસ્ત્રોમાં સ્પર્ધા છે. તમે ૧૫૦૦૦ નો સુટ પહેર્યો છે તો બીજાએ જેણે ૫૦૦૦૦ નો

સુટ પહેર્યો છે તેની આગળ તમે ઝાંખા લાગશો.

પણ ખાદી સાદાઈનું પ્રતિક છે એટલે આવી ઝાંખપ આવતી નથી. ખાદી એટલે ખાદી.

ખાદીના કપડાને કાંજી અને ઈસ્ત્રી કરવાથી સુઘડતા વધે છે.

(૨) ખાદીનો નિભાવ ખર્ચ વધુ હોય છે.

 જો આરોગ્યનો ખ્યાલ કરીએ તો કોઈપણ વસ્ત્ર બે ત્રણ દિવસથી વધુ વખત પહેરાય. એટલે ખાદી અને ખાદી બંને ના વસ્ત્રો ધોવાતો પડે .

ખાદીના વસ્ત્રો સહેલાઈથી સાફ થાય છે અને સાબુ જલ્દી નિકળી જાય છે. તમારી પાસેઓન્લી વૉશવાળું વોશીંગ મશીન હોય તો તે પણ ચાલશે. આ મશીન સસ્તું આવે છે.

જો તમે અફલાતુન ખાદી વસ્ત્રો પહેરતા હો તો તેમાં રોકાણ કિમત વધુ હોય છે. જો તમને રોકાણ કિમત પોષાતી હોય તો ખાદી ખરીદો અને વધારાના પૈસા ઈસ્ત્રીવાળાને આપો. ઇસ્ત્રીવાળા ને વધુ રોજી મળશે.

ખાદીના કપડાને કાંજી કરો તે વધુ આકર્ષક લાગશે. આમેય ત્રણ દિવસે તો તમારે કોઈપણ કપડા ધોવા પડતા હોય છે.

બહાર પહેરવાના કપડાં તમે જુના થયે ઘરમાં પહેરી શકશો, કારણ કે ખાદીનું કાપડ ધોવું સરળ છે. ખાદીના કાપડને લગાડેલો સાબુ જલ્દી નિકળી જાય છે. ઘરમાં આમેય તમે ક્યાં કાંજીઇસ્ત્રીવાળા કપડા પહેરો છો.

સરવાળે ખાદી સસ્તી પડશે. તે ઉપરાંત ગરીબોને રોજી મળશે.

ખાદીને સસ્તી કેવી રીતે કરી શકાય?

જો તમે ગરીબ છો કે તમને લાગે છે કે ખાદી પોષાતી નથી, તો તમે હાથે કાંતો અને તેના બદલામાં ખાદીનું કાપડ લો. ખાદીનું કાપડ ઘણું સસ્તું નહીં પણ લગભગ મફત પડશે. વધુ કાંતશો તો કમાણી પણ થશે.

વૈદિક જીવન વિષે સોસીયલ નેટવર્કમાં ભરપૂર લખાણો આવે છે. જો કે એ બધું અગમ નિમગ કે અગડં બગડં જેવું લાગે છે. પણ જો “વેદ”નો અર્થ જાણવું કરીએ તો જાણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને જ્ઞાન વધવાથી બુદ્ધિ વધે છે. બુદ્ધિ વધે તો સુયોગ્ય તકનિકીનો ઉપયોગ કરી શકાય. આ બધું વૈદિક જ કહેવાય.

માંધાતા, રામચંદ્ર, રાવણ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, કૃષણદેવરાય, અકબર, ઔરંગઝેબ, શિવાજી, તાત્યા ટોપે, ઝાંસીની રાણી, નાના ફડનવીશ … સૌ કોઈ ખાદી જ પહેરતા હતા.

ગાંધીજી એ ખાદી તરફ ધ્યાન દોર્યું.

ગાંધીજી ખાદી પહેરતા હતા. આ એક વૈચારિક ક્રાંતિ હતી. છેલ્લી વૈચારિક ક્રાંતિ ૧૯૭૭માં આવેલી. આ ક્રાંતિના નેતા જયપ્રકાશ નારાયણ પણ ખાદી જ પહેરતા હતા.

૨૦૧૪ના ક્રાંતિવીર નરેન્દ્ર મોદી ખાદીને પુરસ્કૃત કરે છે. પણ તેમને કોઈ ભેટ આપે તો અ-ખાદી પણ કામચલાઉ પહેરી લે છે અને પછી તેને હરાજીમાં મુકી ૧૦ થી ૧૦૦ ગણા પૈસા ગરીબોના હિત માટે ફાળવે છે. અ-ખાદી પ્રત્યે કડવાશ રાખવાની જરુર નથી.

એ વાત ખરી કે બધા પોતાના વસ્ત્રો હરાજીમાં ન વેચી શકે. પ્યાલા-બરણીવાળી પણ ખાદીના વસ્ત્રો લેતી નથી. પણ ખાદીના વસ્ત્રો જુના થાય એટલે ઘરમાં પહેરવા. ઘરના વસ્ત્રો ફાટી જાય એટલે તેને “પોતાં” તરીકે વાપરવા.

અંગ્રેજોનું રાજ આવ્યું એ પહેલાં ભારતનું ઉત્પાદન વૈશ્વિક ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતું હતું. અત્યારે ૨ થી ૫ ટકા હિસ્સો ધરાવે છે. જો ભારત સંપૂર્ણ સ્વાવલંબી થઈ જાય તો ૨૦ ટકા તો આમ જ થઈ જાય.

વિનોબા ભાવે એ કહ્યું છે કે અત્યારે યંત્રો કે ગૃહ ઉદ્યોગ કે સામ્યવાદ કે મૂડીવાદ વિષે ચર્ચા કરવાની જરુર જ નથી. જે વસ્તુ ઉત્પન્ન કરવી હોય તેને શ્રેષ્ઠ રીતે, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે વિષે બુદ્ધિનો ઉપયોગ કરો. કાચો માલ+ વિજ્ઞાન + માનવીય તકનિકી = વિકાસ.

વટ પાડવા માટે વસ્ત્રો એકલા જરુરી નથી. જો આપણી સુઘડતા, વસ્ત્રો, વાણી અને વર્તન ત્રણેમાં હોય તો કામ ચાલ્યું જાય છે. બહુ તૃષ્ણાઓ રાખવી નહી. આનંદ મુખ્ય છે.

બદલાની આશા રાખ્યા વગર કામ કરવાનો આનંદ ખરો આનંદ હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ખાદી, સ્વાવંબન, સ્વદેશી, યંત્ર, ગૃહ ઉદ્યોગ, સરંજામ, સામ્યવાદ, મૂડીવાદ, મોઘું, અગવડ, ઈસ્ત્રી, સાબુ, સુઘડ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧

વાદ વિષે વાત કરવી એટલે એક શુષ્ક વિષય વિષે વાત કરવી એવું લાગે છે. અને એટલે સામાન્ય માણસ અને મોટેભાગે જેને આપણે મૂર્ધન્ય એટલે કે જ્ઞાની કે સુજ્ઞ કહીએ છીએ તેમને પણ થોડે કે ઘણે અંશે આ વાત લાગુ પડે છે. પણ આપણે એની વિગતો માં નહીં જઈએ. કારણ કે આ લેખમાળાનું તે ક્ષેત્ર રાખ્યું નથી.

વાદ એ શું છે?

વૈજ્ઞાનિક સાહિત્યનું એક વલણ છે કે જ્યારે તમે કોઈ એક શબ્દ વાપરો તેનો અર્થ તમે શું કરો છો તેની વાચકને જાણ કરી દેવી જોઇએ. જેથી વાચક, તે અર્થને ધ્યાનમાં રાખી લેખકના વિચારોને સમજે.

શબ્દના અર્થને ક્યારેક વ્યાખ્યા કહેવામાં આવે છે. વ્યાખ્યા એટલે આમ તો ટૂંકામાં ટૂંકામાં ટૂંકું વર્ણન. એટલે આપણે ફક્ત વાદનું વર્ણન જ કરીશું. અને તે પણ સામાજીક સમસ્યાના પરિપેક્ષ્યમાં જ વર્ણન કરીશું

વાદ ત્રણ જાતના છે. મૂડીવાદ, સામ્યવાદ અને સર્વોદયવાદ. આ ત્રણેયનું ધ્યેય સમગ્ર સમાજને તંદુરસ્ત અને સુખી  કરવાનું છે. દરેક વાદ ની અંતર્ગત જે પ્રણાલીઓને પ્રબોધવામાં આવી છે. તે પ્રણાલીઓ ની સમજણ એટલે જે તે વાદ એમ સમજવું.

વાદ એ એક સંક્રાંત વ્યવસ્થા છે.

સંક્રાંત અને વ્યવસ્થા એટલે શું?

સંસ્ક્રાંત એટલે વચ્ચેનો ગાળો.

કોની વચ્ચેનો ગાળો?

પરિસ્થિતિ અને ધ્યેય ને જોડતી  વ્યવસ્થા એટલે સંક્રાંત. જેને આપણે ઈન્ટરફેસ કહી શકીએ.

આ ઈન્ટરફેસ કે સંસ્ક્રાંત વાસ્તવમાં શું છે?

ધારોકે બે વ્યક્તિ છે. પાસે પાસે છે. બંનેને વિચારનો વ્યવહાર કરવો છે તો વિચારનો વ્યવહાર એ તેમનું ધ્યેય થયું. અને તેમની ભૌતિક ઉપસ્થિતિ એ તેમની પરિસ્થિતિ થઈ. અને સમાન ભાષા એ એક સંક્રાંત પ્રણાલી કે ઇન્ટરફેસ સીસ્ટમ થઈ. જોકે ભૌતિક માધ્યમ એટલે કે હવા પણ તેની અંતર્ગત આવી જાય છે હવા ઈશ્વર દત્ત છે.

હવે ધારો કે બે વ્યક્તિ એક બીજાથી ઘણી દૂર છે. તો હવાનું માધ્યમ કામ લાગતું નથી. એટલે ટેલીફોન ની વ્યવસ્થા કરવામાં આવી.

ટેલીફોન શું કરે છે?

એક વ્યક્તિ બોલે એટલે હવામાં સ્પંદન થાય. આ સ્પંદનોને આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માણસે બોલવું તો પડશે. તે હવામાં બોલશે. હવામાં સ્પંદનો થશે. હવે આ સ્પંદનોને દૂર સુધી પહોંચાડવા શું કરવું જોઇએ?

આ એક બીજું ધ્યેય કે ઉપધ્યેય થયું.

આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. એક ચૂંબક લીધું અને તેની આગળ એક સ્પંદિત થઈ શકે તેવી પાતળી લોખંડની પતરી લીધી. એ સ્પંદિત થઈ. ચૂંબક અને આ લોખંડની પતરીની વચ્ચેના અંતરમાં વધઘટ થઈ. આ બે વચ્ચે વિદ્યુત ભાર મુક્યો. તાર દ્વારા જોડીને મુક્યો. એટલે આ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં સ્પંદનો રુપાંતરિત થયા. ધાતુના તારને બીજી વ્યક્તિ સુધી લંબાવી દીધા કારણ કે વિદ્યુત તરંગો ધાતુના તારમાં આગળ ગતિ કરી શકશે. બીજી વ્યક્તિ પાસે વિદ્યુત પ્રવાહના સ્પંદનો પહોંચી ગયા. પણ બીજી વ્યક્તિ આ વિદ્યુત પ્રવાહના સ્પંદનોને સમજી ન શકે. તેટલે એક વ્યક્તિ આગળ જે પ્રક્રિયા કરવામાં આવી તેથી ઉંધી ક્રિયા કરવાની જરુર પડી. આ તારને એક ચૂંબક સાથે વિંટાળ્યા અને તેની સામે લોખંડની પતરી રાખી. આમ વિદ્યુત પ્રવાહના સ્પંદનો લોખંડની પતરીમાં રુપાંતરિત થયા અને તે પતરીએ હવામાં સ્પંદનો ઉત્પન્ન થયાં આમ બીજી વ્યક્તિ પાસે સ્પંદનો પહોંચી ગયા અને તે બધું સાંભળવા લાગ્યો. આ ટેલીફોન વ્યવસ્થાને આપણે આપણા ધ્યેયને પામવા માટેનું ઈંન્ટરફેસ કહી શકે. આ ઇન્ટરફેસ નું કામ પરિસ્થિતિ અને ધ્યેયને જોડવાનું છે.

વિચારો મગજમાં ઉત્પન્ન થાય છે. વિચારોને વ્યક્ત કરવા માટે આપણું મોઢું કે જેમાં જીભ, હોઠ, દાંત છે. આપણા વિચારો મોઢાદ્વારા વ્યક્ત કરીએ છીએ. આ મોઢું એ આપણા વિચારો અને હવા વચ્ચેનો ઈન્ટરફેસ છે. આ હવાના સ્પંદનોને મોઢું સમજી શકતું નથી. તેને માટે કાન છે. જે હવાના સ્પંદનોને મગજમાં મોકલે છે. અને સમાન ભાષા તેને ઉકેલે છે. આ ઈશ્વરીય ઇન્ટરફેસ છે.

દરેક વ્યવસ્થાઓમાં અનેક ઉપપ્રણાલીઓ હોય છે. ટેલીફોન પ્રણાલીમાં પણ અનેક પ્રણાલીઓ વિકસી છે. મોઢાથી મગજ અને મગજ થી કાન સુધી પણ ઈશ્વરે અનેક પ્રણાલીઓ મુકી છે.

ઈશ્વરની પ્રણાલીમાં ક્ષતિ આવે તેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. તેને માટે ઉપચાર કરીએ છીએ. આ ઉપચાર એક ઈન્ટરફેસ છે.

મનુષ્યનું ધ્યેય શારીરિક તંદુરસ્તીનું છે. અને જ્યારે ક્ષતિ આવે ત્યારે ઉપચાર કરીએ, આ ઉપચારની પ્રક્રિયાને આપણે “પથી” કે “શાસ્ત્ર” કહીએ છીએ.

જે પ્રક્રિયા કે પ્રણાલી, આપણને ધ્યેય સુધી પહોંચાડે તે પ્રક્રિયાને આપણે વાદ કે શાસ્ત્ર કહી શકીએ. ટૂંકમાં વાદ એક ઈન્ટરફેસ છે. અને તેની વિગતો એ એક પ્રણાલી છે. ઇન્ટરફેસ એ એક એવી પ્રણાલી છે જે ધ્યેય અને વ્યક્તિ બંનેને સમજે છે.

એક સવાલ ઉભો થશે.

આપણે આ સાધન કે વ્યવસ્થા કે શાસ્ત્રને સંક્રાંત વ્યવસ્થા કેમ કહીએ છીએ?

એવી તે શી જરુર પડી કે આપણે તેને સંક્રાંત કે ઈન્ટરફેસ કહેવી પડે? શું આમાં કોઈ ભાષા ક્ષતિ છે?

હોઈ શકે છે. વિદ્વાનો તેની ઉપર વિચાર કરી શકે છે. કારણ કે શબ્દનો અર્થ એ વર્ણન છે. અને આપણે વર્ણન તો કર્યું જ છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે વચ્ચેના સમયને સંક્રાંતસમય કહેવામાં આવે છે. અને સંસ્ક્રાંત સમય એ એક એવો સમય છે જે તમને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લઈ જાય છે. આ સંક્રાત સમયને આપણે રસ્તો, શાસ્ત્ર, પ્રણાલી કે સાધન કહીએ તો શું ખોટું છે? રસ્તો એ એક અંતર છે. અંતર અને સમય જુદા નથી. અંતરને શરીર માપે છે. સમયને મગજ માપે છે. શરીર અને મગજ એક જ છે.

તો હવે કહો કે નવ્ય ગાંધીવાદને કેવી રીતે સમજીશું?

આ વસ્તુ સમજતાં પહેલાં આપણે બહુ જ ટૂંકામાં ત્રણે વાદને સમજી લેવા જોઇએ.

ત્રણેનું ધ્યેય શું છે?

ત્રણેયનું ધ્યેય તંદુરસ્ત અને સુખી સમાજ તરફ જવાનું છે.

તંદુરસ્ત એટલે શું અને સુખી એટલે શું?

શરીરને ક્યારે તંદુરસ્ત કહેવાય?

જો શરીરમાં કશી ક્ષતિ ન હોય અને તેના અંગ ઉપાંગો બરાબર કામ કરતા રહે તો તેને તંદુરસ્ત કહેવાય. જેમ શરીર તંદુરસ્ત તેમ તેનું ટકાઉપણું વધારે. એટલે કે આયુષ્ય વધારે.

INTERFACIAL HYPOTHESIS

સુખી એટલે શું?

સુખ એટલે આનંદ. આનંદ શારીરિક પણ હોય અને બૌદ્ધિક પણ હોય. અંતે તો મન જ આનંદિત થાય છે. બુદ્ધિ પણ શરીરનું અંગ છે. બુદ્ધિનું કામ જ્ઞાન મેળવવાનું છે. એટલે જેમ જ્ઞાન વધારે તેમ આનંદ વધારે.

જે પરિસ્થિતિ ઉભી કરવાથી વધુ આનંદ અને લાંબા સમયનો આનંદ મળે તે પરિસ્થિતિએ પહોંચવા માટે જે સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર કામ લાગે તેને વાદ કહેવાય.

મૂડીવાદ શું કહે છે?

માનવ સમાજ માનવોનો બનેલો છે. પણ બધા માનવોના વલણો એક સમાન ન હોવાથી, દરેક માનવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની પસંદગી કરે. કાર્યની પસંદગીની સ્વતંત્રતા દરેક માનવને હોવી જોઇએ. કાર્ય દ્વારા તેને બદલો મળે છે. જે વધુ ઉપયોગી કાર્ય (જેની માંગ વધુ હોય તેને વધુ ઉપયોગી ગણવું) કરશે તેને વધુ બદલો મળશે. આ બદલાનો સંચય કરવાની પણ તેને સ્વતંત્રતા રહેશે.

એક માનવ બીજા માનવને નુકશાન ન કરી શકે તે માટે માનવોનો સમૂહ નીતિ નિયમો બનાવી તેને નિયંત્રિત કરશે.. જનપ્રતિનિધિઓ, માનવની ક્ષમતા વધે તે માટેની વ્યવસ્થા પ્રણાલીઓ સ્થાપશે અને તેનું  નિયંત્રણ કરશે. જનપ્રતિનિધિની દ્વારા થતી વહીવટી વ્યવસ્થા પારદર્શક રહેશે.

સામ્યવાદ શું કહે છે?

માનવ એ સામાજીક પ્રાણી છે. અને તે સમાજને આધિન છે. તેથી સમાજને કેન્દ્રમાં રખાશે. આ વિચાર ધારાને માન્ય રાખનારાઓનું જનપ્રતિનિધિત્વ બનશે. તે વ્યવસ્થા ગોઠવશે. આ વ્યવસ્થા, ઉપયોગી વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરશે. તે માટેની પ્રણાલીઓ અને વ્યવસ્થા ગોઠવાશે. કામની વહેંચણી કરાશે, ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણ રાખાશે. વહીવટી વ્યવસ્થા જનહિતમાં, સ્થાપિત હિતોને ડામવા માટે હોવાથી, આ વહીવટી વ્યવસ્થાઓને પારદર્શક રાખવામાં આવશે નહીં

સર્વોદયવાદ શું કહે છે?

માનવ એ સમાજનો એક અંશ છે. સમાજમાં ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ એક બીજાના આધાર ઉપર નભતી સમગ્ર ઈશ્વરીય સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવ પદાર્થો ઈશ્વરીય વ્યવસ્થાનો અંશ છે. આ ઈશ્વરીય વ્યવસ્થા એ સમાજ છે. આ એક વૈશ્વિક સમાજ છે. આ સમાજનું સંતુલન જળવાઈ રહે અને મનુષ્ય સૌની સાથે સામુહિક આનંદ ભોગવી શકે તેવી જ વ્યવસ્થા ગોઠવાવી જોઇએ.

અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓએ સૃષ્ટિમાં અને માનવસમાજમાં પણ માનસિક અને ભૌતિક અસમાનતા સર્જી છે. તેથી વ્યવસ્થા અહિંસક અને શોષણહીન હોવી જોઇએ. ઉત્પાદન અને વહેંચણીના એકમોનો વહીવટ જેટલો વિકેન્દ્રિત રખાશે તેટલો અનુત્પાદક ખર્ચ ઘટશે.

ગામડાઓને મોટા અંશે સ્વાવલંબી બનાવવા પડશે. તેથી માનવ અને માલનો સ્થળાંતર કરવા માટેનો અનુત્પાદક ખર્ચ ઘટશે. વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે શહેરો અને ગામડાં એક બીજાના પૂરક બને. અસમાનતા એટલી હદે નહીં વધવા દેવામાં આવે કે જેથી એક માનવનો બીજા માનવ વચ્ચે કે અને એક  માનવનો સંસ્થા સાથે કે અને સંસ્થાનો માનવ  સાથે અસંવાદ કે વિસંવાદ ઉત્પન્ન થાય.

માનવના ઉત્કર્ષની શરુઆત છેવાડેના માણસના હિતને પ્રાથમિકતા ઉપર રાખી કરવામાં આવશે.

મનુષ્ય શું છે? ઉત્કર્ષ શું છે? સમાજ શું છે? ધ્યેય શું છે? સુખ શું છે? આનંદ શું છે? આ બધું જો વિસ્તારથી સમજવું હોય તો આજ બ્લોગ સાઈટ ઉપર ગાંધીવાદ અને અદ્વૈતવાદ ઉપરના લેખો સમય મળે તો વાંચવા.

હાલની પ્રવર્તમાન સ્થિતિને તંદુરસ્ત અને સુખી સમાજ તરફ કેવી રીતે લઈ જવો તે નવ્ય ગાંધીવાદ બતાવશે.

હાલ કેટલાક મૂર્ધન્યો “નવ્ય મૂડીવાદ” વિષે વિચારી રહ્યા છે. આપણા સામ્યવાદી ભાઈઓ “નવ્ય સામ્યવાદ” અમલમાં મુકી રહ્યા છે એમ કહી રહ્યા છે. તો આપણે નવ્ય ગાંધીવાદ વિષે વિચારીશું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જ્ઞાન, સુખ, આનંદ, સમાજ, વાદ, ઉત્કર્ષ, તંદુરસ્ત, મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, પ્રણાલી, સાંપ્રત, ઈન્ટરફેસ, સમય, અંતર, વ્યાખ્યા, વર્ણન, ઉત્પાદન, વહેંચણી,  ઈશ્વરીય, વ્યવસ્થા

Read Full Post »

%d bloggers like this: