અહંકાર, કોન્સીયસનેસ, સજીવ અને નિર્જીવ એટલે શું?
જો વૈજ્ઞાનિકો અને હિન્દુઓ અનુક્રમે યુનીફાઇડ ફીલ્ડ થીએરીમાં અને અદ્વૈત વાદમાં માનતા હોય તો સજીવ અને નિર્જીવ જેવા ભેદ ન હોઈ શકે.
વૈજ્ઞાનિકો કદાચ ચાલાકીપૂર્વક કોન્સીયસ શબ્દ વાપરે છે. જેના અનુરુપ શબ્દ “હું-ત્વ, અહંકાર કે સ્વની અનુભૂતિ એવા થઈ શકે.
શંકરાચાર્યના અદ્વૈત પ્રમાણે વિશ્વ પ્રાણ તત્વનું બનેલું છે.
સજીવ વાસ્તવમાં શું છે?
આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છે, સજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ વિજ્ઞાનની વાત.
શંકરાચાર્ય અને હિન્દુધર્મ શું કહે છે? બધું સજીવ છે. બધું પ્રાણ તત્વનું બનેલું છે.
શંકરાચાર્ય કહે છે કે જે ફેરફારને પામે છે તેને ઉત્પત્તિ અને અંતહોય છે. વિશ્વમાં વિશ્વ સહિત એક પણ એવી વસ્તુ નથી કે જેમાં ફેરફાર ન થતો હોય. સમય અને અવકાશમાં પણ ફેરફાર થાય છે, માટે તેને પણ આદિ અને અંત હોય છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આકાશગંગા, નિહારિકાઓ સૌ કોઈ ફેરફારને પામે છે. માટે તેનો આદિ અને અંત છે. જો વિશ્વનો આદિ અને અંત હોય તો આપણા વિશ્વની બીગબેંગની (મહા વિસ્ફોટ) થીએરીને અને વિસ્તરતા વિશ્વની (એકોહમ્ બહુ સ્યામ) થીએરીને સમર્થન મળે છે.આ વિષે પછી ચર્ચા કરીશું.
આપણે સજીવ-નિર્જીવ ઉપર આવીએ.
આપણે એક જીવ તરીકે આપણા શરીરની અંદર છીએ તેમ આપણે માનીએ છીએ.
જોકે વાસ્તવમાં તો આપણે આપણા શરીરની બહાર જીવીએ છીએ. આપણા શરીરની અંદર આપણે આંધળા છીએ. આપણા શરીરની અંદર શું છે અને જે કંઇ છે તે બધું કેવી રીતે ચાલે છે તે વિષે આપણે કશું જાણતા નથી. આપણે આપણા શરીરમાં હરીફરી શકતા નથી. આપણે “હું-તત્વની અનુભૂતિ કરી શકીએ છીએ પણ તે હું તત્વ શરીરમાં ક્યાં છે, કેવડું છે, કેવું છે તે વિષે કશું જ જાણતા નથી.
આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ, સાંભળીએ છીએ, શ્વાસ લઈએ છીએ, સુંઘીએ છીએ એ બધું બહારના વિશ્વનું જ કરીએ છીએ. આપણે જે કઈ વિચારીએ છીએ તે પણ ઉપરોક્ત ક્રિયાઓ દ્વારા આપણા મગજમાં જે સંગ્રહાયેલું છે તેને યાદ કરીને તેને સરખાવીએ છીએ, નિર્ણયો કરીએ છીએ અને વળી પાછા આપણા નિર્ણયોને સંગ્રહીએ છીએ અને આવું જુદીજુદી રીતે કર્યા કરીએ છીએ, તેને “વિચાર”એમ કહીએ છીએ. આપણા શરીરમાં લાખોજાતના કોષો છે. તેના અલગ અલગ કાર્યો હોય છે. અબજો જાતના સંવાદો અને આજ્ઞાઓ થાય છે. આ બધું ગણત્રી પૂર્વક, ખાસ હેતુ પૂર્વક, સમયસર, ચોક્કસાઈપૂર્વક, પ્રતિકારક રીતે, પૂર્વ નિયોજન પૂર્વક અને પ્રમાણસર થાય છે. આ બધા કોષો એક ખાસ ઉષ્ણતામાનની સીમા વચ્ચે જ જીવી શકે છે. અને તે ઉષ્ણતામાન જાળવવાનું કામ પણ તેઓ ભેગા મળીને નિશ્ચિત રીતે જ કરે છે. કયા કોષો શું છે શેના બનેલા છે, ક્યારે ઉત્પન્ન થાય છે ક્યારે બદલાય છે, ક્યારે કામ કરે છે અને કેવીરીતે કામ કરે છે, આપણે કશું જાણતા નથી. છતાંપણ આ બધું થાય છે. તો આ બધું કોણ કરે છે?
સજીવને બીજા લોકો શું સમજ્યા?
સજીવોને બીજા ધર્મોએ અલગ રીતે સમજ્યા છે. તેઓ એવું સમજ્યા કે ઈશ્વરે, માણસને બધી છૂટ આપી છે. તે એકે મનુષ્ય, પ્રાણી પક્ષી અને જળચરોને ખાઈ શકેછે. આત્મા ફક્ત મનુષ્ય જાતિમાં જ છે. પ્રાણી, પક્ષી, જળચરો વિગેરેમાં આત્મા નથી.
અદ્વૈત આમ ન માને તે સ્વાભાવિક છે.
આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છે, સજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, સ્વની અનુભૂતિ કરે છે, સુવે છે, જાગે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ આધુનિક વિજ્ઞાનની વાત.
અમીબા એક કોષી જીવ છે. તે સ્વનું વિઘટન કરે છે. (એકો‘હમ બહુ સ્યામ). તેને બધી બાજુ હાથ છે, મોઢું છે અને પગ છે. સર્વત્રો બાહવઃ સર્વતઃ મુખાઃ સર્વતઃ પાદાઃ તેવું જ બેક્ટેરીયાનું છે, પણ તે સૂત્ર જેવું છે.
તે પછી આવ્યા દ્વી લિંગી. (અર્ધનારીશ્વર)
તે પછી આવી મૈથુની સૃષ્ટિ. શંકર અને પાર્વતી ( અથવા શિવ અને શક્તિ)
હવે સજીવની ઉપરોક્ત વ્યાખ્યામાં તમે એવી રીતે મર્યાદામાં આંકી છે કે જેથી એટલી મર્યાદામાં આવતી પ્રજાતિઓનો જ સજીવ તરીકે સમાવેશ કરી શકો છો. જો તમે ઉપરોક્ત મર્યાદામાં ઉમેરો કે તેને આંખ અને કાન હોય છે, તો ઘણા સજીવો આમાંથી રદ થઈ જાય. જો તમે “જેઓવ્યુહ રચના કરી શકે છે” તેને પણ ઉમેરો તો માણસ સિવાયના બધા જ, સજીવ સૃષ્ટિમાંથી રદ થઈ જાય.
તો સજીવની વાસ્તવિક વ્યાખ્યા કઈ?
એકત્વ (યુનીક્નેસ)ને જાળવવું એટલે સજીવઃ
એકત્વનું અસ્તિત્વ (યુનીક્નેસ) અને તે માટે ની ઉર્જારુપી વૃત્તિ (બાઈન્ડીંગ એનર્જી) થકી આ એકત્વ એ સજીવની વ્યાખ્યા હોઈ શકે.
મનુષ્ય ને એક આકાર છે. તેને એક એકત્વ છે. એટલેકે તેની અનુભૂતિ એવી છે કે તે એક છે. એટલે કે તેના શરીરમાં તે એક જ છે. તે, બે નથી. બધા સજીવોમાં આ સ્થિતિ હોય છે.
શા માટે?
કારણ કે બધા સજીવોના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને તે બાઈન્ડીંગ ઉર્જાથી જોડાયેલા હોય છે. તેમજ તે બધાની વચ્ચે વ્યવહારો થતા હોય છે. સેન્દ્રીય પ્રવાહી, તેમાં રહેલા કણો અને હવા થકી આ વ્યવહારો થાય છે. તેથી જે એકત્વ, વાસ્તવમાં એક નથી પણ અનુભૂતિ એકત્વની થાય છે. આ કોષ સમૂહનું સામુહિક ધ્યેય એ હોય છે કે આ એકત્વને ટકાવી રાખવું અને જો ઘાતક સમસ્યા ઉભી થાય તો તેની સામે ઝઝુમવું. દરેક કહેવાતા સજીવોમાં આ વૃત્તિ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે.
સજીવોમાં અસ્તિત્વની અનુભૂતિનો ગુણ શું અનિવાર્ય છે?
હા જી અને નાજી.
અસ્તિત્વની અનુભૂતિ સ્વપ્નહીન નિદ્રામાં થતી નથી. છતાં પણ જીવનું અસ્તિત્વ તો હોય છે જ. તેનો અર્થ એજ થયો કે સજીવો માટે અસ્તિત્વની અનુભૂતિ એ અનિવાર્ય ગુણ નથી. એવું પણ બની શકે કે સ્વપ્ન વિહીન નિદ્રામાં આપણી સ્મૃતિમાં કશું રેકોર્ડ (સંગ્રહ) થયું નથી તેથી આપણે જાગીએ ત્યારે આપણી સ્મૃતિનું સ્ટેટસ જેમનું તેમ જ હોય છે. આપણા અહં-તત્વની અનુભૂતિ સ્મૃતિમાં હોતી નથી. સ્મૃતિનું સ્ટેટસ આપણી ઈન્દ્રીયોએ જે માહિતિ મોકલી હોય અને જે સંગ્રહાયેલી હોય, તેમજ જે વિચારો કરેલા હોય અને સંગ્રહાયેલા હોય તેને આધારે બદલાતું રહે છે. જ્યારે આ ક્રીયા શૂન્ય હોય ત્યારે સ્ટેટસ જેમનું તેમ રહે છે અને સમય પણ આપણને શૂન્ય લાગે છે.
અસ્તિત્વની અનુભૂતિની ગેરહાજરીમાં પણ જો જીવ, અસ્તિત્વ ધરાવી શકતો હોય તો તેનો અર્થ તે થયો કે જેઓ પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી, પણ પોતાનું એકત્વ અકબંધ રાખે છે તેઓ પણ સજીવ તો કહી જ શકાય.પણ અસ્તિત્વની અનુભૂતિ હોવી જોઈએ જ. કારણ કે કોઈપણ પદાર્થ ઉપર બાહ્ય ક્ષેત્રનું બળ લાગે ત્યારે તેના સ્ટેટસમાં ફેર થાય જ છે, અને તે ફેર તેના પૂર્વ ના સ્ટેટસ ઉપર આધારિત હોય છે. પદાર્થના કોઈપણ તત્કાલિન સ્ટેટસમાં પૂર્વકાલિન સ્ટેટસ નિહિત હોય છે. આ સ્મૃતિ જ છે પણ તે બાબતમાં પદાર્થની અનૂભૂતિ કેવી છે તે આપણે જાણી શકીએ નહીં.
સજીવની ગણત્રીમાં કોને લેવા?
સજીવની ગણત્રીમાં સુપર સ્ટ્રીંગ, બોસોન, ક્વાર્ક્સ, ગ્લુઓન, પરમાણુ, અણુ, તેના સંયોજનો, કોષ … વિગેરે બધાને જ લઈ શકાય છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં દરેકને પોતાની લાઈફ હોય છે. સુપરસ્ટ્રીંગ એ મૂળભૂત તત્વ, મૂળભૂત કંપન અને મૂળભૂત ઉર્જા છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં કેટલાકને સેકંડના અબજોમાં અબજોમાં ભાગ જેટલી આવરદા હોય છે. તો કેટલાકની લાઈફ પરાર્ધો વર્ષની હોઈ શકે. આ બીજું કથન બ્રહ્માન્ડ અને તેમાં રહેલા કણો જેવા કે અણુ પરમાણુ, આકાશ ગંગાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો જ્યાં સુધી બીજામાં સમાઈ ન જાય કે વિઘટન ન થઈ જાય તેટલા સમયના અંતરાલ પૂરતું લાગુ પડે છે.
આ સૌ કોઈ પોતાનું એકત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના ક્ષેત્રદ્વારા બીજાને આકર્ષવાનો પણ પ્રયત્ન કરે છે.
પૃથ્વીઃ તેને ઉર્જા આવૃત્તિ અને કંપન છે. જેમકે તે પોતાની ધરી આસપાસ, તેના બધા અંગોને લઈને ફરે છે. તેને પાણીની સાયકલ છે. તેને વાયુની સાયકલ છે. તેને ચૂંબકીય સાયકલ છે. તેને ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. તે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખે તે માટેની વ્યવસ્થા છે. તેની ઉપર રહેલા કહેવાતા (ઓળખાતા) સજીવોનું સંતુલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા છે. આ જ પ્રમાણે આ વ્યવસ્થાની વાત, વત્તા ઓછા પ્રમાણમાં દરેક આકાશીય પદાર્થ અને તેના સમૂહને લાગુ પડે છે. ચંદ્ર અને પૃથ્વી, સૂર્ય, સૂર્ય-ચંદ્ર-પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશગંગા આ બધાને લાગુ પડે છે.
આ સૌ સજીવોની અનુભૂતિ કેવી છે તે આપણે કહી શકીએ નહીં. આપણી અનુભૂતિ આપણા અંગોને આધારે છે. આપણે બે આંખો વડે દુનિયાને ડાબા-જમણા એવા ૧૬૦ ડીગ્રીના અને ઉપર નીચે એવા ૯૦ ડીગ્રી વાળા શંકુ થકી જોઇએ છીએ. તેથી વધુ જોવા માટે આપણે કીકીઓને ફેરવવી પડે છે.
કેટલાક સજીવોને તેમની આંખો એક લાઈનને બદલે ચહેરાની વિરુદ્ધ દીશામાં હોય છે. જેમકે કેટલાક પક્ષીઓ. તેમને દૃષ્ટિના બે શંકુ હોય છે અને દરેકનું ચિત્ર નેત્રપટલ ઉપર જુદું જુદું હોય છે. કેટલાક સજીવોને બે કરતાં વધુ આંખો હોય છે. કેટલાક પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ આપણા કરતાં લાખગણી વધુ હોય અને વૈવિધ્યવાળી હોય છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રને અનુભવી શકે છે. જ્યારે તેઓ ગતિમાં હોય ત્યારે તેમણે ચૂંબકીય રેખાઓ સાથે કેટલો ખૂણો (એંગલ) બનાવ્યો અને કેટલું અંતર કાપ્યું તે તેમની સ્મૃતિમાં રાખી શકે છે અને પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય છે. સજીવો વિષે ઘણું જ અવનવું છે. આવા પ્રાણીઓને થતી અનૂભૂતિ, મનુષ્ય પોતાના અંગો વડે કે ઉપકરણો વડે પણ કરી શકતો નથી.
શરીરના ઐક્યના (યુનીક્નેસની કન્ટીન્યુઈટી) સાતત્ય માટે, કોષની સક્રીયતા જરુરી છે અને તે માટે તેના ઉષ્ણતામાનને સુનિશ્ચિત ડીગ્રીએ રાખવું જરુરી છે. શરીરમાં લોહી હોય છે તેનો મુખ્ય ઘટક પાણી હોય છે. પાણી હમેશા બાષ્પીભવન શીલ હોય છે. એટલે તેમાં કેટલીક ઉર્જા વપરાઈ જાય છે. આ ઉર્જાની ઘટ અને પોષક દ્ર્વ્યોની ઘટ ને પૂરી કરવા ખોરાક જરુરી હોય છે.
શું એકત્વ હોવું તે સજીવ કહેડાવવા માટે જરુરી છે? આપણે જોઇએ છીએ કે કેટલાક સજીવોનો સમુહ એક સજીવના ગુણો ધરાવતો હોય છે. જેમકે આપણે આકાશમાં ૫૦થી ૧૦૦ કીલોમીટરની ઝડપે કે તેથી વધુ ઝડપે ઉડતા અને તે પણ ક્રમબદ્ધ સમુહ અને અમુક આકારમાં ઉડતા પક્ષીઓને જોઇએ છીએ. તેઓ અચાનક પોતાની ત્રીપરિમાણિક દીશા ક્ષણ માત્રમાં બદલી નાખે છે. આવું કરવામાં તેઓ એક બીજા સાથે ભટકાઈ જતા નથી. આ પક્ષીઓએ કોઈ સૈનિક જેવું પ્રશિક્ષણ લીધું હોતું નથી. આ પક્ષી સમૂહ જાણે કે એક જીવ હોય તે રીતે વર્તે છે. આમ કેવી રીતે વર્તે છે?
આવું કેટલાક જળચર જીવ સમૂહમા પણ હોય છે. એટલું જ નહીં પણ આવા સજીવોની પેઢીઓ પણ એક જીવ પ્રમાણે વર્તે છે.
પેઢીઓ એક જીવ તરીકે વર્તે છે તેનો અર્થ શું?
આપણે એક દાખલો લઈએ. કોઈ એક વ્યક્તિએ કોઈ એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. દાખલા તરીકે ગીતા વાંચી. તો તેના સંતાનમાં ગીતાનું જ્ઞાન આપોઆપ આવી જતું નથી. કોઈ એક વ્યકતિ અમદાવાદ થી મુંબઈ ગયો તો તેના સંતાનના મગજમાં તે રસ્તો બેસી જતો નથી. મતલબ કે અનુભવ એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરતો નથી. અનુભવ તો સજીવે જાતે જ તો લેવો પડે છે કે સંવાદ દ્વારા આરોપવો પડે છે. આ સંવાદ “હા” કે “ના” જેવો સરળ હોતો નથી. આ સંવાદ જટીલ હોય છે. અને તે માટે એક વિકસિત ભાષા જરુરી બને છે. પણ ઉપરોક્ત જાતના સજીવોમાં આવો કશો અનુભવ કે સંવાદ હોતો નથી. તો તેનો અર્થ એવો થયો કે અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.
કેટલાક જળચર અને આકાશગામી પક્ષીઓ, ઈંડા મુકવા હજારો માઈલ દૂર નિશ્ચિત સ્થળે જાય છે. એ સ્થળો તેમણે કદી જોયા હોતા નથી. એટલું જ નહીં કેટલાક સજીવો જન્મીને પોતાના માતપિતાને મળવા ચોક્કસ દીશામાં ગતિ કરે છે જે તેમણે કદી જોઇ હોતી નથી.
એમ કહી શકાય કે શરીર જુદાં હોવા છતાં પ્રજાતિ માત્ર એક જીવ તરીકે વર્તે છે. મતલબ કે સમાન ઉદ્દેશ, સમાન ધ્યેય થી સજીવ બંધાયેલો હોય છે એટલું જ નહીં અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.
મનુષ્ય વિષે શું છે?
મનુષ્ય એક વિચારશીલ જીવ છે. વિચાર એ એક આવૃત્તિ (કંપન) છે. સમાન આવૃત્તિ વાળા એટલે કે સમાન વિચાર અને વૃત્તિઓવળા મનુષ્યો આકર્ષાય છે અને એક સમુહ બનાવે છે. અને તે સમુહને જ્યાં સુધી તે વિચારની ઉપયોગિતા હોય છે ત્યાં સુધી તે સમુહ એક સજીવ તરીકે વર્તે છે. જ્યારે તે નિરર્થક બને ત્યારે તે વિલય પામે છે. જ્ઞાતિ પ્રથા, ધર્મ, રોજગાર, ભાષા, ભૌગોલિક સીમા વિગેરેનો લગાવ એક સજીવના એકત્વ જેવો ગણી શકાય. સમાજશાસ્ત્રીઓ તેને સમાજ એવું નામ આપે છે. વાસ્તવમાં સજીવ એક સેટ છે. જગત અનેક સેટોનું બનેલું છે. બ્રમ્હાણ્ડ એક યુનીવર્સલ સેટ છે.
એક પદાર્થ બીજા પદાર્થનું ભક્ષણ શા માટે કરે છે? એક પદાર્થ પોતાના એકત્વનું સાતત્ય જાળવવા માટે બીજા પદાર્થનું ભક્ષણ કરે છે. પણ જેમને સજીવોની જેવાં મગજો નથી તેઓની આ પ્રક્રિયા અલગ છે. સજીવઓમાં દાખલા તરીકે વાઘ, હરણને ખાવા માટે તેની પાછળ દોડે છે. એટલે કે સંઘટનના આનંદ અને ભૂખ્યો રહીશ તો વિઘટન થશે એ વાત વાઘમાટે આનુવંશિક છે અને તેના મગજમાં વૃત્તિમાં નિહિત છે, તેથી તે હરણ તરફ આકર્ષાય છે. તેવીજ રીતે હરણને પોતાના વિઘટનનો ભય, વાઘથી અપાકર્ષાય છે. આકર્ષણ, અપાકર્ષણ ઉપર હાવી થાય છે કે અપાકર્ષણ, આકર્ષણ પર હાવી થાય છે? પૃથ્વીને તો વાઘની પણ જરુર છે અને હરણની પણ જરુર છે. હરણ છે તો વાઘ સચવાય છે. વાઘ છે તો જંગલ સચવાય છે. અને જંગલ છે તો વરસાદ વરસે છે અને વરસાદ વરસે છે તો હરણને ઘાસચારો મળે છે. એટલે પૃથ્વીએ શું કર્યું? વાઘને ૧૫ સેકંડ માટે હરણ કરતાં વધુ ઝડપે દોડવાની શક્તિ આપી. અને હરણને લાંબા સમય સુધી ૭૫ થી ૧૦૦ કીલો મીટરની ઝડપે દોડવાની શક્તિ આપી. એટલે જો વાઘભાઈ શરુઆતની સેકંડોમાં હરણને પકડી પાડે તો તેમને ભોજન મળે. અને હરણને વિઘટન મળે. પણ જો વાઘભાઈ નિસ્ફળ જાય તો હરણને જીવન ચાલુ રહે અને વાઘભાઈએ સાનુકુળ તક શોધવી પડે.
પણ વાઘભાઈ, હરણને આખે આખું ખાઈ જતા નથી. તે ફક્ત તેના આંતરડાં જ ખાય છે. બીજા પ્રાણીઓ ક્રમે ક્રમે આવીને કે ક્યારેક બીજાનો વાંધો લીધા વગર હરણના અન્ય ભાગો ખાય છે.
એક વાઘ બીજા વાઘને ખાતો નથી. પણ પોતાના ક્ષેત્રમાંથી હટાવે છે. કે જેથી તે જંગલના બીજા ભાગમાં પોતાનું ક્ષેત્ર બનાવી તેનું રક્ષણ કરે.
નિર્ગુણ (?) સજીવોઃ
અણુઓને કંપન હોય છે. તે જ તેમનું જીવન છે. તેમાના ઘટકો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા અણુને અકબંધ રાખે છે. અણુઓના અસ્તિત્વ માટે ઉષ્ણતામાનની મર્યાદા બહુ મોટી છે. માણસની જેમ ૯૬ડીગ્રી ફેરનહીટથી ૯૯ ડીગ્રી ફેરનહીટ સુધી જેવડી ટૂંકી નથી. વળી તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે રહીને પોતાની મર્યાદા લાંબી રાખી શકે છે. તેઓ ને ખોરાકની જરુર પડતી નથી. પણ તેઓ તક મળે તો વધુ સ્થાઈ સ્થિતિ તરફ જરુર જાય છે.
પરમાણુ અને અણુના ઘટકો નિશ્ચિત રીતે એકઠા થઈને એક ઘટક બનાવે છે. તેને તોડવા માટે અસાધારણ ઉર્જા વાપરવી પડે છે. પણ તેના ઘન અને ઋણ મુલકોની અદલા બદલી જો પસંદગી અગ્રતાક્રમને અનુરુપ હોય તો આસાનીથી થઈ શકે છે. એટલે કે ઓછા સ્થાઈ સ્વરુપથી વધુ સ્થાઈ સ્વરુપ તરફ.
જેમકે હાડ્રોક્લોરિક એસીડમાં ધન મુલક હાઈડ્રોજન છે (H.Cl = H is + i.e. positive, Cl is – negative) અને ઋણ મુલક ક્લોરીન છે. સોડીયમ હાઈડ્રોક્સાઈડમાં ધન મુલક સોડીયમ છે અને ઋણ મુલક એક પરમાણુ ઓક્સીજન અને એક પરમાણુ હાઈડ્રોજનનું જોડાણ છે (NaOH where Na is + and OH is – negative). આ બંને પદાર્થોને ભેગા કરીએ એટલે સોડીયમ ક્લોરાઈડ અને હાઈડ્રોજન ઓક્સાઈડ એટલેકે પાણી બને છે (NaCl and H.H.O i.e. H2O). પણ સોડીયમ ક્લોરાઈડ અને પાણીને ભેગા કરવાથી હાઈડ્રોક્લોરિક એસીડ અને સોડીયમ હાઈડ્રોક્સાઈડ બનતા નથી.
આ બધાનું કારણ વિજાણુઓ (ઈલેક્ટ્રોન) જે પરમાણુની નાભી (નુક્લીઅસ) ની આસપાસ જે કક્ષા અને જે સંખ્યામાં ફરતા હોય છે તેને વિષે બાંધેલી ધારણાઓ વડે સમજાવાય છે.
આ બધું શા માટે સુનિશ્ચિત છે? એ વાત પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે જે અચળ અંક (કોન્સ્ટંટ) શોધેલો તેના ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર વડે સમજી શકાય છે.
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »