માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૫
અગાઉ આપણે જોયું કે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી હોવાથી તે શક્યતાના સિદ્ધાંત અનુસાર સ્વચ્છંદી થઈને છકી ન જાય તે માટે સમાજની સામુહિક બુદ્ધિ દ્વારા નીતિનિયમો ઘડાયા. સમયે સમયે અનુકુળતાની શક્યતા અનુસાર મહાપુરુષો પણ પેદા કર્યા. આ મહાપુરુષો કંઈ સર્વ ક્ષેત્રોમાં જ્ઞાની હોય તે જરુરી નથી. કારણ કે જ્ઞાનનો સીધો સંબંધ સ્મૃતિ અને વિચાર હોય છે. જો તમે દરેક વિષયમાં તમારા અંગો દ્વારા માહિતિનો સંચય કરવા જાઓ અને તે દ્વારા તર્ક કરીને નિર્ણયો કરવા જાઓ તો તમને અપાર આયુષ્ય પણ ઓછું પડે. એટલે બધી જ બાબતો માં કોઈ વ્યક્તિ નિપૂણ થઈ ન શકે. દરેક વ્યક્તિ જે તે વિષયના પોતાને સ્વિકૃત લાગે તે નિષ્ણાતોના નિર્ણયોને સ્વિકારતો થયો. જેઓ સમાજશાસ્ત્રમાં નિષ્ણાત હતા તેમાં ગાંધીજીની ગણના થાય. પણ દરેક શાસ્ત્રને સમજવા માટે તર્કની તો જરુર પડે.
પ્રયોગો અને ઉપકરણો
તર્ક એ પણ એક શાસ્ત્ર છે. દરેક શાસ્ત્રમાં ઉપકરણો અને પ્રયોગો કરવા પડે. કોઈ પણ જાતના પ્રયોગોમાં ઉપકરણો પ્રયોગથી અલિપ્ત રહેવા જોઇએ. જેમકે ગતિ માપવાનું જે ઉપકરણ હોય તે જે પદાર્થની ગતિ માપવાની હોય તેની ગતિમાં ફેરફાર કરી નાખે અથવા તો જે પદાર્થ ગતિમાં હોય તે આ ઉપકરણના કામકાજ ઉપર અસર કરતું થઈ જાય તો આપણને સાચા અવલોકનો ન મળે.
સમાજશાસ્ત્રમાં સામાન્યરીતે સમાજશાસ્ત્રી વ્યક્તિ પોતે એક ઉપકરણ બની જાય છે. આમાં ઓશો આશારામ, સંત રજનીશમલ, સમાજ સુધારક તરુણ તેજપાલ વિગેરે અનેક લોકો વિષે આવું જ થયું છે. જોકે સમાજ સુધારક તરુણ તેજપાલ પોતે કોઈ સમાજશાસ્ત્રી નથી. પણ તેમની મુખ્ય પ્રવૃત્તિનો હેતુ તો સમાજ સુધારણા નો છે.
ઈશ્વરે મૈથુની સૃષ્ટિમાં કરેલું સર્જન, આ નર અને માદા શું છે?
મનુષ્યેતર પ્રાણીઓમાં એક સંવનન કાળ હોય છે. તેઓ આ સંવનન કાળ સિવાય નર કે માદા તરીકે વર્તતા નથી. તેમજ શિકાર કે ભોજન પ્રાપ્તિ માટે પણ નર કે માદા તરીકે વર્તતા નથી. જો કે દરેક પ્રાણી માટે આ વાત સાચી નથી. પ્રજોત્પત્તિ માટે શારીરિક રીતે બળદ નપુંસક છે. પણ ગૌશાળામાં ગાય અને બળદને અલગ રાખવા પડે છે. આ નરો બીજા નરને પ્રતિસ્પર્ધી માને છે. પણ એ સિવાય તેમનું વર્તન તેઓ પોતાને નર સમજે એવું હોતું નથી.
મનુષ્યમાં હમેશા આમ નથી. મનુષ્ય પોતે, આહાર લેવો, નિદ્રા લેવી અને મૈથુન કરવું એ સિવાય અનેક જાતના અગણિત કર્મો કરે છે. તે કર્મો કરવામાં તે પોતાની જાતિ પ્રદર્શિત કર્યા કરે એ જાતનું વર્તન કરવું તેને માટે જરુરી હોતું નથી. મોટે ભાગે તેવું હોતું પણ નથી.
ફિલ્મી નર માદાઓ
પણ તમે ફિલમોમાં (ફિલમમાં ટીવી સીરીયલો પણ આવી જાય) શું થાય છે તે જુઓ. ફિલમ એ સમાજનું પ્રતિબિંબ હોવું જોઇએ. પણ તેમ નથી. મોટે ભાગે હિરીઓની (હિરોઈનોની) સ્ટાઈલો અદાઓ, પોતે માદા છે તે સભાનપણે દર્શાવતી હોય છે. હિરાભાઈઓ પણ, પોતે નર છે તે સભાનપણે બતાવતા હોય છે. હિરાભાઈ અને હિરીબેનો જવલ્લેજ અભિનેતા/અભિનેત્રી તરીકે કામ કરતા હોય છે. તમે એ પણ જોઈ શકશો કે તેમનું વિજ્ઞાપન પણ એજ રીતે થતું હોય છે. આખો સમાજ અને સમાચાર માધ્યમો પણ આ હિરાભાઈ/હિરીબેનોને આજ રીતે જોતા હોય છે. પહેલાં સમાચાર પત્રોમાં ફક્ત શુક્રવારે જ ફિલમને લગતું એક પાનુ આવતું હતું. આજે રોજ એક પાનુ આવે છે અને શુક્રવારે હિરાભાઈ/હિરીબેનો માટે એક ચાર/છ પાનાની પૂર્તિ આવે છે. આ પાનાઓમાં પણ અભિનયને લગતી ચર્ચા જવલ્લે જ હોય છે. તેમની અંગત વાતો અને જાણીજોઈને ચલાવાયેલી અફવાઓ વધુ હોય છે. આ નર અને માદાઓમાં એક પતિત્વ/પત્નિત્વ ની પ્રણાલી જોવી કે આડા સંબંધો ન જોવા તે હાસ્યાસ્પદ ગણાય છે.
શું વાસ્તવમાં સમાજમાં આવું છે?
અપવાદ રુપે કેટલાક કિસ્સોમાં થોડીક વ્યક્તિઓ એવી હશે. પણ સમાજ એવો તો નથી જ. પણ ફિલમ નિર્માતાઓ પોતાના મનોગત જગતને આ રીતે પ્રતિબિંબિત કરે છે. એક બીજું કારણ એ પણ હોય છે કે ફિલમ નિર્માતાઓ જનતાની માનસિક જાતીય અતૃપ્તિને આ રીતે સંતોષવાના અને પ્રેક્ષકોને આકર્ષવાના એક પરિબળ તરીકે તેનો ઉપયોગ કરે છે.
નરમનુષ્ય, માદામનુષ્યને શું કરવા માગે છે? જે રીતે માદા પોતાના મનમાં નર પોતાને શું કરે તો ગમે એ ક્રિયા નરના મનમાં આપોઆપ રીતે ઉત્પન્ન થાય છે. જેમકે માદાને પોતાને મનગમતો નર તેને દબાવે, તેને ઉચકી લે તેને ગોળ ગોળ ફેરવે વિગેરે વિગેરે ઈચ્છાઓ કરે છે. નરના મનમાં પણ માદા માટે એવી ઈચ્છા ઉભી થાય છે કે તે માદાને દબાવે અને ઉચકે લે વિગેરે વિગેરે. નરના મનમાં એવી ઈચ્છા ઉત્પન થતી નથી કે માદા તેને ઉચકી લે અને ગોળ ગોળ ફેરવે. આ એક કુદરતી વ્યવસ્થા છે. આ વાત મનુષ્ય માદા દરેક મનુષ્ય નર વિષે વિચારતી નથી, પણ ભય જરુર રાખે છે. અતૃપ્ત નરમનુષ્ય, બાધ્ય માદાઓ (બાધ્ય સગાંઓ) સિવાય લગભગ બધી જ માદાઓ વિષે આવું વિચારે છે.
નરમનુષ્ય અતૃપ્ત શા માટે છે? તેનું કારણ મોટે ભાગે તેની નવિનતાની ઈચ્છા અને જે માદાને તે પરણ્યો છે તેનો અપૂરતો સહકાર કારણભૂત હોય છે. મનુષ્ય સમાજમાં નર મનુષ્યો એક બીજા સાથે કોઈ એક માદા માટે લડીને કપાઈ ન મરે તે માટે સમાજે તેના ઉપર નિયંત્રણો મુક્યા. અને આ નિયંત્રણો ને લીધે માદા પોતાનામાં ઉભી થયેલી સુરક્ષાની ભાવનાના પરિણામ સ્વરુપે બહુગામી થતી નથી. પણ માદામાં એક સુસુપ્ત ભાવના હોઈ શકે કે કોઈ મનગમતો નર તેના ઉપર બળજબરી કરે. આ વાત સાવજ નકારી ન શકાય. મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે.
નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, કાલીદાસ વિગેરેની રચનાઓ માદામનુષ્યોમાં પણ મનપસંદ હોય છે.
ગાંધીજીનો પણ મુખ્ય હેતુ સમાજ સુધારણા માટેનો હતો
સમાજ રહેતી વ્યક્તિઓ સુખ, શાંતિ અને એક બીજાને પરોક્ષકે પ્રત્યક્ષ શારીરિક હાનિ પહોંચાડ્યા વગર રહે તે માટે સમાજે નિયમો અને નીતિઓ ઘડી. આહાર, નિદ્રા, ભય (અપૂરતી સુરક્ષા) અને મૈથુન વિષે સંશોધનો થયા અને તેના પણ ફરજીયાત અને મરજીયાત નિયમો થયાં. સમાજશાસ્ત્રીઓએ આવા નિયમો બનાવતી વખતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનના હેતુઓ વિષે પણ વિચાર્યું.
ગાંધીજીને પ્રશ્ન થયો કે મૈથુન નો હેતુ શો છે? તેમને લાગ્યું કે મૈથુનનો હેતુ સંતાનની ઉત્પત્તિ માટે છે.
શું મૈથુનનો હેતુ ફક્ત અને ફક્ત સંતાનની ઉત્પત્તિ માટેનો જ છે?
ગાંધીજીએ બ્રહ્મચર્યને તેની સાથે સાંકળ્યું. અગાઉના લોકોએ કરેલા પ્રયોગોના તારણો પ્રમાણે બ્રહ્મચર્યનો અપાર મહિમા છે. એટલે તેમને લાગ્યું કે પરાપૂર્વથી ચાલ્યું આવતું અને અનુભવે માન્યતા પ્રાપ્ત કરતું આ તારણ ખોટું તો ન જ હોઈ શકે. તો તેનો અર્થ એમ થયો કે સામાન્ય સંજોગોમાં મનુષ્યે નપુંસક રહેવું જોઇએ.
બ્રહ્મચર્ય ફક્ત શારીરિક રીતે જ હોય તો બ્રહ્મચર્ય અસરકારક બનતું નથી. એટલે કે બ્રહ્મચર્યના લાભ મળતા નથી. એટલે મનુષ્યે મનથી પણ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. મનથી પણ બ્રહ્મચારી બનવા માટે વિચારોમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે શારીરિક સુખની ઈચ્છા ઉત્પન્ન જ ન થવી જોઇએ.
એક નવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. જો અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્યનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો છે. આનંદ તો, શારીરિક સુખ, સગવડ, અને જ્ઞાનથી મળે છે. તો પછી જો વિજાતીય વ્યક્તિસાથે શારીરિક સુખથી જે આનંદ મળે છે તેને સીમિત શા માટે કરવો? એટલે કે તે આનંદ ફક્ત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા પૂરતો મર્યાદિત શા માટે રાખવો?
ગાંધીજી ગીતા પ્રમાણે સમજ્યા કે સાચો આનંદ અને કાયમી આનંદ એ જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ છે. આહારથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેને સમય મર્યાદા હોય છે. નિદ્રા ખપ પૂરતી હોવી જોઇએ. ભય નો અભાવ એ ભયને નાબુદ કરનારી સુરક્ષા માટેની સમજ છે. એટલે કે તે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ સાચો આનંદ છે.
સાચો આનંદ એટલે શું?
જે આનંદ સ્થાઈ છે તે સાચો આનંદ. જે આનંદ અસ્થાઈ છે તે ખોટો આનંદ હોવો જરુરી નથી, પણ તે આનંદ કાયમી એટલે કે સ્થિર નથી તેથી તે આપણું ધ્યેય ન હોવું જોઈએ.
ખોટો આનંદ એટલે શું?
બીજાને નુકશાન કરીને જે આનંદ પ્રાપ્ત થાય તે ખોટો આનંદ છે. આ આનંદ પણ અસ્થાઈ હોય છે.
એટલે જેઓ સ્થાયીને છોડીને અસ્થાયીની પાસે જાય છે (સ્વિકારે છે), તેને માટે સ્થાયી તો નાશ પામ્યા બરાબર છે (કારણ કે તેણે સ્થાયી તો સ્વિકાર્યું જ નથી) અને જે અસ્થાયી સ્વિકાર્યું છે તેતો નાશ પામવાનું જ છે. યો ધૃવાણિ પરિત્યજ્ય અધૃવં પરિસેવતે, ધૃવાણી તસ્ય નશ્યંતિ, અધૃવં નષ્ટં એવ ચ. (ગીતા).
આહાર થી મળતો આનંદ અસ્થાયી છે. જો કે આહાર જરુરી છે. તેથી તેને તેનો હેતુ સરે તે પૂરતો સીમિત રાખવો. નિદ્રા પણ અસ્થાયી છે. જો કે નિદ્રા જરુરી છે. તેથી તેને તેના હેતુ પૂરતી સિમિત રાખવી. શરીર થકી મળતા સુખોને નિયંત્રિત અને સીમિત રાખવા જેથી મન ઉપર કાબુ વધે. આ જ વાત વિજાતીય વ્યક્તિ સાથેના શારીરિક સુખને પણ લાગુ પડે છે. જે આ કરી શકે છે તેને પવિત્ર જાણવો.
પરદાર પરદ્વવ્ય પરદ્રોહ પરાંગમુખઃ
ગંગાબૃતે કદાગત્ય માં અયં પાવયિષ્યતિ?
પરસ્ત્રી, પરધન અને બીજાએ કરેલા દ્રોહથી જે વિમુખ હોય છે તેને વિષે ગંગા કહે છે કે તે આવીને મને ક્યારે પવિત્ર કરશે?
ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે મનને કેવીરીતે તાબે કરવું?
આહાર લેવાથી રસાયણો બને છે. વિચાર કરવાથી રસાયણો બને છે. અને આ રસાયણો વળી મન અને વિચારોને નિયંત્રિત કરે છે. તેથી આહાર અને મન ઉપર નિયંત્રણ રાખવા માટેની પ્રક્રિયા સતત ચાલુ રાખવી જોઇએ. એટલે કે અભ્યાસ કરવો જોઇએ.
મહાત્મા ગાંધીએ મનને કાબુમાં રાખવા ઘણા પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાંનો એક પ્રયોગ, વિજાતીય વ્યક્તિ સાથે નપુંસક મન રાખી સહશયન કરવું એ હતો.
મહાત્મા ગાંધીનો પ્રયોગ, સંતરજનીમલ થી તદ્દન વિરોધી હતો. જાતીય સુખ ભોગવવાની મનોવૃત્તિથી તદ્દન વિરુદ્ધ હતો.
ગાંધીજી તેમના પ્રયોગમાં સફળ થયા હતા ખરા. પણ તેમણે આની જાહેરાત ન કરી. કારણ કે ગાંધીજી, આ પ્રયોગના ભયસ્થાનો જાણતા હતા.
કેટલાકને ગાંધીજીના બે સ્ત્રીઓના ખભાનો સહારો લઈને ચાલતા હોય એવા ફોટાઓ જોઇએને કરંટ લાગે છે. અને તેઓ આ ફોટાઓને આધારે ગાંધીજીને વ્યભિચારી કહેવાની ઘૃષ્ટતા કરતા હોય છે. તેમણે જાણવું જોઇએ કે તે ગાંધીને માતા માનતા હતા.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ શક્યતા, સિદ્ધાંત, ગાંધીજી, સમાજશાસ્ત્ર, પ્રયોગ, ઉપકરણ, વિજાતીય, શારીરિક, સુખ, આનંદ, સીમિત, મૈથુન, હેતુ, બ્રહ્મચર્ય, મહિમા, ગીતા, જ્ઞાન, કાયમી, મર્યાદિત, અસ્થાયી, નપુંસક