Feeds:
Posts
Comments

Posts Tagged ‘મોટાભા’

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ- ૨

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

“આનંદી બેનને મોવડી મંડળે અલ્ટીમેટમ આપ્યું કે ૧૫ દિવસમાં પાટીદારોની સમસ્યા દૂર કરો, નહીં તો પદ છોડવા તૈયાર રહો” ન્યુઝ સોર્સ “આધારભૂત”.

કેમ ભાઈ! સમાચારના સોર્સનું નામ નહીં જણાવ્યું? સોર્સ નું નામ જણાવવાની હિંમત નથી? સમાચાર પત્રોએ તો હિંમતવાળા થવું જોઇએ.

કેમ ભાઈ! ખોટા પડવાનો ડર છે? જો આવો ડર છે તો સમાચાર છાપો છો જ શા માટે? આવા સમાચાર નહીં આપો તો શું ધરતીકંપ થવાનો છે?

“અરે ભાઈ, અમે ખોટા તો પડવાના જ છીએ. પણ અમારો એજન્ડા એ છે કે આ પાટીદારોના આંદોલનકારીઓને થોડી ચાનક તો ચડાવી જોઇએ ને! આ આંદોલન જ્યારે પૂરપાટ ચાલતું હતું ત્યારે મોવડી મંડળે આનંદીબેનને અલ્ટીમેટમ આપવું જોઇએ તેવું “આધારભૂત” સ્રોત વાળી વાત અમને યાદ ન આવી. હવે જ્યારે આંદોલન નબળું પડી ગયું હોય ત્યારે તેમને “પાનો” ચડાવવા અમારે આગળ તો આવવું જ પડે કે જેથી પાટીદાર નેતાઓને લાગે કે હમ ભી કુછ કમ નહીં હૈ. સાથે સાથે જનતાને એક સંદેશો જાય કે બીજેપીમાં ગડમથલ છે. અફવા તો અફવા. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.

દાખલો બીજોઃ

“યશવંત સિંહાના નિવેદનથી હોબાળો. રાજીનામાની માંગ.”

યશવંત સિંહા અસહિષ્ણુતા વિષે કંઈક બોલ્યા. એટલે એની અસર વ્યાપક પડી છે તેવો સંદેશો આપવો જરુરી છે. એટલે “હોબાળો” શબ્દ તો હાથ લાગી ગયો. નહેરુવંશી ઇન્દિરાઈ કટોકટી ફેઈમ કોંગ્રેસ તો નૈતિક રીતે રાજીનામુ માગી ન શકે. જો કે નહેરુવંશી કોંગ્રેસને નીતિમત્તા સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી તેથી તે તો રાજીનામું માગે પણ ખરી. પણ ધારો કે નહેરુવીયન કોંગ્રેસના નેતાએ રાજીનામું માગ્યું હોય તો તેને છૂપાવવું જરુરી નથી. કારણ કે કોંગીજનો તો આંદોલનપ્રિય અને ખ્યાતિભૂખ્યા છે. તો પછી રાજીનામું માગ્યું કોણે? અને કોનું રાજીનામું માંગ્યુ? સમાચારના વિવરણમાં કશી માહિતિ મળતી નથી. જો કે ટીવી ચેનલોએ શબ્દસઃ વીડીયો ક્લીપ બતાવી શકી નથી. યશવંત સિંહાએ મોદી વિષે કહ્યાનું નકાર્યું છે. સમાચાર માધ્યમનો એજન્ડા “નો નેગેટીવ” ન્યુઝ, ન્યુઝ માટે લાગુ પડતો નથી.

દાખલો ત્રીજોઃ

હે વાચક ભાઈઓ, પાટીદારભાઈઓના એક વર્નાક્યુલર સમાચાર માધ્યમ જનિત નેતા જેલમાં સબડે છે. જો આ નેતા જેલની બહાર હોત તો તેને “અઘ્યા-પાદ્યાના” સમાચાર (વિષ્ટા ઉત્સર્જન અને તેજ માર્ગે થતા વાયુ-ઉત્સર્જનના સમાચાર) અમે આપતા રહેત. હવે તેઓ જે કંઈ કરે તે સમાચાર મને મળતા નથી તેથી અમે બેચેન છીએ. અમે તેમને અવારનવાર પત્રો લખતા રહેવાની ભલામણ કરી છે. અને તેથી તેઓશ્રી લખતા રહે છે. અમે તેમના લખેલા પત્રોને ભરપુર કવરેજ આપીએ છીએ. સાથે સાથે અફવાઓ પણ ફેલાવીએ છીએ. “પાટીદાર ભાઈઓને જેલમાંથી મૂક્ત કરો, અમે તમારી સાથે છીએ” (જો કે હે વાચક ભાઈઓ અમે એમ નહી લખીએ કે કાયદાને કાયદાનું કામ કરવા દો. જો પાટીદાર ભાઈઓ નિર્દોષ છે તો કાયદો તેમને અડી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે.)  હા વાચકભાઈઓ, અમે એવું જરુર લખીશું કે ફલાણા પાટીદાર નેતાએ આનંદીબેનને અલ્ટીમેટમ આપ્યું છે કે ત્રણ માસમાં પાટીદારોની સમસ્યાનો નીવેડો લાવો નહિં તો પદ છોડો.

દાખલો ચોથોઃ

નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન થી ગદગદ છે.  (નરેન્દ્ર મોદીની “મનકી બાત” ને મજાકીયું હેડીંગ)

દાખલો પાંચમોઃ

દલિત પરિવારોને ફાળવાયેલી હજારો એકર જમીન કાગળ પર. સીએમને પત્ર. ભારત સરકાર પર આરોપ લગાવ્યો. ઉદ્યોગ ગૃહને ફાળવવાનું કવત્રું. દલિત, આદિવાસી, ઓબીસીના જમીન અધિકાર પર તરાપ, સરકારની મેલી મુરાદ બહાર આવી …..

હે વાચકો તમે એ સવાલ ન પૂછશો કે ૧૯૪૭ થી ૧૯૯૩ સુધીમાં  દલિત, આદિવાસી, ઓબીસીને ફાળાવાયેલી જમીન અત્યારે કોના કબજામાં છે.

દાખલો છઠ્ઠોઃ

ભાજપ પ્રદેશપ્રમુખ પદ કેટલે …

પાટીદારો સમાધાન કરે એટલે.

ભાજપ અને આંદોનલ કારીઓ વચ્ચે એવી ગાંઠ પડી છે કે જે કેમેય કરીને છૂટી રહી નથી.

દાખલો સાતમોઃ

થરુરના “હિન્દુ” ટ્વીટ પર અનુપમ ખેર ભડક્યા…. જીએલએફમાં હોબાળો થયો. રીયલ લાઈફ એન્ગ્રીમેન…

હે વાચકો અમે છેલ્લા ૨૫ પ્લસ વર્ષોથી આતંકિત પીડિત કશ્મિરી હિન્દુઓ વાત નહીં કરીએ. અમને એમાં રસ નથી. કારણ કે એમાં તો નહેરુવંશી કોંગ્રેસની અને તેના સાથી પક્ષોની સંડોવણી  જે અમારા એજંડાની બહારની વસ્તુ છે. અનુપમ ખેરની તે વિષે શું સ્થિતિ છે તે વિષે અમે કહીશું નહીં. અમે તો ફક્ત યેનકેન પ્રકારેણ બીજેપીને ઉપર કોમવાદ વિષે સાંકળી શકાય તેવી જ વાત કહીશું.

દાખલો આઠમોઃ

તંત્રી મહાશયને “હૈદ્રાબાદના ‘બત્રીસ લક્ષણાના બલીદાન એળે જવાનો ડર લાગે છે. આ બત્રીસ લક્ષણા ભાઈનું એક લક્ષણ યાકુબને આપેલી ફાંસીના વિરોધનું હતું.

પટેલ આગેવાનને મોટોભા બનાવવાનો તો તેમનો ધર્મ જ છે. “હાર્દિક પટેલ કોઈની જાગીર નથી. …” અહો … કેવી સુંદર શોધ અને કેવું પરમ સત્ય.અરે ભાઈ તૂં તારી રોજનિશી લખ અને કોણ કોણ તને મળ્યું અને શી વાત કરી તેની નોંધ રાખ. અપને મૂંહ મિયાં મીઠ્ઠું ક્યોં બનતા હૈ.

“પાટીદારોની બીકે સીએમએ ૧૭ કિલોમીટર દૂરથી બ્રીજ ખૂલ્લો મૂક્યો. વરાછાના સરથાણ આ બ્રિજનું રિમોટથી ઉદ્ઘાટન કર્યું” ડીબીની હેડલાઈન.

” બ્રીજ એક માસથી તૈયાર હતો. અને છતાં ન કર્યો, તો આથી રુડી તક ક્યારે મળશે. બાંધો શિર્ષક મારા વીરા. સાથે લખો …

“ભાજપમાં ભારે રોષ…. વાતાવરણમાં અશાંતિ ફેલાય નહીં તે માટે મુખ્ય મંત્રીએ આવું કર્યું….” સાથે લખો … “… કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રીજ આ રીતે મહાનુભાવોને બોલાવ્યા વગર રિમોટથી ખૂલ્લો મૂક્યો. (મારા વાલીડા) પાટીદારો અટકચાળો કરે તો… બુધવારની રાતથી સરથાણા, વરાછા અને કપોદ્રા સુધી પોલીસ સ્ટાફને ખડે પગે તહેનાત કરાયો હતો ….” એવું પણ લખો.

વાચક ભાઈઓ આવી તો અમે અપાર વાનગીઓ આપને પીરસીશું.

હવે આપણે અમુક કટારીયા લેખકો મૂર્ધન્યોની માનસિકતાની વાતો કરીશું?

એક કટારીયા લેખકભાઈ

એક કટારીયા લેખકભાઈ પોતે પાટીદાર (!) હોવાથી હમેશા એક દિશાનું જ વિચારે છે. તેઓ શ્રી શું લખે છે?

“છાસ લેવા જવું છે પણ દોણી સંતાડવી છે ભાજપને”…

વાસ્તવમાં લેવા વાળા, એટલેકે માગવાવાળા તો પાટીદાર જ છે. એટલે દોણી તો એમના હાથમાં જ છે. પણ લખો મારા બાપા…. લખવામાં મોળું શા માટે લખવું? હેં ભૈ! હૉવઅ.

“પાટી દારોને મનાવવા પણ છે અને પોતે ઝૂકી નથી ગયા એમ દેખાડવું પણ છે” એવો સંદેશો આપો. કોઈનું નામ ન લઈએ તો બધું બભમ બભમ ચાલે. રાજા ભોજ, વીર વિક્રમ, ગંગુ તેલી બધી જ વાતો કરી શકાય. અરે રામરાજ્ય ની પણ વાત કરી શકાય.  રામ મંદિરને પણ આપણી વાતમાં ઘુસેડી શકાય.

“ભાજપને ગુરુજ્ઞાન લાધ્યું…સ્થાનિક સ્વરાજની ચૂંટાણીઓમાં નિષ્પ્રાણ સૂતેલી કોંગ્રેસને પાટીદારોએ જીતાડી દીધી. … ભાજપના બધા નેતાઓ એકસૂરે કહે છે પાટીદારો અનિવાર્ય છે… બિચારાની હાલ સાપે છછૂંદર ગળ્યા  જેવી થઈ છે. એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે… બીજેપી ની નીતિ બેધારી છે…  ભગત સિંહનો માર્ગ …. ગાંધી ચીંધ્યો માર્ગ … બે ચાર પોલીસવાળાને મારીને મરો … દરેક ગામે ગામ પાટીદારો કાર્યક્રમ આપી રહ્યા છે …. સરાકારી કાર્યક્રમોનો વિરોધ એટલું કોમન છે …. વડિલોનો ભાજપ પ્રત્યેનો ભક્તિભાવ આંધળો છે….” આવું અનેક તીકડમ આપણા આ કટારીયાભાઈ તેમની કટારમાં ચલાવ્યા કરે છે. પણ ખાટલે ખોડ એ છે કે બીજેપીને ગુરુજ્ઞાન લાધ્યું પણ આ કટારીયા ભાઈને એ ગુરુજ્ઞાન ન લાધ્યું કે “હિન્દુઓની નંબર-૨ પૈસાદાર કોમને અનામત શા માટે?”.

બીજા એક કટારીયા ભાઈ

બીજા એક કટારીયા ભાઈ એ “ભદ્રંભદ્ર” ને ઉજાગર કર્યા છે. આમ તો આપણ એ જાણીએ છીએ કે ભદ્રંભદ્ર તો રુઢીચૂસ્ત હતા અને યાવની શબ્દોની તેમને સુગ હતી. તેમનું મૂળનામ દોલતશંકર હતું. ભગવાન શિવ તેમને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે દોલત તો મ્લેચ્છ શબ્દ છે. મારી સાથે તે શોભે નહીં. દોલતશંકરે કહ્યું કે એમાં તેમનો નહીં પણ તેમની ફોઈનો વાંક છે. પણ ભગવાન શિવ દોલતશંકરના તર્કથીતૂષ્ટ ન થતાં ત્રીશુળ હાથમાં લીધું. એટલે દોલતશંકર સ્વપ્નસૃષ્ટિમાં થી આલોક માં આવ્યા અને તેમણે “ભદ્રંભદ્ર” નામાભિધાન કર્યું. આપણા આવા ભદ્રંભદ્રનો કોઠારી ભાઈએ પૂનર્જન્મ આપવાની કોશિસ કરી છે.

આપણો એજન્ડા કે આપણા અન્નદાતા (ડીબી માલિક)નો એજન્ડા આપણે એક સમાન રાખવાનો છે. એટલે આપણા ભદ્રંભદ્રભ્રાતાએ પટેલભ્રાતાઓના સહાયકભ્રાતાના સ્થાને વિદ્યમાન થવાનું છે.

મારું વાલીડું કામ તો જરા અઘરુ છે. કારણ કે ભદ્રંભદ્ર તો રુઢીવાદી હતા. અને રુઢીવાદ પ્રમાણે તો પટેલ એટલે પાટીદાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વાણીયા અને પછી જ પાટીદારોને મૂકી શકાય. અને રુઢી પ્રમાણે તો તેમને અનામત આપવી જ પડે. તો તેનો વિરોધ કેમ થાય?

પણ આપણા ભદ્રંભદ્ર તેમ કરશે. અત્યારે પટેલો ભલે ક્ષત્રીયભાઈઓ થી પણ આગળ અને વાણીયાઓને સમકક્ષ થઈ ગયા હોય અને પટેલો ભલે મોટેલો પોટેલો ધરાવતા હોય, આપણા ભદ્રંભદ્ર તેનો વિરોધ કરશે. તેમની માટેની અનામતની માગણીનો વિરોધ કરશે. એક વખત નક્કી કર્યું કે આપણો એજન્ડા પટેલોને માટેની અનામતનો વિરોધ કરવાનો છે એટલે વાત પૂરી. અષ્ટપંષ્ટં લખ્યા કરીશું. તર્કની વાતમાં કે મુદ્દાની વાતમાં તો આપણે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. એટલે બધું હાલ્યું જાશે.

ત્રીજા કટારીયા ભાઈ

આપણા ત્રીજા કટારીયા ભાઈ છે કાન્તિભાઈ ભટ્ટ. આમ તો તેઓ શ્રી સબબંદરકા વ્યાપારી છે. પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગરના મહારાજાના એક ભૂલભર્યા “ડીલ”ને ભવનગર બંદરનો વહીવટ અંગ્રેજ સરકારના હાથમાં જતો “ભાવનગરના બંદર”નો અર્થ “ભાવનગરના મંકી” કરીને અટકાવેલો. આપણા કાંતિભાઈ પણ બધા જ બંદરના જ્ઞાતા છે. મોદીફોબીયાથી પીડિત છે. તેમને મોદી ઘોઘુરો બિલાડો લાગે છે. તેમણે તર્કને નેવે મૂક્યો છે. ૮૫+ પછી આ કદાચ તેમનો હક્ક બનતો હશે. જો કે વ્યક્તિએ ૧૦૦ વર્ષની ઉંમર પછી આવી સ્વતંત્રતા (સ્વચ્છંદતા) ભોગવવી જોઇએ. ૮૫+ કોઈ ઉમર છે?

ચોથા કટારીયા ભાઈ

ચોથા કટારીયા ભાઈ આપણા ગ્રામસ્વરાજવાળા પ્રકાશભાઈ છે. તેઓશ્રી મોદી ફોબીયા અને બીજેપી ફોબીયા બંનેથી પીડિત છે. કોઈ વ્યક્તિને મહત્વવાળો બનાવવો હોય તો તેની જન્મતારીખ, મરણતારીખ કે તેની ડીગ્રી કે સંસ્થાની આડશ લઈ તેને મહાન બનાવવાની કોશિસ કરવી એ સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓનું લક્ષણ છે. અહો! રોહિત (હૈદરાબાદી ઘટનાવાળો) કેટલો મહાન હતો. દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર એ ન્યાયે હવે સાંપ્રત કહેવાતા સર્વોદયવાદીઓ દેશદ્રોહીઓ અને કટોકટી-ફેમ નહેરુવંશી કોંગ્રેસીઓના ખોળે બેસવામાં કશો છોછ અનુભવતા નથી તે દેશની કમનસીબી છે. કારણ કે “પટેલોને અનામત” ના મુદ્દાની ચર્ચા ત્યાજ્ય છે પણ “આ દિવસોમાં કદાચ પહેલીવાર જ આપણે લેખકો (એવોર્ડ વાપસી લેખકોને જ લેખકો ગણવાના) એક અસરકારક પરિબળ તરીકે ઉભરી રહ્યા છીએ.”

પરંતુ અહો આશ્ચર્યમ્‌!! 

પાટીદારોના આંદોલનમાં જે પાયમાલી થઈ, તે વાત જવા દો, એટલે કે પાટીદાર ભાઈઓએ, જેતે ટ્રેનોના બસોના મુસાફરોને રખડાવ્યા, ચક્કા જામ કરી રસ્તાઓ બંધ કર્યા, બસો બાળી, પોલીસ સ્ટેશનો બાળ્યા, બસસ્ટેન્ડો બાળ્યા, રેલ્વેના પાટા ઉખેડ્યા તે બધું જવા દો. તેની સામેની સંવેદનશીલતા બતાવવાની તમારે જરુર નથી તેવું તમને લાગતું હશે. પણ  જે કાશ્મિરી હિન્દુ માનવીઓની જે હજારોની સંખ્યામાં કત્લેઆમ થઈ અને  જે લાખ્ખોની સંખ્યામાં તડીપાર થયા ત્યારે તમે ક્યાં હતા? તમારી સંવેદનાઓ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?

જે છૂપાવાય છે … તે સમાચાર છે.   

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

આનંદીબેન, પાટીદાર, યશવંત સિંહા, નરેન્દ્ર મોદી, ગદગદ, ભાજપ પ્રદેશપ્રમુખ પદ, પાટીદારો સાથે સમાધાન, ભડક્યા, કોમવાદ, અનુપમ ખેર, કાશ્મિરી હિન્દુઓ, હૈદરાબાદના બત્રીશ લક્ષણા, બલીદાન, યાકુબ, મોટાભા, અપનેમૂંહ મિયાં મીઠ્ઠું, પાટીદારોનીબીકે, પાટીદારો અટકચાળો, ભદ્રંભદ્ર,

    

Read Full Post »

%d bloggers like this: