વિશ્વના આશ્ચર્યો કે ભારતના આશ્ચર્યો
આમ તો શંકર ભગવાન એટલે કે શિવ ઈશ્વરને શ્વેત વર્ણના ગણવામાં આવ્યા છે. બ્રહ્માને રક્તવર્ણના અને વિષ્ણુને શ્યામ વર્ણના ગણવામાં આવ્યા છે. આધુનિક ચિત્રકારો વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને કાળા ચિતરે છે તે તો ઠીક છે પણ શિવને પણ કાળા (એટલે કે આછા ભૂરા રંગના) ચિતરે છે. શિવના શ્વેત રંગ વિષે હજાર ઉલ્લેખો મળશે. સિવાય કે એમનું મહાકાળ સ્વરુપ.
શિવ કે મહાદેવ કે રુદ્ર કે મહેશ્વર દુધ જેવા ધોળા, ચંદ્રના જેવા શ્વેત, વિદ્યુત જેવા શ્વેત … જેવા અનેક શ્લોકો જોવા મળે છે. કાળા રંગ વિષે એક પણ ઉલ્લેખ નહીં મળતો નથી. આ એક આશ્ચર્ય છે. પણ આ વાત જવા દો. ઈશ્વર તો ત્રણેમાં એક જ છે. અને પરબ્રહ્મ પણ તે જ છે.
કપાસની એક જાત છે. જેનેટિકલી મોડીફાઈડ જાત. સંકર – ૪. આ સંકર–૪ ને શંકર ભગવાન સાથે કશી લેવા દેવા નથી. પણ એક બીજી જેનેટીકલી મોડીફાઈડ જાત એનું નામ આપ્યું વિષ્ણુ–૪. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને સંકર અને શંકર માં ભેદ દેખાતો નથી.
છે ને આશ્ચર્યની વાત?
આપણા અંગ્રેજોએ લખેલા ભારતના ઐતિહાસિક આશ્ચર્યોને તો અવગણવા જ પડશે. એની ચર્ચા નહીં કરીએ.
સંતો, ઓશાઓ, … હિરાઓ.માં સાચા કેટલા?
આમ તો વિષય છે “સંતો, ઓશાઓ, બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, નેતાઓ અને હિરાઓ.માં સાચા કેટલા?
બહુ ચવાઈ ગયેલો વિષય છે. પણ માથે પડેલો વિષય છે. કારણકે તેમના ભક્તોને ચેન નથી.
કોઈ મહાન લેખકે તારવ્યું હશે, પણ અમારા સાંભળવામાં અમારા જુના મિત્ર પ્રકાશભાઈ શાહ દ્વારા એક બ્રહ્મ વાક્ય જે કંઈક આવું હતું, કે જન સામાન્યની વૃત્તિ બુદ્ધિને કષ્ટ આપવામાંથી મૂક્તિ મેળવવાની હોય છે અને કોઈકને ને કોઈકને તાબે થવાની હોય છે.
આ કથનની સત્યતા જોવી હોય તો તમે તેમના ભક્તોની સંખ્યા જોઇ લો.
તમે કહેશો આ ઓશા અને હિરાઓ એટલે શું?
“ઓરડો”નું બહુવચન ઓરડા અથવા ઓરડાઓ છે, “ટોપો” નું બહુવચન ટોપા કે ટોપાઓ એમ છે, તેવીરીતે ઓશોનું બહુવચન ઓશા અથવા ઓશાઓ છે. ગુજરાતી વ્યકરણશાસ્ત્રીઓ આને વિષે કંઈ ફેરફાર સૂચવવો હોય તો સૂચવે.
હિરાઓ એટલે અંગ્રેજીમાં “એચ ઈ આર ઓ” હિરો શબ્દ છે તે શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે અને તેનું આ બહુવચન છે. આમ તો “એચ ઈ આર ઓ” નો અર્થ મુખ્યપાત્ર થાય છે. પણ આપણા કેટલાક ભાઈઓ (બહેનો સહિત), તેને ડાયમન્ડ–હીરો તરીકે પણ સમજે છે.
સંત એટલે કે જે સજ્જન હોય હોય અને નિર્લિપ્ત પણ હોય તેને કહેવાય છે.
ઓશો વિદેશી શબ્દ છે.
તેનો અર્થ જ્ઞાની થાય છે. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની થાય છે કે કેમ તે વિષે સંત રજનીશના ભક્તો ફોડ પાડશે? એ વાત જવા દો. આ “ઓશો” ઉપપદ (ખિતાબ) રજનીશે, તેમણે જાતે જ પોતાને આપેલ. તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે?
સંત રજનીશ કંઈ નહેરુ થોડા છે કે પોતેને પોતે જ, પોતાને ભારતરત્ન આપે? પહેલાં સંત રજનીશે જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓ “આચાર્ય રજનીશ” એમ હતા. પછી જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓ “ભગવાન રજનીશ” એમ થયા. એ પછી જે પુસ્તકો સંત રજનીશે છપાવ્યાં તેમાં “ઓશો + રજનીશ નો ફોટો” એટલે કે આ ફોટાવાળા ભાઈ ઓશો છે.
સંત રજનીશે નામનો ત્યાગ કર્યો. “નામમાં શું બળ્યું છે!!”. ગુણ મૂખ્ય છે. નામ નહીં.
ગુણાઃ સર્વત્ર પૂજ્યંતે ન ચ લિંગં ન ચ વયઃ”
એટલે કે ગુણો પૂજાય છે. જાતિ કે વય નહીં.
સંત રજનીશે વિચાર્યું કે ખ્યાતિ માટે ભક્તમંડળ હોવું જરુરી છે. ભક્તોને આકર્ષવા માટે જ્ઞાની હોવું જરુરી છે. જ્ઞાની થવા માટે જ્ઞાન હોવું જરુરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંતો વાચન અથવા ચિંતન અથવા બંને જરુરી છે. જો વાચન આપણને પળોજણ લાગતી હોય તો ન્યૂનતમ વાચનથી ગાડું ગબડશે પણ શબ્દોની રમત તો શિખવી જ પડશે. જો પ્રાસાનુપ્રાસવાળા શબ્દ પ્રયોગો કરીશું, વિરોધાત્મક શબ્દ પ્રયોગો કરીશું, આંચકા લાગે તેવું બોલીશું તો શ્રોતાઓ “બોર” નહીં થાય અને બગાશાં નહીં ખાય. ચીટકેલા રહેશે. માટે ચિંતન એ દિશામાં કરો.
સંત રજનીશમલની આચાર્ય થી ઓશો સુધીની સફર આમ તો રસમય છે. પણ આ વાત અત્યારે અપ્રસ્તૂત છે. આપણા ડીબીના એક કટાર લેખકે તેમની સફરને પ્રોફેસર થી આચાર્ય થી ભગવાનથી ઓશો સુધીની દર્શાવી છે. આમ તો સંત રજનીશમલ ક્યારેય આચાર્ય ન હતા. આચાર્યના બે અર્થ થાય છે. જેઓ ગીતા અને વેદાંગ ઉપર ભાષ્ય લખે તેને આચાર્યની ઉપાધિ અપાય છે. કાશીની વિદ્યાપીઠ પણ આ ઉપાધિ આપે છે. શાળા, મહાશાળાના ઉપરીને એટલેકે પ્રીન્સીપાલને પણ આચાર્ય કહેવાય છે.
આચાર્યના અર્થ વિષે, આચાર્ય રજનીશનું વાચન એટલું હતું નહીં.
તેમને આચાર્યના અર્થ વિષે સમજણ પણ નહી હોય એવું લાગે છે.
“આચાર્ય” શબ્દ સારો લાગે છે. તેનો ઉપયોગ કરવો. સંત રજનીશમલે કદાચ એમ વિચાર્યું હશે, “આ શબ્દ બહુ ભરાવદાર લાગે છે…. શંકરાચાર્ય…. ભાસ્કરાચાર્ય … સાયણાચાર્ય … દ્રોણાચાર્ય …. અહો !! અ હ હ હ. કેવા સુંદર શોભે છે !!
રાખી લો ત્યારે આ ઉપાધિ. “હરિ ૐ તત્ સત્”. પહેલાં લખો “આચાર્ય” પછી લખો રજનીશ. પુસ્તકનું નામ ગમે તે હોય પણ મોટા અક્ષરે લખો “આચાર્ય રજનીશ”.
કાળાંતરે કોઈ અળવીતરા પત્રકારે સંત રજનીશમલને પ્રશ્ન કર્યો, કે તમે તમારા નામની આગળ “આચાર્ય” લખો છો તો આ “આચાર્ય”નો અર્થ શો થાય છે? સંત રજનીશમલે બેધડક કહી દીધું કે “હું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રોફેસરનો અર્થ આચાર્ય થાય છે”. પત્રકારે સંત રજનીશમલની સમજણને ટપારી અને કહ્યું કે પ્રોફેસરનું આપણી ભાષામાં ભાષાંતર પ્રાધ્યાપક થાય. આચાર્ય એટલે તો પ્રીન્સીપાલ થાય. તમે ક્યાંય પ્રીન્સીપાલ હતા?
શબ્દોની રમત રમવામાં પોતાને અભેદ્ય અને અપરાજિત માનનારા સંત રજનીશમલને કદાચ મોં સંતામણ થઈ હશે. પણ તે પછી તેમણે પોતાની ઉપાધિમાં પરિવર્તન કર્યું.
દોલતશંકરને યાદ કરો. 
દોલતશંકરને જ્યારે ભગવાન શંકરે ટપાર્યા હતા “હે બ્રાહ્મણ તેં આ કેવું નામ રાખ્યું છે! દોલત શબ્દ તો મ્લેચ્છ ભાષાનો છે અને આ અંતઃસર્ગ (સફીક્સ) શંકર એ ગિર્વાણગિર્ છે. મ્લેચ્છ અને ગિર્વાણગિર્ને તેં સમકક્ષ મુકવાનો ઘોર અપરાધ કર્યો છે? તું દંડને પાત્ર છે…. જો કે પછી દોલત શંકરે આપણા ન્યાયાલયમાં કામ લાગે અને શોભે તેવો બચાવ કર્યો કે “હે પ્રભો આમાં મારો રજમાત્ર પણ વાંક નથી. મારું આ નામ તો મારા ફોઈબાએ પાડ્યું છે…” પણ શંકર ભગવાને આ દલીલ માન્ય ન રાખી હોય એવું દોલતશંકરને લાગ્યું કારણ કે તેમણે શંકર ભગવાનને ત્રીશૂળ હાથમાં લેતા જોયા અને તેઓને, ત્રીશૂળ ઉગામવાની તૈયારીમાં જોયા. દોલત શંકરના મોતિયા મરી ગયા.
દોલતશંકર સ્વપ્ન ભંગ થયા. નિદ્રાભંગ થયા પછી દોલતશંકરે પોતાના સાથી અંબારામને પોતાના નામનું પરિવર્તન કરવાની વાત કરી.
તે પછી આ દોલત શંકરે વિધિસર નવ–નામકરણ કર્યું અને પોતાનું નામ “ભદ્રંભદ્ર” એમ રાખ્યું. આપણા સંત રજનીશમલે વિધિસર “નવ–પદવી–કરણ” વિધિસર કરેલ કે કેમ તે આપણે કોઈ જાણતા નથી. પણ પછી તેમના બધા પુસ્તકો ઉપર ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ દેખાવા લાગ્યું. ભગવાન માંથી ઓશો શું કામ થયા તે કોઈ જાણતા નથી.
સંભવ છે કે તેમને ખબર પડી હોય કે કોઈ પણ સમયે અને જે તે સમયમાં મનુષ્ય દેહે વિચરતા ભગવાનોની સંખ્યા, આ પૃથ્વી ઉપર હમેશા એક હજારથી ઉપર હોય છે. એટલે સંત રજનીશમલને થયું હોય કે આ સ્વયં પ્રમાણિત અને સ્વયં આભૂષિત ઉપાધિ “ભગવાન” ને બદલે, બીજું અભૂતપૂર્વ કે અસામાન્ય ,જેવું કંઈક ઉપપદ રાખીએ.
એશિયામાં તો જાપાન બહુ સમૃદ્ધ અને આધુનિક દેશ ગણાય છે. વળી ત્યાં બૌધ ધર્મ પળાય છે. બુદ્ધ આતર્રાષ્ટ્રીય છે. કૃષ્ણ અને મહાવીર આપણા વેપારીભાઈઓના દેવ છે. આ ત્રણેનું મિશ્રણ કરીને અવનવાર આપણે તેમના નામના ઉલ્લેખો કરતા રહ્યા છે. એટલે આ જાપાની ભાષા નું “ઑશો” આપણને વધુ ફાવશે.
જગત ખરેખર અનિર્વચનીય છે. એક રજનીશ ભક્તે મારી પાસે એકડઝન જેટલા પુસ્તકોની થપ્પી કરી. અને કહ્યું કે તમે આ વાંચો. તેમણે ઉમેર્યું. આ વાંચ્યા પછી મને એવો જુસ્સો આવી ગયો કે હું શું નું શું કરી નાખું?
મેં કહ્યું, હું વાંચું ખરો પણ તમે આમાંના કોઈપણ એક પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલો અને હું એક ફકરો વાંચી તેને તર્ક હીન સાબિત કરી દઉં તો? શરત મારવી છે? તેઓ તૈયાર ન થયા.
વિશ્વનું નહીં તો ભારતનું એક આશ્ચર્ય છે કે રજનીશ જેવા અજ્ઞાનીને પણ જ્ઞાની (ઓશો) કહેવાવાળા છે.
ઓશો આસારામઃ
આસારામ વિષે એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમના પૂર્વસંસારી દેહે, આસુમલ હતા. કહેવાય છે કે એ નામ દેહે તેઓશ્રી દારુની હેરફેર કરતા એટલે નીચે દારુની હેરફેર અને ઉપર લક્ષ્મીની હેરફેરમાં જે તે અનુકુળ જગ્યાઓએ સંબંધો વિકસી ગયા. નવા નામરુપ દેહ અવતારમાં આ સંબંધો કદાચ નવા સંબંધો બાંધવામાં કામ લાગ્યા હશે. પણ લક્ષ્મીની હેરફેરમાંથી, કોઈની ગૃહલક્ષ્મી કે કોઈની થનાર ગૃહલક્ષ્મીઓ તેમની પાછળ રાધાઓ થઈને કેમ પડી અને તેમના પતિ અને પિતાઓ પણ ગોપ થઈને કેવીરીતે ગરબે ઘુમવા લાગ્યા તે આશ્ચર્યની વાત છે.
કલેક્ટરો અને મામલતદારોએ પણ ઓશો આસારામને બેધડક સરકારી ભૂમિ કેવીરીતે અધિગ્રહણ કરવા દીધી તે પણ આશ્ચર્યની વાત છે. શ્રેય તો ત્યારે જ ગણાશે કે એક વિશિષ્ઠ અન્વેષણ સમિતિ નિમાય અને જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને જેલમાં નાખી દેવાય. ઓશો આસારામને કંઈ નહીં તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ નો વિશિષ્ઠ પુરસ્કાર અપાય પછી તે પદ્મ ભલે કુવેચનું હોય.
ઓશો આસારામે એકવાર વાત વાતમાં એમ કહેલ કે નરેન્દ્ર મોદી તો મલ છે મલ. એ ધારે એમ કરી શકે છે. મલ (મલ્લ) છે. એટલે કે જોરદાર છે.
આ બધા સંતો ઓશાઓ પણ મલ્લ એટલે કે મલ છે. સંત રજનીશન પણ સમાજના મલ છે. અને ઓશો આસારામ પણ મલ છે.
આ પણ ભારતનું આશ્ચર્ય છે.
સાંઈબાબાઃ
ચમત્કારોની વાત ક્યાં નથી? રામાયણમાં રામે અને સીતાએ પણ ચમત્કારો કર્યા. કૃષ્ણ ભગવાને પણ ચમત્કારો કર્યા હતા. આમ જોવા જઈએ તો ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. છતાં પણ આ હાડમાંસના બનેલા રામ, સીતા અને કૃષ્ણ એ સૌએ તેમના સાથીઓથી પણ ઘણા મોટા ચમત્કારો કરેલ. આ બધા જ ચમત્કારોને સદંતર અવગણો તો પણ રામ અને કૃષ્ણની મહાનતાને ક્ષતિ પહંચતી નથી અને તેમની મહાનતા અકબંધ રહે છે. કારણ કે તેઓ તેમના ચમત્કારોને કારણે મહાન ગણાયા નથી. તેઓ પહેલાં મહાન ગણાયા. ચમત્કારો તો પછી ઉમેરાયા.
પણ સાંઈબાબા વિષે તમે શું કહેશો? જો તમે ચમત્કારોની બાદબાકી કરી નાખો તો તેમનામાં શેષ શું રહેશે? કશું જ નહીં. કેવળ શૂન્ય. છતાં પણ લાખો માણસો તેમને ભગવાન માને છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે. કોઈ તેમને પીર સમજે છે, કોઈ તેમને ઓલીયા સમજે છે, કોઈ તેમને દત્તાત્રેય તરીકે પૂજે છે. કોઈ તેમને શિવ તરીકે પણ પૂજે છે અને તેમના માથે ત્રીપૂણ્ડ દર્શાવે છે અને તેમની મૂર્તિ આગળ શિવના વાહન પોઠિયાને બેસાડે છે. “ૐ સાંઈ” અને “સબકા માલિક એક” એમ લખે છે. જેમ સંગીતમાં મિયાં અને મહાદેવ ભેગા થાય છે તેમ સાંઈબાબા પાસે પણ હિન્દુઓ અને મુસલમાનો ભેગા થાય છે. જો આને સિદ્ધિ ગણીએ તો બધું ક્ષમ્ય છે. શિવ આગળ સૌ સમાન છે.
સત્યસાંઈ બાબાઃ
સત્ય સાંઈબાબાના ચમત્કારો ને અવગણીએ તો, સત્ય સાંઈબાબા પાસે અબજો રુપીયાની મિલ્કત બાકી રહે છે. તે સંપત્તિ થકી કેટલાક વિદ્યાલયોના ધંધા ચાલે છે અને તેમના ભક્તો પોષાય છે. પણ આ સૌ ભક્તો શરુઆતમાં તો તેમના ચમત્કારોથી (હાથ ચાલાકીઓથી) અંજાયેલા. પછી આ ભક્તોને થયું હશે, “અહીં બધું ચાલે છે અને આપણને ફાયદો છે તો પછી વાંધો નહીં.” “માંહે પડેલા મહાસુખ માણે”.
આ પણ આશ્ચર્ય તો છે જ.
સહજાનંદસ્વામીઃ
આમ તો આ ભગવાન ઓગણીશમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેમણે પણ અનેકાનેક ચમત્કારો કરેલ. તેમના પણ લાખો ભક્ત છે. સહજાનંદ સ્વામી પાસે એવું કશું ધન કે સંપત્તિ ન હતાં. સહજાનંદ સ્વામી ચમત્કારોથી આગળ આવેલા ન હતા. જેમ કૃષ્ણની ગીતા છે. તેમ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી છે. કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, સમસ્યાના સમાધાન માટે શિક્ષાપત્રી વાંચી લેતા હતા.
કાળાંતરે સહ્જાનંદ સ્વામીના ચમત્કારો આગળ આવ્યા. આ બધું છતાં, તેમનું મુખ્ય કામ ગરીબ જનતાને વ્યસનમુક્ત કરવાનું હતું. એટલે કે દારુ, તમાકુ, બીડી, ભાંગ ….
જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના છે તેઓ બધા, વ્યસન મુક્ત છે. જો કે નોંધ કરો બધી જ જાતના વ્યસનોથી મુક્ત નહીં. સહજાનંદસ્વામીનો એક આશિર્વાદ હતો કે એમના ભક્તોએ કદી ભીખ માગવી નહીં પડે. આ વાત આજે પણ સાચી છે. સહજાનંદ સ્વામીના ભક્તોએ ઘણા સારાં કામો કર્યા છે. શિલ્પકળા, સ્થાપત્યો, વિદ્યામંદિરો અને સંસ્કૃતનો ઉદ્ધાર મુખ્ય છે.
આમ તો દયાનંદ સરસ્વતીએ સૌ ધર્મગુરુઓની ઠેકડી ઉડાવેલી તેમાં સ્વામીનારાયણ ભગવાનનો પણ સમાવેશ થઈ જતો હતો. પણ આજે તમને અગ્નિવેશ જેવા ગાંડુંઘેલું બોલનારા આર્યસમાજમાં મળશે. પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવા ધર્મગુરુઓ મળશે નહીં. પૈસાથી છકી જનારા કે કીર્તિથી છકી જનારા તમને અહીં નહીં મળે.
આ પણ એક આશ્ચર્ય છે. જય સ્વામીનારાયણ. મારા ફોઈબા જેવા પ્રેમાળ અને અજાતશત્રુ સ્ત્રીના જે આરાધ્ય દેવ હોય તેમનામાં પણ કંઈક સત્વ તો હશે જ.
જૈન ધર્મના સોએ સો ટકા ધર્મગુરુઓ વિદ્વાન હોય છે. તેમનામાં કેટલાક દિગંબર હોય છે. ત્યાગની આ કક્ષા સુધી પહોંચી જવું તેનાથી મોટું આશ્ચર્ય શું હોય?
હિરાભાઈઓઃ
હવે જ્યાં ભગવાનોની વાતો થતી હોય ત્યાં હિરાભાઈઓને લાવવા તે જરા અજુગતું લાગે છે. પણ આપણે ભારતમાં થતા ચમત્કારોની વાતો કરીએ છીએ ત્યારે બીજા ચમત્કારોની અવગણના કેવી રીતે થાય? સીલીકોન ઈન્ડીયા એક વેબસાઈટ છે. તેમાં એક વખત કેટલાક અતિ મહાન પુરુષોના સુવાક્યો લખ્યા. જેમકે બર્ટ્રાન્ડ રસેલ, સમરસેમ મોમ, મહાત્મા ગાંધી, ન્યુટન, લીઓ ટોલ્સટોય … અને છેલ્લે વળી હકલાનું પણ એક સુવાક્ય કથન લખ્યું. જો કે કોમેંટમાં સીલીકોન ઈન્ડીયા ની ઘણી મજાક ભરી ટીકા થઈ. કદાચ હકલાભાઈને આવા ગોદા મળે તે હેતુથી જ સીલીકોન વેલીએ મજાક માટે લખ્યું હશે. અહીં આપણે ફક્ત ચમત્કારના અનુસંધાનમાં જ લખીએ છીએ.
યુવાનોના અતૃપ્ત આત્માઓ પોતાની જાતીય અતૃપ્તિને તુષ્ટ કરી શકે તે કારણથી હર સમયે નાટક અને ફિલમના હિરાભાઈઓ પોતાની ફરજ બજાવે છે. તેમાં તેઓ તો ભૌતિક રીતે તૃપ્ત થાય છે પણ સાથે સાથે અતૃપ્ત શરીરનિવાસી આત્માઓ પણ યેનકેન પ્રકારેણ તાદાત્મ્ય સાધે છે. જેમ મનુષ્ય પોતાના સ્વપ્નમાં પોતાની અતૃપ્તિને તૃપ્ત કરતી પ્રવૃત્તિઓ કરે છે તેમ આ ઉપરોક્ત ક્રિયાને દિવાસ્વપ્ન ગણવું.
આ હિરાભાઈઓને ખ્યાતિ મળી. એટલે તેઓ પોતાને સાચેસાચ મહાન માનવા લાગ્યા. નાટકમાં કામ કરવું અઘરું છે. પણ ફિલમમાં તે અઘરું નથી. ફિલમમાં હિરાભાઈઓએ સંવાદો યાદ રાખવા પડતા નથી. બરાબર સંવાદ ન બોલાયો હોય તો અને અભિનય બરાબર ન થયો હોય તો દિગદર્શક અવારનવાર અભિનય કરાવડાવે. પણ ફિલમમાં કંઈ તેની ભૂલો ન બતાવે. જે શ્રેષ્ઠ હોય તે જ બતાવે. પ્રેક્ષકો ખુશ થાય. એક ફિલમની પાછળ ઘણી વ્યક્તિઓનું પ્રદાન હોય છે. પણ દેખાય આપણને હિરા ભાઈ એકલા. એટલે અલ્પજ્ઞ કે અતૃપ્ત ને અહોભાવ જાગે.
“અભિનય” એક શાસ્ત્ર છે. તમે ગામડીયાની પાસે ગામડીયાનો અભિનય કરાવો તો તે બરાબર કરશે. બાળક, બાળક તરીકે નો અભિનય બરાબર કરશે. ગાંડો ગાંડાનો અભિનય બરાબર કરશે. પણ તમે કહેશો ત્યારે આ ત્રણેય બરાબર અભિનય નહીં કરે.
તમે અભિનય ક્ષેત્રે પડો તો તમારે જાત જાતના પાત્રના અભિનય કરવા પડે. જેમ રાજકારણમાં તમે તમારા માતા પિતા કે ગુરુના ખભે બેસીને આગળ આવી શકો. તેમ ફિલમ ક્ષેત્રમાં પણ એવું જ છે. અહીં ગુરુ તરીકે દાઉદભાઈ ઓળખાય છે. માતા પિતા પણ ચાલે પણ તેઓ કેટલા પૈસા ખર્ચી શકે? તેની સીમા હોય છે. અહીં તો દાઉદભાઈ જ વધુ ચાલે.
હવે જુઓ આ હકલાભાઈ (આ નામ દાઉદભાઈએ પાડેલું છે), આગળ તો આવી ગયા. પણ અભિનયમાં શૂન્ય. એક જ જ જાતનો અભિનય. દિલીપ કુમારની જેમ જ. તમે દિલીપભાઈને મજુર બનાવો, ઘોડાગાડીના ચાલક બનાવો, દરવાન બનાવો, નેતા બનાવો કે જહાંગીર બનાવી દો. અભિનય તો એક જ જાતનો કરશે. આ હકલાભાઈ પણ એવા જ છે. ગામડીયા તરીકે કે અભણ પાત્રનો અભિનય કરવાનો હોય તો બરાબર મેચ થાય. પણ જો જાહેરમાં તેઓ એજ પહેરવેશમાં આવે તો ફજેતી થાય. અરે ફિલમમાં પણ તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બતાવવા પડે અને વેળાસર તેમને શુટબુટમાં લાવવા પડે. શુટબુટમાં આવે તો જ દર્શનીય બને. આવા અનેક હિરાભાઈઓ છે. હિરીબેનો પણ છે. પણ તેમની વાતો આપણે નહીં કરીએ. તેમને તો બ્યુટીફીકેશન માટે રાખ્યા હોય છે. હિરીબેનો આધારિત બહુ ઓછી ફિલમો બને છે.
આ હકલાભાઈને વિદેશમાં એક એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ કેટલાક કલાક રોક્યા કારણ કે તેમના કોઈ નજીકના સગા ટેરરીસ્ટ એક્ટીવીટી સાથે સંકળાયેલા છે તેવી અમેરિકાને શંકા હતી. તો પણ આ હિરાભાઈને ભાન ન થયું કે તેઓ મહાન પુરુષ નથી. અરે ભાઈ તમે તો અભિનયમાં પણ શૂન્ય છો. નહેરુવીયનો જેમ લાયકાત વગર બીજાના ખભે બેસીને ખ્યાતિ પામ્યા, તેમ તમે પણ અમુક કારણોસર આગળ આવ્યા છો.
જે હોય તે પણ આ એક આશ્ચર્ય તો છે જ.
ટીવી ચેનલના એંકરોઃ
દરેક એંકર પોતે આમંત્રિત વ્યક્તિગણના સંવાદનું સંચાલન કરતો હોવાથી પોતાને સર્વજ્ઞ માને છે. જો કે જે અણઘડતાથી તે સંચાલન કરતો હોય છે કે આપણને ખબર જ ન પડે કે આ ચર્ચાનો હેતુ શો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તાત્કાલિક થતી “સુષ્મા સ્વરાજની લલિત મોદીને કરેલી વિસા–ભલામણ ની છે.” રજત શર્મા જેવા પણ જો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાની લાલચ ન રોકી શકતા હોય તો બીજા પરચુરણની તો વાત જ શું કરવી? શું યોગ્ય ચર્ચા ચલાવવા માટે બધાએ પ્રભુ ચાવલા પાસે પ્રશિક્ષણ લેવું પડશે? આ પ્રશિક્ષણ લીધા પછી પણ તેઓ સુધરશે તેની ખાતરી કોણ આપી શકશે?
સીધી સાદી વાત હતી. લલિત મોદીની પત્નીનું કેન્સરનું પોર્ટુગાલમાં ઓપરેશન હતું. લલિત મોદીની હાજરી જરુરી હતી. આ એ લલિત મોદી છે જેણે કેટલીક ખાનગી કંપનીઓ કે જેમની સ્થાપના જ એકબીજાસાથે ગોલમાલવાળા નાણા વ્યવહારો કરવા માટે થઈ હતી તેમાં સંડોવાયેલા હતા. ભારત સરકારને કરમાં જે નાણા જમા થવા જોઇએ તે ન થયા.
આ લલિતભાઈ ને ભારતમાં નહેરુવીયન સરકાર સુરક્ષા આપતી હતી કારણકે તેના નેતાઓ અને મળતીયાઓ તેમાં ભાગીદાર હતા. સુનંદાબેન નામની એક સ્ત્રી નહેરુવીયન કોંગ્રેસ નેતાગણના મિત્રમંડળમાં સામેલ હતી. આ લલિતભાઈએ તેનો અને તેના વરનો ભંડો ફોડ્યો. એટલે નહેરુવીયન કોંગ્રેસ મિત્રમંડળ અને તેમના ક્રોસબોર્ડર સાથી દાઉદભાઈને પસંદ ન પડ્યું. નહેરુવીયન કોંગની સરકારે લલિતભાઈની સુરક્ષા પાછી ખેંચી લીધી, જેથી દાઉદભાઈનું લલિતભાઈની ગેમ કરવાનું કામ આસાન થઈ જાય. લલિતભાઈ જાન બચાવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. નહેરુવીયન સરકારે લલિતભાઈનો પાસપોર્ટ રદ કર્યો. પણ ન્યાયાલયે નહેરુવીયન સરકારનો હુકમ અમાન્ય ઠેરવ્યો. જ્યાં સુધી સુરક્ષાનું વચન ભારત સરકાર ન આપે ત્યાં સુધી લલિતભાઈ ભારત પાછા કેવી રીતે આવે તેવું લલિતભાઈએ તેમના વકીલ મારફત જાહેર કર્યું. તે ઉપરાંત તેમને કે યુકેને એવી કોઈ નોટીસ મળી નથી. સુષ્મા બહેને વિદેશી સરકારને લલિત મોદીને પોર્ટુગાલનો વિસા માટે કાયદેસર શક્ય હોય તો તે આપવા ભલામણ કરી. તે સરકારે વિસા આપવો કાયદેસર શક્ય હતો એટલે આપ્યો.
ચર્ચા શું થઈ શકે અને તેના મુદ્દાઓ શું હોઈ શકે?
વિદેશી સરકારે વિસા કાયદેસર આપ્યો કે ભલામણથી આપ્યો?
નહેરુવીયન કોંગ્રેસે ૬ વર્ષમાં શું કર્યું?
નહેરુવીયન કોંગ્રેસે સુનંદા બેન અને વર સામે શું કર્યું?
નહેરુવીયન સરકારે દાઉદની ધમકીનું શું કર્યુ?
નહેરુવીયન કોંગ્રેસ શું દાઉદ સાથે જોઈન્ટ વેન્ચરમાં છે? જો ન હોય તો લલિતભાઈની સુરક્ષા કેમ પાછી ખેંચી લીધી?
સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો લલિતભાઈને કેમ ન જણાવ્યા? જાહેર કેમ ન કર્યા?
નહેરુવીયન કોંગ્રેસ તેની આવી વર્તણુક થી જાહેર જનતાને શો સંદેશો આપવા માગે છે?
નહેરુવીયન કોંગ્રેસ સત્તાસ્થાનેથી ફેંકાઈ ગઈ એટલે શું તે હવે કશી જ બાબતો માટે ઉત્તરદાયી રહેતી નથી? નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉત્તરો આપવા જ જોઇએ. ભૂતકાળની બેજવાબદારી ભર્યા આચારોની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કુલા ખંખેરી નાખે છે. સમાચાર માધ્યમો તેને તેમ કરવા દે છે, આ નિંદનીય જ નહીં પણ દંડનીય પણ છે.
ચર્ચામાં આ મુદ્દાઓ સામેલ કરવા જ જોઇએ.
વાસ્તવમાં તો નહેરુવીયન કોંગ્રેસને, નીતિ, ગુણવત્તા, સંસ્કારિતા, નિયમ, બંધારણીય ફરજો, લોકશાહી, માનવ અધિકારો, ધર્મ નિરપેક્ષતા, પારદર્શિતા વિગેરે વિષયો ઉપર હાથ જ ન મુકવા દેવો જોઇએ. નહેરુવીયન કોંગ્રેસે તથા તેના સમાચાર માધ્યમ સહિતના સાથીઓએ આનું એટલા મોટા પ્રમાણમાં હનન કર્યું છે કે તેમને વેળાસર દંડવા જોઇએ. જો તમારે મોટા નામ હેઠળ વામણી વ્યક્તિઓને જ્વી હોય તો આ લોકોને જોઈ લેવા.
આ એક જ પ્રસંગ નથી. દરેક પ્રસંગોની ચર્ચા વખતે સમાચાર માધ્યમ ચર્ચાને અવળી દિશામાં જ દોરે છે. ચર્ચા કદી સુચારુરુપે ચાલતી જ નથી.
આવું અણઘડપણું બીજા વિકસિત કે વિકાસશીલ દેશોમાં નથી. ફક્ત ભારતમાં જ છે.
શું આ આશ્ચર્ય નથી?
રાજકારણના નેતાઓની વાત નહીં કરીએ. હરિ અનંતો હરિ કથા અનંતા. હરિ ૐ તત્ સત્
શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ શિવ, શ્વેત, સંકર-૪, વિષ્ણુ-૪, રામ, કૃષ્ણ, ચમત્કાર, આશ્ચર્ય, ઓશો, સંત, ભગવાન, ગુણ, રજનીશ, આસારામ, સ્વામીનારાયણ, સાંઈ, સત્યસાંઈ, જ્ઞાન, વાચન, આચાર્ય, દોલતશંકર, ભદ્રંભદ્ર