Feeds:
Posts
Comments

Posts Tagged ‘રજસ’

આર્ય અને અનાર્ય વચ્ચેનો ભેદ એ સંશોધન કે વિતંડાવાદ

aarya anaarya

આર્યોનું આગમન અને અનાર્ય સંસ્કૃતિનું પતન કે પરાજય અને નાશ એવા કોઈ સિદ્ધાંતને પુરસ્કૃત કરીએ ત્યારે એક પ્રશ્ન એ પણ ઉત્પન્ન થાય કે, એવું તે કયું અવલોકન કે અવલોકનો છે જે આપણને આવી કોઈ માન્યતાને જન્મ આપવાની જરુર પાડે?

નવી માન્યતાનું આગમન અને નવા સવાલોના જવાબ

નવા સિદ્ધાંતને કે નવી માન્યતાને રજુ કરવામાં આવે ત્યારે તે નવો સિદ્ધાંત કે જે માન્યતા રજુ થાય તેની સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અને તે પ્રશ્નોના પણ સચોટ ઉત્તર આપવા પડે અને તેનું પણ સમધાન કરવું પડે. ભારતના ઈતિહાસ માટે નવ્ય માન્યતાઓ (પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા ૧૮૦૦ અને તે પછી) રજુ થવા માંડી. પણ આ નવી માન્યતાઓની કે સિદ્ધાંતોની જે થીયેરીઓના કારણે જે વિરોધાભાષો ઉત્પન્ન થાય છે તેના જવાબો આ થીયેરીના પુરસ્કરતા/ઓ આપતા નથી, અથવા ઉડાઉ જવાબો આપે છે.

આપણા પુરાણો કે જે ઈ.પૂ. ૭૦૦ થી ઈ.સ. ૧૨૦૦ ના ગાળામાં લખાયેલા હશે એમ માનવામાં આવે છે તેમાં પણ આર્ય અનાર્યના ઉલ્લેખો નથી. હા ગ્રીક (યવન), શક, હુણ, પહલવ, મ્લેચ્છ વિગેરેના આક્રમણોના ઉલ્લેખો છે.

જેણે શોધી તેણે જ રદ કરી

અંગ્રેજો આવ્યા અને તેમણે ભારતમાં પોતાની શિક્ષણ પ્રણાલી સ્થાપી તે પહેલાં, ક્યારેય કોઈએ પણ, આવી આર્યો અને અનાર્યોની અલગ અલગ જાતિવાદી કે અને સંસ્કૃતિવાળી વાતો કરી ન હતી. મેકોલે એ લખ્યું છે કે જો ભારત ઉપર રાજ કરવું હશે તો તેમને બૌદ્ધિક રીતે ગુલામ બનાવવા પડશે. મેક્સ મુલરે સંસ્કૃતનો અભ્યાસ કરેલ. અને તેણે એવું પ્રતિપાદિત કરવાની કોશિસ કરવાના પ્રયત્નમાં આર્યન ઈન્વેઝન થીયેરી રજુ કરી. પણ તેણે પોતાની જીંદગીના અંતિમ વર્ષોમાં તેની આ થીયેરીને રદ કરેલ. પણ આ વાતને પાશ્ચાત્ય ઇતિહાસકારો લક્ષમાં લેતા નથી. આ એક આશ્ચર્યની વાત છે.

ભાષા શાસ્ત્રઃ

“સ” નો અપભ્રંશ “હ” થાય છે. “શું” નો અપભ્રંશ “હું” થાય. તો પહેલાં મૂળ શબ્દ બને કે પહેલાં અપભ્રંશ બને?

“સ્ટેશન”નો અપભ્રંશ “સટેશન” થાય અને “અસ્ટેશન” કે “ઈસ્ટેશન” પણ થાય.

“સ”નો અપભ્રંશ “અસ” પણ થાય અને “અસ”ન અપભ્રંશ “અહ” પણ થાય.

“સુર” નું “હુર” પણ થાય અને “અહુર” પણ થાય. “હ” નો અપભ્રંશ “સ” ન થાય. “સુર” શબ્દ મૂળ શબ્દ છે. તે તેના અપભ્રંશ “હુર”નો પૂરોગામી છે. એટલે “સુર” શબ્દ જે સંસ્કૃતમાં છે તે “હુર” કે “અહુર” કે જે પર્સીયનમાં છે તેના કરતાં વધુ જુનો છે. એટલે જે પ્રજા “સુર” બોલતી હોય તે પ્રજા “હુર” કે “અહુર” બોલતી પ્રજાની પૂરોગામી કહેવાય.

તેનો અર્થ એ નિકળી શકે કે જેઓ ભારતમાંથી ઇરાન ગયા તે કાળક્રમે અપભ્રંશમાં “હુર” કે “અહુર” બોલતા થયા. આ વિરોધાભાસ હોવા છતાં પણ એમ કહેવામાં આવે છે કે આર્યો મધ્ય એશિયામાંથી નિકળી ઈરાનમાં રોકાયા અને તેમાંથી ભારત આવ્યા.

આર્યો અહીં આવ્યા ત્યારે તે વખતે અહીં અનાર્યોની સુગ્રથિત સંસ્કૃતિ હતી.. અનાર્યો કાળા હતા. આર્યો ઘઉંવર્ણા હતા. ઉત્તર ભારતીયો આર્યો અને દક્ષિણ ભારતીયો દ્રવિડ. જો કે ઉત્તર ભારતીયો લાંબા છે. દક્ષિણ ભારતીયો સરખામણીમાં ટૂંકા છે. પણ અનાર્યો (અસુરો) વિશાળ અને ઉંચા હતા. આ વિરોધાભાસ ની ચર્ચા “આર્યન ઈન્વેઝન થીયેરી વાળા કરતા નથી.

પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ

માતૃપ્રાધાન્ય સંસ્કૃતિ અનાર્યોની અને પિતૃપ્રાધાન્ય સંસ્કૃતિ આર્યોની એમ કહી ન શકાય. સંભવ શું વધુ છે. જે શરીર છે તે સ્ત્રીના અંડના વિકાસ થી થયેલું છે. શુક્ર કણ, અંડના સંપર્કમાં આવે એટલે નવો મનુષ્ય બને. અર્ધમાનવમાંથી જ્યારે માનવ બન્યો તો લાંબા સમય સુધી મનુષ્ય જાતિને ગર્ભધારણના રહસ્યની ખબર નહતી. તેથી પ્રારંભ કાળે બધી સંસ્કૃતિઓ માતૃ પ્રધાન જ હતી. કારણકે સ્ત્રી જ નવો મનુષ્ય પેદા કરતી હતી. તેથી તે માનને લાયક બની.

મનુષ્ય બીજા પ્રાણીઓથી શા માટે જુદો પડે છે? માણસનું મગજ છે તે વિચારી શકે છે અને યુક્તિઓ કરી શકે છે. આ મગજના કારણથી મનુષ્ય બીજા પ્રાણીઓથી જુદો પડે છે. આ મગજ તેને સ્ત્રીના અંડને કારણે મળ્યું છે. એટલે જે અર્ધમાનવમાંથી આકસ્મિકરીતે માનવ વ્યક્તિ પેદા થઈ તે માનવ સ્ત્રી હતી. તેથી લાંબા સમય સુધી સ્ત્રીઓ વધુ બુદ્ધિશાળી રહી. અને તે પૂજ્ય રહી. કાળક્રમે પુરુષ પ્રધાન સંસ્કૃતિ થઈ.
મથુરાના કૃષ્ણ કાળા હતા. શું કૃષ્ણ અસુર હતા? અયોધ્યાના રામ પણ કાળા હતા. રાવણનો જન્મ હરીયાણામાં થયેલો (તે પંજાબી હતો). કૃષ્ણે ઇન્દ્રની ઉપાસનાનો વિરોધ કર્યો. તેમણે ગોવર્ધનની પૂજાની વાત કરી..

“ગો” એટલે ગાય. (આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે આપણે જે પ્રાણીઓ પાળીએ છીએ અને તેની ઉપર નભીએ છીએ તે બધા શાકાહારી પ્રાણીઓ ગૌસૄષ્ટિમાં આવે).
હવે વર્ધન ઉપર આવીયે.

“વર્ધન” શબ્દનો અર્થ કાપવું એવો થાય ખરો. પણ તે પર્સીયન ભાષામાં થાય છે. ઋગ્વેદમાં વર્ધન શબ્દ હમેશા “વૃદ્ધિ” ના અર્થમાં વપરાયો છે (રેફરન્સ સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોષ સર એમ મોનિઅર-વીલીઅમ).

દરેક જાતિની સાથે કોઈને ને કોઈ માન્યતા અને પ્રણાલીઓ હોય છે. તેમાં ઈશ્વર, આત્મા અને જગત પણ આવી જાય છે. આદિ શંકરાચાર્યે ઘણા વાદવેત્તાઓ સાથે ચર્ચાઓ કરી તેમાં કોઈ આર્ય અને અનાર્ય ની તાત્વિક વિચારધારા દૃષ્ટિગોચર થતી નથી. જો આર્ય અને અનાર્ય તે કોઈ જન જાતિ હોય, તો તે કારણસર તેમના વાદ પણ જીવિત તો હોય જ. કોઈપણ વાદ એમ તાત્કાલિક કે લાંબા ગાળે મરતો નથી. તે બદલાય છે, જુનો પણ વત્તા ઓછા પ્રમાણમાં ચાલુ રહે છે, કમસે કમ તેની વિગતો ઐતિહાસિક રીતે નષ્ટ થતી નથી. નવો પણ ચાલુ રહે છે. અને કેવી રીતે ક્યારે કેવો બદલાવ આવ્યો તે પણ તેમાં અપ્રચ્છન્ન હોય છે. યહુદીઓનું ટોરાટ હતું. બાયબલ આવ્યું. ટોરાટ ચાલુ રહ્યું. બાયબલમાં ટોરાટનો ઉલ્લેખ છે. કુરાન આવ્યું. કુરાનમાં બાયબલનો ઉલ્લેખ છે અને ટોરાટનો પણ.

યહુદીનો ધર્મ હતો. તે ચાલુ રહ્યો અને ખ્રીસ્તી ધર્મ આવ્યો. તે પણ ચાલુ રહ્યો અને ઇસ્લામ આવ્યો. પણ તેઓ કેવી રીતે આવ્યા અને પહેલાં શું હતું તે ઉપલબ્ધ રહે છે. પછીનામાં ઉલ્લેખિત હોય છે.

ઋગવેદમાં નથી પણ પૂરાણોમાં છે.
એટલે કે
પિતા પોતાના પિતા વિષે જાણતા નથી પણ પૌત્ર તેના પ્રપિતા વિષે જાણે છે.

જો ઈરાનમાં કે પર્સિયામાં અવેસ્થા હોય. અને આર્ય ત્યાંથી આવ્યા હોય તો, અવેસ્થા ની વાત જવા દઈએ તો પણ ઈરાન, પર્સિયા નો ઉલ્લેખ તો હોવો જ જોઇએ. ઋગ્વેદમાં ભારતની બહારના કોઈ પણ પ્રદેશની અને તેના નામની વાતનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં આવો ઉલેખ હોવો જ જોઇએ. કારણ કે તેમને માટે તે નજીકનો ભૂતકાળ હતો.

તેનાથી ઉંધું છે. જુના પુરાણોમાં ભારતની પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણના પ્રદેશોનો ઉલ્લેખ છે.

વેદ કોનો છે?

ઋગવેદ સૌથી જુનો છે. તેનાથી જુનું કોઈ પુસ્તક નથી. આ પુસ્તકને યથા કથિત આર્યોનું માનવું કે યથા કથિત અનાર્યોનું માનવું?

જ્યારે આપણે કોઈ સિદ્ધાંત (થીયેરી) પ્રસ્થાપિત કરવો હોય ત્યારે, સૌ પ્રથમ એ કહેવું પડે કે આ સિદ્ધાંતની જરુર શા માટે પડી?

સાત ઋષિઓ હતા કે દશ ઋષિઓ હતા. તેમાંના ભૃગુ એક ઋષિ હતા અને આ ભૃગુ ઋષિ અગ્નિને લઈને આવ્યા. આવો એક ઉલ્લેખ ઋગવેદમાં છે તેમ શ્રી ભવસુખભાઈ ઉલ્લેખ કરે છે.

શું તેમાંથી એવું તારણ નિકળી શકે કે આ ઉલ્લેખ એવું સિદ્ધ કરે છે કે આર્યો ભારતની બહાર થી આવ્યા? અગ્નિ તો મુખ્ય દેવ છે. અગ્નિ વગર યજ્ઞ થઈ જ ન શકે. ઋગ્વેદની શરુઆત જ અગ્નિની સ્તૂતિ થી થાય છે. ઋગ્વેદનું પ્રથમ મંડળ જુનામાં જુનું ગણાય છે. અગ્નિનો શ્લોક જુનામાં જુનો એટલે કે ૬૦૦૦ વર્ષ જુનો ગણાય છે.

વેદોમાં તત્વજ્ઞાન નિહિત છે. વેદ આમ તો એક જ છે. પણ જે ઋચાઓ યજ્ઞને લગતી છે તેને અલગ કરી અને તે યજુર્વેદ કહેવાયો. જે ઋચાઓ ગેય હતી તેને સામવેદ કહેવાયો. આમ ત્રણ વેદ કહેવાયા. ચોથો વેદ આવ્યો તે પહેલાં પણ ઘણા વાદો પ્રચલિત હતા. જુદા જુદા વાદોનું કારણ જુદી જુદી જાતિઓને કારણે જ હોઈ શકે તેવું ન માની શકાય. જેમ અર્થશાસ્ત્ર માં અનેક વાદ હોય છે. તેને જાતિવાદ સાથે કશો સંબંધ નથી.

સંપર્કને લીધે શબ્દ ભંડોળ વધે છે.

સંસ્કૃતમાં “જવું” એ ક્રિયાપદમાટે ઓછામાં ઓછા ૧૬ ક્રિયાપદના શબ્દો છે. દરેકને “જવા (ટુ ગો)” માટે વપરાય. પણ જવું ક્યાં એક જાતનું હોય છે?
જેઓ સમૂદ્ર કિનારે રહેતા હતા તેઓમાંના કેટલાક સમૂદ્ર માર્ગે વેપાર કરતા થયા. તેમણે જોયું કે જ્યારે સૂર્ય આકાશમાં દૃષ્યમાન હોય છે ત્યારે સમૂદ્ર શાંત હોય છે. આ સૂર્ય ને તેના માર્ગમાંથી કોઈ ચલિત કરી શકતું નથી. તોફાનો આવે છે અને જાય છે. આ સૂર્ય તેના પથ ઉપર અચળ છે. તેથી આ સૂર્ય મૂળ દેવ છે. તેઓ સૂર્યના ઉપાસક થયા. ઈજીપ્ત, થી જાપાન સુધી સૂર્યની ઉપાસના થાય છે. તેના અવતારો થાય છે.

આ ગરમી છે તે જ આપણો આધાર છે તેમ પણ માનવ જાતને લાગ્યું. આ ગરમી, અગ્નિમાંથી મળે છે. સૂર્યમાં પણ અગ્નિ છે. માટે મૂળ દેવ અગ્નિ હોવો જોઇએ. આસામથી તીબેટ થઈ ભારતથી ઈરાન સુધી અગ્નિની ઉપાસના થતી. ઋગ્વેદમાં અગ્નિ અને સૂર્ય બંનેની સ્તુતિઓ છે. અગ્નિની સ્તુતિઓ સૌથી વધુ છે. બીજા નંબરે ઈન્દ્રની છે. સૂર્યઃ અસૌ અગ્નિઃ સૂર્યાગ્નિ, ઈન્દ્રઃ અસૌ અગ્નિઃ ઈદ્રાગ્નિ, મરુતઃ અસૌ અગ્નિઃ મરુતાગ્નિ રુદ્રઃ અસૌ અગ્નિઃ રુદ્રાગ્નિ. આમ જે રીતે બે જોડકાની રુચાઓ મળે છે તે એક બીજાનું ઐક્ય પ્રદર્શિત કરે છે. કારણ કે વેદમાં એક જ દેવ છે. આ દેવ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો (તેથી તે બ્રાહ્મણ કહેવાયો) અને તેણે બીજા દેવોને ઉત્પન્ન કર્યા. તે દેવોનો પુરોહિત છે અને તે મહઃ દેવઃ (મહોદેવઃ) છે તે અગ્નિછે. તેનું વાહન વૃષભ છે (કારણ કે યજ્ઞના અગ્નિના લાકડા વૃષભ લાવે છે). તેને બે મુખ છે એક રૌદ્ર અને એક શાંત. અગ્નિ અને શિવની એકરુપતાના હજારો ઉદાહરણો છે. તેવું જ સૂર્ય અને વિષ્ણુનું છે.

વેદ થી શરુ કરી ઉપનિષદો અને જુના પુરાણો તરફ જઈએ તો શિવ (વિશ્વમૂર્ત્તિ) અને અગ્નિની એક સૂત્રતા અને એકાત્મતા અવગણી શકાય તેમ નથી. ટૂંકમાં વિષ્ણુની પૂજા સૂર્યમાંથી નિસ્પન્ન થઈ છે અને અગ્નિમાંથી શિવની પૂજા નિસ્પન્ન થઈ. આ એક સૂત્રતા ફક્ત સિદ્ધ કરી શકાય છે એટલું જન નહીં પણ અનુભવી શકાય પણ છે.

આપણને ત્રયીનો ઉલ્લેખ વારંવાર જોવા મળેછે. ત્રયી એટલે ત્રણ દેવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(રુદ્ર). પણ વાયુ પુરાણમાં એવા અનેક શ્લોક છે જે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એમ દર્શાવે છે.

રજો બ્રહ્મા તમો અગ્નિ, સત્વં વિષ્ણુરજાયતઃ (તે ઈશ્વરે રજો ગુણી બ્રહ્મા, તમો ગુણી અગ્નિ અને સત્વગુણથી વિષ્ણુ ઉત્પન્ન કર્યા) (વાયુ પુરાણ ૫-૩૪-૧૪)
સત્વો પ્રકાશકો વિષ્ણુ, રૌદ્રાસિન્યે વ્યવસ્થિતઃ

એત એવ ત્રયો લોકા એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા એત એવ ત્રયોગ્નયઃ
(આ જ ત્રણ લોક્માં ત્રણ ગુણ છે ત્રણ વેદ અને તેઓ જ ત્રણ અગ્નિ છે)
(વાયુ પુરાણઃ અધ્યાય ૫, સુક્ત ૩૪ ઋચા ૧૫-૧૭)

ભારતીય સંસ્કૃતિમાં તાત્વિક ભેદ શું પડ્યા?
જેઓ વેદ સમજ્યા,
જેઓ વેદ અધૂરા સમજ્યા
અને
જેઓ વેદ ન સમજ્યા.

પણ આ વેદ છે શું?

હિન્દુઓમાં વેદોનું પારવિનાનું મહત્વ છે. વેદ એટલે ઈશ્વરની વાણી. વેદ એટલે પરમ સત્ય. વેદ એટલે બધા પ્રશ્નોનું સમાધાન, વેદ એટલે આદર્શ સમાજ. વેદ એટલે જ્ઞાનનો સંપૂટ. વેદોનું આ મહત્વ હિન્દુઓમાં કાયમ રહ્યું છે. ઉપનિષદોએ, પુરાણોએ અને તત્વવેત્તાઓએ વેદોને પ્રમાણ માન્યા છે. આદિ શંકરાચાર્યે વેદોના આધારે અદ્વૈતનો સિદ્ધાંત પ્રસ્તૂત કર્યો. અદ્વૈતના સાર અને તેમાં રહેલા વૈજ્ઞાનિક તથ્ય માટે “અદ્વૈતની માયા જાળ અને આઈન્સ્ટાઈન ભાગ – ૧ થી ૫” મારા બ્લોગ ઉપર વાંચવા. (ત્રીનેત્રમ્વર્ડપ્રેસડૉટકૉમ ઉપર)

આ વેદોમાં પ્રાકૃતિક શક્તિઓની સ્તુતિઓ ઉપરાંત બીજું ઘણું પડ્યું છે. જે સ્તૂતિઓ દેખાય છે તેતો તત્વ જ્ઞાનની કવિતાઓ છે.

શું ભારતીયોને ઇતિહાસ લખતાં આવડતો નથી?

ભારતમાં પોતાની બાર પેઢીઓ, ગોત્ર, શાખા, કુળ દેવ ઈષ્ટ દેવ (શિવ), ગણેશ, કુળદેવી, વિગેરે બોલવા એ પૂજા વિધિમાં પ્રણાલી છે.

બીજીવાત. જ્યારે મૂદ્રણ કળા વિકસી ન હતી, ત્યારે એક એવી પ્રણાલી હતી કે જે કંઈ ભણ્યા હોય તેની એક નકલ તમાલપત્ર કે એવા કોઈ પણ માધ્યમ ઉપર લખવી. જો કંઈક યાદ રાખવાનું હોય તો તે પદ્યમાં હોય તો યાદ રાખવું સહેલું પડે. આ પણ પુરતું નથી. તેથી તેમાં રુપકો અને દંતકથાઓ ઉમેરવામાં આવે. ભારતમાં ઇતિહાસ આ રીતે પુરાણો દ્વારા લખાયો અને સચવાયો. આ એક ભારતીય શૈલી છે. ઈતિહાસને અમર રાખવા માટે તેને આવી લોકભોગ્ય શૈલીમાં રખાયો. ઈતિહાસ જાણવા માટે પુરાણોને આધાર ગણવા જ પડે. યાદ રાખવાની યુક્તિઓમાં આ યુક્તિ આપણે ત્યાં આપણા પૂર્વજોએ શોધી જ કાઢેલી છે.

સર્ગસ્ચ પ્રતિસર્ગસ્ચ વંશો મન્વાતરાણિ ચ, વંશાનં ચરિતં ચેતિ, પુરાણં પંચ લક્ષણમ્ ( વાયુ પુરાણ ૪-૨૬-૧૦) (સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશીઓની જીવન કથા એજ પુરાણના પાંચ લક્ષણો છે). આને તમે ઈતિહાસ નહીં કહો તો શું કહેશો?

કોણ પહેલા અને કોણ પછી?

આમ તો કોણ પહેલાં થયું અને કોણ પછી થયું તે માટે પૂરાતત્વના અવશેષોને આધાર માનવામાં આવે છે.

હવે તમે જુઓ. કૃષ્ણના મંદિરના અવશેષો રામના મંદિરના અવશેષો કરતાં ઘણા જ વધુ જુના છે. તો કોણ પહેલાં થયું? કૃષ્ણ, રામની પહેલાં થયા કે રામ, કૃષ્ણની પહેલાં થયા?

પૂરાતત્વના અવશેષોના આધારે જો જોવામાં આવે તો રામની પહેલા કૃષ્ણ થયા ગણાય.

જો તમે પુરાણોને અવગણો અને જો પૂરાતત્વના અવશેષોને જ આધાર માનો તો તમે ખોટા ઐતિહાસિક તારણ ઉપર આવો છો.

ઈતિહાસમાં સંશોધન માટે ફક્ત અવશેષો મુખ્ય નથી. પુરાતન સાહિત્ય, ભાષાશાસ્ત્ર, પ્રણાલીઓ અને માન્યતાઓ પણ એટલા જ મહત્વ ના છે.

હવે જુઓ કે મજાની વાત. એક બાજુ અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો, નાગ, છે. ક્યાંક પિતરો છે. વચ્ચે માનવો, વાનરો છે. વચ્ચે ક્યાંક ભૂત, પીશાચ, પ્રેત છે. બીજી બાજુ, સુરો, દેવો, ગાંધર્વો (યાદ કરો ઐતિહાસિક યુગમાં થયેલ કાલીદાસનું મેઘદૂત), યક્ષો, અને કિન્નરો છે. પણ ઇતિહાસકારો અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો ને એક લાકડીએ હાંકે છે. વાનરોને વાંદરા ગણી તેમની વાતો કપોળ કલ્પિત ગણે છે. તે જ પ્રમાણે બીજા બધા પણ એવા જ છે. મજાની વાત એ છે કે, મૃત્યુ લોક (માનવ લોક) નાગલોક, પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક છે. પણ ઉપરોક્ત માંના બાકીનાના કોઈ લોક નથી.

જે કથાઓ, વંશાવલીઓ, દરેક પુરાણોમાં અને પ્રણાલીઓ એક સરખી રીતે અને સાથે વણાયેલી હોય, જેમકે ચંદ્ર વંશ, સૂર્યવંશ, નાગ લોક, ભૂવન વિન્યાસ, સમૂદ્ર મંથન, ગંગાવતરણ, દક્ષ યજ્ઞ ધ્વંશ, કુબેર, કામ દહન, કામરુપ વિગેરે બધું ઉપેક્ષાત્મક નથી પણ સંશોધનાત્મક છે.

જોકે ભવસુખભાઈની પ્રમાણિકતા વિષે શંકા ન સેવી શકાય. જેને જે વધુ વિશ્વસનીય લાગે તેને તે સ્વિકારે. વિચાર વિનિમય થાય તો સત્યની નજીક પહોંચાય. આર્યન ઇન્વેઝન થીયેરી ની વિરુદ્ધમાં અને ભારતીય તત્વશાસ્ત્ર અને વિદ્યાશાસ્ત્રોમાં રહેલી ગુઢ ભાષા વિષે પુસ્કળ સાહિત્ય હવે તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેથી મારે કશું લખવું જોઇએ એવી લખવાની ઈચ્છા થતી નથી.

મારો આ લેખ ભવસુખ ભાઈનો આર્ય અનાર્ય વિષેના પુસ્તકમાંથી જે અંશ પ્રદર્શિત થયો તેના ઉપરથી સ્ફુરેલો છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: