એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.
માર્કાવાળો માલ
ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.
ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?
આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.
મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/
અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક
https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/
ના સંદર્ભમાં અચૂક વાંચવા.
ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે
આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.
નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.
જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ
પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.
ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.
ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.
મૂળ વાત પર આવીએ.
આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?
ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?
યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.
મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?
આવી જ વાત ગૌચરની છેઃ
આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.
પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.
શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?
ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.
જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.
જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.
સુયોગ્ય સમજ કેળવવી પડશે
જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.
વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.
ગૌચરની જમીનનો વિકલ્પ શો?
ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.
નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.
ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.
નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.
જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.
કશું મફત મળવું ન જોઇએ
ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.
શિરીષ મોહન લાલ દવે
ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત