Feeds:
Posts
Comments

Posts Tagged ‘રાજકારણ’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

આપણે જોઇએ છીએ કે અમુક લોકો ખાસ કરીને કેટલાક સુજ્ઞ હિન્દુ લોકો પ્રણાલીગત સામાજીક વિધિઓની ભરપૂર ટીકા કરે છે. કેટલાક વહેમ અને કેટલાક શાસ્ત્રોની પણ ટીકા કરે છે. હિન્દુ ધર્મમાં આ બધું શક્ય છે. કારણ કે હિન્દુ સમાજમાં આ બધું કરવાની છૂટ છે. અબ્રાહમિક ધર્મોમાં આવી છૂટ્ટી નથી. જો તેઓ આવી છૂટ્ટી રાખે તો અમુક ખ્રિસ્તી પાદરીઓના માનવા પ્રમાણે તેમના શબ્દોમાં તેમનો ધર્મ હિન્દુ થઈ જાય. કારણ કે જો તમે બધી બારીઓ ખૂલ્લી રાખો તો જે આપણે સવા હજાર કે બે હજાર વર્ષ થી જેનું જનત કર્યું છે તે તો ઉડી જ જાય.

ગઈ સદીના પૂર્વાર્ધના દશકાઓમાં હિન્દુ ધર્મમાં જે પ્રણાલીઓ પ્રચલિત હતી તેનું કોઈ તેનું હાલ નામોનિશાન રહ્યું નથી. અપવાદ રુપ છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા જે વાસ્તવમાં કામનું વિભાજન હતું તેમાં મધ્ય યુગમાં જે જડતા દાખલ થઈ ગયેલી તેનો આમ તો જો કે શરુઆતથી વિરોધ નોંધાયેલો છે. આપણું બંધારણ પણ તેને તે સ્વરુપમાં માન્યતા આપતું નથી. આ જ્ઞાતિપ્રથા હજી સંપૂર્ણ પણે નષ્ટ થઈ નથી. આપણા નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓનો જ્ઞાતિપ્રથા ચાલુ રાખવામાં રસ છે અને તેમનો તેમાં સિંહ ફાળો પણ છે. અબ્રાહમિક ધર્મના કેટલાક નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતાઓ આપણી જ્ઞાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થઈ ન હોવાથી તેનો ભરપૂર આનંદ માણે છે.

સંસ્કૃતમાં એક શ્લોક છે

“ખલઃ સર્ષપમાત્રાણિ પરચ્છિદ્રાણિ પશ્યતિ,

આત્મનઃ બિલ્વમાત્રાણિ, પશ્યન્નપિ ન પશ્યતિ

એટલે કે જે દુર્જન હોય છે તે બીજાના સરસવના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે અને ટીકા કરે છે પણ પોતાના બીલા જેવડા મોટા દુર્ગુણોને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે આ વાત જો અબ્રાહામિક ધર્મીઓને અથવા હિન્દુ ધર્મના સુધારાવાદીઓને લાગુ પાડીએ તો તેઓ પોતાના વિચારોમાં રહેલા બીલા જેવડા દુર્ગુણો જોતા નથી પણ હિન્દુ ધર્મના રાઈના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે.

તમે કહેશો કે અબ્રાહમિક ધર્મીઓની વાતને તો જાણે સમજ્યા પણ આપણે હિન્દુ ધર્મના ટીકાકારોને આ વાત કેવી રીતે લાગુ પાડી શકીએ? તમે વળી એમ પણ કહેશો કે “શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું દુષણ પહાડ જેવું નથી?

which-part-of-god-can-be-inferior

હરિનો પીન્ડ અખા કોણ શુદ્ર?

તમારી વાત સાચી છે. જ્ઞાતિ પ્રથાનું દુષણ ગઈ સદીના પ્રારંભના દશકાઓમાં પહાડ જેવડું મોટું હતું. પણ હવે જો વાસ્તવમાં જોઇએ તો અત્યારે તે નાના ટેકરા જેવું જ રહ્યું છે. અને આ ટેકરાને બીલોરી કાચ દ્વારા જોવામાં આવી રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો તેના આ નામભેદને નષ્ટ થતું અટકાવી રહ્યા છે. આ બધું છતાં પણ પણ તેના નાશને કોઈ રોકી શકવાનું નથી.

તમે કહેશો કે આપણા ધર્મની આપણે ટીકા કરીએ અને દુષણો દૂર કરીએ તો ખોટું શું છે? હા જી આ વાત ખરી છે. પણ આપણી ટીકા સાચી દીશા તરફની હોવી જોઇએ અને તેમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞાનો અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ.

કોઈ દાખલો આપશો?

(૧) મંદિરો આડે ધડ વધી રહ્યા છે. એટલું જ નહીં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટ્યો છે. મંદિર એક ધંધો બની ગયો છે.

હા જી આ વાત સાચી છે. પણ કેરાલા, તામિલનાડુ અને કાશ્મિરમાં આ વાત મસ્જીદોને અને ચર્ચોને પણ લાગુ પડે છે. જો કે આ આડેધડ થતા મંદિરોનો બચાવ નથી. હિન્દુ મંદિરોને તોડવા જોઇએ સાથે સાથે ચર્ચો અને મસ્જીદોને પણ તોડવા જોઇએ. આ બધું કોઈ પણ ભોગે થવું જોઇએ. જો હિન્દુ મંદિરો તૂટી શકશે તો મસ્જીદો અને ચર્ચો પણ તૂટી શકશે. જે પણ કોઈ મંદિર ૧૯૪૭ પછી “વિધિ પૂર્વકની પ્રતિષ્ઠા” વગર થયું હોય તેને તોડવું જ જોઇએ.  તેમજ જે મંદિર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોય તેને પણ તોડવું જોઇએ. ગેરકાયદેસરનો અર્થ છે કે “માલિકીના હક્ક વગર” થયેલું મંદિર.

(૨) ધાર્મિક વિધિઓ પાછળ થતો બેસુમાર ખર્ચ

દા.ત. લગ્નમાં વર કન્યા વિગેરેનો શણગાર, જમણવાર, સંગિત નૃત્યના જલસા, ફટાકડાઓ ફોડવા અને તે પણ રસ્તા વચ્ચે, વરઘોડો, લાઉડસ્પીકરો ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું આ બધા ખર્ચાઓ બેસુમાર છે.

yajna

સમજી લો આ બધા ખર્ચાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. આ બધો અમુક લોકો પાસે રહેલા પૈસાનો અતિરેક અને અથવા કાળાંનાણાંનો ભરાવો બોલે છે. આયકર વિભાગે આની તપાસ કરવી જોઇએ. અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાય જો તેમના આવકના શ્રોત કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો. તેમજ સરકાર આવા લગ્નના ખર્ચાઓ પર ટેક્ષ નાખી શકે. એટલે કે લગ્નના ખર્ચાને આવકમાં ગણી તેના ઉપર ટેક્ષની ગણત્રી કરવી જોઇએ.

ધ્વનિ પ્રદુષણ માટે દંડાત્મક જોગવાઈઓ છે.

(૩) મંદિરો ઉપર સોના ચાંદી નો ચઢાવ મઢાવ, અન્નકૂટ, રથ યાત્રાઓ, દ્વવ્યના આવા અનેક બગાડ થાય છે. આનો શો જવાબ છે?

ધારો કે કોઈ તમારી પાસે આવે અને વિનંતિ કરે કે તમે તેને પૈસા આપો,

ધારો કે બીજો કોઈ તમારી પાસે આવીને દંડવિધાન દ્વારા પૈસા માગે,

ધારો કે આ બંને તમારી પાસેથી લીધેલા પૈસાનો એક સમાન રીતે જ બગાડ કરે,

એટલું જ નહીં પણ જે બીજાએ તમારી પાસેથી દંડવિધાન દ્વારા ફરજીયાત રીતે, અને બહુ વ્યાપક રીતે પૈસા ઉઘરાવ્યા છે અને વધુ પૈસા ઉઘરાવ્યા છે અને વધુ બગાડ કર્યો છે,

તો તમે તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને કયા બગાડને દૂર કરવાની પ્રાથમિકતા આપશો?

તમે ચોક્કસ કહેશો કે પ્રાથમિકતા તો જે પૈસા ફરજીયાત રીતે ઉઘરાવ્યા છે તેને જ આપી શકાય. અને લડત પણ તેની સામે જ હોય. કારણ કે જેણે વિનંતિ કરીને પૈસા ઉઘરાવ્યા છે અને અથવા અમે સ્વેચ્છાએ આપ્યા છે તે તો ગુનો બની જ ન શકે. તમારી મુનસફ્ફીની વાત છે કે તમે પૈસા આપો કે ન આપો. પણ દંડવિધાન દ્વારા જેણે પૈસા ઉઘરાવ્યા છે તેને તો જેલમાં જ પુરવો જોઇએ.

તો હવે તમે જુઓ;

તમે અનેક જાતના કરવેરાઓ ભરો છો. તે બધા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફરજીયાત રીતે ઉઘરાવાય છે. આ પૈસાનો એક પ્રમાણ પાત્ર હિસ્સો રાષ્ટ્ર પ્રમુખની, મંત્રીઓની, જનપ્રતિનિધિઓની સુવિધાઓ, સગવડો, રાહતો, રખરખાવ, ભત્થા પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષો ટેક્ષમાં રાહતો મેળવે છે. આ રાહતો પણ તમારી ઉપરના પરોક્ષ કરવેરા બરાબર જ છે. જનપ્રતિનિધિઓ તો કશી ફરજો પણ બજાવતા નથી. કેટલાક પક્ષના જેમકે નહેરુવીયન કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સભાઓમાં કામ ન થાય તે પ્રમાણે કૃતનિશ્ચયી હોય તેમ જ વર્તે છે. આ લોકો ઉપર તો તમે ડીસીપ્લીનરી એક્શન પણ લઈ શકતા નથી. તે છતાં તેમને ભરપૂર વેતન જ નહીં નિવૃત્તિ વેતન પણ આપવામાં આવે છે. આનો તમે હિસાબ માંડ્યો છે? આનો વિરોધ કરવા તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો ખરા?

તમે કહેશો કે આ તો રાજકારણ છે. રાજકારણની તો વાત જ અલગ છે. રાજકારણ એ અમારો વિષય નથી. અમે તો સમાજસુધારકો છીએ. એટલે સમાજની કુટેવોમાંજ ઘોંચપરોણા કરીશું. રાજકારણ તો ગંદુ છે. અમે તેમાં પડવા માગતા નથી.

house-of-president

તો હવે તમને કહેવામાં આવે છે કે તમારે તો રંગમંચ (સ્ટેજ) ઉપર જ નૃત્ય કરવું છે. કારણ કે અહીં પ્રેક્ષકો હાજરાહજુર છે. તમે સુરક્ષિત છો. આ બધું જવા દો. તમારામાં પ્રાથમિકતાની પ્રજ્ઞાનો અભાવ છે. તમે દરવાજા મોકળા રાખવામાં માનો છો અને ખાળે ડૂચા મારવાની વાતો કરો છો. તમે એક વાત સમજી લો કે રાજ્ય શાસ્ત્ર પણ સમાજશાસ્ત્રમાં જ આવી જાય. જે ભેદ પાડવામાં આવ્યા છે તે તો જ્ઞાન પ્રાપ્તિની સુવિધા માટે પાડવામાં આવ્યા છે.

તમે કહેશો … અરે ભાઈ તમે આ શું માંડી છે? સુધારણાના અને પ્રગતિના અનેક ક્ષેત્રો છે. ધારો કે રાજકીય ક્ષેત્રમાં વધારે બગાડ છે અને સામાજીક ક્ષેત્રમાં ઓછો બગાડ છે. પણ રાજકીય ક્ષેત્રના વધુ બગાડના ઓઠા હેઠળ, સામાજીક ક્ષેત્રના બગાડનો બચાવ તો ન જ થઈ શકાયને?

હા જી તમારી વાત ખરી છે. પણ જો તમે રાજકીય પક્ષોના અનાચારને પ્રાથમિકતા ન આપો અને જ્યાં પૈસા સ્વેચ્છાએ અપાયા છે અને ખર્ચાયા છે તેની જ તમે “હોલીઅર ધેન ધાઉ” થઈને ટીકા કર્યા કરો તો તમારે સમજવું કે તમે આ અધિકાર ગુમાવી દીધો છે. અલબત્ત નૈતિક અધિકાર જ ગુમાવ્યો છે. બાકી આમ તો લોકશાહીમાં સૌને બીજાના કાયદેસરના અધિકારને નુકશાન કર્યા વગર બેફામ બોલવાનો અધિકાર છો.

તો ચલાવો તમારી વાત આગળ

rudrabhisheka

(૪) શિવલિંગ ઉપર દૂધ, દહીં,ઘી, મધ દ્વારા થતો અભિષેક, બારમા તેરમાની ક્રિયાઓ અને તેમાં થતા જમણવારો, ભાગવત સપ્તાહ, રામાયણ, સત્યનારાયણ અને એવી જ ઘીસીપીટી કથાઓના પારાયણો, ખોટા ખોટા યજ્ઞો અને આહુતિઓ દ્વારા થતા ધાન્યનો થતો વ્યય, જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણીઓ અને વાસ્તુશાસ્ત્રના ધત્તીંગો, વહેમોનું પાલન, તેના અવનવા નુસખાઓ જેમ કે માછલીઓ રાખવી, મની પ્લાંટ રાખવા, કાચબાઓ, શંખલાઓ, છીપલાંઓ રાખવા … આસ્તિકતાએ તો દેશનું નક્ખોદ વાળ્યું છે. આ બધું ક્યારે બંધ થશે?

તો હવે સમજી લો, આસ્તિકતા, નાસ્તિકતા, સમાજીક રીતરસમો, શાસ્ત્રો, આ બધું શું છે? જિંદગી શું છે? જીંદગી શા માટે છે? ઈશ્વર, આત્મા, કુદરતી શક્તિઓ અને તેના નિયમો, વિશ્વ કે બ્ર્હ્માણ્ડનો અભ્યાસ શા માટે?

આસ્તિક એટલે શું? નાસ્તિક એટલે શું?

આ બધાની વિષે વિસ્તૃત ચર્ચા “અદ્વૈતની માયાજાળ”માં કરવામાં આવી છે. જેને તેમાં રસ હોય તે આજ બ્લોગ સાઈટમાં તે વાંચે.

અહીં થોડું તેનું પુનરાવર્તન કરવું પડશે.

“અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ, (જે “છે” એમ કહે છે તે આસ્તિક)

ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિકઃ (જે “નથી” એમ કહે છે તે નાસ્તિક)

પણ કોણ છે અને કોણ નથી? ઈશ્વર કે આત્મા કે બંને? ત્રીજું કોઈ છે?

હા ત્રીજું અસ્તિત્વ છે તે અસ્તિત્વ બ્રહ્માણ્ડનું છે. આ બ્ર્હ્માણ્ડ તો આપણને દેખાય જ છે. એટલે તેના અસ્તિત્વનો સવાલ જ નથી. પણ જો આત્મા જ ન હોય તો? જો ચંદ્રને જોનારો જ કોઈ ન હોય તો ચન્દ્રના અસ્તિત્વનો અર્થ શો? અથવા તો તેનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? જો સુર અને સ્વર જ ન હોય તો સંગીતનું અસ્તિત્વ હોય ખરું?

આત્મા છે ખરો? આત્મા આપણને દેખાતો નથી. પણ આપણે છીએ, અને આત્માના અસ્તિત્વની હકિકતને આપણે અનુભવી શકીએ છીએ. તેથી તે છે એમ માની લઈએ. તો પછી બચ્યા કોણ?

બાકી બચ્યા તે ઈશ્વર.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

નાસ્તિક, આસ્તિક, ધૂન, ઘમંડ, સામાજીક વિધિઓ, પ્રણાલી, વહેમ, હિન્દુધર્મ, અબ્રહમિક ધર્મો, ખ્રિસ્તી, મુસ્લિમ, નહેરુવીયન કોંગ્રેસ, સાંસ્કૃતિક સાથી પક્ષ, જ્ઞાતિ પ્રથા, દુર્જન, સરસવના દાણા, બિલા જેવડા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા, મંદિર, તામિલનાડુ, કાશ્મિર, મસ્જિદ, પ્રતિષ્ઠા, લગ્ન, જમણવાર, ધ્વનિ પ્રદુષણ, રાષ્ટ્ર પ્રમુખ, મંત્રી, જનપ્રતિનિધિ, ડીસીપ્લીનરી એક્શન, નિવૃત્તિ વેતન, સમાજસુધારક, રાજકારણ, રાજ્ય શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હોલીઅર ધેન ધાઉ, યજ્ઞો, આહુતિઓ, જ્યોતિષ, માછલી, મની પ્લાંટ, કાચબા, શંખલા, છીપલાં, બ્ર્હ્માણ્ડનો અભ્યાસ

Read Full Post »

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન ભાગ-૨

હવે આપણે નરેન્દ્ર મોદી ઉપર થતા આક્ષેપો અને બીજાઓ ઉપર થતા આક્ષેપોની મૂલવણી કરીશું.

સામાન્ય રીતે આપણને  રાહુલ ગાંધી, કેજ્રીવાલ, સોનિયા ગાંધી, મમતા, લાલુ યાદવ વિગેરે સૌ કોઈ, નરેન્દ્ર મોદીની કડવી ટીકા કરતા જોવા મળે છે. મન મોહન સિંહ, અને નહેરુવીયન કોંગી નેતાઓ પણ આક્ષેપ બાજી અને ક્ડવી ટીકા કરતા જોવા મળે છે. આમ તો દરેક કડવી ટીકાને એક આક્ષેપ ગણી શકાય. જેમ કે કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ પૂરતી તૈયારી વગર કર્યું છે. તો કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ સૌથી મોટો ફ્રૉડ છે.

ફ્રૉડ એટલે શું?

તમે તમારા ફાયદા માટે ખોટું બોલ્યા. સામે નુકશાન થાય છે. તમને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો. સામા માણસને કે જુથને ખબર નથી કે તમે ખોટું બોલો છોએ કે સાચું. તમારો ફાયદો, સામાવાળાના નુકશાનને કારણે છે. આને આપણે ઠગાઈ કહીએ છીએ. જો કે ઘણી વખત આ બધું સાબિત કરવું સહેલું હોતું નથી. નાણાંકીય નુકશાન, સંપત્તિમાં નુકશાન, દુઃખથી થતું નુકશાન, આબરુને થતું નુકશાન આવું બધું સાંકળીએ તો આવા ફ્રૉડની  વ્યાખ્યાને વિસ્તૃત કરી શકાય.

ધારો કે કોઈક ભાઈ કશુંક બોલ્યા. તે ખોટું હતું. તેનાથી જનસમુહને નુકશાન થયું. તેમણે વચન આપ્યું. કે તે નુકશાનને ભરપાઈ કરશે. પણ તેમની દાનત જ ન હતી. અને તેઓ ગુજરી ગયા. તેના ઉત્તરાધિકારીએ વાત જ ગુપચાવી દીધી. કેટલાક લોકો સમસમીને બેસી રહ્યા. કેટલાક ને થયું કે આમાં તો આવું જ ચાલે. કેટલાકને એવું લાગ્યું કે આમાં તો કંઈજ ન થઈ શકે. મોટા ભાગના તો નુકશાનને સમજી જ ન શક્યા.

આવી ઘટનાને ફ્રૉડ કહેવાય કે નહીં?

સંસદને આમ તો દેશ જ કહી શકાય. નહેરુએ તીબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્યુ. ચીનના તીબેટ ઉપરના હક્ક માટેના કારણો ટકી શકે તેવા ન હતા. ચીનની દલીલ એમ હતી કે કોઈ એક સમયે  તીબેટ ઉપર ચીનના રાજાઓ રાજ કરતા હતા. જો કે આ કારણને લીધે તીબેટ, ચીનના આધિપત્યને સ્વિકારવા તૈયાર ન હતું. આમ જોવા જાઓ તો ભારતીય રાજાઓ ઇરાન સુધી ઈશુની પહેલી શતાબ્દી સુધી રાજ કરતા હતા. પણ ભારત ઈરાન ઉપર કે અફઘાનીસ્તાન ઉપર દાવો કરતું નથી. નહેરુને આ દલીલની ખબર તો હોવી જ જોઇએ. પણ નહેરુએ ચીનનું તીબેટ ઉપર નું આધિપત્ય માન્ય રાખ્યું અને તીબેટ ઉપર ચીને આસાનીથી કબજો કરી લીધો. આ કબજો લીધા પછી ચીને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી ચાલુ કરી દીધી. આચાર્ય કૃપલાણીએ અને મહાવીર ત્યાગી જેવાઓએ સંસદમાં અવાજ ઉઠાવ્યો. પણ નહેરુએ આ ઘુસણખોરીની વાતને જ નકારી દીધી. આ વાત બહુ લાંબી છે. પણ અંતે ચીને ભારતની ઉપર આક્ર્મણ કર્યું અને ૯૦૦૦૦ ચોરસ માઈલ કબ્જે કરી લીધો. જો કે ચીનનો દાવો તો તે વખતે ૭૨૦૦૦ ચોરસ માઈલ ઉપર જ હતો. પણ સ્પર્ધામાં દોડતો માણસ તેની ઝડપને ન રોકી શકવાને કારણે  દોડવાની સીમા રેખાથી, થોડા મીટર વધુ દોડીને અટકે તેમ ચીન પણ ૩૦ ટકા જેટલું વધુ આગળ દોડી ગયું. અને ૭૨૦૦૦ને બદલે ૯૦૦૦૦ ચોરસ માઈલ ભારતીય જમીન ઉપર કબજો મેળવી લીધો. જો કે તે તેણે નહેરુના માગ્યા વગર તત્કાલ પાછો આપી દીધો. વિનોબા ભાવેએ ચીનના આ વલણ બદલ વખાણ કર્યા હતા અને કહ્યું કે વિશ્વમાં પહેલી ઘટના છે કે જ્યાં યુદ્ધમાં એક પક્ષે કબ્જે કરેલી ભૂમિ કે જેની ઉપર પોતાનો દાવો ન હતો તે આપોઆપ ખાલી કરી દીધી.

નહેરુએ સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે અમે ગુમાવેલો પ્રદેશ પાછો લીધા વગર જંપીને બેસીશું નહીં. નહેરુની આ પ્રતિજ્ઞા “આજની ઘડી અને કાલનો દિ” જેવી હતી. નહેરુનો રાજકીય હોદ્દાનો વારસો તેના ફરજંદોએ લીધો પણ નૈતિક ફરજનો વારસો તો તેમના ફરજંદોએ સાવ જ ગુપચાવી દીધો.

નહેરુએ કહ્યું દુશ્મને દગો કર્યો છે. (“દુશ્મન તો દગો જ કરે” રાજાજી બોલ્યા હતા). પણ અબુધ માણસ નહેરુનો આવો ભાષાનો પ્રપંચ સમજી ન શકે.

પચાસના દશકામાં ચીનમાં નહેરુનું ભવ્ય સ્વાગત થયેલ. એ લોકપ્રિયતાનો નહેરુએ ચૂંટણીઓમાં ભરપુર લાભ લીધેલ.

હવે આ ભારતના પરાજયની ઘટનાને અને ભારતની ચીન પ્રત્યેની નીતિને શુ કહેવું? આને ફ્રૉડ શું કામ ન કહેવાય? વિદ્વાનોએ કદી આનું વિશ્લેષણ કર્યું નથી. હવે જો આ જ વિદ્વાનો નહેરુવીયન કોંગ્રેસને તેની સ્વાતંત્ર્યની લડતનું શ્રેય આપવા માગતા હોય તો આ ફ્રૉડનો વારસો કેમ નહીં?

આવો જ સિમલા કરારનો વારસો છે. સિમલા કરારને ફ્રૉડ કહેવો કે સ્કૅમ કહેવો એ સંશોધનનો વિષય છે.

વિદ્વાનો એમ માને છે કે રાજકીય ફ્રૉડને ફ્રૉડ ન ગણવા.

આવી રાજકીય ઘટનાઓને રાજકીય ભૂલોમાં ખપાવવી. બહુ બહુ તો તેને મુર્ખામીઓમાં ખપાવવી.

જે નીતિઓમાં રાજકર્તાને અગાઉથી ચેતવવામાં આવ્યા હોય, રાજકર્તાએ આ ચેતવણીને જાણીજોઈને પોતાના રાજકીય સ્વાર્થ માટે અવગણી હોય, અને બધી કહેવાતી ભૂલો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી હોય અને આવું એક થી વધુ વાર બન્યું હોય તો તેને ફ્રૉડ જ ગણાય.

ઇન્દિરાએ નહેરુનો, અનધિકૃત રાજકીય દાયજો લીધો પણ નહેરુના ઉપરોક્ત ફ્રૉડની ભરપાઈ નો વિચાર પણ ન કર્યો. એટલું જ નહીં પણ સિમલા કરાર હેઠળ ભારતના સૈન્યે કરેલા વિજયને સંપૂર્ણ પરાજ્યમાં ફેરવી દીધો. આ એક વધારાનો દેશ સામેનો ઇન્દિરાઈ ફ્રૉડ છે. યુનીયન કાર્બાઈડ સાથીનો કરાર ક્ષતિપૂર્ણ રાખવામાં આવેલો એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતર શૂન્ય બરાબર મળ્યું. અર્જુન સિંગ અને રાજીવ ગાંધી દ્વારા એન્ડરસનને ભાગી જવાનો રસ્તો કરી આપવો… આ બધી કોઈ મૂર્ખામીઓ ન હતી. ભ્રષ્ટાચારના મહાસાગરમાં જ રહેતી નહેરુવીયન કોંગ્રેસ જ્યારે કોઈ પણ આક્ષેપ બીજા ઉપર કરે ત્યારે જનતાએ અને વિદ્વાનોએ નહેરુવીયન કોંગ્રેસને તેના શાસન દરમિયાન કરેલા કરતૂતોની  પાર્શ્વ ભૂમિકામાં પણ જોવી જોઇએ.

 સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે કોઇ પણ તેના પક્ષના નેતા કે તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતા જ્યારે અદ્ધર અદ્ધર વાતોના વડા જેવા આક્ષેપો કરતા હોય ત્યારે તેના જવાબો આપવા જરુરી નથી. બનાવટી આક્ષેપો કરવા એ નહેરુવીયન કોંગ્રેસની પરંપરા છે.

સંજીવ રેડ્ડી ચારિત્ર્ય ભ્રષ્ટ હતા, મોરારજી દેસાઈ સીઆઈએના એજન્ટ હતા, વીપી સિઘનું સેન્ટ કીટ્સમાં (વિદેશી બેંકમાં) ખાતુ હતું, ૧૯૪૨ની લડતમાં અટલ બિહારી બાજપાઈ માફી માગીને જેલમાંથી છૂટેલા, અન્ના હજારે પગથી માથા સુધી ભ્રષ્ટ છે, બાબા રામ દેવ આર્થિક ગોલમાલ કરે છે, એવા અનેક આક્ષેપો નહેરુવીયન કોંગ્રેસે કર્યા છે. તેમાં કેટલાકમાં તો તેને પોતાને જ જવાબદાર ગણી શકાય.

ગઈ સદીના પચાસના દાયકામાં નહેરુના જમાનામાં સંરક્ષણની જીપોની ખરીદીનું એક કૌભન્ડ થયેલું વિપક્ષે નહેરુને તપાસ સમિતિ નીમવાનું કહ્યું હતું. નહેરુએ તે સૂચનને તદ્દન નકારી કાઢેલ અને કહેલ કે તમે ચૂંટણીમાં આ મુદ્દો ઉભો કરી મારી સામે લડી લેજો.

 રાહુલ ગાંધીનો આરોપ શો છે?

કોઈક ઉદ્યોગ ગૃહના જપ્ત કરેલા કાગળીયામાં એક લીસ્ટ હતું જેમાં આટલા આટલા પૈસા આપ્યા એમ લખેલું હતું. નરેન્દ્ર મોદીનું મોદીનું નામ હતું. એમ તો શીલા દિક્ષિતનું પણ નામ હતું.

પપ્પુ ગાંધીને લાગ્યું કે તેણે બહુ મોટા કૌભાન્ડને પકડી પાડ્યું છે. હવે નરેન્દ્ર મોદી અને બીજેપીનું આવી બન્યું. તેને લાગ્યું “અબ તો યહ ઠાકુર ગયો”.

જ્યારે ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ ત્યારે મોરારજી દેસાઈ પણ જેલમાંથી છુટ્યા. તેમને ઘણા પ્ર્શ્નો પૂછવામાં આવ્યા. તેમને એક સવાલ સંજય ગાંધીના કોઈ નિવેદન ઉપર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની આગવી અદામાં હાથ હલાવી કહ્યું કે “તે ઉત્તર આપવાને લાયક નથી.”

વિદ્વાનોએ રાહુલ ગાંધી વિષે પણ આવું જ સમજવું જોઇએ.

કેટલાક વિદ્વાનોનો અને કેટલાક સમાચાર માધ્યમોનો એક ચારિત્રિક  હિસ્સો છે કે કોઈના બચાવ માટે “બલિનો બકરો” શોધી કાઢે છે. જેમકે ચીન સામેની ભારતની હાર માટે વી. કે. મેનન જવાબદાર હતા. નહેરુ નહીં. કટોકટીના કાળા કામો માટે સંજય ગાંધી જવાબદાર હતો. ઇન્દિરા ગાંધી નહીં.

તેવી જ રીતે નહેરુવીયન કોંગ્રેસી શાસનમાં થયેલ કૌભાન્ડો માટે મનમોહન સિંહ નહી પણ સોનિયા ગાંધીની આજ્ઞાથી થયા હતા. મન મોહન સિંહ તો બિચારા મોંઢેથી જ કેવા ગરીબડા લાગે છે.  

પ્રમાણ પત્રોથી કુશળતા કે નૈતિકતા આવતી નથી. કુશળતા માટે  એક તો ભેજું જોઇએ, આર્ષદૃષ્ટિ જોઇએ, મહેનત જોઇએ, બધું કરવા માટેની દેશપ્રેમીય તાલાવેલી જોઇએ. નૈતિકતા માટે પણ પ્રમાણપત્રો કામ આવતા નથી. નૈતિકતા માટે સારા નરસાની સમજણ અને દેશપ્રેમ એટલે શું તેની સમજણ જોઇએ.

કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદી ને પૈસા આપ્યા એવું આવ્યું એટલે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જ જોઈએ તે જરુરી નથી. વળી આ બાબત ન્યાયાલયમાં ચાલી રહી છે. જો રાહુલ ગાંધી પાસે વિશ્વસનીય માહિતિ હોય તો તે કોર્ટને આપી શકે છે.

લગભગ આવી જ ઘટના અડવાણી સાથે બનેલી તે વખતે ન્યાયાલયે એવું જણાવેલ કે માત્ર આવા લીસ્ટ ઉપરથી સત્યતા સિદ્ધ ન થઈ શકે. તેના પૂરક અને સહાયકારી દસ્તાવેજો જોઇએ. પૈસા આપ્યા તો કેવી રીતે આપ્યા, કેશથી આપ્યા કે ચેકથી આપ્યા, ક્યારે આપ્યા, કેવીરીતે અને કોના થકી આપ્યા. જો નરેન્દ્ર મોદીને જાતે આપ્યા તો કયે દિવસે આપ્યા. દિવસ નક્કી થાય તો તે મુલાકાત વિડિયો ક્લીપમાં જોઇ શકાય. નરેન્દ્ર મોદીને ન આપ્યા હોય તો પક્ષને પણ આપ્યા હોય. તેમાં પણ આવા જ પ્રશ્નો ઉભા થાય. ધારો કે હું મારા કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ લખી નાખું તો પ્રશ્નો નરેન્દ્ર મોદીને  પૂછવા જોઇએ કે મને?

જો તમે કૃતસંકલ્પ હો અને રાજ કારણમાં હો તો તમારે ટકી રહેવા માટે વ્યુહરચનાઓ કરવી પડે. વ્યુહ રચનાઓમાં ઘણી બધું આવે. નિયમને આધિન રહીને કરવું જોઇએ. ગાંધીજી પણ વ્યુહરચનાઓ કરતા. શાબ્દિક વ્યુહ રચનાઓ પણ કરતા. પણ તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે ન હતી. તેમની બધી વ્યુહ રચનાઓ દેશના હિત માટે હતી. નહેરુ પણ વ્યુહ રચના કરતા હતા. પણ સ્વાતંત્ર્ય મેળવ્યા  પછીની તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે હતી.

નરેન્દ્ર મોદી પણ વ્યુહ રચનાઓ કરે. પ્રવર્તમાન નિયમોને આધિન રહીને કરે તે બધું ક્ષમ્ય છે. નરેન્દ્ર મોદી ને જો તમે તેની સમગ્રતામાં જુઓ તો તે દેશના હિત માટે કટીબદ્ધ છે. ધારો કે તે કોઈ વિવાદાસ્પદ ઘટનામાં તેની સંડોવણી હોય કે બીજેપી પક્ષની સંડોવણીનો વિવાદ હોય તો પણ આ બધું નહેરુવંશીય શાસનની સરખામણીમાં જ જોવું જોઇએ. સરખામણીમાં અનીતિમત્તાનો જત્થો અને શાસનનો સમય ગાળો બંનેને લક્ષ્યમાં રાખવા જોઇએ.

અમારે પ્રેક્ટીકલમાં પરિણામમાં ચાર ટકાસુધીની ક્ષતિને ક્ષતિ ગણવામાં આવતી ન હતી.

નીતિમત્તા એ બહુ વિશાળ વિષય છે અને સાપેક્ષવાદ ગહન વિષય છે. સામાજીક સાપેક્ષવાદ ભૌતિક સાપેક્ષવાદથી પણ ગહન વિષય છે. કારણ કે આમાં મનુષ્ય પોતે એક ઉપકરણ છે. જો વિદ્વાનો પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરે તો જનતામાં ખોટો સંદેશ જાય.  

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શૂરઃ અસિ, કૃત વિદ્યઃ અસિ, દર્શનીયઃ અસિ પુત્રક,

યષ્મિનકુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે

%e0%a4%97%e0%a4%9c%e0%a4%83-%e0%a4%a4%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%a8-%e0%a4%b9%e0%a4%a8%e0%a5%8d%e0%a4%af%e0%a4%a4%e0%a5%87

હે નાના પુત્ર (બાબલા પપ્પુ), તું (રાડો પાડીને બોલવામાં) શૂરવીર છે, તકનિકી નો જાણકાર (હોવાનો દેખાવ કરવાવાળો) છે, દેખાવડો છે, પણ હે પુત્ર તું જે કુળમાં (નહેરુવીયનકુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી (નરેન્દ્ર મોદી) મરાતો નથી.     

ટેગ્ઝઃ મૂર્ધન્ય, વિદ્વાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા, મનમોહન સિંહ, ગરીબડા, સોનિયા ગાંધી, નહેરુવીયન કોંગ્રેસ, આક્ષેપ, ફ્રૉડ, કૌભાન્ડ, નુકશાન, રાજકારણ, ચીન, ૧૯૬૨નું યુદ્ધ, આધિપત્ય, ૯૦૦૦૦ ચોરસ માઈલ, આજની ઘડી અને કાલનો દિ, દુશ્મને દગો કર્યો, દુશ્મન તો દગો કરે જ, સિમલા કરાર,  બલિનો બકરો, મહાત્મા ગાંધી, વ્યુહરચના,

Read Full Post »

%d bloggers like this: