હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા
શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?
શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?
શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?
ના ભાઈ ના. આવું કશું નથી.
એક ચોખવટ કરી લઈએ.
હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.
હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.
સેલીબ્રીટીઃ
સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.
એટલે ટૂંકમાં નર માદા … એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને કરીશું.
હેલ્પેશભાઈએ કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?
હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.
હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?
કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.
“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.
“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ “કામપડ્યું” કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.
નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.
રામ-રાજ્યઃ
હેલ્પેશભાઈ, એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.
કારિયાભાઈઃ
હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ, એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે રહેતા હતા. કારિયાભાઈ સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા. પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.
હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.
એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે. હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.
કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.
શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?
હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.
હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,
હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.
કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.
પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.
હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.
બોલો આ કોણ હશે?
આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,
હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ કેમ ગમતા હતા?
ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.
ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.
ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?
કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.
હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર હેલ્પેશભાઈ પહોંચે તે પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;
આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.
તે ઉપરાંત
આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.
આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,
આ હિરાભાઈઓ અને હિરીબેનો એક જ ઘાએ અભિનય કરતાં નથી,
આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.
આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.
આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.
હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.
એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા. આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”
એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”
મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.
એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે ચર્ચા ચાલી.
પોતાનો માનીતો હિરો કોણ?
હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.
દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;
દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.
બધાને પ્રેમમાં પડવું તો હોય જ.
દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?
એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન) સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.
રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો, દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.
તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?
હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?
દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.
વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.
જોકે કેટલીક બહેનો અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.
દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.
આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.
પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે? જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.
હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું નવું વર્સન હતું.
આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.
હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.
હિરાભાઈઓ દ્વારા દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?
કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.
આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.
શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે. ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.
આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્”.
આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.
શિરીષ મોહનલાલ દવે