This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi–Part – 2.
માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૨
સંત રજનીશમલ પ્રવિચાર યા પ્રવચન શૈલી નાટ્યરુપાંતરણમ્
ભક્ત એટલે આચાર્ય રજનીશ યા ભગવાન રજનીશ યા ઓશો રજનીશ યા “ઓશો” યા સંત સંત રજનીશમલ યા આજ પ્રભુનો જીજ્ઞાસુ અનુયાયી.
ભક્તઃ “પ્રભો! આ પ્રેમ એ શું છે?”
પ્રભુ ઉવાચઃ “જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ. તેમણે કરુણાનો સાક્ષાત્કાર કરેલો. કરુણાનો આ સાક્ષાત્કાર બુદ્ધને કોણે કરાવ્યો. સુજાતાના હૃદયમાં કરુણા હતી. તેણે ખીર દ્વારા બોધિવૃક્ષની નીચે તપ કરતા પણ ક્ષુધા પીડિત એવા બુદ્ધને કરુણાનો સાક્ષાત્કાર કરાવ્યો. બુદ્ધમાં કરુણા તો હતી જ. પણ સુજાતાની ખીરથી તેમને કરુણાનો સાક્ષાત્કાર થયો. તેઓ કરુણામય બન્યા હતા. તેઓ કરુણામય થયા તેથી તેઓ સમગ્ર જગતને પ્રેમ કરતા થયા. જગતની દરેક એન્ટીટીઓ પ્રત્યે તેમને કરુણા હતી. પછી ભલે તે વાઘ, અજગર કે સર્પ પણ કેમ ન હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં ભલા હિંસા ક્યાંથી હોય?
પ્રેમ અને કરુણા
પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય. કરુણા અને પ્રેમને તમે જુદા ન પાડી શકો. “કૃષ્ણ અને રાધાને ન સમજો … ત્યાં સુધી તમે પ્રેમને પણ સમજી ન શકો અને કરુણાને પણ ન સમજી શકો. કૃષ્ણ એ પ્રેમ છે અને રાધા એ કરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક જ ઈશ્વરીય સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે જ રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરની રાધા કલ્પી જ ન શકાય. કારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.
ભક્તઃ પ્રભો, આ બંસી એ શું છે? “કૃષ્ણ ની બંસીના સૂર થી રાધા ઘેલી બને છે” એટલે શું?
પ્રભુ ઉવાચઃ બંસીના સૂર એ ઈશ્વરનો આલાપ છે. ઈશ્વરનો આલાપ સૌને ઘેલા ઘેલા કરી દે છે. આ કૃષ્ણ મહાયોગી હતા. યોગીઓના ઈશ્વર હતા. “યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર … ”. જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાથી રાધા શરુ થઈ જાય છે તે જ ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા. આ બંસીના સૂરના સ્પંદનોનો પ્રભાવ છે. બંસીના સૂરો જે કૃષ્ણે રેલાવ્યા હતા તે અદ્ભૂત હતા. તેમાં અદ્ભૂત ઉર્જા હતી. ઉર્જા કદી નાશ પામતી નથી. શ્રી કૃષ્ણે જે વૃન્દાવનમાં, બંસીના સૂરો રેલાવ્યા તે સૂરો આજે પણ છે. કારણ કે સ્પંદનો નાશ પામતા નથી. સ્પંદનોની ઉર્જા નાશ પામી શકતી નથી. વિજ્ઞાન હજુ પૂરતું વિકસ્યું નથી કે જે આ અવિનાશી ક્ષીણ થયેલી ઉર્જાને એમ્પ્લીફાયરથી મોટી કરી શકે. જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત થશે ત્યારે તે આ સ્પંદનોને શ્રાવ્ય બનાવી શકશે અને સૌ કોઈ વૃન્દાવનમાં જઈ કૃષ્ણની બંસીના આલ્હાદક સૂરોને સાંભળી શકશે.
ભક્તઃ પ્રભુ! ગોપીઓ …
પ્રભુ ઉવાચઃ કૃષ્ણ શું કહે છે? તમે મારાથી શું છૂપાવી શકશો? તમે કૃષ્ણથી કશું છૂપાવી શકતા નથી. કૃષ્ણ બધું જાણે છે. કૃષ્ણ પાસે તમારે માગવાનું હોય તો છૂપાવવાની શી જરુર છે? આવરણ એ એક બંધન પણ છે. છૂપાવવું એ એક છેતરપીંડી છે. કૃષ્ણ પાસે છેતરપીંડી? કૃષ્ણ પાસે તમે મુક્ત થઈને જાઓ. કૃષ્ણ સામે શરમ કે લજ્જાનું બંધન શા માટે? કૃષ્ણ પાસે તમારે અનાવરિત થઈને જ જવાનું છે. ખુલ્લા દિલે કૃષ્ણ પાસે માગો.
ભક્તઃ પ્રભુ! રાસલીલા….
પ્રભુ ઉવાચઃ જુઓ તમે સમજીલો. કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે. તમારામાં પણ કૃષ્ણ રહેલો છે. મારામાં પણ કૃષ્ણ રહેલો છે. રાધા વિષે પણ એવું જ છે. દરેક ગોપીમાં રાધા બેઠેલી છે. દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે. તમારે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. તમારે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે, દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે. દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને જોવાની છે, દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે. જ્યારે આવું થશે ત્યારે આખું વિશ્વ તમને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.
ભક્તઃ પ્રભુ, લગ્ન સંસ્થાનું શું થશે?
પ્રભુ ઉવાચઃ લગ્ન એ એક બંધન છે. દરેક બંધન એક પીડા છે. દરેક બંધન એક દબાણ છે. આ પીડા તો મનુષ્ય સમાજે જ ઉત્પન્ન કરી છે. આ બંધન તો મનુષ્ય સમાજે જ બાંધ્યું છે. પ્રકૃતિએ તો દરેક પ્રાણીઓને મુક્ત જ સર્જ્યા છે. પ્રકૃતિએ તો મનુષ્યને બંધનમાં બાંધ્યો જ ક્યાં છે? અહીં તો મનુષ્ય પોતે જ ગળામાં ગાળીયો નાખે છે અને પછી કહે છે કે મને ગુંગળામણ થાય છે… મને પીડા થાય છે. પશુપક્ષીઓ અને નાના ક્ષુદ્ર જીવો કરતાં પણ મનુષ્ય તો ઉણો ઉતર્યો છે. પોતે જ પોતાને બંધન બાંધ્યું અને પછી બુમાબુમ કરે છે “મને બચાવો …. મને બચાવો”. અરે ભાઈ તું બંધનમાંથી મુક્ત થા અને મુક્તિનો અનુભવ કર. પ્રકૃતિએ તો મનુષ્યનું મન એવું ઘડ્યું છે કે તેને બંધનમાં રહેવું ન ગમે. બંધન અપ્રાકૃતિક છે. મેં તમને કહ્યું કે આ એક દબાણ છે. તમે કોઈપણ બાબત વિષે મનને જેટલું દબાણમાં રાખશો તેટલું તેને તે બાબતનું વધું ખેંચાણ આકર્ષણ થશે. આ સ્થિતિ પ્રકૃતિએ જ સર્જી છે. માતા બાળકને કહેશે “બેટા બહાર ન જઈશ”, તો બાળકને બહાર જવાની ઈચ્છા થશે. સરકાર મનુષ્યને કહેશે દારુ ન પીવો જોઇએ. અને સરકાર તે માટે દારુબંધી નો કાયદો કરશે તો મનુષ્યને દારુનું વધુ આકર્ષણ થશે. અને મનુષ્ય છાનો છપનો પીશે. સમાજમાં બમણો દારુ પીવાશે. જો મનુષ્ય મન ઉપર કાબુ રાખવાનો પ્રયત્ન કરશે તો મન બેકાબુ બનશે અને અનેક માનસિક વિકૃતિઓ સર્જાશે. હું જોઈ શકું છું કે લગ્ન સંસ્થા તેના ભારથી જ તૂટી પડશે. લગ્ન સંસ્થા સાવ અકુદરતી છે. લગ્નસંસ્થા નિરર્થક છે.
ભક્તઃ પ્રભો વિજાતીય સંબંધો …
પ્રભુ ઉવાચઃ લગ્ન સંસ્થા જ નિરર્થક છે તેમાં જ બધું આવી જાય છે. તમે પુરુષની અને સ્ત્રીની જાતીય વૃત્તિઓની ઉપર કાબુ રાખવાનું જેટલું દબાણ લાવશો તેટલી આ વૃત્તિઓ વધુ બેકાબુ બનશો. આ દબાણ સમાજના મહાપુરુષોના બોધપાઠ દ્વારા ઉત્પન કરવામાં આવતું હોય કે સરકારના કાયદાના પશુબળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ધારોકે તમે કદાચ આ રીતે મનુષ્યના શરીરને કદાચ કાબુમાં રાખશો. પણ મનુષ્યના મનને કેવી રીતે કાબુમાં રાકશો? મનને તો સરકાર કશું કરી શકશે નહીં. તમે મનમાં કાયદાનો ભંગ કર્યો, તો શું સરકાર તમને તે બદલ દંડિત કરી શકશે? નહીં જ કરી શકે. તમારા મનની જે ઇચ્છા તમે બળજબરી કરીને દબાવી રાખી છે તે ક્યારેક તો સ્પ્રીંગની જેમ ઉછળીને આચારમાં આવવાની જ છે.
ભક્તઃ પણ પ્રભો પરસ્ત્રી તો માત સમાન ગણવી જોઇએ એવું કહેવાય છે…
પ્રભુ ઉવાચઃ આ એક દંભ છે. પરસ્ત્રીને કોઈ માતા ગણી શકતું નથી. સ્ત્રી માત્ર સ્ત્રી છે એમ દરેક પુરુષ માનતો હોય છે. પુરુષ પણ માત્ર પુરુષ છે એમ દરેક સ્ત્રી માનતી હોય છે. સ્ત્રી એવું ઈચ્છતી પણ હોય છે કે તેને સ્ત્રી માનવામાં આવે. કોઈ સ્ત્રી એવું કદી ન ઈચ્છે કે બીજા તેને સ્ત્રી ન માને. પુરુષ પણ કદી એવું જ ઈચ્છતો હોતો નથી તેને કોઈ પુરુષ ન માને. આ કુદરતી વ્યવસ્થા છે. હા સ્ત્રીને માતા બનાવી છે. પણ ઈશ્વર એવું ઈચ્છે કે સ્ત્રી પણ આનંદ કરે. પુરુષ પણ આનંદ કરે. આનંદ એ પ્રાકૃતિક વ્યવસ્થા છે અને ઈશ્વરનો આદેશ છે. ઈશ્વર સ્ત્રીને પોતાનો આદેશ માનવા બદલ પુત્ર અને પુત્રીની ભેટ આપે છે.
કટઃ
હરિ અનંતો હરિ કથા અનંતા. આ વાર્તાલાપ અનંત કાળ સુધી ચલાવી શકાય. અને આગળ જતા એવું પણ નિષ્પન્ન કરાવી શકાય કે સંભોગ દ્વારા પણ સમાધિ તરફ જઈ શકાય. પરમાનંદની અનુભૂતિ એ સમાધિ છે.
સંત રજનીશ કોઈ રીસ્ક લેવા માગતા ન હતા. તેઓ આકાશ ભરાઈ જાય તેટલા શિષ્યો ભેગા કરવા માગતા ન હતા. તેથી જેઓ સામાજીક નિયમોમાંથી મુક્તિ દ્વારા થતો વિજાતીય સંપર્કનો આનંદ લેવા માગતા હતા તેમને જ ટિકિટ દ્વારા સભ્ય બનાવતા. તેમનો આશ્રમ એ આચાર માટેની ભૌગોલિક સીમા હતી.
સંત રજનીશમલે જોયું કે દેશી માલેતુજારો તો મળે છે. પણ વિદેશી આગંતુકો પણ કંઈ કમ નથી. પરમાનંદની અનુભૂતિનો ભ્રમ તો (શરીરને) રસાયણો દ્વારા અને અથવા રસાયણપાન કરેલ સંભોગસ્થ (શરીરને) પણ કરી કરાવી શકાય છે. જ્યારે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય અને મગજને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં પહોંચતો ન હોય ત્યારે મગજ અન્યમનસ્ક થઈ જાય છે. તેવે વખતે આવો અનુભવ અસંભોગસ્થ અવસ્થામાં પણ કરી શકાય છે. તમે મનને કેવા વિચારોમાં અને કેવી અવસ્થામાં રાખવા માગો છો તેની ઉપર આધાર છે. વિશ્વમાં પોતે ભળી ગયા છે તેવી અનુભૂતિ હિમાલયમાં અને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા દરમ્યાન થતી હોય છે.
રસાયણ
સંત રજનીશમલે શરીરસ્થ રસાયણ અને સંભોગસ્થ શરીર વિષે વિચાર્યું. આ ધંધો કસ વાળો છે. આ ધંધાને વિકસાવી શકાય તેમ છે. ભૌતિક અફિણ, ગાંજા, ચરસ, કોકેન, અને એવા બીજા રસાયણોની જેમ ધર્મ ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો પણ અફિણ છે. જરુર પડે તેનો પણ ઉપયોગ કરવો. જીસસ ને પણ ભેળવવા. કન્ફુસીયસને પણ ભેળવો. સામાન્ય બુદ્ધિ કંઈ બધી સામાન્ય વ્યક્તિઓમાં હોવી જરુરી નથી.
ઉપરોક્ત સૌ રસાયણ અફિણોનો ધંધો કસદાર લાગવાથી, સંત રજનીશમલે અમેરિકામાં ધામા નાખ્યા.
ફોટાઓ માટે જુઓ ઓશોરજનીશડૉટકૉમ
આમ તો અમેરિકન સરકાર ને ધર્મ બાબતમાં કશી આળી વૃત્તિ હોતી નથી. પણ રસાયણોના ધંધા અને તેની આદતો વિષે તે થોડી ઘણી જગૃત છે. એટલે તેને ખબર પડી કે સંત રજનીશમલના આશ્રમની બાબતમાં દાળમાં કંઈક કાળું છે. આમ તો અમેરિકન સરકાર પોતાને મુક્ત વ્યક્તિસ્વાતંત્ર્યવાળીમાં ખપાવે. પણ રસાયણ કે સ્વહિતની બાબતમાં પોતાને માટે જુદા માપદંડ રાખે. કથા કથિત ધાર્મિક ભેદભાવ બાબતામાં ભારતના બંધારણનું અપમાન કરી ભારતીય સરકારની મોદીની વિસા માટેની અરજીને તે નકારે છે, અને ઈરાકમાં યુદ્ધ વખતે ક્લસ્ટર બોંબ ઝીંકી, નિર્દોષ નાગરિકોને મારી નાખે છે, તો પણ અપમાનિત એવા ભારત દેશની સરકાર પણ ચૂં કે ચાં કરી શકતી નથી, તેવી અમેરિકી સરકારને માટે તો સંત રજનીશમલને તગેડી દેવા તે ડાબા હાથનો ખેલ હતો. તે તેણે પાર પાડ્યો.
અમેરિકામાં એલબીડબલ્યુમાં આઉટ થયા પછી સંત રજનીશમલે કચ્છના એકલવાયા વેરાન પ્રદેશમાં આશ્રમ વિષે વિચાર્યું (તે વખતે કચ્છ વેરાન ઉજ્જડ હતું. હવે તો તે પર્યટન સ્થળ છે. મોદીકાકાની જય હો). પણ ત્યાં ઉહાપોહ થયો. વળી ઘરાકીનો પણ સવાલ હતો. એટલે પૂના આવ્યા. અને થોડે દૂર આશ્રમ સ્થાપ્યો. મુંબઈ નજીક હતું. મુંબઈનો દરિયો પણ નજીક હતો. માલેતુજારો પણ નજીક હતા અને વિદેશીઓ પણ ટ્રીપ મારી શકે તેમ હતા.
હાજી ઓશો આશારામ અને સંત રજનીશમલ સમાન આઈટમ વાનગીઓના વેપારી હતા. ઓશો આશારામ અમર્યાદિત પુરુષોત્તમ હતા. સંત રજનીશમલ મર્યાદા પુરુષોત્તમ હતા.
ઈતિ સંત પુરાણે દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સંત, પ્રેમ, કરુણા, સિક્કા, ઐક્ય, કૃષ્ણ, રાધા, બુદ્ધ, સુજાતા, ખીર, રજનીશ, બંસી, સૂર, સ્પંદન, આલાપ, ઉર્જા, સંભોગ, સમાધિ, રસાયણ, માલેતુજાર, વિદેશી, અમેરિકા