ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ-૫ / ૯
સીતાનું હરણ થઈ ગયું.
સીતાની શોધ માટે રામ અને લક્ષ્મણ ભટકવા લાગ્યા.
રામને હનુમાન અને સુગ્રીવ મળ્યા.
હનુમાન, સુગ્રીવ, આદિ કોણ હતા?
આ લોકો નિશ્ચિત રીતે કેરાલાના હતા. આ લોકો મલ્લ વિધ્યા (માર્શલ આર્ટ) માં તે સમયમાં પણ નિપૂણ હતા. એ વાત પણ નિશ્ચિત છે કે તેઓ સૌ મનુષ્ય હતા. તેઓ સાચેસાચ વાંદરા હોય તે શક્ય નથી. કારણ કે વાંદરાની મોંઢાની રચના જ એવી હોય છે કે તે સ્વર અને વ્યંજનના ઉચ્ચારો માણસો જેવા અને સમજાય એવા કરી ન શકે. વાનરનો અર્થ એ નિકળી શકે. अपि एतत् नरः अस्ति वा नरः न अस्ति वा. શું આ નર (પ્રજાતિનો) છે કે આ એમ નથી. વાનર.
હનુમાનની માતા વાંદરી ન હતી. હનુમાનના પિતા પણ વાનર ન હતા. હનુમાનના પિતા મરુત હતા. સંભવ છે કે આ લોકોની શારીરિક ચપળતા જોઇએ અને રંગ જોઇને, કદાચ તેમને “વાનર” નામ આપ્યું હોય. હનુમાન મરુતના પુત્ર હતા એટલે તેમને મરુતપુત્ર, મારુતી કહેવાય છે. જેમનામાં પવન (મરુત) છે તે મારુતી. मरुतः यस्मिन् अस्ति सः मारुतिन्. (तस्य प्रथमा एक वचन मारुती).
સુગ્રીવ અને વાલી
સુગ્રીવ અને વાલી બે ભાઈ હતા. વાલી મોટો હોવાથી કિષ્કિંધાનો રાજા હતો. વાલી અજેય હતો. તેણે મયાસુરને હરાવેલ. મયાસુરને બે પુત્રો હતા. દંદુભી અને માયાસુર. દંદુભીને વાલીએ માર્યો હતો. માયાસુર તેનો બદલો લેવા વાલી ઉપર એક રાત્રે ચડી આવ્યો. અને કિષ્કિંધાના નગરીના કોટના દ્વારા જોરથી ખખડાવવા લાગ્યો. વાલી ગુસ્સે થયો. અને બહાર આવ્યો. સુગ્રીવ પણ પાછળ પાછળ આવ્યો. માયાસુર માર ખાવાથી ભાગવા લાગ્યો. સુગ્રીવ તેની પાછળ દોડ્યો. માયાસુર ભૂગર્ભ ગુફામાં પેસી ગયો. વાલીએ સુગ્રીવને કહ્યું કે હું તેને મારીને આવું છું. તું મારી રાહ જોજે. સુગ્રીવ બહાર ઉભો રહ્યો. ઘણા વખત પછી ગુફામાંથી લોહી આવવા માંડ્યું. રાક્ષસોના અવાજ સંભળાતા હતા પણ વાલીનો કોઈ અવાજ આવતો ન હતો. એટલે સુગ્રીવ સમજ્યો કે વાલી મરાયો લાગે છે. તેથી તેણે મોટી શીલા વડે ગુફા બંધ કરી દીધી જેથી અંદર રહેલા રાક્ષસો કિષ્કિંધા ઉપર ચડી ન આવે. સુગ્રીવ નમ્ર હતો. તેને રાજા બનાવવામાં આવ્યો. પણ થોડા વખત પછી વાલી તો ગુફાના બધા જ રાક્ષસોને મારીને બહાર આવ્યો. તેણે જોયું કે સુગ્રીવ રાજા બની ગયો છે. વાલી અધીર હોવાથી તેણે સુગ્રીવની એક પણ વાત ન સાંભળી. સુગ્રીવ ભાગતો ભાગતો ઋષ્યમૂક પર્વતના જંગલમાં આવેલા મતંગ ઋષિના આશ્રમમાં આવી ગયો. કારણ કે આ મતંગ ઋષિના શ્રાપને લીધે વાલી અહીં આવી શકે તેમ ન હતો. અહીં સુગ્રીવ સુરક્ષિત હતો. સુગ્રીવને મુખ્ય વાંધો તેની પત્ની તારાનો હતો. તારા સુગ્રીવની પત્ની હતી. વાલીએ તેની સાથે લગ્ન કરી લીધેલ.
સુગ્રીવે રામને પોતાની સમસ્યા જણાવી. સુગ્રીવનો ભાઈ વાલી તેના મોટાભાઈથી ત્રસ્ત હતો. વાલી કિષ્કિન્ધાનો રાજા હતો. તે બળવાન, ગર્વિષ્ઠ અને અધીર હતો. તે ઇન્દ્રનો પુત્ર હતો કે પુત્ર સમાન હતો. તે મલ્લવિદ્યામાં અજેય હતો. તેની લડવાની અને ચપળતા બતાવની રીત જ એવી હતી કે તેનાથી સામેના પ્રતિસ્પર્ધીની તાકાત અડધી થઈ જતી. અને આમ થવાથી પણ વાલીનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. તેથી એવી માન્યતા હતી કે આ દૈવી વરદાન હતું કે તે જ્યારે યુદ્ધ કરે ત્યારે તેના પ્રતિસ્પર્ધીનું બળ અડધું થઈ જતું અને તે બળ વાલીમાં આવી જતું. “બ્રુસ લી” ની જેમ. સંભવ છે કે મલ્લ વિદ્યા અને કળ વિદ્યા (કરાટે, જુડો, ફેંગ સુઈ …) દક્ષિણ ભારતમાં થી પૂર્વના દેશોમાં ખાસ કરીને જાપાન ચીન માં ગઈ હશે. હનુમાન સાથે તેલ પણ જોડાયેલું છે. કેરાલા તેલના ઉપચારો માટે વિશ્વ વિખ્યાત છે.
રામ આમ તો ભગવાન ન હતા.
રામનું ધ્યેય પોતાની પત્નીને શોધવાનું હતું. જો કોઈ તેનું હરણ કરી ગયું હોય તો હરણ કરવા વાળાને હરાવવાનો હતો. આમ કરવાથી રામ પોતાને મળેલી નાલેશી દૂર કરી શકે.
રામની પાસે બે વિકલ્પ હતા.
એક એ કે તે વાલીને મળીને મળી સુગ્રીવ સાથે તેની સંધિ કરાવે. પછી વાલીની મદદ લઈ સીતાને શોધે. પણ રામને સુગ્રીવ પાસેથી જાણવા મળ્યું કે વાલી બહુ જ અધીર છે. એટલે આ કામમાં સફળતા મળે પણ ખરી અને સફળતા ન પણ મળે. વળી જો સફળતા ન મળે તો રામને બે દુશ્મન ઉભા થાય. એક વાલી સાથે દુશ્મનાવટ તો થાય જ અને સુગ્રીવ કે જે રામનો આશ્રિત બનેલો અને લક્ષ્મણે રામની શૂરવીરતા બાબતમાં જે વાતો કરેલી તે બધી બણગાંમાં ખપી જાય. રામનું તો ખરાબ દેખાય જ પણ સાથે સાથે પોતે જે અયોધ્યા સામ્રાટ ભરતનું પ્રતિનિધિત્વ કરે છે તે ભરતનું પણ નીચા જોણું થાય અને રઘુવંશનું પણ અપમાન થાય. એટલે રામ એક રાજગુણને હિસાબે અનિશ્ચિતતામાં રહેવા માગતા ન હતા.
જો કોઈ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ ઉભો થાય. અને દુશ્મન અતિ શક્તિશાળી હોય તો રાજનીતિ કરવી જ પડે. સુગ્રીવ પાસે કોઈ સૈન્ય તો હતું જ નહીં. વળી એ પોતે પણ જો આ આશ્રમની બહાર નિકળે તો વાલી એને મારી જ નાખે. વાલી તો સુગ્રીવને શોધતો જ હતો.
બીજો વિકલ્પ એ હતો કે સુગ્રીવ પોતે જ વાલીને લલકારે અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ થાય. અને રામ છુપાઈને વાલીને મારે. એટલે રામે છુપાઈને વાલીને માર્યો.
કોઈ મહાપુરુષો રામના આ નિર્ણયની નિંદા કરે છે. કેટલાક રામનો બચાવ કરે છે. વાનર તો “શાખા મૃગ” કહેવાય અને રાજાઓ મૃગયા રમવા જાય તે તેમનો ધર્મ છે. એટલે રામ ક્ષત્રીય હોવાથી વાલીને પોતાને મનગમતી રીતે મારી શકે. આ વાત બરાબર નથી. પણ આવી ચર્ચા આપણે નહીં કરીએ. આ ચર્ચા અસ્થાને છે.
“વાલી વધ”ને પ્રસંગના પરિપેક્ષ્યમાં જુઓ.
એક તો રામની સ્ત્રી ખોવાઈ હતી. પોતાની સ્ત્રીનું અપહરણ થયું હોય તો પોતાની સ્ત્રીની કેવી દશા હશે તેની પણ રામને પારાવાર ચિંતા હશે. રામ નિરાશામાં પણ હોય. એક એવો પ્રક્ષેપ પણ છે કે શિવજી આવીને રામને મનુષ્યની જીંદગીમું રહસ્ય સમજાવે છે. આ બોધને શિવ-ગીતા કહેવામાં આવે છે. પણ શિવજી કંઈ આવે નહીં. એમ હોઈ શકે કે રામે આત્મમંથન કર્યું હોય અને પોતાની જાતને સંભાળી હોય. આવા રામની માનસિકતાનો ખ્યાલ રાખ્યા વગર તેમની એક ભગવાનના રુપમાં અને મર્યાદા પુરુષોત્તમમાં પ્રતિમા રાખી ટીકા કરી દોષી ન ઠેરવી શકાય.
ધારો કે રામે વાલી સાથે સંધિ કરી તો શું?
એક શક્તિશાળી અને અધિર રાજા એવા વાલીનો ભરોસો કેટલો કરી શકાય?
આપણે જોઇએ છીએ કે પાકિસ્તાને અમેરિકા સાથે દોસ્તી કરી તો તેના હાલ કેવા થયા છે. નહેરુએ ચીન અને રશિયા સાથે દોસ્તી કરી તો ચીને ભારતની ૭૧૦૦૦ ચોરસમાઈલ ભૂમિ કબજે કરી લીધી.
“લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.” રામે આવું બધું પણ વિચાર્યું હોય. તેથી રામે સુગ્રીવના પક્ષે રહેવાનું વિચાર્યું. રાજાઓએ લાંબુ વિચારવું જોઇએ. રામે વાલીને મારી સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવને ઉપકારવશ કરી રામે પોતાનો હાથ ઉપર રાખ્યો. વાલીનું સૈન્ય પણ રામને મળ્યું. રામને જે યોગ્ય લાગ્યું તે રામે કર્યું. જો કે આ સુગ્રીવ પણ રાજગાદી પર બેઠા પછી રંગરાગમાં પડી જાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પણ રામ તેના ઉપર ગુસ્સે થઈ તેની શાન ઠેકાણે લાવે છે. જો કે આ તો કથાને રસમય બનાવવા જોડવામાં પણ આવ્યું હોય. પણ ધારો કે વાલીએ આવું કર્યું હોત તો શું રામ, વાલીની શાન ઠેકાણે લાવી શકત?
સુગ્રીવ સજ્જ થઈ જાય છે. અને ચારે દિશામાં પોતાના માણસોને સીતાને શોધવા મોકલી દે છે. પછી ખબર પડે છે કે રાવણ સીતાનું હરણ કરીને દક્ષિણ બાજુ ગયો છે. હનુમાનજી દક્ષિણ તરફ જાય છે અને લંકામાં સીતાને અશોકવાટિકામાં જુએ છે. સીતાને મળે છે. તે પછી હનુમાનજી પકડાઈ જાય છે. રાવણ હનુમાનના પૂંછડાને કપડાઓ બાંધી આગ લગાવી છોડી દે છે. કોઈ કહેશે કે જો હનુમાન વાંદરા ન હતા તો તેમને પૂંછડું કેવી રીતે આવ્યું. પણ આપણે આને ફેશનમાં ગણી શકીએ. આવી ફેશન આજે પણ દુનિયામાં ક્યાંક ક્યાંક હોય છે. શીંગડાવાળા ટોપા પહેરવાની પણ તહેવારોમાં અને એ સિવાય પણ ફેશન હોય છે. હનુમાને એજ અગ્નિથી લંકામાં ક્યાંક ક્યાંક આગ લગાવી હશે. પણ અતિશયોક્તિ અલંકાર રુપે લંકાને આગ લગાવી એવું કહેવાયું. લંકાના સૈન્યના માણસો પોતાના ઘરને વ્યવસ્થિત કરવામાં પડી જાય તો રામને સેતુ બનાવવાનો સમય મળી જાય.
રામ સેતૂ બન્યો હતો કે નહીં?
ભૂસ્તર શાસ્ત્રીઓને હિસાબે લંકા જ નહીં પણ ક્યારેક પૂરી પૃથ્વીની જમીન મળેલી હતી. કાળક્રમે જમીન ઉપર તડો પડવા માંડી અને જમીનના ટૂકડા થવા લાગ્યા. વચ્ચે સમુદ્ર આવવા લાગ્યો. પાંચ દશ હજાર વર્ષ પહેલાં સંભવ છે કે લંકા અને ભારત વચ્ચે સમૂદ્ર છીછરો હોય. કોઈક કોઈક જગ્યાએ ચાલવા લાયક હોય પણ શસ્ત્ર સરંજામ અને વાહનો લઈ જવા માટે અનુકુળ ન હોય. એટલે રસ્તો બનાવવો જરુરી હોય. આ રસ્તો જ્યારે બને ત્યારે ભરતીના દિવસોમાં પુલ જ લાગે ને. સંભવ છે કે નીચેનો હિસ્સો કુદરતી જમીન હોય પણ ઉપરનો હિસ્સો માનવ સર્જિત હોય. એટલે કે રામે બનાવ્યો હોય. લોકકથાઓ પાછળ ક્યાંક અને ક્યાંક તો કંઈક સત્ય છૂપાયેલું હોય છે.
લક્કા એ લંકા?
એક એવી ધારણા છે કે “લક્કા” નામનો એક પ્રદેશ મધ્યપ્રદેશમાં છે તે જ લંકા છે. એવું એક ઇતિહાસકાર કહે છે. તે ઇતિહાસકાર એમ કહે છે કે રામ, હાલના શ્રીલંકામાં ગયા જ ન હતા. રામ તો આ “લક્કા”માં ગયા હતા. આ લક્કાની આસપાસ જે જમીન છે ત્યાં પાણીના ઘણા ખાડાઓ જોવા મળે છે. રાવણ તો ગધેડા ઉપર બેસીને પંચવટી ગયો હતો. આને આવી જગ્યા ઉપર તો ગધેડાઓ જ ચાલી શકે. રામ, શ્રીલંકા ગયા જ ન હતા. કારણ કે રામે નર્મદા ઓળંગી જ ન હતી. લંકા ઓળંગ્યા વગર રામ લંકા જઈજ કેવી રીતે શકે? રાવણે શણના કપડાં પહેર્યાં હતાં. આ શણ તો મધ્યપ્રદેશમાં થાય છે. અહીં કેટલાક લોકો આજે પણ રાવણને પૂજે છે.
જો કે ઇતિહાસકારે વિરોધાભાષી વાતો પણ કરી છે. જેમ કે શણ અહીં પેદા થાય છે એવું એક જગ્યાએ લખે છે તો બીજી જગ્યાએ એમ લખે છે કે દારુનો કુંજો રોમથી આવતો હતો. જો દારુ અને દારુનો કુંજો રોમથી આવી શકતો હોય તો શણ મધ્યપ્રદેશ થી તો શું બંગાળ માંથી પણ આવી જ શકે ને. ઈજીપ્તના મમી ઉપર નું કાપડ જો ભારતમાંથી જતું હોય એ સ્વિકારતા હોઈએ તો શણના કાપડવાળી દલીલ ટકી ન શકે. પંચવટી થી લંકા જવું હોય તો સિંધુ, બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી ન આવે, અને નર્મદા પણ ન આવે. શ્રી લંકાની ભાષા સિંહાલી છે તે બિહારી હિન્દીને મળતી છે. આ બધી વાતો વધુ ન કરીએ, પણ મધ્યપ્રદેશમાં રામસેતૂ નથી મળતો. શિવજીનું સ્થાન કૈલાસ છે પણ તેઓની પૂજા દક્ષિણમાં પણ થાય છે. વિષ્ણુ કાળા છે તો પણ તેમની પૂજા ઉત્તરમાં પણ થાય છે.
મૂળવાત પર આવીએ.
રાજા રામ
રામ અને રાવણનું યુદ્ધ થયું રાવણ મમત ઉપર ગયો. તેણે યુદ્ધ કર્યું. રાવણ મરાયો. રામ પોતાની પત્ની સીતાને મળ્યા.
રામના ચરિત્રને ચાર ચાંદ લગાવવા વાળી તેમની રાજધર્મની પરીક્ષાની વાત હવે ચાલુ થાય છે. મોટા ભાગના વિવેચકો, મૂર્ધન્યો, વિદ્વાનો રામના રાજધર્મને મુલવવામાં અહીં થી જ ભટકી જાય છે.
રામમાં એવા કયા સંસ્કાર છે કે જે તેમને અતિમાનવ કે મુઠી ઉંચેરો માનવી બનાવે છે? એવા તે પણ કેવા, કે આજે હજારો વર્ષ પછી પણ લોકો તેમને ઈશ્વર જેટલું કે તેથી પણ વધુ માન આપે છે.
કૃષ્ણ “કંસારિ”, “કેશવ”, “મુરારિ”, વિગેરે નામ થી ઓળખાય છે. પણ રામ “રાવણને હણનાર રાવણારિ”, “ખર રાક્ષસને હણનાર ખરારિ”, વિગેરે નામ થી ઓળખાતા નથી.
રામના જીવનનો કયો હિસ્સો છે કે જે તેમને અતિમાનવ તરફ લઈ જાય છે? રામ હમેશા “રાજા રામ” અને “સીતા રામ” તરીકે ઓળખાય છે. એટલે કે રામ માટે “ રાજાની એકમાત્ર આદર્શ ઉપમા” રાજાનું એકમાત્ર શ્રેષ્ઠ રુપ રાજા રામ છે.
બીજું નામ છે, “સીતારામ” સીતાના રામ એટલે કે સીતાના પતિ રામ એટલે કે સીતા વાળા રામ. એક પરશુવાળા રામ હતા. અને એક સીતાવાળા રામ હતા. એટલે સીતાને પણ મહાન ગણવા આવી છે. એટલે રામ બે રીતે પ્રખ્યાત હતા. “રાજા રામ” અને “સીતા રામ”.
શું રામે રાજગાદીનો ત્યાગ કર્યો એટલે મહાન હતા?
શું રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા એટલે મહાન હતા?
શું રામે રાક્ષસોને માર્યા એટલે મહાન હતા?
શું રામે રાવણને માર્યો એટલે મહાન હતા?
શું આ બધાના સરવાળાથી રામ પૂજનીય બન્યા?
ના જી.
રાજગાદીનો ત્યાગ તો ઘણા રાજાઓએ કર્યો છે. કેટલાય રાજાઓએ વનવાસ પણ કર્યો છે. કેટલાય રાજાઓએ રાક્ષસોનો સંહાર કર્યો છે. રાવણને હરાવવાવાળા અને તેને ભગાડવા વાળા પણ ઘણા લોકો હતા.
તો એવી તે કઈ વાત છે જે રામને મહાન બનાવે છે?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝ; રામ, રાવણ, સીતા, હરણ, લંકા, લક્કા, શણ, દારુ હનુમાન, સુગ્રીવ, વાલી, રાક્ષસ, મહામાનવ, અતિમાનવ, ભગવાન, પંચવટી