Feeds:
Posts
Comments

Posts Tagged ‘લક્ષ્મણ’

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?

20200714_164218[1]

ના ભાઈ ના. આવું કશું નથી.

એક ચોખવટ કરી લઈએ.

હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

સેલીબ્રીટીઃ

સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.

એટલે ટૂંકમાં નર માદા …  એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની  ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને  કરીશું.

હેલ્પેશભાઈએ  કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?

હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.

હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?

કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.

“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.

“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ  “કામપડ્યું”  કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે  રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.   

નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.

રામ-રાજ્યઃ

હેલ્પેશભાઈ,  એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.

કારિયાભાઈઃ

હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ,  એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે   રહેતા હતા. કારિયાભાઈ  સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ  મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા.  પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.

હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.

એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે.  હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.

કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા  મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.

શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,

હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.

કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.         

પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.

હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.

બોલો આ કોણ હશે?

આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,

હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ  કેમ ગમતા હતા?

ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.

ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.

ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?

કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને  રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.

હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર  હેલ્પેશભાઈ પહોંચે તે  પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.

તે ઉપરાંત

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે  શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.

આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરીબેનો  એક જ ઘાએ અભિનય કરતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.

આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.

આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ  હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.

હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.

એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા.  આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”

helpeshbhai

એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ  છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”

મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.

એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે  ચર્ચા ચાલી.

પોતાનો માનીતો હિરો કોણ?

હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.

દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;

દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે     હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.

બધાને પ્રેમમાં પડવું તો હોય જ.

દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?

એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન)  સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.

રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો,  દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.

તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?

હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?

દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો  કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.

વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.

જોકે કેટલીક બહેનો  અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.   

દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.

આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.

પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે  વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે?  જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.

હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી  મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ  “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી   મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા  ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું  નવું વર્સન હતું.

આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.

હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી  હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.

હિરાભાઈઓ દ્વારા  દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?

કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.

આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના  હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ  દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.

શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે.  ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.

આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્‌”.

આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૮

સીતા ધરતીમાં સમાઈ ગઈ. એક વાત એ પણ છે કે વાલ્મિકી પોતે જ સીતાની શુદ્ધતા શપથ પૂર્વક કહે અને વશિષ્ઠ તેને પ્રમાણ માને.

પણ રામનું માનવું છે એવું જ હોઈ શકે કે આવી કોઈ પ્રણાલી છે જ નહીં. જો પોતાના માટે આવું કરવામાં આવે તો તે પોતાને સ્પેશીયલ ટ્ટ્રીટામેન્ટ્ આપી કહેવાય. રાજાને આ જાતની સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવાની પ્રણાલી નથી માટે આવી પ્રણાલીની સ્થાપના અમાન્ય જ ગણાય. વળી આવી પ્રણાલી સ્થાપવી અને તેને સમાજમાં વ્યાપક કરવી તે પણ શક્ય નથી.  એટલે કે વશિષ્ઠ આને વાલ્મિકી કંઈ બધાને ઉપાબ્ધ ન હોય. રાજા માટે જુદા માપદંડ ન હોઈ શકે. એટલે રામનું માનવું એમ જ રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત અગ્નિપરીક્ષા જ છે.

સીતાએ અગ્નિ પરીક્ષા માટે શું કામ તૈયાર ન થઈ? સીતાને આમ વારંવાર અગ્નિ-પરીક્ષાની વાત અપમાન જનક લાગી. તેને જીવન સમાઅપ્ત કરવું વધુ યોગ્ય આગ્યું. આ વાતનો જનતા ઉપર વધુ પ્રભાવ પડશે. અને એટલે જનતાના હૃદયમાં સીતાનું સ્થાન રામ જેટલું જ આદરણીય બની જાય છે.

રામ અને નહેરુવીયન કોંગ્રેસના નેતાની ગેંગ

રામની સત્ય અને પ્રણાલીઓની ઉપરની નિષ્ઠા કઠોર હતી કે જો આપણે નહેરુથી શરુ કરી આજ પર્યંતના નહેરુના વંશજ કે અનુયાયીઓની જનતંત્ર ઉપરની નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાની સરખામણી કરીએ તો તેઓ સૌ માટે આત્મહત્યા કર્યા સિવાય કશો માર્ગ બચતો નથી.

રાજાજ્ઞા અને રાજાજ્ઞાના શબ્દોનું અર્થઘટન

રામ તો તે વખતે અજેય થઈ ગયા હતા. રામરાજ્યનો કારભાર પણ સ્થાપિત અને આદર્શ પરંપરા અનુસાર થઈ રહ્યો હતો.

એક ઋષિ આવે છે. તેઓશ્રી રામ સાથે મહત્વપૂર્ણા અને સંપૂર્ણ ગુપ્ત રહે એવી વાત કરવા માગે છે. તેઓશ્રી એવો પણ આગ્રહ રાખે છે કે જ્યાં સુધી વાતચીત સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈએ ખંડમાં પ્રવેશ પણ ન કરવો. રામ આ વાતની ચોકસી રાખવા લક્ષ્મણને બોલાવે છે. સંવાદ માટેના ખંડના બારણા પાસે લક્ષ્મણને ઉભા રહીને ચોકસી રાખવાનું કામ સોંપે છે. એ પણ ચેતવણી આપે છે કે જો કોઈપણ વ્યક્તિ અંદર આવશે તો તેણે રાજાજ્ઞાનો ભંગ કર્યો ગણાશે અને તેનો દંડ માત્ર મોતની સજા હશે.

રામ અને તે ઋષિ સંવાદ ખંડમાં જાય છે. લક્ષ્મણ દ્વારપાળ બની જાય છે. દરવાજાને બંધ કરવામાં આવે છે. સંવાદ ખંડની અંદર રામ અને ઋષિ વચ્ચે ગોષ્ટિ ચાલુ થાય છે.

કેટલાક સમય પછી દુર્વાસા ઋષિ આવે છે. તેઓ લક્ષ્મણને કહે છે રામને બોલાવ. મારે રામને તાત્કાલિક મળવું છે. લક્ષ્મણ કહે છે કે રામ તો ગુપ્ત મંત્રણામાં છે અને અત્યારે ત્યાં જવાની સંપૂર્ણ મનાઈ છે. દુર્વાસા પોતાનો આગ્રહ જારી રાખે છે. તેઓ લક્ષ્મણને ધમકી પૂર્વક એમ પણ કહે છે કે જો મને તત્કાલ મળવા દેવામાં નહીં આવે તો હું પૂરી અયોધ્યાને ભસ્મ કરી દઈશ.

વાસ્તવમાં લક્ષ્મણ અને દુર્વાસા વચ્ચે શું વાત થઈ હશે તે આપણે જાણતા નથી. આવી ધમકી આમ સાચી તો ન પડી શકે. તે વખતે ચમત્કારમાં માનવા વાળા કેટલા હતા અને લક્ષ્મણ પણ ચમત્કારમાં માનતા હતા કે નહીં તે પણ આપણે જાણતા નથી. પણ દુર્વાસાની ધમકી થી લક્ષ્મણને થયું કે તેમણે ગુપ્ત ગોષ્ટિ કરી રહેલા રામ અને ઋષિને વિક્ષુબ્ધ કરવા જ પડશે. આમ વિચારી લક્ષ્મણ બારણું ખોલે છે. તેજ સમયે રામ અને ઋષિ તેમના આસન ઉપરથી ઉભા થાય છે કારણ કે તેમની ગોષ્ટિ પૂરી થઈ હોય છે. 

“ગોષ્ટિ પૂરી થઈ” એની વ્યાખ્યા શું?

ગોષ્ટિનો પ્રારંભ તો રામ અને ઋષિ અંદર જાય અને બારણું બંધ થાય ત્યારથી થયો કહેવાય. પણ સંવાદનો અંત ક્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વાર પાસે આવે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વારની બહાર આવી જાય ત્યારે થયો કહેવાય?

રામને હિસાબે સંવાદનો અંત જ્યાં સુધી દ્વારની બહાર બંને આવે ત્યારે જ થયો કહેવાય.

 જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારથી જો ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે વાતચીત ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ વિચારમાં પડી જાય અને થોડું મૌન પણ ધરી લે. અને પછી બોલવાનું શરુ કરે.

જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન કહેવાય. કારણ કે તે બંને માંથી કોઈને નવી વાત યાદ આવે તો તેઓ ફરી થી પણ આસન ઉપર બેસી જાય.

જ્યારે રામ અને ઋષિ બારણા પાસે આવે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે તેઓ બારણું ખોલ્યા વગર કંઇક યાદ આવે તો ફરી થી પાછા જાય અને આસન ઉપર બેસીને ગોષ્ટિ ચાલુ કરે.

ફક્ત ચોકીદાર માટે જ નહીં પણ રામ, ઋષિ અને બધા જ માટે જ્યાં સુધી રામ અને ઋષિ બારણું ખોલીને બહાર ન આવે ત્યાં સુધી સંવાદનો અંત આવ્યો તેમ માની ન શકાય.

તો હવે રાજા રામે કહ્યા પ્રમાણે રાજાજ્ઞાનાના અનાદર માટે લક્ષ્મણને દેહાંત દંડ આપવો જોઇએ.

લક્ષ્મણ જે રામની સાથે રહ્યો અને દશરથની આજ્ઞા ન હોવા છતાં પણ રામ સાથે વનવાસ ભોગવ્યો, અનેક દુઃખ અને અપમાન સહન કર્યાં. લક્ષ્મણનો ત્યાગ અને ભ્રાતૃભાવ અનુપમ હતો. આ લક્ષ્મણે અયોધ્યાની જનતાના રક્ષણ માટે રાજાજ્ઞાનો જો શાબ્દિક વ્યાખ્યાથી થતા અર્થઘટન પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું. વાસ્તવિક રીતે તો રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. જે ઋષિ રામ સાથે ગોષ્ટિ કરી રહ્યા હતા, તેમને હિસાબે પણ રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. પણ ક્ષુરસ્ય ધારા (અસ્ત્રાની અણીવાળી ધાર) પર ચાલવા વાળા રામ અને લક્ષ્મણને લાગ્યું કે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતું.

સંભવ છે કે રામ અને ઋષિનો વાસ્તવિક સંવાદ ચાલુ જ હોય ને છેલ્લા વાક્યો બોલાતાં હોય ત્યારે જ લક્ષ્મણ ખંડની અંદર પહોંચ્યા હોય. ઋષિને લાગ્યું હોય કે હવે કશું ગુપ્ત કહેવાનું બાકી રહ્યું નથી તેથી લક્ષ્મણના પ્રવેશને હવે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન ન ગણવું. પણ રામને આવું ન લાગ્યું હોય.

રામે વશિષ્ઠને પૂછ્યું. વશિષ્ઠની માન્યતા પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતુ. તેથી લક્ષ્મણ માટે દેહાંતદંડની  સજા નિશ્ચિત બનતી હતી. પણ તે સમયમાં દેહાંતદંડના અર્થઘટન પર એક બીજી પ્રણાલી પણ હતી કે જે વ્યક્તિ ઉપર દેહાંત દંડ ની સજા લાગુ પડતી હોય તે જો કોઈ મહાપુરુષ હોય તો તેને સ્વદેશ ત્યાગની આજ્ઞા કરી શકાય. આ સજા, તેને માટે દેહાંતદંડની સમક્ક્ષ જ ગણાય.

લક્ષ્મણ અયોધ્યાની બહાર નિકળી જાય છે. અને સરયુ નદીમાં આત્મવિલોપન કરે છે.

આવી હતી રઘુવંશના તત્કાલિન શાસન અને પ્રણાલી પ્રત્યેની માનાસિકતા આને વલણો.

આ માનસિકતાને ભારતની જનતાએ માન્ય રાખી બહુમાન કર્યું. આધુનિક યુગના કેટલાક મૂર્ધન્યોને બાદ કરતાં કોઈએ રામની નિંદા ન કરી. ન તો કોઈએ સીતા અને લક્ષ્મણની નિંદા કરી. હાજી આપણા એતદ્‍કાલિન એટકે પ્રવર્તમાન કેટાલાક મૂર્ધન્યોએ રામના અમુક કાર્યોની કુત્સિત ટીકા કરી. કારણ કે અનેક વિશ્લેષકોનું ધ્યેય “પોતે કેવા તટસ્થ વિશ્લેષક છે કે રામને પણ છોડે નહીં” એ પ્રદર્શિત કરવાનું હોય છે.

રામ સામાજિક પ્રણાલીઓનું જે નિષ્ઠા પૂર્વક વળગી રહ્યા. સત્યનું ઉગમસ્થાન ગમે તે નિમ્ન સ્તરેથી આવતું હોય તો પણ તેમણે તે સત્યનો હમેશા આદર કર્યો  અને તેને અનુરુપ આચાર કર્યો. રામે, શાસકની સત્તાની જે સૈધાંતિક સીમા અને પરિભાષા રાખી હતી, તે સમજવા અને પચાવવા હાલના વિશ્વના વિદ્વાનો અને શાસકો પણ સક્ષમ નથી.

રામનું સૌથી મોટું અપમાન શું આજ છે?

ના જી. નહેરુવંશી અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓએ રામના ઘણા મોટાં અપમાન કર્યાં છે. 

(ચાલુ) 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯

રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?

દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.

હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.

હવે શું કરવું?

બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?

આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.

કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?

આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.

જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.

હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.

આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!

જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.

કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.

પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.

આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.

દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.

દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.

રામને વનવાસ શા માટે?

રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.

રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!

રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.

લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.

સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.

આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.

શુર્પણખા અને રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.

રાવણની બહેન શુર્પણખા

એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.

શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.

સીતા હરણ

સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.

સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.

સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.

સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.

રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.

રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.

સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!

કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.

પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.

અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.

કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?

આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્‌.

આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.

બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.

રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?

આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.

રામનું અપમાન તો થઈ જ ગયું.

પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૨/૯

રામની વિષે ઘણા પુસ્તકો લખાયાં છે. કેટલાક ૧૨મી સદી પછી પણ લખાયાં છે. બધા રામાયણોમાં વાલ્મિકી અને તુલસી રામાયણ મુખ્ય છે. આ બે રામાયણોની પારાયણ સહ શ્રવણ ઉપરાંત સહવાચન પણ કરવામાં આવે છે. મહાભારતમાં રામકથા છે. પુરાણોમાં રામ કથા છે.

મોટાભાગના પુસ્તકોમાં રામને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિને ભગવાન (ઈશ્વર) માનીને એની જીવન કથા લખવામાં આવે તો ચમત્કારો સામેલ કરવા જ પડે.

તો આવા સંજોગામાં, ચમત્કારોને છોડીને રામનું સાચું સ્વરુપ કેવી રીતે તારવવું?

એવી કઈ ઘટનાઓ છે જેને આપણે નકારી ન શકીએ? ઐતિહાસિક સત્યના નિરુપણમાટે કઈ ઘટનાઓનું મહત્વ છે અને એ ઘટના બની એ માટેનો આધાર શું હોઈ શકે, તેના ઉપર આપણે વધુ વિચારવું જોઇએ.

પાત્રો વચ્ચે થતી વાતચીત, વાતચીતના શબ્દો અને વાક્યો, પાત્રોની બાબતમાં કરેલા વર્ણનો, સ્થળોના વર્ણન, પ્રસંગના વર્ણન, આ બધાનો સંબંધ, કલા સાહિત્ય અને લેખકની પોતાની ધારણા અને પસંદગીનો હોય છે. ઐતિહાસિક સત્ય સાથે હોતો નથી.

શું ઘટના બની, ઘટનાનો આધાર શું હોઈ શકે, સંદર્ભ અને તથ્ય શું હોઈ શકે તે જોઇએ.

વૈવસ્વતઃ વંશ અને રાજાઓની સૂચિ, દશરથ રાજાનો ક્રમ અને દશરથ રાજાનું અયોધ્યા બધા જ પુસ્તકોમાં સમાન રીતે છે.

દશરથ રાજાને બે રાણીઓ હતી. એક કૌશલ્યા. બીજી સુમિત્રા. આ પણ સમાન છે.
દશરથ રાજાને કોઈ સંતાન ન હતું. જો કે કેટલીક જગ્યાએ દશરથ રાજા એક પુત્રી હતી અને આ પુત્રીને તેમણે તેમના મિત્ર રોમપાદને દત્તક આપેલી તેવો ઉલ્લેખ છે. પણ આ કોઈ ટર્નીંગ પોઈન્ટ નથી. આ વાત માનો કે ન માનો તેથી કથામાં કોઈ ફેર પડતો નથી. કે રામના ચરિત્ર ચિત્રણ ઉપર કોઈ ફેર પડતો નથી.

દશરથ રાજાને કોઈ પુત્ર ન હતો. દશરથ રાજા એક વધુ લગ્ન કરે છે. આ ત્રીજી રાણી કૈકેયી હતી. કેકય જાતિની હતી એટલે તે કેકયી (કૈકેયી) કહેવાઈ. કેકય એક લડાયક જાતિ હતી કે કૈકેયીમાં આવી વૃત્તિ હતી . અને કેકયી પણ યુદ્ધમાં સાથ આપતી તેમ કહેવાય છે., અથવા એવો આધાર લીધો છે. ગાંધાર પ્રદેશની હતી તેથી તે ગાંધારી પણ ગણાતી હતી. આવી રીતે ઓળખવાની પ્રણાલી હતી અને આજે પણ આ પ્રણાલી ચાલે છે.

દશરથ રાજાએ પુત્રેષ્ટી યજ્ઞ કર્યો. વાલ્મિકી રામાયણમાં લખ્યા પ્રમાણે પહેલાં અશ્વમેઘ યજ્ઞ કર્યો અને પછી પુત્રેષ્ટી યજ્ઞ કર્યો.
યજ્ઞ કરવાથી પુત્રપ્રાપ્તિ થાય ખરી?
પણ યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે કર્મેષુ કૌશલં. કામને કુશળતા પૂર્વક કરો. પુત્રેષ્ટી યજ્ઞનો પ્રસાદ પુત્રપ્રાપ્તિ માટેની કોઈ ટ્રીટમેન્ટ હોય. આયુર્વેદ અને યજ્ઞના પ્રસાદનું આ કોઈ મિશ્રણ હોઈ શકે. પ્રસાદ તો બધાએ લેવાનો હોય. એટલે દશરથ રજાએ પણ લીધો હશે. અથવા તો આ આકસ્મિક પણ બની શકે. યજ્ઞ કરવાથી કે યજ્ઞોકરવાથી દશરથ રાજાનો આત્મવિશ્વાસ વધ્યો હોય અને તેણે સંતાન પ્રાપ્તિમાં ભાગ ભજવ્યો હોય. જે કંઈ બન્યું તે બન્યું. જે બન્યું તેને નકારી ન શકીએ. કારણકે ચમત્કારો થતા નથી. પણ અકસ્માતો થાય છે.

ત્રણે રાણીઓએ સંતાનને જન્મ આપ્યો.
કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો.
ચારે પુત્રો વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં ભણવા ગયા.

જનક નામે એક રાજા હતો. આ રાજાએ પોતાની પૂત્રી સીતા માટે એક સ્વયંવર રચ્યો.

જનક પાસે એક ધનુષ્ય હતું. સ્વયંવરની શરત હતીકે ધનુષ્ય ઉપર બાણ ચઢાવવું.

સ્વયંવરમાં ઘણાબધા રાજાઓ આવ્યા હતા.
રામ સફળ થયા.
રામનું સીતા સાથે લગ્ન થયું.
આમ વાર્તા કથા આગળ ચાલે છે.

રામને યુવરાજપદ ઉપર સ્થાપવા એમ દશરથ રજા નક્કી કરે છે. ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હોય છે ત્યારે જ દશરથ રાજા રામને યુવરાજ પદે સ્થાપવાની જાહેરાત કરેછે.

કૈકેયી વિરોધ કરે છે.

રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ માટે જાય છે.

ભરત ગાંધારથી પાછો આવે છે.

ભરત રામની પાસે જાય છે. રામ અયોધ્યા પાછા આવતા નથી.

ભરત અયોધ્યા પાછો જાય છે.

રામ લક્ષ્મણ અને સીતા પંચ વટીમાં સમય પસાર કરે છે.

શુર્પણખા, રામ અને લક્ષ્મણ વાળો પ્રસંગ બને છે.

શુર્પણખા ઇજાગ્રસ્ત થાય છે.

રાવણ આવે છે.

રાવણ અને સીતા લંકા જાય છે.

રામ-લક્ષ્મણ અને વાનરસેના લંકા જાય છે.

રામ રાવણ યુદ્ધ થાય છે.

રાવણનો પરાજય થાય છે.

રામ વિભીષણનો રાજ્યાભિષેક કરાવે છે.

સીતાની અગ્નિપરીક્ષા થાય છે.

રામસેના અયોધ્યા જાય છે.

રામનો રાજ્યાભિષેક થાય છે.

સીતા સગર્ભા થાય છે.

રામ સીતાનો ત્યાગ કરેછે.

સીતા વાલ્મિકીના આશ્રમમાં પળાય છે.

લવકુશનો જન્મ થાય છે.

રામાયણ લખાય છે. તેનો જનતામાં પ્રચાર પ્રસાર થાય છે.

રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે.

અશ્વ વાલ્મિકીના આશ્રમમાં જાય છે.

રામ સીતાની અગ્નિ પરીક્ષાની માગણી કરે છે.

સીતા ધરતીમાં સમાઈ જાય છે.

રામ પાસે દુર્વાસા આવે છે.

લક્ષ્મણ અયોધ્યા ત્યાગ કરે છે અને દેહ ત્યાગ કરે છે.

રામ પણ દેહ ત્યાગ કરે છે.

આ છે રામાયણની કથાના ટર્નીંગ બનાવો.

આમાંનો કોઈ પણ એક બનાવ ન બન્યો હોત તો રામાયણ ન બનત.

આ પ્રસંગોમાંથી આપણે રામ અને તેમની સાથેના પાત્રોનું અને સમાજનું વિષ્લેષણ કરીએ.
આ તો એક મહત્વનો પ્રસંગ હતો. જેમ લગ્નની વાત નક્કી થાય અને લગ્ન લેવાય એ પહેલાં સગાઈની વિધિ થાય તેમ રાજ્યાભિષેક પહેલાં રાજકુંવરને યુવરાજ પદે સ્થાપવાની વિધિ થાય એવી પ્રણાલી હશે. આવી પ્રણાલી એ પણ દર્શાવે છે કે સૌથી મોટા રાજકુંવરને બદલે કોઈ પણ રાજ કુંવરને રાજા પદે સ્થાપી શકાતો હશે. આ વાત જનતા નક્કી કરતી હશે. એવા દૃષ્ટાંતો છે કે જનતાએ રાજાને બરખાસ્ત કર્યો હોય. રામાયણમાં એવી વાત આવે છે કે કૈકેયીની માન્યતા એવી હોય છે કે જો ભરત ૧૪ વર્ષ સારું રાજ કરશે તો જનતા ભરતને રાજા તરીકે ચાલુ રાખશે.

રામને યુવરાજ પદે જાહેર કરવા અને તેનો સમારોહ કરવો અને તે પણ બે ભાઈઓની ગેરહાજરીમાં અને તે પણ ભરતની ગેર હાજરીમાં, આ વાત સંશોધન માગી લે છે. વિવાહની વિધિ નક્કી કરીએ અને તે પણ ભાઈઓથી ખાનગી રાખવામાં આવે તો સંબંધોમાં બાબતમાં પ્રશ્ન ચિન્હ તો ઉઠે જ. જો કે યુવરાજ પદે સ્થાપવાનો પ્રસંગ તો વિવાહ કરતાં વધુ મહત્વનો છે. એટલે પ્રશ્ન ચિન્હ તો ઉઠવું જ જોઇએ. તેના ઉપર ખાસ સંશોધન થવું જોઇએ.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ દશરથ, રામ, ભરત, લક્ષ્મણ, કૈકેયી, યુવારજ પદ, અયોધ્યા, ગાંધાર, ધનુષ્ય, સીતા, જનક, વિષ્લેષણ

Read Full Post »

%d bloggers like this: