ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨
હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.
આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.
પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?
કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.
બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?
ભૂતભાઈનું વજન શું હોઈ શકે?
જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.
ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?
કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?
જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી વસ્તુઓ વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.
બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.
એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.
આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.
જેમકેઃ
ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.
હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.
આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.
તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.
જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.
વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.
પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?
આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.
આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.
એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?
વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?
આત્મા કે જીવાત્મા એ છે શું?
આઈન્સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.
આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.
હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.
હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.
પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?
ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.
પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?
ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.
પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?
ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.
પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?
ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.
પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?
ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.
પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.
ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.
પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?
ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ