Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિશ્વદેવ’

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

અંગ્રેજોએ એક કામ કર્યું. તેમણે આ કામ અજાણતા કે જાણી જોઇએને પણ કર્યું હોઈ શકે. કારણ કે યુરોપીય પ્રજાએ બીજે પણ એવું કરેલું જ છે. અને તે એકે ભાગલા પાડો. દુશ્મનનો દુશ્મન આપણને મિત્ર માનીને કે પોતાના દુશ્મન ઉપર બદલો લેવાની ધુનમાં આપણો મદદગાર બનશે.

ઉત્ખનન અને ઈતિહાસ

યુરોપના નવજાગૃતિના સમયમાં વૈચારિક ક્રાંતિનું ઘણું સાહિત્ય આવ્યું. તેમાં સમાજવાદ, ઉત્ક્રાંતિ અને વૈજ્ઞાનિક વિષયો ક્રાંતિકારી રહ્યા. વિજ્ઞાન એ તર્કનો વિષય હોવાથી તમે તેમાં તમે ઘાલમેલ ન કરી શકો. પણ સમાજવાદને નામે તમે લોકોને ભ્રમમાં નાખીને સત્તા પરિવર્તન કરી શકો. તેવીજ રીતે ઉત્ક્રાતિમાં તમે ઉત્ખનન વત્તુ ઓછું કરી મનઘડંત વાતો કરી ઈતિહાસમાં હેરફેર કરી શકો.

હવે ભારત જેવા ગીચ દેશમાં તમે કેટલું ઉત્ખનન કરી શકો? જ્યાં પૂરાતત્વના અવશેષોના રકમબંધ ટીંબાઓ જે દેખી શકાય તેવા છે તેને પણ પહોંચી વળતા ન હો અને જ્યાં કામ  ચાલુ કર્યું હોય ત્યાં પણ ગોકળગાયની ગતિએ કામ થતું હોય ત્યાં તમે ઉંડાઈવાળા કામ તો કરો જ ક્યાંથી? બાબરી મસ્જીદ તૂટી અને ત્યાં નીચે ખોદાણ થયું ત્યાં શિવ મંદિર મળ્યું. પ્રશ્ન એ ઉભો કરવામાં આવ્યો કે આ શિવ મંદિર તોડવામાં આવેલું કે તેના અવશેષો ઉપર બાબરી મસ્જીદ થઈ? હવે જો કાળના પ્રવાહમાં શિવ મંદિર નષ્ટ થયું હોય તો પછી તેનો ઈતિહાસ પાછો ઠેલાય. તોડવામાં આવ્યુ હોય એમ સ્વિકારીને આગાળ વધવું હોય તો વધુ વિસ્તારને આવરી લેવો પડે. અંતે વાત પૈસા ઉપર આવે. કરોડો માણસો ભૂખે મરતા હોય તે વખતે આવા ખર્ચા કેટલા પોષાય?

પણ આવા કામો જ્યારે અધુરા હોય અને ભારતજેવા દેશમાં ઘનિષ્ઠ વસ્તીવાળા દેશમાં ઝડપી ન બનાવી શકાય ત્યારે તમે અફવાઓ અને તુક્કાઓને અધારે પ્રજાને વિભાજીત કરવાના નુસ્ખાઓ અમલમાં મુકી શકો.

માનવ જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા પ્રકારે જાય છે?

પ્રસરણ. વેપાર વિનીમય, અછત, આમંત્રણ, આક્રમણ, લૂંટ. આના પરિપેક્ષ્યમાં વિચારો.

જો સમય ગાળા ના ઉતરતા ક્રમમાં જોઇએ તો તે નીચે પ્રમાણે છે.

લૂંટ કરવાઃ જાય ઝડપથી પણ પછી ઝડપથી જ પાછા વળી જાય છે. બહુબહુ તો ભગ્નાવશેષો કદાચ બાકી રહે જો તોડફોડ કરી હોય તો, તે સિવાય કશું બાકી રહેતું નથી. દા.ત. મહમ્મદ ગઝની.

વિજય પતાકા લહેરાવવા. જો હારેલો સ્થાનિક રાજા કે તેના વંશજો જીવતા રહ્યા હોય તો અને વિજયી રાજા તેનો એલચી મૂકીને જાય અથવા સંધિ કરીને જાય તો સંસ્કૃતિનુ કે પ્રજાનું ખાસ કોઈ આદાન પ્રદાન થતું નથી. કાળક્રમે તે નષ્ટ થાય છે. સિકંદરે પોરસ સાથે સંધિ કરેલ. પણ પછી કોઈ પ્રજાનું સ્થાળાંતર ન થયેલ. સેલ્યુકસ નીકેતર ચંદ્રગુપ્ત સામે હારી ગયેલ. પણ કોઈ પ્રજાનું સ્થળાંતર ન થયેલ. ગ્રીક રાજા અને ભારતના રાજાઓ એક બીજા ઉપર ચડાઈ કરીને પ્રદેશો જીતી લેતા. પણ કાળ ક્રમે સ્થાનિક રાજાઓ પાછા આવી જતા. ભારતીય રાજાઓ જીતેલો પ્રદેશ પોતાના સંતાનોમાં વહેંચી દેતા. જીત પામેલા રાજાઓ જીતની નોંધ રાખતા. પણ હારેલા કે સંધિ કરેલા રાજાના પ્રદેશમાં આવી  કોઈ નોંધ મળતી નથી. સિકંદરની કોઈ નોંધ પોરસરાજાના પ્રદેશમાં નથી. ભારતના રાજાઓએ જીતેલા પશ્ચિમના પ્રદેશોમાં તેમની કોઈ નોંધ નથી. લંકામાં રામની નોંધ નથી.

વિજય પછી સ્થાયી થતા રાજાઓઃ સંપર્કો હોવાને કારણે ક્યારેક વિજયી રાજાઓ જીતેલા પ્રદેશમાં સારા અથવા અનુકુળ કુદરતી વાતાવરણના કારણે સ્થાઈ થવાનું પસંદ કરે છે. મુસ્લિમ રાજાઓ આ માટેનું ઉદાહરણ છે. પણ આ રીતે સ્થળાંતરનું પ્રસરણ થવામાં મુસ્લિમોને ભારતમાં ૬૦૦થી વધુ વર્ષ લાગેલા. જો અર્વાચીન યુગમાં અંગ્રેજોએ ભાગલા વાદી નીતિ અપનાવી ન હોતતો મુસ્લિમો પણ બીજી પ્રજા શક, હુણ, પહલવ, ની જેમ  ભારતીયોમાં ભળી ગયા હોત.

લોકોનું સ્થળાંતર (કુદરતી આફત) જેવી કે ધરતી કંપ, પૂર, વાવાઝોડું. તો માનવ સમૂહ બીજા નજીકના સ્થળે કે જે પ્રમાણમાં વધુ સુરક્ષિત હોય છે ત્યાં જાય છે. પણ જો કુદરતી આફત ચીલાચાલુ હોય તો મૂળ જગ્યા પાછા આવે છે.

લોકોનું સ્થળાંતર આમંત્રણ ને કારણેઃ સંપર્કોને કારણે સામાજીક કે સાંસ્કૃતિક સંજોગો ઉભા થવાથી કુટુમ્બોના સ્થળાંતરો થાય છે. નોકરી અને ધંધાર્થે વ્યક્તિઓ પોતાની જગ્યા બદલે છે. મૂળરાજ સોલંકીએ ચારવેદોના જાણકાર બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવ્યા હતા જેઓ ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. દક્ષિણી બ્રાહ્મણો પણ ગાયકવાડ અને પેશ્વાના સમયમાં ગુજરાતમાં આવ્યા.

લોકોનું સ્થળાંતર (કુદરતી ફેરફારો) કુદરતી ફેરફારો જે ખૂબ ધીમા હોય છે પણ વધુ સારા જીવન માટે બીજા સ્થળે માનવ સમૂહની ટૂકડી ધીમે ધીમે નજીકની જગ્યાએ જાય. નવી જગ્યા ના લોકો સાથે સહકારથી રહે. ક્યારેક નાના સંઘર્ષ પણ થાય. પણ મોટા સંઘર્ષ ન થાય કારણ કે તે અગાઉ પણ તેમના સંપર્કમાં રહેલી હોય છે અથવા જાણકારી હોય છે. આ પ્રદેશ તેમના માટે સાવ નવો હોતો નથી.

લોકોનું સ્થળાંતર પ્રસરણ ને કારણેઃ એક સમૂહ તેના નજીકના પ્રદેશોની સાથે સંપર્ક માં હોય છે જ. અને તેથી આ પ્રક્રીયા ધીમી હોવા છતાં સતત ચાલતી જ હોયછે. રાજસ્થાની લોકો ગુજરાતમાં આવે છે અને તેઓ નજીકના પ્રદેશમાં સ્થાયી પણ થાય અને આ પ્રમાણે આગળ વધતા જાય. ગુજરાતના મેવાડા, શ્રીમાળી વિગેરે આ પ્રકારનું સ્થળાંતર છે. બંગાળી લોકો બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ રીતે આગળ વધતા જોવા મળે છે. પણ આ પ્રસરણ બહુ ધીમું હોય છે અને હજાર વર્ષે ૫૦૦ માઈલ પણ આગળ વધતું નથી.

પણ આ બધી વાતો જ્યારે મુસાફરીઓ પગપાળા, ગાડા, ઊંટ, ઘોડા થતી તે સમયને લાગુ પડે છે. એટલે કે મધ્યકાલીન અને પ્રાચીન યુગને લાગુ પડે છે.

વેદો અને  અદ્વૈતવાદ

વેદો અદ્વૈતવાદનું મૂળ છે. ઉપનિષદો સામાન્યરીતે અદ્વૈતવાદને પુરસ્કૃત કરે છે. ગીતા ઉપનિષદોનો સાર છે. મોટાભાગના પુરાણોમાં અદ્વૈતવાદ પ્રચ્છન્ન રુપે છે. આ બધું સાહિત્ય આર્યોનું ગણાય છે. આર્ય એ એક વિશેષણ છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ તેને જાતિ ગણી અને આપણે સ્વિકારી. પાશ્ચાત્ય વિદ્વાનોએ જેને રીલીજીયન કહ્યો તેનું ભાષાંતર ધર્મ એમ કર્યું અને આપણે તે સ્વિકાર્યું. ભારતના સાહિત્યમાં ધર્મ એટલે સમાજ પ્રત્યે આપણે સ્વિકારેલ કર્મ છે.

પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતાની ઈશ્વર પૂજા પદ્ધતિને ધર્મ કહ્યો અને તેને ફરજીયાત બનાવ્યો. આ વ્યાખ્યા તેમણે ભારતમાં પણ લાગુ કરી અને તેમણે ભારતીય પ્રજામાં ભેદ ઉત્પન્ન કર્યા. આપણે ઈશ્વર પૂજા પદ્ધતિને ધર્મ માન્યો નથી. તેમજ ઈશ્વર, આત્મા અને જગતને જ્ઞાન અને ચર્ચાનો વિષય માન્યો છે. ફરજીયાત બનાવ્યો નથી માન્યો નથી.

આપણા વિદ્વાનોએ ક્યાં ગોથાં ખાધા? 

આપણા આધુનિક વિદ્વાનો કે જેમને શાસ્ત્રીઓ કહેવા કે કેમ તે એક ચર્ચાનો વિષય છે, તેમણે શું કર્યું? તેમણે ફક્ત પાશ્ચાત્ય વિદ્વાનોને તેમના અંગ્રેજી ગ્રંથોમાં કે અનુવાદિત ગ્રંથોમાં વાંચ્યા. ભારતીય શાસ્ત્રીઓને તો વાંચ્યા જ નહીં અથવા તો ગણત્રીમાં લીધા જ નહીં. આપણા સંસ્કૃતના ગ્રંથોને પણ વાંચ્યા નહીં કે તેને કાળક્રમના પરિપેક્ષ્યમાં સમજ્યા નહીં કે સમજવાની તસ્દી ન લીધી. તેટલું જ નહીં પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ લખેલા ગ્રંથોમાં રહેલા વિરોધાભાસોને પકડ્યા નહીં, એટલે સમજવાની તો વાત જ ન રહી. આ કારણથી પાશ્ચાત્ય વિદ્વાનોએ આપણા ઈતિહાસ, ધર્મ અને તત્વજ્ઞાન વિષે લખેલા ક્ષતિયુક્ત ધારણાઓ અને તારતમ્યોમાં રહેલા ભયસ્થાનો ને આપણા વિદ્વાનો સમજી ન શક્યા. વાસ્તવમાં તેમનામાં દૂરદર્શિતાનો અભાવ જ હતો અને છે.

સિંધુસંસ્કૃતિ 

સિંધુસંસ્કૃતિ વાસ્તવમાં સરસ્વતી સંસ્કૃતિ હતી. ઋગ્વેદમાં સરસ્વતી નદીને એક દરીયા જેવી મહાનદ તરીકે વર્ણવવામાં આવી છે. વેદોમાં ભારતની બહારના પ્રદેશોનું વર્ણન નથી. પણ પૂરાણોમાં છે.

વાસ્તવમાં વિચરતી જાતિ ના વેદોમાં તો અદ્યતન ભૂતકાળની ભૂમિનો ઉલ્લેખ હોવો જરુરી છે. એવું બની શકે કે તે લાંબે ગાળે સ્થિર થાય ત્યારે તે જાતિ પોતાનો ભૂતકાળ ભૂલી જાય. પણ આનાથી ઉંધું તો ન જ થઈ શકે એટલે કે આ જાતિ જ્યારે સ્થિર થઈ નહોય ત્યારે પોતાના પૂર્વ સ્થળની વાતો ભૂલી જાય અને જ્યારે સ્થિર થાય ત્યારે અચાનક બીજા પ્રદેશોના વર્ણન કરવા માંડે.

તો વાત કંઈ આવી જ ઉલ્ટી સ્થાપિત કરવાનો પાશ્ચાત્ય ઈતિહાસ કારોએ પ્રયત્ન કર્યો છે. શા માટે? જે નદી કે જેને એક સાગર જેવી મહાનદી તરીકે વર્ણવવામાં આવી હતી તે નદી કેટલા વર્ષે લૂપ્ત થઈ શકે? તે પછીના સમયમાં કેટલી મહાનદીઓ કેટલા સમયે લુપ્ત થઈ? આવા સવાલોના જવાબ પણ મુદ્દાસર આપવા પડે. પાશ્ચાત્ય વિદ્વાનો પાસે આનો કોઈ જવાબ નથી.

સિંધુખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ

સીધો દાખલો એક છે સિંધુખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ.

પાશ્ચાત્ય વિદ્વાનોએ શું કહ્યું? આ બંને અલગ અલગ સંસ્કૃતિઓ હતી. કારણ?

અમને ૧૯૫૩માં નીચેના કારણો ભણાવેલ.

સિંધુસંસ્કૃતિ એક સ્થાયી સંસ્કૃતિ હતી. આર્યોની સંસ્કૃતિ એક વિચરતી જાતીની હતી.

સિંધુસંસ્કૃતિ નગર સંસ્કૃતિ હતી. આર્યોની સંસ્કૃતિ એક ગ્રામ્ય સંસ્કૃતિ હતી

સિંધુસંસ્કૃતિ મૂર્ત્તિપૂજક હતી. આર્યોની સંસ્કૃતિ કુદરતી તત્ત્વોને પૂજતી હતી

સિંધુસંસ્કૃતિ શિવને (પશુપતિને) પૂજતી હતી. આર્યોની સંસ્કૃતિ અગ્નિ પૂજક હતી

સિંધુસંસ્કૃતિ બળદને પાળતા હતા, આર્યો ગાયને પાળતા હતા.

સિંધુસંસ્કૃતિ શાંતિપ્રિય હતી. આર્યો એ તેમના નગરો નષ્ટ કર્યા.

આમાં રહેલા વિરોધાભાષો કદી સમજાવવામાં આવ્યા નથી. ઋગ્વેદમાં સુર અને અસુરના બંનેના નગરોનું વર્ણન છે. એટલે પહેલા બે કારણો નષ્ટ થાય છે. ઋગ્વેદમાં દેવોના મૂર્ત્ય સ્વરુપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમકે અગ્નિને બે માથાં છે. ચાર શીંગડા છે. ત્રણ પગ છે, સાત હાથ છે અને બળદ વાહન છે. વિશ્વ એક દેવ છે જે રુદ્ર છે અને તેને ત્રણ આંખો છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિ. પુરુષ સુક્તમાં તેનું વર્ણન છે અને રુદ્રયાગમાં તેનું ગાન કરવામાં આવે છે. અગ્નિ અને રુદ્રની એકરુપ નિકટતા છે. કાળક્રમમાં આ સહેલાઈથી સમજી શકાય છે. સૂર્ય અને વિષ્ણુની એકરુપતા પણ સમજી શકાય છે. ગાય અને બળદ એક જ જાતિ છે. જે બળદને પાળે તે ગાયને પણ પાળે. આ વિરોધાભાસ નથી પણ સમાનતા છે. વૈશ્વિક શાંતિમંત્રો વેદોમાં પ્રચૂર માત્રામાં છે. એટલે આર્યો વિચરતી જાતિના હતા અને લડાયક કોમ હતી તેમ ન કહી શકાય.

વેદમંત્રો અને  ઉપનિષ‌દ્‌ના મંત્રો અને શૈવપૂરાણોના મંત્રો 

વેદમંત્રો અને મોટાભાગના ઉપનિષ‌દ્‌ના મંત્રો અને મોટાભાગના શૈવપૂરાણોના ઘણાજ મંત્રો અનપાણીનીયન (પાણીનીએ સંસ્કૃતનું વ્યાકરણ રચ્યું તે પહેલાંના લખાયેલા) છે. એટલે આ મંત્રો ૨૪૦૦ થી ઘણા પહેલાંના લખાયેલા હોવા જોઇએ. ઉપનિષદની વૈવિધ્યતા જોતાં તેનો સમય ગાળો ઘણો જ લાંબો હોઈ શકે.

બધાજ પૂરાણોમાં અમુક પ્રસંગો સમાન છે જેમકે કાર્તિકેય કુમારની ઉત્પત્તિ, ઋષિઓની- રાજાઓની-દૈત્યોની વંશાવળીઓ, સમૂદ્રમંથન, વિશ્વામિત્ર, અહલ્યા, ત્રીપુરહનન, ગંગાવતરણ, વામન અવતાર, મત્સ્યાવતાર, મન્વંતર ગણના, મેરુપર્વત, ભુવનવિન્યાસ (ભારતવર્ષ અને ભારતની બહારના પ્રદેશોનું ટૂંકમાં વર્ણન). આ બાબતને અવગણી ન શકાય. ઈતિહાસને લોકભોગ્યરીતે લખવાની આ પ્રણાલી હતી. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારો આ લોકભોગ્ય પ્રણાલીને સમજી ન શક્યા અને તેમણે આ સાહિત્યને કેવળ દંતકથા તરીકે ગણ્યું. અને આપણા વિદ્વાનોએ તેમની વાતને માન્ય રાખી. વાસ્તવમાં જે લખાયું છે તેને અવગણી ન શકાય.

સુર અને અસુર કોણ હતા?

વાયુપુરાણમાં જ્યારે દક્ષપ્રજાપતિ શિવની સ્તૂતિ “શિવસહસ્રનામ” દ્વારા કરે છે તેમાં શિવજીને ગંગા સાથે જોડતું એવું કોઇ નામ જેમકે “ગંગાધર” જેવું કોઇ નામ નથી. વળી શિવનું  હયગ્રીવઃ (ઘોડા જેવી ડોકવાળા) એવું નામ બતાવે છે.

વાયુપુરાણમાં કહ્યું છે કે ઈન્દ્રાદિ દેવો પહેલાં અસુર હતા અને પછી તેઓ સુર બન્યા. એટલે કે સુરા નો ઉદ્દ્ભવ ભારતમાં થયો હતો. ભારત તરફથી પશ્ચિમમાં કાળક્રમે પ્રણાલીઓ પ્રસરી અને આ રીતે ઈરાનના દેવોને પણ સુર બનાવ્યા. એટલે કે જે યુદ્ધો થયા તેના દેવો તો સમાન જ હતા. પણ એક પ્રજા અસુર કહેવાતી કારણકે તેમની પાસે સુરા ન હતી તેમના દેવોને સુરાપાન હોમવામાં આવતું ન હતું. ભારતમાં રહેતી તેજ પ્રજાએ સુરાનો આવિષ્કાર કર્યો અને દેવોને હોમાયો. દેવોના ભક્તોથી દેવો ઓળખાયા. યુદ્ધો સુર અને અસુર વચ્ચે થયા ન હતા પણ એવી પ્રજાના રાજાઓ વચ્ચે થયેલા કે જેમાંના અમુક  રાજાઓ દેવોને સુરા હોમતા હતા અને બીજાઓ સુરા હોમતા ન હતા.

બીજી એક માન્યતા એક એ છે કે જેઓ સુરીલા ન હતા અને સ્પષ્ટ ઉચ્ચારો કરી શકતા ન હતા તેઓ અસુર કહેવાયા. જેઓ સ્પષ્ટ બોલતા હતા તેઓ સુર કહેવાયા. તે બંન્ને વચ્ચે યુદ્ધો થતા. અને અંતે સુર વિજયી થયા અને અસુરોને દૂર ભગાડ્યા કે જ્યાંથી તેઓ પાછા ન આવી શક્યા. અમારા અમુભાઈ શાહ સાહેબ જેઓ ધી ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ ભાવનગર ના સંસ્કૃત અને ઈતિહાસના શિક્ષક હતા તેમણે આ વાત કરેલી. તેમનો નિર્દેશ યુરોપીયન  દેશો તરફ હતો.

આ સુર અને અસુર પ્રજાએ ભેગા થઈને શાંતિની વાતો કરી અને ભેગા થઈ સમૂદ્ર માર્ગે નવાપ્રદેશોની શોધ ચાલુ કરી. જે જહાજો હતા તે જમીન અને જળમાર્ગે ગતિ કરી શકે તેવા હતા. તે કાચબા જેવા હતા. અને તેણે સુર અને અસુરોને માલામાલ કર્યા. અને કાળ ક્રમે તે જહાજના આકારને કચ્છાવતાર ગણવામાં આવ્યો.  ઝેરી સર્પોનો અથવા વનસ્પતીઓનો  પ્રદેશ આવ્યો.  તેમને અગ્નિમાં નાખી દીધા અથવા બાળી મુક્યા. એ શિવનું વિષપાન થયું.

સૂર્ય જોકે નાનો (વામન) દેખાય છે પણ તે ત્રણ ડગલાંમાં (પ્રહરમાં) સ્વર્ગ, આકાશ અને ભૂમિને ઓળંગી નાખે છે.  બળવાન રાજાઓ પણ અંતે તો ભોંમાં ભળી જાય છે.આ વામન અવતાર એ પ્રતિકાત્મક છે.

દરેક પર્વત શિલાસમૂહનો બનેલો હોય છે. તેના ઉપર વનસ્પતિઓ ઉગેલી હોય છે તેથી તે અશૈલ્ય (અહૈલ્ય) લાગે છે. શ્રેષ્ઠ ગાયો (ગૌતમા)ત્યાં ચરતી હોય છે. અતિભારે વર્ષાથી  વનસ્પતિ ધોવાઈ ગઈ અને આ અશૈલ્યા (અહલ્યા) શૈલ્યા બની ગઈ. અને તેથી ઉત્તમ ગાયોએ તે પર્વતનો ત્યાગ કર્યો અને બીજે જતી રહી. જો ગૌતમ નો અર્થ ગૌતમ ઋષિ કરીએ તો તેઓ બીજે જતા રહ્યા. ગૌતમ, અહલ્યા અને ઈન્દ્ર એ વાસ્તવમાં કુદરતી બનાવનું વર્ણન છે જેને દંતકથામાં ફેરવામાં આવ્યું.

બ્રહ્માણ્ડમાં આ પ્રકાશ શેનો છે? ઉગતા સૂર્યને (બ્રહ્માજીને) આશ્ચર્ય થયું. અને તેઓ ઉપરને ઉપર ગયા. આથમતા સૂર્યને (વિષ્ણુને) આશ્ચર્ય થયું અને તેઓ નીચે ને નીચે ગયા. બ્રહ્માણ્ડના આદિ અને અંતને કોઈ પામી ન શક્યા. બ્રહ્માણ્ડ એટલે વિશ્વદેવ રુદ્ર.

એટલે કે દેવો પણ બ્રહ્માણ્ડના આદિ કે અંતને જાણતા નથી. આ પુરાણની અને શિવમહિમ્ન સ્ત્રોત્રના એક શ્લોકની પ્રતિકાત્મક કથા.

રાક્ષસો કોણ હતા?

રાક્ષસ એક વંશ છે. વિશ્વામિત્ર ઋષિ જ્યારે તપ કરવા ગયા ત્યારે જે રાજાએ વિશ્વામિત્રના

કુટુંબનું પાલન કર્યું એટલે કે રક્ષણ કર્યું, તે રાજાના વંશજો રાક્ષસ કહેવાયા.

દૈત્યો અને આદિત્યો કોણ હતા?

દિતીના પુત્રો દૈત્ય કહેવાયા.

અદિતીના પુત્રો આદિત્ય કહેવાયા.

દિતી કોણ છે?

જે ભાગ કરે છે, તે સંધ્યા. સંધ્યા પછી રાત્રી આવે અને રાત્રે જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓ દૈત્ય. બલિ રાજા દૈત્યવંશનો ગણાતો હતો.

અદિતી કોણ છે?

જે ભાગ કરતી નથી તે અદિતી. એટલે કે દિવસ. દિવસે કોણ પ્રવૃત્તિ કરે છે? સૂર્ય. સૂર્ય એ આદિત્ય છે. બાર માસના બાર આદિત્યો છે. શિયાળાની કડકડતી ઠંડીમાંના પોષ માસમાં સૂર્ય આપણું રક્ષણ કરે છે તે પોષમાસનો સૂર્ય વિષ્ણુ છે તે દેવોનો રાજા છે.

સૂર્ય કોણ છે?

સૂર્ય જગતનો આત્મા છે.

દેવ કોણ છે?

કુદરતી શક્તિઓ તે દેવો છે.

ઈન્દ્ર કોણ છે?

વાદળાઓનો ગડગડાટ એ ઈન્દ્ર છે. ઈન્દ્ર રાજા છે.

રુદ્ર કોણ છે?

વાદળાનું દ્રવી જવું, વરસાદની ઝરમર, વિજળીનો ચમકાર, મધ્યાન્હનો સૂર્ય, વાયુનો વંટોળ, અગ્નિની જ્વાળાઓ, અને સમૂદ્રનું તોફાન, એ બધું રુદ્ર છે.

અગ્નિ કોણ છે?

અગ્નિ રુદ્રનું શરીર છે.

યક્ષ કોણ છે?

જેઓ સરહદ ઉપર ચોકી કરે છે તેઓ યક્ષ છે.

દાનવો કોણ છે.

દનુ રાજાના વંશજો દાનવો છે.

ગાંધર્વ કોણ છે?

જેઓ ગાન કરવામાં નિપૂણ છે તેઓ ગાંધર્વ છે. ઐતિહાસિક રીતે ગંધમાર્દન પર્વત ઉપર નિવાસ કરનારા ગાંધર્વ છે.

કિન્નર કોણ છે?

કિં એતત્‌ નરઃ અસ્તિ? એટલે કે શું આ નર છે? (કે નારી)? એટલે કદાચ વ્યંઢળ. જે નૃત્ય કરે છે.

પિતૃઓ કોણ છે?

પિતૃઓ ઋતુઓ છે. અને તેનાથી ઔષધો અને ધનધાન્ય ઉત્પન્ન થાય છે.  તેને કૃષ્ણ પક્ષમાં હોમ આપો.

વાનર કોણ છે?

એસઃ નરઃ અસ્તિ વા ન વા? આ માણસ નથી કે છે? એક મનુષ્ય જાતિ

ભૂત કોણ છે?

જે જન્મે છે કર્મો કરે છે અને મરે છે તે ભૂત છે.

પ્રેત કોણ છે?

જે અંધકારમાં રહે છે. જેઓ અજ્ઞાનરુપી અંધકારમાં રહે છે.

પિશાચ કોણ છે?

જે મનુષ્ય અને બીજા પ્રાણીઓના માંસ ખાય છે.

વેદોનો મહિમા શા માટે?

ભારતીય શાસ્ત્ર પ્રમાણે વેદ પ્રમાણ છે. હવે જો તમે શબ્દાર્થમાં વેદ વાંચો તો કુદરતી શક્તિઓની વાતો, સ્તૂતિઓ, તેમની સાથેના સંવાદો, તેમના વર્ણનો, કૃપા કરવાની માગણીઓ, રાજાઓની લડાઇઓ, વિગેરેથી વિશેષ કશું જાણવા ન મળે. અને તેથી આશ્ચર્ય પણ થાય કે આવા વેદનો આટલો બધો મહિમા શા માટે? ખરેખર જ એમ લાગે કે શું ઉપનિષદ્‌ અને પૂરાણોના લેખકો સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ હતા કે તેમણે વેદોનો અપાર મહિમા ગાયો અને તેને ઈશ્વરોક્ત બ્રહ્મ વાક્યો માની લીધા. તો હવે વાત શું છે?

વેદોમાં શું સત્ય છે?

પ્રાચીન ભારતીય શાસ્ત્રીઓની ખાસીયતને માન આપવું પડે કે તેમણે જે સત્યને જોયું, સમજ્યા અને આત્મસાત્ કર્યું તેની રજુઆત તેમણે સમાજ સામે લોકભોગ્ય રીતે કરી. આપણે જાણીએ છીએ કે લોકોની કક્ષા અલગ અલગ હોય. કેટલાકને ભક્તિમાં રસ હોય. કેટલાકને સાહિત્ય કળામાં રસ હોય. કેટલાકને સંગિતમાં રસ હોય. કેટલાકને કર્મમાં રસ હોય અને કેટલાકને જ્ઞાનમાં રસ હોય. આ બધાનો સમન્વય કરવામાં આવે તો તે સાર્વત્રિક રીતે ભોગ્ય બની શકે અને તે સનાતન બની શકે. શંકરાચાર્યે વેદ વિષે આમ કહ્યું છે. વેદવાક્યના ચાર અર્થો હોય છે. શબ્દાર્થ, સાહિત્યિક અર્થ, લક્ષાર્થ અને ગુઢાર્થ. હવે મૂળ સવાલ એ ઉભો થાય કે વેદવાક્યોમાં ગુઢાર્થ છે કે નહીં? જો તમને શંકરાચાર્યમાં વિશ્વાસ ન હોય તો તેને માટે અરવિંદ ઘોષની ટીપ્પણીને વાંચી લેવી.

જો અરવિંદઘોષ કે દયાનંદ સરસ્વતીને કે સાતવળેકરને પણ ન વાંચવા હોય તો મજાક માટે નીચેનો શ્લોક વાંચો. તે ઋગ્વેદનો શ્લોક છે.

ૐ ત્ર્યંબકં યજામહે, સુગન્ધીં પુષ્ટિવર્ધનમ્‌

ઉર્વારુકમ્‌ ઈવ બન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્‌

ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એના કારણ, સુવાસિત અને તંદુરસ્તી ને વધારનાર ત્રણ નેત્રવાળા (વિશ્વદેવ) અમે પૂજીએ છીએ. હે (વિશ્વદેવ), જેમ કાકડી તેના વેલાની સાથે એક ક્ષણે જોડાયેલી હોય છે તે બીજી ક્ષણે તેનાથી (પીડા વગર) મુક્ત થાય છે, તેમ આ મર્ત્ય એવા શરીરથી બંધાયેલા અમને (વગર પીડાએ) છોડાવી અમર્ત્ય તરફ  લઈ જાઓ.

હવે જો શબ્દાર્થમાં જુઓ તો આ શ્લોકના ચાર ભાગ છે. પહેલો અને બીજો ભાગ હાઈકુ જેવા લાગે છે. ત્રીજાને જો પહેલા બે સાથે જોઇએ તો તે પણ ત્રણ પદોવાળું હાઈકુ છે. (હાઈકુ એટલે બે પદ કે જે એકલા અસંબદ્ધ છે પણ ત્રીજું પદ જ્યારે મળે ત્યારે તે બંને જોડાય અને કંઈક અર્થસભર બને.) અહીં તમે જોશો કે પહેલા બે પદો નો સ્વતંત્ર અર્થ છે પણ તેમની વચ્ચે સંબંધ નથી. ત્રીજો અને ચોથો વાસ્તવમાં એક જ પદ છે અને ક્રિયાની સરખામણી છે. આ બધાને સાથે જોડો અને જો વેદને પાર્શ્વભૂમિકામાં જુઓ તો ઉપરનો અર્થ નિકળે. શ્લોક  ગેય (ગાઈ શકાય એવો) છે. આ શ્લોક ઉપર એક પુસ્તક જેટલું વિવેચન થઈ શકે. એક પ્રકરણ તો સહેલાઈથી લખી શકાય. વેદની સમજણ જેટલી વધુ તેટલી વધુ ટીપ્પણી તમે કરી શકો.

જો આર્ય સંસ્કૃતિ એક વિચરતી (નોમેડ) જાતિ હોય તો તે આવું ગુઢ સાહિત્ય સર્જી ન શકે.     

વેદના શ્લોકો, વેદના દેવો રુપકો, વેદના તત્વજ્ઞાનને ભારતીય વિદ્વાનોએ ઉપનિષ‌દ્‌ અને પૂરાણો દ્વારા જનસમાજ સાથે વણીને અમર કરી દીધા છે.

વેદનો મહિમા સમજવા માટે ભારતમાં જન્મ લેવો પડે, ભારતના વિદ્વાનોના જનમાનસને ઐતિહાસિક પરંપરા અને ખાસિયતોમાં સમજવું પડે અને ભારતીય શાસ્ત્રોનો વ્યાપકસંદર્ભ રાખી અભ્યાસ કરવો પડે.

પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય દર્શન શાસ્ત્રને આ રીતે જોયું નથી. તેમણે અજાણપણે કે કદાચ જાણી જોઈને પણ આવું વર્તન દાખવ્યું હોઈ શકે. તેમણે ભારતીય દર્શનશાસ્ત્રને અને પ્રણાલીઓને તેમના પોતાનામાપદંડોથી અને પ્રણાલીઓથી મૂલવી છે અથવા તો તુક્કાઓ લડાવીને મૂલવી છે. આ વાતને પણ આપણે અવગણી શકત, જો આપણને આપણા દર્શનશાસ્ત્રીઓ માન્ય હોત.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ સંસ્કૃતિ, સિન્ધુ, સરસ્વતી, વેદ, ઋગ્વેદ, રુદ્ર, વિશ્વદેવ, પાશ્ચાત્ય વિદ્વાનો, ઈતિહાસકારો, ભારતીય વિદ્વાનો, દયાનંદ સરસ્વતી, સાતવળેકર, શંકરાચાર્ય, સુર અસુર, વિચરતી જાતિ, મૂર્ત્તિપૂજક, કુદરતી તત્વો

Read Full Post »

%d bloggers like this: