Feeds:
Posts
Comments

Posts Tagged ‘વૃક્ષ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧

ભૂતભાઈ અને ભૂતબેન એ બંને ને માટે આપણે ભૂતભાઈ શબ્દ જ વાપરીશું. જેમ કે મનુષ્ય શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થઈ જાય છે તેમ ભૂતભાઈમાં પણ ભૂતબેનનો સમાવેશ સમજી લેવો.

તમે કહેશો કે તો પછી “ભૂત” જ કહો ને. ભૂતભાઈ શા માટે કહેવું?

અમે કાઠીયાવાડીઓ બધાને માનથી જ બોલાવીએ. એટલે અમે ભૂતભાઈનું પણ માન રાખીએ. ભલે તેમના અસ્તિત્વ વિષે શંકા કરીએ પણ માન તો રાખવું જ પડે. કાલે ઉઠીને વૈજ્ઞાનિકો સાબિત કરે (કે ના કરે), પણ ભૂત ભાઈનો જો અમને ભેટો થઈ જાય તો અમે તેમને માનથી બોલાવતા હતા તેની યાદ અપાવીને, એટલે તે ભૂતભાઈ તેમને સહજ એવો તેમનો કોપ અમારા ઉપર ન કરે. આવો પણ અમારો હેતુ હોઈ શકે તેવું તમે માની શકો છો.

કોઈપણ વસ્તુનું હોવું એટલે શું?

વસ્તુના અસ્તિત્વની સાબિતી એટલે તેનું પ્રત્યક્ષ પ્રમાણ.

પ્રત્યક્ષ એટલે શું?

આમ તો પ્રતિ+અક્ષ એટલે કે આંખોની સામે દેખાય તે. એટલે કે આંખો વડે જોઈ શકાય તે. અને લક્ષ્યાર્થમાં લઈએ તો આપણી ઈન્દ્રીયો દ્વારા જેની અનુભૂતિ થાય અને તેનું અસ્તિત્વ સમજાઈ જાય તે.

ઈન્દ્રિયો એટલે કાનથી સંભળાય, ચામડીથી સ્પર્શની અનુભૂતિ થાય, નાકથી સુંગંધની અનુભૂતિ થાય, મોઢાથી ખવાય, આંખોથી જોવાય અને મગજથી આ બધાનો સમન્વય કરી સ્વિકારાય તેને પ્રત્યક્ષ કહેવાય. હાજી મગજ તો ચલાવવું જ પડે.

મગજને શા માટે લક્ષમાં લેવું?

આપણને સ્વપ્નમાં પણ ઘણું બધું દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ક્યારેક સુગંધાય છે છતાં પણ જ્યારે તેના ઉપર શંકા કરીએ ત્યારે તેનું સાતત્ય જળવાતું નથી અને સ્વપ્ન નષ્ટ પામી જાય છે કે બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે શુદ્ધ બુદ્ધિરૂપમાં આવીએ ત્યારે તેની સત્યતાને નકારી કાઢીએ છીએ. બનાવના અસ્તિત્વ માટે બનાવનું સાતત્ય કે પુનરાવૃત્તિ પણ અનિવાર્ય છે.

ભૂતભાઈની વ્યાખ્યા શું છે?

ghost

(૧) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો આત્મા છે.

(૨) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો અતૃપ્ત આત્મા છે.

ક્યારેક પ્રાણીઓના ભૂત પણ હોય છે તેવી માન્યતા પણ ઘણા લોકો ધરાવતા હોય છે.

(૩) ભૂતભાઈની અલગ યોની હોય છે. યોની એટલે કે પ્રજાતિ.

પણ આ બધી કંઈ ભૂતભાઈની વ્યાખ્યા ન થઈ. આ તો થીયેરી થઈ.

વ્યાખ્યા એટલે શું?

વ્યાખ્યા એટલે ગુણધર્મનું વર્ણન.  એટલે કે ભૂતભાઈની ભાષા કઈ હોય છે અને તેઓશ્રી શાં શાં કામો કરે છે … તેનું વર્ણન એટલે ભૂતભાઈની વ્યાખ્યા થઈ કહેવાય.

ભૂતભાઈના ગુણધર્મોનું વર્ણનઃ

(૧) જો તમે ભૂતભાઈના પ્રભાવિત ક્ષેત્રમાં સાયકલ ઉપર જતા હો તો ભૂતભાઈને જો મનમાં સ્ફુરે તો તેઓશ્રી તમારી સાયકલના કેરીયર ઉપર બેસી જાય અને તમને સાયકલ ભારે લાગે. ભૂતભાઈના પ્રભાવવાળો વિસ્તાર પૂરો થાય એટલે ભુતભાઈ ઉતરી જાય. અને તમારી સાયકલ હળવી થાય.

(૨) ભૂતભાઈની મરજી હોય તો તે દુર્વાસ કે સુવાસ છોડે.

(૩)  ભૂતભાઈની ઈચ્છા હોય તો તેઓ તમને બીકલાગે તેવા રડવા સહિતના અનેક અવાજો કરે.

(૪) ભૂતભાઈ તમારી સાથે જો તેમની ઈચ્છા હોય તો તમારી ભાષામાં વાતો કરે,

(૫) ભૂતભાઈ સામાન્ય રીતે રાતના જ દર્શન આપે.

ghost01

(૬) ભૂતબેન સુંદર સ્ત્રીના સ્વરુપમાં આવે કે બિહામણા રૂપમાં આવે કે સાદી સ્ત્રીના રૂપમાં આવે.

ghost02

(૭) ભૂતભાઈને પડછાયો ન હોય (તેવું માનવામાં આવે છે)

(૮) ભૂતભાઈ અચાનક અદૃષ્ય થઈ જાય

(૯) ભૂતભાઈ ભડકો થઈને અદૃષ્ય થઈ જાય.

(૧૦) ભૂતભાઈ સુનિશ્ચિત વૃક્ષોમાં વાસ કરે

(૧૧) ભૂતભાઈ ક્યારેક ટોળામાં પણ હોય (ભૂતાવળ)

(૧૨) ભૂતભાઈ ક્યારેક આમ તો  ન દેખાય પણ ક્યારેક જો તમે કોઈનો ફોટો લેતા હો તો તેઓશ્રી ફોટામાં આવી જાય.

(૧૩) ભૂતભાઈઓના પ્રકાર હોય છે. જેમકે પ્રેત, પિશાચ, જીન, ખવીસ, બ્રહ્મરાક્ષસ, ડાકણ, વંત્રી … કેટલાક ભૂત અશરીરી હોય છે અને તેઓ મનુષ્યના શરીરમાં પેસી જાય છે અને તેનો ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે કે જો તમે ક્યારેક ભૂતના પ્રભાવી ક્ષેત્રમાં આવો અને બોલો કે “ચાલ … “ તો આવા ભૂતભાઈ તમારી સાથે થઈ જાય અને તમારા શરીરમાં પેસી જાય.

ghost03

(૧૪) ભૂતભાઈને અમૂક લોકો સાધી શકે છે એટલે કે વશ કરી શકે છે અને કોઈના શરીરમાં પેઠું હોય તો અમૂક લોકો તેને કાઢી શકે છે. આ વાત શરતોને આધિન છે.

(૧૫) ભૂતભાઈ ખુશ થઈ શકે છે.ભૂતભાઈ બદલો લઈ શકે છે. ભૂતભાઈ દુઃખી થઈ શકે છે.

(૧૬) ભૂતભાઈ તમારું કામ કરી શકે છે. જેમકે તમે ઈચ્છો તેવા ખાદ્ય પદાર્થો થળી સહિત લાવી શકે છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અથવા તો પલકવારમાં બીજે ક્યાંકથી લાવી તમને આપી શકે છે.

(૧૭) ભૂતભાઈને પેશાબવાળી માટી, વિષ્ટા (હંગ) અને કેટલાક લોકોના માનવા પ્રમાણે મનુષ્યનું માંસ ખાવું પડે છે.

(૧૮) ભૂતભાઈ મનુષ્યનો ભોગ લેતા હોય છે.

(૧૯) ભૂતભાઈ માંદા પડતા નથી.

(૨૦) ભૂતભાઈ ઉંઘી શકે છે કે કેમ તે આપણે જાણતા નથી.

(૨૧) ભૂતભાઈ આર્થિક વ્યવહાર કરતા નથી. પણ કેટલાક લોકો માને છે કે ભૂતભાઈ ખજાનો આપી શકે છે.

ટૂંકમાં ભૂતભાઈ મનુષ્ય કરે તે બધા કાર્યો કરી શકે છે.

જેમકે

(૧) સાંભળવું, સ્પર્શવું, બોલવું, જોવું, વિચારવું, ખાવું અને બળવાપરવાનું કામ કરવું

(૨) આ ઉપરાંત ભૂતભાઈ જે કામ બીજા સજીવો નથી કરી શકતા તેવા કામ પણ કરે છે. જેમકે અદૃષ્ય થવું, અચાનક પ્રગટ થવું, શૂન્યમાંથી સર્જન કરવું, પોતાના આકારો બદલવા, પરકાયા પ્રવેશ કરવો અને ભૌતિક શાસ્ત્રના નિયમોથી પર રહેવું. એટલે કે ભૂતભાઈને ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ પડતા નથી.

(૩) ભૂતભાઈ પ્રજોત્પત્તિ કરી શકે છે કે કેમ તે આપણે સાંભળ્યું નથી.

(૪) ભૂતભાઈને મનુષ્યની જેમ શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા …. વિગેરે જેવું હોતું નથી. જે અવસ્થામાં મનુષ્ય ગુજરી ગયો હોય તે અવસ્થામાં તે સામાન્ય રીતે હોય છે. પણ તે પોતાના રૂપ બદલી શકે છે એટલે આપણે તેની અવસ્થા વિષે ન કહી શકીએ. મોટાભાગના ધર્મોમાં ભૂતભાઈના અસ્તિત્વને સ્વિકારવામાં આવ્યું છે. પણ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શાસ્ત્રમાં ભૂતભાઈના અસ્તિત્વ વિષે મૌન છે.

(૫) ભૂતભાઈને ઉત્સર્જનના અવયવો કે કોઈપણ આંતરિક અવયવો હોય છે કે કેમ તે વિષે આપણે જાણતા નથી. એટલે કે ભૂતભાઈની આંતરિક શરીર રચના વિષે આપણે કશું જાણતા નથી.

૧૯૬૨ના અરસામાં મારે એક સાઉથ ઈન્ડીયન પ્રોફેસરને પૂછ્યું કે ભૂત હોય કે નહીં?

તો તે પ્રોફેસરે કહ્યું કે ભૂત હોય છે.

ભૂતના ગુણધર્મો વિષે ચર્ચા થઈ.

મેં પૂછ્યું કે તો પછી ભૂતનું વજન શું હોય?

પ્રોફેસરે કહ્યું  કે તમને સુખ દુઃખ થાય તેનું શું વજન હોય છે?

મેં કહ્યું કે સુખ દુઃખ એ તો માનસિક અનુભૂતિ છે. તો શું ભૂત પણ શું એક મેન્ટલ કન્સેપ્શન છે? જો ભૂત એક મેન્ટલ કન્સેપ્શન હોય તો તેનો અર્થ એમ થયો કે ભૂતનું ફીઝીકલી અસ્તિત્વ નથી. એટલે તે કોઈ ભૌતિક કામ ન કરી શકે.

પ્રોફેસર સાહેબ અનુત્તર થઈ ગયા. કારણ કે કદાચ તેમણે “ડૉ. આઈન્સ્ટાઈન અને યુનીવર્સ ” વાંચ્યું નહીં હોય. એટલે મેન્ટલ કન્સેપ્શન શબ્દ ભૂલથી વાપર્યો હશે.

ક્રમશઃ

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

ઈશ્વર આપણને દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. ઘણા બાવાઓ ઝીકાઝીક કરે છે કે તેમણે જોયા છે એટલે કે અનુભવ્યા છે. આવા અનેક પોતાને બ્ર્હ્મજ્ઞાની માનતા થઈ ગયા છે, હાલ પણ અસ્તિત્વમાં છે અને એવા થતા રહેશે.

આ બાવાજીઓ પોતાના શિષ્યો દ્વારા પોતાને સંત, મહાત્મા, ઓશો, ભગવાન, ઇશ્વરાનન્દ જેવા લેબલો લગાવશે અથવા તો તેમના શિષ્યો જ હરખપદુડા થઈને આવા લેબલો પોતાના ગુરુને લગાવી દેશે.

પણ હિન્દુઓ શું કહે છે?

હિન્દુઓ કહે છે કે આ વિશ્વ પોતે જ એક સજીવ છે. તે ન કળી શકાય તેવું છે એટલે કે અનિર્વચનીય છે.  આ વિશ્વ એ ઈશ્વરનું શરીર છે. એટલે આપણે બધા અને જે કંઈ આ વિશ્વમાં છે તે બધું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર પોતે નિર્ગુણ અને નિરાકાર છે, અને તે અજ, અવિનાશી, અપરિવર્તનીય (અવિકારી) બ્રહ્મસ્વરુપે છે તે આપમેળે જ બ્ર્હ્મને વિકૃત (બ્રહ્મમાં ફેરફાર) કર્યા વગર બ્રહ્મમાંથી વિશ્વરુપે પ્રગટ થાય છે. તેણે વિશ્વના વર્તનના નિયમો નક્કી કર્યા છે અને તે પ્રમાણે વિશ્વ વર્તે છે. બધું જ સજીવ છે અને આપણે પણ સજીવ છીએ.

what-is-produced

પણ આપણે શા માટે છીએ?

આપણે આનંદ માટે છીએ.

આપણને આનંદ ક્યારે થાય?

આપણને સગવડો અને સુવિધાઓથી શારીરિક આનંદ થાય. આપણને જ્ઞાનથી માનસિક આનંદ થાય, આપણને વાર્તાલાપથી માનસિક આનંદ થાય, આપણને પ્રસંગો યાદ કરવાથી આનંદ થાય છે. આપણને ચમકી જવાથી આનંદ થાય છે. આપણને વિચિત્રતાથી આનંદ થાય છે. આપણને બીજાને આપણી ઓળખ થાય તેનાથી આનંદ થાય છે. આપણને લયબદ્ધ જીવન અને લયબદ્ધ દિનચર્યાથી આનંદ થાય છે. આપણને સમૂહમાં વધુ આનંદ થાય, આપણને આનંદની ગેરેન્ટીથી (સુરક્ષાથી) આનંદ થાય.  તહેવારો અને પ્રસંગો એ બધું સામુહિક આનંદ માટે છે. બીજાને આનંદ થાય તો આપણને પણ આનંદ થાય. શરીર હોય તો મન છે એટલે માનસિક આનંદ પણ એક રીતે તો શારીરિક આનંદ છે. શરીર બરાબર કામ આપતું હોય તો બરાબર આનંદ થાય. એટલે ભોજનથી આનંદ થાય. સમૂહ ભોજનથી વધુ આનંદ થાય.

(૫) તો શું મૃત્યુ પાછળનું જમણ આનંદ માટે હોય છે?

ના જી … મૃત્યુ પાછળનું ભોજન આનંદ માટે હોતું નથી. પણ મૃતાત્માની તૃપ્તિ માટે હોય છે. આ ભોજન નાનાઓ માટે હોય છે. વળી મૃત્યુની તારીખ યાદ રાખવા માટેનો આ એક માનશાસ્ત્રીય એપ્રોચ પણ છે. શ્રાદ્ધના દિવસનું જમણ પણ આ માટે જ હોય છે. જો કે આ બધું હવે બંધ થવા માડ્યું છે. અને ધીમે ધીમે તે સાવ બંધ થઈ જશે. કદાચ ગીતા પાઠન ચાલુ રહેશે કારણ કે ગીતા એક એવો માનસશાસ્ત્રીય ગ્રંથ છે કે જે શાશ્વત રહી શકે તેવો છે.

આપણો હિન્દુ ધર્મ અદ્ભૂત છે. હિન્દુધર્મે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કાવ્ય અને ભૌતિકશાસ્ત્ર નો સમન્વય કરી લોકભોગ્ય બનાવી તેમને અમર કરી દીધા છે. વિશ્વમૂર્ત્તિ ઈશ્વરને આપણે આપણા સામાજિક જીવનમાં વણી લીધા છે.

we-are-all-the-part-and-parcel-of-him

હિન્દુઓએ સમાજને, ફક્ત માનવ સમાજ તરીકે જાણ્યો નથી. આપણે સમાજને વૈશ્વિક સમાજ કે જેની અંદર, પ્રકૃતિ, તેની શક્તિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિઓ નક્ષત્રો, આકાશ, અને મનુષ્ય એ બધાં આવી જાય છે.

હિન્દુઓમાં માણસના નામમાં કે વિશેષણના પ્રત્યય તરીકે કુદરત વણાયેલી છે. આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, વિગેરે સારું સારું બધું જ આવે.  તમે કોઈ યુરોપીયનનું નામ પિકૉક, સ્કાય, પ્લેઝર કે વીશ કે એન્ટોનીજીસસ, જહોનગોડ, રોબર્ટયાકુબ કે જેનીમેરી એવું કંઈક સાંભળ્યું છે? પણ હિન્દુઓમાં તુષાર, ચંદ્રમોહન, વિજયશંકર, આત્મારામ, કંચનગૌરી,  શશિકલા … એવાં નામ હોય છે.

હા જી પશ્ચિમ એશિયાના દેશો સુધી આપણી વિશ્વભાવનાની અસર ખરી. મુસ્લિમોમાં તમને શબનમ નામ જોવા મળશે. પણ મયુરી નામ નહીં મળે.

હિન્દુઓના ઇતિહાસમાં ભગવાન પણ પોતાનો રોલ અદા કરે છે.

આપણા તત્ત્વજ્ઞાનમાં કાવ્યો આવે. ખગોળશાસ્ત્ર ને આપણે જ્યોતિષશાસ્ત્રના સ્વરુપે જીવિત રાખ્યું. હવે જે વિદ્વાનોએ મહેનત પૂર્વક જ્યોતિષ શાસ્ત્રના ગણિતને ભણ્યા છે, તમારે તેમને  રોટલા પૂરા પાડવા પડશે. શું તમારી એટલે કે સમાજની આ ફરજ નથી? 

આથી સમાજે જન્મ કૂંડળીને ઈન્ટ્રોડ્યુસ કરી. ફલાદેશને ઈન્ટ્રોડ્યુસ કર્યો. ફલાણા ઇતિહાસ (પુરાણ) ભણ્યા છે તો જનતાને કહો કે તે પારાયણ બેસાડે.

ખેતરમાં પાક ઉગી નિકળ્યો છે. પણ કમાણીની વાર છે. તો તમે “પૉરો” ખાવ અને ભાગવત સપ્તાહ બેસાડો. પાક તૈયાર થઈ ગયો છે અને લણી પણ લીધો છે તો તમે દાંડીયા રાસ રમો. પાકના પૈસા પણ આવી ગયા તો તો તમારે દિવાળી આવી ગઈ છે. નવા વરસની ઉજવણી કરો. બહેનને પણ અવારનવાર મજા કરાવો.

તમે તમારા સંતાનનું લગન લીશું છે. તો ઉત્સવ કરો. સગાંઓને બોલાવો. ખમતીધર હો તો ચોરાસી કરો. ચાદર જેટલી સોડ તાણો.

શિયાળુ પાક આવી ગયો છે? તો હવે વિશ્વદેવને યાદ કરો અને ઠંડીને વિદાય આપો. વસંતને વધાવો. અને જે કંઈ સૂકું છે તેને બાળી નાખો. બધાને રંગી નાખો. આ પ્રમાણે આપણા હિન્દુ પૂર્વજોએ બારે માસ આનંદમય અને આનંદને લયબદ્ધ કરી દીધો.

(૬) પણ ભાઈ આ બધા બગાડ થાય છે તેનું શું?

અરે બગાડ બગાડ શું કરો છો? તમે જે કંઈ કરો છો તે આનંદ માટે કરો છો. તમે આનંદની કિમત આંકો અને પછી સરવાળો કરો …. તમને નફો અને નફો નફો જ દેખાશે. વહેમમાં પણ આનંદ મળતો હોય તો વહેમ પણ રાખો. ફેશનમાં આનંદ મળતો હોય તો ફેશન પણ રાખો. ફેશન પણ વહેમ છે, કાવ્ય પણ એક વહેમ, કળા પણ એક વહેમ છે અને નૃત્ય પણ એક વહેમ છે.

તમે કેટલાક કહેવાતા પરાવિજ્ઞાનીઓને ઇલેક્ટ્રોનિક યંત્રો લઈ કોઈ એકાંત સ્થળે અંધારામાં કે ખંડેરમાં ભૂત (મૃતાત્મા, અતૃપ્તાત્મા કે પ્રેતાત્મા)ના અસ્તિત્વની શોધ કે સંશોધન માટે જોયા હશે. તેઓ બોલતા હશે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.” અને પછી આપણને કાંટો ઝટકો મારે છે તે બતાવવામાં આવે છે.

આવી જ રીતે એક સંશોધક બેન, કોઈ એક ભાઈને સુવાડી તેમને કહેવાતી રીતે હિપ્નોટાઈઝ કરે કે બનાવટ કરે અને પછી તેમને તેમના પાછલા અનેક જન્મોમાં લઈ જાય. તેમને સવાલો કરે. જેમકે “ઓહ! તમે એરપોર્ટ ઉપર છો? ક્યા દેશમાં છો? એર ટિકિટનો નંબર શો છે…” પેલા ભાઈ આ બધા સવાલના જવાબ આપે. તમે જાણી લો, કોઈ પણ જન્મમાં બનાવોનો ક્ર્મ હોય છે. એક વખત એ જન્મનું ચક્ર પૂર્ણ થયું પછી તેના ક્ર્મમાં ફેરફાર થાય નહીં. જો હવે તમે જાતકને કહો કે તમે એર ટિકિટનો નંબર પૂછો અને તે જવાબ આપે તો તેનોઅર્થ એમ થયો કે તમે અને તેણે પણ તેના બનાવના ક્રમમાં ભાગ ભજવ્યો. ધારો કે પૂર્વ જન્મ હોય તો પણ તમે તેના પૂર્વ જન્મના બનેલા બનાવોના નાનામાં નાના ક્રમમાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે જાતકે જે બનાવોના ક્રમમાં જીવન પસાર કર્યું હોય તેમાં તમે ખલેલ પાડી શકો નહીં.

ટૂંકમાં આ બધું ભણેલાઓનું ધત્તીંગ છે.

પહેલાના કિસ્સામાં આપણે જોયું કે અન્વેષક ટીમ એમ કહે છે કે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.”

energy-is-always-associated-with-matter

મીટરના કાંટાને જે હલતો બતાવવામાં આવે છે તે કેવળ અને કેવળ ધત્તીંગ છે. પ્રેક્ષકોએ સમજવું જોઇએ કે “ઉર્જા”, “શક્તિ” કે “એનર્જી” એ કોઈ અદૃષ્ય વાદળ જેવું નથી. ઉર્જા કે શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. ઉર્જા કે શક્તિ કે એનર્જી હમેશા જડ પદાર્થ સાથે સંકળાયેલી છે. જેમકે ગતિ શક્તિ (કાઈનેટિક એનર્જી), સ્થિતિ શક્તિ (પોટેન્શીયલ એનર્જી) (તમે પત્થરને ઉંચે ફેંક્યો હોય ત્યારે જેમ ઉંચે જાય તેમ તેનામાં સ્થિતિ શક્તિ વધે છે) આ બધી શક્તિઓ ગુરુત્ત્વાકર્ષણ ક્ષેત્રને લીધે છે. આવું જ બીજા ક્ષેત્રો વિષે હોય છે. ટૂંકમાં ઈલેક્ટ્રિક મીટરના કાંટાને હલતો બતાવવામાં આવે છે આ બધા ધત્તીંગ છે. એટલું જ નહીં પણ ઉર્જા એટલે શું તે વિષેની તેમની સમજ ભૂલભરેલી છે.

પૂનર્જન્મ અને પૂર્વ જન્મ અને તેમાં ભાગ લેવો એ બધું જ ધત્તીંગ છે. પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. પૂનર્જન્મની શક્યતા શૂન્ય બરાબર છે. આપણું અસ્તિત્ત્વ અને તેની અનુભૂતિ આપણી સ્મૃતિઓને લીધે છે. મગજ નષ્ટ પામે એટલે આપણી અનુભૂતિ પણ નષ્ટ થાય. જેમકે આપણું મગજ સુઈ જાય ત્યારે આપણે સ્વપ્નવિહીન નિદ્રામાં હોઈએ છીએ. આપણને આપણા અસ્તિત્ત્વની અનુભૂતિ થતી નથી. એટલે અસ્તિત્ત્વ હોવું અને તેની અનુભૂતિ થવી તે બંને અલગ અલગ વસ્તુ છે.

જ્ઞાન છે તે સત્ય છે. તે સમાજમાં જળવાઈ રહે છે. અને સમાજ વધુ ને વધુ સુખ તરફ ગતિ કરે છે.

અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં, પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્ 

અઢાર પુરાણો દ્વારા (ઇતિહાસ) બતાવે છે કે તમે જે બીજાના ભલા માટે કરો છો તે શ્રેય છે અને બીજાને દુઃખ આપો છો તે અશ્રેય છે.

આલોક જે દૃષ્યમાન છે તેને અવગણી જે લોક (પરલોક) દેખાતો નથી, તેના સુખમાટે બીજાના ખૂન કરવા તે પાપ જ છે અને તે અક્ષમ્ય છે. માટે તેવા લોકોની ચિંતા કરો અને જનતાને આનંદ આપો. જનતાને આનંદ ન આપો તો કંઈ નહીં, પણ તે જો આનંદ કરતી હોય તો તેને રોકો નહીં.

જનતાએ પણ ઈશાવાસ્યવૃત્તિ અપનાવી “મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં”ને અનુસરવું.

તો શું આપણે

“ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” (જે શરીર ભસ્મ થઈ ગયું તેનું પુનરાગમન કેવી રીતે થાય? માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરો અને ઘી પીઓ.) એ અસત્ય છે એમ સમજવુ?

મૂળ વાત હવે આવે છે. જો આત્મા શરીરમાં હોય અને તે કાળ ક્રમે નિકળી જતો હોય તો સવાલ એ થાય છે કે એ શરીરમાં જાય છે જ શા માટે? અને પછી નિકળી શા માટે જાય છે? આ વાત ચાર્વાક ઋષિ સમજાવી શકતા નથી. માણસ મરી જાય અને તેનું જડ શરીર નાશ પામે. માણસનું શરીર તો જડ જ છે. જ્યારે તે જીવતો હતો ત્યારે પણ જડ જ હતું અને મરી ગયો ત્યારે પણ જડ જ હતું. માણસ અનેક અબજ કોષોનો બનેલો છે. આ બધા કોષ જડ જ છે. તમે જડ પદાર્થોને અબજો કે પરાર્ધોની સંખ્યામાં પરસ્પર અબજો કે પરાર્ધો રીતે ગોઠવો, તમારી કોઈ પણ ગોઠવણ તેને સજીવ ન બનાવી શકે છે. ચાર્વાક ઋષિ કે બૃહસ્પતિ ઋષિ કે અન્ય કોઈ પણ ઋષિ જડમાંથી ચેતન કેવી રીતે પ્રગટ્યું તે સમજાવી શક્યા નથી અને સમજાવી શકે તેમ નથી.

આ વસ્તુ સમજવી હોય તો સૌથી નાનામાં નાનું જે એકમ છે જેનું આ વિશ્વ બનેલું છે તે સજીવ હોવું જોઇએ. જેમ અમીબામાંથી મનુષ્ય ઉત્ક્રાંતિ દ્વારા એક અબજ વર્ષે નીપજ્યો, તેમ આ સુક્ષ્માતિ સુક્ષ્મ પદાર્થ આપસી સંયોજનો દ્વારા ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ અને સંકીર્ણ સંયોજનોમાં પરિણમ્યો. 

તો હવે “ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” એ વિષે શું સમજવુ?

કૂર્મ પુરાણમાં એક શ્લોક છે. આ શ્લોક મહા ભારતમાં પણ છે.

આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સમાચરેત્  જે (પરિસ્થિતિ) તમારે માટે પ્રતિકુળ છે તે બીજા ઉપર ન લાદવી.

એટલે કે જો તમે બીજા પાસેથી પૈસા ઉધાર લો અને તેનું ઘી પીઓ, તો બીજાએ તમને જે ગુડ ફેથમાં પૈસા આપ્યા, તેનું શું થશે? જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને ગમશે?

જો સમાજમાં આવી સ્થિતિ સર્જવામાં આવશે તો તે સમાજનું ભાવી શું?

જે કંઈ પ્રણાલીઓ છે જે કંઈ વિધિઓ છે તે સમાજમાં સામાજીક પરિસ્થિતિને અનુરુપ દાખલ થયેલી હોય છે કે જેથી સમાજમાં લય અને સંતુલન જળવાઈ રહે. સગાંઓ અને મિત્રો જ નહીં પણ પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ સાથે પણ સંતુલન અને સંબંધો જળવાઈ રહે અને સાથે સાથે સામુહિક આનંદ પણ પ્રાપ્ત થયા કરે. જે પ્રણાલીઓ ઉપયોગી ન હોય તેને શાંતિ પૂર્વક છોડી દો.

કુદરત પાસેથી લીધેલું કુદરતને પાછું આપો. યજ્ઞના હોમ પાછળ પણ આ જ ભાવના છે.  હોમમાં દરેક સ્વાહામાં બે દાણા જ નાખવાના હોય છે.

વૃક્ષ ઉપરથી પક્વ ફળ પડે છે, તે વૃક્ષે ત્યજેલું છે. તેન (વૃક્ષેણ) ત્યક્તેન, ભૂંજિથાઃ (ખાઓ). વૃક્ષે જે ફળ (તમારા માટે) ત્યાગ્યું છે તે તમે ખાઓ. તમે ચૂંટીને કશું લેશો નહીં. (મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં).

જે ફળ તમે લીધું તેનો ગોટલો કે ઠળીયો જમીનને પાછો આપો.

એટલે હિન્દુઓ એમ કહે છે કે

સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‍ દુઃખભાગ્‍ ભવેત્‍

બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત થાય, બધા જ કલ્યાણને પામે, કોઈ પણ દુઃખી ન થાય.

શિરીષ મોહનલાલ દવે

તા.ક.

“૧૬ સંસ્કાર અને રીત-રિવાજો” ઉપર અંજલીબેન પંડ્યાએ (anjaleepandya@gmail.com) બહુ મહેનત કરીને એક પુસ્તક લખ્યું છે. જો કે આ નાગર બ્રાહ્મણ માટે છે. પણ દરેક જ્ઞાતિને કામ લાગે એવું છે. અંજલી બેને આ સંકલન “સ્કંદપુરાણ” અને અનેક ગોર મહારાજાઓને મળીને કર્યું છે. સૌ કોઈએ વાંચવા અને વસાવવા જેવું છે.

sam_2216

ટેગ્ઝઃ વિશ્વ સજીવ, અનિર્વચનીય, શરીર, નિર્ગુણ, નિરાકાર, અવિનાશી, બ્રહ્મ, વિશ્વરુપ, આનંદ, સગવડ, સુવિધા, માનસિક આનંદ, શારીરિક આનંદ, લયબદ્ધ, ભોજન, મૃત્યુની તારીખ, માનસશાસ્ત્રીય, વૈશ્વિક સમાજ, આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, ચંદ્રમોહન, વિજયશંકર, કંચનગૌરી, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જન્મ કૂંડળી, ફલાદેશ, પારાયણ, પરાવિજ્ઞાની, હિપ્નોટાઈઝ, પૂર્વ જન્મ, ધત્તીંગ, ઈશાવાસ્યવૃત્તિ, જડ શરીર, ચાર્વાક ઋષિ, બૃહસ્પતિ, ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ, સંકીર્ણ સંયોજન, લય, સંતુલન

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – 3. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?
જમીન વિષેની માનસિકતા બદલો.

ગોચરની જમીનની વાત ભૂલી જાઓ. ગોચરમાટે જમીન આરક્ષિત રાખવાના જમાના ગયા. ગોચરમાં ગાય ભેંસ બકરાં ઘેટાં ચરાવી, દૂધ મફત કોણ આપે છે?
પહેલાં એક વાત સમજી લો કે જમીનનું કોઈ મુલ્ય નથી. જમીન અમૂલ્ય છે.
જમીનને બચાવવા પાછળ થતા ખર્ચા અને જમીનને નવસાધ્ય કરવા પાછળ થતા ખર્ચને નફાતોટાના માપદંડથી માપી ન શકાય.

જમીન એટલે શું?

જમીન એટલે ધરતી. તે ફળદ્રુપ જમીન હોઈ શકે, તે ખરાબાની હોઈ શકે. તે પડતર જમીન હોઈ શકે, તે પહાડી જમીન હોઈ શકે. તે કોતરોની જમીન હોઈ શકે, તે રણની જમીન હોઈ શકે, તે ટાપુની જમીન હોઈ શકે, તે ખારાપાટની જમીન હોઈ શકે, તે ડૂબની જમીન હોઈ શકે,

જમીન એ ધરતી છે અને તે આપણી માતા છે અને તેથી તે સૌની છે તેથી તે દેશની છે. તેનો વહીવટ સરકાર કરશે.

જમીન એ ધરતી છે. તેથી તેનો ઉપયોગ અને ઉપયોગની ફેરબદલી કે ઉપયોગકર્તાની ફેરબદલી સરકાર નક્કી કરશે.

INDIA WITH FOREST AND LAKES

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો ઉગાડવા માટે થઈ શકશે.

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો વાવવા માટે છે તેમાં કેટલી છૂટ આપવામાં આવશે?

જમીનના કોઈ એક નાના (૧૦ ટકા) હિસ્સાનો ઉપયોગ કુવા માટે, બોર માટે, તલાવડી માટે, પવન ચાક્કી માટે, સોલર પેનલ અને ફાર્મ હાઉસ, ગોડાઉન, ગમાણ અને કે મશીનરી માટે સરકારની મંજુરી થી થઈ શકશે.

WE CAN DO THIS

આ પ્રમાણે ૯૦ ટકા જમીનનો ઉપયોગ વૃક્ષો માટે જ કરવો પડશે.

બે વૃક્ષો વચ્ચેનું અંતર વૃક્ષના પ્રકારને આધારે સરકાર દ્વારા જે તે સ્થળને અનુરુપ નક્કી કરવામાં આવશે. તેની સ્થાનિક માર્ગદર્શિકા સરકાર બનાવશે.

કોઈ કુટુંબને એક હેક્ટરથી ૧૦૦૦૦ ચોરસ મીટરથી વધુ ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવાનો હક્ક મળશે નહીં. અન્ય પ્રકારની જમીન માટેનો વિસ્તાર સરકાર નક્કી કરશે.

જમીન નવસાધ્ય કરવી

જે જમીન ફળદ્રુપ નથી તેને નવસાધ્ય કરવા માટે સરાકાર છૂટછાટ આપશે. અને તે જમીન ૫ વર્ષમાં નવસાધ્ય કરવી પડશે. ૫ વર્ષ પછી સરકાર તે વપરાશકારને ૨૦ વર્ષ સુધી તે જમીનને વપરાશનો હક્ક આપશે. જો વપરાશકારને એક હેક્ટર થી વધુ જમીન ન જોઇતી હોય તો વધારાની તે જમીન સરકારને પરત કરશે. સરકાર તે જમીનનો ઉપયોગનો હક્ક બીજાને આપશે અને સરકાર જે ભાવે તે જમીનના ઉપયોગનો હક્ક બીજાને આપશે તેની કિમતના ૮૦ ટકા મૂળ વપરાશકારને ચૂકવામાં આવશે. ૨૦ટકા સરકાર પોતાની પાસે રાખશે.

પાણી સરકારે મફત આપવું પડશે.

જમીનનો ઉપયોગનો હક્ક સરકાર આપશે. અને તેના ઉપયોગનું હસ્તાંતરણ ઉપયોગ કરનાર દ્વારા થઈ શકશે નહીં.

જે કૂટુંબને ઉપયોગનો હક્ક મળશે, તે કુટુંબના કર્તાને, જો તે જમીનના ઉપયોગનો હક્ક વારસામાં પોતાના નજીકના સગા એવા વારસદારને આપવો હોય તો તે આપી શકશે.

જો આ વારસદાર સગીર હશે તો તે વહીવટ કર્તા તે રાખી શકશે. પણ આ વારસદાર પુખ્ત થતાં તે જ તેનો વહીવટ કરશે.

જમીનનો ઉપયોગ કર્તા, મજુરનો ઉપયોગ કરી શકશે પણ તેને લઘુતમ પગાર ધોરણ એટલે કે આજની પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે એક કલાકના ૬૦ રુપીયા લેખે આપવા પડશે.

ખેતી ક્યાં થશે? શાક ભાજી ક્યાં વવાશે? ઘાસચારો ક્યાં ઉગાડાશે?

ખાસ પ્રકારના મકાનો બનાવવામાં આવશે જેમાં બહુમાળી ધાબાઓ હશે.

આવા ધાબાઓ ઉપર માટી પાથરીને ખેતી માટે જમીન બનાવવી પડશે.

આ જમીન શાકભાજી, અન્ન અને ઘાસ માટે તૈયાર કરવામાં આવશે. આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર સામાન્ય જનતાને આપશે.

રેલ્વે અને રસ્તાઓની બંને બાજુએ નિયમ અનુસાર ખુલ્લી જગ્યા છોડી દેવામાં આવે છે, તે જમીનમાં પણ ઘાસ ચારો, શાકભાજી અને અનાજ ઉગાડવામાં આવશે.

આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર નિવૃત્ત સુરક્ષાકર્મીઓ જેવા કે પોલીસ, સૈન્યના જવાનોને આપશે. આ જમીન વ્યંઢળોને પણ આપવામાં આવશે.

આ હક્કોનું હસ્તાંતરણ થઈ શકશે નહીં.આ જમીનને પણ વૃક્ષોવાળી જમીનના નિયમો લાગુ પડશે.

ઈંટ સીમેન્ટ ચૂનાના કાયમી મકાનના બાંધકામ થઈ શકશે નહીં.

રસ્તાના કિનારાઓ ઉપર નાના કદના ફળાઉ વૃક્ષો વાવી શકાશે.

રહેવા માટેનું મકાન સંપૂર્ણ રીતે (ફેબ્રીકેટેડ અને તેના ભાગો છૂટા પાડી સ્થળાંતર કરી ફરીથી જોડી શકાય તેવું હશે.

SAM_0948
ગૌશાળા

ગૌ એટલે ઘાસચારા ઉપર નભતી અને મનુષ્ય પાસે સુરક્ષા પામતી સંપૂર્ણ પશુ સૃષ્ટિ સમજવી. આ પશુસૃષ્ટિમાં, ગાય, ભેંસ, સાંઢ, પાડા, ઘોડા, ઘેટાં, બકરાં, ગધેડા વિગેરે પશુઓનો સમાવેશ થાય છે. આ સૌ પશુઓના સામૂહિક નિવાસ સ્થાનને ગૌશાળા કહેવામાં આવશે.

I PROTECT YOU AND YOUR SOIL

ગૌશાળા વિનામૂલ્યે ખાતર આપશે.

ગૌશાળા ગોબરગેસના પૈસા લેશે.

પુંગવોનો ઉપયોગ તેલ ઘાણી, સાદા મશીનો, પંપો, અને ઉર્જા માટે થશે. ટૂંકા અંતરના વાહન વ્યવહાર માટે પણ થશે.

અનાજની તંગી પડશે તેનો ઉકેલ શો?

FRUITS AND VEGETABLES

જમવાની આદતો કાળક્રમે બદલવી પડશે. શાકભાજી, ફળો ને દૂધની વાનગીઓ વધુ ખાવી પડશે.

વૃક્ષોના ઝુંડમાં વચ્ચેની જગ્યાઓમાં ઘાસ વાવી શકાય છે. ઘાસના વાવેતરમાં તકનિકી ક્રાંતિ લાવવી પડશે.

દૂધનું ઉત્પાદન વધારવું પડશે.

I AM NOT LESS THAN A GOD

પશુઓની હત્યા ઉપર સંપૂર્ણ બંધી લાવવાથી દેશી ખાતરનું ઉત્પાદન વધશે.

રસાયણિક ખાતર બનાવવા માટે જે કારખાનાઓ બંધાય છે, આ કારખાનાઓ જે પ્રદૂષણ હવામાં અને જમીન ઉપર ફેલાવે છે, અને તેના ઉપર જે વહીવટી અને વાહન વ્યવહારનો ખર્ચ થાય છે તેનો નફાનુકશાનનો હિસાબ કરવામાં આવે તો દેશી ખાતર જ ફાયદાકારક છે.

મનુષ્યનું ધ્યેય ટૂંકા સમયમાં ઉત્પાદનના વિક્રમો સર્જવા માટે નથી. પણ સુયોગ્ય અને બંધબેસતી તકનિકી (ટેક્નોલોજી) વાપરવી તે છે.

આની અસર શું પડશે?

જ્યાં મકાનો અને રસ્તાઓ નહીં હોય ત્યાં વૃક્ષો જ હશે. તેથી ધરતી સજીવ બનશે.

પર્યાવરણમાં અભૂત પૂર્વ સુધારો થશે.

હવા નિરોગી બનશે.

રોગચાળો ઘટશે,

જમીનની જળસંચયની શક્તિ વધશે.

પૂરની શક્યતાઓ ઘટશે.

જળસ્તર ઉંચું આવશે,

વરસાદ વધશે અને નિયમિત થશે.

અનાવૃષ્ટિ ની શક્યતા નહીંવત રહેશે અથવા નાબુદ થશે.

નવા બંધો બાંધવા નહીં પડે. તેથી નહેરોના ખર્ચમાં ઘટાડો થશે.

નદીઓમાં બારેમાસ પાણી રહેશે.

RIVER FRONTS TO ALL THE RIVERS

દરેક નદીના કિનારાનો વિકાસ કરવાથી અને તેના કિનારાઓની સમાંતર માર્ગ બનાવવાથી અને શક્ય હોય ત્યાં જળમાર્ગ બનાવવાથી માળખાકીય સગવડો વધશે.

કુદરતી આફતોની સામેની સુરક્ષા વધુ સરળ બનશે.

વૃક્ષો નાના બંધ, ઠંડક આપનારા અને હવા હુદ્ધ કરનારા યંત્રો છે.

એક વૃક્ષ જે ઉષ્ણતામાનમાં ઘટાડો કરે છે,

હવામાં ભેજ આપે છે,

ભૂગર્ભમાં જળ સંચય કરે છે,

લાકડું આપે છે,

બહુમાળી ઉત્પાદન (ફળોનું આરોગ્યપ્રદ ઉત્પાદન) આપે છે,

એક વૃક્ષ તેની ૧૫ વર્ષની કિમત ગણો તો તે ૧૯૮૦ની પ્રાઈસ ઈન્ડેક્ષ પ્રમાણે ૪૦ લાખ રુપીયાનું કામ કરે છે.

જો માનવવસ્તિના એકમોને સ્વાવલંબી બને તે રીતે આયોજન કરવામાં આવે તો ખાદ્યપદાર્થો અને તેને સંલગ્ન વસ્તુઓની હેરફેર માટે થતા વાહનવ્યવહારના ખર્ચની જે બચત થાય છે તે તો જુદી જ છે અને વધારાનો લાભ છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વૃક્ષ, જમીન, ધરતી, ફળ, શાકભાજી, જંગલ, ઉપયોગ, હક્ક, આયોજન, ખેતી, પર્યાવરણ, હવા, ભૂગર્ભ, જળસંચય, સુયોગ્ય, તકનિકી

Read Full Post »

એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ  (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.

માર્કાવાળો માલ

ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.

ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?

આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને  ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.

મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક  https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

ના સંદર્ભમાં અચૂક વાંચવા.

ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે

આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.

નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને  વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.

જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ  

પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.

ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.

ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.

મૂળ વાત પર આવીએ.

આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?

ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?

યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.

મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?

આવી જ વાત ગૌચરની છેઃ

આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.

પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.

શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?

ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.

જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.

જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.

સુયોગ્ય સમજ કેળવવી પડશે

જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.

વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.

ગૌચરની જમીનનો વિકલ્પ શો?

ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.

નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.

 ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.

નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.

જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત  છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.

કશું મફત મળવું ન જોઇએ

ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.

શિરીષ મોહન લાલ દવે

ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત

Read Full Post »

%d bloggers like this: