Feeds:
Posts
Comments

Posts Tagged ‘વૈચારિક’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની

આમ તો આપણને અવાર નવાર વાંચવા મળે છે કે નરેન્દ્ર મોદી આપખુદ છે, બધા નિર્ણયો પોતેજ કરે છે, બીજાઓને સાથે લઈને ફરતો નથી, કોઈને ઉપર આવવા દેતો નથી, પોતાના પક્ષના વિરોધીઓને પાડી દે છે વિગેરે વિગેરે.

એટલે કે નરેન્દ્ર મોદીની નેતાગીરી આદર્શ ન કહેવાય એવું પોતાને વિશ્લેષક માનનાર કેટલાક મીડીયા મૂર્ધન્યો માને છે.

આ વિશ્લેષકોએ શું કદી જે એલ નહેરુની નેતાગીરીનું આ પ્રમાણે વિશ્લેષણ કરેલું?

નેતાનું કર્તવ્ય

નેતાનું પોતાના સાથીઓ પ્રત્યે એક કર્તવ્ય હોય છે કે તે પોતાના સાથીઓને એક પગથીયું ઉપર ચડાવે. એટલે કે તેના સાથીઓનો, અનુયાયીઓનો પણ માનસિક અને બૌધિક વિકાસ કરે. માનસિક એટલે અહીં એવો અર્થ કે સમાજ પ્રત્યેના વ્યવહારની સમજણ શક્તિ અને બૌધિક એટલે કે નિર્ણયોને અમલમાં મુકવાની આવડત.

નેતાઓના ધ્યેય આમ તો સમાજને સુખી કરવાના હોય છે. પણા આતો વૈચારિક વાત થઈ.

તેના આડહેતુઓ “સ્વ”ની સત્તા અને “સ્વ”ની સુખસગવડો વધારવાના પણ હોય છે.

બીજો આડહેતુ એ પણ હોય કે પોતે એવો અનુગામી નેતા મુકે જે પોતે પ્રસ્તુત કરેલી નીતિઓ ચાલુ રાખે

જો નેતાનો મુખ્ય હેતુ સત્તાનો હોય (જે ઘણીવાર આડ અને પ્રચ્છન્ન  હોય છે) તો, તેનો અનુગામી તેનું સંતાન જ હોય છે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવા માગતા હતા. તેમ કરવામાં આમ જનતાની સામેલગીરી રાખવામાં માનતા હતા.

મહાત્મા ગાંધી જ્યારે કોંગ્રેસમાં દાખલ થયા ત્યારે કોંગ્રેસ, એરીસ્ટ્રોકેટ બૌધિકોની સંસ્થા હતી. પણ ગાંધીજીએ તેને બધા માટે ખુલ્લી કરી. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને અહિંસક માર્ગે અને સ્વદેશપ્રેમને માર્ગે જતી એક સંસ્થા બનાવી.

એટલે કે જેઓ અહિંસા અને સ્વદેશપ્રેમ બંનેને સ્વિકારે તેઓ કોંગ્રેસમાં આવકાર્ય ગણાયા. સ્વદેશપ્રેમ અને અહિંસા એ બેમાંથી એકમાં જ વિશ્વાસ હોય તો ન ચાલે. બંનેમાં વિશ્વાસ હોવો જોઇએ અને આચરણ પણ તે જ હોવું જોઇએ. જો કે આ વાત અને આને લગતી ચળવળોને સમજવામાં ઘણા ધુરંધર નેતાઓને વાર લાગી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો પણ સમાવેશ થતો હતો. અહિંસામાં સવિનય કાનુનભંગ અને સત્યાગ્રહનો પણ સમાવેશ થતો હતો.

જેઓ બરાબર સમજ્યા ન હતા તેઓએ સવિનય કાનુન ભંગ અને કે અથવા સત્યાગ્રહ અને કે અથવા સ્વદેશીના આગ્રહનો વિરોધ પણ કરેલો. તેમાં કોણ કોણ હતા તેની ચર્ચા ન કરીએ. પણ જેઓ અહિંસક આંદોલનમાં માનતા ન હતા તેમાં સુભાષ ચંદ્ર બોઝ મુખ્ય હતા. જોકે સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતમાં કોઈ કડવાશ ન હતી. છતાં કેટલાક આ વાતને ચગાવે છે.

પક્ષ એક વખત એવું નક્કી કરે કે આપણે અહિંસક ચળવળ દ્વારા જ સ્વાતંત્ર્ય લાવવું છે, પણ જો એવું બને કે લોકો તાનમાં ને તાનમાં કોઈ એવી વ્યક્તિને ચૂંટી કાઢે કે જેને અહિંસામાં વિશ્વાસ ન હોય. જો આવું બને તો પક્ષે પોતાના સિદ્ધાંતો બદલ્યા છે એવો સંદેશો જનતાને જાય, તો પછી પક્ષે હવે આ પક્ષે ચળવળના સિદ્ધાંતો અને તેથી કરીને તેની પ્રણાલીઓ બદલશે તેવો ઠરાવ પસાર કરવો જોઇએ. પણ આવું કર્યા વગર તમે જુદા માર્ગે ન જઈ શકો. કોંગ્રેસમાં પક્ષપ્રમુખની ચૂંટણીમાં આવું થયું. સુભાષ બાબુ ચૂંટાઈ આવ્યા. કારોબારીના સભ્યો કે જેઓ પોતે પણ ચૂંટાયેલા હતા તેઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. એટલે સુભાષબાબુએ નીતિમત્તાના ધોરણે રાજીનામું આપ્યું. સુભાષબાબુના દેશપ્રેમ વિષે ગાંધીજીને કે કોઈને પણ કશી શંકા ન હતી. પણ આ સૈધાંતિક મતભેદ હતો. તેથી સુભાષબાબુએ કોંગ્રેસના બંધારણનો આદર કર્યો.

આવી જ વાત જીન્નાની હતી. તેમને અસહકાર અને સત્યાગ્રહમાં વિશ્વાસ ન હતો. વખત જતાં તેમનો અહિંસા પરત્વેનો અવિશ્વાસ છતો થયો. તેઓ બંને કોંગ્રેસમાંથી વિદાય થયા હતા.

ગાંધીજીનો એક બીજો પણ સિદ્ધાંત હતો જે શોષણહીનતાનો હતો. આ વાત બહુ ઉચ્ચ સ્તરે આવી ન હતી કારણ કે આ વાત ઉત્પાદન અને તેની વહેંચણીની પ્રણાલીની હતી. આ મુદ્દો તો સ્વતંત્રતા આવે તે પછી ઉત્પન્ન થાય અને તે પછી અસરકારક બને તેમ હતો. પણ ગાંધીજીએ પોતાના સ્વપ્નના ભારતમાં આ વાતો લખી રાખેલ. જવાહરલાલ નહેરુને જોકે આ સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ ન હતો. પણ તેઓએ આ વાત પ્રગટ ન કરેલી અને બધું મભમ રાખેલ. જો ગાંધીજી વધુ જીવ્યા હોત તો આ મુદ્દા ઉપર નહેરુનો વિરોધ કરત. અને મીલમાલિકોને બેફામ થવા ન દેત.

જો આવું થાત તો કોંગ્રેસના બે ભાગ પડી જાત. એક વલ્લભભાઈની કોંગ્રેસ અને બીજી નહેરુની કોંગ્રેસ.

આ શક્ય ન બન્યું કારણ કે ગાંધીજી અને સરદાર પટેલ વહેલા વિદાય પામ્યા. પણ એક વાત ચગી કે ગાંધીજીએ સુભાષબાબુને અન્યાય કર્યો. આનો લાભ પશ્ચિમ બંગાળે લીધો અને ત્યાં સામ્યવાદીઓ ફાવ્યા.

ગાંધીજીએ પોતાના વૈચારિક અનુયાયીઓ ગામે ગામ તૈયાર કરેલ. તેમના વિચાર થકી ઘણા બધા મીની-ગાંધીઓ તૈયાર થયેલ. અને આ મીની ગાંધીઓ પણ મીની-મીની-ગાંધીઓ તૈયાર કરી રહ્યા છે.

મીની ગાંધીઓ અને મીની-મીની-ગાંધીઓ એટલે શું?

મીની ગાંધીઓ એટલે જયપ્રકાશ નારાયણ, વિનોબાભાવે, દેશપાંન્ડે, રવીશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચન્દ મેઘાણી, જુગતરામકાકા, ઢેબરભાઈ, આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, બબલભાઈ, ચૂનીભાઈ, મનુબેન, મણીબેન, જેવા નાના મોટા ગાંધીવાદી નેતાઓ દરેક પ્રાંતોમાં પેદા થયા હતા. તેવીજ રીતે આ મીની ગાંધીઓએ પણ ગાંધીવાદી લોકોનો નવો ફાલ તૈયાર કરેલ જેમાં નારાયણભાઈ દેસાઈ, સુદર્શનજી, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, હર્શદભાઈ માવાણી, બંસીભાઈ પટેલ, તુલસીભાઈ સોમૈયા, જેવા અનેક ગાંધીવાદીઓ આજની તારીખે પણ ત્યાગપૂર્વક ગાંધીજીનું કામ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કરી રહ્યા. દરેક રાજ્યમાં છેવાડેના પ્રદેશમાં પણ તમને ગાંધીવાદી લોકસેવક મળી જશે.

બધા ગાંધીજી જેવું કામ ન કરી શકે. પણ એક વિચાર તરીકે તે દીવો પ્રજ્વલિત રાખવા વાળા કોઈ ગાંધીવાદી ગુરુવગર પણ આપોઆપ ઉત્પન્ન થતા રહેશે. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. ગાંધી યુગપુરુષ હતા જે હજાર બે હજાર વર્ષે જ પાકે.

જવાહરલાલ નહેરુની નેતાગીરીએ શું બીજી હરોળ ઉભી કરેલી?

નાજી. જવાહરલાલ નહેરુનો લોકશાહીવાદી સમાજવાદ ખરો પણ તેનું વૈચારિક સ્થુળત્વ શું છે તે કોઈ જાણતું ન હતું. ગાંધીજી પણ નહીં. અને ગાંધીજીના કહેવા પ્રમાણે કદાચ નહેરુ પોતે પણ નહીં.

જો નેતાગીરી વિષે આમ જ હોય તો તેમાં ખરાબ શું કહેવાય? ખરાબ વસ્તુ એ છે કે જે વાતને સિદ્ધાંત સાથે લેવા દેવા ન હોય પણ જો કોઇ વ્યક્તિ પ્રતિસ્પર્ધી બની જાય તો તેને બદનામ કરી દૂર કરવો, આ વાત ખરાબ કહેવાય.

સમાજવાદને જો એક વાડો બનાવી દેવામાં આવે તો તે સુપર કેપીટાલીઝમ થઈ જાય. જેમાં સરકાર પોતે જ મૂડીવાદી થઈ જાય. નેતાઓ વહીવટદારો સાથે મળીને પૈસાદાર થઈ જાય.. કારણ કે ઉત્પાદક, વિતરક અને તેના ઉપર નીગરાની રાખનાર નિરીક્ષક પણ એક જ સંસ્થા હોય એટલે ભેગા મળીને લૂંટ કરવાની વૃત્તિવાળા થઈ જાય. અને આવું જ થયું. એટલે રાજગોપાલાચારી જેવા કોંગ્રેસની સામે પડ્યા. જેઓ સામે પડ્યા તેઓને બદનામ કરવામાં આવ્યા. જો કે આ કોઈપણ ઔદ્યોગીકરણના વિરોધી ન હતા.

ગાંધીવાદીઓ વિરોધી હતા ખરા પણ તેઓની આ પ્રાથમિકતા ન હતી. તેઓ લોકસેવામાં પડી ગયા. અને નહેરુને ટાઢા પાણીએ ખસ ગઈ.

નહેરુને કોઈ નિશ્ચિત વિચારધારા ન હતી તેથી તેમના કોઈ વૈચારિક શિષ્યોનો ફાલ ઉત્પન્ન ન થયો. નહેરુને એવી જરુર પણ લાગી નહીં હોય એવું જ લાગે છે. નહેરુએ ફક્ત એ વાતનો ખ્યાલ રાખ્યો કે તેમની પુત્રી જ તેમનો રાજકીય વારસો લે.

JAY HO WAS PARTY SONG FROM AGES

ઈન્દીરા ગાંધી તેમના કહેવા પ્રમાણે સમાજવાદમાં માનતાં હતા. પણ તેમને માટે સમાજવાદનું નામ “ સત્તા પ્રાપ્ત કરવાનું અને ટકાવી રાખવાનું એક સાધન હતું. બેંકોના રાષ્ટ્રીયકરણને લેબર યુનીયનોને પોતાના પક્ષ માટે વોટ બેંક બનાવવાનું હથીયાર બનાવવામાં આવ્યું. ઈન્દીરા ગાંધીએ  પોતાના વિરોધીઓને બદનામ કરાવી પક્ષમાંથી દૂર કર્યા.

જો તમે લોકશાહીમાં માનતા હો તો પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જરુર નથી. પણ જો તમે સરમુખત્યાર હો તો પ્રતિસ્પર્ધીને દૂર કરો જ કરો.

વી. પી. સીંગ, હેમવતીનંદન બહુગુણા નો શું વાંક હતો? એમનો એ વાંક હતો કે તેઓ પોતાના કામની ક્રેડીટ લેતા હતા. તેમની સામે ઈન્દીરા ગાંધીને સૈદ્ધાંતિક શું વાંધો હતો, તે ઈન્દીરા ગાંધી તરફથી જાણવા મળ્યો નથી. કે બીજા કોઈ તરફથી પણ જાણવા મળ્યો નથી.

ઈન્દીરા ગાંધી કંઈ એટલા કાબેલ વહીવટ કર્તા ન હતા. એવું પણ ન હતું કે બીજા નેતાઓ તેમનાથી કાબેલીયતમાં હજાર માઈલ પાછળ હતા. વાસ્તવમાં બહુગુણા, જગજીવનરામ, વીપી સીંગ વધુ કાબેલ હતા. આ સૌ કોઈ ઈન્દીરા ગાંધીની પ્રોડક્ટ પણ ન હતા. તેઓ સ્વબળે જ આગળ આવેલા.

ઈન્દીરાગાંધી કોઈ વૈચારિક વ્યક્તિ ન હતાં. તેમના કોઈ અનુયાયીને તેના વિચારોથી જોઈને તમે એમ ન કહી શકો કે તે ઈન્દીરા ગાંધીમાં જરુર શ્રદ્ધા ધરાવતો હશે. જેમકે ભજનલાલ, ચરણસીંગ, મુલાયમ, શરદપવાર, લાલુ યાદવ, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, બંસીલાલ, જેવા અનેક નેતાઓ ક્યારે ક્યાં હશે તે તમે તેમના દ્વારા વ્યક્ત થતા વિચારોના આધારે કહી ન શકો. જોકે સત્તા હાંસલ કરવા માટે અને તેને ટકાવી રાખવા તેમની કાર્યશૈલીઓ ઈન્દીરા ગાંધી જેવી જ રહી છે છતાં પણ.

સ્વામીનારાયણની એક બોધકથામાં “સત્સંગના મહિમા”ની એક વાર્તા આવે છે જે આપણે અગાઉ ઈન્દીરાઈ કટોકટી ના એક લેખમાં જાણી છે. આ એ વાત છે કે નારદ મૂનીના સત્સંગને કારણે એક કીટક ઈન્દ્ર સુધીની ઉન્નતી કરે છે.

આનાથી ઉંધો કુસંગનો મહિમા છે જેમાં આવડતવાળો નિકમ્મો થઈ જાય. ઈન્દીરાના કુસંગનો મહિમા એવો રહ્યો કે આવડતવાળા મનુભાઈ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જગજીવનરામ, વીપી સીંગ, બહુગુણા, ચિમનભાઈ પટેલ, મોહન ધારીયા, ચંદ્રશેખર જેવા અનેક ઈન્દીરાઈ કોંગ્રેસમાં રહ્યા અને બદનામ થયા. તેઓ ત્યારે જ સ્ટેપ અપ થઈ શક્યા જ્યારે તેઓ ઇન્દીરાઈ કોંગ્રેસની બહાર નિકળ્યા.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નેતા જ્યારે પોતાના સાથીઓ કરતાં શક્તિમાં હજાર માઈલ આગળ હોય ત્યારે શું થાય?

જ્યારે નેતાની વિચાર શક્તિ અને આચારની વ્યુહ રચના પોતાના અનુયાયીઓથી અનેક ગણી વધુ હોય તો અનુયાયીઓ હમેશા તેના ઉપર નિર્ભર રહે છે. અનુયાયીઓ પોતાના નેતા ઉપર નિર્ભર રહેતા હોય તો તે નેતા વિષે તે સરમૂખત્યાર છે તેમ ન કહેવાય. દરેક નેતા જો તે સિદ્ધાંતવાદી હોય તો પોતાનાથી અલગ સિદ્ધાંતવાળાને પોતાના જુથમાંથી દૂર કરે ને કરે જ.

નરેન્દ્ર મોદી સેલ્ફ મેઈડ છે. તેઓ સમાજસેવા માટે કટી બદ્ધ છે તેમ કહે છે. આ નેતા તેની આર્ષદૃષ્ટિમાં, વહીવટી આવડતમાં, વિચારોમાં અને જ્ઞાનમાં તેના સાથીઓથી હજાર માઈલ આગળ છે. તેથી તેના સાથીઓ નરેન્દ્ર મોદી ઉપર નિર્ભર રહે તો તેને નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ન કહી શકાય. નરેન્દ્ર મોદી તેના સાથીઓની આવડત વધારે, પણ નરેન્દ્ર મોદી બધાને પોતાના જેટલી આવડતવાળા બનાવી ન શકે. ગાંધીજીએ મીની ગાંધીજીઓ ઉત્પન્ન કરેલા પણ સૌ કોઈ ગાંધીજીની કક્ષામાં આવે એટલી આવડતવાળા થઈ શક્યા ન હતા. નેતા દીશા બતાવી શકે અને પ્રણાલીઓ સ્થાપી શકે. આવડત તો સૌ પોતાની શક્તિ પ્રમાણે જ વધારી શકે.

નરેન્દ્ર મોદીએ તેના કેટલાક સાથીઓને વૈચારિક રીતે સ્ટેપ અપ જરુર કર્યા છે. તે તો તમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે જાણી શકો છો. નરેન્દ્ર મોદીએ નવી પ્રણાલીઓ પણ સ્થાપી છે. ઓન લાઈન ઘણી બધી જાણકારીઓ તમે મેળવી શકો છો અને સંવાદ પણ કરી શકો છો. સુધારાઓ માટે અવકાશ તો હમેશાં રહેવાનો. અને હજુ ઘણું કરવાનું બાકી છે.

સમાજને પણ સ્ટેપ અપ કરવો જરુરી હોય છે. નરેન્દ્ર મોદીએ જનતાની આકાંક્ષાઓ જગાવી છે. ટીવી ચેનલો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદીએ કદી ચેનલો ઉપર વેરભાવ રાખ્યો નથી.

બધા રાજ્યોમાં નેતાઓનું વલણ સહનશીલ નથી. આ વાત મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ, યુપી, પશ્ચિમ બંગાળ અને આસામ ની સરાકારોએ સિદ્ધ કરી છે. તેનું કારણ કેન્દ્રની નહેરુવીયન કોંગ્રેસી સરકાર અને તેના અને તેના સાથીઓના વિવાદાસ્પદ વિદેશી બેંકોમાં રહેલા લાલ-કાળા નાણા ભાગબટાઈ પણ હોઈ શકે. એટીએમમાંથી બનાવટી કરન્સી નોટો નિકળે એ વાત જ, ઘણું બધું કહી જાય છે.

શું નરેન્દ્ર મોદીએ મીની-નરેન્દ્ર મોદીઓ ઉત્પન્ન કર્યા છે?

જો નેતા, એક વખત દરેક બાબતની પ્રણાલી સ્થાપી દે પછી કોઈ પણ વ્યક્તિ તેને ચલાવી શકે. હા, દરેક વ્યક્તિ મોદીની કાર્બન કોપી કે મીની-નરેન્દ્ર મોદી ન થઈ શકે.

નરેન્દ્ર મોદીના સુદ્ધાંતો શું છે?

આમ તો શંકરાચાર્યના અદ્વૈતવાદ પ્રમાણે સાચો આનંદ જ્ઞાનવડે મળતો આનંદ છે. ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે થાય એ વાત શ્રેષ્ઠ છે. પણ મુડીવાદની આડપેદાશ સુખ સગવડોની વૃદ્ધિ, તેવી વૃત્તિનું બેફામ પોષણ  અને બધા ક્ષેત્રમાં અસમાનતા, આમ છે. તમે કોઈ પણ વાદવાળા સમાજને રાતોરાત બદલી ન શકો. જો બદલવા જાઓ તો ફેંકાઈ જાવ. વાદને બદલવા માટે સમાજની માનસિકતા બદલવી પડે છે. આમ કરવામાં બે ત્રણ પેઢીઓ પસાર થઈ જાય.

એક વાત નરેન્દ્ર મોદી સ્થાપિત કરી શક્યા છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલીઓ બદલી શકાય છે. પ્રણાલીઓનો અમલ કરવામાં અને તેને વધુ સારી કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી જોઇએ. શિક્ષણ દ્વારા જ્ઞાનમાં પ્રગતિ થઈ શકે.

ટેક્નોલોજીના વિકાસ માટે માળખાકીય સગવડોમાં વિકાસ કરવો જોઇએ. માળખાકીય સગવડો દ્વારા તમે બધા ક્ષેત્રોમાં વિકાસ કરી શકો.

માળખાકીય સગવડોમાં રસ્તા, શક્તિ (વીજળી અને યંત્ર શક્તિ) અને પાણી આવે. શક્તિ ઉત્પન્ન કરવામાં પર્યાવરણ (ખાસ કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ) નો ખ્યાલ રાખવો પડે. એટલે પ્રાકૃતિક શક્તિઓના ક્ષેત્રમાં સંશોધનો થાય તે ઈચ્છનીય બને છે. સૂર્ય, પવન અને જળપ્રવાહમાંથી જ આ કામ થઈ શકે.

નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે.

જનતાની સામેલગીરીઃ

નરેન્દ્ર મોદી આ દિશામાં ઠીક ઠીક પ્રયત્નો કરે છે પણ તેના વિરોધીઓ તેને ખોટા ખર્ચામાં ખપાવે છે.

નરેન્દ્ર મોદીનો સ્વભાવઃ

નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેને એડામેન્ટ, એરોગન્ટ અને આત્મશ્લાઘી કહે છે. આપણા માનનીય કાન્તિભાઈ ભટ્ટ ભાઈએ નરેન્દ્ર મોદીની પીએમ પદની લાયકાત વિષે આ વાંધો બતાવ્યો છે.

જો નેતા પોતાની માન્યતાઓમાં સ્પષ્ટ હોય ત્યારે તે દૃઢ નિશ્ચયી હોય છે. જો નેતાની માન્યતાઓ નેતાએ બધી બાજુનું વિચારીને આત્મસાત કરી હોય અને તેના સાથીઓએ અને અથવા વિરોધીઓએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય અને કરવા માગતા પણ ન હોય તો તેઓ આ નેતાને એડામેન્ટ માનવાના જ.

જો કોઈ નેતાની પરિસ્થિતિને સમજ્યા વગર અને પોતાના રાજકીય લાભ માટે જ તે નેતાને  બદનામ કરવા માટે યમરાજ, મૌતકા સોદાગર, ખૂની એવા વિશેષણોથી નવાજે અને અથવા જુદા જુદા માપદંડ અપનાવે તો તે નેતાએ સત્યના બચાવ માટે તેના વિરોધીઓને તેમણે ધારણ કરેલા લેવલને અનુરુપ જવાબ આપવો જોઇએ. આ વાત જેટલી નરેન્દ્ર મોદીને લાગુ પડે છે તેટલી જ સરદાર પટેલને લાગુ પડતી હતી. એટલે જે મીડીયા મૂર્ધન્યોએ સરદાર પટેલને તેમના આખાબોલા-પણા માટે વગોવ્યા હોય તેમને જ નરેન્દ્ર મોદીને વગોવવા માટે આવો અધિકાર મળેછે.

એક વાત સૌ કોઈ મીડીયા મૂર્ધન્યોએ અને બુદ્ધિજીવીઓએ ખાસ સમજવાની છે કે મોદી પી.એમ. બને તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ છે?

નરેન્દ્ર મોદીએ કદી આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. નરેન્દ્ર મોદીએ કદીય મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ તે પૂર્વે મુખ્ય મંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી, અંદરખાને દોરીઓ હલાવે છે તેવી અફવા પણ આપણા મીડીયા મૂર્ધન્યો ફેલાવી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદી ચાની કીટલી ફેરવવા જેવા સાદા કામોથી શરુ કરી, ઘરબારનો ત્યાગ કરી, હિમાલય રખડી, બાવાઓનો સહવાસ ભોગવી, ગરીબી ભોગવી જાણનારા, બહુશ્રુત, ક્ષેત્રજ્ઞ, કુટુંબની જંજાળથી મુક્ત એવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે બન્યા છે.

આવી પાર્શ્વ ભૂમિકાવાળા નેતા વિષે જ્યારે આપણો એક ગુજ્જુ અખબારનવીશ પણ જ્યારે એમ કહે કે નરેન્દ્ર મોદી મેગ્નેનીમસ (દરિયાદિલ) નથી એવો વિવાદ ઉત્પન્ન કરે. એટલું જ નહીં પણ જાણે કે દરિયા દિલ એકમાત્ર વડાપ્રધાનપદ માટેની લાયકાત છે એવું ઠસાવવા કોશિસ કરે ત્યારે  આપણા મૂર્ધન્યોની તર્ક બુદ્ધિની આપણને  શરમ આવે છે. ફલાણો કેટલો બધો દરિયાદીલ હતો. અને ફલાણા નાટકમાં આ પાત્રે ફલાણા હિરો દ્વારા કેવો ઉત્કૃષ્ટ અભિનય આપીને તેની દરિયાદિલી સિદ્ધ કરી બતાવેલી. આવું વર્ણન કરીને આ મૂર્ધન્ય શ્રીએ એ સિદ્ધકરવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. દશરથને ચાર પત્નીઓ હતી માટે તમે વાંઢા છો. એના જેવી આ વાત છે.

સિકંદરનો દાખલો

કટારીયા ભાઈએ આમ તો જોકે દાખલો સિકંદરનો આપેલો છે. જોકે સિકંદર કેટલો દરિયા દિલ હતો એ આખી બાબત વિવાદાસ્પદ છે. સિકંદર પોરસને જીતેલો કે કેમ તે પણ વિવાદાસ્પદ છે. કારણકે એક વિવાદ એવો પણ છે કે સિકંદર એટલો નબળી કક્ષાએ પહોંચી ગયેલ કે તેના બધી ઋતુઓમાં યુદ્ધ કરવાને કાબેલ એવું સૈન્યને માભોમ યાદ આવી ગયેલી. સિકંદરે અગાઉના હરાવેલા રાજાઓ સાથે જ નહીં પણ તેમની પ્રજા સાથે પણ ક્રૂર વર્તાવ કરેલ. એટલે સિકંદર દરિયાદિલ હતો તે વાત શંકાસ્પદ છે. પણ ધારો  સિકંદર દરિયા દિલ હતો. એટલે આપણા નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. નેલ્સન મંડેલા દરિયા દિલ હતા, એટલે નરેન્દ્ર મોદી દરિયા દિલ નથી. સાધ્યં ઈતિ સિદ્ધમ્‌. આવું જો કોઈ મૂર્ધન્ય કહે તો તેની મૂર્ધન્યતા ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. જો કે આ મૂર્ધન્ય કટારીભાઈએ કશી માહિતિ આપી નથી કે ક્યાં આપણા નરેન્દ્રભાઈ ઉણા પડ્યા. જો તેમણે આ માહિતિ ઉજાગર કરી હોત તો વાચકોના અને મોદીભાઈના જ્ઞાનમાં વૃદ્ધિ થાત અને મોદી ભાઈને સુધરવાના ચાન્સ રહેત. સુધારવાનો ચાન્સ આપવો એતો લોકશાહીનો મુખ્ય આડગુણધર્મ છે.

નરેન્દ્રભાઈને હવે “ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉબકા આવ્યા છે…” નરેન્દ્ર મોદી, રાહુલની નીમ્ન સ્તરે જઈને ટીકા કરે છે. આવું પણ આપણા આ અખબારી કટારીયા મૂર્ધન્ય કહે છે. જોકે આ કટારીયા મૂર્ધન્ય, વિગતો આપવામાં માનતા નથી. તેમની વાતો અને તર્ક આપણે રજનીશની વાતો અને તર્ક સાથે સરખાવી શકીએ. રજનીશને તારણો કાઢવાની ટેવ હતી પણ તેમના તારણો પછી ભલે તે રાજકીય નેતાઓ સામે હોય કે કોઈ મહાન વિભૂતિ વિષે હોય, કે માનસશાસ્ત્રીય હોય, પણ તે સર્વ તારતમ્યો એ સત્ય અને સત્યમાત્ર છે. આ સત્ય કેવી રીતે છે તે વાચકોએ સિદ્ધ કરવાનું. “જેમકે બોલવાથી મુક્તિ મળે છે” અને મૂર્ધન્યોને સિદ્ધ કરવામાંથી મુક્તિ મળે છે.

આપણા દેશને ચાણક્યની જરુર છે, પૃથ્વીરાજ ચૌહાણની નહીં.

નરેન્દ્ર મોદીએ શું દરિયાદિલ રાખ્યું નથી. જોકે મારા જેવા તો એવું જ માને છે કે દેશને સુધારવો હશે તો નેતાએ ચાણક્ય જેવા થવું પડશે. પૃથ્વીરાજ જેવા થયે નહીં ચાલે. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઈતિહાસનું પુનરાવર્તન કરે છે. કર્મના ફળ ભોગવવા એ ઈશ્વરીય વ્યવસ્થા છે.

એક વખત નરેન્દ્ર મોદીએ કહેલ પણ ખરું કે જો હું ધારું તો આ બધા કોંગી નેતાઓ ઉપર કામ ચલાવી શકું કારણ કે તેમણે તેમના ગુજરાત ઉપરના ૨૨ વર્ષના શાસનમાં અનેક કાળાંધોળાં કર્યાં છે.

નરેન્દ્ર મોદીની આ વાતને તમે શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસની વરીષ્ઠ નેત્રીએ ખેલદીલી પૂર્વક પદત્યાગ કરવાને બદલે  પોતાના વિરોધીઓને વગરવાંકે અનિયત કાળપર્યંત જેલમાં પૂરેલ, વી.પી. સીંગ સામે સેન્ટ કીટનો બનાવટી કેસ ઉભો કરેલ આને આપણા કટારીયા મૂર્ધન્ય શું ખેલદીલીમાં ખપાવશે?

અત્યારે પણ જુઓ. નરેન્દ્ર મોદીને  વિષે જો તમે માહિતિ આપ્યા વગર તેની વિરુદ્ધમાં કંઈ પણ કહો તે અફવા જ કહેવાય. જ્યારે અમિત શાહની ધરપકડની બાબતમાં, સંજય જોષીની સીડીની બાબતમાં, બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખની સામે આક્ષેપોની બાબત કે એવી કોઈપણ બાબત હોય જેમાં કોઈ પદચ્યુત થતું હોય તો તેમાં નરેન્દ્ર મોદીની તથાકથિત સંડોવણીની વાત ચગાવવામાં આવે છે. જો કે માહિતીને નામે શૂન્ય હોય છે.  આવી અફવાઓ ફેલાવનારા સામે નરેન્દ્ર મોદી ખેલદીલી રાખે જ છે ને! આવી બાબતોને નેતાએ લક્ષમાં રાખવી જોઇએ કે નહીં તે વિવાદનો વિષય છે. પણ ચોક્કસ “હાથી પાછળ કુતરાં ભસે પણ હાથી તેની ચાલે આગળ ચાલ્યા જ કરે છે. આ બાબતમાં નરેન્દ્ર મોદીએ તાદાત્મ્ય સાધ્યું છે. આ વાત કદાચ કેટલાક મૂર્ધન્યોને કઠતી હોય તેવું બની શકે.

નરેન્દ્ર મોદીને કોણ પૂરસ્કૃત કરે છે?

આંખે ઉડીને વળગે એવી વાત છે કે કોંગી નેતાઓ અને અખબારી મૂર્ધન્યો રાહુલ ગાંધીને પી.એમ. પદના ઉમેદવાર તરીકે પુરસ્કૃત કરે છે. તેથી સાવ જ ઉંધી વાત નરેન્દ્ર મોદી વિષે છે. ભારતીય જનતા જ નરેન્દ્ર મોદીને પી.એમ. તરીકે પુરસ્કૃત કરે છે. બીજેપી, એનડીએ કે રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીને પી.એમ. પદ માટે પુરસ્કૃત કરતા નથી.

જનતા માટે મોદી એકમાત્ર હોટ ફેવરીટ છે તે વાત આ અખબારી અને રાજકીય ખેરખાંઓ અચૂક છૂપાવે છે અને તેથી જ જનતાના અવાજને દબાવવા માટે નરેન્દ્ર મોદી વિષે જ અવળો પ્રચાર કરે છે.

આવા અનેક દુષણો સામે ટકી રહેવું અને આગળ વધવું એજ ઉત્કૃષ્ટ નેતાનું લક્ષણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, નહેરુ, ઈન્દીરા, નરેન્દ્ર મોદી, પી.એમ., નેતાગીરી, વૈચારિક, પ્રણાલી, વિકાસ, મીડીયા મૂર્ધન્યો, કટારીયા, હોટ ફેવરીટ, બીજેપી, એનડીએ, દરિયાદિલ

Read Full Post »

%d bloggers like this: