હા, અમે જુદા હૉ,
તેલંગણાનું જુદું રાજ થવાનું જાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અથવા સૌરાષ્ટ્ર તથા કચ્છના અલગ રાજ્ય વિષે કેટલાકની દાઢ સળકી અને કદાચ વધુ સળકશે. કદાચ દાઢ ન પણ સળકે. એ જે હોય તે પણ આપણા રજનીશીયા તર્કવાળા કાન્તિભાઈ (ભટ્ટ) જેવા અખબારી મૂર્ધન્યો કે કટારીયા લેખકો ની તો દાઢ સળકવા માંડી છે (દિવ્યભાસ્કર ૧લી ઑગષ્ટ). હાજી, કેટલાક સ્થાનિક રાજકારણીયોની અને તેમાં પણ હોદ્દા વગરના રહી ગયેલા રાજકારણીઓની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય કહેવાય.
તેલંગણનું થયું એટલે બીજા વિસ્તારો જેઓ અલગ રાજ્ય માગતા હતા તેમનો પણ હવે હક્ક બનશે એવી શક્યતાઓ ને આધારે નવા રાજ્યોની રચના ટીવી ચેનલો માટે હૉટ ટૉપિક બનશે, અને ન બને તો પણ બનાવવો જ જોઇએ કારણ કે આવી ચર્ચાઓથી નેતાઓ પણ ખુશ થશે અને આપણે પણ ખુશ.
અમુક કામો એવાં હોય છે જેને નીપટાવવા તમારે રાજ્યના પાટનગરમાં જવું પડે. જેમકે તમને અન્યાય થયો હોય અને જીલ્લા કક્ષાએ તમને ન્યાય મળ્યો નથી એવું લાગતું હોય તો તમારે સચિવાલયમાં જવું પડે અને જિલ્લાઅધિકારીથી પણ ઉંચા હોદ્દેદારને રૂબરૂ રજુઆત કરી શકાય. જોકે જીલ્લા કક્ષાએ ન્યાયાલયો હોય છે. પણ કૉર્ટના ચક્કરમાં ન પડવું હોય તો તમે અંદર અંદર પતાવટ કરવા માટે સચીવાલય જવાનું નક્કી કરી શકો. જો કે આ એક વહીવટી સમસ્યા છે અને તેને પ્રણાલીઓ સુધારીને નિવારી શકાય છે. હવે તો માહિતિ અધિકાર પણ મળ્યો છે અને ઈન્ટરનેટ પણ આવી ગયાં છે. એટલે તમે ઘરે બેઠાં બેઠાં પણ ઘણું બધું કરી શકો છો. જો આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ નિવારી શકાય છે.
તો પછી પાટનગર શા માટે જવું પડે?
તમારે નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો તમારે પાટનગર જવું પડે. તમારે મોટી લાગવગ લગાડવી હોય અને છૂટ છાટ જોઇતી હોય તો પાટનગર જવું પડે. સ્થાનિક સરકારી અધિકારીને દબાવવા હોય તો તમારે પાટનગર જવું પડે. અને ખાસ તો તમારે જો મંત્રી, કે મુખ્ય મંત્રી સામે આંદોલન કરવું હોય તો તમારે જરુર પાટનગર જવું પડે. અને આ બાબત આપણી આંદોલનપ્રિય ખાસ કરીને ગુજ્જુ નહેરુવીયન કોંગ્રેસનાનેતાઓને ખાસ લાગુ પડે છે. તેઓ નવરા ધૂપ છે અને કેન્દ્રમાં તેમના માઈબાપ પાસે ઘણા પૈસા છે.
નવા રાજ્યોનો મુખ્ય ફાયદો તો રાજકારણીઓ માટેનો છે. ચીફ મીનીસ્ટ્રરની પોસ્ટ વધે એટલે બીજા પ્રધાનો અને ઉપપ્રધાનો વધે, સ્પીકરો વધે. ગવર્નરો વધે. પાટનગરો પણ નવા થાય અને તેના હોદ્દેદારો પણ વધે. સ્થાનિક સંસ્થાઓની ઉપર નિગરાની રાખવા માટેના જનપ્રતિનિધિઓ વધે. જેને હોદ્દાઓ ન આપી શકાયા હોય તેને હોદ્દાઓની (દાખલા તરીકે ચેરમેનો) લહાણી કરી શકાય. એટલે કે કામ તો એટલું ને એટલું જ. પણ જનપ્રતિનિધિઓ નો જનતા ઉપર ભાર વધે.
બીજો ફાયદો આઈએએસ અધિકારીઓને છે કારણ કે ચીફ સેક્રેટરીઓ વધે, જોઈન્ટ ચીફ સેક્રેટરીઓ વધે, સેક્રેટરીઓ વધે, રજીસ્ટ્રારો વધે, ચીફ રજીસ્ટ્રારો વધે. અને આ બધા અધિકારીઓ વધે એટલે પ્રમોશન પણ જલ્દી મળે.
નવું રાજ્ય થવાથી ઉચ્ચ ન્યાયાલયો વધે, ન્યાયાધીશો વધે. પણ આ બધાંનો તો વાંધો નહીં. નવાં રાજ્યો કર્યા વગર પણ તમે ઉચ્ચન્યાયાલયની બેન્ચ અલગ અલગ જગ્યાએ રાખી શકો છો.
અફસર સાહેબો કહે છે કે આ રાજકારણી લોકો અમે તેમના કહ્યામાં ન રહીએ તો અમારી બદલી કરી નાખે છે. વાપી થી તાપી કરે ત્યાં સુધી તો વાંધો નહીં પણ એ તો ઉમરગામથી ઉમરેઠ અને ગોધરાથી બગોધરા જ નહીં બગસરા પણ કરી નાખે છે. એટલે નાના રાજ્યો હોય તો કમસે કમ એ લોકો અમને નારાજ થાય તો પણ બહુ દૂર દૂર તો ન મુકી શકે.
જો કે આ વાત તદન બોગસ છે. સરકારી નોકરોના મોટાભાગના ચાલુ હોય છે. અને જો બચાવવા વાળો હોય તો લુંટ કરવામાં વાંધો શાનો એવી તેમની મનોવૃત્તિ હોય છે. જેઓ કાર્યકુશળ હોય છે તેમની હમેશા માંગ રહેતી હોય છે. જે મહેનતાણું અને માન મળે છે તેને માટે અને સત્ય માટે ભોગ આપવો જ પડે. નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિં તાત ગચ્છતિ. જે સારું કામ કરે છે તે કદી અપયશ ને પામતો નથી.
સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં એટલે કે અંગ્રેજોના સમયમાં અને સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન, રાજ્યોની પૂનર્રચનાની વાત ગાંધીજીએ કરેલી. આ વાત શા માટે કરેલી?
ગાંધીજીએ રાજ્યોની પુનર્રચનાની વાત કરેલ. કારણ કે તે વખતે બધા ઢંગ ધડા વગરના રાજ્યો હતા. તેમાં મૂખ્યત્વે દેશી રજવાડાંના વિસ્તારો અને અંગ્રેજ રેસીડન્સીના વિસ્તારો હતા. જેમકે ગુજરાતમાં સો ઉપરના દેશી રજવાડાં હતાં. તે સૌ અલગ અલગ રાજ્યો હતા. અને બાકી જે વિસ્તારો બચ્યા તે મુંબઈ પ્રોવીન્સમાં આવતા. આમાં રાજસ્થાનના વિસ્તારો, સિંધના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો, મહારાષ્ટ્ર, કોંકણ અને કર્ણાટક ના વિસ્તારો આવતા. ભાષાઓ પણ ઘણી હતી. પણ સરકારી ભાષા અંગ્રેજી હતી તેથી બધું ચાલ્યું જતું.
અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ
અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ જેમાં બધા વ્હાઈટ કોલરવાળા ખાધે પીધે સુખી નેતાઓ સભ્ય થઈ શકતા હતા.
ગાંધીજી આવ્યા અને તેમણે આમ જનતા માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા મુક્યા. એક સુતરની આંટી અથવા ચાર આના એમ સભ્ય પદની કિમત રાખી. પણ એ વાત જુદી છે. ઘણા રજવાડાંઓ તો સ્થાનિક ભાષામાં વહીવટ કરતા હતા. પણ અંગ્રેજ સરકાર સાથે તો અંગ્રેજીમાં વહીવટ કરવો પડતો હતો. ગાંધીજીને આ વાત કઠી હતી. જનતા ની ભાષામાં રાજ્ય સંવાદ કરી શકે તે માટે તેમણે ભાષાવાર પ્રાંત રચના ની વાત કરેલ અને કોંગ્રેસમાં આ પ્રમાણેનો ઠરાવ પણ પસાર કરાવેલ. આ ઉપરાંત ગાંધીજીએ ગ્રામ પંચાયતો બને અને આ પંચાયતોને પણ થોડી સ્વતંત્રતા મળે અને ગ્રામજનોની પણ વાત સંભળાય તેવા ઠરાવો પણ પાસ કરાવેલ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો તે વખતે પણ હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધારો થયો, ફેરફારો પણ થયા અને સત્તામાં વધારો પણ થયો. લોકપ્રતિનિધિત્વ પણ વધ્યું. જેમકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, રાજ્ય વિધાન સભાઓ, શહેરી વિકાસ પ્રાધિકરણો, રજીસ્ટ્રારો, સહયોગી સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, વિગેરે વિગેરે.
ભાષાવાર રાજ્ય રચના સમજી શકાય તેમ છે.
કારણ કે જો બહુભાષી રાજ્ય હોય તો સંવાદ બરાબર ન થાય. સરકારમાં અરજી કરવા માટેના જાતજાતના અને અવનવી જાતના ફોર્મ હોય અને તેમાં સમયે સમયે વૃદ્ધિ કરવામાં આવતી હોય. આ બધા જ ફોર્મ બે કે ત્રણ ભાષામાં છાપવાં પડે. જો તમે અલગ અલગ ભાષાના અલગ અલગ ફોર્મ રાખો તો અમુક ભાષાના અમુક ફોર્મ અમુક જગ્યાએ ન પણ હોય અને તે જલ્દી ન પણ આવે અથવા તો નથી એવું બારોબાર કહી દેવામાં આવે તેવી પણ શક્યતા ન કારી ન શકાય. એટલે એક ફોર્મમાં બે કે ત્રણ ભાષામાં છપાવવાં પડે અને સ્ટેશનરી નો વ્યય થાય. અને જો આપણે પર્યાવરણવાદીઓની ભાષામાં કહીએ તો વધુ વૃક્ષો કપાય. ટૂંકમાં ભાષાવાર પ્રાંત રચના અનિવાર્ય ગણી શકાય.
પેટમાં દુખે છે પણ કૂટે છે માથું.
તો હવે નવા રાજ્યોની રચના માટે આધારો કયા કયા છે?
આપણા અમુક રાજકારણીઓ કહે છે કે અમે જુદા છીએ. અમારો પ્રદેશ અલગ છે. અમે અલગ જાતના છીએ. અમારો સ્વભાવ અલગ છે. અમારી સંસ્કૃતિ અલગ છે. અમારી બોલી (ભાષા નહીં હૉ!) અલગ છે. અમે કૈયે કે ન્યાં કણે ખાઈડ્યો સે અટલે લગીર ટપીને હાલ્યા આવજો. પણ ઈવડા ઈ, હઈમજ્યે તૈંયેં ને? માટે અમારે અલગ રાજ્ય જોઇએ.
આપણા એક કટારીયા ભાઈએ કેવાં કારણો આપ્યા છે?
ગુજરાતથી અલગ સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન ધરાવતું સૌરાષ્ટ્ર કેમ અલગ રાજ્ય નહીં? જો કે સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ વિગેરેમાં શું અલગતા છે તે વિષે કટારીયા ભાઈએ ફોડ પાડ્યો નથી. ખાનપાન તો જીલ્લે જીલ્લે પણ અલગ હોઈ શકે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે. ભાવનગરીઓને સવારે ચા સાથે ગાંઠીયા જોઇએ. અને એ તો અમને અમદાવાદમાં પણ મળે છે. અને અમેરિકામાં પણ મળે છે. સુરેન્દ્ર નગર વાળાને પરાઠાં જોઇએ. અમરેલીવાળાને જમણમાં અચૂક રૉટલા જોઇએ. જ્યારે હળવદ ધ્રાંગધ્રા વાળાને સાંજે અચૂક મગનીદાળની ખીચડી જોઇએ. પોરબંદરવાળાને નાસ્તામાં ખાજાં જોઇએ.
હવે રીત રિવાજ તો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ હોય છે તેથી તેની વાત નહીં કરીએ. જો કે આ પણ રજણીશીયા તર્કના આધારે લક્ષ્યમાં લેવા જેવો મુદ્દો ખરો. એમ તો મહમદ અલી ઝીણા એ એમ જ કહ્યું હતું ને કે અમે મુસલમાનો અલગ સંસ્કૃતિ છીએ એટલે અમારે અલગ દેશ જોઇએ. જોકે તેમના પિતાજી અને દાદાશ્રી મજાના હળી મળીને રહેતા હતા.
વળી જો કાદુ મકરાણીને તેના વખતમાં ઝીણાભાઈ (મહમ્મદ અલી ઝીણા) જેવા કોઇએ જો કહ્યું હોત કે અલ્યા કાદુ, તું તો કંઈ કચ્છનો નથી. તું તો પાકિસ્તાની છે. આવી જા પકિસ્તાન ભેગો…. તો શું થાત? કાદુએ તો તેને ભડાકે દીધો હોત. આ વાત અવગણી શકાય તેમ નથી.
પણ આતો થઈ દેશ રાષ્ટ્રની વાત. સૌરાષ્ટ્ર માં રાષ્ટ્ર સમાયેલું છે. અને મહારાષ્ટ્રમાં એક રાજ્ય માત્ર સમાયેલું છે. મુંબઈ ઈલાકામાં રાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), મહા(રાષ્ટ્ર), રાજ(સ્થાન), સિન્ધુ(દેશ) સમાયેલા હતા. બધું જે તે સમયની સગવડતા પ્રમાણે હતું.
અમે કાઠીયાવાડીઓના દિલ અને અમારા દિલની વાત
હવે બાકી રહ્યા કળા વ્યવહાર અને રિવાજ. કળાને કોઇ બંધન હોતું નથી. વ્યવહાર ની વાત કરીએ. એટલે કે સંસ્કાર. આ વાતમાં થોડું તથ્ય ખરું. પણ એ તથ્ય તો આપણા કટારીયા ભાઈએ જે છે તેનાથી ઉંધું કહ્યું? તેમણે કહ્યું કે “ અમે તો તડ અને ફડ કહી દઈએ. દિલમાં એક વાત અને જીભ ઉપર બીજીવાત એવી બનાવટ અમને સૌરાષ્ટના લોકોને સદતી નથી. (એટલે કે અમે સૌરાષ્ટ્રના લોકો દિલનીવાત તડ અને ફડની રીતે કહી જ દઈએ).”
કાંતિ ભાઈ, તમે અહીં ભારે ભૂલ કરી છે. અમે કાઠીયાવાડીઓ ડીપ્લોમસીમાં ઉસ્તાદ છીએ. અમે અમારા મનની વાત કહેતા જ નથી. અમારા મનમાં શું છે એ જો અમે કહીએ તો અમે કાઠીયાવાડી નહીં. જેટલા અમારી પાઘડીમાં વળ તેનાથી વધુ અમારા પેટમાં વળ. આના તો અમે હજાર દાખલા આપી શકીએ. આ બાબતમાં તો ઓબામા અને ચર્ચીલ પણ અમારી આગળ પાણી ભરે હૉ! કોઈ મોટો અંગ્રેજ જેવો કે વાઈસરોય, ક્રીપ્સ, કે માઉન્ટ બેટન જ્યારે ભારત આવવા નિકળતા ત્યારે તેમને ઈંગ્લેન્ડમાં એક ખાસ શિખામણ અપાતી, કે જ્યારે તેઓ ગાંધી બાપુને મળે ત્યારે બોલવામાં બહુ સાવધ રહે. તેમની આગળ બહુ લાંબી ન ફાડે. કારણ કે એ ગાંધી બહુ અષ્ટકૂટ છે, એ તમને એવા સકંજામાં લેશે કે તમે છટકી નહીં શકો.
એટલે હું હમજ્યા તમે? આ ગાંધી ભલે વાણીયો પણ કાઠીયાવાડી ભાયડો હતો. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવશે તેની સાથે જ અમે કાઠીયાવાડીઓ કૂડાકપટ કરીશું. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવ્યો હોય, તેની સાથે અમે એવું કુડ કપટ કરીએ કે તે ભૉં ભેગો થઈ જાય.
હે કાન્તિભાઈ કટારીયા, જો તમને આ વાતની ખબર ન હોય તો તમે ભાવનગરનું બંદર પ્રભાશંકર પટ્ટણીએ કેવી રીતે બચાવ્યું તે વાત જાણી લેજો. વળી હા, અમારા બોલવામાં જરા પણ ગુજરાતી (અમદાવાદી-સુરતી) જેવું બરછટપણું (એગ્રીકલ્ચર) નહીં.. આ તો તમે અમારા મોઢામાં આંગળા નાખી બોલાવો છો એટલે તમને કહીએ છીએ. અમે આપબડાશ મારીએ નહીં.
કાન્તિભાઈએ તો જે તડ અને ફડ વાળી અમારા માટે વાત કરી એ તો એમની દાળમાં કોળું ગયું. આ “તડ અને ફડ” ના લખવાવાળા તો ગુજરાતી અને પાકા ગુજરાતી છે. આ “તડ અને ફડ” વાળા કટારીયા તો કટોકટી વખતે કઈ તડમાં પેસી ગયા હતા તે રામ જાણે. “તડ અને ફડ” તમ ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત મેહાણા અને ચરોતર સુધીમાં વ્યાપક છે. હુર્તીઓ ગાળો બોલે ખરા પણ એ તો બહુ ભાઈબંધી થઈ ગઈ હોય તો, અથવા દુશ્મનાવટ થઈ હોય તો જ.
અમારા આ કટારીયા ભાઈ કહે છે કે નરેન્દ્ર મોદીનું વડનગરી કલ્ચર એટલે હુક્કુ ભઠ્ઠ.
ભાઈ, કાન્તિ, આવું બધું તમે બોલો એ કાંતો મુંબઈ કે અમદાવાદની અસર છે. કાઠીયાવાડી કે કચ્છી આવી ભાષા ન વાપરે. અમે તો જેનું જે સારું હોય તે જ જોઇએ. અરે અમે તો કચ્છ વિષે પણ એમ જ કહીયે કે “કચ્છડો બારે માસ”( શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કછડો બારે માસ). અમે મરતાને મર ન કહીયે.
અમે એવું માનતા નથી કે નરેન્દ્ર ભાઈ મોદી હુક્કા ભઠ્ઠ છે. અને જીવરાજ મહેતા કે જે સૌરાષ્ટ્ર હોવાના એક માત્ર કારણથી ભલા ભોળા અને પ્રેમાળ હતા એવું પણ અમે માનતા નથી.
જીવરાજ મહેતા ધારોકે કે ભલા કે અથવા ભોળા હતા, તેટલા માત્રથી તમે એમ સિદ્ધ થયેલું માની ન શકો કે નરેન્દ્ર ભાઈ તેનાથી ઉંધા છે. આ તમારું કેવી જાતનું લોજીક છે? અમારું કાઠીયાવાડી લોજીક આવું ન હોય. આ તો રજનીશીયા કે અંગ્રેજીયા લોજીક છે કે ભળતી વાત કરીને ભળતો આભાસ ઉભો કરવો અને પછી એ જ આભાસને અધાર માની મનફાવે તેવી તારવણી કરવી. જીવરાજ ભાઈ તો નહેરુના ખાસ માણસ હતા. મોરારજી દેસાઈએ નાણાપ્રધાન તરીકે ગુજરાતને નવું રાજ્ય થયા પછી સરકારી નોકરોના પગાર વધારવા માટે ગ્રાન્ટ આપેલી. આ ગ્રાન્ટ તેમણે કેન્દ્ર સરકારને પરત કરેલી. આવા તો તે ભલા હતા. વળી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે (ઠાકોરભાઈ દેસાઈ) કહેલ કે તમે, જેઓ ઉપર આક્ષેપો છે તેવાઓને પ્રધાનમંડળમાં ન લેશો. પણ તેમણે તેમને ધરાર લીધેલા (રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ), આવા તો એ ભોળા હતા. તમારી ભલા અને ભોળાની વ્યાખ્યા ઈન્દીરાઈ લાગે છે.
આમ પણ ગુજરાત રાજ્યે ઘણું ગુમાવ્યું છે. એ વાત ક્યારેક કરીશું.
નહેરુએ જીવરાજભાઈને પછી યુકે ના હાઈકમિશ્નર તરીકે મુકેલા. અને જ્યારે ઈન્દીરા ગાંધીએ બળવો કરીને પોતાની નહેરુવીયન કોંગ્રેસ રચી ત્યારે આ જ જીવરાજભાઈ અને રસિકભાઈ એન્ડ કું., તે કોંગ્રેસમાં કૂદી પડેલા. આને તમે શું કહેશો? ભોળપણ કે ભલાઈ?
કટારીયા ભાઈ, તમને ખબર નહીં હોય પણ નરેન્દ્રભાઈ બાળકોમાં અત્યંત પ્રિય છે. આ નરેન્દ્રભાઈ તો શાળાના બાળકો સાથે સીધી વાતો કરે છે. શાળા ઉત્સવો કરી તેઓ પોતે બાળકોને તેડીને લઈ જાય છે. આવું તો બાલદિનવાળા નહેરુએ પણ કર્યું ન હતું. જો કે ઓબામા બાળકો સાથે સીધી વાતો કરે છે. નહેરુ પણ કરી શક્યા હોત.
તો શું આ કટારીયા ભાઈ આ બધું નહીં જાણતા હોય?
જાણતા હોય પણ ખરા. પણ તેમનો પોતાનો જાત અનુભવ નથી ને, એટલે કદાચ એમ કહેતા હોય !!
પણ કટારીયા ભાઈ તો નરેન્દ્ર મોદીથી ઉંમરમાં ઘણા મોટા છે. એટલે જ્યારે કટારીયાભાઈ બાળક હતા ત્યારે નરેન્દ્ર મોદી તેમને કેવી રીતે આવો અનુભવ કરાવી શકે?
કટારીયાભાઈ શું કહે છેઃ “ એ હું કંઈ ન જાણું. મેં જે કહ્યું તે બ્રહ્મ સત્ય. અને સત્યને કાળનું બંધન હોતું નથી.” ઈતિ સિદ્ધમ્.
અરે ભાઈ તમારે જીવરાજ મહેતાને જે કહેવું હોય તે કહો. પણ જીવરાજ મહેતા અમુક હતા અને તેથી કરીને નરેન્દ્રભાઈ તે નથી એવું કહીને નરેન્દ્રભાઈ મોદીને ગોદા શા માટે મારી લો છો?
અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા ચીફ મીનીસ્ટરો થયા? જીવરાજ મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ, અમરસિંહ છબીલભાઈ મહેતા, સુરેશ મહેતા, દિલિપભાઈ પરિખ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી. આ તેરમાંથી સાત ચીફ મીનીસ્ટરો તો સૌરાષ્ટ્ર-કચ્છના જ હતા. એટલે સૌરાષ્ટ્રને અન્યાય થાય તેવી કોઈ વાત કરીએ તો સૌરાષ્ટ્રની જ બુરાઈ કરી કહેવાય. અરે આખું ગાંધીનગર મંકોડી, મચ્છર, માંકડ, અન્જારીયા, અંધારીયા, સરવૈયા, ચૂડાસમા, દવે, રાવલ, બુચ, પરમાર, રાયજાદા, જાડેજા, ગોહેલ. વિગેરેથી ભરેલું છે. અને બધો વહીવટ તેઓ જ કરેછે. લ્યો હાઉં!
નરેદ્ન્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિકાસ કર્યો છે તે ઉપરથી એમ તો ન જ કહેવાય કે નરેન્દ્ર ભાઈ ભેદભાવ રાખે છે. અમારે પડાણાના (જામનગર) ભાઈઓ તો ખુશખુશાલ છે. અમારો મજોકૉઠો (મચ્છુ કાંઠો) પણ ખુશખુશાલ છે. અમારે ધોલેરાથી ઘોઘા થઈને એય સોમનાથ દાદા, દ્વારકા અને માંડવી સુધી અમારે ઘણી પ્રગતિ થઈ છે અને પવન ચક્કીઓ વીંઝોણા કરેછે. આવું કરતાં જીવાભાઈને કે હિતુભાઈને કે ચિમણરાવને કોણે રોક્યા હતા?
પણ એ બધી વાત્યું જાવા દ્યો. અમે કાઠીયાવડીઓ અને કચ્છીઓ દિલના ઉદાર છીએ. ભલાઈનો બદલો ભલાઈ જ વાળીએ છીએ. અમે એવા ન ગુણા નથી. અરે અમે તો દુશ્મની પણ વાત જે તે વાત પુરતી મર્યાદિત રાખીએ છીએ. જોગીદાસ ખુમાણની વાત તો તમે જાણી જ હશે. વહેવાર એટલે વહેવાર. અને વટના કટકા એટલે વટના કટકા.
ભારતી ભોમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
અમે મુંબઈ હોઈએ કે મોંબાસા, અમદાવાદ હોઈએ કે અમેરિકા, અમે અમારી ચાલ (ચરિત્ર) ન બદલીયે (રેલગાડીને ઉપડી જવું હોય તો ઉપડી જાય પણ અમે તેને પકડવા અમારી ચાલ ન બદલીયે). હા અમે વટના કટકા.
વસ્તીને અલગ રાજ્યનો શું આધાર બનાવી શકાય? નાજી. એક માત્ર વસ્તીને આધાર ન બનાવી શકાય. જો આવું કરીયે તો મુંબઈના જ અનેક ભાષા વાળા રાજ્યો થઈ જાય. વિસ્તાર અને વસ્તીના સુયોગ્ય માપદંડ વાપરીને એક ભાષા હોય તો પણ તેનું વિભાજન કરી શકાય. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુ.પી. છે. પૂર્વ યુ.પી. અને પશ્ચિમ યુ.પી.
ભૌગોલિક સ્રોતો અને આધારે અને ભૌગોલિક અસમાનતાના આધારે શું અલગ રાજ્ય કરી શકાય? એટલે કે એક રાજ્ય નો એક વિસ્તાર પહાડી હોય અને બીજો મૈદાની હોય, એક હિસ્સમાં ઘણા ખનિજ તત્વોની ખાણ હોય અને બીજામાં કૃષિ ઉત્પાદન થતું હોય તો શું તેને અલગ કરી શકાય? નાજી આ આધારો વાહિયાત છે. જો આવો અલગતાવાદ પોષવામાં આવે તો જેમ નિતીશકુમારે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને ગુજરાતની મદદ લેવાની ના પાડી, તેમ એક રાજ્ય રાજકીય મડાગાંઠ ઉભી થાય ત્યારે બીજા રાજ્યનો બહિસ્કાર કરે. નહેરુવીયન કોંગ્રેસ જેવી જો કેન્દ્ર સરકાર હોય તો તે તેમાં સુર પણ પુરાવે. ઈન્દીરા ગાંધીએ જેમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પ્રોજેક્ટને ટલ્લે ચડાવેલ તે આપણે જાણીએ છીએ.
ટૂંકમાં સંસ્કૃતિ, વ્યવહાર, ટેવ, ખાણી પીણી, રિવાજ જુદા હોય પણ જો ભાષા એક હોય તો એક રાજ્યમાં કશો વાંધો ન આવે. કારણ કે મુખ્ય સમસ્યા ભાષાની હોય છે. કચ્છી ભાઈઓની બોલી અલગ છે. પણ કચ્છી ભાષામાં કોઈ કાયદાઓ લખાયા નથી. તમે શું કરશો? તમે કચ્છીમાં કાયદા લખાવશો? પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપશો? સૌરાષ્ટ્રની તો ગુજરાતી ભાષા જ, ગુજરાતીઓ માત્ર કરતાં વધુ શુદ્ધ અને સમૃદ્ધ છે. રાજ્યોનું અલગ પણું બોલીની રીત, કે રિવાજો વિગેરેથી અલગ ન પાડી શકાય. ગુજરાતના પૂર્વનો કિનારો આદિવાસી છે. દરિયા કિનારો માછીમારો નો છે. શું તમે તેમને પણ ગુજરાત, સૌરાષ્ટ્ર બનાવ્યા પછી અલગ રાજ્ય આપશો? તો તો તમારે જીલ્લે જીલ્લે અને જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ રાજ્યો કરવા પડશે.
વધુ માટે વાંચો આની અગાઉની પોસ્ટ જે મેં “THE INDIANS” તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૦૯ના રો જ લખેલી તે અહીં શૅર કરી છે. “હમારી ભી સૂનો … “
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
કચ્છમાં ડોંગરે મહારાજની કથા ચાલે છે.
ડોંગરે મહારાજઃ “અને મારા કાનાનું મુખારવિંદ જોઇને રાધાજી હસ્યાં.. “
“હેં! આ મુખારવિંદ એટલે શું?” એક બેને બીજા બેનને પૂછ્યું
“ઠાકોરજીજો ડાચો?” બીજા બેને જવાબ આપ્યો.
ટેગ્ઝઃ ભાષા, રાજ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ, સોરઠ, ગુજરાત, વાગડ, અલગ, પૂનર્ રચના, આધાર, સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન, અખબારી કટારીયા, મૂર્ધન્ય, રજનીશીયા, ઈન્દીરા, નહેરુવીયન,