સ્માર્ટ સીટીનું બભમ બભમ
“સ્માર્ટ સીટી”ના ગુણધર્મો, વ્યાખ્યા અને વિવરણ આપણને “ઓલ ઈન વન” જેવા લાગશે પણ સમજી લો એ બધું ભ્રામક છે. જે ગુણધર્મો બતાવ્યા છે તે સરકારી શબ્દોમાં છે. સરકારી શબ્દો અને વાક્ય રચના હમેશા અસ્પષ્ટ છે અને ભ્રામક હોય છે.
તમે શી આશા રાખો છો?
જેની માંદગી દૂર થઈ નથી તેવા માંદા માણસને, તમે દોડવાનું કહી શકશો? જો તે દોડશે તો તે અમદાવાદથી મુંબઈ ક્યારે પહોંચશે? જે વ્યક્તિ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ભદ્ર સુધી દોડી શકતો નથી તે શું મુંબઈ સુધી દોડશે?
જે માણસ અભણ છે અને જે ખેતરનું ક્ષેત્રફળ શોધવા સક્ષમ નથી તેને તમે પૃથ્વિથી ચંદ્રનું અંતર માપવાની રીત શોધવાનું કહી શકશો?
જે ચોર છે તેને તમે તિજોરી સાચવાનું કામ સોંપી શકશો?
આ વાત સમજો.
જેને ત્યાં ચોરી થઈ છે તે ફરીયાદી હાજર છે,
જે ચોકીદાર હતો અને જેની ડ્યુટી હતી રખેવાળી કરવાની તે હાજર છે,
જે ચોર હતો અને ચોરી કરી હતી તે હાજર છે,
ચોરીનો માલ હાજર છે,
જે ન્યાયધીશે ચોરને સજા કરવાની હતી તે પણ હાજર છે.
તો હવે બાકી શું રહ્યું?
સજા કરવાની ક્રિયા બાકી રહી,
તો શું સજા થઈ?
ના જી અને હા જી,
સજા તો થાય છે. પણ કોને?
ચોરને સજા થતી નથી.
જે ચોકીદારે ફરજ ન બજાવી તે ચોકીદારને પણ સજા થતી નથી.
જે ચોરીનો માલ છે તે પણ તેના માલિકને એટલે કે ફરિયાદીને પાછો મળતો નથી.
તે માલ ચોરને જ રાખવાનું કહેવાય છે.
પણ જેનો માલ ચોરાયો હતો તેને સજા થાય છે. તેને એવું કહેવામાં આવે છે કે “તમારી અને ચોર વચ્ચે જે કંઈ બન્યું તેમાં ચોકીદારને નુકશાન થયું છે. આવા તો હજારો લાખો ચોર છે એમાં અમે અમારો સમય બરબાદ કરવામાં માનતા નથી. એટલે આ નુકશાન જેને લૂંટવામાં આવ્યો છે તેણે એટલે કે લૂંટાયેલ વ્યક્તિએ “ઈમ્પેક્ટ ફી” તરીકે ચોકીદારને અમૂક રકમ આપી દેવી.
ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ અને ફૂટપાથો પર ફેરિયાઓ તથા દુકાનદારો દ્વારા દબાણ, માન્ય એફ એસ આઈ કરતાં વધુ બાંધકામ કરવું, રસ્તાઓ સાંકડા અને ભીડભાડ વાળા થઈ જાય તેવા ગેરકાયદેસર નિર્ણયો લેવા, આ બધું સરકારી નોકરોના અને સ્થાપિત હિતોના સંસ્કાર થઈ ગયા છે. આ વિષયમાં આપણી બ્લોગસાઈટ ઉપર અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. તેથી તેની વિગતોમાં ઉતરીશું નહીં. પણ સરકારી નોકરો દ્વારા કામની વ્યાખ્યાઓ કરાવવી અને તેમની દ્વારા જ “સ્કૉપ ઑફ વર્ક” નક્કી કરાવવું એ વ્યર્થ છે. પણ આવું જ થાય છે કારણ કે જરુર પડે સરકારે પોતાનો કેસ ન્યાયાલયમાં સુનિશ્ચિત રીતે હારી જવાની તૈયારીમાં રહેવાનું હોય છે.
મુંબઈના “રીડેવલપમેંટને લગતા કાયદાઓ” જુઓ, કે અમદાવાદના “સીજી રોડ રોડની દશા” જુઓ, કે પ્રેમચંદનગર રોડની દશા જુઓ કે અમદાવાદના કોઈપણ રોડની દશા જુઓ કે રેસ્ટોરાંમાં પડતા દરોડાઓ જુઓ કે ખાણીપીણીના ખૂમચાઓ, લારીઓ, ગલ્લાઓએ કરેલા દબાણો જુઓ, બધે જ સરકારી (મ્યુનીસીપાલી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આરટીઓ, ટ્રાફિક પોલીસ, ન્યાયાલય, ગાંધીનગરનું સચિવાલય અને અસામાજીક તત્વો ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના કામ માટેની મિલીબહગત છે.
“લૂંટ કરવી એ અમારો હક્ક છે”
કોઈપણ કામ ખરાબ અને ખોટી રીતે કરવું એમાં સરકારી નોકરો નિપૂણ છે. સરકારી નોકરોમાં સાદા કર્મચારીઓ જ નહીં પણ સર્વોચ્ચ અધિકારીઓનો અને મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉચ્ચસ્તર પર બેઠેલા અધિકારીઓ ક્ષતિપૂર્ણ “સ્કૉપ ઑફ વર્ક” બનાવે જેથી નીચેના સ્તરના નોકરો ખાયકી કરી શકે, અને સૌને પોતાનો હિસ્સો મળ્યા કરે.
એક દાખલોઃ
ટ્રાફીક પોલીસને કેમેરા (મોબાઈલ) આપી દો એટલે તે ખોટી રીતે પાર્ક થયેલા વાહનનો ફોટો પાડી દંડ વસુલ કરી શકે. આ દંડની રકમ વાહનના માલિકના ઘરે ટીકીટ મોકલી કે વાહન ચાલક પાસેથી ઓન લાઈન પણ વસુલ કરી શકે. વાહનનો ફોટો પાડવો એ કામ ટ્રાફિક પોલીસને સોંપો એટલે “”કોઈ વાહનનો ફોટો પાડવો કે ન પાડવો” એ ટ્રાફિક પોલીસની મુનસફ્ફી પર નિર્ભર રહે અને તેની ખાયકી ચાલુ રહે.
વધુ એક દાખલોઃ
સરકારે વિચાર્યું કે આપણે જનતાનું સ્વાસ્થ્ય સારું રહે માટે “ફાર્મ ફ્રેશ વેજીટૅબલ માર્કેટ” બનાવીએ. એટલે સરકારે દાખલા તરીકે વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ-૧૫) પાસે એક પ્લોટને નક્કી કર્યો. આ પ્લોટ મ્યુનીસીપાલીટીનો હતો.
અમદાવાદની વાત સમજીએ તે પહેલાં આ “ફાર્મફ્રેશ વેજીટેબલ માર્કેટ” વિકસિત દેશોમાં કેવીરીતે ચાલે છે તે આપણે જોઇ લઈએ.
ફાર્મ ફ્રેશ માર્કેટ (અમેરિકા)
કોઈ એક ખુલ્લી જગ્યા તો વિદેશમાં પણ નક્કી થાય છે. પણ ત્યાં જમીનને બરાબર સમતલ અને મજબુત (ક્ઠણ) બનાવવામાં આવે છે. પછી જમીનના આખા પ્લોટ ઉપર ઈન્ટરલોકીંગ સીમેંટની ઈંટો પાથરવામાં આવે છે. ખેડૂતોના માલ અને માલના વાહનના પાર્કીંગ માટે પદ્ધતિસરનું પ્લાનીંગ વાળું દેખી શકાય તેવું સુવ્યવસ્થિત માર્કીંગ કરવામાં આવે છે. જે ગ્રાહકો આવે તેમના વાહનો માટે પણ અલગ રીતે સુવ્યવસ્થિત રીતે દેખી શકાય તેવું માર્કીંગ કરવામાં આવે છે. દરેક સ્ટૉલ પાસે એક સ્વચ્છ અને સુંદર કચરા પેટી હોય છે.
અમદાવાદમાં સરકારે શું કર્યું?
વસ્ત્રાપુર તળાવ સામે એક ખાલી પ્લોટ તો સુનિશ્ચિત કર્યો.
આ એક ખાડા ટેકરા થી ભરપૂર પ્લોટ હતો.
તેને સમતલ કર્યો?
નાજી. હરિ હરિ કરો…
જમીનને મજબુત કરી?
નાજી. હરિ હરિ કરો…
તેના ઉપર ઇન્ટ્રલૉકીંગ ઈંટો પાથરી?
નાજી. હરિ હરિ કરો …
સ્ટોલમાટે માર્કીંગ કર્યું?
નાજી. હરિ હરિ કરો …
સ્ટોલના ખેડૂતના વાહન માટે પાર્કીંગનું માર્કીંગ કર્યું?
નાજી. હરિ હરિ કરો …
ગ્રાહકોના વાહનના પાર્કીંગ માટે માર્કીંગ કર્યું?
નાજી. હરિ હરિ કરો.
તો પછી કર્યું શું?
“ફાર્મ ફ્રેશ માર્કેટ” માટેનો કોંટ્રાક્ટ આપી દીધો
કોંટ્રાક્ટરે શું કર્યું?
પ્લૉટની અંદર બહારના રોડને સમાંતર એક પાંચેક મીટરની પહોળાઈવાળું અને ૨૫/૩૦મીટરની લંબાઈમાં લીલુ શણીયા જેવું કપડું સીધે સીધું પાથરી દીધું. તે કપડું ખસી ન જાય તે માટે ફાવે તેમ ખીલાઓ ઠોકી દીધા. ગ્રાહકો અને વેપારી ઉપર તડકો ન આવે તે માટે લાંબા પહોળા શણીયાના ટૂકડાઓ થાંભલાના સહારે બાંધી દીધાં. ભાડું પણ કોંટ્રાક્ટર જ વસુલ કરે. વાત પૂરી.
એક વાર છાપામાં જાહેરાત પણ આપી દીધી. જેમણે તે દિવસનું જે તે છાપુ વાંચ્યું અને જાહેરાત વાંચી, અને તેમાંથી જેમને રસ હતો તેવા લોકો “ફાર્મ-ફ્રેશ” શાકભાજી ખરીદવા ગયા. આ માર્કેટ ફક્ત શનિ-રવિ માટે જ હતું. શરુઆતમાં પચાસેક લારીઓ હતી. પછી ધીમે ધીમે લારીઓ ઘટતી ગઈ.
લારીઓની કે શાક રાખવા માટેના ટેબલો સંખ્યા લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ. કોંટ્રાક્ટર કહે કે તમે ભલે શનિ-રવિ શાકભાજી વેચો, હું તો અઠવાડીયાના બધા દિવસો લેખે જ ભાડું લઈશ. સરકારે આદત પ્રમાણે કોંટ્રાક્ટરના હિતમાં સુર પૂરાવ્યો. એવું કહેવાય છે કે સર્વોચ્ચ સાહેબ બદલાઈ ગયા. (નવા વહેવારની ચર્ચા કોઈએ કરવી કે નહીં?) વાતની વિગતમાં આપણે નહીં જઈએ. પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોએ ત્યાં શાક વેચવાનું બંધ કર્યું. ખેડૂતો વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ પર આવી ગયા. ગયે શનિવારે અમે શાકલેવા ગયા ત્યારે ખેડૂતો રસ્તા ઉપર શાક વેચતા હતા. એક વાત નોંધવા જેવી છે કે આ “ફાર્મ-ફ્રેશ” શાક-ભાજીની ગુણવત્તા બીજા લારી વાળાઓ કરતાં સારી હોય છે. શાકભાજીનો ભાવ પણ યથા યોગ્ય હોય છે.
અમારા જેવા ગ્રાહકો ખુશ હતા કે ચાલો અમદાવાદમાં એક વિશ્વસનીય માર્કેટ તો થયું. પણ સરકારી અધિકારીઓની અધકચરી નીતિને કારણે “ફાર્મ-ફ્રેશ” માર્કેટ મૃત્યુને આરે આવી ગયું.
વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ ઉપર આ માર્કેટ ચાલુ રહેશે?
આ માટે તો જ્યોતિષશાસ્ત્રીઓને પૂછવું પડશે.
આમ તો બપોરથી શરુ કરી રાત્રીના ૧૦/૧૧ વાગ્યા સુધી અહીં ખૂમચાવાળાઓ, લારીવાળાઓ સહિત ફૂટપાથીયા ખાણીપીણીના ટેબલ ખૂરસીઓ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ જાય છે. ગુન્ડાઓને કોણ વધુ ભાડું આપશે તેના ઉપર પણ આધાર હોઈ શકે છે(!!). ભાઈ, કશું મફત થતું નથી.
જે સરકારી અધિકારીઓ એક સુવ્યવસ્થિત “ફાર્મ-ફ્રેશ વેજીટેબલ માર્કેટ” ન બનાવી શકે તેઓ આખા નગરને સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે?
જે સરકારી અધિકારીઓમાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની પહોંચ નથી તેઓ સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે? નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે “જેઓમાં પાદવાની પહોંચ નથી, તેઓના નામ તમે તોપખાનામાં નોંધાવી ન શકો.”
અથવા તો પછી એવું થશે કે જેમ મનમોહન સિંહે જાહેર કરેલ કે “અમે ગઈ ચૂંટણીમાં જે કંઈ વચનો આપેલાં તે બધાં પૂરા કરી દીધા છે.” વચનો તો બધા બભમ બભમ હોય છે. વચનોમાં વચન જેવું કશું હોતું નથી. ઈન્દિરાએ કહ્યું (૧૯૭૦) ”હું કહું છું ગરીબી હટાવો તેઓ કહે છે ઈન્દિરા હટાવો.” તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૨૫+ વર્ષ રાજ કર્યું પણ ગરીબી તો ન જ હટી. અને મનમોહને કહ્યું કે અમે બધા વચનો પૂરા કરી દીધા છે. કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.
જો રસ્તા ઉપરથી ઢોર હટાવવાની વાત હોય તો સરકારી નોકરો કહેશે કે અમે આ વરસમાં અત્યાર સુધીમાં “આટલા” ઢોર હટાવેલ અને “આટલો” દંડ વસુલ કરેલ. “આટલા” કૂતરા પકડેલ અને “આટલા” કૂતરાને ખસી કરેલ અને “આટલી” કૂતરીઓને કોપર ટી મૂકેલ. અમે સ્વચ્છતા માટે “આટલી” માનવ સાંકળો રચેલ અને “આટલી” જન જાગૃતિની મીટીંગો કરેલ. “આટલી” જગ્યાઓ ઉપર અમે કચરા પેટી મૂકેલ અને “આટલા” ટન કચરાનું સ્થળાંતર કરેલ.
અરે ભાઈ તમે કોઈ પણ એક દિવસ, વીડિયો કેમેરા લઈને નિકળો અને જુઓ કે કેટલા ઢોર રસ્તા ઉપર છે, કેટલા કૂતરાઓ રસ્તા ઉપર છે, કેટલો કચરો રસ્તા ઉપર છે …. રસ્તાની હાલત તો વાત જ જવા દો.
“ … કોઈની તાકાત નથી ….” નરેન્દ્ર મોદી
“જો દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે પોતે રસ્તા ઉપર કચરો નહીં નાખે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તે ભારતને સ્વચ્છ થતું રોકી શકે” આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. નરેન્દ્ર મોદીનું ઉચ્ચારણ એમ હોવું જોઇએ કે “જે સરકારી નોકરોને જે કામ કરવા માટે વેતન મળે છે તે કામ જો તેઓ નહીં કરે તો તત્કાલ તેઓ અચૂક ઘર ભેગા થશે. અને ખાલી પડેલી જગ્યા ઉપર જેઓ વેઈટીંગ લીસ્ટ ઉપર છે તેઓને તત્કાલ નોકરી માટે લેવામાં આવશે. મોટો ચમરબંધી અધિકારી હશે તેની પણ આવી જ દશા થશે.” જો આવું થશે તો જનતા જ કહેશે કે “ભારત સ્વચ્છ થયું છે.”
જેઓને કામ કરવાની સામે વેતન મળે છે તેને દંડિત કરો
જે પ્રાણીઓને પાળવામાં આવે છે તેઓ જન્મે કે તરત જ તેમનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. જો વાહનોનું રજીસ્ટ્રેશન થતુ હોય તો જે હળનું વહન કરે છે, જે દૂધનું વહન કરે છે, જે માલનું વહન કરે છે, જે મનુષ્યનું વહન કરે છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર આપવા જોઇએ. આમ કરવાથી તે કતલ ખાને પણ જશે નહીં અને રસ્તાઓ ઉપર અડ્ડો પણ જમાવી શકશે નહીં.
જોકે પ્રાણીઓને રજીસ્ટ્રેશન નંબર આપવાથી કેટલાક પંચાતિયા લોકો અનેક પ્રશ્નો ઉભા કરશે.
જેમકે નંબર ક્યાં લગાવવો?
સમાચાર માધ્યમોને, કેટલાક કટારીયા લેખકોને, એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને અનેક વાંધા પડશે. જો તમે પશુનો રજીસ્ટ્રેશન નંબર ઓઈલપેન્ટથી લખશો તો તે ભૂસાઈ જશે, જો તેને ડામ દઈને લખશો તો એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને વાંધા પડશે. જો તમે પશુના ગળે નંબર પ્લેટ બાંધશો તો તે ક્યાંક ભરાઈ જવાના બનાવટી પ્રસંગો બનશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના જેવા “જૈસે થે” માનસિકતા વાળા રસ્તા ઉપર આવી જશે. પણ આ બધાનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવું પડશે.
ગુનો કર્યો એટલે દંડાયો જ
રોડ ટ્રાફિકને સીસીટીવી કેમેરાની પ્રોગ્રામ્ડ સીસ્ટમ દ્વારા મોનીટર કરી શકાય છે, આ સીસ્ટમ દ્વારા જ, મારામાર (પૂરપાટ) બાઈક ચલાવનારા, બાઈક ઉપર સ્ટંટ કરનારા, અવારનવાર લેવા દેવા વગર લેન ચેન્જ કરનારા, ખોટી દિશામાંથી ઓવરટેક કરનારા, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઓવર લોડ કરનારા, સીગ્નલને તોડનારા, સીગ્નલ પાસે ડાબી બાજુની લેનને બ્લોક કરનારા, સ્પીડ લીમીટ થી ૧૦ટકા વધુ સ્પીડથી ગાડી ચલાવનારા, આડેધડ પાર્કીંગ કરનારા, સફાઈ કોન્ટ્રાક્ટરોના ગાર્બેજ ટ્ર્કને ઓવર લોડ કરનારા અને રસ્તા ઉપર કચરો વેરનારા, દબાણ કરનારા, ચોરી કરનારા સૌને ૧૦૦ ટકા દંડિત કરી શકાય છે. ગુનો કર્યો એટલે દંડાયો જ, એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. પણ સરકારને કરવી નથી. (નોકરો કહે છે અમે લૂંટીશું કેવી રીતે?)
જો આમ કરવામાં આવશે તો જ લોકોમાં રહેલી અરાજકતા અને અસામાજીક વર્તણુક દૂર થશે. જનતા કાયદાનું પાલન કરે તે જોવાની જેમની ડ્યુટી છે અને જેમને તે માટે પૈસા ચૂકવવામાં આવે છે તેમને જ્યાં સુધી દંડવામાં નહીં આવે ત્યાં સુધી “જનતાએ સુધરવું જોઇએ” એવી વાતો કરવી એ સરકારી નોકરોને છાવરવાની વાત છે.
કામનો બોજો કર્મચારીને બહાનાખોર બનાવે છે
જો તમે કામ ન કરો અથવા તો તમારા બોસે ચીંધેલુ જ કામ કરો અને બીજું તમારી ફરજમાં આવતું તમારું કામ ન કરો અથવા તો આરામથી કરો તો કામનો બોજ વધ્યા કરે છે અને તેથી કામનો ભાર લાગવા માંડે છે. જ્યારે કામ બોજા રુપ થઈ જાય ત્યારે તમારા કામમાં ક્ષતિઓ આવવાની છે. એટલે તમે કામ ઓછું કરવાના કે ન કરવાના બહાના શોધો છો. તમે ફરીયાદી થઈ જાઓ છો. તમારી વિચાર શક્તિ ઘટે છે અને તમારી કુશળતા પણ ઘટે છે. સરકારી નોકરોને સરકારે આવા કરી દીધા છે. આમાં ન્યાયાધિશો પણ આવી જાય છે.
તમે દારુની મહેફિલમાં મજા માણતા પકડાયેલા માલેતુજારોને લગતા સમાચારો વાંચ્યા હશે. પણ તમે તેના કેસ કેવી રીતે ચાલે છે, કેસની કૉર્ટની કાર્યવાહી કેવીરીતે ચાલે છે, તેના વાર્તાલાપો, દલીલો અને ન્યાયાધીશના ચૂકાદાઓની વિગતો તમને સમાચાર માધ્યમો દ્વારા જાણવા નહીં મળે. આ બધું બાંધી મુઠ્ઠીમાં રહેશે. ભાઈ કશું મફત થતું નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સ્માર્ટ સીટી, ગુણધર્મો, પાદવાની પહોંચ, તોપખાનુ, ચોર, ચોકીદાર, માલિક, ન્યાયાધીશ, ચોરીનો માલ, સજા, ઇમ્પેક્ટ ફી, રીડેવેલપમેન્ટ, અમદાવાદ, મુંબઈ, ખાણી પીણી, ગલ્લા, ખૂમચા, દબાણ, ગેરકાયદેસર, પ્રેમચંદનગર રોડ, સીજી રોડ, એસ જી રોડ, ટ્રાફિક પોલીસ, મોબાઈલ, સચિવાલય, સરકારી નોકરો, વાહન, પશુ, વસ્ત્રાપુર, ફાર્મ ફ્રેશ વેજીટેબલ માર્કેટ, ઈંટરલોકીંગ ઈંટો, ખેડૂત, પાર્કીંગ, સુવ્યવસ્થિત, હરિ હરિ, શાકભાજી