Feeds:
Posts
Comments

Posts Tagged ‘શાસન’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

વપરાશના મકાન વિષે ગાંધીજીના ખ્યાલોઃ

દરેક મકાનમાં હવા ઉજાસ હોવા જોઇએ,

સૂર્યનો તડકો આવવો જોઇએ,

આકાશ જોઈ શકાતું હોવું જોઇએ,

સંડાશ હોવું જોઇએ,

નાના બાળકને રમવા માટે મોકળાશ હોવી જોઇએ,

મકાનની કિમત રુપીયા ૫૦૦થી વધુ ન હોવી જોઇએ.

આપણે તેમાં ઉમેરીએ કે:

મકાનમાં ગીલેરી હોવી જોઇએ,

મકાનની એક બાજુ સુદૂર સુધી ખુલ્લી જગ્યા હોવી જોઇએ,

હવાની અવરજવર થઈ શકે તે માટે હવાને આવવા જવાનો રસ્તો હોવો જોઇએ,

મકાનના રહેવાસીઓ પોતાને કોમ્યુનીટીમાં રહે છે અને સાથે સંવાદ કરી શકે છે તેવી સગવડ હોવી જોઇએ,

શાળા નજીક હોવી જોઇએ,

દુકાનો નજીક હોવી જોઇએ

પાણીના નળ હોવા જોઇએ,

પાણીના નિકાલની સગવડ હોવી જોઇએ,

શાસન સાથે સંવાદ કરવાની અને સમસ્યાનું નિરાકરણ કરવાની સગવડ હોવી જોઇએ,

સામાજીક સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા હોવી જોઇએ.

રહેણાંકની ગોઠવણ

રહેણાંક કોલા ક્ર્મ ૫,૬,૭, અને ૮ની ગોઠવણને આપણે એક મોડ્યુલ ગોઠવણ કહીશું. આ ગોઠવણ અનેક પ્રકારે થઈ શકે.

રહેણાંકના કોલાઓની ગોઠવણ કઈ કઈ રીતે થઈ શકે તે નીચેના ચિત્રમાં બતાવ્યું છે.

ત્રણ અને ચાર કોલાને પણ ગ્રુપમાં લઈ શકાય.

શાસન શું આપશે?

શાસન ફક્ત દિવાલ વગરના કોલાઓ આપશે.

ધારો કે ત્રણ કોલાનું એક મંડળ લીધું છે. અને એક કુટૂંબને બે કોલા આપ્યા અને એક કુટૂંબને એક કોલો આપ્યો. આવા સંજોગામાં બે કુટૂંબની કોમન દિવાલ શાસન બનાવી આપશે.

દરેક કોલાઓ ની બહારની દિશાઓમાં લોખંડની જાળીઓ આરસીસી પીલરમાં કે ગેલેરીના આરસીસી વર્કમાં ફીટ કરીને આપવામાં આવશે. આ બહારની દિશામાં પડતી આ જાળીઓને જો તેઓ ગેલેરીમાં હશે તો તેને ચણતરથી બંધ કરી શકાશે નહીં. પણ બીમ ઉપર દિવાલ બનાવી શકાશે.

ગ્રામ્ય વિસ્તારના નવસંરચના સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો એક પ્લાન નીચે આપેલો છે.

જમીન તળ

પશુપાલકોના અને કૃષકોના ઢોર તથા તેમના રહેઠાણ દર્શાવેલા છે. કારીગરો અને માલધારીઓના રહેઠાણો સામે સામે છે. પણ કારીગરોના રહેઠાણો પેસેજમાં ખુલે છે. માલધારીના મકાનો બહારની તરફ ખુલે છે.

દુકાનોની પાછળના ભાગમાં વાહન પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દુકાનોની અંદર પ્રવેશ ફક્ત પેસેજમાંથી જ જઈ શકાશે.

જો આ વિસ્તાર શહેરી વિસ્તાર હશે તો વાહન પાર્કીંગની વ્યવસ્થા ભોંય તળીયામાં હશે.

ઉપર ૧૫ફૂટ બાય ૧૫ ફૂટના બે કોલા છે. એક એક કોલો બે ગરીબ કુટૂંબને ફાળવેલો છે. દરેક કોલા સાથે બે ગેલેરી છે. આ ગેલેરીને લોખંડની જાળીઓ ૩ફૂટની પડદી કરી લગાવવામાં આવી છે.

એક જ માળ ઉપર આવેલા અને એક જ હરોળમાં રહેલા કોલાઓના અલગ અલગ રીતે ગ્રુપ બનાવી શકાશે.

(૧) બે કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે

(૨) બે કોલાનું એક ગ્રુપ પણ બની શકે. ચારે બાજુથી ખુલ્લું આ વ્યવસ્થા જો જમીન વધુ હશે તો આમ થઈ શકશે.

(૩) ચાર કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે.

(૪) ઉપર નીચેના કોલાઓ પણ એક કુટૂંબની ઈચ્છા હોય તો આપી શકાશે.

 મોડ્યુલ અને રચના

પક્ષીઓનો ઉપદ્રવ અને ગંદકી ટાળવા દરેક કોલાની બહારની ખુલ્લી બાજુએ લોખંડની જાળીઓ લગાવવામાં આવશે.

કોલાઓની રચના કેવી હશે?

માળની સંખ્યાને અનુરુપ પીલરોનું કદ નક્કી થશે.

બીમ બધા પ્રીકાસ્ટ કરવા હશે તો તેને કરી શકાશે.

સ્લેબ માટે સ્લેબના નાના નાના એલીમેન્ટ હશે તેને ગોઠવીને સ્લેબ તૈયાર કરવામાં આવશે.

આર સીસી વર્ક

પીલર અને બીમ નું આરસીસીઃ

આ પ્રમાણે પીલર અને બીમ ના પ્રીકાસ્ટેડ (કારખાનામાં તૈયાર કરેલા) ટૂકડાઓને જગ્યા ઉપર જોડવામાં આવશે અને આરસીસીનું બહુમાળી માળખું તૈયાર થશે. સ્લેબના એકમો પેસેજમાટે ગોઠવી દેવામાં આવશે. સ્લેબના એકમોને સીમેન્ટથી ચોંટાડવામાં આવશે અથવા ચૂનાથી ચોંટાડવામાં આવશે.

પત્થરોના પીલર અને બીમ.

જ્યાં મજબુત પત્થરો ઉપલબ્ધ છે ત્યાં પત્થરોનો ઉપયોગ પીલર અને બીમ અને બીમના એલીમેન્ટ (એકમ) બનાવવામાં થઈ શકશે. આમાં આવતી તકનીકી (ટેક્નીકલ) સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. પત્થરો ના પીલરો સહેલાઈથી બની શકે. પણ પત્થરોના પ્રીકાસ્ટેડ બીમ બનાવવા માટે તેને યોગ્ય આકારમાં એકબીજામાં ફસાવી શકાય અને આ જોડાણ તેમાં લગાવેલા બાઈન્ડીંગ મટીરીયલ (જોડાણ મજબુત રહે તે માટેનું રસાયણ) તથા ધાતુની સ્લીવ (બાંય) કે ધાતુની પટ્ટીઓ થી મજબુતાઈથી બાંધીને કરી શકાય છે.

જો કે દશેક માળ સુધીનું જ સંકુલ હોય તો પત્થર ગૂનાના પીલરો કરી શકાય. તેનું કદ મોટું રાખવું પડે. બે પીલર વચ્ચેના બ્લોકની ડીઝાઈન બદલવી પડે.

નવ સંરચના

શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવ સંરચના (રીડેવેલપમેન્ટ), કરતી વખતે જેઓ બેકાર છે અને ઘરવગરના છે કે ભીખારી છે તેમને સુવાની સગવડ આપી શકાય.

જો પ્રીકાસ્ટેડ બીમ, પીલર અને સ્લેબના એકમો કારખાનામાં તૈયાર કરવામાં આવે તો એક કોલો એક કુટૂંબને આપવામાં આવે તો તેનો ખર્ચ ત્રણ કોલા જેટલો આવે. કારણ કે આપણે અમુક જગ્યા ખુલ્લી છોડીએ છીએ અને પેસેજ પણ આપીએ છીએ.

એટલે કે ૭૫ ચોરસ મીટરના બાંધકામ જેટલો ખર્ચ થાય. એક ચોરસ મીટરનો ખર્ચ ૫૦૦૦ રુપીયા થાય તો ૭૫ ચોરસમીટરનો ખર્ચ ૭૫ ગુણ્યા ૫૦૦૦ થાય. એટલે કે ૩૭૫૦૦૦ (ત્રણ લાખ પંચોતેર હજાર રુપીયા) થાય. ગાંધીજીએ જે સમયે રુપીયા ૫૦૦ ની લીમીટ રાખેલી ત્યારે સોનાનો ભાવ ૩ રુપીયે ગ્રામ હતો. આ પ્રમાણે ગણો તો ૫૦૦ રુપીયામાં તે વખતે ઓછામાં ઓછું ૧૬૫ગ્રામ સોનુ આવતું હતું.

આજે સોનાનો ભાવ ૩૦૦૦ રુપીયે ગ્રામ છે. એટલે ૧૬૫ ગ્રામ સોનું ૪૯૫૦૦૦ (ચારલાખ પંચાણું હજાર) રુપીયામાં આવે. આ પ્રમાણે ઘર ગાંધીજીએ બાંધેલી સીમામાં રહેણાંકનું મકાન તૈયાર થઈ શકે છે.

ગ્રામ્ય અને શહેરી વસ્તીઓમાં જ્યાં જમીનનો વ્યય થયેલો છે ત્યાં આ નવ સંરચના અમલમાં મુકવાથી ઘણી જ જમીન ફાજલ પડશે,

ફાજલ પડેલી જમીન ઉપર નવી સંરચનાઓના સંકુલ અમલમાં મુકી શકાશે.

બાગ બગીચાઓ થઈ શકશે.

વાહનવ્યવહારનું રસ્તાઓ ઉપર દબાણ ઓછું કરી શકાશે.

શાળા નજીક થઈ શકશે,

સંકુલના શાસકીય વહીવટનું કાર્યાલય સંકુલમાં જ રાખવાથી જનતાને સરળતા રહેશે,

મિલ્કતને લગતા કોર્ટના કેસો નાબુદ થશે,

ગેરકાયદેસર બાંધકામ ના બનાવો નષ્ટ થશે,

સંકુલના રહેણાંકમાં પ્રવેશ સુરક્ષા ચકાસણી થયા પછી જ થતી હોવાથી અને દરેકની નોંધણી થયેલી હોવાથી ગેરકાયદેસર પ્રવેશ અશક્ય છે.

સંકુલમાં મતદાર મંડળ હશે,

સભાખંડ હશે.

દરેક કાર્યવાહીઓ ની વીડીયો ક્લીપ બનશે.

દરેક પ્રસ્તાવની નોંધ રહેશે,

દરેક જગ્યાએ સીસી કેમેરા રાખવાથી અરાજકતા દૂર થશે, ગુનાઓ લગભગ નાબુદ થશે

જનતાની સુરક્ષા વધશે,

પેસેજની સામસામે સૌના નિવાસસ્થાનો આવેલા હોવાથી સહજીવન (કોમ્યુનીટી) નો આનંદ વધશે. એકલતા દૂર થશે,

સામૂહિક આનંદ પ્રમોદના સાધનો વધારી શકાશે.

સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી અને તાત્કાલિક રીતે આપી શકાશે,

દરેક નિવાસ્થાનને સૂર્યનો તડકો અને હવા ઉજાશ મળવાથી, જનતાની તંદુરસ્તી સુધરશે,

પાણીના વપરાશના નિકાલની સગવડ હોવાથી નિષ્કાસિત પાણીનું શુદ્ધિકરણ કરવાની વ્યવસ્થા સંકુલમાં જ કરવામાં આવ્શે.

સંકુલના પીલરો ઉપર અને અગાશી ઉપર સોલર-પેનલ રાખવામાં આવશે.

જો શક્ય હશે તો પવનચક્કીઓ પણ બે કોલાઓ ના એકમોની વચ્ચે રાખેલી જગ્યામાં બીમ ઉપર ફીટ કરવામાં આવશે.

આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ લીફ્ટ ચલાવવા અને રાત્રે પ્રકાશ માટે કરવામાં આવશે.

કશું મફત મળશે નહીં.

શાસન જેઓ ઘરવગરના હશે તેમને ભાડે રહેઠાણ આપશે. અથવા ભાડા-ખરીદ પદ્ધતિના ધોરણે માલિકીના હક્ક આપશે.

જે વ્યક્તિઓ કે કુટૂંબો નિશ્ચિત સમય મર્યાદામાં હપ્તાઓ કે ભાડું ભરી નહીં શકે તેઓને દંડ ભરવો પડશે અને આ દંડ કે બીજો કોઈ પણ દંડ પહેલાં વસુલ કરવામાં આવશે. દરેક સંકુલમાં એક બેંક હશે. અને તેમાં દરેક વ્યક્તિના ખાતા હશે. દરેક વસુલાતો તે ખાતામાંથી થશે. જોકે આ માટેના નિયમો શાસન નિશ્ચિત કરશે.

જેમને હાલ તુર્ત કશું કામ આપી શકાય તેમ નથી, તેમને અંબર ચરખો કાંતવાનું કામ આપી શકાશે અને તેમાંથી રહેવાના કે સુવાના ભાડાના પૈસા વસુલ કરવામાં આવશે. જો કે પાંચ ત્રાકનો અંબર ચરખો આઠ કાંતવાથી એક વ્યક્તિને તો પૂરતી રોજી મળી શકે છે.

દરેક શાસન કર્મી એ નિશ્ચિત વસ્ત્રો અને તે પણ ખાદીના જ વસ્ત્રો પહેરવા પડશે.

આ પ્રમાણે કોઈ કામવગરનું રહેશે નહીં.

દરેક સંકુલનો તમામ વહીવટ, શાસનો વહીવટી (એડમીનીસ્ટ્રેટીવ) અધિકારી કરશે.

શિરીષ મોહનલાલ દવે,

ટેગ્ઝઃ નવ્ય સર્વોદયવાદ, મોદીના સ્વપ્નનું ગામ, સંકુલ, મકાન, કોલો, રહેણાંક, શાસન, નવસંરચના, કૃષક, કારીગર, ગ્રામ્ય, પીલર, બીમ, એલીમેન્ટ, સ્લેબ, આરસીસી, પ્રીકાસ્ટ, એડમીનીસ્ટ્રેટીવ, અધિકારી, સીસી કેમેરા, વીડીયો, ઉર્જા, સોલર પેનલ

 

 

 

Read Full Post »

%d bloggers like this: