Feeds:
Posts
Comments

Posts Tagged ‘શાહીનબાગ’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કળયુગી શિવગીતા પ્રથમોધ્યાયઃ

કળયુગી શિવગીતા પ્રથમોધ્યાયઃ

નરેન્દ્ર વિષાદ આશંકા યોગઃ

મોદી-શાહયોઃ સંવાદઃ

સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના સમર્થકો અને વિરોધીઓ ના વિવાદો અને વિતંડાવાદના વમળમાં જ્યારે કેટલાક ધૂરંધરો પણ ગોથાં ખાઈ રહ્યા છે, ત્યારે આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદી પણ ક્ષણભર આવાક થઈ ગયા. સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓની દલીલોથી તો નરેન્દ્ર ભાઈને કોઈ મૂંઝવણ ન થઈ, પણ  બુરખાધારી બહેનોના લગાતાર ચાલતા ધરણાથી અને સર્વોચ્ચ ન્યાયાલયના આશ્ચર્યકારક વલણથી એટલે કે વચગાળાનો આદેશ આપવામાં ઠાગાઠૈયા કરતા હોય, તો નરેન્દ્ર ભાઈ મોદીને થયું કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ પણ જો આ કેસમાં ખાસ કરીને શાહીનબાગના સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓ પ્રદર્શન કેસમાં  અસમંજસમાં હોય   તો શું એવું તો ન બને કે મારા નિર્ણયમાં જ ક્યાંક દાળમાં  આખું નહીં તો અડધું કે પા, કોળું ગયું હોય!!

અમિત શાહ પ્રવેશ કરે છે.

અમિત શાહ  ઉવાચઃ

આવું કે સાહેબ?

નરેન્દ્રભાઈ ઉવાચઃ

આવો આવો અમિતભાઈ … તમારે વળી “આવું?” એમ પૂછવાનું હોય?

અમિત શાહ ઉવાચઃ

બોલો સાહેબ મારું શું કામ પડ્યું?

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અરે અમિતભાઈ, તમને એવું લાગતું નથી કે આપણાથી સી.એ.એ. ના વિરોધના અનુસંધાનમાં થઈ રહેલા આ શાહીનબાગવાળા કેસને ડીલ કરવામાં કંઈ કાચું કપાયું હોય, અથવા તો દાળમાં આખું નહી તો અર્ધું કે પા કોળું ગયું હોય?

અમિત શાહ ઉવાચઃ

ના સાહેબ ના. એવું કશું નથી. આ બધો વિરોધ કંઈ સૈધ્ધાંતિક વિરોધ નથી. સાહેબ, તમે કોંગીઓને તો મારાથી પણ વધુ ઓળખો છો. તેઓને ગરજ હોય તો ગધેડાને તો શું ડુક્કરને પણ પોતાનો બાપ બનાવે એવા છે. વળી સાહેબ, તમે જાણો જ છો કે આ બધું કંઈ મફત થતું નથી. પૈસાની જે હેરફેર થાય છે અને કોના પૈસા ક્યાંથી આવ્યા, એ બધાની તપાસ તો ચાલુ જ છે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

પણ અમિત ભાઈ, આ બધી બહેનો અને તે પણ અનેક મહિનાઓથી ધરણાં ઉપર બેઠી છે. તો તેમનામાં આટલું સક્રિયપણું કેવીરીતે આવ્યું? મને લાગે છે કે આપણી કદાચ ભૂલ ન થતી હોય.

અમિત શાહ ઉવાચઃ

અરે સાહેબ. તમને ખબર નથી. આ બધી બહેનો કંઈ ઉપવાસ ઉપર બેઠી નથી. જો તમે મને છૂટ આપો તો હું આનાથી પણ બમણી બહેનો, અને તે પણ રોકડમાં પૈસા આપ્યા વગર ભેગી કરી શકું. અને “જમાનત વાળા જેલમાં જાઓ” એના સમર્થનમાં એટલે કે આ જમાનત ઉપર રહેલા કોંગી નેતાઓ જેલમાં જવાને બદલે “જમાનત ઉપર, જેલની બહાર રહે છે” તેમના વિરોધમાં બહેનોના ધરણા જરુર પડે તો વર્ષો સુધી કરાવી શકું.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

એ વળી કેવી રીતે?

અમિત શાહ ઉવાચઃ

જુઓ સાહેબ,  મારી વાતમાં તો સિદ્ધાંત જ છે. ગાંધીજીનો પાયાનો સિદ્ધાંત હતો, કે કોઈ કોંગ્રેસીએ અથવા સાચા માણસે જમાનત માગવી જ ન જોઇએ. હવે આ કોંગીઓ જો પોતાને સાચા માનતા હોય તો તેમના ઉપર જે કૌભાન્ડોના આરોપો લાગેલા છે, તેના અનુસંધાનમાં તેઓએ ન્યાયાલયમાં જમાનતની માગણી જ શા માટે કરી? જો તેઓ પોતાને  મહાત્મા ગાંધીના અનુયાયી માનતા હોય અને મનાવતા હોય તો તેમણે જમાનતની માગણી જ ન કરવી જોઇએ. કારણ કે જમાનતની માગણી કરવી એ જ મહાત્મા ગાંધીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અરે અમિતભાઈ, હું કોંગીઓની એ વાત કરતો નથી. એ તો નાનું તાજું જન્મેલું બચ્ચું પણ જાણે છે કે આ કોંગી પક્ષને કે તેના નેતાઓને, મહાત્મા ગાંધીના સિદ્ધાંત સાથે નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી. હું તો આ શાહીનબાગમાં ધરણા ઉપર બેઠેલી બહેનો વિષે વાત કરતો હતો. તમે કહેલું ને, કે તમે તો રોકડા પૈસા આપ્યા વગર પણ આના થી ડબલ બહેનોને ધરણા ઉપર બેસાડી શકો. એ કેવી રીતે?

અમિત શાહ ઉવાચઃ

જુઓ, બહેનોને ચટપટું ખાવાનું બહુ જ ગમે. જેમ કે ભીની ભેળ, રગડો પેટીશ …. અને સૌથી વિશેષ તો પાણી પુરી. તમે જશોદા બેનની સલાહ લેવામાં માનતા નથી તે વાત હું સમજી શકું છું. પણ મારે તો તમારા જેવું બંધન નથી. એટલે હું આ બધું જાણી શક્યો છું.

પાણી પુરી અને બહેનો

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

પણ અમિત ભાઈ, જો બહેનોને દિવસમાં ચાર ચાર વખત આવું ચટપટું ખવડાવીએ તો તેઓ માંદી ન પડે? સંભવ છે કે અમુક બહેનો તો માંદી પડે જ પડે.

અમિત શાહ ઉવાચઃ

શું સાહેબ તમે પણ મજાક કરો છો. આપણે બહેનોને ચાર વખત ચટપટું ખવડાવવું એમ હું કહેતો નથી. પણ બહેનોના ચાર જત્થા રાખવાના. શિફ્ટ-ડ્યુટીમાં બહેનોને બોલાવવાની. અને તેમની ડ્યુટી પુરી થાય એટલે તેમને ઠીક ઠીક ખાવા દેવું. વચ્ચે વચ્ચે પણ ખાય તો વાંધોં નહીં. પણ ડ્યુટી પુરી થાય એટલે જ તેમનો ક્વોટા પુરો કરવા દેવાનો.

નરેન્દ્ર મોદી ઉવાચઃ

હું સમજ્યો નહી.

અમિત શાહ ઉવાચઃ

… જુઓ … આપણે ધારોકે  નક્કી કર્યું કે ૪૦ પાણી પુરી એક બહેનનો ક્વોટા છે. તો ૨૦ પાણી-પુરી તેમને વચ્ચે ખાવા દેવી. પણ છેલ્લી ૨૦ પાણી-પુરી તો તેમની ડ્યુટી પુરી થાય પછી જ આપવાની. એટલે કોઈ બહેનો અધવચ્ચે થી ભાગી નહીં જાય. એટલું જ નહીં પણ ડ્યુટી ઉપર પણ સમયસર હાજર થઈ જશે. અને સાહેબ તમે જાણી લો કે ચટપટી ખાટ્ટી ખાટ્ટી વાનગીઓ બહેનોને અવનવી સાડીઓ, અવનવા ડ્રેસ અને અવનવી ડીઝાઈનવાળી સેંડલો/ચંપલો  જેટલી જ પ્રિય હોય છે. એટલે તમને જેટલા બહેનોના જત્થાઓ જોઈતા હશે તેટલા જત્થા મળી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

નરેન્દ્રભાઈ ઉવાચઃ

તો ભાઈઓને કેવીરીતે ભેગા કરવા?

અમિત શાહ ઉવાચઃ

જુઓ સાહેબ બહેનો ચટપટી વાનગીઓ અને ખાસ કરીને પાણી-પુરી ની શાનદાર દુકાન આગળ ખુશીની ચીચીયારી કરી મુકે છે. અને ભાઈઓ પણ અફલાતુન દારુની દુકાન જોઇને (જો પીવા મળવાનો હોય તો) ખુશીની  ચીચીયારી કરી મુકે છે. પણ ભાઈઓને એ રીતે ભેગા ન કરી શકાય. કારણકે કેટલાક ભાઈઓ પીવા ઉપર કટ્રોલ ન રાખે અને ભાઈઓને દારુ ચડે કે ન ચડે પણ તેઓ દારુ માટે અથવા દારુ ચડવાથી   તોફાન પણ કરી નાખે છે. આ પ્રમાણે ભાઈઓને ભેગા કરવા કરતાં બહેનોને ભેગી કરવી સહેલી છે. નજીવા પ્રમાણમાં શાણા ભાઈઓ ને પણ રાખવા. કારણ કે જો ભાઈઓ હોય તો થોડી ઓછી  દેખાવડી બહેનો હોય તો પણ ચાલ્યું જાય. કારણ કે ભાઈઓની હાજરીમાં તેમનું ઓછું દેખાવડાપણું ઢંકાઈ જશે. અને બધી બહેનો શોભી ઉઠશે. કારણ કે હવે ભાઈઓ દાઢી રાખતા થયા છે તેથી તેઓ ઠીક ઠીક કદરુપા લાગે છે.             

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

અમિતભાઈ એ બધું તો ઠીક છે. શાહીન બાગ જેવા પ્રદર્શનો કંઇ મફતમાં થતા નથી. કોંગીભાઈઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ શાહીનબાગમાં બહેનોને રોજી પુરી પાડે છે.  હું એ પણ જાણું છું કે આપણા વિરોધીઓનો આ પ્રયોગ છે. આ પ્રયોગ ઠેક ઠેકાણે થશે તો બહેનોને વધુ રોજી મળશે તે પણ હું જાણું છું. પણ અમિતભાઈ, અત્યારે કોરોનાનો વાવડ ચાલે છે. આ રીતે બહેનોને કોરોનાનો ચેપ લાગે અને રોગીઓનું પ્રમાણ વધે તેમ તમને લાગુતું નથી?

અમિત શાહ ઉવાચઃ

પણ સાહેબ, આ બધું થોડું લાબું ચાલવાનું છે?

નરેન્દ્રભાઈ ઉવાચઃ

જો કે આપણા નિર્ણયો તો સાચા જ છે. પાછા ફરવાનો સવાલ જ નથી. આપણા વિરોધીઓ તેમના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તે પણ આપણે જાણીએ છીએ. એટલે આપણે તેમની અને દેશમાં અશાંતિ અને અરાજકતા ઉભી કરનારા તત્ત્વોની શક્તિ ઉપર અને આપણે તેમની ઉપર જે નીતિ અપનાવી રહ્યા છે તેની ઉપર જરા નજર નાખી લેવી જોઇએ એમ તમને લાગતું નથી?

અમિત શાહ ઉવાચઃ

એતો સાહેબ, … પડશે એવા દેવાશે.

નરેન્દ્ર ભાઈ ઉવાચઃ

મને લાગે છે કે મારે ધ્યાન ધરવું જોઈએ !!

અમિત શાહ ઉવાચઃ

હાજી સાહેબ. તમે ધ્યાન યોગમાં જાઓ. તેથી તમને નવી ઉર્જા મળશે …

નરેન્દ્રભાઈ પદ્માસન વાળી ધ્યાનસ્થ થયા … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય …

ઈતિશ્રી ત્રીનેત્રબ્લોગક્ષેત્રે પ્રથમોધ્યાયઃ સમાપ્તઃ

કળયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

મોદી-મહેશ્વરયોઃ સંવાદઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: