“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?
ગુજરાતીમાં કહેવત છે “બાર પુરબિયા અને તેર ચૉકા”.
કેટલાક લોકોને ખબર ન પણ હોય કે આનો અર્થ શું?
પુરબિયા એટલે ભૈયાજી. ભૈયાજી એટલે હિન્દીભાષી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જેઓ કામ ધંધા માટે ગુજરાતમાં આવે છે. તેમની પત્નીઓ યુપી-બિહારમાં પ્રોષિત ભર્તૃકા તરીકે રહેતી હોય છે. આ ભૈયાજીઓ આ કારણથી છડે છડા હોય છે (છડે છડા એટલે કે પત્ની સાથે ન હોય તેવા એકલા પુરુષો).
ગુજરાતી પુરુષો પણ કામધંધા માટે (મિયાંની દોડ મસ્જીદ સુધી એ નાતે) મુંબઈ જતા. તેઓ પણ છડે છડા જતા. એક ઓરડી ભાડે રાખીને રહેતા. મુંબઈમાં તેઓ પોતાની જ્ઞાતિની હોટલોમાં જમતા.
ગુજરાતમાં આવતા છડે છડા ભૈયાજીઓ જો સાથે રહેતા હોય તો તેઓ પોતે જ રાંધીને ખાય. હવે ધારો કે એક રુમમાં બાર ભૈયાજીઓ રહેતા હોય તો તેમના ચૉકા (ચૂલા) અલગ અલગ હોય. શા માટે અલગ અલગ હોય તે જાણવા મળ્યું નથી. કદાચ એમ હોય કે પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવ હોય અને આ પેટા જ્ઞાતિઓ વચ્ચે એક બીજાનું રાંધેલું જમવાની બંધી હોય.
એ જે હોય તે. એક વાત તો સમજી શકાય તેમ છે કે બાર ભૈયાજીઓ જો એક રુમમાં પોત પોતાનું જુદા જુદા ચૂલા ઉપર રાંધીને ખાતા હોય તો બાર પુરબિયાના બાર ચૂલા હોય. પણ બાર પુરબિયાના તેર ચૉકા કેવી રીતે થાય? આ તેરમો ચૉકો ક્યાંથી આવ્યો? આ તેરમો ચૉકો કોનો?
મારા માતુશ્રીને મેં આ સવાલ કરેલો. મારા માતુશ્રી પાસે કહેવતોનો અને વાક્ય પ્રયોગોનો ભંડાર હતો. જો કે તે સમયની બધી સ્ત્રીઓ અને અને બધા જ પુરુષો પાસે કહેવતો અને વાક્ય પ્રયોગોનો ભંડાર રહેતો હતો. અને હમેશા કહેવતો અને વાક્ય પ્રયોગોનો ઉપયોગ થતો રહેતો હતો. તેથી નવી જનરેશન પણ આ વારસો જાળવી શકતી હતી. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ હતી. પણ એ વાત અહીં નહીં કરીએ. મારાં માતુશ્રી પાસેથી મારા પ્રશ્નનો જવાબ મળી શકેલ નહીં પણ સમય જતાં હું અનેક ભૈયાજીઓના ઠીક ઠીક સંપર્કમાં આવ્યો. અને મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે કદાચ ખોટો પણ હોઈ શકે. જેમને સાચા ઉત્તરની ખબર હોય તો તેઓ જણાવે.
ગુજરાતીભાઈઓમાં રાંધતા આવડતું હોય તેવા ગુજરાતીઓ બહુ ઓછા હોય. તેનાથી ઉલટું ભૈયાજીઓમાં જેમને રાંધતા ન આવડતું હોય તેવા ભૈયાજીઓ તદ્દન ઓછા હોય. ભૈયાજીઓ પણ રૂઢીચૂસ્ત હોય છે. હવે આપણે જે બાર પુરબિયા અને તેર ચૉકાની વાત કરતા હતા અને તેમાં જે તેરમો ચૉકો કોનો એ જે પ્રશ્ન હતો તેનો ઉત્તર એ છે કે આ બાર પુરબિયામાં એક એવો માઈનો લાલ નિકળે જેમની કોમ્યુનીટીમાં સવારે જે ચૂલા ઉપર રાંધ્યુ હોય તે ચૂલા ઉપર સાંજે ન રંધાય. આ પ્રમાણે બાર ભૈયાજીઓમાંથી એક ભૈયાજી એવા નિકળે જેમને બે ચૂલાની જરુર પડે.
બાર પુરબીયાના તેર ચૉકા ભલે હોય પણ તેથી કંઈ કોઈ ભૈયાજી ભૂખ્યા ન રહે. પણ જ્યારે સમસ્યા એક હોય અને પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય.
કાશ્મિરની સમસ્યા વિષે પણ કંઈક આવું જ છે.
જો આપણે કાશ્મિરની સમસ્યાનું સમાધાન જોઇતું હોય તો તેના અનેક પાસાંઓ છે. સમસ્યા કાશ્મિરની છે કે જમ્મુ – કાશ્મિરની છે? ભારતની છે કે પાકિસ્તાનની છે કે બંનેની છે કે વિશ્વની છે? કશ્મિર સમસ્યા એ રાજકીય સમસ્યા છે કે સામાજીક સમસ્યા છે. સામાજીક સમસ્યા એટલે કે કાશ્મિરના લોકોની સમસ્યા એમ સમજવું.
વાસ્તવિક પરિસ્થિતિ શું છે?
જમ્મુ – કાશ્મિર ના રાજાએ પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરેલ,
(૧) યુનોનો ઠરાવ છે કે પાકિસ્તાને પોતાના સુરક્ષા દળો પીઓકેમાંથી હટાવી લેવા.
(૨) જ્યાં સુધી જમ્મુ-કાશ્મિર નો જનમત ન લેવાય ત્યાં સુધી આ રાજ્યને જીવન જરુરીયાતોની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડતા રહેવું.
(૩) પૂરા જમ્મુ-કાશ્મિર રાજ્યમાં (પીઓકે સહિતના રાજ્યમાં) ભારત પોતાના સુરક્ષા દળો રાખી શકશે જેથી કરીને ત્યાં જનમત લઈ શકાય.
(૪) પાકિસ્તાને કોઈપણ લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં ન કરવી.
ભારતે પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી ઢબે લોકમત લઈ લીધો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સર્વાનુમતે જમ્મુ-કાશ્મિરના રાજાએ કરેલ ભારત સાથેના જોડાણને માન્ય રાખ્યું છે. પીઓકેમાં આવું કશું થઈ શક્યું નથી.
પાકિસ્તાને યુનાના ઠરાવના બધા જ પ્ર્રાવધાનોનો છડે ચોક ભંગ જ કર્યો છે. આ બધું જ રેકોર્ડ ઉપર છે. પાકિસ્તાનને હવે જનમત માગવાનો કે કોઈપણ માગણી મુકવાનો હક્ક નથી અને આધાર નથી.
એક નહીં અનેક
નહેરુવીયન કોંગ્રેસે એક નહીં હજાર હિમાલય જેવડી ભૂલો કરી છે. “સિમલા કરાર” એક હિમાલય જેવડી ભૂલ છે. ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ હતી નહીં. ૧૯૭૧નું યુદ્ધ આપણું સૈન્ય જીત્યું. પાકિસ્તાનની બેવકુફી અને તેની તે વખતના યુદ્ધમાં ભૌગોલિક પરિસ્થિતિઓ જોતાં આ યુદ્ધ, ભારતે જીત્યા સિવાય છૂટકો પણ ન હતો.
ભારત માટે પાકિસ્તાન-ભારત વચ્ચેની બધી જ સમસ્યાઓના ભારત તરફી ઉકેલો માટે આ સમય એક શ્રેષ્ઠ સમય હતો. પણ ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ ન હોવાથી તેણે બધું જ ગુમાવ્યું. કાશ્મિરનો મુદ્દો તો ઉકેલાઈ જ ગયો હોત. તે વખતે કલમ ૩૫એ, કે કલમ ૩૭૦ કે તેથી પણ કંઈક વધુ મેળવી શકાયું હોત. ટૂંકમાં આપણે વંશવાદના અને એક હથ્થુ શાસનના બધા જ ગેરફાયદાઓ મેળવ્યા.
ભારત – પાકિસ્તાન વચ્ચે સિમલાની સમજૂતી કે જે પરસ્પર વાટાઘાટોની છે, તે કેટલી કારગત નિવડશે કે વ્યંઢ અને નિસ્ફળ જશે તેની સમજ એક રાજકીય વ્યક્તિ તરીકે ઇન્દિરા ગાંધીમાં હોવી જોઇએ તે ન હતી. પાકિસ્તાનની રચના જૂઠ અને હિંસાના સહારે થઈ છે તે વાત જે ન જાણતા હોય તે લોકોએ રાજકારણમાં રહેવું ન જોઇએ કે તેની વાત પણ ન કરવી જોઇએ.
ભારતની દૃષ્ટિએ ભારત-પાકિસ્તાન વચ્ચેની કાશ્મિર સમસ્યા ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મિર છે અને એમ જ હોવું જોઇએ.
એક વાત સમજવી જોઇએ કે અખંડ ભારતના બે ભાગ પડ્યા નથી. પણ કાયદેસર રીતે બ્રીટીશ ઈન્ડીયામાંથી બ્રીટીશે સૌ પ્રથમ પાકિસ્તાનનો પ્રદેશ સ્વતંત્રતા આપવા માટે છૂટો કર્યો. અને તેને સ્વતંત્રતા આપી. તે પછી ભારતને સ્વતંત્રતા આપી. જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતનો હિસ્સો છે. અને આ નિર્ણયને જમ્મુ-કાશ્મિર રાજ્યની જનતાની મંજૂરી છે. આ હકિકતને ઉવેખી ન શકાય. કાશ્મિર સાંસ્કૃતિક રીતે કે સામાજીક રીતે કે રાજકીય રીતે ભારતથી અલગ નથી. આ બાબતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ છે.
ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા તેનો કોઈ કાયદાનો આધાર નથી. સુફી, શિયા, સુન્ની અને વહાબી … આ બધામાં આભ જમીનનો ફેર છે અને તેમને ઉભા રહ્યે ન બને જો તેમને એક જ પ્રદેશમાં રાખ્યા હોય તો.
કાશ્મિર સમસ્યા વિષે આપણા અમુક કટારીયા લેખકો તટસ્થના “ક્રેઝ”માં કશ્મિરમાં જે અશાંતિ છે તેને સામાજીક એટલે કે કાશ્મિરની જનતાની ભારત વિરોધી ભાવના તરીકે ઓળખાવે છે. આ બાબતની ચર્ચા આપણે “સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ” ના બ્લોગમાં આજ બ્લોગ સાઈટ ઉપર જોયું છે. તેથી જેમને શંકા હોય તેઓ તે બ્લોગ વાંચી જાય.
આ બધું તો ઠીક પણ કાશ્મિરની એટલે કે જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં જે અશાંતિ છે તે સમસ્યાનું નિવારણ શું?
નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે કાશ્મિરની અશાંતિ બીજેપી સરકારે અપનાવેલી નીતિ છે.
નહેરુવીયન કોંગ્રેસના કહેવા પ્રમાણે વાટાઘાટો દ્વારા કાશ્મિર સમસ્યાનું નિવારણ થઈ શકે.
નહેરુવીયન કોંગ્રેસ આતંકવાદી હુમલાઓ બાબતમાં મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસ, આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી મળતા ફંડ વિષે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસના નેતા કાશ્મિરમાં રહેલા અલગતાવાદીઓ કાશ્મિરના યુવાનોને ઉશ્કેરે છે તે પ્રત્યે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસ, જે કાશ્મિરીનેતાઓ હિંસાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્તેજે છે તે વિષે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસનું એક માત્ર રટણ એ છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ કાશ્મિરની અશાંતિ ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ કાશ્મિરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી જોઇએ.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કાશ્મિરના અલગતાવાદી નેતાઓ સાથે “ઠહાકા મારીને” શી ચર્ચાઓ કરી હશે તે વિષે તેમણે ફોડ પાડ્યો નથી.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર “અમારી જ્યારે સરકાર હતી ત્યારે અમે વાટાઘાટો કરતા હતા. તે વખતે કાશ્મિરમાં શાંતિ હતી. (જો શાંતિ લાવવી હોય તો) તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે..” એવું કહે છે.
ચાલો. આ બધું જવા દો. પણ શું નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી ખરી?
ધારો કે માની લઈએ કે કાશ્મિરમાં શાંતિ હતી તો નહેરુવીયન કોંગ્રેસે કાશ્મિરી હિન્દુઓનું પુનર્વસન કેમ ન કર્યું?
વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસ માટે કાશ્મિરની સમસ્યાનું કશું નિવારણ છે જ નહીં. તેને તેમાં રસ જ નથી. તેમાં તેનો અને કાશ્મિરના સહયોગીઓનો સ્વાર્થ છે. પણ આવી સ્થિતિ સ્વપ્રમાણિત તટસ્થ મીડીયા મૂર્ધન્યોની ન હોવી જોઇએ જો તેમના મનમાં દેશનું હિત હોય તો..
પણ આમાં “બાર પુરબિયા અને તેર ચૉકા” ક્યાં આવ્યા?
અરે ભાઈ પ્રશ્ન એ છે કે “બાર પુરબિયા ને તેર ચૉકા”માં તેરમો ચૉકો કોનો?
નહેરુવીયન કોંગ્રેસ અત્યારે બાજપાઈની નીતિને અનુમોદન આપે છે. પણ જ્યારે બાજપાઈનું રાજ હતું ત્યારે બાજપાઈને સમર્થન આપ્યું ન હતું.
બાજપાઈની નીતિ હતી “ઇન્સાનિયત, કાશ્મિરીયત અને જંબુરીયત”
પ્રાસ સારો છે. વિચાર પણ સારો છે. પાડો તાલીઓ.
પણ શું કાશ્મિરમાં પ્રત્યક્ષ કે અને પરોક્ષરીતે અશાંતિ ફેલાવનારાઓને આ લાગુ પડે છે? તેમણે આ બાબતમાં કોઈ કદમ ઉઠાવ્યાં ખરા?
ઈન્સાનિયતઃ
સુરક્ષા દળો કે જેઓ આતંકવાદીઓ સાથે લડતા હોય તેમના કામમાં રુકાવટ કરવા અને તેમને ઈજા કરવા પત્થર મારો કરવો અને પેટ્રોલ બોંબ ફેંકવા, તે શું ઇન્સાનીયત છે?
કાશ્મિરી મુસ્લિમોએ ઉઘાડે છોગ, લાઉડસ્પીકરવાળા વાહનો ફેરવી ઘોષણાઓ દ્વારા, મસ્જીદોના લાઉડસ્પીકરોમાંથી ઘોષણાઓ દ્વારા, સમાચાર પત્રોમાં આવી જાહેરાતો દ્વારા, દિવાલો ઉપર અને દરેક હિન્દુ ઘરો ઉપર આવા પોસ્ટરો દ્વારા. હિન્દુઓને ધમકીઓ આપી કે સુનિશ્ચિત તારીખ સુધીમાં કાં તો મુસલમાન બનો અથવા તો ઘર છોડી ચાલ્યા જાવ. જો આવું નહીં કરો તો તમારી કતલ થશે. પછી આ કાશ્મિરી મુસ્લિમોએ ૩૦૦૦+ હિન્દુઓને શોધી શોધીને. સીમાપારના આતંકીઓને ભરપૂર સાથ આપ્યો. આ બધા કુકર્મો શું ઈન્સાનિયત છે?
કાશ્મિરીયતઃ
કાશ્મિર શેના માટે પ્રખ્યાત હતું? કાશ્મિર તેની હિન્દુ સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય અને સુફી મત માટે પ્રખ્યાત હતું. હિન્દુઓને તો બેઘર કર્યા. જે ન ગયા તેમની કતલ કરી. એટલે હિન્દુઓ તો રહ્યા નહીં. તેમના અવશેષોને ધરાશાયી કર્યા. આ કંઈ સુફીવાદનું આવું લક્ષણ તો છે જ નહીં. એટલે સુફીવાદ તો રહ્યો જ નથી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાઓ કરવા એ શું કાશ્મિરીયત છે?
શું હિન્દુઓ ભારતમાં હજ ઉપર જતા યાત્રીઓ ઉપર હુમલાઓ કરે છે? હિન્દુઓ તો ઇન્સાનીયત અને દીનદારીયત જાળવતા રહ્યા. પણ કાશ્મિરી મુસ્લિમોની ઇન્સાનીયત અને દીનદારીયત ક્યાં રહી? તેમનામાં કાશ્મિરીયત રહી જ ક્યાં છે? પોતાના ગુન્હાઓની અને ભૂલોની સજાઓ ભોગવાની વાત તો જવા દો, પણ પોતાના ગુનાઈત કુકર્મો ઉપર પસ્તાવો પણ કરતા નથી. કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસની તો વાત કરતા નથી.
જંબુરીયતઃ
જંબુરીયત એટલે સુશાસન.
કાશ્મિરમાં અબજો રુપીયા ભારત સરકારે હોમ્યા. પૈસાદાર કોણ થયું? ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલ્લા પૈસાદાર થયા. આજ ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદ ફુલ્યો ફાલ્યો. ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, એ નહેરુવીયન કોંગ્રેસનું ઔરસ/અનૌરસ અને વૈચારિક ફરજંદ છે. એટલે જ્યારે ફારુખ અબ્દુલ્લાની વાત કરીએ ત્યારે નહેરુવીયન કોંગ્રેસને સંલગ્ન ગણી લેવી.
આ ફારુખ અબ્દુલ્લા પોતાને નેતા (અહિંસક વ્યાખ્યા પ્રમાણે નેતા એટલે જનસેવક) માને છે. જનસેવક જો સત્તા ઉપર હોય તો તેનું કામ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનું અને તેની સુરક્ષા કરવાનું હોય છે. જનસેવક જો સત્તા ઉપર ન હોય તો તેનું કામ જનતાની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે.
પણ આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું?
૧૯૮૯ સુધી અલગતાવાદી બળોને નાથ્યા નહીં. તેઓ બળવત્તર બન્યા અને અસીમ રીતે હિંસક બન્યા ત્યારે આ ફારુખ અબ્દુલ્લાએ ગડગડતી મુકી અને “યુ.કે.” જતા રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે પાછા આવ્યા અને સત્તા સંભાળી. આ ફારુખ અબ્દુલ્લાએ હિન્દુઓના પુનર્વસન વિષે કશું જ ન કર્યું. ન કોઈ ગુનેગારની ઉપર કાયદેસર કામ ચલાવ્યું.
આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું? અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાની બાબત કે જેમાં અમરનાથ યાત્રીઓની યાત્રા સુવિધાજનક કરવાની હતી. હેડ ઓફ ધ સ્ટેશની રુએ જમીનની માલિકી કાશ્મિરના ગવર્નરની રહે તે સહજ હતું. “હેડ ઓફ ધ સ્ટેટ” હિન્દુ કે કાશ્મિરી ન પણ હોઈ શકે. કારણ કે ગવર્નર તો બદલાતા રહે. આ આખી વાત ક્ષુલ્લક હતી. પણ આ ફારુખ અબ્દુલ્લાએ આ ક્ષુલ્લક બાબત ઉપર જંગ છેડ્યો હતો. કૂદી કૂદીને તેની વિરુદ્ધ બોલતો હતો.
કાશ્મિરની સુરક્ષાની જેના માથે જવાબદારી છે તે સુરક્ષા દળ જો એક પત્થરબાજને જીપ સાથે બાંધે તો કાશ્મિરના મુસ્લિમોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેઓ હિન્દુઓના માનવીય હક્કો ની સદંતર અવગણના કરે છે. તેમને મન કાશ્મિરના હિન્દુઓની કતલેઆમ, હિન્દુઓને નિરાશ્રિત કરી પાયમાલ કરી, તેમના પુનર્વસનની સમસ્યા ઉપર ગુન્હાઈત અવગણના પચીસ પચીસ વર્ષ સુધી પણ કર્યા કર્યા કરવી એવી રાજપ્રેરિત અમાનવીયતા કરતાં એક મુસ્લિમ પત્થરબાજને જીપ સાથે બાંધ્યો તે વધુ અમાનવીય લાગે છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની માનસિકતા અને વલણને ફારુખ અને ઓમરની માનસિકતા સાથે ગણી લેવી.
કાશ્મિરમાં સીમાપારના આતંકવાદી મૂળીયાં નાખનાર નહેરુવીયન કોંગ્રેસની ફરજંદ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી સહિતની ઉચ્ચ નેતાગીરી અને તેમની ટૂંકી દૃષ્ટિ જવાબદાર છે. આ જવાબદારીમાંથી તેઓ કદી છટકી ન શકે.
તેરમો ચૉકો નહેરુવીયન કોંગ્રેસનો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ નવરા ધૂપ છે. લૂલીને છૂટ્ટી મુકી દો. “નાગે કુલે ફત્તેહખાં.”
આ બધું તો ખરું પણ કાશ્મિર સમસ્યાનો ઉકેલ શો?
જેઓ પોતાને રાષ્ટ્રવાદી માને છે તેમણે અલગતાવાદી નેતાઓને કાશ્મિરની સમસ્યા ઉપર હાથ જ મુકવા ન દેવો. જ્યારે તેઓ કંઈપણ ઉચ્ચારણ કરે, કે ન કરે ત્યારે પણ, તેમના ઉપર તેમના ઉપરોક્ત વર્ણિત ગુન્હાઈત કાર્યોને ઉજાગર કરતા રહેવું. આજ આપણો ધર્મ છે.
કાશ્મિરની સમસ્યા નરેન્દ્ર મોદી પોતાની રીતે ઉકેલશે.
પણ આ નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથીઓ જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્યો પણ સમાવિષ્ઠ થઈ જાય છે તેમની ઉપર હમેશા વૈચારિક પ્રહારો કરતા રહેવું એ સુજ્ઞ લોકોનો ધર્મ છ
કાશ્મિર સમસ્યા વાસ્તવમાં કાશ્મિરના હિન્દુઓને પુનર્ સ્થાપિત કરી તેમના ઉપર અત્યાચાર કરનારાઓને જેલમાં પુરી કાયદેસર કામ ચલાવવું એ છે. જેઓએ આ કામ ન કર્યું તેમનો જવાબ માગતા રહેવું પડશે.
બાજપાઈ
બાજપાઈએ એવું માન્યું હતું કે ગુનેગારને ફુલ લઈને વધાવીશું તો તેનામાં સારપ ઉગી નિકળશે.
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી અગમ્ય હતા. તેઓ પોતાની રમતના પાના (પત્તાં) ખુલ્લા રાખતા હતા. પણ તેમના પાનાને કોઈ ઓળખી શકતું ન હતું. ગાધીજીનું દરેક પાનુ હુકમનો એક્કો બનતું હતું. કોંગ્રેસને આમજનતા માટે ખુલ્લી કરવાના પ્રસ્તાવને તે વખતના શિર્ષ નેતાઓ સમજી શક્યા ન હતા. સ્વદેશી અને સવિનય કાનૂનભંગને રવિન્દ્ર ટાગોર સહિતના મોટા નેતાઓ સમજી શક્યા ન હતા. અહિંસક માર્ગે આંદોલનને હજી સુધી નહેરુવીયન કોંગ્રેસ સહિત કોઈ સમજી શક્યું નથી.
નરેન્દ્ર મોદીઃ
જે સમસ્યા છે તેના અનેક પાસાં છે. આતંકવાદીઓ, ઘરના દુશ્મનો, કાશ્મિરની આર્થિક સમસ્યાઓ અને લઘુમતિ કે સ્થાનિક કક્ષાએ બહુમતિમાં હોય ત્યારે તેનામાં રહેતી માનસિક વૃત્તિની સામે કેવું વલણ અપનાવવું આવી અનેક મોરચાની આ લડાઇઓ છે.
નરેન્દ્ર મોદીમાં ગાંધીજી અને કૌટીલ્યનું મિશ્રણ છે. નરેન્દ્ર મોદીના પાનાંને સમજવા ભારતીય મુર્ધન્યો સક્ષમ નથી. જેણે સ્વકેન્દ્રી કેશુભાઈ અને રાજનીતિના ભિષ્મ ગણાતા અડવાણીને લડ્યાવગર જ પરાસ્ત કર્યા તેના શાસનના છૂટક છૂટક બનાવોને આઈસોલેશનમાં લઈ ટીકા કરવી અને તારવણીઓ કરવી સહેલી છે. પણ આવી તારવણી કરવાવાળા ઉંધા માથે પટકાયા છે.
સુજ્ઞજનો માટે શ્રેય શું છે?
શ્રેય એ જ છે કે જેઓ કોમવાદી, જ્ઞાતિવાદી અને સ્વકેન્દ્રી છે તેમને ઉઘાડા પાડતા રહીએ.
હવે વિરોધપક્ષ રહ્યો નથી અને વિરોધ પક્ષ વગરનો શાસક પક્ષ સરમુખત્યાર થઈ જશે અથવા થઈ રહ્યો છે એવી ધારણાઓ કે એવા ફંફોળા કરી, જે કોઈ હાથવગો હોય તેને બિરદાવો એવા તારણ ઉપર આવવું એ આત્મઘાતી નિવડશે. મનમાંને મનમાં પરણવું અને મનમાં ને મનમાં રાંડવાનું બંધ કરવું પડશે.
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, તેના શિર્ષનેતાઓ સહિત, સિદ્ધ થયેલા ભ્રષ્ટ પક્ષો છે. નહેરુવીયન કોંગ્રેસે છ દાયકા રાજ્ય કર્યું. તો હાલના પક્ષને બે ટર્મ તો રાજ કરવા દો.
વડા પ્રધાનના સંતાન થયા એટલે વડા પ્રધાન તરીકેની આવડત આવી ગઈ, ખ્યાતિ મળી એટલે પક્ષ ચલાવવાની આવડત આવી ગઈ, આ રીતે સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. વિરોધ પક્ષ કાળાંતરે આપોઆપ પેદા થશે.
પૉરો ખાવ.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ બાર પુરબિયા અને તેર ચૉકા, હિન્દીભાષી, ભૈયાજી, પ્રોષિત ભર્તૃકા, મિયાંની દોડ, કહેવત, વાક્ય પ્રયોગ, ગુજરાતી ભાષા સમૃદ્ધ, કાશ્મિર, સમસ્યા, મુસ્લિમ, પાકિસ્તાન, યુનોનો ઠરાવ, સિમલા સમજુતિ, જનમત, લશ્કરી કાર્યવાહી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, હિમાલય જેવડી ભૂલ, ઇન્દિરા ગાંધી, લાંબી બુદ્ધિ, કલમ ૩૫એ, કલમ ૩૭૦, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નહેરુવીયન કોંગ્રેસ, મૌન, ગુન્હાઈત, નરેન્દ્ર મોદીની નીતિ, શાંતિ, પુનર્વસન, ઇન્સાનીયત, કાશ્મિરીયત, જંબુરીયત, સુફી, વહાબી, સુન્ની, શિયા, ભ્રષ્ટ, જનસેવક, ફારુખ, ઓમર, સુરક્ષા, અમરનાથ શ્રાઈન બોર્ડ, સાંસ્કૃતિક સાથીઓ