Feeds:
Posts
Comments

Posts Tagged ‘સમાજશાસ્ત્રી’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

%d bloggers like this: