સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧
વાદ વિષે વાત કરવી એટલે એક શુષ્ક વિષય વિષે વાત કરવી એવું લાગે છે. અને એટલે સામાન્ય માણસ અને મોટેભાગે જેને આપણે મૂર્ધન્ય એટલે કે જ્ઞાની કે સુજ્ઞ કહીએ છીએ તેમને પણ થોડે કે ઘણે અંશે આ વાત લાગુ પડે છે. પણ આપણે એની વિગતો માં નહીં જઈએ. કારણ કે આ લેખમાળાનું તે ક્ષેત્ર રાખ્યું નથી.
વાદ એ શું છે?
વૈજ્ઞાનિક સાહિત્યનું એક વલણ છે કે જ્યારે તમે કોઈ એક શબ્દ વાપરો તેનો અર્થ તમે શું કરો છો તેની વાચકને જાણ કરી દેવી જોઇએ. જેથી વાચક, તે અર્થને ધ્યાનમાં રાખી લેખકના વિચારોને સમજે.
શબ્દના અર્થને ક્યારેક વ્યાખ્યા કહેવામાં આવે છે. વ્યાખ્યા એટલે આમ તો ટૂંકામાં ટૂંકામાં ટૂંકું વર્ણન. એટલે આપણે ફક્ત વાદનું વર્ણન જ કરીશું. અને તે પણ સામાજીક સમસ્યાના પરિપેક્ષ્યમાં જ વર્ણન કરીશું
વાદ ત્રણ જાતના છે. મૂડીવાદ, સામ્યવાદ અને સર્વોદયવાદ. આ ત્રણેયનું ધ્યેય સમગ્ર સમાજને તંદુરસ્ત અને સુખી કરવાનું છે. દરેક વાદ ની અંતર્ગત જે પ્રણાલીઓને પ્રબોધવામાં આવી છે. તે પ્રણાલીઓ ની સમજણ એટલે જે તે વાદ એમ સમજવું.
વાદ એ એક સંક્રાંત વ્યવસ્થા છે.
સંક્રાંત અને વ્યવસ્થા એટલે શું?
સંસ્ક્રાંત એટલે વચ્ચેનો ગાળો.
કોની વચ્ચેનો ગાળો?
પરિસ્થિતિ અને ધ્યેય ને જોડતી વ્યવસ્થા એટલે સંક્રાંત. જેને આપણે ઈન્ટરફેસ કહી શકીએ.
આ ઈન્ટરફેસ કે સંસ્ક્રાંત વાસ્તવમાં શું છે?
ધારોકે બે વ્યક્તિ છે. પાસે પાસે છે. બંનેને વિચારનો વ્યવહાર કરવો છે તો વિચારનો વ્યવહાર એ તેમનું ધ્યેય થયું. અને તેમની ભૌતિક ઉપસ્થિતિ એ તેમની પરિસ્થિતિ થઈ. અને સમાન ભાષા એ એક સંક્રાંત પ્રણાલી કે ઇન્ટરફેસ સીસ્ટમ થઈ. જોકે ભૌતિક માધ્યમ એટલે કે હવા પણ તેની અંતર્ગત આવી જાય છે હવા ઈશ્વર દત્ત છે.
હવે ધારો કે બે વ્યક્તિ એક બીજાથી ઘણી દૂર છે. તો હવાનું માધ્યમ કામ લાગતું નથી. એટલે ટેલીફોન ની વ્યવસ્થા કરવામાં આવી.
ટેલીફોન શું કરે છે?
એક વ્યક્તિ બોલે એટલે હવામાં સ્પંદન થાય. આ સ્પંદનોને આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માણસે બોલવું તો પડશે. તે હવામાં બોલશે. હવામાં સ્પંદનો થશે. હવે આ સ્પંદનોને દૂર સુધી પહોંચાડવા શું કરવું જોઇએ?
આ એક બીજું ધ્યેય કે ઉપધ્યેય થયું.
આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. એક ચૂંબક લીધું અને તેની આગળ એક સ્પંદિત થઈ શકે તેવી પાતળી લોખંડની પતરી લીધી. એ સ્પંદિત થઈ. ચૂંબક અને આ લોખંડની પતરીની વચ્ચેના અંતરમાં વધઘટ થઈ. આ બે વચ્ચે વિદ્યુત ભાર મુક્યો. તાર દ્વારા જોડીને મુક્યો. એટલે આ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં સ્પંદનો રુપાંતરિત થયા. ધાતુના તારને બીજી વ્યક્તિ સુધી લંબાવી દીધા કારણ કે વિદ્યુત તરંગો ધાતુના તારમાં આગળ ગતિ કરી શકશે. બીજી વ્યક્તિ પાસે વિદ્યુત પ્રવાહના સ્પંદનો પહોંચી ગયા. પણ બીજી વ્યક્તિ આ વિદ્યુત પ્રવાહના સ્પંદનોને સમજી ન શકે. તેટલે એક વ્યક્તિ આગળ જે પ્રક્રિયા કરવામાં આવી તેથી ઉંધી ક્રિયા કરવાની જરુર પડી. આ તારને એક ચૂંબક સાથે વિંટાળ્યા અને તેની સામે લોખંડની પતરી રાખી. આમ વિદ્યુત પ્રવાહના સ્પંદનો લોખંડની પતરીમાં રુપાંતરિત થયા અને તે પતરીએ હવામાં સ્પંદનો ઉત્પન્ન થયાં આમ બીજી વ્યક્તિ પાસે સ્પંદનો પહોંચી ગયા અને તે બધું સાંભળવા લાગ્યો. આ ટેલીફોન વ્યવસ્થાને આપણે આપણા ધ્યેયને પામવા માટેનું ઈંન્ટરફેસ કહી શકે. આ ઇન્ટરફેસ નું કામ પરિસ્થિતિ અને ધ્યેયને જોડવાનું છે.
વિચારો મગજમાં ઉત્પન્ન થાય છે. વિચારોને વ્યક્ત કરવા માટે આપણું મોઢું કે જેમાં જીભ, હોઠ, દાંત છે. આપણા વિચારો મોઢાદ્વારા વ્યક્ત કરીએ છીએ. આ મોઢું એ આપણા વિચારો અને હવા વચ્ચેનો ઈન્ટરફેસ છે. આ હવાના સ્પંદનોને મોઢું સમજી શકતું નથી. તેને માટે કાન છે. જે હવાના સ્પંદનોને મગજમાં મોકલે છે. અને સમાન ભાષા તેને ઉકેલે છે. આ ઈશ્વરીય ઇન્ટરફેસ છે.
દરેક વ્યવસ્થાઓમાં અનેક ઉપપ્રણાલીઓ હોય છે. ટેલીફોન પ્રણાલીમાં પણ અનેક પ્રણાલીઓ વિકસી છે. મોઢાથી મગજ અને મગજ થી કાન સુધી પણ ઈશ્વરે અનેક પ્રણાલીઓ મુકી છે.
ઈશ્વરની પ્રણાલીમાં ક્ષતિ આવે તેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. તેને માટે ઉપચાર કરીએ છીએ. આ ઉપચાર એક ઈન્ટરફેસ છે.
મનુષ્યનું ધ્યેય શારીરિક તંદુરસ્તીનું છે. અને જ્યારે ક્ષતિ આવે ત્યારે ઉપચાર કરીએ, આ ઉપચારની પ્રક્રિયાને આપણે “પથી” કે “શાસ્ત્ર” કહીએ છીએ.
જે પ્રક્રિયા કે પ્રણાલી, આપણને ધ્યેય સુધી પહોંચાડે તે પ્રક્રિયાને આપણે વાદ કે શાસ્ત્ર કહી શકીએ. ટૂંકમાં વાદ એક ઈન્ટરફેસ છે. અને તેની વિગતો એ એક પ્રણાલી છે. ઇન્ટરફેસ એ એક એવી પ્રણાલી છે જે ધ્યેય અને વ્યક્તિ બંનેને સમજે છે.
એક સવાલ ઉભો થશે.
આપણે આ સાધન કે વ્યવસ્થા કે શાસ્ત્રને સંક્રાંત વ્યવસ્થા કેમ કહીએ છીએ?
એવી તે શી જરુર પડી કે આપણે તેને સંક્રાંત કે ઈન્ટરફેસ કહેવી પડે? શું આમાં કોઈ ભાષા ક્ષતિ છે?
હોઈ શકે છે. વિદ્વાનો તેની ઉપર વિચાર કરી શકે છે. કારણ કે શબ્દનો અર્થ એ વર્ણન છે. અને આપણે વર્ણન તો કર્યું જ છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે વચ્ચેના સમયને સંક્રાંતસમય કહેવામાં આવે છે. અને સંસ્ક્રાંત સમય એ એક એવો સમય છે જે તમને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લઈ જાય છે. આ સંક્રાત સમયને આપણે રસ્તો, શાસ્ત્ર, પ્રણાલી કે સાધન કહીએ તો શું ખોટું છે? રસ્તો એ એક અંતર છે. અંતર અને સમય જુદા નથી. અંતરને શરીર માપે છે. સમયને મગજ માપે છે. શરીર અને મગજ એક જ છે.
તો હવે કહો કે નવ્ય ગાંધીવાદને કેવી રીતે સમજીશું?
આ વસ્તુ સમજતાં પહેલાં આપણે બહુ જ ટૂંકામાં ત્રણે વાદને સમજી લેવા જોઇએ.
ત્રણેનું ધ્યેય શું છે?
ત્રણેયનું ધ્યેય તંદુરસ્ત અને સુખી સમાજ તરફ જવાનું છે.
તંદુરસ્ત એટલે શું અને સુખી એટલે શું?
શરીરને ક્યારે તંદુરસ્ત કહેવાય?
જો શરીરમાં કશી ક્ષતિ ન હોય અને તેના અંગ ઉપાંગો બરાબર કામ કરતા રહે તો તેને તંદુરસ્ત કહેવાય. જેમ શરીર તંદુરસ્ત તેમ તેનું ટકાઉપણું વધારે. એટલે કે આયુષ્ય વધારે.
સુખી એટલે શું?
સુખ એટલે આનંદ. આનંદ શારીરિક પણ હોય અને બૌદ્ધિક પણ હોય. અંતે તો મન જ આનંદિત થાય છે. બુદ્ધિ પણ શરીરનું અંગ છે. બુદ્ધિનું કામ જ્ઞાન મેળવવાનું છે. એટલે જેમ જ્ઞાન વધારે તેમ આનંદ વધારે.
જે પરિસ્થિતિ ઉભી કરવાથી વધુ આનંદ અને લાંબા સમયનો આનંદ મળે તે પરિસ્થિતિએ પહોંચવા માટે જે સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર કામ લાગે તેને વાદ કહેવાય.
મૂડીવાદ શું કહે છે?
માનવ સમાજ માનવોનો બનેલો છે. પણ બધા માનવોના વલણો એક સમાન ન હોવાથી, દરેક માનવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની પસંદગી કરે. કાર્યની પસંદગીની સ્વતંત્રતા દરેક માનવને હોવી જોઇએ. કાર્ય દ્વારા તેને બદલો મળે છે. જે વધુ ઉપયોગી કાર્ય (જેની માંગ વધુ હોય તેને વધુ ઉપયોગી ગણવું) કરશે તેને વધુ બદલો મળશે. આ બદલાનો સંચય કરવાની પણ તેને સ્વતંત્રતા રહેશે.
એક માનવ બીજા માનવને નુકશાન ન કરી શકે તે માટે માનવોનો સમૂહ નીતિ નિયમો બનાવી તેને નિયંત્રિત કરશે.. જનપ્રતિનિધિઓ, માનવની ક્ષમતા વધે તે માટેની વ્યવસ્થા પ્રણાલીઓ સ્થાપશે અને તેનું નિયંત્રણ કરશે. જનપ્રતિનિધિની દ્વારા થતી વહીવટી વ્યવસ્થા પારદર્શક રહેશે.
સામ્યવાદ શું કહે છે?
માનવ એ સામાજીક પ્રાણી છે. અને તે સમાજને આધિન છે. તેથી સમાજને કેન્દ્રમાં રખાશે. આ વિચાર ધારાને માન્ય રાખનારાઓનું જનપ્રતિનિધિત્વ બનશે. તે વ્યવસ્થા ગોઠવશે. આ વ્યવસ્થા, ઉપયોગી વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરશે. તે માટેની પ્રણાલીઓ અને વ્યવસ્થા ગોઠવાશે. કામની વહેંચણી કરાશે, ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણ રાખાશે. વહીવટી વ્યવસ્થા જનહિતમાં, સ્થાપિત હિતોને ડામવા માટે હોવાથી, આ વહીવટી વ્યવસ્થાઓને પારદર્શક રાખવામાં આવશે નહીં
સર્વોદયવાદ શું કહે છે?
માનવ એ સમાજનો એક અંશ છે. સમાજમાં ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ એક બીજાના આધાર ઉપર નભતી સમગ્ર ઈશ્વરીય સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવ પદાર્થો ઈશ્વરીય વ્યવસ્થાનો અંશ છે. આ ઈશ્વરીય વ્યવસ્થા એ સમાજ છે. આ એક વૈશ્વિક સમાજ છે. આ સમાજનું સંતુલન જળવાઈ રહે અને મનુષ્ય સૌની સાથે સામુહિક આનંદ ભોગવી શકે તેવી જ વ્યવસ્થા ગોઠવાવી જોઇએ.
અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓએ સૃષ્ટિમાં અને માનવસમાજમાં પણ માનસિક અને ભૌતિક અસમાનતા સર્જી છે. તેથી વ્યવસ્થા અહિંસક અને શોષણહીન હોવી જોઇએ. ઉત્પાદન અને વહેંચણીના એકમોનો વહીવટ જેટલો વિકેન્દ્રિત રખાશે તેટલો અનુત્પાદક ખર્ચ ઘટશે.
ગામડાઓને મોટા અંશે સ્વાવલંબી બનાવવા પડશે. તેથી માનવ અને માલનો સ્થળાંતર કરવા માટેનો અનુત્પાદક ખર્ચ ઘટશે. વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે શહેરો અને ગામડાં એક બીજાના પૂરક બને. અસમાનતા એટલી હદે નહીં વધવા દેવામાં આવે કે જેથી એક માનવનો બીજા માનવ વચ્ચે કે અને એક માનવનો સંસ્થા સાથે કે અને સંસ્થાનો માનવ સાથે અસંવાદ કે વિસંવાદ ઉત્પન્ન થાય.
માનવના ઉત્કર્ષની શરુઆત છેવાડેના માણસના હિતને પ્રાથમિકતા ઉપર રાખી કરવામાં આવશે.
મનુષ્ય શું છે? ઉત્કર્ષ શું છે? સમાજ શું છે? ધ્યેય શું છે? સુખ શું છે? આનંદ શું છે? આ બધું જો વિસ્તારથી સમજવું હોય તો આજ બ્લોગ સાઈટ ઉપર ગાંધીવાદ અને અદ્વૈતવાદ ઉપરના લેખો સમય મળે તો વાંચવા.
હાલની પ્રવર્તમાન સ્થિતિને તંદુરસ્ત અને સુખી સમાજ તરફ કેવી રીતે લઈ જવો તે નવ્ય ગાંધીવાદ બતાવશે.
હાલ કેટલાક મૂર્ધન્યો “નવ્ય મૂડીવાદ” વિષે વિચારી રહ્યા છે. આપણા સામ્યવાદી ભાઈઓ “નવ્ય સામ્યવાદ” અમલમાં મુકી રહ્યા છે એમ કહી રહ્યા છે. તો આપણે નવ્ય ગાંધીવાદ વિષે વિચારીશું.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ જ્ઞાન, સુખ, આનંદ, સમાજ, વાદ, ઉત્કર્ષ, તંદુરસ્ત, મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, પ્રણાલી, સાંપ્રત, ઈન્ટરફેસ, સમય, અંતર, વ્યાખ્યા, વર્ણન, ઉત્પાદન, વહેંચણી, ઈશ્વરીય, વ્યવસ્થા