Feeds:
Posts
Comments

Posts Tagged ‘સયાજીરાવ યુનીવર્સીટી’

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

%d bloggers like this: