શું ખાદીના વસ્ત્રો પહેરવાં અવગડ ભર્યાં છે?
ઉત્તરઃ “અવગડ ભર્યા છે અને નથી.”
પણ પહેલાં સમજી લઈએ ખાદી એટલે શું?
કપાસ ઉગે છે ખેતરમાં.
ખેતર એટલે શું?
ખેતર એટલે પ્રણાલીગત રીતે જેને આપણે ભૂમિ કહીએ છીએ તે, જેમાં આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ. વનસ્પતિ પુનઃ પુનઃ ઉત્પાદિત (રીપ્રોડક્ટીવ) છે.
કપાસમાંથી આપણે રૂ કાઢીને તેના તાર કાઢીને તારને વણીને કાપડ બનાવીએ છીએ. આ કામો જો આપણે રેંટીયા અને હાથશાળથી કરીએ તો તેને ખાદીનું કાપડ કહેવાય.
જો આ કામ ઘરમાં કરીએ તો તો તે ગૃહઉદ્યોગ કહેવાય.
ત્રણ ફેઝ વાળી વિજળી નહીં વાપરાવાની એવું મનાય છે. જો ગામમાં જ કાંતણ કેન્દ્ર હોય અને ત્યાં કોઈ કામ કરવા જાય તો પણ તેને ગૃહઉદ્યોગ જ કહેવાય છે.
જો કે કાર્લ માર્ક્સ થોડો જુદો પડે. એ વાત અર્થશાસ્ત્રીઓને વિચારવા દો.
વ્યક્તિએ કાંતણ–વણાટ કેન્દ્રમાં, જે જત્થામાં સુતર કાત્યું હોય કે કાપડ વણ્યું હોય, અને ધારો કે તે સુતર તેણે ઘરે કાંત્યું હોત કે વણ્યું હોત અને તેને શ્રમના જે પૈસા અનુક્રમે મળ્યા કે મળે તે બંનેમાં નહીંવત ફેર હોય તો પણ તેને ખાદી જ કહેવાય.
હા એક વાત ખરી કે જે સરંજામ હતો, તેની માલિકી, જેણે શ્રમ આપ્યો તેની ન હતી. પણ આ વાત તો જો શ્રમકરનાર વ્યક્તિએ, શ્રમ ઘરે જ કર્યો હોય તો પણ એવું બની શકે કે સરંજામની માલિકી તેની ન પણ હોય.
ટૂંકમાં જે ઉત્પાદન થાય છે તેના યંત્રો તેના તેજ રહે છે અને કોઈ બેકાર થતું નથી. કેન્દ્રમાં જઈને શ્રમ કરે તો શ્રમજીવીને સમય બદ્ધ રીતે શ્રમ કરવો પડે અથવા તો એવી ગોઠવણ અને સમજુતીઓ કરવી પડે. જો જુદી જુદી પાળીઓમાં શ્રમજીવીઓને કામ કરવા બોલાવવામાં આવે તો યંત્રો ઓછા જોઇએ. પણ આવી પ્રણાલીમાં વ્યક્તિગત અનુકુળતા અને લયતાને હાનિ પહોંચે. કારણ કે માણસ માટે ઉત્પાદન છે. ઉત્પાદન માટે માણસ નથી.
પણ આપણે તેનું સુક્ષ્મ વિશ્લેષણ નહીં કરીએ. આ કાપડને પણ ખાદી જ કહીશું. આ પણ વિકેન્દ્રિત ઉત્પાદન જ કહેવાશે અને ગૃહ ઉદ્યોગ પણ કહેવાશે કારણ કે યંત્રો તેના તે જ રહ્યા.
વિકેન્દ્રિત ઉત્પાદન શ્રેય કે કેન્દ્રિત ઉત્પાદન શ્રેય?
આનો જવાબ એવો સહેલો નથી. તમે શું ઉત્પાદન કરો છો અને તેની માંગ/વપરાશ કઈ જાતનો છે તેના ઉપર આધાર રાખે છે.
આમ તો ઈશ્વરે બધું વિકેન્દ્રિત કર્યું છે. પ્રકૃતિ વિકેન્દ્રીકરણમાં માને છે. પણ જ્યારે મનુષ્ય સ્વકેન્દ્રી બને છે ત્યારે શોષણ થાય છે. વરસાદ, વનસ્પતિ, ખાડા ટેકરાઓ, અને પ્રાણીમાત્ર વિકેન્દ્રિત હોય છે. મનુષ્ય ભલે ઘરને બદલે પ્રસૂતિગૃહમાં જન્મે, કુલ જન્મની કુલ સંખ્યામાં તે કારણથી ફેર પડતો નથી. એટલે આમ સજીવ માત્ર ગૃહ ઉદ્યોગ કહેવાય. મનુષ્ય પોતે પ્રકૃતિનો હિસ્સો છે એટલે મનુષ્ય જે કંઈ પણ કરે તે પ્રાકૃતિક જ કહેવાય. વાસ્તવમાં સાનુકુળતા અને પ્રાકૃતિક સંતુલન સુચારુ છે તે જોવું જોઇએ.
રેંટીયામાં સુધારા થયા. અંબર ચરખો આવ્યો. તેથી માણસને શ્રમમાં રાહત મળી અને ઉત્પાદન વધ્યું. હાથશાળમાં પણ સંશોધન થયા અને વણાટમાં પણ સુઘડતા આવી.
હવે સ્થિતિ એવી છે કે ખાદી અને મિલના (અતિ મોંઘા કાપડને અવગણીએ તો) ચાલુ કાપડમાં ખાસ ફેર નથી. પોલીયેસ્ટર કાપડની વાત જુદી છે. તેને શરીર માટે નુકશાન વગરનું બનાવવા માટે તેમાં રૂનું મિશ્રણ કરવું પડે છે.
ખાદીના કાપડની અવગડતાઓ
(૧) ખાદીનું કાપડ સામાન્ય મિલના કાપડ કરતાં મોંઘું છે?
મિલને કયા ભાવે વિજળી મળે છે?
મિલને કયા ભાવે પાણી મળે છે?
મિલ પોતાનો કચરો કેવી રીતે અને ક્યાં ઠાલવે છે?
મિલ કેટલું પાણી બગાડે છે અને કેટલી જમીન બગાડે છે?
મિલ કેટલી હવા બગાડે છે?
આ નુકશાનમાં થી સરકાર તેને માફી આપે છે.
પ્રદુષિત વાતાવરણ, જમીન અને પાણી, આસપાસના વિસ્તારની જનતાની તંદુરસ્તીને હાનિકારક થાય છે. આ બધી નુકશાનીઓ મિલો ભરપાઈ કરતી નથી. તેથી મિલનું કાપડ સસ્તું પડે છે. આવી હજાર વાતો છે. મેં આ સાઈટ ઉપર અત્ર તત્ર આપેલી છે.
સચોટ ઉદાહરણ “ગંગા શુદ્ધીકરણ” માટે ની પરિકલ્પનાઓ છે. નહેરુવીયન કોંગ્રેસે ઉદ્યોગો સામે એવા ક્ષતિયુક્ત કાયદાઓ ઘડ્યા કે ઉદ્યોગ જમીન બગાડે, હવા બગાડે, ભૂગર્ભ જળ બગાડે, નદી તળાવનું પાણી બગાડે, તો ભલે બગાડે. માણસો રોગિષ્ટ બને અને પીડાય તો ભલે પીડાય. કાચી ઉમરે મરે તો ભલે મરે. નહેરુવીયન કોંગ્રેસને મોડે ખબર પડી કે ઘણું બધું બગડે છે. જોકે આમાં તેણે બુદ્ધિ ચલાવી નથી. એને માટે આંદોલનો થયા છે. અને ન્યાયાલયે કમને આદેશો આપ્યા કે કાયદાઓ કરો. જો કે આવા ચૂકાદાઓ આપવા એ ન્યાયતંત્રના ખેરખાંઓનો દંભ હતો.
હાનિ પહોંચાડવી કે હાનિની પૂર્ણ શક્યતા ઉભી કરવી એ ફોજદારી ગુનો છે. પણ ન્યાયાધીશો, કારખાનાઓની બાબતમાં આવું સુયોગ્ય માનવીય અર્થઘટન કરે એ વાતમાં માલ નથી. ન્યાયધીશ કહેશે; સરકારે “બગાડના સુધાર માટે” પ્રણાલી બનાવવી જોઈએ અને તકનિકી સહાય આપવી જોઇએ. વાત પૂરી.
ગંગા શુદ્ધીકરણ માટે પરાર્ધો રુપીયા ખર્ચાયા. નહેરુવીયન કોંગ્રેસના અનેક નેતાઓ, બીજા પક્ષોના નેતાઓ, ન્યાયધીશો અને સરકારી અધિકારીઓ માલદાર થયા. બહુ વખત પહેલાં કેલિકો મિલનું ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હતું. તેની તીવ્ર દુર્ગંધ કિનારે વસતા લોકોને આવતી. પાણી, હવા અને નદી ત્રણે બગડતાં હતા. ઉદ્યોગોને બધી છૂટ.
આ બધું હોવા છતાં ખાદી એટલી મોંઘી નથી.
ખાદી ગરમીમાં ઠંડક અને ઠંડીમાં રક્ષણ આપે છે.
મિલના કાપડના વસ્ત્રોમાં સ્પર્ધા છે. તમે ૧૫૦૦૦ નો સુટ પહેર્યો છે તો બીજાએ જેણે ૫૦૦૦૦ નો
સુટ પહેર્યો છે તેની આગળ તમે ઝાંખા લાગશો.
પણ ખાદી સાદાઈનું પ્રતિક છે એટલે આવી ઝાંખપ આવતી નથી. ખાદી એટલે ખાદી.
ખાદીના કપડાને કાંજી અને ઈસ્ત્રી કરવાથી સુઘડતા વધે છે.
(૨) ખાદીનો નિભાવ ખર્ચ વધુ હોય છે.
જો આરોગ્યનો ખ્યાલ કરીએ તો કોઈપણ વસ્ત્ર બે ત્રણ દિવસથી વધુ વખત ન જ પહેરાય. એટલે ખાદી અને અ–ખાદી બંને ના વસ્ત્રો ધોવાતો પડે જ.
ખાદીના વસ્ત્રો સહેલાઈથી સાફ થાય છે અને સાબુ જલ્દી નિકળી જાય છે. તમારી પાસે “ઓન્લી વૉશ” વાળું વોશીંગ મશીન હોય તો તે પણ ચાલશે. આ મશીન સસ્તું આવે છે.
જો તમે અફલાતુન અ–ખાદી વસ્ત્રો પહેરતા હો તો તેમાં રોકાણ કિમત વધુ હોય છે. જો તમને એ રોકાણ કિમત પોષાતી હોય તો ખાદી ખરીદો અને વધારાના પૈસા ઈસ્ત્રીવાળાને આપો. ઇસ્ત્રીવાળા ને વધુ રોજી મળશે.
ખાદીના કપડાને કાંજી કરો તે વધુ આકર્ષક લાગશે. આમેય ત્રણ દિવસે તો તમારે કોઈપણ કપડા ધોવા જ પડતા હોય છે.
બહાર પહેરવાના કપડાં તમે જુના થયે ઘરમાં પહેરી શકશો, કારણ કે ખાદીનું કાપડ ધોવું સરળ છે. ખાદીના કાપડને લગાડેલો સાબુ જલ્દી નિકળી જાય છે. ઘરમાં આમેય તમે ક્યાં કાંજી–ઇસ્ત્રીવાળા કપડા પહેરો છો.
સરવાળે ખાદી સસ્તી પડશે. તે ઉપરાંત ગરીબોને રોજી મળશે.
ખાદીને સસ્તી કેવી રીતે કરી શકાય?
જો તમે ગરીબ છો કે તમને લાગે છે કે ખાદી પોષાતી નથી, તો તમે હાથે કાંતો અને તેના બદલામાં ખાદીનું કાપડ લો. ખાદીનું કાપડ ઘણું જ સસ્તું નહીં પણ લગભગ મફત જ પડશે. વધુ કાંતશો તો કમાણી પણ થશે.
વૈદિક જીવન વિષે સોસીયલ નેટવર્કમાં ભરપૂર લખાણો આવે છે. જો કે એ બધું અગમ નિમગ કે અગડં બગડં જેવું લાગે છે. પણ જો “વેદ”નો અર્થ જાણવું કરીએ તો જાણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને જ્ઞાન વધવાથી બુદ્ધિ વધે છે. બુદ્ધિ વધે તો સુયોગ્ય તકનિકીનો ઉપયોગ કરી શકાય. આ બધું વૈદિક જ કહેવાય.
માંધાતા, રામચંદ્ર, રાવણ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, કૃષણદેવરાય, અકબર, ઔરંગઝેબ, શિવાજી, તાત્યા ટોપે, ઝાંસીની રાણી, નાના ફડનવીશ … સૌ કોઈ ખાદી જ પહેરતા હતા.
ગાંધીજી એ ખાદી તરફ ધ્યાન દોર્યું.
ગાંધીજી ખાદી પહેરતા હતા. આ એક વૈચારિક ક્રાંતિ હતી. છેલ્લી વૈચારિક ક્રાંતિ ૧૯૭૭માં આવેલી. આ ક્રાંતિના નેતા જયપ્રકાશ નારાયણ પણ ખાદી જ પહેરતા હતા.
૨૦૧૪ના ક્રાંતિવીર નરેન્દ્ર મોદી ખાદીને પુરસ્કૃત કરે છે. પણ તેમને કોઈ ભેટ આપે તો અ-ખાદી પણ કામચલાઉ પહેરી લે છે અને પછી તેને હરાજીમાં મુકી ૧૦ થી ૧૦૦ ગણા પૈસા ગરીબોના હિત માટે ફાળવે છે. અ-ખાદી પ્રત્યે કડવાશ રાખવાની જરુર નથી.
એ વાત ખરી કે બધા પોતાના વસ્ત્રો હરાજીમાં ન વેચી શકે. પ્યાલા-બરણીવાળી પણ ખાદીના વસ્ત્રો લેતી નથી. પણ ખાદીના વસ્ત્રો જુના થાય એટલે ઘરમાં પહેરવા. ઘરના વસ્ત્રો ફાટી જાય એટલે તેને “પોતાં” તરીકે વાપરવા.
અંગ્રેજોનું રાજ આવ્યું એ પહેલાં ભારતનું ઉત્પાદન વૈશ્વિક ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતું હતું. અત્યારે ૨ થી ૫ ટકા હિસ્સો ધરાવે છે. જો ભારત સંપૂર્ણ સ્વાવલંબી થઈ જાય તો ૨૦ ટકા તો આમ જ થઈ જાય.
વિનોબા ભાવે એ કહ્યું છે કે અત્યારે યંત્રો કે ગૃહ ઉદ્યોગ કે સામ્યવાદ કે મૂડીવાદ વિષે ચર્ચા કરવાની જરુર જ નથી. જે વસ્તુ ઉત્પન્ન કરવી હોય તેને શ્રેષ્ઠ રીતે, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે વિષે બુદ્ધિનો ઉપયોગ કરો. કાચો માલ+ વિજ્ઞાન + માનવીય તકનિકી = વિકાસ.
વટ પાડવા માટે વસ્ત્રો એકલા જરુરી નથી. જો આપણી સુઘડતા, વસ્ત્રો, વાણી અને વર્તન ત્રણેમાં હોય તો કામ ચાલ્યું જાય છે. બહુ તૃષ્ણાઓ રાખવી નહી. આનંદ મુખ્ય છે.
બદલાની આશા રાખ્યા વગર કામ કરવાનો આનંદ ખરો આનંદ હોય છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ખાદી, સ્વાવંબન, સ્વદેશી, યંત્ર, ગૃહ ઉદ્યોગ, સરંજામ, સામ્યવાદ, મૂડીવાદ, મોઘું, અગવડ, ઈસ્ત્રી, સાબુ, સુઘડ