વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?
આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.
એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.
પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.
એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે આ બધું પાપ તું શા માટે કરે છે?
વાલિયાભાઈએ કહ્યું કે હું આ બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.
નારદે કહ્યું “પેટો” એટલે શું?”
વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. આ બધા પેટોના માટે હું લૂંટ કરું છું.
નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.
લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે
વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”
નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.
વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.
વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.
વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.
નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”
“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”
“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”
વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.
ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ
હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે જ. જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા ન હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.
એક વખત વિચારવાની ટેવ પડી પછી એ છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી જ ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.
“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”
હવે આ વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.
વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે એ વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. આ વાત જવા દો.
વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.
તેનાથી ઉંધું બને ખરુ?
આનાથી ઉંધું એટલે શું?
વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?
હાજી. આવું બને ખરું અને બને પણ છે.
જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય, તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.
હાજી. આ જે ૨૫/૨૬ જુન છે.
નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું જ નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા જ નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ જ મનાવવો જોઇએ.
તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?
હા જી મુદ્દાની વાત તો આ જ છે.
મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો
ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે આ ક્લબનું ધ્યેય હતું.
૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થા “વાલ્મિકી” ઋષિ બની હતી.
જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે જ. કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં ન મૂકે ત્યાં સુધી તેને જાણી ન શકાય.
ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી જ હતી.
આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?
કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્ થવા માટે વર્ષો વીતી જાય. વાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. એ જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.
તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?
નાજી અને હાજી.
સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.
વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર ન થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર જ એક જુથ રચે છે. જ્યારે આ જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં આ વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બની જાય છે.
વાલ્મિકી જેવી ઋષિ–સંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?
પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર જ એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યું “સમાજવાદી જુથ”.
બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર ન બનો ત્યાં સુધી સંઘર્ષમાં ન ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા ન હતા. તેમ જ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.
ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કે “ગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે આ હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.
ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની આ ચાલાકી ઉપર તાલીયો પાડેલી.
પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. આ એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું જ કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો આ બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ જ તમારા ફરજંદે પણ આ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ આ માટે સીન્ડીકેટ બનાવી હતી.
નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા જ મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.
અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ એ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. આ યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ ન હતા.
ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?
ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતે “વાલિયો” બનવામાં થોડું ખૂટે છે.
છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.
સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. એ સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જ જુથમાં રહે તે માટે તેમની આ ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું કમીશન રાખશે જ. તેઓ તમારા જ થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.
આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે જ લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.
નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે આ માટે જ અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ “કાકા કહીને તમને” મદદ કરશે.
દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે આ જ તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે “ન કરે નારાયણ” અને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ આ “જૈસે થે” વાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા આ ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર જ રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત આ જ શસ્ત્ર બચ્યું હોય છે.
ચેતન ભગત
દા.ત. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે “અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ આ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે આ ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.
મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.
તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.
ચાલો આ બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.
એટલે કોઈએ આ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસ–ભગત” બનવું જરુરી નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા