Feeds:
Posts
Comments

Posts Tagged ‘સર્વોદયવાદ’

Mahatma Gandhi

ભૂમિ-પુત્ર

ઘણા વખતથી વિચાર કરતો હતો કે મારા નીચેના પત્ર ને જાહેર કરવો કે નહીં.
મને મહાત્મા ગાંધીવાદીઓ એટલે કે સર્વોદયવાદી અને ખાસ કરીને સર્વોદય કાર્યકરો પ્રત્યે ઘણું માન છે. તેમની ત્યાગ વૃત્તિ અને તેની સાથે સંકળાયેલો તેમનો આચાર પ્રશંસનીય છે અને અનુકરણીય છે. ઘણા સર્વોદય કાર્યકરોએ, અગર સર્વોદય કાર્યકર થવાનું ટાળીને, સામાન્ય માણસની જેમ જીંદગી જીવવાનું પસંદ કર્યું હોત તો તેઓ, સીધા રસ્તે પણ કરોડો રુપીયા કમાઈ શક્યા હોત.

આવા સર્વોદય કાર્યકરોની મારે ઋણાત્મક ટીકા કરવાનું હું ટાળું છુ. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એમ વિચારી મને લાગ્યું કે એકવાર તો ટીકા કરવી જોઇએ એમ મને લાગ્યું.

કોઈ વ્યક્તિ અણીશુદ્ધ, ક્ષતિહીન કે દુર્ગુણહીન કે અગુણી હોતો નથી. પણ જ્યારે આપણી આકાંક્ષાઓને તે વ્યક્તિનું વલણ આપણને અસંતોષજનક કે અન્યાય વાળું લાગે ત્યારે આપણે તેની ટીકા કરવા પ્રેરાઈએ છીએ.

મારે વિષે પણ આવું જ થયું.

“ભૂમિપૂત્ર”માં એક લેખ પ્રગટ થયેલ

તેના પ્રતિભાવ રુપે મેં, ભૂમિપુત્રના સંપાદક/તંત્રીશ્રીને પત્ર સ્વરુપે પ્રતિભાવ ગણો તો પ્રતિભાવ અથવા લેખ સ્વરુપે ગણો તો એક લેખ લખેલો. રજીસ્ટર્ડ કરીને મોકલેલો.

મેં બે ત્રણ મહિના રાહ જોયેલી કે મારા પત્રને પ્રતિભાવ તરીકે (વાચકોના પ્રતિભાવ તરીકે છાપે છે) કે લેખ તરીકે છાપે છે. મારા પત્રનો કોઈપણ જાતનો ઉલ્લેખ ન થયો એટલે મેં ભૂમિપુત્રની ઓફીસમાં ફોન કર્યો. ઓફિસમાં બેત્રણ વાર ફોન કર્યા પણ મારું રજીસ્ટર્ડ મળ્યું છે કે નહીં તે પણ કહી ન શક્યા. કારણ કે જે સંપાદક ભાઈઓ છે તે જ આ વાત કહી શકે. કર્મચારીઓ નહીં.

મેં મારા એક સર્વોદય મિત્ર જે અગાઉ ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ હતા તેમને વાત કરી. તેમણે મને એક નંબર આપ્યો.

મેં ત્યાં ફોન કર્યો. તેમને મેં બધી વિગત કહી. અને એ પણ કહ્યું કે તમારે મારા લેખને જે છે તે સ્વરુપે છાપવો કે સારના પ્રતિભાવ રુપે છાપવો કે ન છાપવો તે તમારી મુનસફ્ફી ઉપર છોડું છું. એમ તો ઈન્દીરા ગાંધી, પોતાની સરકારની વિરુદ્ધમાં આવેલા હાઈકોર્ટના જજમેન્ટ પણ સેન્સર કરતી હતી અને તેને છાપામાં પ્રકાશિત થવા દેતી ન હતી. ભૂમિપુત્ર તો તમારું છાપું છે એટલે તમે અબાધિત અધિકાર ભોગવો તો તમને મારાથી કંઈ કહી શકાય નહીં.

એટલે સંપાદકશ્રીએ (રામ ભરોસે) કહ્યું કે ના ના અમે કંઈ એવા નથી. પણ તમારા લેખમાં તમે જે આંકડાઓ આપ્યા છે તે ખોટા છે.

મેં કહ્યુ કે હું આંકડાઓમાં માનતો જ નથી. અને મેં મારા લેખમાં કોઈ આંકડા લખ્યા નથી. મારી ઈચ્છા છે કે તમે ન વાંચ્યો હોય તો વાંચી જાઓ, અને જો વાંચ્યો હોય તો ફરીથી વાંચી જાઓ તો મને આનંદ થશે. તેઓશ્રી કબુલ થયા. તે પછી મેં બે ત્રણ ફોન કર્યા. પણ મને લાગ્યું કે તેમણે તેવું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહીં. વાચકોના પ્રતિભાવોમાં પણ મારું કશું આવ્યું નહીં. આજે નવ માસ થયા.

દરેક મેગેઝીનને વાચકો જોઇએ. દરેકના વ્યક્તિના મનમાં વિચારો કુદકા મારતા હોય. તે શબ્દ સ્વરુપે અને ક્યારેક લેખ સ્વરુપે દૃષ્યમાન થાય. તેને માટે વ્યક્તિ સમય કાઢે છે અને મેગેઝીનને કે મિત્રોને મોકલે. મેગેઝીન વાળા છાપે. અને તેની નકલો અનેક જગ્યાએ પહોંચે. કોઈ વાચકને આ લેખ પસંદ પડે કે ન પડે તો તે લેખ વિષે પોતાનો પ્રતિભાવ આપવાનું નક્કી કરે. તે માટે તે સમય કાઢે અને વિચારોને શબ્દોમાં ગોઠવે અને પ્રતિભાવ રુપે ઉતારે.

પણ આપણે જોયું છે કે વિશાળવાચકવર્ગ ધરાવતા મેગેઝીનના તંત્રીઓ જો તમે જાણીતા ન હો તો તમારી દરકાર કરતા નથી અને ઉત્તર પણ ન પાઠતા નથી. કારણ કે તમારા જેવા તો તેમને માટે અનેક છે. આવા મેગેઝીના તંત્રીઓ વ્યવસ્થાહીન હોય છે.

પણ જો તમે ગાંધીવાદી હો તો ગાંધીને અનુરુપ તમારું વલણ પ્રદર્શિત થવું જોઇએ. મારા કિસ્સાની બાબતમાં લેખક અને તંત્રી/સંપાદકશ્રી એક જ વ્યક્તિ છે. અને પ્રતિભાવક હું છું.

મારા અનુભવ પ્રમાણે અને મારી માન્યતા પ્રમાણે જે અતિ-પ્રતિષ્ઠિત ગાંધીવાદીઓ છે તેઓ તમારા પત્રનો જવાબ આપવામાં માનતા નથી, સિવાય કે તમે પોતે પ્રતિષ્ઠિત હો. (જો કે ગાંધીજી આવા ન હતા. અને તે માટે મારી પાસે ઉદાહરણો છે). હા તમને જવાબ ન મળે જો તમે પત્રમાં ગાળો આપી હોય તો.
મારા માનવા પ્રમાણે ગાંધીવાદીઓએ એકાંગી ન બનવું જોઇએ. ટીકા આવકાર્ય હોવી જોઇએ. અને તેને પણ પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી દરેકને પોતાની ભૂલ હોય તો ભૂલ અને સચ્ચાઈ હોય તો સચ્ચાઈ વધુ સારી રીતે સમજવાની તક મળે. પછી તે પોતે તંત્રી/સંપાદક પોતે જ શું કામ ન હોય?

તો આ કારણથી હું મારા પત્રને ખુલ્લો કરું છું.

શિરીષ દવે.

——————————

દિનાંકઃ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૩.
પ્રતિ શ્રી સંપાદક,
ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશન,
હુજરતપાગા, હિંગળાજ માતાની વાડી, વડોદરા-૧.

માનનીય શ્રી સંપાદકજી,

વિષયઃ “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો પ્રતિભાવક લેખ.

મેં ભૂમિપુત્ર વાંચવાનું શરુ કર્યું છે.

વચ્ચે ૧૯૮૬થી ૨૦૧૨ સુધી ભૂમિપુત્રનું વાચન બંધ કરેલ. હવે શરુ કર્યું છે. સંતોષ પણ થાય છે અને આઘાત પણ થાય છે. મહેન્દ્રભાઈનું સંકલન અને ગોવર્ધનભાઈનું સમાજ વિદ્યાનું વ્યુત્પત્તિ શાસ્ત્ર કે જે કહો તે વાંચવાની મઝા પડે. બીજા સમાજ સેવાને લગતા વ્યક્તિઓ અને કાર્યને લગતા લેખો વાંચીને કંઈક સંતોષ પણ થાય છે. આશા-વિરેન્દ્રની લઘુ કથાઓ પણ ભૂમિપુત્રને અનુરુપ હોય છે.

આમ તો ભૂમિપુત્રના પહેલા પાને જ લખેલું છે કે “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું મુખ પત્રક” જો મારી ભૂલ ન થતી હોય તો મારી સમજ એવી છે કે ભૂમિપુત્રમાં પ્રગટ થતા વિચારો સર્વોદય વિચાર અથવા તો ગાંધીજીના સમાજશાસ્ત્રને અનુરુપ હોય છે અથવા તો હોવા જોઇએ. એ પણ વાત ખરી કે તેનાથી વિરોધી વિચારો પણ હોઇ શકે અને તે શૈક્ષણિક હેતુ માટે ચર્ચામાં સામેલ થઈ શકે. પણ ભૂમિપુત્ર ખુદ જો જાણ્યે અજાણ્યે એકાંગી અવલોકનો અને તારણો પ્રગટ કરવા માંડે અને એક માનનીય હોદ્દાવાળી વ્યક્તિ વિષે અસંબદ્ધ વાતો અને વિશેષણો વાપરવા માંડે ત્યારે ગાંધી વિચારમાં જેમને શ્રદ્ધા કે માન છે તેમને ભૂમિપુત્રના વલણમાં હિંસા દેખાય જ.

હાજી હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ વાત કરું છું.

ભૂમિપુત્રમાં પ્રગટ થતા કેટલાક લેખો અને સમાચારોની બાંધણીમાં એવું સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીના કાર્યો અને નીતિ, ભૂમિપુત્રને પસંદ નથી. આ માટે મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક છે તેમની કામ કરવાની રીત. બીજું છે તેમની વિકાસની નીતિ. એટલે કે તેમની રાજનીતિ. તેમની રાજનીતિમાં આપણે તેમની અર્થનીતિ અને વિકાસ માટેના તેમના અભિગમનો પણ સમાવેશ ગણી લઈશું.
આમ તો વિકાસ એટલે ફક્ત આર્થિક શક્તિનો વિકાસ, એકલો તો ન જ ગણાય, પણ સાથે સાથે તેમાં માનવીય મૂલ્યો, તંદુરસ્તી, શિક્ષણ અને સુખસગવડના વિકાસ પણ આવી જાય. આ વિકાસ અહિંસક રીતે થવો જોઇએ.

એટલે હવે મૂળ વાત પર આવીએ તો ભૂમિપુત્રમાં “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો લેખ વાંચીને પ્રતિભાવ આપવાની ઈચ્છા રોકી ન શકાઈ.

“બે વ્યક્તિઓ વચ્ચેનું વાક્યુદ્ધ” એવું જ્યારે ખબર પડે એટલે સહજ રીતે શું પ્રશ્નોત્તરી થઈ અને તે કેવા પ્રકારની થઈ તે વિષે માહિતિ મળશે તેવી અપેક્ષા રખાય. લગભગ ૧૭૦ લાઈનના (એક પાનાના બે કોલમમાં ૮૦ લાઈનો લેખે), આ લેખમાં લગભગ ૭૦ લીટીઓ સુધી તો કોઈ વાક્યુદ્ધ કે અર્થનીતિ વિષે કશી ચર્ચા નથી. અને બાકીની સો લાઈનોમાં અદ્ધર અદ્ધર વાતો અને રાજકારણ વધુ છે.
“રાજકારણીઓની ગોલા લડાઇઓ … બે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કુસ્તી જેવું દંગલ. નોબેલ પ્રાઈઝ પરત …” વિગેરે.

આ ઉપરાંત જે વ્યક્તિ ચર્ચામાં ભાગ જ લેતી નથી તેની વાતો છે. એટલે કે નરેન્દ્ર મોદી વિષેની વાતો, તે પણ તથા કથિત, કે કથા કથિત વર્ણનવાળી. કારણ કે “આર્થિક નીતિના કે વિકાસની નીતિના વિવાદની જડ એટલે નરેન્દ્ર મોદી છે”, તેથી તેની વાતો છે.

હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.

આ હરિૐ શું છે?

તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.

આ ફેશન શું છે?

આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.

કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.

આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.

અપ્રાસ્તુત્ય

અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.

વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.

ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.

વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,

વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.

જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.

એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.

આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.

શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.

જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.

જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.

અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.

શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.

હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.

શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
આ વાત જવા દો.

ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.

ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.

નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.

ખેતીની જમીન અને તેનું સંપાદન

“ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.

પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર

એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.

બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.

ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.

બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.

મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી

વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)

મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?

વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.

નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.

નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.

નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.

નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?

“આસામથી.

નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?

“આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.

નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
(ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)

નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.

નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.

હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?

ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી

ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.

ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.

શિરીષ મોહનલાલ દવે

એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪,

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧

વાદ વિષે વાત કરવી એટલે એક શુષ્ક વિષય વિષે વાત કરવી એવું લાગે છે. અને એટલે સામાન્ય માણસ અને મોટેભાગે જેને આપણે મૂર્ધન્ય એટલે કે જ્ઞાની કે સુજ્ઞ કહીએ છીએ તેમને પણ થોડે કે ઘણે અંશે આ વાત લાગુ પડે છે. પણ આપણે એની વિગતો માં નહીં જઈએ. કારણ કે આ લેખમાળાનું તે ક્ષેત્ર રાખ્યું નથી.

વાદ એ શું છે?

વૈજ્ઞાનિક સાહિત્યનું એક વલણ છે કે જ્યારે તમે કોઈ એક શબ્દ વાપરો તેનો અર્થ તમે શું કરો છો તેની વાચકને જાણ કરી દેવી જોઇએ. જેથી વાચક, તે અર્થને ધ્યાનમાં રાખી લેખકના વિચારોને સમજે.

શબ્દના અર્થને ક્યારેક વ્યાખ્યા કહેવામાં આવે છે. વ્યાખ્યા એટલે આમ તો ટૂંકામાં ટૂંકામાં ટૂંકું વર્ણન. એટલે આપણે ફક્ત વાદનું વર્ણન જ કરીશું. અને તે પણ સામાજીક સમસ્યાના પરિપેક્ષ્યમાં જ વર્ણન કરીશું

વાદ ત્રણ જાતના છે. મૂડીવાદ, સામ્યવાદ અને સર્વોદયવાદ. આ ત્રણેયનું ધ્યેય સમગ્ર સમાજને તંદુરસ્ત અને સુખી  કરવાનું છે. દરેક વાદ ની અંતર્ગત જે પ્રણાલીઓને પ્રબોધવામાં આવી છે. તે પ્રણાલીઓ ની સમજણ એટલે જે તે વાદ એમ સમજવું.

વાદ એ એક સંક્રાંત વ્યવસ્થા છે.

સંક્રાંત અને વ્યવસ્થા એટલે શું?

સંસ્ક્રાંત એટલે વચ્ચેનો ગાળો.

કોની વચ્ચેનો ગાળો?

પરિસ્થિતિ અને ધ્યેય ને જોડતી  વ્યવસ્થા એટલે સંક્રાંત. જેને આપણે ઈન્ટરફેસ કહી શકીએ.

આ ઈન્ટરફેસ કે સંસ્ક્રાંત વાસ્તવમાં શું છે?

ધારોકે બે વ્યક્તિ છે. પાસે પાસે છે. બંનેને વિચારનો વ્યવહાર કરવો છે તો વિચારનો વ્યવહાર એ તેમનું ધ્યેય થયું. અને તેમની ભૌતિક ઉપસ્થિતિ એ તેમની પરિસ્થિતિ થઈ. અને સમાન ભાષા એ એક સંક્રાંત પ્રણાલી કે ઇન્ટરફેસ સીસ્ટમ થઈ. જોકે ભૌતિક માધ્યમ એટલે કે હવા પણ તેની અંતર્ગત આવી જાય છે હવા ઈશ્વર દત્ત છે.

હવે ધારો કે બે વ્યક્તિ એક બીજાથી ઘણી દૂર છે. તો હવાનું માધ્યમ કામ લાગતું નથી. એટલે ટેલીફોન ની વ્યવસ્થા કરવામાં આવી.

ટેલીફોન શું કરે છે?

એક વ્યક્તિ બોલે એટલે હવામાં સ્પંદન થાય. આ સ્પંદનોને આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માણસે બોલવું તો પડશે. તે હવામાં બોલશે. હવામાં સ્પંદનો થશે. હવે આ સ્પંદનોને દૂર સુધી પહોંચાડવા શું કરવું જોઇએ?

આ એક બીજું ધ્યેય કે ઉપધ્યેય થયું.

આપણા જ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. એક ચૂંબક લીધું અને તેની આગળ એક સ્પંદિત થઈ શકે તેવી પાતળી લોખંડની પતરી લીધી. એ સ્પંદિત થઈ. ચૂંબક અને આ લોખંડની પતરીની વચ્ચેના અંતરમાં વધઘટ થઈ. આ બે વચ્ચે વિદ્યુત ભાર મુક્યો. તાર દ્વારા જોડીને મુક્યો. એટલે આ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં સ્પંદનો રુપાંતરિત થયા. ધાતુના તારને બીજી વ્યક્તિ સુધી લંબાવી દીધા કારણ કે વિદ્યુત તરંગો ધાતુના તારમાં આગળ ગતિ કરી શકશે. બીજી વ્યક્તિ પાસે વિદ્યુત પ્રવાહના સ્પંદનો પહોંચી ગયા. પણ બીજી વ્યક્તિ આ વિદ્યુત પ્રવાહના સ્પંદનોને સમજી ન શકે. તેટલે એક વ્યક્તિ આગળ જે પ્રક્રિયા કરવામાં આવી તેથી ઉંધી ક્રિયા કરવાની જરુર પડી. આ તારને એક ચૂંબક સાથે વિંટાળ્યા અને તેની સામે લોખંડની પતરી રાખી. આમ વિદ્યુત પ્રવાહના સ્પંદનો લોખંડની પતરીમાં રુપાંતરિત થયા અને તે પતરીએ હવામાં સ્પંદનો ઉત્પન્ન થયાં આમ બીજી વ્યક્તિ પાસે સ્પંદનો પહોંચી ગયા અને તે બધું સાંભળવા લાગ્યો. આ ટેલીફોન વ્યવસ્થાને આપણે આપણા ધ્યેયને પામવા માટેનું ઈંન્ટરફેસ કહી શકે. આ ઇન્ટરફેસ નું કામ પરિસ્થિતિ અને ધ્યેયને જોડવાનું છે.

વિચારો મગજમાં ઉત્પન્ન થાય છે. વિચારોને વ્યક્ત કરવા માટે આપણું મોઢું કે જેમાં જીભ, હોઠ, દાંત છે. આપણા વિચારો મોઢાદ્વારા વ્યક્ત કરીએ છીએ. આ મોઢું એ આપણા વિચારો અને હવા વચ્ચેનો ઈન્ટરફેસ છે. આ હવાના સ્પંદનોને મોઢું સમજી શકતું નથી. તેને માટે કાન છે. જે હવાના સ્પંદનોને મગજમાં મોકલે છે. અને સમાન ભાષા તેને ઉકેલે છે. આ ઈશ્વરીય ઇન્ટરફેસ છે.

દરેક વ્યવસ્થાઓમાં અનેક ઉપપ્રણાલીઓ હોય છે. ટેલીફોન પ્રણાલીમાં પણ અનેક પ્રણાલીઓ વિકસી છે. મોઢાથી મગજ અને મગજ થી કાન સુધી પણ ઈશ્વરે અનેક પ્રણાલીઓ મુકી છે.

ઈશ્વરની પ્રણાલીમાં ક્ષતિ આવે તેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. તેને માટે ઉપચાર કરીએ છીએ. આ ઉપચાર એક ઈન્ટરફેસ છે.

મનુષ્યનું ધ્યેય શારીરિક તંદુરસ્તીનું છે. અને જ્યારે ક્ષતિ આવે ત્યારે ઉપચાર કરીએ, આ ઉપચારની પ્રક્રિયાને આપણે “પથી” કે “શાસ્ત્ર” કહીએ છીએ.

જે પ્રક્રિયા કે પ્રણાલી, આપણને ધ્યેય સુધી પહોંચાડે તે પ્રક્રિયાને આપણે વાદ કે શાસ્ત્ર કહી શકીએ. ટૂંકમાં વાદ એક ઈન્ટરફેસ છે. અને તેની વિગતો એ એક પ્રણાલી છે. ઇન્ટરફેસ એ એક એવી પ્રણાલી છે જે ધ્યેય અને વ્યક્તિ બંનેને સમજે છે.

એક સવાલ ઉભો થશે.

આપણે આ સાધન કે વ્યવસ્થા કે શાસ્ત્રને સંક્રાંત વ્યવસ્થા કેમ કહીએ છીએ?

એવી તે શી જરુર પડી કે આપણે તેને સંક્રાંત કે ઈન્ટરફેસ કહેવી પડે? શું આમાં કોઈ ભાષા ક્ષતિ છે?

હોઈ શકે છે. વિદ્વાનો તેની ઉપર વિચાર કરી શકે છે. કારણ કે શબ્દનો અર્થ એ વર્ણન છે. અને આપણે વર્ણન તો કર્યું જ છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જ્યારે જઈએ ત્યારે વચ્ચેના સમયને સંક્રાંતસમય કહેવામાં આવે છે. અને સંસ્ક્રાંત સમય એ એક એવો સમય છે જે તમને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લઈ જાય છે. આ સંક્રાત સમયને આપણે રસ્તો, શાસ્ત્ર, પ્રણાલી કે સાધન કહીએ તો શું ખોટું છે? રસ્તો એ એક અંતર છે. અંતર અને સમય જુદા નથી. અંતરને શરીર માપે છે. સમયને મગજ માપે છે. શરીર અને મગજ એક જ છે.

તો હવે કહો કે નવ્ય ગાંધીવાદને કેવી રીતે સમજીશું?

આ વસ્તુ સમજતાં પહેલાં આપણે બહુ જ ટૂંકામાં ત્રણે વાદને સમજી લેવા જોઇએ.

ત્રણેનું ધ્યેય શું છે?

ત્રણેયનું ધ્યેય તંદુરસ્ત અને સુખી સમાજ તરફ જવાનું છે.

તંદુરસ્ત એટલે શું અને સુખી એટલે શું?

શરીરને ક્યારે તંદુરસ્ત કહેવાય?

જો શરીરમાં કશી ક્ષતિ ન હોય અને તેના અંગ ઉપાંગો બરાબર કામ કરતા રહે તો તેને તંદુરસ્ત કહેવાય. જેમ શરીર તંદુરસ્ત તેમ તેનું ટકાઉપણું વધારે. એટલે કે આયુષ્ય વધારે.

INTERFACIAL HYPOTHESIS

સુખી એટલે શું?

સુખ એટલે આનંદ. આનંદ શારીરિક પણ હોય અને બૌદ્ધિક પણ હોય. અંતે તો મન જ આનંદિત થાય છે. બુદ્ધિ પણ શરીરનું અંગ છે. બુદ્ધિનું કામ જ્ઞાન મેળવવાનું છે. એટલે જેમ જ્ઞાન વધારે તેમ આનંદ વધારે.

જે પરિસ્થિતિ ઉભી કરવાથી વધુ આનંદ અને લાંબા સમયનો આનંદ મળે તે પરિસ્થિતિએ પહોંચવા માટે જે સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર કામ લાગે તેને વાદ કહેવાય.

મૂડીવાદ શું કહે છે?

માનવ સમાજ માનવોનો બનેલો છે. પણ બધા માનવોના વલણો એક સમાન ન હોવાથી, દરેક માનવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની પસંદગી કરે. કાર્યની પસંદગીની સ્વતંત્રતા દરેક માનવને હોવી જોઇએ. કાર્ય દ્વારા તેને બદલો મળે છે. જે વધુ ઉપયોગી કાર્ય (જેની માંગ વધુ હોય તેને વધુ ઉપયોગી ગણવું) કરશે તેને વધુ બદલો મળશે. આ બદલાનો સંચય કરવાની પણ તેને સ્વતંત્રતા રહેશે.

એક માનવ બીજા માનવને નુકશાન ન કરી શકે તે માટે માનવોનો સમૂહ નીતિ નિયમો બનાવી તેને નિયંત્રિત કરશે.. જનપ્રતિનિધિઓ, માનવની ક્ષમતા વધે તે માટેની વ્યવસ્થા પ્રણાલીઓ સ્થાપશે અને તેનું  નિયંત્રણ કરશે. જનપ્રતિનિધિની દ્વારા થતી વહીવટી વ્યવસ્થા પારદર્શક રહેશે.

સામ્યવાદ શું કહે છે?

માનવ એ સામાજીક પ્રાણી છે. અને તે સમાજને આધિન છે. તેથી સમાજને કેન્દ્રમાં રખાશે. આ વિચાર ધારાને માન્ય રાખનારાઓનું જનપ્રતિનિધિત્વ બનશે. તે વ્યવસ્થા ગોઠવશે. આ વ્યવસ્થા, ઉપયોગી વસ્તુનું ઉત્પાદન અને વહેંચણી કરશે. તે માટેની પ્રણાલીઓ અને વ્યવસ્થા ગોઠવાશે. કામની વહેંચણી કરાશે, ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણ રાખાશે. વહીવટી વ્યવસ્થા જનહિતમાં, સ્થાપિત હિતોને ડામવા માટે હોવાથી, આ વહીવટી વ્યવસ્થાઓને પારદર્શક રાખવામાં આવશે નહીં

સર્વોદયવાદ શું કહે છે?

માનવ એ સમાજનો એક અંશ છે. સમાજમાં ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ એક બીજાના આધાર ઉપર નભતી સમગ્ર ઈશ્વરીય સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવ પદાર્થો ઈશ્વરીય વ્યવસ્થાનો અંશ છે. આ ઈશ્વરીય વ્યવસ્થા એ સમાજ છે. આ એક વૈશ્વિક સમાજ છે. આ સમાજનું સંતુલન જળવાઈ રહે અને મનુષ્ય સૌની સાથે સામુહિક આનંદ ભોગવી શકે તેવી જ વ્યવસ્થા ગોઠવાવી જોઇએ.

અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓએ સૃષ્ટિમાં અને માનવસમાજમાં પણ માનસિક અને ભૌતિક અસમાનતા સર્જી છે. તેથી વ્યવસ્થા અહિંસક અને શોષણહીન હોવી જોઇએ. ઉત્પાદન અને વહેંચણીના એકમોનો વહીવટ જેટલો વિકેન્દ્રિત રખાશે તેટલો અનુત્પાદક ખર્ચ ઘટશે.

ગામડાઓને મોટા અંશે સ્વાવલંબી બનાવવા પડશે. તેથી માનવ અને માલનો સ્થળાંતર કરવા માટેનો અનુત્પાદક ખર્ચ ઘટશે. વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે શહેરો અને ગામડાં એક બીજાના પૂરક બને. અસમાનતા એટલી હદે નહીં વધવા દેવામાં આવે કે જેથી એક માનવનો બીજા માનવ વચ્ચે કે અને એક  માનવનો સંસ્થા સાથે કે અને સંસ્થાનો માનવ  સાથે અસંવાદ કે વિસંવાદ ઉત્પન્ન થાય.

માનવના ઉત્કર્ષની શરુઆત છેવાડેના માણસના હિતને પ્રાથમિકતા ઉપર રાખી કરવામાં આવશે.

મનુષ્ય શું છે? ઉત્કર્ષ શું છે? સમાજ શું છે? ધ્યેય શું છે? સુખ શું છે? આનંદ શું છે? આ બધું જો વિસ્તારથી સમજવું હોય તો આજ બ્લોગ સાઈટ ઉપર ગાંધીવાદ અને અદ્વૈતવાદ ઉપરના લેખો સમય મળે તો વાંચવા.

હાલની પ્રવર્તમાન સ્થિતિને તંદુરસ્ત અને સુખી સમાજ તરફ કેવી રીતે લઈ જવો તે નવ્ય ગાંધીવાદ બતાવશે.

હાલ કેટલાક મૂર્ધન્યો “નવ્ય મૂડીવાદ” વિષે વિચારી રહ્યા છે. આપણા સામ્યવાદી ભાઈઓ “નવ્ય સામ્યવાદ” અમલમાં મુકી રહ્યા છે એમ કહી રહ્યા છે. તો આપણે નવ્ય ગાંધીવાદ વિષે વિચારીશું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જ્ઞાન, સુખ, આનંદ, સમાજ, વાદ, ઉત્કર્ષ, તંદુરસ્ત, મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, પ્રણાલી, સાંપ્રત, ઈન્ટરફેસ, સમય, અંતર, વ્યાખ્યા, વર્ણન, ઉત્પાદન, વહેંચણી,  ઈશ્વરીય, વ્યવસ્થા

Read Full Post »

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

ગુજરાતાને ગુજરાતીઓને થતા અન્યાય ની વાત નવી નથી. પણ આ સમસ્યા, વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી વકરી.

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના હેતુઓઃ

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના આમ તો બે હેતુઓ હોવા જોઇએ. પણ નહેરુવીયન શાસનમાં અને ખાસ કરીને નહેરુવંશીઓ અને તેમના પૂજારીઓમાં ત્રણ હેતુઓ થયા હતા.

ગાંધીજીનો રાજકારણમાં આવવાનો હેતુ ફક્ત સમાજ સેવા હતો.

વલ્લભભાઈ પટેલનો હેતુ દેશની એકતા અને દેશની સેવા એમ હતો. દેશની એકતા અને તે માટે યોગ્ય વહીવટ જો સત્તા હોય તો સરળ અને ઝડપી બને. તેથી વલ્લભભાઈ પટેલે સત્તા સ્વિકારેલી. એટલે એમ કહી શકાય કે વલ્લભભાઈ પટેલનો રાજકારણમાં રહેવાનો હેતુ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

મોરારજી દેસાઈ નો હેતુ પણ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

જવાહર લાલ નહેરુનો હેતુ સર્વોચ્ચ સત્તા અને દેશ સેવા એમ હતો. એટલે કે વલ્લભભાઈ પટેલ અને નહેરુ ના હેતુઓ બાબતમાં પ્રાથમિકતા અલગ અલગ હતી.

આમાં ગુજરાતને અને ગુજરાતીઓને અન્યાય થવાની વાત ક્યાં આવી?

નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ અને તેમના વલણોઃ 

૧૯૪૭ પહેલાં તો દેશ માં રજવાડા હતા અને તે સિવાયના ભારત ઉપર એજન્સી સરકારનું રાજ હતું. એટલે જે વિકાસ થતો તે દેશી રજવાડાઓને હિસાબે થતો હતો. અંગ્રેજોની એજન્સી સરકાર જેટલો તેમના લાભમાં હોય તેટલો વિકાસ પોતાના પ્રત્યક્ષ તાબા હેઠળના પ્રદેશોમાં કરતી.

તે વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓને હજી સત્તાનો નશો અને મદ ચડ્યા ન હતા અને સૌ કોઈ ગાંધીજીના વ્યક્તિત્વ અને “સાદાઈ” પ્રત્યે અને “દેશ પ્રથમ” એ ભાવના પ્રત્યે જણે અજાણે સકારાત્મક વલણ અપનાવતા હતા. પણ જેવી સ્વતંત્રતા પ્રાપ્તિ નજીકમાં દેખાઈ એટલે કેટલાકની અને ખાસ કરીને નહેરુની પ્રાથમિકતા બદલાઈ. આમ પણ કોંગ્રેસમાં જુથવાદ તો હતો પણ તે વૈચારિક વધુ અને હોદ્દા પ્રાપ્તિ માટે પ્રમાણમાં ઓછો એ પ્રમાણે હતો. કારણ કે ગાંધીજીની આંખની શરમ તેમને નડતી હતી. સૌથી ઓછી આ આંખની શરમ નહેરુને નડતી હતી. તેથી જેવી સ્વતંત્રતા નજીક આવી કે તૂર્ત જ નહેરુએ વડપ્રધાન પદની દાવેદારી કરી.

આ અગાઉ પણ સરદાર પટેલની ઉપર “તેઓ મૂડી વાદીઓના પીઠ્ઠુ છે” તેવી વાતો પણ નહેરુના અનુયાયીઓ દ્વારા ફેલાવામાં આવતી. પણ વલ્લભભઈ પટેલનું વ્યક્તિત્વ વિશિષ્ઠ અને ઉચ્ચ હતું તેથી વલ્લભભાઈ પટેલના સપોર્ટર વધુ હતા.

વડાપ્રધાન પદ માટે નહેરુના નામની કોઈપણ પ્રદેશ સમિતિએ ભલામણ કરી ન હતી.

વલ્લભભાઈ પટેલના નામની ભલામણો થઈ હતી.

નહેરુ જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ આ વાત નહેરુને કરી. હવે જો નહેરુ નિરપેક્ષ અને નૈતિક રીતે લોકશાહીવાદી હોત તો તેમણે કહેવું જરુરી હતું કે “હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.” પણ નહેરુ એવું કશું જ ન બોલ્યા. પણ તેમણે પોતાનું મોઢું તંગ કર્યું હતું.

કેટલાકનું  માનવું છે કે નહેરુએ ગાંધીજીને ધમકી આપી કે તેઓ કોંગ્રેસનું વિભાજન કરશે. આ વાત સાચી હોય અને સાચી ન પણ હોય. પણ ગાંધીજી વિચક્ષણ હતા તે વાત નકારી ન શકાય. તેઓ નહેરુના ચહેરા ઉપરથી કશુંક અમંગળ બને તેવી શક્યતા પામી શક્યા હોય. ગાંધીજીને લાગ્યું કે હાલ તૂર્ત કોંગ્રેસના ભાગલા પડે તો દેશ પણ અનેક ભાગોમાં વિભક્ત થઈ જાય. એક વખત બધું ઠરી ઠામ થઈ જાય અને કમસે કમ પાકિસ્તાન રહિત ભારત તો પાકિસ્તાન રહિત ભારત પણ, જો અકબંધ રહે તો સારું.

જુઓ આ લીંકઃ

http://www.youtube.com/watch?v=94LGke-lFKc&feature=related

Rajiv Dixit on Mahatma Gandhi

ગાંધીજી એ આમ એટલા માટે વિચાર્યું કે જ્યારે બંધારણ ઘડાશે અને ચૂંટણીઓ થશે ત્યારે પ્રજા જે ઈચ્છશે તે જ વડાપ્રધાન થશે.

હાલનો નિર્ણય તો કામચલાઉ છે.

લોકશાહીમાં તો લોકોનો નિર્ણય જ સર્વોપરી રહેશે.

વળી ગૃહપ્રધાન પદ માટે તો વલ્લભભાઈ પટેલ અનિવાર્ય જ છે.

વલ્લભભાઈ પટેલની તબિયત પણ વિદેશી પ્રવાસો માટે અનુકુળ ન હતી.

તે વખતના સંજોગોના સંદર્ભમાં ગાંધીજીનો નિર્ણય બરાબર હોઈ શકે.

ધારો કે વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થયા હોત તો નહેરુને ગૃહખાતું આપવું પડ્યું હોત. નહેરુ પાસે એવી આર્ષ દૃષ્ટિ ન હતી અને વહીવટી નિપૂણતા પણ ન હતી. નહેરુની સમસ્યા કહો તો સમસ્યા, માનસિકતા કહો તો માનસિકતા અને સ્વભાવ કહો તો સ્વભાવ, સમસ્યાઓના નિવારણને પ્રલંબિત અવસ્થામાં રાખી દેવાનો હતો. આવી વૃત્તિ નવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને મૂળ સમસ્યા તો ઉભી રહે છે જ

વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા અને વહીવટી નિષ્ણાત હતા. દેશના હિતમાટે સત્તાને તેઓ અછૂત માનતા ન હતા. બધા પ્રશ્નો લોકજાગૃતિની વિચાર ધારા વડે ઉકેલી શકાતા નથી તે વાત તેઓ ગાંધીજી જેટલા જ પ્રમાણમાં કે તેથી વધુ પ્રમાણમાં જાણતા હતા તેથી તેઓ ગૃહપ્રધાનપદ અને નાયબવડાપ્રધાન પદ સ્વિકારવા તૈયાર થયા.

વલ્લભભાઈ પટેલને વડાપ્રધાનપદ ન મળે એ વાત વલ્લભભાઈ પટેલના અનુયાયીઓને ન ગમે તે સ્વાભાવિક છે. અને આ વાતથી નહેરુ માહિતગાર હતા. તેથી નહેરુ “સર્વોદયવાદી સમાજવાદ” ની વાતો કરતા હતા. આ વાત વાસ્તવમાં નહેરુની એક ચાલ હતી કે જેથી વલ્લભભાઈ પટેલના અનુયાયીઓમાં અને ગાંધીવાદીઓમાં ભ્રમ ઉભો કરી શકાય અને તેમને કમસે કમ દહીં દૂધમાં રાખી શકાય.

દેશના કમનસીબે વલ્લભભાઈ પટેલ ૧૯૫૦માં ખરાબ તબિયતને કારણે અવસાન પામ્યા. તેથી નહેરુનો મુખ્ય પ્રતિસ્પર્ધી દૂર થયો. તે પછી જે પ્રતિસ્પર્ધી રહ્યા તેમને દૂર કરવા તે નહેરુ માટે ડાબા હાથનો ખેલ હતો. નહેરુના દેશી અને વિદેશી સંપર્કો સૌથી વધુ હતા. સ્વાતંત્ર્યની લડત દરમ્યાન સેનાનીઓનું આશ્રયસ્થાન નહેરુનું નિવાસસ્થાન રહેતું હતું. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હોદ્દાની રુએ સુખસગવડની જોગવાઈ, અનુમતિ અને તે માટેના રાજકીય પ્રમાણ પત્રની અપેક્ષા નહેરુ જ સંતોષી શકે. નહેરુએ જયપ્રકાશ નારાયણ અને રાજાજીને (ચક્રવર્તી રાજગોપાલાચારીને) અનુક્રમે વેદીયા અને જુનવાણી ઠેરવી દૂર કર્યા. મૌલાના આઝાદ, ગોવિંદવલ્લભ પંત, મદનમોહન માલવીયા વિગેરેને સર્વોચ્ચ પદની અપેક્ષા ન હતી. તેઓ કાળક્રમે ટાઈમસર પ્રભુને પ્યારા થયા. 

તમે કહેશો કે નહેરુ અને વલ્લભભાઈ વચ્ચેનો વિખવાદ તો વૈચારિક હતો. એમાં ગુજરાત અને ગુજરાતીઓ ક્યાં આવ્યા? વળી મહાત્માગાંધી તો ગુજરાતી હતા, અને નહેરુ તો મહાત્મા ગાંધીનું નામ લેતા થાકતા ન હતા. તો પછી નહેરુને ગુજરાતી દ્વેષી કેમ કહેવાય?

નહેરુનો રાજકારણમાં મુખ્ય હેતુ સત્તા અને સર્વોચ્ચ પદ હતો. દેશની સેવા એક આડ પેદાશ તરીકે હતી. તેમની ખુરસી સર્વોચ્ચ હોય અને આ ખુરસી સલામત રહે તે માટે તેમનું મગજ ક્રિયાશીલ રહેતું. પ્રસાર માધ્યમો તેમને આધિન રહેતા. તેમનું વ્યક્તિત્વ જ નાટકીય હતું. તેઓ વાંચ્યા વગર શબ્દોની રમત રમી શકતા હતા. જેમને બદનામ કરવા હોય તેમને બદનામ કરાવી શકતા હતા કે કરી શકતા હતા.

ગાંધીજીની સાદગી, સર્વોદયવાદ અને શાસકીય અહિંસા પરત્વે નહેરુનું વલણ સકારાત્મક ન હતું. એટલે વિરોધીઓને પછાડવામાં તેઓ વ્યુહરચના કરી શકતા હતા. ગાંધીજીના દેશી અને વિદેશી સંપર્કો નહેરુ કરતાં વિશાળ હતા. ગાંધીજીના કદ આગળ નહેરુ તો વામન હતા, તેથી તેમનો દ્વેષ કરવો નહેરુને પોષાય તેમ ન હતો. તેથી ન છૂટકે તેઓ ગાંધીજી પાસે ચૂમાઈને ચૂપ રહેતા. ગાંધીજીની સાદગી વિષે તેમના અનુયાયીયો અફવા ફેલાવતા “ગાંધીજીની સાદગી નભાવવા સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. જો કે આ નો દાખલો ફક્ત એક જ અવારનવાર દોહરાવવામાં આવે છે જે “અંગ્રેજ સરકારે ગાંધીજીને વટોઘાટો માટે તેડવા માટે સ્પેસીયલ ટ્રેન દોડાવેલી. ટ્રેન એટલે એન્જીન અને ડબ્બો. એક બનાવ બન્યો. તેમાં થયેલ ખર્ચને કોઈ આધાર વગર અને ગણત્રીહીન રીતે  તમે “લાખ રુપીયા” ઠેરવી દીધો. અને પછી “લાખ”ના કર્યા “લાખો”.   એક જુઠ સો વાર બોલો એટલે તે અવાર નવાર બન્યું હશે તેમ ગણાઈ જાય.

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાન મંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાન મંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાન નો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

મહાત્મા ગાંધીની બકરીની બદામ અને ઈન્દીરા ગાંધી.

સાદાઈની વાતો થતી હતી ત્યારે ઈન્દીરા ગાંધીએ ગાંધીજીની સાદાઈની મજાક ઉડાવેલી. તેમણે કહેલ કે ગાંધીજીની બકરીને બદામ ખવડાવવામાં આવતી હતી.એટલે કે ગાંધીજી બદામ ખાધેલી બકરીનું દુધ પીતા હતા. આ વાત સમાચાર પત્રોની હેડલાઈનો બનેલા. ગાંધીજીની સાદાઈ નભાવવા માટે સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. અને ગાંધીજી ની બકરીનો ખોરાક બદામ હોય. આ બીજી વાત તો “બકરીકી તીન ટાંગ” જેવી હતી. પણ સમાચાર પત્રોની હેડ લાઈન ઉપર ચમકી એટલે એક ગાંધીવાદી તંત્રીશ્રીએ ખુલ્લો પ્રશ્ન કર્યો કે આ વાત માન્યામાં આવે તેમ નથી . પણ જો આ સત્ય હોય તો  કોઈ ગાંધીજીનો અંતેવાસી આ વાત વિષે સ્પષ્ટીકરણ કરે. એક અંતેવાસીએ સ્પષ્ટતા કરેલ, કે એક વખત ગાંધીજીની બકરી માંદી પડેલ. એટલે એક વૈદ્યે કે ડૉક્ટરે, તેને એક બે દિવસ દવા તરીકે બદામ ખવડાવવાનું સૂચવેલ. ગાંધીજીની બકરીને આ સિવાય ક્યારેય બદામ ખવડાવવામાં આવી ન હતી.  એક વાત સમજવાની   છે. જ્યારે કોઈ ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિ એક વાત ( જે આંચકો આપે તેવી હોય અને તેવું જુઠાણું પણ હોય) ફેલાવે ત્યારે તેને વ્યાપક પ્રસિદ્ધિ મળે. પણ તે જુઠ્ઠી વાતની સચ્ચાઈ જ્યારે કોઈ નાનો માણસ બતાવે ત્યારે તેની સચ્ચાઈને એવી પ્રસિદ્ધિ મળતી નથી. ગાંધીજીની સાદાઈની વાતને નહેરુવંશીઓએ મજાક બનાવેલી છે. જે નુકશાન કરવાનું હતું તે થઈ જ ગયું છે.

સરદાર પટેલ તરફનું નહેરુનું અસભ્ય વર્તનઃ

સરદાર પટેલ ની પ્રતિભા નહેરુને ખૂંચતી હતી. અને તેમણે સરદાર પટેલની સાથે અનેક વાર એવી કઢંગી રીતે વર્તેલા કે તે પછી સરદાર પટેલે તેમને મળવાનું ટાળેલ. આ બનાવનો ઉલ્લેખ એમ કે કે નાયર જેઓ સરદાર પટેલ અને વીપી મેનન બંનેની ખાસ નજીકના અને ૧૯૪૭ આઇએએસ કેડરના અધિકારી હતા.

કેબીનેટમીટીંગમાં વાત શી હતી અને નહેરુ શું બોલ્યા હતા?

વાત હતી હૈદરાબાદની. અને તેને કબજે લેવા માટેના પોલીસ એક્સનની હતી. નહેરુ, સરદાર પટેલ ને ઉંચા અવાજે તાડૂક્યા; તમે પૂરેપૂરા કોમવાદી છો. અને હું તમારા સૂચનો અને ભલામણ માં ભાગીદાર નહીં બનું.” આના પ્રતિભાવમાં સરદાર પટેલ ચોંકી ગયા હતા અને પ્રતિકારમાં સરદાર પટેલ કંઈપણ બોલ્યા વગર,  કાગળો લઈ કેબીનેટની બહાર નિકળી ગયા હતા. જોકે નાયરે આ બનાવનો દિવસ બતાવ્યો નથી. પણ મોટેભાગે આ કેબીનેટ મીટીંગ હૈદરાબાદની મુક્તિ પહેલાના એક અઠવાડીયા પૂર્વેની હશે. સરદાર પટેલ હૈદરાબાદના અંગત સૈન્ય રઝાકારોનો જો સામનો કરવો પડે તો તે સામનો પલીસ એક્સન દ્વારા અને જરુર પડે તો સૈન્યદ્વારા કરવા માગતા હતા. જ્યારે નહેરુ આ સમસ્યા યુનો મારફતે હલ કરવાના મુડમાં હતા.

સરદાર પટેલની સળંગ સફળતાઓથી નહેરુ, મનોમન ગુજરાતીઓના દ્વેષી બની ગયા હતા. તેઓ આ કારણને લીધે ગાંધીવાદીઓથી પણ નારાજ હતા. વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામ્યા એટલે નહેરુની ઘાત ગઈ. નહેરુનો સરદાર પટેલ તરફનો દ્વેષ ૧૫મી ડીસેમ્બર ૧૯૫૦ના રોજ છતો થયો જ્યારે સરદાર પટેલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. નહેરુએ તત્‌કાલીન મુંબઈપ્રાંતના કેબીનેટ સેક્રેટરી વીપી મેનનને બે નોંધ મોકલી. એક નોંધમાં સરદાર પટેલની કાર પરત કરવી. અને બીજી નોંધ માં એ સૂચન હતું કે જે અફસરો સરદાર પટેલની સ્મશાન યાત્રામાં જવા માગતા હોય તેમણે પોતાને ખર્ચે જવું. નાયર આગળ લખે છે કે વીપી મેનને બધા અફસરોની મીટીંગ બોલાવી અને જેઓ સરદાર પટેલની અંતેષ્ટીમાં જવા ઈચ્છતા હતા તેમનું એક લીસ્ટ બનાવ્યું. વીપી મેનને એ જાહેર ન કર્યું કે સૌએ પોતાના ખર્ચે જવાનું છે. પણ તેમણે સૌની એર ટીકીટ ખરીદી અને તે સૌની ચૂકવણી તેમણે પોતાના ખીસ્સાના પૈસે કરી. નહેરુ ગુજરાતીઓની વિરુદ્ધમાં હતા તે માટે વિશેષ પુરાવાઓની જરુર રહેતી નથી. પણ પુરાવા વધુ પણ મળશે. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં ગાંધીજીનું અને સરદાર પટેલનું  જ્યાં સુધી કોંગ્રેસ ઉપર વર્ચસ્વ હતું અને નહેરુ તેમના આશ્રિત હતા ત્યાં સુધી ગુજરાતી નેતાઓ ની આવડત પ્રતિષ્ઠા પામતી પણ જેવા તેઓ અવસાન પામ્યા, તેમને હમેશા અમુક હદે રોકવામાં આવ્યા છે. 

નહેરુવીયનો અને મોરારજી દેસાઈઃ     

સરદાર પટેલ પછી ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ મોરારજી દેસાઈ બન્યા. કોંગ્રેસની વિદેશ નીતિ વિવાદાસ્પદ હતી અને ઘણાને પસંદ ન હતી. તેમાં મોરારજી દેસાઈ એક હતા. પણ મોરારજી દેસાઈ શિસ્તમાં માનતા અને મોવડીમંડળ જે સૈદ્ધાંતિક નિર્ણય લે તેને વળગી રહેવું અને તેનો બચાવ પણ કરવો તેમને શિસ્તમાટે જરુરી લાગતું હતું. કોંગ્રેસની એક સિદ્ધાંત નીતિ એ પણ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી. અને તે પછી જે તે પ્રાંતની ભાષામાં વહીવટ કરવો. કોંગ્રેસ પ્રદેશ સમિતિઓની રચના પણ આ પ્રમાણે જ ક્યારનીય કરવામાં આવેલી.

મુંબઈનો વિશિષ્ઠ દરજ્જો હતો. મુંબઈ ગુજરાતીઓએ વસાવેલ. અને તેનો વિકાસ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી ૨૦થી ૨૫ ટકા, પ્રોપર્ટી ૭૦ ટકા અને ઔદ્યોગિક માલિકી ૯૦ ટકા હતી.

મુંબઈ કોંગ્રેસ પ્રદેશ સમિતિ અલગ હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અલગ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ પણ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ રાજ્યો હતા. મુંબઈ આવકનું સાધન હતું ગ્રામ્યવિસ્તારોમં મરાઠી બહુમતી હતી. અને મુંબઈમાં પણ મરાઠી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. કોંગ્રેસે શરુઆતમાં મધ્યમાર્ગ અપનાવ્યો અને 1956ના અંત ભાગે દ્વીભાષી રાજ્ય કર્યું.

૧૯૫૫-૫૬માં આંદોલનો થયાં હતા. મરાઠી જનતા અને નેતાઓને સંતોષ ન થયો. એટલે તેમણે આંદોલન ઉપાડ્યું હતું અને તેનો પડઘો ૧૯૫૭માં પડવાનો હતો. એવો પ્રચાર થયો કે ગુજરાતીઓ મુંબઈ મહારાષ્ટ્રને મળે તે બાબતમાં આડખીલી રુપ છે. સીડી દેશમુ્ખે રાજીનામું પણ આપેલ. (જો કે સીડી દેશમુખ એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા. તેમને વિષે ઘણા વિવાદો અને વિસંવાદો છે)  દ્વીભાષી રાજ્ય થયું અને ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને કારણે કોંગ્રેસની સત્તા દ્વીભાષી મુંબઈમાં ટકી ગઈ. ખરી રીતે નહેરુએ મોરારજી દેસાઈનો આભાર માનવો જોઇએ. પણ મોરારજી દેસાઈ ને જનતાના રોષ નો ભોગ બનાવાયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સેંકડો વર્ષોથી હળી મળીને રહેતી હતી તેમની વચ્ચે વિખવાદ ઉત્પન્ન કરાયો.

વડાપ્રધાન પદને ન શોભે તેવા નહેરુના ઉચ્ચારણો નીચે પ્રમાણે હતા. “મરાઠી ભાઈઓ તમે શું કામ દ્વીભાષી મુંબઈ રાજ્યથી નાખુશ છો. તમને તો અમે ગુજરાતીઓ ઉપર રાજ કરવાની તક આપી છે.”

“મરાઠી ભાઈઓને જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ.”

 ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ. નહેરુની કેન્દ્ર સરકારે ગુજરાતમાં સરકારી નોકરોનું પગાર ધોરણ સુધરવા ગ્રાન્ટ આપેલ. જીવરાજ મહેતાએ નહેરુને વહાલા થવા માટે તે પરત કરેલ. જો જીવરાજ મહેતાએ તે વખતે જ સરકારી નોકરોના પગાર ધોરણો સુધારી નાખ્યા હોત તો ઘણા જ નોકરો લાંચ રુસ્વત ની બદીથી અળગા રહી શક્યા હોત. વિદેશોમાં સરકારી નોકરો યાતના ભર્યું કૌટુંબિક જીવન જીવતા હોતા નથી. તેમના પગાર સારા હોય છે. આપણે ત્યાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવો ઘાટ હોય છે.

મોરારજી દેસાઈ કાયદાના રાજમાં માનતા હતા. મુંબઈમાં ગુજરાતીઓ ઉપર હુમલાઓ થતા. અને ગુજરાતીઓએ હિજરત કરવી પડેલી. ગુજરાતી મરાઠી વૈમનસ્ય નહેરુએ ઉત્પન્ન કરેલ. મોરારજી દેસાઈને મહારાષ્ટ્રમાં મરાઠીઓ ધિક્કારતા હતા. મોરારજી દેસાઈને કેન્દ્રમાં લેવામાં આવેલ અને નાંણા ખાતું આપેલ. નહેરુને મોરારજી દેસાઈની આર્થિક નીતિ પસંદ ન હતી. નહેરુની આગાહીઓ ખોટી પડતી હતી. અને મોરારજીની આગાહીઓ સાચી પડતી હતી. આ બાબતો ખાસ કરીને જાહેર સાહસો બાબતે હતી. ખાનગી ક્ષેત્રોને કારણે દેશ પ્રગતિને પંથે હતો. પણ લાંબો પંથ કાપવાનો હતો. ચીનની ઘુસણખોરીથી દેશ ત્રસ્ત હતો. ૧૯૬૨માં ચીને આક્રમણ કરી આસાન વિજય પ્રાપ્ત કર્યો અને ૭૪૦૦૦ ચોરસ માઈલ ભરતીય જમીન કબજે કરી. આ બાબત તેણે ઉભી કરેલી માગણી કરતાં ૧૨૦૦૦ ચોરસ માઇલ વધુ હતી. ચીને તે ૧૨૦૦૦ ચોરસ માઈલ જમીન ખાલી પણ કરી. વિનોબા ભાવેએ ચીનને વધાઈ આપી કે ચીન એક એવો એક માત્ર દેશ છે જે જીતેલી જમીન પાછી આપી રહેલો છે. પણ નહેરુએ અગાઉ એવી ફીશીયારી મારેલ કે ચીનને આગળ વધતું આપણે અટકાવીશું ત્યારે જ અટકશે. આપણા સમાચાર પત્રોએ એવી હેડ લાઈન  છાપેલ કે “ચીની લશ્કર પાછું જઈ રહ્યું છે”  જાણે કે સંદેશ એવો હોય કે ભારતીય લશ્કર ચીની દળોને હટાવી રહ્યું છે. આ બધી વાતો બહુ લાંબી છે. પણ મોરારજી દેસાઈ નહેરુના એક નવા ગુજરાતી પ્રતિસ્પર્ધી બની ગયા હતા.

૧૯૬૨માં ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. અવિભાજીત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. અને તેઓ નહેરુના ખાસ માનીતા હતા. એટલે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા. ગુજરાતમાં મોરારજી દેસાઈની શક્તિને કાપવા માટે તેમણે મોરારજી દેસાઈને કામરાજપ્લાન હેઠળ દૂર કર્યા. પણ ગુજરાત મોવડીમંડળ ઉપર મોરારજી દેસાઈનો પ્રભાવ ચાલુ રહ્યો. નહેરુ એક બીજો દાવ પણ ખેલ્યા તે “લોકશાહી વાદી સમાજવાદી સમાજ રચના. અને આ ઓઠા હેઠળ તેમણે પ્રજાસમાજવાદી પક્ષના સભ્યોનો પક્ષ પલ્ટો કરાવ્યો. તેમની ધારણા હતી કે ગમે ત્યારે આ નેતાઓની મારે નહીં તો મારી દિકરીને જરુર પડશે.

ગુજરાત મોવડી મંડળે ૧૯૬૨માં મુખ્યમંત્રીને સૂચના આપેલ કે જે નેતાઓ વિષે વિવાદો છે તેમને મંત્રી મંડળમાં ન લેવા. પણ જીવરાજ મહેતાએ રસિકલાલ પરીખ ગ્રુપને મંત્રી મંડળમાં લીધું અને તેથી મોરારજી દેસાઈએ ચિમનભઈ પટેલ મારફત જીવરાજ મહેતાની સરકાર પાસે રાજીનામુ અપાવ્યું અને બળવંતરાય મહેતા મુખ્ય મંત્રી બન્યા. આ બધી બાબતોથી નહેરુ નારાજ હતા. નહેરુએ ગોઠવણ કરેલી કે પોતાના અનુગામી તરીકે મોરારજી ન આવે પણ પોતાની દિકરી જ આવે જેથી નહેરુની ક્ષતિઓ બહાર ન આવે.

મોરારજી દેસાઈને ખુબ ખુબ બદનામ કરવામાં આવતા હતા. મોરારજી જીદ્દી છે, મોરારજી રાક્ષસ છે, વડાપ્રધાન થવાના સ્વપ્ના જુએ છે. મોરારજી સત્તા ભૂખ્યા છે. અર્થ તંત્રને શિર્ષાસન કરાવેલ. સમાચાર પત્રો મોરારજી દેસાઈની ઠેકડી ઉડાડવામાં આગળપડતા રહેતા હતા. છતાં ગુજરાત મોવડી મંડળમાં મોરારજી દેસાઈનું પ્રભૂત્વ રહ્યું હતું. જ્યારે નહેરુ અવસાન પામ્યા ત્યારે તૂર્ત જ એવા સમાચાર પ્રગટ થયા કે વડાપ્રધાનની ખુરસી ઉપર મોરારજી દેસાઈએ પહેલી પોતાની હૅટ ફેંકી. નહેરુના મૃતદેહને બે દિવસ જનતાના દર્શન માટે રાખી મુકવામાં આવેલ. તમે એક અશક્ત, માંદા અને વૃદ્ધ વ્યક્તિના કુદરતી મ્રૂત્યુ પછી સોગીયું મોઢું સતત ન રાખી શકો.

પત્રકારો, કેટાલાક પત્રકારો સતત મોરારજી ને સકંજામાં લેવાને આતુર રહેતા હતા. એક વાર તેઓ કોઈ કોંગી બંધુએ કરેલી રમૂજ પર હસ્યા. તૂર્ત જ કોઈ એક પત્રકારે કેમેરાની ચાંપ દબાવી દીધી, અને તે હસતા ચહેરાને નહેરુના મૃતદેહ સાથે જોડાયેલો રાખ્યો. જનતાને મેસેજ આપ્યો કે કે “જુઓ આ મોરારજી દેસાઈ જેઓ લોકલાડીલા માનવંતા વડાપ્રધાનના મૃતદેહની પણ આમન્યા રાખતા નથી અને હંસી મજાક કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં પણ આ ફોટો છપાએલ. ટૂંકમાં મોરારજી દેસાઇને યેનકેન પ્રકારેણ બદનામ કરવાની એક પણ તક ન જાય તેનું ઘણા અખબારો અને નહેરુના મળતીયાઓ બારીકાઇથી ધ્યાન રાખતા હતા.

નહેરુની વ્યુહરચના પ્રમાણે તેમના મૃત્યુ પછી ઇન્દીરા ગાંધીને વડપ્રધાન બનાવવાના હતા. પણ લાલબહાદુર શાસ્ત્રી સીનીયર હતા અને તેમના ખુદના શબ્દો પ્રમાણે “મૈં સાધુ નહીં હું.” એમ કહી પોતાનો દાવો અસ્તિત્વમાં છે એમ કહી ચૂકેલા. નહેરુએ રચેલી સીન્ડીકેટે તેમને પ્રધાન મંત્રી બનાવેલ. મોરારજીને અળગા રાખેલ.

લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મોત પછી ફરીથી મોરારજી દેસાઈનો વડાપ્રધાન માટેનો દાવો અસ્તિત્વમાં આવતો હતો. પહેલાંની જેમજ તેમની સામે મજકના સૂર રેલાયા હતા. મોરારજી દેસાઈનો દાવો એ કારણ થી હતો કે તેઓ સીનીયર હતા. પણ અખબારી મૂધ્યન્યો એ એમ કહ્યું કે ઈન્દીરા ગાંધી સીનીયર છે. કારણ કે ઈન્દીરાની હેઠળ મોરારજી દેસાઈએ કામ કર્યું છે. પણ ઈન્દીરાએ કદી પણ મોરારજી દેસાઈની હેઠળ કામ કર્યું નથી. એક સમયે ઈન્દીરા ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતા, તેથી દરેક કોંગ્રેસીએ ઇન્દીરા ગાંધી હેઠળ કામ કર્યું કહેવાય. એટલે મોરારજી દેસાઈએ પણ ઇન્દીરા હેઠળ કામ કર્યું કહેવાય. જો આ માપદંડ ને લંબાવીએ તો ઢેબરભાઈ અને લાલબહાદુર શાસ્ત્રી પણ કોંગ્રેસ પ્રમુખ હતા. જવાહરલાલ નહેરુએ પણ ઇન્દીરા સહિત આ બધાની હેઠળ કામ કર્યું કહેવાય. પણ નહેરુવંશના આશકોના માપદંડ રબરના હોય છે અને તેને લાંબા ટૂંકા કરી શકાય છે. આમ મોરારજી દેસાઇને ફરીથી નકારાયા અને તેમના દાવાને અર્થહીન ગણાવાયો. તેમને સત્તાથી વિમુખ કરાયા.

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં ઈન્દીરાઈ નેતૃત્વવાળી આ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કેટલાક રાજ્યોમાં તેણે સત્તા ગુમાવી. ગુજરાતમાં પાતળી બહુમતી મળી. કોંગ્રેસ મોવડી મંડળની આંખ ઉઘડી. તેમને થયું કે આતો ઈન્દીરાને મદદ કરવામાં આપણે ક્યાંયનાય નહીં રહીએ. એટલે મોરારજી દેસાઈને લાવો.

મોરારજી દેસાઈ ની વાત કરીએ તો તેઓ ઈન્દીરા ગાંધી કરતાં બધી જ રીતે ઉચ્ચ કક્ષાના હતા. તેઓ બધી રીતે ગાંધીવાદી હતા. જે સાચું હોય તે જ કહેતા. મૂલ્યોના ભોગે કશું મેળવવામાં માનતા નહીં. કડવા ઘુંટડા પી જતા હતા. દેશ હિતનો ખ્યાલ રાખતા. તે નિડર હતા. નિપુણ વહિવટ કર્તા હતા. આઈ સી એસ અધિકારી હતા પણ દેશસેવા માટે તેનો ત્યાગ કરી રાજકારણમાં જોડાયા હતા. આની સામે ઇન્દીરા ગાંધી બધી જરીતે શૂન્ય હતા. તેમના બધા જ માર્ક્સ તે નહેરુનું સંતાન હતા એ વાતમાં આવતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી નો વડાપ્રધાન પદ માટે નંબર લાગી શકે પણ મોરારજી દેસાઈનો નંબર ન લાગે કારણ કે તેઓ ગુજરાતી હતા.

મોરારજી દેસાઈના બધા જ ગુણોને તેમની ગેરલાયકાત તરીકે જોવામાં આવતા હતા.

તેમની દૃઢતાને તેમની જીદ સમજવામાં આવતી.

તેમના સિદ્ધાંતને તેમનું વેદીયાપણું ગણવામાં આવતું,

તેમના મૂલ્યનિષ્ઠ પ્રતિભાવોને/પ્રતિકારોને નાટક ગણવામાં આવતું.

તેમના વર્તનોમાં સંદર્ભોને અવગણવામાં આવતા અને વિરોધાભાસ તરીકે તેને ચગાવવામાં આવતા હતા.

તેમની વહીવટી કુશળતાને કઠોરપણું સમજવામાં આવતું હતું.

તેમની આર્ષ દૃષ્ટિને નકારવામાં આવતી અને મજાક પણ કરવામાં આવતી હતી.

તેમની અગમચેતીને નકારવામાં આવતી અને બંધછોડ કરવા કહેવામાં આવતું હતું.

તેમના અનુભવને બીન જરુરી માનવામાં આવતો હતો.

તેમની તંદુરસ્તી અને ચપળતાને કશું સ્થાન ન હતું, પણ તેમની ઉંમરને વૃદ્ધત્વ ગણવામાં આવતું હતું,

તેમના સામુહિક રીતે લેવાયેલા નિર્ણયોને અને તેમાં બીજાઓએ દાખવેલી વહીવટી કચાસને મોરારજીને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવતો હતો,

તેમની કાર્યકુશળતા થી મળતા પરિણામોમાં બીજા ભ્રષ્ટ નેતાઓનું ભાવી અંધકારમય થતું હતું, તેથી પણ મોરારજી દેસાઈનો પ્રગતિનો પથ બીજા નેતાઓને ખૂંચતો હતો. જો મોરારજી દેસાઈ એક વખત સર્વોચ્ચ સત્તા સ્થાને આવી જાય તો તેમને હઠાવવા મુશ્કેલ હતા. નહેરુ અને ઈન્દીરા ગાંધી જેવા નેતાઓ જો સર્વોચ્ચ પદે આવે તો, બીન-ગુજરાતી નેતાઓને ચાલી શકે કારણ કે કમસે કમ તેમની દુકાનો બંધ થતી ન હતી. પણ જો એક વખત મોરારજી દેસાઈ સર્વોચ્ચ સ્થાને આવી જાય તો તો તેમની દુકાનો જ બંધ થઈ જાય. ગુજરાતીઓ વિષે સામાન્ય ખ્યાલ આવો છે.

ગુજરાતના બીજા નેતાઓ પણ હતા. ઢેબરભાઈને એક વખત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવેલ. ઢેબરભાઈ શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા. તેઓ ગાંધીવાદી હતા. તેઓ કેમ આગળ ન આવ્યા તે એક સંશોધનનો વિષય છે. મનુભાઈ શાહ એક કુશળ અને કુશાગ્રબુદ્ધિવાળા નેતા હતા. મનુભાઈ શાહનું મહત્વ જ્યાં સુધી મોરારજી દેસાઈ કેન્દ્રમાં હતા ત્યાં સુધી રહેલ. બળવંતરાય મહેતાનું કસમયે મૃત્યુ થયેલ. ચિમનભાઈ પટેલ એક ભડના દિકરા હતા. કેન્દ્રની કોંગીમાં કોઈની સાડીબારી ન રાખે તેવા અને અઠંગ સંયોજક હતા. પણ ખાટલે ખોડ એ હતી કે તેઓ વિવાદાસ્પદ હતા અને તેમનો વહીવટ સાફસુથરો ન હતો. તેથી તેઓ જનતામાં પણ બદનામ થયેલ. તેઓ પાટલી બદલુ હતા તે તેમનો મોટો માઈનસ પોઈન્ટ હતો. જો કે આવા તો અનેક નેતાઓ બીન ગુજરાતી રાજ્યોમાં હોય છે. પણ આતો ગુજરાતી હતા એટલે જો આડા ફાટે તો વગોવવા જ રહ્યા એવું નહેરુવંશીઓ માનતા.

હવે ગુજરાતને મળ્યા છે નરેન્દ્ર મોદી. અને તમે જુઓ છો કે તેમના હાલ નહેરુવીયનો જ નહીં પણ આપણા ગુજ્જુ  સમાચારપત્રો ના ધુરંધરો  અને મોટાભાગના જાણ્યા અને અજાણ્યા કટાર લેખકો કેવા આદુખાઈને પડ્યા છે.

મમતા બેનરજી અને બંગાળી

મમતા બેનરજી, બંગાળ, અને બંગાળીઓના હિત માટે બધાજ કોંગી નેતાઓના બધા જ ગુનાઓ પછી ભલે તે ક્રીમીનલ કક્ષાના હોય તો પણ પ્રણવ મુખરજીને તેઓ બંગબંધુ હોવાના નાતે સપોર્ટ કરેછે.

આ દંભી મમતાને ઓળખો. આ જ મમતા બેનરજી ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે ઈંદીરા કોંગ્રેસ સામે શરુ કરેલ આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ પક્ષે આંદોલનમાં ઝુકાવ્યું હતું. જયપ્રકાશ નારાયણ ની જીપ ઉપર તેઓ નાચ્યાં હતાં. ૧૯૭૫માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદીને સૌને કોઈપણ ગુનાના અસ્ત્વિત્વ વગર જેલમાં પૂરેલ. ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી અને તેમાં થયેલા કેટલાક અત્યાચારોમાં પ્રણવ મુખરજી સહભાગી મદદગાર હતા. આ વાત કાયદેસરના રેકોર્ડ ઉપર છે. છતાં પણ જ્યારે આ પ્રણવ મુખરજીને દેશના રાષ્ટ્ર પ્રમુખ કરવાની વાત આવી ત્યારે આ મમતાએ ઓળઘોળ કરીને પ્રણવ મુખરજીને તેમના પક્ષના મત અપાવ્યા અને પોતે પણ પ્રણવ મુખરજીને જ મત આપ્યો.

પ્રતિભા પાટિલ અને મરાઠી માણુસ

આવી કથા મરાઠીમાણુસ પ્રતિભા પાટિલ ની પણ છે. પોતાને કોંગીના જાની દુશ્મન ગણાવતા શિવસેનાના પ્રમુખ અને મરાઠી માણુસ બાલાસાહેબ ઠાકરેએ પણ પોતાના પક્ષના મતો કોંગીની પ્રતિભા પાટિલને જ અપાવેલ.

આપણા હૈયા ફુટ્યા ગુજ્જુ નેતાઓ અને વિદ્વાનો વિષે આગળ વાત કરીશું

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નહેરુ, નહેરુવીયન, નહેરુવંશી, મહાત્માગાંધી, સરદાર પટેલ, સમાજવાદ, સર્વોદયવાદ, લોકશાહી સમાજવાદ, મોરારજી દેસાઈ, ગુજરાતી,  દ્વીભાષી મુંબઈ, મહારાષ્ટ્ર, મરાઠી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Read Full Post »

%d bloggers like this: