Feeds:
Posts
Comments

Posts Tagged ‘સાદગી’

ગાંધીવાદીમાંની સાદાઈ અને સાદાઈમાં ગાંધીવાદ

આમ તો મે માસ આવશે. એટલે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ આવશે એટલે કેટલાક મૂર્ધન્યોના હાથને ચળ આવશે.

સાલુ આમ તો નહેરુની ટૂંકી દીર્ઘ દૃષ્ટિના અભાવને લીધે અને તેમના સંતાનોના સ્વાર્થી નિર્ણયોને લીધે દેશ અવનતિનીમાં ગર્ત થયેલો છે. પણ નહેરુની ઐતિહાસિકતાને તો સૂપેરે મુલવવી જ પડશે એવું ઘણા મૂર્ધન્યો માને છે. જેમ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પોતાને સંવેદનશીલ ગણાવનારાઓમાં સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં મોહાન્ધ થવાની ફેશન હતી, તેમ ભારતના કેટલાક પોતાને રેશનાલીસ્ટ ગનાવનારાઓમાં નહેરુપ્રત્યે મોહભાવના હતી.   

Mahatma Gandhi (6)

સંમોહન

આમ તો સંમોહન વિષે ગીતાએ પણ ફોડ પાડીને કહ્યું છે કે તેથી બુદ્ધિ નષ્ટ પામે છે. પુરુષો પણ પુરુષોને સંમોહિત કરી શકે છે. પુરુષ પણ ઘણા પરિબળો જો પ્રાપ્ય હોય તો તે તેનો ઉપયોગ કરીને લોકોને સંમોહિત કરી શકે છે.

નહેરુ પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. ગાંધીજી પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. પણ બંનેના પરિબળો અલગ અલગ હતા. ગાંધીજી પાસે વૈચારિક અને આચારોનું પરિબળ હતું. નહેરુ પાસે પૈસા અને પ્રદર્શનીય આચારોનું પરિબળ હતું.

સ્વાતંત્ર્યની ચળવળના સમયમાં નહેરુએ તેમનું ઘર ધર્મ શાળા જેવું બનાવી દીધું હતું. બધા નેતાઓ તેમને ત્યાં ઉતરતા અને નહેરુના ઘરમાં નોકરચાકરો દ્વારા તેમનું ધ્યાન રખાતું હતું. વળી ગાંધીજીની અહિંસક ચળવળ અને તેમની વૈચારિક વ્યુહરચનાઓનો અમલ થતો હતો. એટલે મહાવીર ત્યાગી જેવા નેતાઓ પણ નહેરુથી સંમોહિત થતા હતા.

સંમોહિત થવું આમ તો સહેલું છે. પણ જ્યારે વૈચારિક અને આચારના વિરોધાભાષો ઉભા થાય અને જે પરિણામોની આશા રાખવામાં આવી હતી તે પરિણામો પ્રમાણમાં સંતોષજનક ન હોય અને અથવા ઉંધા હોય તો મોહભંગ થઈ શકાય છે.

આવો મોહભંગ ભોગીભાઈ ગાંધીને સામ્યવાદીઓથી અને લોહીયાને નહેરુના સમાજવાદથી થઈ ગયો હતો.

સ્વતંત્રતા મેળવ્યા પછી, ઘણા લોકોને નહેરુ પ્રત્યેના મોહનો ભંગ થવા માંડ્યો હતો. ગાંધીજીને કદાચ સૌ પ્રથમ મોહભંગ થયો હશે. પણ ગાંધીજી સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જીવ્યા નહીં તેથી નહેરુનો ખુલ્લો બહિષ્કાર જોવા ન મળ્યો. પણ મહાવીર ત્યાગી, રામમનોહર લોહીયા જેવા ઘણાએ તેમની ખુલ્લેઆમ ટીકા કરેલી. આ બંને પણ સમાજવાદી જ હતા. એક કોંગ્રેસમાં હતા અને એક કોંગ્રેસની બહાર હતા.

આપણું ધ્યેય નહેરુને પ્રગતિશીલ બતાવવાનું છે

નહેરુના વલણનું પૃથક્કરણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું અને મોહભંગ થવું એ બધી જ વ્યક્તિઓની પ્રાથમિકતા ન હોય. એટલે ઘણા મૂર્ધન્યો, સમાચારપત્રોના વિદ્વાનો અને મહાપુરુષોનો મોહ નહેરુ જીવ્યા ત્યાં સુધી અને તે પછી પણ ચાલુ રહ્યો. અને હજી પણ તે દેખા દે છે. ખાસ કરીને નહેરુનો જન્મદિન નજીક આવે ત્યારે.

આપણા આવા એક મૂર્ધન્ય નો લેખ ૨૮મી એપ્રીલ ૨૦૧૩ રવિવારના દિવ્યભાસ્કરમાં જોવા મળ્યો.

આપણા આ લેખકશ્રી માનનીય છે. તેમની તટસ્થતા માટે તેઓ જાણીતા છે એ વિષે બે મત નથી. પણ ક્યારેક તો વિવાદ ઉત્પન્ન થાય જ. કેટલીક વખત સત્ય કરતાં ધ્યેયને વધુ મહત્વ આપી દેવાય તો આવી ભૂલ થાય છે.

કોઈ વ્યક્તિનો જન્મદિન હોય તો તેને શ્રાપ તો ન જ અપાય. બહુ બહુ તો મૌન રહી શકાય. પણ મૌન રહીએ તો આ એક અવસર જતો રહે એટલે મૌન ન રહી શકતા હોઈએ તો મભમ મભમ બોલીયે. પણ આપણ્રે જો નક્કી જ કર્યું હોય કે આપણે તરફમાં જ બોલવું છે તો પછી મગજને કસરત આપવી જ પડે.

નહેરુ ગાંધી વચ્ચે નો વિસંવાદનો સંવાદ

નહેરુની લોકપ્રિયતા, સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન તેમણે કરેલી કારકિર્દીને કારણે હતી. ખાદી, સાદગી, યંત્રોના વપરાશ અને સરળતા બાબતમાં નહેરુ અને ગાંધીજી વચ્ચે કેવા મતભેદો હતા તે વિષે આપણા જેવા સામાન્ય માણસો જાણતા નથી. પણ બીજાઓ કંઈક જાણે છે તેવું આપણને લાગે છે. હવે જો આપણે આપણા ઉપરોક્ત લેખકની વાતોને અને તારણોને સાચા માનીએ તો નહેરુનું મૂલ્યાંકન કેટલું સાચું છે તે વાત તો જવા જ દો, પણ ગાંધીજીને તો ભારોભાર અન્યાય થાય છે.

ઉપરોક્ત લેખકશ્રીને થયું, ચાલો શબ્દોની રમત રમીએ અને નહેરુ કેવા પ્રગતિશીલ હતા તે સિદ્ધ કરીએ.

આપણા મૂર્ધન્યશ્રીએ અમુક શબ્દો પકડ્યા. શાશ્વત સત્ય, અશાશ્વત સત્ય. શાશ્વત ગાંધી, અશાશ્વત ગાંધી.

આપણા મૂર્ધન્યશ્રીએ રેંટીયો અને ખાદી એટલે અશાશ્વત ગાંધી એવું કંઈક તારવ્યું છે. સંદેશ તો એવો જ લાગે છે.

શું ગાંધીજી પોતે જ ખાદીને શાશ્વત માનતા હતા? એવું લાગતું તો નથી જ. પણ આવું અશાશ્વત ગાંધીજીને નામે કેમ ચડાવી દીધું? જે વાત ગાંધીજીએ કહી નથી, એટલે કે જે ગાંધીજીનું નથી તે ગાંધીજીને નામે ચડાવી દેવું અને પછી બીજાને સાચા પાડવા માટે ગાંધીજીને ખોટા પાડવા. આને કેવી રમત કહેવી?

રજનીશને આવી કળા હસ્તગત હતી. જોકે આવી ટેવને કળા કહેવી એ કળાનું અપમાન છે. રજનીશના ચાહકોની નજર એવી તીક્ષ્ણ ન હતી કે તેઓ રજનીશની આ ચાલાકી પકડી શકે. તેમની કક્ષા તો બકરીની ત્રણ ટાંગની ચર્ચા જેવી હતી. જોકે હું આ મૂર્ધન્યશ્રીને રજનીશ સાથે નહીં સરખાવું. કારણ કે રજનીશની તો આવી આદત હતી. આપણા મૂર્ધન્યશ્રીની આ આદત નથી. પણ ઘણીવાર એવું બને કે આપણે તાનમાંને તાનમાં ઉંડું વિચાર્યા વગર કહી નાખીએ એવું કદાચ આ મૂર્ધન્યશ્રી વિષે બન્યું હોય.

ગાંધીજીને ખાદી વિષે શું કહેવું હતું?

ખાદી વિષે તો ગાંધીજીએ પુસ્તક લખ્યું છે. જેઓ ઉંડું વિચારી શકે છે તેઓ આ પુસ્તક ન વાંચે તો પણ ચાલે. ગાંધીજીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ખાદી શા માટે?

ગાંધીજીનો જવાબ શું હતો? “મારી સામે ભારતની બેકાર ગરીબ જનતા છે. તેમને તમે તાત્કાલિક કઈ રોજી આપી શકો તેમ છો?”

ગાંધીજીનો જવાબ અને તેમનો સવાલ જ ઘણું બધું કહી જાય છે.

તમે એવી ઘૃષ્ટતા તો નહીં જ કરો કે ગાંધીજી ભારતની જનતાને બેકાર અને ભૂખે ટળવળતી રાખવા માગતા હતા. તો પછી ગાંધીજીની ખાદીની વાત ગાંધીજીની દૃષ્ટિએ પણ અશાશ્વત જ હતી. ગાંધીજીની ખાદીની પ્રસ્તુતિ સમયની માગને અનુરુપ હતી.

જો માણસની જીંદગીની લંબાઈ જેટલા સમયગાળા દરમ્યાન પણ નહેરુના વાદને કારણે   બેસુમાર લોકો બેકારી અને ગરીબી સબડતા હોય તો તેમને માટે તો ખાદી શાશ્વત જ ગણાય. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

ટૂંકમાં જ્યાં સુધી ખાદી કે જેની અશાશ્વતતા (ઈર્રેલેવન્સ, અપ્રસ્તુતિ)  પાકી નથી તેને તમે કેવી રીતે “અપ્રસ્તુત” જાહેર કરી શકો?

ફેશનના મોહમાં અંધ થવું

જેમ નરેન્દ્ર મોદીને ૨૦૦૨ સાથે સાંકળવાની પોતાને સેક્યુલર માનતા સ્યુડો સેક્યુલર લોકોની ફેશન  છે તેમ ગાંધીજી, યંત્રના વિરોધી હતા એવું માનવાની કેટલાક અર્ધદગ્ધ લોકોની એક ફેશન છે.

ગાંધીજી યથાયોગ્ય (એપ્રોપ્રીએટ) ટેક્નોલોજીમાં માનતા હતા. સીલાઈ મશીન પણ એક યંત્ર છે. ગાંધીજી તેના વિરોધી ન હતા. મનુષ્યના શ્રમને ઓછો કરે તેમાં ગાંધીજીને વાંધો ન હતો. સગવડોના ગુલામ થવું અને અથવા સમાજવ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી સક્ષમ લોકો સગવડોના ગુલામ થઈ જાય અને સમાજમાં લોકોમાં એવી અસમાનતા ઉત્પન્ન થાય કે તેઓ સહકાર અને સંવાદ જ ન કરી શકે તો એવી અસંવેદનશીલ વિઘાતક સગવડોનો અર્થ શો? 

સગવડોને ઓછી ભોગવવી, કરકસર કરવી વિગેરે જેવી અનેક બાબતો ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલી. તેનું કારણ ગરીબો પ્રત્યેની તેમની સંવેદનશીલતા હતી.

નહેરુની આત્મવંચના

ગાંધીવાદીઓ વિષે નહેરુના ઉચ્ચારણ કંઈક આવા હતા, “કૃશ શરીર અને નિસ્તેજ દેખાવમાં જ સાધુતા રહેલી છે એવી કલ્પના આ ગાંધીવાદીઓમાં ઘરઘાલી બેઠી છે.” આવું આપણા મૂર્ધન્યશ્રીએ ઉદ્ધૃત કર્યું છે.

ધારો કે ગાંધીવાદીઓ આવા છે. તો તેઓ બે કારણસર આવા હોઈ શકે.

કાંતો તેઓ ગાંધીજીને જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે તેઓ સ્વેચ્છાએ આવા છે

અથવા તો તેઓ ગરીબાઈને લીધે અછતને કારણે આવા છે.

હવે જો તેઓ ગરીબાઈને કારણે આવા હોય તો તે ગરીબાઈ તેમને સ્વેચ્છાએ મળેલી છે કે તે ગરીબાઈ તેમને અણઆવડત અને નિસ્ફળતાને કારણે મળેલી છે?

આ પ્રશ્નોના જવાબો તમે ન આપો અને ગાંધીવાદીઓની બુરાઈ કરો તો તમે જનતાને એક જુદો જ સંદેશો આપો છો. નહેરુના મનમાં તો દંભ હતો જ, પણ જો તમે તેને પુરસ્કૃત કરો તો તમારા અસંપ્રજ્ઞાત માનસમાં દંભ બેઠેલો છે એવું નિસ્પન્ન થાય છે.

મેં જેટલા ગાંધીવાદીઓને જોયા છે તેઓ સૌ સ્વેચ્છાએ સ્વિકારેલી સાદગીમાં અને કરકસરમાં જીવે છે. તેઓમાંના ઘણા તો ઉચ્ચ શિક્ષણ લીધેલા છે અને તેમણે ઉચ્ચ હોદ્દાઓ પણ ભોગવેલા છે. બાકીનાઓ પણ આવડતમાં કંઈ કમ નથી.

ગાંધીવાદીઓની સાદાઈ અને કરકસરના મૂળમાં તેમનો કોઇ ફોબીયા નથી. જો નહેરુ અને નહેરુથી મોહિત મૂર્ધન્યો જો ગાંધીવાદીઓમાં કોઈ પ્રકારનો ફોબીયા જુએ તો એ અણઘડપણાની જ નહીં પણ પોતાની અંદર રહેલી રાક્ષસી ન્યુનતાને છૂપાવવાનો પ્રપંચ અને એક  માયાજાળ છે.

મજબુરીકા નામ મહાત્મા ગાંધી

નહેરુ જેવું વલણ રાખવું એ કંઈ નવી વાત નથી. આવો ભળતો તર્ક ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમકે “મજબુરીકા નામ મહાત્મા ગાંધી”. સત્યાગ્રહ અને અહિંસાને પણ કાયરતા છૂપાવવાની ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. જોકે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું.

એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે “… અમારે ઘર હતા, વહાલાં હતાં, … અમે વતનને કાજે બધું છોડીને નિકળી પડેલા…  ભાઈ … કદાચ અમારી હયાતીમાં સ્વતંત્રતા આવે કે ન આવે. પણ ધારો કે ભવિષ્યમાં તમારા જુદી જાતના પ્રયત્નોથી સ્વતંત્રતા આવે તો અમને પણ એક પળ માટે યાદ કરી લેજો, ભલે અમને લાખો ધિક્કાર આપજો અને ભાન ભૂલેલા કહેજો, પણ કદીય અશક્ત (કાયર) ન કહેશો.

કાર્યશીલ ગાંધીવાદીઓ તો તીર્થભૂમિ છે. તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપ ભવિષ્યતિ. એટલે કે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ જેવું કદીય દૂર ન થાય તેવું હોય છે.

જોકે નહેરુના સમયમાં ઘણા સંનિષ્ઠ મહાનુભાવ ગાંધીવાદીઓ કાર્યરત હતા. આજે પણ છે. ખાદીમાંથી સરકારી અને વહીવટી ભાવનાત્મકતા જતી રહી હશે. છતાં ઘણામાં એ સંવેદના છે કે જો આપણે ગૃહઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનને પ્રાધાન્ય આપીશું તો જેઓ બેકાર અને ગરીબ છે તેમને થોડા તો મદદ રુપ થતાં હોઈશું. આવું વિચારીને પણ તેઓ ખાદી છોડી શકતા નથી.

ચમત્કૃતિઃ

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાનમંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાનમંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાનનો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

Lester B Pearson

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

વધુ માટે વાંચો “ ચોક્ખું ઘી અને હાથી” વેબપેજ treenetram.wordpress.com

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, નહેરુ, ખાદી, યંત્ર, શાશ્વત, અશાશ્વત, સાદગી, કરકસર, ગરીબી, બેકારી, મૂર્ધન્ય, સમાજવાદ, ફોબીયા, દંભ, માયાજાળ, મોહ, મોહાંધ

Read Full Post »

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: