Feeds:
Posts
Comments

Posts Tagged ‘સિદ્ધાંત’

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩

જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

media says go ahead INC we are with you

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ

(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)

(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)

(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)

(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં  તેમને કોણે  રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)

(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.

(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)

(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)

આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.

આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી

તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?

વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી,  સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે

કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.

તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્‌ગુણ દેખાય છે?

જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.

તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા. 

“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.

વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;

“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.

“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.

“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,

“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે

“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,

“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,

“માટે આ પક્ષ મરવો ન જોઇએ.

શું આ બધી વાતો સાચી છે?

હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.

હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

we have lot of leaders

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?

હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.

ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?

મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.

જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?

કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.

બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.

યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,

શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,

એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,

રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,

કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,

હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,

અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,

બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,

દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,

કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.

આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.

કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.  

“પક્ષ” વાસ્તવમાં છે શું?

પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.

“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.

ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.

જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ  જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.

લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા,  રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.

ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી  તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું,  કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.

ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.

દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ   કોંગ્રેસના અંગ હતા.

હવે તમે જુઓ;

કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ  પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી  મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.

નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે  જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.

કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે  જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.

ખાદી કરડે છે?

કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા  કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.

ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?

હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન  કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.

ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?

૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.

૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.

સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.

(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.

(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?

(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?

(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?

(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?

(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?

(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?

(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?

(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?

આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.

શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?

નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.

શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?

આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218

“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.

ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

બંનેઉના

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”

ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.

નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આર્ય અને અનાર્ય વચ્ચેનો ભેદ એ સંશોધન કે વિતંડાવાદ

aarya anaarya

આર્યોનું આગમન અને અનાર્ય સંસ્કૃતિનું પતન કે પરાજય અને નાશ એવા કોઈ સિદ્ધાંતને પુરસ્કૃત કરીએ ત્યારે એક પ્રશ્ન એ પણ ઉત્પન્ન થાય કે, એવું તે કયું અવલોકન કે અવલોકનો છે જે આપણને આવી કોઈ માન્યતાને જન્મ આપવાની જરુર પાડે?

નવી માન્યતાનું આગમન અને નવા સવાલોના જવાબ

નવા સિદ્ધાંતને કે નવી માન્યતાને રજુ કરવામાં આવે ત્યારે તે નવો સિદ્ધાંત કે જે માન્યતા રજુ થાય તેની સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અને તે પ્રશ્નોના પણ સચોટ ઉત્તર આપવા પડે અને તેનું પણ સમધાન કરવું પડે. ભારતના ઈતિહાસ માટે નવ્ય માન્યતાઓ (પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા ૧૮૦૦ અને તે પછી) રજુ થવા માંડી. પણ આ નવી માન્યતાઓની કે સિદ્ધાંતોની જે થીયેરીઓના કારણે જે વિરોધાભાષો ઉત્પન્ન થાય છે તેના જવાબો આ થીયેરીના પુરસ્કરતા/ઓ આપતા નથી, અથવા ઉડાઉ જવાબો આપે છે.

આપણા પુરાણો કે જે ઈ.પૂ. ૭૦૦ થી ઈ.સ. ૧૨૦૦ ના ગાળામાં લખાયેલા હશે એમ માનવામાં આવે છે તેમાં પણ આર્ય અનાર્યના ઉલ્લેખો નથી. હા ગ્રીક (યવન), શક, હુણ, પહલવ, મ્લેચ્છ વિગેરેના આક્રમણોના ઉલ્લેખો છે.

જેણે શોધી તેણે જ રદ કરી

અંગ્રેજો આવ્યા અને તેમણે ભારતમાં પોતાની શિક્ષણ પ્રણાલી સ્થાપી તે પહેલાં, ક્યારેય કોઈએ પણ, આવી આર્યો અને અનાર્યોની અલગ અલગ જાતિવાદી કે અને સંસ્કૃતિવાળી વાતો કરી ન હતી. મેકોલે એ લખ્યું છે કે જો ભારત ઉપર રાજ કરવું હશે તો તેમને બૌદ્ધિક રીતે ગુલામ બનાવવા પડશે. મેક્સ મુલરે સંસ્કૃતનો અભ્યાસ કરેલ. અને તેણે એવું પ્રતિપાદિત કરવાની કોશિસ કરવાના પ્રયત્નમાં આર્યન ઈન્વેઝન થીયેરી રજુ કરી. પણ તેણે પોતાની જીંદગીના અંતિમ વર્ષોમાં તેની આ થીયેરીને રદ કરેલ. પણ આ વાતને પાશ્ચાત્ય ઇતિહાસકારો લક્ષમાં લેતા નથી. આ એક આશ્ચર્યની વાત છે.

ભાષા શાસ્ત્રઃ

“સ” નો અપભ્રંશ “હ” થાય છે. “શું” નો અપભ્રંશ “હું” થાય. તો પહેલાં મૂળ શબ્દ બને કે પહેલાં અપભ્રંશ બને?

“સ્ટેશન”નો અપભ્રંશ “સટેશન” થાય અને “અસ્ટેશન” કે “ઈસ્ટેશન” પણ થાય.

“સ”નો અપભ્રંશ “અસ” પણ થાય અને “અસ”ન અપભ્રંશ “અહ” પણ થાય.

“સુર” નું “હુર” પણ થાય અને “અહુર” પણ થાય. “હ” નો અપભ્રંશ “સ” ન થાય. “સુર” શબ્દ મૂળ શબ્દ છે. તે તેના અપભ્રંશ “હુર”નો પૂરોગામી છે. એટલે “સુર” શબ્દ જે સંસ્કૃતમાં છે તે “હુર” કે “અહુર” કે જે પર્સીયનમાં છે તેના કરતાં વધુ જુનો છે. એટલે જે પ્રજા “સુર” બોલતી હોય તે પ્રજા “હુર” કે “અહુર” બોલતી પ્રજાની પૂરોગામી કહેવાય.

તેનો અર્થ એ નિકળી શકે કે જેઓ ભારતમાંથી ઇરાન ગયા તે કાળક્રમે અપભ્રંશમાં “હુર” કે “અહુર” બોલતા થયા. આ વિરોધાભાસ હોવા છતાં પણ એમ કહેવામાં આવે છે કે આર્યો મધ્ય એશિયામાંથી નિકળી ઈરાનમાં રોકાયા અને તેમાંથી ભારત આવ્યા.

આર્યો અહીં આવ્યા ત્યારે તે વખતે અહીં અનાર્યોની સુગ્રથિત સંસ્કૃતિ હતી.. અનાર્યો કાળા હતા. આર્યો ઘઉંવર્ણા હતા. ઉત્તર ભારતીયો આર્યો અને દક્ષિણ ભારતીયો દ્રવિડ. જો કે ઉત્તર ભારતીયો લાંબા છે. દક્ષિણ ભારતીયો સરખામણીમાં ટૂંકા છે. પણ અનાર્યો (અસુરો) વિશાળ અને ઉંચા હતા. આ વિરોધાભાસ ની ચર્ચા “આર્યન ઈન્વેઝન થીયેરી વાળા કરતા નથી.

પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ

માતૃપ્રાધાન્ય સંસ્કૃતિ અનાર્યોની અને પિતૃપ્રાધાન્ય સંસ્કૃતિ આર્યોની એમ કહી ન શકાય. સંભવ શું વધુ છે. જે શરીર છે તે સ્ત્રીના અંડના વિકાસ થી થયેલું છે. શુક્ર કણ, અંડના સંપર્કમાં આવે એટલે નવો મનુષ્ય બને. અર્ધમાનવમાંથી જ્યારે માનવ બન્યો તો લાંબા સમય સુધી મનુષ્ય જાતિને ગર્ભધારણના રહસ્યની ખબર નહતી. તેથી પ્રારંભ કાળે બધી સંસ્કૃતિઓ માતૃ પ્રધાન જ હતી. કારણકે સ્ત્રી જ નવો મનુષ્ય પેદા કરતી હતી. તેથી તે માનને લાયક બની.

મનુષ્ય બીજા પ્રાણીઓથી શા માટે જુદો પડે છે? માણસનું મગજ છે તે વિચારી શકે છે અને યુક્તિઓ કરી શકે છે. આ મગજના કારણથી મનુષ્ય બીજા પ્રાણીઓથી જુદો પડે છે. આ મગજ તેને સ્ત્રીના અંડને કારણે મળ્યું છે. એટલે જે અર્ધમાનવમાંથી આકસ્મિકરીતે માનવ વ્યક્તિ પેદા થઈ તે માનવ સ્ત્રી હતી. તેથી લાંબા સમય સુધી સ્ત્રીઓ વધુ બુદ્ધિશાળી રહી. અને તે પૂજ્ય રહી. કાળક્રમે પુરુષ પ્રધાન સંસ્કૃતિ થઈ.
મથુરાના કૃષ્ણ કાળા હતા. શું કૃષ્ણ અસુર હતા? અયોધ્યાના રામ પણ કાળા હતા. રાવણનો જન્મ હરીયાણામાં થયેલો (તે પંજાબી હતો). કૃષ્ણે ઇન્દ્રની ઉપાસનાનો વિરોધ કર્યો. તેમણે ગોવર્ધનની પૂજાની વાત કરી..

“ગો” એટલે ગાય. (આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે આપણે જે પ્રાણીઓ પાળીએ છીએ અને તેની ઉપર નભીએ છીએ તે બધા શાકાહારી પ્રાણીઓ ગૌસૄષ્ટિમાં આવે).
હવે વર્ધન ઉપર આવીયે.

“વર્ધન” શબ્દનો અર્થ કાપવું એવો થાય ખરો. પણ તે પર્સીયન ભાષામાં થાય છે. ઋગ્વેદમાં વર્ધન શબ્દ હમેશા “વૃદ્ધિ” ના અર્થમાં વપરાયો છે (રેફરન્સ સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોષ સર એમ મોનિઅર-વીલીઅમ).

દરેક જાતિની સાથે કોઈને ને કોઈ માન્યતા અને પ્રણાલીઓ હોય છે. તેમાં ઈશ્વર, આત્મા અને જગત પણ આવી જાય છે. આદિ શંકરાચાર્યે ઘણા વાદવેત્તાઓ સાથે ચર્ચાઓ કરી તેમાં કોઈ આર્ય અને અનાર્ય ની તાત્વિક વિચારધારા દૃષ્ટિગોચર થતી નથી. જો આર્ય અને અનાર્ય તે કોઈ જન જાતિ હોય, તો તે કારણસર તેમના વાદ પણ જીવિત તો હોય જ. કોઈપણ વાદ એમ તાત્કાલિક કે લાંબા ગાળે મરતો નથી. તે બદલાય છે, જુનો પણ વત્તા ઓછા પ્રમાણમાં ચાલુ રહે છે, કમસે કમ તેની વિગતો ઐતિહાસિક રીતે નષ્ટ થતી નથી. નવો પણ ચાલુ રહે છે. અને કેવી રીતે ક્યારે કેવો બદલાવ આવ્યો તે પણ તેમાં અપ્રચ્છન્ન હોય છે. યહુદીઓનું ટોરાટ હતું. બાયબલ આવ્યું. ટોરાટ ચાલુ રહ્યું. બાયબલમાં ટોરાટનો ઉલ્લેખ છે. કુરાન આવ્યું. કુરાનમાં બાયબલનો ઉલ્લેખ છે અને ટોરાટનો પણ.

યહુદીનો ધર્મ હતો. તે ચાલુ રહ્યો અને ખ્રીસ્તી ધર્મ આવ્યો. તે પણ ચાલુ રહ્યો અને ઇસ્લામ આવ્યો. પણ તેઓ કેવી રીતે આવ્યા અને પહેલાં શું હતું તે ઉપલબ્ધ રહે છે. પછીનામાં ઉલ્લેખિત હોય છે.

ઋગવેદમાં નથી પણ પૂરાણોમાં છે.
એટલે કે
પિતા પોતાના પિતા વિષે જાણતા નથી પણ પૌત્ર તેના પ્રપિતા વિષે જાણે છે.

જો ઈરાનમાં કે પર્સિયામાં અવેસ્થા હોય. અને આર્ય ત્યાંથી આવ્યા હોય તો, અવેસ્થા ની વાત જવા દઈએ તો પણ ઈરાન, પર્સિયા નો ઉલ્લેખ તો હોવો જ જોઇએ. ઋગ્વેદમાં ભારતની બહારના કોઈ પણ પ્રદેશની અને તેના નામની વાતનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં આવો ઉલેખ હોવો જ જોઇએ. કારણ કે તેમને માટે તે નજીકનો ભૂતકાળ હતો.

તેનાથી ઉંધું છે. જુના પુરાણોમાં ભારતની પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણના પ્રદેશોનો ઉલ્લેખ છે.

વેદ કોનો છે?

ઋગવેદ સૌથી જુનો છે. તેનાથી જુનું કોઈ પુસ્તક નથી. આ પુસ્તકને યથા કથિત આર્યોનું માનવું કે યથા કથિત અનાર્યોનું માનવું?

જ્યારે આપણે કોઈ સિદ્ધાંત (થીયેરી) પ્રસ્થાપિત કરવો હોય ત્યારે, સૌ પ્રથમ એ કહેવું પડે કે આ સિદ્ધાંતની જરુર શા માટે પડી?

સાત ઋષિઓ હતા કે દશ ઋષિઓ હતા. તેમાંના ભૃગુ એક ઋષિ હતા અને આ ભૃગુ ઋષિ અગ્નિને લઈને આવ્યા. આવો એક ઉલ્લેખ ઋગવેદમાં છે તેમ શ્રી ભવસુખભાઈ ઉલ્લેખ કરે છે.

શું તેમાંથી એવું તારણ નિકળી શકે કે આ ઉલ્લેખ એવું સિદ્ધ કરે છે કે આર્યો ભારતની બહાર થી આવ્યા? અગ્નિ તો મુખ્ય દેવ છે. અગ્નિ વગર યજ્ઞ થઈ જ ન શકે. ઋગ્વેદની શરુઆત જ અગ્નિની સ્તૂતિ થી થાય છે. ઋગ્વેદનું પ્રથમ મંડળ જુનામાં જુનું ગણાય છે. અગ્નિનો શ્લોક જુનામાં જુનો એટલે કે ૬૦૦૦ વર્ષ જુનો ગણાય છે.

વેદોમાં તત્વજ્ઞાન નિહિત છે. વેદ આમ તો એક જ છે. પણ જે ઋચાઓ યજ્ઞને લગતી છે તેને અલગ કરી અને તે યજુર્વેદ કહેવાયો. જે ઋચાઓ ગેય હતી તેને સામવેદ કહેવાયો. આમ ત્રણ વેદ કહેવાયા. ચોથો વેદ આવ્યો તે પહેલાં પણ ઘણા વાદો પ્રચલિત હતા. જુદા જુદા વાદોનું કારણ જુદી જુદી જાતિઓને કારણે જ હોઈ શકે તેવું ન માની શકાય. જેમ અર્થશાસ્ત્ર માં અનેક વાદ હોય છે. તેને જાતિવાદ સાથે કશો સંબંધ નથી.

સંપર્કને લીધે શબ્દ ભંડોળ વધે છે.

સંસ્કૃતમાં “જવું” એ ક્રિયાપદમાટે ઓછામાં ઓછા ૧૬ ક્રિયાપદના શબ્દો છે. દરેકને “જવા (ટુ ગો)” માટે વપરાય. પણ જવું ક્યાં એક જાતનું હોય છે?
જેઓ સમૂદ્ર કિનારે રહેતા હતા તેઓમાંના કેટલાક સમૂદ્ર માર્ગે વેપાર કરતા થયા. તેમણે જોયું કે જ્યારે સૂર્ય આકાશમાં દૃષ્યમાન હોય છે ત્યારે સમૂદ્ર શાંત હોય છે. આ સૂર્ય ને તેના માર્ગમાંથી કોઈ ચલિત કરી શકતું નથી. તોફાનો આવે છે અને જાય છે. આ સૂર્ય તેના પથ ઉપર અચળ છે. તેથી આ સૂર્ય મૂળ દેવ છે. તેઓ સૂર્યના ઉપાસક થયા. ઈજીપ્ત, થી જાપાન સુધી સૂર્યની ઉપાસના થાય છે. તેના અવતારો થાય છે.

આ ગરમી છે તે જ આપણો આધાર છે તેમ પણ માનવ જાતને લાગ્યું. આ ગરમી, અગ્નિમાંથી મળે છે. સૂર્યમાં પણ અગ્નિ છે. માટે મૂળ દેવ અગ્નિ હોવો જોઇએ. આસામથી તીબેટ થઈ ભારતથી ઈરાન સુધી અગ્નિની ઉપાસના થતી. ઋગ્વેદમાં અગ્નિ અને સૂર્ય બંનેની સ્તુતિઓ છે. અગ્નિની સ્તુતિઓ સૌથી વધુ છે. બીજા નંબરે ઈન્દ્રની છે. સૂર્યઃ અસૌ અગ્નિઃ સૂર્યાગ્નિ, ઈન્દ્રઃ અસૌ અગ્નિઃ ઈદ્રાગ્નિ, મરુતઃ અસૌ અગ્નિઃ મરુતાગ્નિ રુદ્રઃ અસૌ અગ્નિઃ રુદ્રાગ્નિ. આમ જે રીતે બે જોડકાની રુચાઓ મળે છે તે એક બીજાનું ઐક્ય પ્રદર્શિત કરે છે. કારણ કે વેદમાં એક જ દેવ છે. આ દેવ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો (તેથી તે બ્રાહ્મણ કહેવાયો) અને તેણે બીજા દેવોને ઉત્પન્ન કર્યા. તે દેવોનો પુરોહિત છે અને તે મહઃ દેવઃ (મહોદેવઃ) છે તે અગ્નિછે. તેનું વાહન વૃષભ છે (કારણ કે યજ્ઞના અગ્નિના લાકડા વૃષભ લાવે છે). તેને બે મુખ છે એક રૌદ્ર અને એક શાંત. અગ્નિ અને શિવની એકરુપતાના હજારો ઉદાહરણો છે. તેવું જ સૂર્ય અને વિષ્ણુનું છે.

વેદ થી શરુ કરી ઉપનિષદો અને જુના પુરાણો તરફ જઈએ તો શિવ (વિશ્વમૂર્ત્તિ) અને અગ્નિની એક સૂત્રતા અને એકાત્મતા અવગણી શકાય તેમ નથી. ટૂંકમાં વિષ્ણુની પૂજા સૂર્યમાંથી નિસ્પન્ન થઈ છે અને અગ્નિમાંથી શિવની પૂજા નિસ્પન્ન થઈ. આ એક સૂત્રતા ફક્ત સિદ્ધ કરી શકાય છે એટલું જન નહીં પણ અનુભવી શકાય પણ છે.

આપણને ત્રયીનો ઉલ્લેખ વારંવાર જોવા મળેછે. ત્રયી એટલે ત્રણ દેવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(રુદ્ર). પણ વાયુ પુરાણમાં એવા અનેક શ્લોક છે જે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એમ દર્શાવે છે.

રજો બ્રહ્મા તમો અગ્નિ, સત્વં વિષ્ણુરજાયતઃ (તે ઈશ્વરે રજો ગુણી બ્રહ્મા, તમો ગુણી અગ્નિ અને સત્વગુણથી વિષ્ણુ ઉત્પન્ન કર્યા) (વાયુ પુરાણ ૫-૩૪-૧૪)
સત્વો પ્રકાશકો વિષ્ણુ, રૌદ્રાસિન્યે વ્યવસ્થિતઃ

એત એવ ત્રયો લોકા એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા એત એવ ત્રયોગ્નયઃ
(આ જ ત્રણ લોક્માં ત્રણ ગુણ છે ત્રણ વેદ અને તેઓ જ ત્રણ અગ્નિ છે)
(વાયુ પુરાણઃ અધ્યાય ૫, સુક્ત ૩૪ ઋચા ૧૫-૧૭)

ભારતીય સંસ્કૃતિમાં તાત્વિક ભેદ શું પડ્યા?
જેઓ વેદ સમજ્યા,
જેઓ વેદ અધૂરા સમજ્યા
અને
જેઓ વેદ ન સમજ્યા.

પણ આ વેદ છે શું?

હિન્દુઓમાં વેદોનું પારવિનાનું મહત્વ છે. વેદ એટલે ઈશ્વરની વાણી. વેદ એટલે પરમ સત્ય. વેદ એટલે બધા પ્રશ્નોનું સમાધાન, વેદ એટલે આદર્શ સમાજ. વેદ એટલે જ્ઞાનનો સંપૂટ. વેદોનું આ મહત્વ હિન્દુઓમાં કાયમ રહ્યું છે. ઉપનિષદોએ, પુરાણોએ અને તત્વવેત્તાઓએ વેદોને પ્રમાણ માન્યા છે. આદિ શંકરાચાર્યે વેદોના આધારે અદ્વૈતનો સિદ્ધાંત પ્રસ્તૂત કર્યો. અદ્વૈતના સાર અને તેમાં રહેલા વૈજ્ઞાનિક તથ્ય માટે “અદ્વૈતની માયા જાળ અને આઈન્સ્ટાઈન ભાગ – ૧ થી ૫” મારા બ્લોગ ઉપર વાંચવા. (ત્રીનેત્રમ્વર્ડપ્રેસડૉટકૉમ ઉપર)

આ વેદોમાં પ્રાકૃતિક શક્તિઓની સ્તુતિઓ ઉપરાંત બીજું ઘણું પડ્યું છે. જે સ્તૂતિઓ દેખાય છે તેતો તત્વ જ્ઞાનની કવિતાઓ છે.

શું ભારતીયોને ઇતિહાસ લખતાં આવડતો નથી?

ભારતમાં પોતાની બાર પેઢીઓ, ગોત્ર, શાખા, કુળ દેવ ઈષ્ટ દેવ (શિવ), ગણેશ, કુળદેવી, વિગેરે બોલવા એ પૂજા વિધિમાં પ્રણાલી છે.

બીજીવાત. જ્યારે મૂદ્રણ કળા વિકસી ન હતી, ત્યારે એક એવી પ્રણાલી હતી કે જે કંઈ ભણ્યા હોય તેની એક નકલ તમાલપત્ર કે એવા કોઈ પણ માધ્યમ ઉપર લખવી. જો કંઈક યાદ રાખવાનું હોય તો તે પદ્યમાં હોય તો યાદ રાખવું સહેલું પડે. આ પણ પુરતું નથી. તેથી તેમાં રુપકો અને દંતકથાઓ ઉમેરવામાં આવે. ભારતમાં ઇતિહાસ આ રીતે પુરાણો દ્વારા લખાયો અને સચવાયો. આ એક ભારતીય શૈલી છે. ઈતિહાસને અમર રાખવા માટે તેને આવી લોકભોગ્ય શૈલીમાં રખાયો. ઈતિહાસ જાણવા માટે પુરાણોને આધાર ગણવા જ પડે. યાદ રાખવાની યુક્તિઓમાં આ યુક્તિ આપણે ત્યાં આપણા પૂર્વજોએ શોધી જ કાઢેલી છે.

સર્ગસ્ચ પ્રતિસર્ગસ્ચ વંશો મન્વાતરાણિ ચ, વંશાનં ચરિતં ચેતિ, પુરાણં પંચ લક્ષણમ્ ( વાયુ પુરાણ ૪-૨૬-૧૦) (સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશીઓની જીવન કથા એજ પુરાણના પાંચ લક્ષણો છે). આને તમે ઈતિહાસ નહીં કહો તો શું કહેશો?

કોણ પહેલા અને કોણ પછી?

આમ તો કોણ પહેલાં થયું અને કોણ પછી થયું તે માટે પૂરાતત્વના અવશેષોને આધાર માનવામાં આવે છે.

હવે તમે જુઓ. કૃષ્ણના મંદિરના અવશેષો રામના મંદિરના અવશેષો કરતાં ઘણા જ વધુ જુના છે. તો કોણ પહેલાં થયું? કૃષ્ણ, રામની પહેલાં થયા કે રામ, કૃષ્ણની પહેલાં થયા?

પૂરાતત્વના અવશેષોના આધારે જો જોવામાં આવે તો રામની પહેલા કૃષ્ણ થયા ગણાય.

જો તમે પુરાણોને અવગણો અને જો પૂરાતત્વના અવશેષોને જ આધાર માનો તો તમે ખોટા ઐતિહાસિક તારણ ઉપર આવો છો.

ઈતિહાસમાં સંશોધન માટે ફક્ત અવશેષો મુખ્ય નથી. પુરાતન સાહિત્ય, ભાષાશાસ્ત્ર, પ્રણાલીઓ અને માન્યતાઓ પણ એટલા જ મહત્વ ના છે.

હવે જુઓ કે મજાની વાત. એક બાજુ અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો, નાગ, છે. ક્યાંક પિતરો છે. વચ્ચે માનવો, વાનરો છે. વચ્ચે ક્યાંક ભૂત, પીશાચ, પ્રેત છે. બીજી બાજુ, સુરો, દેવો, ગાંધર્વો (યાદ કરો ઐતિહાસિક યુગમાં થયેલ કાલીદાસનું મેઘદૂત), યક્ષો, અને કિન્નરો છે. પણ ઇતિહાસકારો અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો ને એક લાકડીએ હાંકે છે. વાનરોને વાંદરા ગણી તેમની વાતો કપોળ કલ્પિત ગણે છે. તે જ પ્રમાણે બીજા બધા પણ એવા જ છે. મજાની વાત એ છે કે, મૃત્યુ લોક (માનવ લોક) નાગલોક, પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક છે. પણ ઉપરોક્ત માંના બાકીનાના કોઈ લોક નથી.

જે કથાઓ, વંશાવલીઓ, દરેક પુરાણોમાં અને પ્રણાલીઓ એક સરખી રીતે અને સાથે વણાયેલી હોય, જેમકે ચંદ્ર વંશ, સૂર્યવંશ, નાગ લોક, ભૂવન વિન્યાસ, સમૂદ્ર મંથન, ગંગાવતરણ, દક્ષ યજ્ઞ ધ્વંશ, કુબેર, કામ દહન, કામરુપ વિગેરે બધું ઉપેક્ષાત્મક નથી પણ સંશોધનાત્મક છે.

જોકે ભવસુખભાઈની પ્રમાણિકતા વિષે શંકા ન સેવી શકાય. જેને જે વધુ વિશ્વસનીય લાગે તેને તે સ્વિકારે. વિચાર વિનિમય થાય તો સત્યની નજીક પહોંચાય. આર્યન ઇન્વેઝન થીયેરી ની વિરુદ્ધમાં અને ભારતીય તત્વશાસ્ત્ર અને વિદ્યાશાસ્ત્રોમાં રહેલી ગુઢ ભાષા વિષે પુસ્કળ સાહિત્ય હવે તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેથી મારે કશું લખવું જોઇએ એવી લખવાની ઈચ્છા થતી નથી.

મારો આ લેખ ભવસુખ ભાઈનો આર્ય અનાર્ય વિષેના પુસ્તકમાંથી જે અંશ પ્રદર્શિત થયો તેના ઉપરથી સ્ફુરેલો છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૫

અગાઉ આપણે જોયું કે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી હોવાથી તે શક્યતાના સિદ્ધાંત અનુસાર સ્વચ્છંદી થઈને છકી ન જાય તે માટે સમાજની સામુહિક બુદ્ધિ દ્વારા નીતિનિયમો ઘડાયા. સમયે સમયે અનુકુળતાની શક્યતા અનુસાર મહાપુરુષો પણ પેદા કર્યા. આ મહાપુરુષો કંઈ સર્વ ક્ષેત્રોમાં જ્ઞાની હોય તે જરુરી નથી. કારણ કે જ્ઞાનનો સીધો સંબંધ સ્મૃતિ અને વિચાર હોય છે. જો તમે દરેક વિષયમાં તમારા અંગો દ્વારા માહિતિનો સંચય કરવા જાઓ અને તે દ્વારા તર્ક કરીને નિર્ણયો કરવા જાઓ તો તમને અપાર આયુષ્ય પણ ઓછું પડે. એટલે બધી જ બાબતો માં કોઈ વ્યક્તિ નિપૂણ થઈ ન શકે. દરેક વ્યક્તિ જે તે વિષયના પોતાને સ્વિકૃત લાગે તે નિષ્ણાતોના નિર્ણયોને સ્વિકારતો થયો. જેઓ સમાજશાસ્ત્રમાં નિષ્ણાત હતા તેમાં ગાંધીજીની ગણના થાય. પણ દરેક શાસ્ત્રને સમજવા માટે તર્કની તો જરુર પડે.

પ્રયોગો અને ઉપકરણો

તર્ક એ પણ એક શાસ્ત્ર છે. દરેક શાસ્ત્રમાં ઉપકરણો અને પ્રયોગો કરવા પડે. કોઈ પણ જાતના પ્રયોગોમાં ઉપકરણો પ્રયોગથી અલિપ્ત રહેવા જોઇએ. જેમકે ગતિ માપવાનું જે ઉપકરણ હોય તે જે પદાર્થની ગતિ માપવાની હોય તેની ગતિમાં ફેરફાર કરી નાખે અથવા તો જે પદાર્થ ગતિમાં હોય તે આ ઉપકરણના કામકાજ ઉપર અસર કરતું થઈ જાય તો આપણને સાચા અવલોકનો ન મળે.

સમાજશાસ્ત્રમાં સામાન્યરીતે સમાજશાસ્ત્રી વ્યક્તિ પોતે એક ઉપકરણ બની જાય છે. આમાં ઓશો આશારામ, સંત રજનીશમલ, સમાજ સુધારક તરુણ તેજપાલ વિગેરે અનેક લોકો વિષે આવું જ થયું છે. જોકે સમાજ સુધારક તરુણ તેજપાલ પોતે કોઈ સમાજશાસ્ત્રી નથી. પણ તેમની મુખ્ય પ્રવૃત્તિનો હેતુ તો સમાજ સુધારણા નો છે.

ઈશ્વરે મૈથુની સૃષ્ટિમાં કરેલું સર્જન, આ નર અને માદા શું છે?

મનુષ્યેતર પ્રાણીઓમાં એક સંવનન કાળ હોય છે. તેઓ આ સંવનન કાળ સિવાય નર કે માદા તરીકે વર્તતા નથી. તેમજ શિકાર કે ભોજન પ્રાપ્તિ માટે પણ નર કે માદા તરીકે વર્તતા નથી. જો કે દરેક પ્રાણી માટે આ વાત સાચી નથી. પ્રજોત્પત્તિ માટે શારીરિક રીતે બળદ નપુંસક છે. પણ ગૌશાળામાં ગાય અને બળદને અલગ રાખવા પડે છે. આ નરો બીજા નરને પ્રતિસ્પર્ધી માને છે. પણ એ સિવાય તેમનું વર્તન તેઓ પોતાને નર સમજે એવું હોતું નથી.

મનુષ્યમાં હમેશા આમ નથી. મનુષ્ય પોતે, આહાર લેવો, નિદ્રા લેવી અને મૈથુન કરવું એ સિવાય અનેક જાતના અગણિત કર્મો કરે છે. તે કર્મો કરવામાં તે પોતાની જાતિ પ્રદર્શિત કર્યા કરે એ જાતનું વર્તન કરવું તેને માટે જરુરી હોતું નથી. મોટે ભાગે તેવું હોતું પણ નથી.

ફિલ્મી નર માદાઓ

પણ તમે ફિલમોમાં (ફિલમમાં ટીવી સીરીયલો પણ આવી જાય) શું થાય છે તે જુઓ. ફિલમ એ સમાજનું પ્રતિબિંબ હોવું જોઇએ. પણ તેમ નથી. મોટે ભાગે હિરીઓની (હિરોઈનોની) સ્ટાઈલો અદાઓ, પોતે માદા છે તે સભાનપણે દર્શાવતી હોય છે. હિરાભાઈઓ પણ, પોતે નર છે તે સભાનપણે બતાવતા હોય છે. હિરાભાઈ અને હિરીબેનો જવલ્લેજ અભિનેતા/અભિનેત્રી તરીકે કામ કરતા હોય છે. તમે એ પણ જોઈ શકશો કે તેમનું વિજ્ઞાપન પણ એજ રીતે થતું હોય છે. આખો સમાજ અને સમાચાર માધ્યમો પણ આ હિરાભાઈ/હિરીબેનોને આજ રીતે જોતા હોય છે. પહેલાં સમાચાર પત્રોમાં ફક્ત શુક્રવારે જ ફિલમને લગતું એક પાનુ આવતું હતું. આજે રોજ એક પાનુ આવે છે અને શુક્રવારે હિરાભાઈ/હિરીબેનો માટે એક ચાર/છ પાનાની પૂર્તિ આવે છે. આ પાનાઓમાં પણ અભિનયને લગતી ચર્ચા જવલ્લે જ હોય છે. તેમની અંગત વાતો અને જાણીજોઈને ચલાવાયેલી અફવાઓ વધુ હોય છે. આ નર અને માદાઓમાં એક પતિત્વ/પત્નિત્વ ની પ્રણાલી જોવી કે આડા સંબંધો ન જોવા તે હાસ્યાસ્પદ ગણાય છે.

શું વાસ્તવમાં સમાજમાં આવું છે?

અપવાદ રુપે કેટલાક કિસ્સોમાં થોડીક વ્યક્તિઓ એવી હશે. પણ સમાજ એવો તો નથી જ. પણ ફિલમ નિર્માતાઓ પોતાના મનોગત જગતને આ રીતે પ્રતિબિંબિત કરે છે. એક બીજું કારણ એ પણ હોય છે કે ફિલમ નિર્માતાઓ જનતાની માનસિક જાતીય અતૃપ્તિને આ રીતે સંતોષવાના અને પ્રેક્ષકોને આકર્ષવાના એક પરિબળ તરીકે તેનો ઉપયોગ કરે છે.

નરમનુષ્ય, માદામનુષ્યને શું કરવા માગે છે? જે રીતે માદા પોતાના મનમાં નર પોતાને શું કરે તો ગમે એ ક્રિયા નરના મનમાં આપોઆપ રીતે ઉત્પન્ન થાય છે. જેમકે માદાને પોતાને મનગમતો નર તેને દબાવે, તેને ઉચકી લે તેને ગોળ ગોળ ફેરવે વિગેરે વિગેરે ઈચ્છાઓ કરે છે. નરના મનમાં પણ માદા માટે એવી ઈચ્છા ઉભી થાય છે કે તે માદાને દબાવે અને ઉચકે લે વિગેરે વિગેરે. નરના મનમાં એવી ઈચ્છા ઉત્પન થતી નથી કે માદા તેને ઉચકી લે અને ગોળ ગોળ ફેરવે. આ એક કુદરતી વ્યવસ્થા છે. આ વાત મનુષ્ય માદા દરેક મનુષ્ય નર વિષે વિચારતી નથી, પણ ભય જરુર રાખે છે. અતૃપ્ત નરમનુષ્ય, બાધ્ય માદાઓ (બાધ્ય સગાંઓ) સિવાય લગભગ બધી જ માદાઓ વિષે આવું વિચારે છે.

નરમનુષ્ય અતૃપ્ત શા માટે છે? તેનું કારણ મોટે ભાગે તેની નવિનતાની ઈચ્છા અને જે માદાને તે પરણ્યો છે તેનો અપૂરતો સહકાર કારણભૂત હોય છે. મનુષ્ય સમાજમાં નર મનુષ્યો એક બીજા સાથે કોઈ એક માદા માટે લડીને કપાઈ ન મરે તે માટે સમાજે તેના ઉપર નિયંત્રણો મુક્યા. અને આ નિયંત્રણો ને લીધે માદા પોતાનામાં ઉભી થયેલી સુરક્ષાની ભાવનાના પરિણામ સ્વરુપે બહુગામી થતી નથી. પણ માદામાં એક સુસુપ્ત ભાવના હોઈ શકે કે કોઈ મનગમતો નર તેના ઉપર બળજબરી કરે. આ વાત સાવજ નકારી ન શકાય. મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે.

નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, કાલીદાસ વિગેરેની રચનાઓ માદામનુષ્યોમાં પણ મનપસંદ હોય છે.

ગાંધીજીનો પણ મુખ્ય હેતુ સમાજ સુધારણા માટેનો હતો

સમાજ રહેતી વ્યક્તિઓ સુખ, શાંતિ અને એક બીજાને પરોક્ષકે પ્રત્યક્ષ શારીરિક હાનિ પહોંચાડ્યા વગર રહે તે માટે સમાજે નિયમો અને નીતિઓ ઘડી. આહાર, નિદ્રા, ભય (અપૂરતી સુરક્ષા) અને મૈથુન વિષે સંશોધનો થયા અને તેના પણ ફરજીયાત અને મરજીયાત નિયમો થયાં. સમાજશાસ્ત્રીઓએ આવા નિયમો બનાવતી વખતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનના હેતુઓ વિષે પણ વિચાર્યું.

ગાંધીજીને પ્રશ્ન થયો કે મૈથુન નો હેતુ શો છે? તેમને લાગ્યું કે મૈથુનનો હેતુ સંતાનની ઉત્પત્તિ માટે છે.

શું મૈથુનનો હેતુ ફક્ત અને ફક્ત સંતાનની ઉત્પત્તિ માટેનો જ છે?

ગાંધીજીએ બ્રહ્મચર્યને તેની સાથે સાંકળ્યું. અગાઉના લોકોએ કરેલા પ્રયોગોના તારણો પ્રમાણે બ્રહ્મચર્યનો અપાર મહિમા છે. એટલે તેમને લાગ્યું કે પરાપૂર્વથી ચાલ્યું આવતું અને અનુભવે માન્યતા પ્રાપ્ત કરતું આ તારણ ખોટું તો ન જ હોઈ શકે. તો તેનો અર્થ એમ થયો કે સામાન્ય સંજોગોમાં મનુષ્યે નપુંસક રહેવું જોઇએ.

બ્રહ્મચર્ય ફક્ત શારીરિક રીતે જ હોય તો બ્રહ્મચર્ય અસરકારક બનતું નથી. એટલે કે બ્રહ્મચર્યના લાભ મળતા નથી. એટલે મનુષ્યે મનથી પણ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. મનથી પણ બ્રહ્મચારી બનવા માટે વિચારોમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે શારીરિક સુખની ઈચ્છા ઉત્પન્ન જ ન થવી જોઇએ.

એક નવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. જો અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્યનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો છે. આનંદ તો,  શારીરિક સુખ, સગવડ, અને જ્ઞાનથી મળે છે. તો પછી જો વિજાતીય વ્યક્તિસાથે શારીરિક સુખથી જે આનંદ મળે છે તેને સીમિત શા માટે કરવો? એટલે કે તે આનંદ ફક્ત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા પૂરતો મર્યાદિત શા માટે રાખવો?

ગાંધીજી ગીતા પ્રમાણે સમજ્યા કે સાચો આનંદ અને કાયમી આનંદ એ જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ છે. આહારથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેને સમય મર્યાદા હોય છે. નિદ્રા ખપ પૂરતી હોવી જોઇએ. ભય નો અભાવ એ ભયને નાબુદ કરનારી સુરક્ષા માટેની સમજ છે. એટલે કે તે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ સાચો આનંદ છે.

સાચો આનંદ એટલે શું?

જે આનંદ સ્થાઈ છે તે સાચો આનંદ. જે આનંદ અસ્થાઈ છે તે ખોટો આનંદ હોવો જરુરી નથી, પણ તે આનંદ કાયમી એટલે કે સ્થિર નથી તેથી તે આપણું ધ્યેય ન હોવું જોઈએ.

ખોટો આનંદ એટલે શું?

બીજાને નુકશાન કરીને જે આનંદ પ્રાપ્ત થાય તે ખોટો આનંદ છે. આ આનંદ પણ અસ્થાઈ હોય છે.

એટલે જેઓ સ્થાયીને છોડીને અસ્થાયીની પાસે જાય છે (સ્વિકારે છે), તેને માટે સ્થાયી તો નાશ પામ્યા બરાબર છે (કારણ કે તેણે સ્થાયી તો સ્વિકાર્યું જ નથી) અને જે અસ્થાયી સ્વિકાર્યું છે તેતો નાશ પામવાનું જ છે. યો ધૃવાણિ પરિત્યજ્ય અધૃવં પરિસેવતે, ધૃવાણી તસ્ય નશ્યંતિ, અધૃવં નષ્ટં એવ ચ. (ગીતા).

આહાર થી મળતો આનંદ અસ્થાયી છે. જો કે આહાર જરુરી છે. તેથી તેને તેનો હેતુ સરે તે પૂરતો  સીમિત રાખવો. નિદ્રા પણ અસ્થાયી છે. જો કે નિદ્રા જરુરી છે. તેથી તેને તેના હેતુ પૂરતી સિમિત રાખવી. શરીર થકી મળતા સુખોને નિયંત્રિત અને સીમિત રાખવા જેથી મન ઉપર કાબુ વધે. આ જ વાત વિજાતીય વ્યક્તિ સાથેના શારીરિક સુખને પણ લાગુ પડે છે. જે આ કરી શકે છે તેને પવિત્ર જાણવો.

પરદાર પરદ્વવ્ય પરદ્રોહ પરાંગમુખઃ

ગંગાબૃતે કદાગત્ય માં અયં પાવયિષ્યતિ?

પરસ્ત્રી, પરધન અને બીજાએ કરેલા દ્રોહથી જે વિમુખ હોય છે તેને વિષે ગંગા કહે છે કે તે આવીને મને ક્યારે પવિત્ર કરશે?

ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે મનને કેવીરીતે તાબે કરવું?

આહાર લેવાથી રસાયણો બને છે. વિચાર કરવાથી રસાયણો બને છે. અને આ રસાયણો વળી મન અને વિચારોને નિયંત્રિત કરે છે. તેથી આહાર અને મન ઉપર નિયંત્રણ રાખવા માટેની પ્રક્રિયા  સતત ચાલુ રાખવી જોઇએ. એટલે કે અભ્યાસ કરવો જોઇએ.  

મહાત્મા ગાંધીએ મનને કાબુમાં રાખવા ઘણા પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાંનો એક પ્રયોગ, વિજાતીય વ્યક્તિ સાથે નપુંસક મન રાખી સહશયન કરવું એ હતો.

મહાત્મા ગાંધીનો પ્રયોગ, સંતરજનીમલ થી તદ્દન વિરોધી હતો. જાતીય સુખ ભોગવવાની મનોવૃત્તિથી તદ્દન વિરુદ્ધ હતો.

ગાંધીજી તેમના પ્રયોગમાં સફળ થયા હતા ખરા. પણ તેમણે આની જાહેરાત ન કરી. કારણ કે ગાંધીજી, આ પ્રયોગના ભયસ્થાનો જાણતા હતા.

કેટલાકને ગાંધીજીના બે સ્ત્રીઓના ખભાનો સહારો લઈને ચાલતા હોય એવા ફોટાઓ જોઇએને કરંટ લાગે છે. અને તેઓ આ ફોટાઓને આધારે ગાંધીજીને વ્યભિચારી કહેવાની ઘૃષ્ટતા કરતા હોય છે.  તેમણે જાણવું જોઇએ કે તે ગાંધીને માતા માનતા હતા.

બાપુ મારી મા

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ  શક્યતા, સિદ્ધાંત, ગાંધીજી, સમાજશાસ્ત્ર, પ્રયોગ, ઉપકરણ, વિજાતીય, શારીરિક, સુખ, આનંદ, સીમિત, મૈથુન, હેતુ, બ્રહ્મચર્ય, મહિમા, ગીતા, જ્ઞાન, કાયમી, મર્યાદિત, અસ્થાયી, નપુંસક

Read Full Post »

%d bloggers like this: