Feeds:
Posts
Comments

Posts Tagged ‘સૈનિકો’

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

%d bloggers like this: