Feeds:
Posts
Comments

Posts Tagged ‘સોનીયા’

વડાપ્રધાન પદનો ઉમેદવાર અને સમાચાર માધ્યમનું ફરજંદ

 “રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું”

આમ તો રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું” એ સમાચાર માધ્યમનું ફરજંદ છે. અને હવે આ સમાચાર માધ્યમો તેને વડાપ્રધાન પદે સ્થાપવા વિષે અપાર ચર્ચાઓ વહેતી મુકે છે.

રાહુલ ગાંધીમાં શું વિશેષતા છે તે વિષે કોઈ કશું જાણતું નથી. સમાચાર માધ્યમો પણ જાણતા નથી. રાહુલ ગાંધીમાં કોઈ વિશેષતા છે કે કેમ તે પણ એક શંકાનો વિષય છે. રાહુલ ગાંધી પ્રસિદ્ધિને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બનાવી શકાય.

રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ વિષે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતની તાજેતરની ચૂંટણીઓની વાત નકરીએ તો પણ, યુપી અને બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાહુલ ગાંધીની  નિસ્ફળતાને પુરવાર કરેલી છે. રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી, આયોજન અને વ્યુહરચનાની બુદ્ધિ નથી. વહીવટી ક્ષમતા નથી. વૈચારિક ભાતુ નથી. દીર્ઘ દૃષ્ટિ નથી. નેતાગીરીના કોઈ ગુણ નથી. કોઈ ચિંતન નથી અને ખાસ કશું વાચન નથી. વડા પ્રધાન થવા માટે આ સઘળું હોવું જરુરી છે. જરુરી જ નહીં પણ સરવાળે તેમના પ્રતિસ્પર્ધી કરતાં વિશેષ હોવું આવશ્યક છે.

પરિસ્થિતિ આવી હોવાં છતાં પણ, સમાચાર માધ્યમો રાહુલ ગાંધીનો એકડો કાઢી નાખવાનું વલણ દાખવતા નથી. એટલું જ નહીં પણ આ રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર છે તેવું જનતાને મનાવવા અને ઠસાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યા છે. ખચીત આ ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.

ચર્ચાને લાયક નથી

૧૯૭૫-૧૯૭૭ ના કટોકટીના સમયમાં સંજય ગાંધી હિરો હતો અને બેતાજ બાદશાહ ગણાતો. સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનોની બોલબાલા હતી. ઈન્દીરાઈ કટોકટીના અંત કાળે ચૂંટણી જાહેર થઈ અને જનતા મોરચાએ પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને સવાલ કર્યો કે “સંજય ગાંધીના કટોકટીના સમય દરમ્યાનના ફલાણા ફલાણા નિવેદન વિષે તમારું શું કહેવું છે?” મોરારજી દેસાઈએ તેમની લાક્ષણિક શૈલીમાં હાથ હલાવીને કહેલ કે “તે (સંજય ગાંધી) કોઈ જવાબને લાયક નથી.”. એટલે કે સંજય ગાંધી અને અથવા તેના નિવેદનો કોઈ જવાબને લાયક નથી. (જનતાએ અને પત્રકારોએ મોરારજી દેસાઈના આ જવાબને લાંબા સમયના તાળીઓના ગડગડાટ થી વધાવી લીધેલ)

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક નેતાના પુત્ર હોવું એ પ્રસિદ્ધિ માટેની લાયકાત બનતી નથી. યુપી બિહારની ચૂંટણી વખતે ગરીબોના ઘરે ભોજન કરતા ફોટા અને પાસ્ટિકના તગારા ઉચકીને મજુરીના ફોટા પડાવી આ કહેવાતા પ્રીન્સ અને તેના પક્ષના કોંગીજનોએ ચૂંટણી પ્રચારમાં કશી કમી રાખી ન હતી. યુપી બિહારની ચૂંટણી જીતવાની વાત તો બાજુપર  રાખો, પણ જો નહેરુવીયન કોંગ્રેસ બીજા કે ત્રીજા સ્થાને પણ આવી હોત તો … તો … પ્રસાર માધ્યમો આ રાહુલગાંધીની ભાટાઈ કરવામાં ફાટીને ધૂમાડે જાત. પણ જ્યારે રાહુલ ગાંધીની નેતાગીરીના વ્યાપક પરાજય જોવા મળ્યો, ત્યારે તેમને મોં સંતાડવાના રસ્તાઓ શોધવા પડ્યા. “ફેસ સેવીંગ ફોર્મ્યુલા” તેમણે એ બનાવી કે “રાહુલ ગાંધી કેમ પત્રકારોને મળતા નથી અને નિસ્ફળતાની જવાબદારી લેવા કેમ બહાર આવતા નથી.?” આવી વાત ટીવી-સંવાદોમાં ટીવીના એંકરો (ઉદ્‌ઘોષકો=ડાચાની લુલી હલાવનારાઓ)એ અવારનવાર ઉઠાવી એટલે દિવસને અંતે રાહુલ ગાંધી અને તેની બહેન બહાર આવ્યાં અને રાહુલે કહ્યું કે “મારી નિસ્ફળતા હું સ્વિકારું છું.” વાત પૂરી. સમાચાર માધ્યમોએ પોતે દાખવેલી તટસ્થતા બદલ પોતાની પીઠ થાબડી.

પ્રસાર માધ્યમો એટલે સમાચાર ખાસ કરીને રાજકીય સમાચાર અને તેમાં પક્ષોના નેતાઓ, તેમના વલણો અને તે ઉપરની ટીકાઓ વિગેરે વિગેરે જેમાં કટાર લેખકો, તંત્રીઓ, ખબર પત્રીઓ, ઉદ્‌ઘોષકો અને વિશ્લેષકો, ટીકાકારો એ સૌને પણ સામેલ ગણવા.

આપણી પાસે સાધ્ય છે

“રાહુલ ગાંધીને વડા પ્રધાન પદ માટે યોગ્ય કેવીરીતે ઠેરવવા.”

રચનાઃ સમાચાર માધ્યમમાં રાહુલ ગાંધીને હકારાત્મક અને વ્યાપકરીતે પ્રસિદ્ધિ આપવી.

જો તેઓશ્રી કંઈપણ બોલે તો તેમનો તેમની તસ્વિરાત્મક અને ચલચત્રિત અનેક વિધ પ્રચાર પદ્ધતિ વડે પ્રચાર કરવો.

તેઓશ્રી ન બોલે તો તેઓ હવે પછી શું કરશે? શું કરવા ધારે? શું કરવું જોઇએ? જનતા તેમની પાસે શી અપેક્ષા રાખે છે? વિગેરે વિગેરે વિષે ધારણાઓ બાંધવી અને તે વિષે લાંબી ચર્ચાઓ ચલાવવી.

 દાખલા તરીકેઃ

મોટી જવાબદારી

જનતા અને ખાસ કરીને યુવા વર્ગ, રાહુલ ગાંધીને કોઈ મોટી જવાબદારી વાળું કામ સોંપાય તે માટે ઝંખી રહ્યો છે અને અપૂર્વ દબાણ કરી રહ્યો છે.

જનતા કાગડોળે રાહ જોઈ રહી છે કે રાહુલ ગાંધી હવે મોટી જવાબદારી ઉઠાવે.

હવે કષ્ટ નિવારક શ્રી ફલાણા ફલાણા … હવે તેઓ કષ્ટ નિવારકની ફરજ બજાવી શકે તેવા હોદ્દા ઉપર નથી તેથી રાહુલ ગાંધીને ધુરા હાથમાં લીધા વગર છૂટકો નથી.

હવે લોકસભાની સામાન્ય ચૂંટણીને એક જ વર્ષનો સમય રહ્યો છે અને ચાર મોટા રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ ઠોસ પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે. અને તેથી જ મોવડી મંડળ રાહુલ ગાંધી પોતાના કરિશ્માનો ઉપયોગ કરે તે જોવા આતુર છે.

એટલે જ હવે મોવડી મંડળ ઈચ્છે છે કે રાહુલ ગાંધી કોઈ મોટો હોદ્દો સ્વિકારે.

યુપી, બિહાર ના ઘોર પરાજયની કળ વળે પછી નહેરુવીયન કોંગ્રેસ અને પ્રસાર માધ્યમોએ આવી વાતો ચગાવ્યા કરવાનો ઉપાડો લીધેલ છે.

રાહુલ ગાંધી ને પદનો મોહ નથી… મનમોહન સિંહ, રાહુલ ગાંધી માટે ગમે તે ઘડીએ વડાપ્રધાન પદ ખાલી કરવા તૈયાર છે. મન મોહન સિંહ, રાહુલ ગાંધીને પ્રધાન બનાવવા માટે આતુર છે. રાહુલ ગાંધીને પ્રધાન પદની તૃષ્ણા નથી…. જો કે પ્રધાન પદું કે મોટો હોદ્દો રાહુલ ગાંધીની વાંહેને વાંહે લાગી પડ્યો છે. હવે શું થશે?

જોકે જાણનારા જાણે છે કે રાહુલ ગાંધીના માતુશ્રી, અને રાહુલ ગાંધી પણ, પ્રધાન થવા માટેની ભારતની બંધારણીય  રીતે જરુરી  પ્રાથમિક યોગ્યતા ધરાવતા નથી. ભારતીય બંધારણ પ્રમાણે પ્રધાનપદની પ્રાથમિક લાયકાત એ છે કે જો કોઈ એક નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવવાનો અધિકાર ધરાવતો હોય તો તે વ્યક્તિ પ્રધાન પદના શપથ ન લઈ શકે. ઈટાલીના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ ઈટાલીયન નાગરિક હોય અને જો તે બીજા દેશનું નાગરિકત્વ સ્વિકારે તો તે વ્યક્તિનો ઈટાલીયન નાગરિકત્વનો અધિકાર રદ થતો નથી. પણ નિલંબિત થાય છે. તે વ્યક્તિ ધારે ત્યારે ઈટાલીયન નગરિત્વનો અધિકાર મેળવી શકે છે. તે ઉપરાંત તેના સંતાન પણ આ જ અધિકાર ભોગવી શકે છે.  આવા કારણસર જ ૨૦૦૪માં નહેરુવીયન કોંગી પક્ષે રાહુલના માતુશ્રીનો “વડાપ્રધાન પદનો ભોગ આપ્યો”  એવો હાઈ પ્રોફાઈલ ડ્રામા કરવો પડેલ. આજ સમસ્યા રાહુલ ગાંધીને પણ પ્રધાનપદ માટેની પૂર્વ શરત તરીકે લાગુ પડી શકે છે. અને તેથી જ તેઓ પ્રદાન પદથી વંચિત છે.

વધુ માહિતી માટે યુટ્યુબ ઉપર સુબ્રહ્મણીયન સ્વામીનું ભાષણ સાંભળો.

હવે રાહુલ ગાંધી વિષે જે ભૂલભૂલમાં કે જાણી જોઇને જે “મહાન જવાબદારી” કે “મહત્વપૂર્ણ હોદ્દા” બાબત જે ગુબ્બારો ચલાવેલ તેને કેવીરીતે સાચવી લેવો?

બાર વરસે બાવો બોલ્યો ની જેમ રાહુલ ગાંધીને નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું ઉપપ્રમુખપદ (વાઈસ પ્રેસીડૅન્ટ ની પોસ્ટ) સોંપાયું.

પક્ષના ઉપ પ્રમુખપદની મહાનતા કેવીરીતે સિદ્ધ કરવી?

“પક્ષ ના પ્રમુખપદ કરતાં પણ પક્ષનું ઉપપ્રમુખપદ મહત્વ પૂર્ણ છે. અર્જુન સિંહ પક્ષના ઉપપ્રમુખ  હતા. પક્ષના પ્રમુખપદે કમલાપતિ ત્રીપાઠી હતા. અર્જુનસિંહની સવારી સાથે સો મોટરગાડીઓનો કાફલો જતો. પક્ષ પ્રમુખ શ્રી કમલાપતિ ત્રીપાઠી રીક્ષા કરી ને આવતા જતા.” આવું છાપો.

વાત ખોટી નથી. અને સાચી પણ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં કમલાપતિ ત્રીપાઠી ક્યારેક રીક્ષામાં આવ જા કરતા હશે….  અને કાળક્રમે, અર્જુન સિંહની પાસે સો મોટરગાડીઓનો કાફલો હોઈ શકે. અહીં સુધી વાત સાચી છે. પણ કમલાપતિ ત્રીપાઠી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ હતા નહીં. કમલાપતિ ત્રીપાઠી યુપીના મુખ્ય મંત્રી હતા અને તે પછી રેલ મંત્રી હતા. તે વખતે તેઓ રીક્ષામાં બેસીને આવજા કરતા હોય તો સમાચાર પત્રે મોટી શોધ કરી હોય તેમ લાગે છે (અથવા તો પછી “લાગે તો તીર નહીં તો તુક્કો” જેવી વાત લાગે છે)

તેવી જ વાત અર્જુન સિંહના કોંગ્રેસના ઉપપ્રમુખ પદની છે. હા જી. રાજીવ ગાંધી ક્યારેક નહેરુવીયન કોંગ્રેસના ઉપપ્રમુખ પદે હતા. તેમના સુપુત્રે જેમ પ્લાસ્ટીકનું તગારુ ઉચકીને ફોટો પડાવ્યો હતો તેમ કમલાપતિ ત્રીપાઠીએ કે રાજીવ ગાંધીએ રીક્ષામાં બેસવાનો ફોટો પડાવ્યો હોય તો આપણા ગુજ્જુ અખબાર કે આપણા ગુજ્જુ અખબારને જ્યાંથી સમાચાર લાધેલ હોય તે સિવાય કોઈએ આ વાત જાણી નથી કે ફોટો જોયો નથી.

સફળતાનો અભાવ અને નિઇસ્ફળતાઓ

પણ મૂળ સમસ્યા છે રાહુલ ગાંધીની સફળતાઓના અભાવની અને તેમણે મેળવેલી નિસ્ફળતાઓની.

આ નિસ્ફળતાઓને કેવી રીતે મીથ્યા કરવી? આપણા કાંતિભાઈ જેવા કટારીયાઓએ બીડું ઝડપ્યું લાગે છે.

“એવા કયા મહામાનવ છે કે જેઓ ક્યારેય નિસ્ફળ ગયા નથી?” કાંતિભાઈએ આવો પ્રશ્ન ઉભો કર્યો.

જોકે મને ખબર નથી કે જે રવિવારે ખાસ લેખ લખે છે તે કાંતિભાઈ, અને જેઓ રોજ લખે છે તે કાંતિભાઈ એક છે કે જુદા? કારણ કે રોજ રોજ લખવું એ સહેલું તો નથી. જો તમારે રોજ રોજ લખવાનું હોય તો તમે વિષય શોધીને લખો. વિષયને શોધીને લખો કે વિષય તમારી પાસે દોડીને આવે એ બંને માં ફેર તો છે જ. વિષય તમારી પાસે દોડીને આવે ત્યારે તેમાં અંતર્‌સ્ફુરણા હોય છે. સારું અને સચોટ પણ લખાય એવી શક્યતાઓ રહે છે. જો વિષય શોધીને લખીએ તો મગજને કસરત આપવી પડે. પણ આપણે આ ચર્ચા નહીં કરીએ. કટારભાઈનું ધ્યેય રાહુલ બાબાની નિસ્ફળતાઓને ગૌણ બનાવી દેવાનું છે.

તો વાત આ રીતે કહેવાની કે અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, ઑપ્રાહ વિન્ફે, ચંદ્ર યાત્રી આર્મ સ્ટ્રોંગ, વિગેરે વિગેરે …. લેખકશ્રીએ તેમની આદત પ્રમાણે ઘણા પાશ્ચાત્ય મહાનુ ભાવોના ઉદાહરણો આપેલા છે. આપણે બે જ વિષે ચર્ચા કરીશું.

અબ્રાહમ લિંકન ની નિસ્ફળતાઓ રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ એક સમાન નથી અને બંનેને એક ત્રાજવે તોલી ન શકાય. અબ્રાહમ લિંકન પાસે સ્પષ્ટ નીતિ હતી અને સ્પષ્ટ સંદેશ હતો. અબ્રાહમ લિંકન પાસે ચિંતન હતું અને ધ્યેય હતું. પક્ષની આંતરિક બાબતોમાં થતા વિવાદો કે સંઘર્ષ ને હજું આપણું પત્રકારિત્વ પચાવી શકતું  નથી. આપણા પત્રકારિત્વને વંશવાદ અને લોકશાહીના ફારસનો છોછ નથી, પણ પક્ષનો આંતરિક વિવાદ તેને કઠે છે. આવું શા માટે છે? વાસ્તવમાં આપણું પત્રકારિત્વ પીળું અને અથવા પૂર્વગ્રહ વાળું છે. પૂર્વસ્વાતંત્ર્ય કાળમાં લોકો ટી.ઓ.આઈ. વિષે જ આવો અભિપ્રાય ધરાવતા હતા પણ હવે લગભગ મોટા ભાગના પ્રસાર માધ્યમોના આવા હાલ છે. અબ્રાહમ લિંકન કોઈ પ્રીન્સ ન હતા. કે તેમને રાહુલ જેવો મીડીયા સપોર્ટ ન હતો. નિસ્ફળતાઓ શરમાળપણા કારણે હોતી નથી.  તેમને મળેલી નિસ્ફળતાઓ એ તે વખતની તેમના પક્ષ અને જનતાની ગુલામી નાબુદીના પ્રશ્ને રહેલી માનસિકતા સબબ હતી. તેમણે દેશને અખંડિત રાખી ગુલામી પ્રથા નાબુદ કરેલ. તેઓ આર્ષદૃષ્ટા હતા. આપણા કટારીયા ભાઈએ મેટરને વિકૃત કરીને લખી છે.

આવું જ કંઈક વધુ અંશે તેમણે ગાંધીજી વિષે લખ્યું છે. “ગાંધીજી, દક્ષિણ આફ્રિકામાં વકીલાત માં દલીલો કરતાં ખચકાતા હતા…”

આ વાતમાં હકિકત દોષ છે. વાસ્તવમાં ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈમાં સ્થાઈ થવા માગતા હતા. પણ મુંબઈમાં તેમની વકીલાત ચાલતી ન હતી. એક કેસ મળ્યો તે પણ તે ચલાવી ન શક્યા. તે પછી તેઓ રાજકોટ સ્થાઈ થયા અને ત્યાં વકીલાત કરવા લાગ્યા. પણ ત્યાં તેઓ અરજીઓ કરવાનું જ કામ બીજા વકીલઓના સહકારમાં કરતા હતા. તેમના ભાઈનું વર્તુળ મોટું હતું એટલે તેમને માસિક ૩૦૦ રુપીયા જેવી કમાણી થતી. જે તે વખતમાં ખરાબ તો ન જ કહેવાય. તેમના ભાઈએ, ગાંધીજીને દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ માટે મોકલી આપેલ. દાદા અબ્દુલ્લાના વકીલોને લખાપટ્ટી વાળા એક વકીલની જરુર હતી તેથી ત્યાં જવા માટે ગાંધીજીને સધિયારો હતો કે તેમને કૉર્ટમાં જવું પડશે નહીં. જો કે ગાંધીજીને કૉર્ટમાં કેસ લડવાની આવડત કેળવવાની મહાત્વાકાંક્ષા તો હતી જ. પણ તેમનામાં તે વખતે એટલું “પ્રેઝન્સ ઓફ માઈન્ડ” કેળવાયેલું હતું નહીં. તેથી તેઓ કૉર્ટમાં કેમ દલીલો કરવી તે જાણતા નહીં. બેરીસ્ટર થયા પછી તેમણે કાયદાઓ વાંચ્યા અને સમજ્યા. લોકોની અરજીઓ લખી લખીને તેઓ જ્ઞાતા થયેલ. અને આફ્રિકામાં તેમણે દાદા અદ્બુલ્લાના કેસનો વિગતવાર ઝીણાવટ પૂર્વક અભ્યાસ કર્યો અને તેમને લાધ્યું કે કેસનો વિગતથી અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ આવે છે. ગાંધીજીને કોઈએ ધક્કા મારીને મહાન બનાવ્યા ન હતા. ગાંધીજી પૈસાદાર કુટુંબના (ઉપલા મધ્યમ વર્ગની કક્ષાના) હતા જરુર. પણ તેઓ પ્રીન્સ ન હતા.

ટૂંકમાં વડાપ્રધાનના પુત્ર હોવાને કારણે, ગોરા કે સુંદર હોવાને કારણે, કે પ્રમાણપત્રો હોવાને કારણે કે,  વાચન ને કારણે, કે સફરો કરવાને કારણે યોગ્યતા આવતી નથી. યોગ્યતા માટે સાક્ષરતા એટલે કે સમસ્યાની માહિતી, સમજણ અને ઉકેલની સુઝ હોવાની પ્રજ્ઞા હોવી જરુરી છે. વાચન તો જે એલ નહેરુનું પણ હતું, સુંદરતા અને ગોરાપણ તો અનેકમાં હોય છે. પ્રમાણ પત્રો તો મનમોહન સિંહ પાસે પણ ઘણા છે. સફર તો સોનીયાજીએ પણ ઘણી કરી છે. સલાહકારો તો પૈસા હોય તો અનેક મળી રહે. પણ આ બધું લાંબા ગાળે તો નુકશાન જ કરે છે. વૈચારિક અને શારીરિક મહેનત કરનારા અને ફળની અપેક્ષા રાખ્યા વગરના પ્રજ્ઞાવાન લોકો જ અંતે દેશનું ભલું કરી શકવાની યોગ્યતા ધરાવતા હોય છે.

કાંતિભાઈના ડબલ કાટાલાં

જો શ્રી કાંતિભાઇ, રાહુલગાંધીની પ્રતિભાથી આટલા બધા અભિભૂત (પરાજીત) થઈ શકતા હોય તો નરેન્દ્ર મોદીથી તો પ્રભાવિત થવા જ જોઇએ. પણ તેમ નથી. તેથી શંકાઓ ઉત્પન્ન થાય છે. ખેર ૧૯૬૫-૬૬માં સમાચાર માધ્યમોનું વલણ નહેરુવંશીઓ પ્રત્યે આવું જ હતું. ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય હતા અને મોરારજી દેસાઈ અયોગ્ય હતા.   

કાંતિભાઈ ભટ્ટ આપણા જાણીતા કટાર લેખક છે. ચંદ્રકાંત બક્ષી ની જેમ કાંતિભાઈ ભટ્ટ પણ ગમે એવા છે. પણ કાંતિભાઈ ભટ્ટના ઘણા લખાણો કૃત્રિમ અથવા સહેતુક અથવા ન ગમે તેવા પણ હોય છે. મગજ ફોડીને પણ અષ્ટમ પષ્ટમ રીતે અમુક વ્યક્તિને કે માન્યતાને સિદ્ધ કરી દેવી એવું તેમનું ધ્યેય હોય એવી વાસ આવે છે. કેટલાક અળવીતરા લોકો “પેઈડ સમાચાર”નો એટલે કે ઠીકઠીક પેઈડ કરીને  પરાણે લખાવેલ લેખ હોય એવું પણ માનવા પ્રેરાય તો તેમને ક્ષમા કરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, લિંકન, નહેરુવીયન કોંગ્રેસ, રાહુલ, સોનીયા, વકીલાત, આફ્રિકા, દાદા અબ્દુલ્લા, નહેરુ, ઈન્દીરાઈ, કટોકટી, મોરારજી દેસાઈ, અર્જુન સિંહ, કમલાપતિ,   નરેન્દ્ર મોદી, પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, કાંતિભાઇ ભટ્ટ               

Read Full Post »

નરેન્દ્ર મોદી એટલે મોરારજી પછી દિલ્લીની સલ્તનત સામે થનાર એક માત્ર ગુજરાતી સિંહ

૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં ખાસ જાણીતા ન હતા

નરેન્દ્ર મોદી અમુક દશકાઓ પહેલાં જનતામાં તો શૂન્યની બરાબર જ હતા.
સંજય જોષી, તેમના સીડી પ્રકરણ થકી અને નરેન્દ્ર મોદીને વગોવવાના એક હથીયાર તરીકે અખબારો થકી પ્રસિદ્ધિ પામ્યા.

ગુજરાતના પૂણ્ય તપતાં હશે તેથી બીજેપીના મોવડી મંડળે નરેન્દ્ર મોદીની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી હશે. નરેન્દ્ર મોદી આયોજનમાં અને વ્યુહરચનામાં નિષ્ણાત હોય તેમ લાગે છે. મુંગા રહેવાનું હોય ત્યાં મુંગા રહે છે અને બોલવાનું હોય ત્યાં બોલે છે.

નરેન્દ્ર મોદી સાવ નીચલા સ્તરના માણસની માનસિકતા પણ જાણે છે અને સર્વોચ્ચસ્થાને બેઠેલા માણસની માનસિકતા પણ જાણે છે. સરકારી નોકરોના કારભારને પણ જાણે છે અને તેમની શૈલીને પણ જાણે છે. નરેન્દ્ર મોદી અનુભવસિદ્ધ પુરુષ છે. તેમની ધારણાઓ ઘડતર વાળી અને સ્પષ્ટ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓનું વલણઃ
નહેરુવિયન સરકારના નેતાઓ એવા હતા કે જ્યારે આગ છેલ્લે મજલે પહોંચે અને આગમાં ફસાયેલા લોકો બુમબરાડા પાડે ત્યારે જ તેમને ખબર પડે કે આગ લાગી છે. તેમને લાગે કે હવે મુંગા રહીશું તો આપણને જ તકલીફ થશે ત્યારે તેઓ કબુલ કરે કે મકાનમાં આગ લાગી છે. મકાન ભસ્મ થઈ જાય પછી તેને ઓલવવાના પ્રયત્નો ચાલુ કરે અને પછી નવી ઇમારત બાંધવાની વાતો કરે. અને આમ કરવામાં પેઢીઓ પસાર થઈ જાય. આના સંખ્યાબંધ ઉદાહરણો છે.
કાશ્મિરના હિન્દુ વિસ્થાપિતોની સમસ્યા આનો શ્રેષ્ઠ દાખલો છે. આવા તો ઘણાજ દાખલાઓ છે. પણ તેની વાતો પછી કરીશું.

નરેન્દ્ર મોદીની વાત જુદી છે.
નરેન્દ્ર મોદી આર્ષ દૃષ્ટા છે. તે આવતી કાલનું નહીં પણ આવતા પરમ દિવસનું પણ જોઇ શકે છે અને તે પ્રમાણે વિચારે છે, તે પ્રમાણે આયોજન કરે છે. કોંગીએ લગાવેલી જુની આગોને ઓલવે પણ છે અને વિકાસ પણ કરે છે.

આ વિકાસ વિષે શંકાઓ કરાય છે અને નકારાય પણ છે. વિકાસ એ એવી વસ્તુ છે જે માટે આંકડાઓની જરુર પડતી નથી. વિકાસના આંકડાઓથી વિકાસ સિદ્ધ પણ થાય અને તેના આંકડાઓને જુદી અને આડીઅવળી રીતે ગોઠવીને નકારાય પણ ખરો.

દાખલા તરીકે જી.ડી.પી. (સામાન્ય ઘરેલુ વપરાશની વસ્તુઓનું ઉત્પાદન)

જો તમે ઉત્પાદક કરતાં ધંધાદારી વધુ હો તો તમે કમાવ ઘણું. તમારો જીડીપી નીચો હોય. તમે ઘર વપરાશની ચીજો ઓછી ઉત્પાદન કરતા હો તો અથવા તો ખેતીમાં ઉત્પાદન ઓછું હોય તો પણ જીડીપી નીચો હોય. મોંઘવારી વધી હોય તો પણ જીડીપી ના આંકડાઓ છે તરે છે. જીડીપીના વધઘટના દરની  વાતો તો વધુ છેતરામણી હોય છે. જીડીપી કરતાં જીડીસી (ઘરેલુ ઉત્પાદનની વપરાશ) ના આંકડા કોઈ એક વિસ્તારનું વધુ સાચું પ્રતિબિંબ આપી શકે છે.

કોંગી ભાઈઓ અને તેમના સહાયક બંધુઓમાં, આઈડેન્ટીફીકેશન ક્રાઈસીસ કોમ્પ્લેક્સ હોય છે. એટલે કે આ લોકો સ્વ ઓળખની ઘેલછાના રોગવાળા છે. આ મહાનુભાવો આંકડાઓની ગોઠવણીઓની રમત કરીને નરેન્દ્ર મોદીએ કરેલા ગુજરાતના વિકાસને નકારી પણ દે છે.

આદિ શંકરાચાર્યનો તર્ક ઉપયોગમાં લોઃ
શંકરાચાર્યની એક વાત યાદ કરવા જેવી છે. તે છે પ્રત્યક્ષ પ્રમાણ. જો કે પ્રત્યક્ષ પ્રમાણ વિષે પણ વિતંડાવાદ ઉભો કરી શકાય. પણ પહેલાં સમજી લઈએ કે પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું?

અનુભવ એટલે પ્રત્યક્ષ પ્રમાણ.

સાચું શું?
ગીતા અને વેદ કહે તે સાચું.
પણ ધારો કે વેદ અને ગીતામાં ભેદ હોય તો શું?
તો વેદ કહે તે સાચું. પણ ધારોકે વેદ એમ કહે કે અગ્નિ શિતળ છે તો?
જો એમ હોય તો અનુભવ કહે તે સાચું.
અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે.

 

યાદ કરો
યાદ કરો એક લાંબો સમય એવો હતો કે ઓછા વોલ્ટેજને કારણે ભાવનગર અમદાવાદ સિવાયના ગામોમાં ટ્યુબ લાઈટો સળગતી ન હતી. દિલ્લી કે જેને નહેરુ આપણા દેશનું મોઢું કહેતા હતા અને તેની પાછળ અઢળક પૈસા ખર્ચાતા હતા અને ખર્ચાય છે અને ખવાય છે જેને લીધે આજની તારીખમાં પણ ત્યાં ઈન્વર્ટરોનો ધંધો પુસ્કળ ફુલ્યો ફાલ્યો છે. ઈન્વર્ટરોનો ધંધો ત્યાં જ ફુલે ફાલે જ્યાં વિજળી અનિયમિત હોય. એટલે કે વારંવાર બંધ થઈ જતી હોય. આવી દિલ્લી કે જે દેશનું મુખારવિન્દ છે તેના કરતાં પણ આપણું ગુજરાત વિજળી શક્તિની બાબતમાં આગળ છે એટલું જ નહીં ગુજરાત પોતાની વધારાની વિજળી બીજા રાજ્યોને આપે છે.

 

રસ્તા અને નહેરો
રસ્તા અને નહેરોનોની પણ સારી જોગવાઈ છે. આ વાત તમે પડાણામાં જાઓ અને ત્યાં પૂછો.
અક્ષર જ્ઞાન વધ્યું છે અને ડ્રૉપ આઉટ સાવ જ ઘટી ગયો છે તે તમે રાજપીપળાના દૂર સુદૂરના અંતરિયાળ પ્રદેશમાં જાઓ એટલે ખબર પડે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની ૧૦૦ રોજગારીમાં ગુજરાતે ૭૨ રોજગારી આપી છે. આ આંકડાને કોઈએ નકાર્યો નથી.

આ તો આંકડાની વાત થઈ. પણ જો તમે બીજા રાજ્યોમાંથી આવતા માણસોના જથ્થાને લક્ષમાં લો તો ખબર પડે કે તેઓ શા માટે આવે છે?

કાં તો તેઓ ચોરી લુંટફાટ કરવા આવે છે કાં તો નોકરી કરવા આવે છે.

શહેરોમાં જે ડુંગરપુરીયા ઘરકામ માટે મળતા હતા તેમાંના ઘણા હવે ફેક્ટરીઓમાં કે બીજી નોકરીઓમાં લાગી ગયા છે.
રબારીભાઈઓ ડ્રાઈવર થઈ ગયા છે એટલે ચોકીદારો મળતા નથી.
વૉચમેનો પણ મળતા નથી.
હવે રબારણો ઘરકામમાં મોં માગ્યા ભાવ લે છે અને સરકારી નોકરો કરતાં વધુ રજાઓ પાળે છે.
દેશી કારીગરોની તંગી છે અને ભૈયાજીઓ તમારાં કલર પૉલીસના કામો બગાડીને અનુભવ મેળવી તૈયાર થઈ જાય છે.

 

સ્ત્રી-પુરુષના ઘટતા પ્રમાણની વાત

જો કે ગુજરાતના શહેરોમાં પહેલેથી જ પરરાજ્યના લોકો નોકરી કરવા આવતા હતા.
પણ છેલ્લા દશ વર્ષમાં આ પ્રમાણ એટલું વધી ગયું છે કે જો પરરાજ્યો પોતાનો પૂરતો વિકાસ નહીં કરે તો ગુજરતના શહેરોમાં ગુજરાતીઓ લઘુમતીમાં આવી જશે. હાલ ગામડાઓમાં પણ રાજસ્થાની મજુરોનું પ્રમાણ વધી ગયું છે. ગામડાઓમાં દેશી મજુરો મળતા પણ નથી.
કેટલાક વિદ્વાનો ગુજરાતમાં સ્ત્રી-પુરુષના ઘટતા પ્રમાણની વાત કરે છે. યુપી, બિહાર, રાજસ્થાન, કર્નાટક, કેરાલાથી જેઓ ગુજરાતમાં નોકરી કરવા આવે છે તેઓ શરુઆતમાં છડે છડા એટલે કે પોતાની પત્નીને પ્રોષિત ભર્તૃકા બનાવીને આવે છે.

રાજસ્થાન, યુપી, બિહાર અને ઓરીસ્સાથી વધુ લોકો ગુજરાતમાં આવે છે

એટલે તમે યુપી, બિહાર રાજસ્થાન જતી ટ્રેનોમાં વધારો થતો જોતા હશો, હવે આ લોકો પણ ગણત્રીમાં લેવાય તો ખબર પડે કે ગુજરાતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનું વાસ્તવિક પ્રમાણ શું છે.
નરેન્દ્ર મોદીના વિરોધીઓને પણ વિકાસ તો દેખાય જ છે. પણ જે ગુજરાતમાં ૧૯૭૧થી નહેરુવંશીય કોંગ્રેસની બોલબાલા હતી તેને નરેન્દ્ર મોદી શાસને એવો ઝાટકો માર્યો છે કે તેઓ શુદ્ધબુદ્ધિ ખોઈ બેઠા છે. તેમણે જીભને મુક્ત કરી દીધી છે. તેમણે પોતાની જીભનો મગજ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.

 

તેઓ રેકર્ડ ચલાવ્યા કરેછે કેઃ
મોદી પૈસાદારોને લહાણી કરે છે,
મોદી પ્રજાના પૈસે ઉત્સવો કરે છે,
મોદી પૈસાનો બગાડ કરેછે,
મોદીના રાજમાં મોદી સિવાય કોઈ સુરક્ષિત નથી,
મોદી વાંદરો છે,
મોદી ઉંદર છે,
મોદી રાક્ષસ છે,
મોદી લોહી પીનારો છે,
મોદી ઢોગી છે,
મોદી જુઠ્ઠો છે,
મોદી હિટલર છે,
મોદી ચંગીઝખાન છે,
મોદી દ્રોહી છે,
મોદી કિન્નખોર છે,
મોદી આપખુદ છે,
મોદીથી બધા ભયભીત છે,
મોદી લબાડ છે વિગેરે વિગેરે.

કોઈ પણ નિમ્ન કક્ષાનો કે ઉચ્ચ કક્ષાનો આદમી મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ઉચ્ચારણ કરે એટલે તેને પ્રસિદ્ધિ મળી જ સમજો. પછી ભલે તે કોઇ પણ એક કક્ષાનો અમલદાર હોય, કોઈ પીડિત સ્ત્રી કે પુરુષ હોય તેને અખબારો પ્રસિદ્ધિ આપવા આતુર રહેવાના જ.

મોદીએ કેન્દ્રની ગુજરાત પ્રત્યેની ગેસની નીતિની ટીકા કરી. નરેન્દ્ર મોદીએ સાથે સાથે નહેરુવીયન કોંગ્રેસી સભ્યે પાર્લામેન્ટમાં કરેલા શશિ થરુરની પ્રેમિકા/પત્ની ની સંપત્તિને લગતા ઉચ્ચારણનું પુનઃઉચ્ચારણ કર્યું. તો બધા આજની તારીખ સુધી મૂળ કોંગ્રેસીના ઉચ્ચારણને અળગું રાખી, મોદીને ગાળો આપે છે. કેન્દ્રની ગુજરાત પ્રત્યેની દ્વેષવૃત્તિની બાબતમાં કશું સ્પષ્ટિકરણ આપતા જ નથી. નહેરુવીયન કોંગ્રેસમાં સેન્સ ઓફ હ્યુમર ન હોય તે સમજી શકાય તેમ છે. પણ પ્રમાણભાન વગરની સત્વહીન બદબોઈ એ કોઈ સારી નીતિ તો ન જ કહેવાય.

મોદી વિષે કપોળ કલ્પિત અફવાઓ પણ ફેલાવાય છે

મોદી વિરુદ્ધ અડવાણી, મોદી વિરુદ્ધ અમિત શાહ, મોદી વિરુદ્ધ સંજય, મોદી વિરુદ્ધ જશવંત, મોદી વિરુદ્ધ સુષ્મા. હાલની લેટેસ્ટ અફવા મોદી વિરુદ્ધ નીતિન ગડકરીની છે. એક ટીવી ચેનલે આ વિષે કહ્યુ કે “હવે અમે તમને આ બાબત વિષે મોદીનો ચહેરો ખુલ્લો પાડીશું. … મોદીએ આ કારસ્તાન રામ જેઠમલાણી મારફત કર્યું છે.”

કારણ?

હવે કારણમાં આ ચેનલ રામ જેઠમલાણી કોણ છે તેના સંતાનો કોણ છે અને શું કરે છે, તેની વિગતો આપે છે. આ વિગતો સાથે મોદીને કશી લેવા દેવા  નથી. તે જ પ્રમાણે નીતિન ગડકરી ના સંતાનો અને તેઓ શું કરે છે તેની વિગતો આપે છે. આની સાથે પણ મોદીને કશો સંબંધ છે. તે વિગતોનું કશું બંધબેસતું નથી. પછી ચેનલ કહે છે કે સંજય જોષી આરએસએસ ના છે. વૈદ્ય પણ આરએસએસ ના છે. સંજય અને નરેન્દ્ર મોદીને બનતું નથી. નરેન્દ્ર મોદીએ જોષીની કરકીર્દી ને ખતમ કરવા માટે સીડી બનાવેલી (એક અફવા). આમાં કશો મેળ બેસતો નથી. નરેન્દ્ર મોદી અને ગડકરીને ન બનતું હોય તેવું કોઈ તથ્ય બહાર પડ્યું નથી. પણ વૈદ્ય આર એસએસ ના છે. સંજય જોષી આરએસએસના છે. જેઠમલાણી મોદીના વખાણ કરે છે. વૈદ્ય ની વાતને ચગાવવા મોદીને લપેટમાં લીધા. વૈદ્યને મોદી ગમે કે ન ગમે તે વૈદ્યની મુનસફ્ફીની વાત છે. પણ ચેનલે જે વિગતો આપી તેને તો કહેવાતી મોદી-ક્રીડાની ધડ માથા વગરની જ લાગે.

 

મોદી રોયાઃ
અગાઉ એક ચેનલે લગાતાર વીડીયો ક્લીપ અને ટૉપ અને બોટમ ન્યુઝ લાઈનો નીચે પ્રમાણે કમસે કમ ૪૫ મીનીટ સુધી આપેલી.
મોદી ક્યું રોયે?
મોદીકી આંખોમેં આંસુ..
મોદી રો પડે,..
મોદી ક્યોં રો પડે ..
મોદી કે આંખોમેં આંસુ આ ગયે,..
મોદી ક્યોં રોને લગે?
નીતીશ કે બિહારમેં મોદી રોને લગે ..
મોદી બિહારમેં રો પડે …
પત્થરકા જવાબ ઈંટસે દેને વાલે મોદી રો પડે
મોદી ક્યોં રો પડે?
મોદી બિહારમેં ક્યોં ગયે?
મોદીકો બિહારમેં ક્યું રોના પડા?
નીતીશકે બિહારમેં મોદીકો ક્યોં રોના પડા?
મોદી કે આંખમેં ક્યોં આંસુ આ ગયે?

દેખીયે આજ રાત ૯=૩૦.

આની આજ ન્યુઝ લાઈનો બોટમમાં તો લગાતાર ૪૫ મીનીટ સુધી બતાવ્યા કરી તો ખરી જ, પણ વીડીયો ક્લીપ બતાવે ત્યારે ટૉપમાં પણ આજ લાઈનો બતાવે. વીડીયો ક્લીપમાં મોદી કાં તો ચશ્માની નીચે આંખો સાફ કરતા હોય અથવા ભીની આંખે જોતા હોય છે. મોદી ગાડીમાંથી ઉતરતા હોય, મોદી ચાલતા હોય .. વિગેરે વિગેરે.

પછી ૯=૩૦ વાગે ઉપરની બધી ક્લીપો વીડીયો ક્લીપ સાથે રીપીટ થયા કરી. (મોદીનો ફક્ત એક કે એક મીનીટનો પરિચય આપ્યો. આ પરિચય જોકે પ્રત્યક્ષ રીતે બહુ નકારાત્મક ન હતો પણ મોદી આત્મશ્લાઘા કરે છે તેમ તારણ કાઢી શકાય. જોકે આપણે મોદીને એ વાતોનો ઉલ્લેખ કરતા સાંભળ્યા નથી.) અને ટીવી ચેનલે સમય પૂરો કર્યો. એક મીનીટના પરિચયને મોદીના આંસુ સાથે કોઈ સંબંધ ન હતો અને મેળ પણ બેસતો નહતો. ૪૫ મીનીટકે હોજસે બીગડી, એક બુંદ સે ધો નહીં સકતે.

 

ગુજરાતના શક્તિશાળી નેતાઓ અને ગુજ્જુ વિદ્વાનો

ગુજરાતના શક્તિશાળી નેતાઓ પ્રત્યે નહેરુવંશીય ચાહકોનું વળગણ વિશિષ્ઠ પ્રકારનું અને કદીક નિર્લજ પ્રકારનું વર્તન રહ્યું છે. તેમને ખબર છે કે જો ગુજરાતી નેતા એક વખત ચીટકી જશે તો આપણી દુકાનો બંધ થઈ જશે.

ગુજ્જુ વિદ્વાનો ખુદ, ગુજ્જુનેતાઓની બુરાઈ કરવામાં પાછા પડ્યા નથી. દુઃખ આ વાતનું છે.
દુઃખદ વાત એ છે કે સરદાર પટેલને બાદ કરતાં ગાંધીજીથી શરુ કરી નરેન્દ્ર મોદી સુધીના બધા જ શક્તિશાળી નેતાઓની બુરાઈ કરવામાં ગુજ્જુઓ ખુદ પાછા પડ્યા નથી.

સામાન્ય આરએસએસનો નેતા “અવાચન” અને ગેરસમજણને હિસાબે ગાંધીજીનો વિરોધ કરે છે. તેમજ પ્રમાણભાન ની પ્રજ્ઞાના અભાવના કારણસર તે મોરારજી દેસાઈનો અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. જેઓ પોતાને પ્રજ્ઞાવાન અને વિશ્લેષક માને છે તેવા મુર્ધન્યોએ છેલ્લા બે નેતાઓની બુરાઈ અને મજાક કરવામાં કચાશ રાખી નથી. ગુજ્જુ અખબારી મૂર્ધન્યો તો આદુ ખાઈને મોદીની પાછળ પડ્યા છે.

આપણે જોઇએ કે કયા કયા ગુજ્જુએ ગુજરાતના સક્ષમ નેતાના ટાંટીયા ખેંચીને હેઠા પાડવાની પ્રયત્નો કરેલ.

જીવરાજ મહેતાનું ગ્રુપઃ

મોરારજી દેસાઈના ટાંટીયા ખેંચવામાં ગુજરાતમાંના નહેરુના ટેકેદારોએ મોટો ભાગ ભજવેલ. જેમાં જીવરાજ મહેતાનું ગ્રુપ આગળ પડતું હતું.

૧૯૬૯માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે આજ ગ્રુપના નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસમાં કુદ્યા હતા.

૧૯૬૯માં પ્રજા સમાજવાદી પાર્ટી (પીએસપી)

પીએસપી ગ્રુપમાંથી છબીલદાસ મહેતા અને અમુક નેતાઓએ પાટલી બદલી અને ઇંદીરા કોંગ્રેસમાં કુદ્યા.

૧૯૭૦માં ઈંદીરા ગાંધીના જ્વલંત વિજય પછી પીએસપી ગ્રુપના બાકીના બધા જ નેતાઓ ઇંદીરા કોંગ્રેસમાં કુદી પડ્યા હતા.

 

હિતેન્દ્ર દેસાઈએ હજુ મોરારજીનો એટલે કે કોંગ્રેસ (સંસ્થા)નો સાથ છોડ્યો ન હતો.

 

૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન પછી થોડા સમયમાં અમદાવાદમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ થયેલ. તે હુલ્લડ કેવી રીતે થયું એ એક સંશોધનનો વિષય છે. સ્વતંત્રપક્ષ,  હિતેન્દ્ર દેસાઈની સરકાર બચાવવા તત્પર હતો. જોકે ભાઈકાકા ગુજરી ગયા હતા એટલે સ્વતંત્ર પાર્ટીમાં પણ ભંગાણ પડી ગયું હતું.

 

મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદર

૧૯૭૦માં ઈન્દીરાને લોકસભામાં બહુમતિ મળી એટલે મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદરની જેમ ઈન્દીરાઈ કોંગ્રેસમાં દોડી ગયા હતા. ૧૯૭૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈન્દીરાઈ કોંગ્રેસે ૧૬૨ માંથી ૧૪૦ સીટો નો ભવ્ય વિજય મેળવ્યો અને ગુજરાતની પડતી શરુ થઈ.

કોમી રખમાણો થયા. નયી ઈન્દીરાની રોશનીમાં દેશના અને ગુજરાતના ઘણા જ મુર્ધન્યોએ પોતાના મોઢાં કાળા કરેલા.

સૌનો ભ્રમ ભાંગ્યો. નવનિર્માણ થયું. પણ તે દરમ્યાન ઈન્દીરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે રાજકીય દ્વેષ ઉભો કરી દીધેલો. એટલે ઘણા હકારાત્મક ગુણો જનતા મોરચામાં હોવા છતાં તે ઈન્દીરાઇ કોંગ્રેસને ૧૯૭૫માં કારમી હાર ન આપી શક્યો. ફક્ત પાતળી હાર આપી.

૧૯૭૫ માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદી. ૧૯૭૬માં જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકારને ઈન્દીરા ગાંધીએ પક્ષપલ્ટુઓ દ્વારા ઉથલાવી.

૧૯૭૭માં વળી જનતા મોરચાની સરકાર પાછી આવી જે ૧૯૮૦માં ફરીથી તૂટી પડી.

ગુજરાતમાં જ ગુજરાતીઓની કિમત ન રહીઃ

આ સીલસીલો ૧૯૯૫ સુધી તો ચાલ્યો જ ચાલ્યો. કેશુભાઈના પગ ખેંચનારા ગુજરાતીઓ પણ જન્મ્યા જ હતા. શંકરસિંહે તેમને પછાડ્યા અને તેઓ પણ પછડાયા. કેશુભાઈને જનતાએ ફરીથી જીતાડ્યા હતા.

કેશુભાઈ વહીવટમાં નિસ્ફળ
કેશુભાઈ વહીવટીમાં નિસ્ફળ ગયેલ હતા ખાસ કરીને ભૂકંપના રાહત કાર્યોમાં અરાજકતા અને ખાઉકડગીરી હદબહારની વધી ગઈ હતી. ભૂકંપ પીડીતોને મળેલી વસ્તુઓ ખૂલ્લેઆમ વેચાતી હતી. ભૂકંપ પહેલાં પણ ચૂંટણીમાં બીજેપીનો પરાજય થવા માંડ્યો હતો.

અમદાવાદ જેવું અમદાવાદ પણ બીજેપીએ ગુમાવ્યું હતું.

કેશુભાઈ ને અખબાર તંત્રે મજાકનું પાત્ર બનાવી દીધા હતા. ૨૦૦૨ની વિધાનસભાની ચૂટાણીમાં બીજેપીનો પરાજય નિશ્ચિત હતો.

 

જો કે ગુજરાતમાં જે આફતો આવી અને જે થયું એવું બીજા રાજ્યોમાં થાય એ તો સામાન્ય વાત જ ગણાય છે.

પણ આ તો ગુજરાતમાં થયું અને વળી બીજેપીના રાજમાં થયું એટલે તેની ટીકા તો પેટ ભરાઈ જાય એટલી નહીં પણ પેટ ફાટી જાય એટલી બધી ટીકાઓ થવી જ જોઇ એવું નહેરુવંશી પાર્ટીના નેતાઓ અને અ-ગુજ્જુ સમાચાર માધ્યમો માને છે.

આ લોલં લોલમાં ગુજ્જુ મૂર્ધન્યો પણ લાબું વિચાર્યા વગર કૂદી પડે છે.

ઈશ્વરની બુદ્ધિને સુઝ્યું અને તેમણે બીજેપી મોવડી મંડળને સદ્‌બુદ્ધિ આપી કે જેથી મુખ્ય મંત્રી બદલાયા અને નરેન્દ્ર મોદી રખાયા. નરેન્દ્ર મોદીએ ખાઉકડ અમલદારોને સસ્પેન્ડ કર્યા અને સારો વહીવટ ચલાવ્યો.

 

યોગાનુયોગ એક વાર નરેન્દ્ર મોદીથી બોલાઇ ગયું કે બીજેપીના રાજકાળમાં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે.

 

આ વાતથી નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું હશે. અને ૨૦૦૨માં ગોધરા સ્ટેશને ડબ્બો સળગ્યો. આ કાવતરામાં સામેલ સ્થાનિક કોંગી નેતા પાકિસ્તાન ભાગી ગયા છે.  વળી એક કોંગી નેતાથી બોલી પણ જવાયું કે મોદીએ  “બીજેપીના રાજકાળ માં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે” એવું કહીને કેમ મુસ્લિમોને ઉશ્કેર્યા?

ટૂંકમાં ગુજરાતી નેતાઓને કોઈપણ રીતે વાંકમાં લેવા એ ગુજ્જુ કોંગ્રેસીઓના સંસ્કાર છે.

અખબારી મૂર્ધન્યો પણ ક્યાં પાછળ રહી ગયા છે?

જ્ઞાતિવાદી સમીકરણો બનાવીને, તેને ઉછાળીને તેને લગાતાર પ્રસિદ્ધિઓ આપીને વાગોળીને આ અખબારી મૂર્ધન્યોએ ગુજરાતમાં બીજા રાજ્યો જેવો જ્ઞાતિવાદ ઉભો કરવાની અથાગ કોશિસ કરી છે. જાણે કે ગુજરાતનો નબળો જ્ઞાતિવાદ તેમને કણાની જેમ ખૂંચતો ન હોય?

 

“પટેલોએ ઘણું સહન કર્યું… હવે સહન કરી શકાય તેમ નથી. હવે અમે પાછા પડીશું નહીં….”

“નરેન્દ્ર મોદીના રાજમાં હવે બ્રાહ્મણ વાણીયા કેબીનેટ પ્રધાન બનશે નહીં..”,

“સરકારી નોકરો હવે મોદીશાહી થી તંગ આવી ગયા છે.. તેઓ મોદીને પોતાનું બળ બતાવી દેશે..”,

“માલધારીઓ હવે અન્યાય સહન કરશે નહીં..”

“નરેન્દ્ર મોદીએ બ્રહ્મતેજ જોયું નથી..”

હા જી …  આ બધી જ્ઞાતિઓ જ છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું એટલે દેશને વધુને વધુને ખાડે નાખવો એ જ અર્થ થાય. અખબારોએ તો ખાસ સમજવું જોઇએ. સૌએ એક માણસ તરીકે કાયદાનું પાલન કરવાનું છે. જો કાયદો અન્યાય કારી હોય તો તે કેવો હોવો જોઇએ તેની વાત કરો. પણ એક જ્ઞાતિ તરીકે ભેદભાવ ઉભો ન કરો.

 

રાજસ્થાનમાંના જ્ઞાતિવાદી દંગાઓ

રાજસ્થાન માં ગઈ ચૂંટણીમાં જ્ઞાતિવાદી દંગાઓ અને પ્રદર્શનો થયા હતા. આ ગુજ્જર, નીનામા, બકેરવાલ વિગેરેના જાતિવાદી આંદોલનો ચલાવીને નહેરુવીયન કોંગ્રેસે રાજસ્થાન કબજે કરેલ.

તેવીજ રીતે ગઈ લોકસભાની ચૂંટણીમાં કેશુભાઈએ જ્ઞાતિવાદી સુર ચલાવી બીજેપીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટો ઘાટો કરેલ.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના જેવી સંસ્કૃતિવાળા સમજે છે કે નરેન્દ્ર મોદીની આગેકૂચ રોકવી હોય અને તેના મતોને વિખેરી નાખીને પોતે લાભ લેવો હોય તો જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદ ઉભો કરવો જ પડશે.

એક બાજુ મોદીના વિકાસને નકારો અને બીજીબાજુ જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદના આધાર ઉપર જનતાને બહેકાવો.

તમે તાજેતરના અખબારો ઉપર નજર કરશો તો એક વાત ઉડીને આંખે વળગશે કે એક અગ્રગણ્ય અખબાર દિવ્યભાસ્કર જ્ઞાતિવાદ ના આધારે મત પડવાના હોય તે રીતે ઉમેદવારોના ભાવીનું વિશ્લેષણ રોજ રોજ આપ્યા કરે છે.

 

સફેદ જુઠ

આમ તો અખબારો દાવો કરે છે કે અમે પેઈડ સમાચારો છાપતા નથી.

પેઈડ સમાચારો એટલે કે પૈસા લઈને સમાચારો છાપવા. અને તે માટે એક જાહેરાત પણ લખે છે કે જો કોઈ પૈસા લઈને સમાચાર છાપી આપવાની વાત કરતો હોય તો ફલાણા ફલાણા નંબર ઉપર ફોન કરવો. પણ આતો કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી વાત છે. તમે સમાચારની હેડલાઈન જુઓ. તમને સમાચારની હેડલાઈન ઉપરથી અને તેમાં ગોઠવેલા વાક્ય પ્રયોગ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે પૈસા કોણે આપ્યા હશે, કોણે લીધા હશે અને કયા લેવલ ઉપર પૈસાની લેવડ દેવડ થઈ હશે.

 

થોડી અખબારી હેડ લાઈનોઃ

“આ વખતની ગુજરાતની ચૂંટણી લાયકાત અને લોકપ્રિયતાની વચ્ચેની છે.”
કોની લાયકાત?
કોની લોકપ્રિયતા?
શું જે લાયકાત વાળો છે તે લોકપ્રિય નથી?
શું જે લોકપ્રિય છે તે લાયકાત વાળો નથી?
સમાચાર પત્રમાં આ વિષે કશો ફોડ પાડવામાં આવશે નહીં. મોદીને જો લાયકાત વાળો સમજો તો તે લોકપ્રિય નથી એમ સમજવું પડશે તેવો સંદેશ છે. અથવા જો તે લોકપ્રિય છે તો તે લાયકાત વગરનો છે તેવો સંદેશ છે.

“સોણીયા ગાંધીએ બીજેપીને સાણસે ભીડાવ્યું”

“સાણસે ભીડાવ્યું” એ શબ્દ પ્રયોગ સોનીયા ગાંધીની ચાપલુસી જેવો જ લાગે છે. કારણ કે સાણસે ભીડાવવું એટલે “છટકી ન શકાય તેવો મોતનો સકંજો” એવો જ થાય છે. પણ તમે જો સોનીયા ગાંધીના ઉચ્ચારણોની વિગતમાં જશો તો સોનીયા ગાંધીએ પોતાનું  “મોઢું ખાલી કરવા” સિવાય કશું નથી”.

તેનાથી ઉલ્ટુ નરેન્દ્ર મોદી જે જવાબ આપે છે તે માહિતિપ્રદ છે.

કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી ટોલ ટેક્ષ ઉઘરાવે છે પણ ગુજરાતના રસ્તાઓના વિકાસ માટે કશું પણ આપતી નથી. કેન્દ્ર કહે છે કે ગુજરાતમાં રસ્તાઓ વિકસિત છે. જ્યારે હેલીકોપ્ટરમાં બેસીને રસ્તા જોનારી સોનીયા ગાંધી કહે છે કે ગુજરાતના રસ્તાઓ ની હાલત સારી નથી. નરેન્દ્ર મોદી આવો જવાબ આપે છે. આ જવાબ એવો છે કે સોનીયા ગાંધી જ સાણસામાં આવે છે. પણ જે સમાચાર પત્ર પોતાને “અન પેઈડ” સમાચારો છાપનારું જણાવે છે તે નરેન્દ્ર મોદીનો આ સોનીયા ગાંધીને સાણસામાં લેતો જવાબ છાપતું જ નથી. એટલે કાંતો આ સમાચાર પત્ર બેવકુફ છે અથવા તો ઠગ છે. આ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.

સમાચાર પત્રો, સોનીયા ગાંધીના ઉચ્ચારણોને એટલેકે નહેરુવીયન કોંગી નેતાઓના ઉચ્ચારણોને ગ્લોરીફાય કરે છે. “અહો રુપં અહો ધ્વનિ” ના શિયાળની જેમ સમાચાર પત્રો, મુખ્ય પાનાઓ ઉપર મુખ્ય જગ્યાઓ ઉપર મોટા અક્ષરો સાથે સોનીયાને ચમકાવવાની પ્રણાલી પાડે છે.

સોનીયા ગાંધી ભલે કોઈ જવાબદારી વાળો પ્રજાકીય હોદ્દો ન ધરાવતા હોય, અને નરેન્દ્ર મોદી ભલે ગુજરાતના મુખ્ય પ્રધાન હોય, પણ તે બીજેપીના છે, ગુજરાતી છે અને વળી નહેરુવીયન કોંગ્રેસની સામે પડેલા છે એટલે તેમણે આપેલા જવાબો ન છાપો તો પણ ચાલે. જો કદાચ આત્મા નો ડંખ વધુ જોર કરતો હોય તો નરેન્દ્ર મોદીની વાતને ક્યાંક નાની કટારમાં અર્ધી પડધી નાના અક્ષરોમાં છાપો.

આમ તો આ સમચાર પત્રો, નરેન્દ્ર મોદીના વિજયને સાવ નકારી કાઢતા નથી. તો એનો અર્થ એવો થયો કે તેઓ એટલું તો સમજે જ છે કે બીજેપીને ઠીક ઠીક બેઠકો મળવાની તો છે જ. તો પછી તેઓ જનતાની વાસ્તવિક લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં કેમ ઉણા ઉતરે છે?
અરે ભાઈ, આ ગુજરાતી ભાઈ, નરેન્દ્ર ભાઈ ને તો ઉગતો જ ડામી દો. તે આપણી દુકાન બંધ કરી દેશે. આપણે તો નહેરુવીયન કોંગ્રેસ જ સારી. લુંટો અને લુંટવા દો. ગુજ્જુ નેતાઓને તો ઉગતા જ દાબી દો. દિલ્લીકી સરકારકે સામને સર ઉઠાકે, ઉંચી આવાજસે બોલતા હૈ? તો ઉસકો હર હાલતમેં ખતમ કરો.

કોંગી નીતિઃ અભિમન્યુ રુપી આ ગુજરાતીને (નરેન્દ્ર ને) એકલો પાડી દો અને ખતમ કરો.

આપણે સૌ ગુજરાતીઓ (ગુજરાતીઓ એટલે સૌ કોઈ જેઓ ગુજરાતને અને દેશને ચાહે છે) એક થઈ નવા અભિમન્યુ, નવા દયાનંદ, નવા વિવેકાનંદ, નવા સરદાર અને નવા મહાત્મા ગાંધીરુપ આપણા સ્વપ્નના ગુજરાતના મુખ્ય મંત્રીને રાક્ષસોથી બચાવીએ.

ગુજરાતીઓની ઓળખઃ

૧૯૪૭ અને પછી વિદેશમાં;-  ઓહ તમે ગાંધીના ઈન્ડીયામાંથી આવો છો?
૧૯૪૭ અને પછી દેશમાં;- ઓહ તમે ગાંધીના ગુજરાતમાં થી આવો છો?
૧૯૭૩ અને પછી દેશમાં;- ઓહ તમે મોરારજી દેસાઈના ગુજરાતમાંથી આવો છો?

૨૦૦૫ અને પછી દેશ અને વિદેશમાં;- ઓહ તમે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં થી આવો છો? આવો આવો… કેમ છો? 

 

શિરીષ મોહનલાલ દવે

  • ટેગ્સઃ મોદી, નરેન્દ્ર, પેઈડ સમાચારો, ગુજ્જુ નેતાઓ, સમાચાર પત્રો, બીજેપી, અભિમન્યુ, દયાનંદ, વેવેકાનંદ, સરદાર, મહાત્મા ગાંધી, રાક્ષસો, લુંટો અને લુંટવા દો, નહેરુવીયન, સોનીયા, સાણસામાં

Read Full Post »

%d bloggers like this: