Posts Tagged ‘સોફ્ટવેર’
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધિકારી, કમીશ્નર, કોંન્ટ્રાક્ટર, ક્વોટા, ગટર, ગલી, ગુણવત્તા, ગુન્ડા, ગેટ, ટ્રાફીક, દબાણ, પોલીસ, ફૂટપાથ, રસ્તા, રી-સરફેસીંગ, શહેર સુધરાઈ, સીસી કેમેરા, સોફ્ટવેર, હપ્તા on May 7, 2013| Leave a Comment »
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨
ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ટ્રાફીક ડીપાર્ટમેન્ટની અને શહેર સુધરાઈનું અણઘડપણું અને ખાયકી જનતાને અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન બનાવે છે.
ટ્રાફિક નિયમોના ભંગ કરનાર જનતાને અશિક્ષિત, અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન કહેવું સહેલું છે. પણ તેના મૂળમાં શહેરસુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓનું અણઘડપણું, અજ્ઞાનતા, ખુદના સફાઈના નીચા ધોરણો અને ખાયકી જવાબદાર છે.
પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે કઈ જાતનું અણઘડઆપણું અને અસંસ્કારિતા
સરકારમાં છે અને ચલાવી લેવામાં આવેછે.
હવે ધારોકે ૩ + ૩ લેનનો રસ્તો છે.
સેન્ટર લાઈન સાતત્ય વાળી હોવી જોઇએ. અથવા રોડ ડીવાઈડર હોવો જોઇએ.
લેન ની ગણત્રી સેન્ટરલાઈનથી ફૂટપાથ તરફની ગણીએ તો ૧, ૨ અને ૩ એમ થાય. ૧ નંબર ની લેન ફાસ્ટ લેન છે.
શહેરની અંદર મેન રોડ ઉપર સ્પીડ લીમીટ ૪૦ કીલો મીટરથી વધુ ન હોઈ શકે. એટલે સ્પીડ લીમીટનું બોર્ડ હોવું જોઇએ.
બે લેન વચ્ચે ધોળા પટ્ટાની ત્રૂટક લાઈન હોવી જોઇએ. બીજી લેનની સ્પીડ લીમીટ ટ્રાફીક પ્રમાણે એટલેકે ૪૦ કિ.મિ. થી તો ઓછી જ હોય છે.
જો તમે ૪૦ની સ્પીડથી લેન-૧ પર જતા હો તો પાછળ વાળાએ તમને હોર્ન મારવું ન જોઇએ.
જ્યારે પણ ટર્નીંગ માટેની ગલી કે રોડ ક્રોસ આવે તેના કમસે કમ ૨૦૦મીટર અગાઉ તમારે તમારી લેન પકડી લેવી જોઇએ. જો વાહન દ્વી ચક્રી કે ત્રી ચક્રી હોય તો તેને લેનના ડાબા હિસ્સામાં અને જો વાહન ચતુસ્ચક્રી હોય તો હમેશાં લેનના મધ્યભાગમાં ચલાવવું જોઇએ. આ રીતે જો તમે વાહન ન ચલાવો તો તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય અને તે દંડને પાત્ર થાય.
તમે છેલ્લી ઘડીએ લેન-૩ કે લેન-૨ માંથી ડાબી બાજુ વળવા માટે લેન-૧ ઉપર જઈ ન શકો. સીધા જવું હોય તો તમારે લેન-૨ પકડવી પડે અને જમણી બાજુ વળવું હોય તો લેન-૩ પકડી લેવી જોઇએ.
ઝીબ્રાક્રોસીંગ અગાઉ એક પટ્ટો હોય છે. જો લાલ લાઈટ હોય તો તમે તેથી આગળ જઈ ન શકો.
જો ટ્રાફીક સીગ્નલ ન હોય તો તમારે રોડ ક્રોસીંગ ના ૨૦૦ મીટર અગાઉ (ટ્રાફીક હોય કે નહોય તો પણ) તમારા વાહનને પહેલા ગીયરમાં જ લાવી દેવું જોઇએ, અને સ્પીડ ડેડ સ્લો કરી દેવી જોઇએ. જમણી બાજુથી આવનારા જેઓએ તેમની તરફનો ઝીબ્રાક્રોસીંગ આગળનો પટ્ટો ક્રોસ કરી દીધો હોય અને તેમની પાછળના જે કોઈ વાહનો એકબીજા વચ્ચે ૨૦ મીટરથી ઓછા અંતરે હોય તે સૌ વાહનોને પહેલાં જવા દેવા પડે.
સામાન્ય ૨+૨ લેનનો નમૂનો ડાયાગ્રામમાં આપેલો છે.
ટ્રાફીક માર્કીંગ હોતા નથી.
સામાન્ય રીતે રસ્તા ઉપર પાર્કીંગની પરવાનગી હોતી નથી. પણ જો પાર્કીંગની પરવાનગી હોય તો ત્યાં પાર્કીંગ ની સીમાઓ અને ગાળાઓ માર્ક થયેલા હોવા જોઇએ. જો ગાળાના સેન્ટરમાં વાહન પાર્ક થયું ન હોય તો તે અવ્યવસ્થિત પાર્કીંગ થયું કહેવાય. અવ્યવસ્થિત પાર્કીંગ પણ દંડને પાત્ર છે.
ખોટી લેન ઉપર વાહન ચલાવવું
જો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો તમારે સીગ્નલ આપી, સામેના મીરરમાં અને ડાબી બાજુના મીરરમાં પાછળનો ટ્રાફીક જોઇ લેન-૩ ઉપર આવી જવું જોઇએ.
કારણ વગર લેન બદલવી એ અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય. તે દંડને પાત્ર છે.
અણઘડપણું:
ટ્રાફીક માટેના માર્કીંગઃ
લેન માર્કીંગઃ લેના માર્કીંગ ઘણી જાગ્યાએ હોતા જ નથીં તો કેટલીક જગ્યાએ ઝાંખા હોય છે અને કેટલીક જગ્યાએ ખોટા હોય છે.
તમે કહેશો કે ખોટા માર્કીંગ કેવીરીતે હોઈ શકે?
સ્ટોપ લાઈન એ જગ્યાએ હોવી જોઇએ કે ડાબી બાજુ જે વાહનને વળવું છે તેને પૂરતી જગ્યા મળે અને તેનો પાછલો ભાગ તેની ડાબી બાજુની લેન ઉપર સીધા જનાર વાહનને ભટકાય નહીં.
વાસ્તવમાં અનેક વાર પરિસ્થિતિ એવી બને છે કે સીધા જનારા વાહનો ડાબી બાજુ જનારા વાહન માટે જગ્યા રાખતા જ નથી. ડાબી બાજુ વાળા માટે ગ્રીન સીગ્નલ હોવા છતાં ડાબી બાજુ જવાવાળા જઈ શકતા નથી. ખોટી જગ્યાએ વાહનને ઉભું રાખવું પણ દંડને પાત્ર બને છે.
આ બધા દંડ શા માટે વસુલ થતા નથી?
ટ્રાફીક પોલીસને બે જાતના ક્વોટા હોય છે. દંડની વસુલાતની પરચીનો ક્વોટા અને હપ્તાનો ક્વોટા. હપ્તાનો ક્વોટા તેઓ દબાણ વાળા, છકડાવાળા અને શેર-એ-રીક્ષાવાળા પાસેથી વસુલ કરી લે છે. વધારાની તસ્દી શા માટે લેવી.
ટ્રાફિક સંસ્કાર કેવીરીતે લાવી શકાય?
જો વાહનવાળાઓની અરાજકતા વ્યાપક અને જત્થાબંધ હોય તો ટ્રાફીક પોલીસ વાહનોને અટકાવી પરચી ફાડી દંડ વસુલ ન કરી શકે. ધારોકે તે આમ કરવા જાય તો ટ્રાફીક જામ થઈ જાય. અને કેટલાક માલેતુજાર કે અસામાજીક વાહકો પોલીસ સાથે ચર્ચામાં ઉતરે છે અને ટ્રાફિક પોલીસની તાકાત નથી કે તે દરેકને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ અને ટ્રાફિકને અડચણ કરવા સબબ ફોજદારી સબબ ગુન્હો દાખલ કરે.
સીસી કેમેરાઓઃ
સીસી કેમેરા દરેક રોડ ઉપર અમુક અંતરે અને રોડ ક્રોસીંગ ઉપર લગાવી દેવા જોઇએ. કન્ટ્રોલ રુમમાં જ તેની ઉપર નિરીક્ષણ અને રેકોર્ડીંગ થયા કરવું જોઇએ. સોફ્ટવેર એવું હોવું જોઇએ કે દરેક વાહનની ઓવરસ્પીડ, વાહનના નંબર, અવ્યવસ્થિત ગતિ, વિગેરે દરેક જાતના ટ્રાફિક નિયમના ભંગ રજીસ્ટર થાય અને પ્રીન્ટ-પ્રીવ્યુ રેકોર્ડ થાય.
આ બધાની સાથે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી તે માલિક ઉપર ચલાન બને, સ્પીડ પોસ્ટનું પોસ્ટેજ કવર એડ્રેસ સાથે તેની સાથે પ્રીન્ટ થઈને બહાર આવે. ચલાનમાં ચલાન નંબર આરટીઓ એકાઉન્ટ નંબર અને ચેક અથવા કેશ સ્વિકારનારી બેંકોના નામનું લીસ્ટ પણ હોય, ટાઈમ લીમીટ પણ હોય અને જો નિયમભંગની સાબિતી જોઇતી હોય તો પ્રીન્ટ આઉટ રીપોર્ટ લેવા માટે કેટલા વધારાના પૈસા ભરવા પડશે તે પણ લખ્યું હોય. જો વાહન માલિકે ઈમેલ એડ્રેસ આરટીઓમાના રેકોર્ડમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તો આરટીઓ સ્પીડ પોસ્ટનો પોસ્ટલ ચાર્જ પણ વસુલ કરી શકે.
એક વાહન બીજા વાહન સાથે ભટકાયું હોય તો તે ગુનો પણ નોંધાય અને તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ બદલ તેનું ચલન પણ વાહન માલિકને પહોંચતું થાય. નુકશાની વીમા કંપની પાસેથી જે તે વ્યક્તિ વસુલ કરી લેશે. પણ પોલીસ તો દંડ કરશે જ.
ધારોકે કોઈ ગુન્હાઈત વાહન માલિકે દંડ ન ભર્યો હોય તો ૧૫ દિવસ પછી વધુ દંડની રકમ સાથેનું ચલાન વાહન માલિકને પહોંચતું થાય. ૧૫ દિવસની ત્રણ મુદતમાં જો દંડની રકમ ભરવામાં ન આવે તો તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય. સોફ્ટવેર જ આને રજીસ્ટર કરે અને જ્યારે આ વાહન રોડ ઉપર આવે ત્યારે તેને ઓળખે અને પકડી પાડે અને જે પોલીસવાન પેટ્રોલીંગ કરતી હોય તેને વાહના લોકેશનો સાથેનો વોઈસ મેસેજ આપે.
આ ઉપરાંત આડ ફાયદાઓ પણ થશે જે દબાણો, ગેરકાયદેસર બાંધકામ અને ચોરી ને લગતા હશે. આ સીસી કેમેરા ઠીક ઠીક રીઝોલ્યુશન વાળા અને આછા પ્રકાશમાં પણ કામ આપી શકે તેવા હોવા જોઇશે.
આ પ્રકારની ગોઠવણનો ફાયદો એ થશે કે મોટો ચમર બંધી પણ કાયદાનો ભંગ કરી શકશે નહીં. આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) હેઠળ કોઈ પણ નાગરિક કોઈપણ રોડ ઉપરની ફૂટેજ માગી શકશે અને ટાફીક પોલીસની પાસે તેને કરેલા અને તેણે ભરેલા દંડની વિગતો માગી શકશે. કારણ કે ગુનો, ન્યાય અને દંડની પ્રક્રીયા સાર્વજનિક માહિતિનો વિષય છે. સરકાર તેને છૂપાવી શકે નહીં.
આ બધું જ શક્ય છે. પણ સરકારી અમલદારો આવું સોફ્ટવેર બનવા દેવડાવશે નહીં. તેઓ સીસી કેમેરા ગોઠવશે તે પણ સાદા અને ફુલપ્રુફ ન હોય તેવા સોફ્ટવેર રાખશે જેમાં મોટાભાગનો માનવીય કંટ્રોલ રહેશે. આથી કરીને ચાર રસ્તાઓ ઉપર તમને ગપાટા મારતા અને તમાકુ ચાવતા ટ્રાફીક પોલીસો જોવા મળશે.
આનું કારણ શું?
કારણમાં તો હપ્તાઓની કમાઈનો અભાવ, ટૂંકી દૃષ્ટિ અને અણઘડપણું જ છે.
ફુટપાથો, રોડ રીસરફેસીંગ અને સફાઈના કામોમાં કમાઈ
અમદાવાદમાં જે હશે તે બીજે પણ હશે જ. એટલે આપણે અમદાવાદની જ વાત કરીએ.
અંગ્રેજીમાં મુહાવરું છે કે સ્મોલ ઈઝ બ્યુટીફુલ. પણ જ્યારે તમે લાર્જસ્કેલ ઉપર જાવ ત્યારે સ્મોલ ઈઝ અગ્લી એ બંધબેસતું થાય છે.
શહેર સુધરાઈનું મુખ્ય કામ શહેરને સ્વચ્છ રાખવાનું છે. આ જ તેની પ્રાથમિકતા છે. પણ કમીશ્નર સાહેબો આ કામ ને અંતિમ નંબર આપે છે.
જો શહેરને સ્વચ્છ રાખવું હોય તો શહેરના રસ્તાઓ સમતલ હોવા જોઇએ.
ફુટપાથો પણ સમતલ અને દબાણ રહિત હોવી જોઇએ જેથી
સ્ટ્રોલર (બાબાગાડી) અને વ્હીલચેર ચલાવી શકાય.
અમદાવાદમાં શું છે? તમને ૨૦૦ મીટરની પણ સળંગ ફૂટપાથ મળશે નહીં. જો ગલી હશે તો ગેટ ઉપર ગેટ આવશે અને દરેક ગેટ પાસે ફૂટપાથનો અભાવ રાખવામાં આવશે. એકેએક સોસાઈટી વાળા બે થી ત્રણ ગેટ તો રાખશે જ. વિકસિત દેશોમાં આવું હોતું નથી. ધારો કે ગેટ આવે તો પણ ફૂટપાથ તો અકબંધ જ રહે છે. ફૂટપાથ ફક્ત ક્રોસ રોડ પાસે જ બ્રેક થાય છે. તેમાં પણ સ્ટ્રોલર અને વ્હીલચેર માટે ઢાળ આપવામાં આવે છે.
જો તમે દુકાનદારોને કે લારી ગલ્લાવાળાને ધંધો કરવાની મંજુરી આપી હોય તો તેમણે સ્વચ્છતા જાતે જાળવવી જોઇએ. જો ફૂટપાથો અને ગલીઓના રોડ સમતલ ન હોય તો રોડ યોગ્ય રીતે સફાઈદાર ન થાય.
શહેર સુધરાઈ આવું શા માટે ચાલવા દે છે?
ગલીઓના અને ફૂટપાથના નાના નાના ટેન્ડરો બનાવવામાં આવે છે. નાનું ટેન્ડર એટલે રકમ પણ ઓછી. રકમ ઓછી એટલે મંજુરી પણ નાના અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવી જાય. મોટા અધિકારીઓ મોટા કામમાં ભાગબટાઈ કરે. નાના અધિકારીઓ નાના કામમાં થી કમાણી કરે. નાના કામોની સંખ્યા વધે એટલી મોટા અધિકારીની જવાબદારી ઘટે. એટલી સર્વોચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ઘટે.
કાયદેસર રીતે જોકે આવું નથી. જ્યારે કામ સફાઈદાર ન હોય અને આ વાત વ્યાપક હોય તો બધા જ અધિકારીઓ જવાબદાર બને છે. જેની પ્રાથમિક જવાબદારી છે તેને તો સસ્પેન્ડ કરીને કામ ચલાવીને પાણીચું જ આપવું જોઇએ. તેના ઉપરી અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવો જોઇએ અને તેની પરના અધિકારીના અનિયત કાળમાટે ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ, અને તેની ઉપરના અધિકારીના ત્રણ ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ અને સર્વોચ્ચ અધિકારીને ચેતવણી આપીને પ્રણાલીમાં કેવો ફેરફાર કરીને આનું પુનરાવર્તન અટકાવશે તે જવાબ માગવો જોઇએ.
શહેર સુધારાઈવાળા સફાઈના કામના કોન્ટ્રાક્ટ આપે છે. ટ્રેક્ટર ટ્રેલરવાળા અડધો કચરો ભરે ન ભરે એવું કરે છે. ટ્રેલરને ઓવરફ્લો કરે એટલું જ નહીં, ટ્રેલરના બહારની બાજુના હુક ઉપર પણ થેલાઓ લટકાવે. આવું કરવા પાછળ તેમનો હેતુ મોટેભાગે તેમણે વધુ ફેરા કર્યા છે એમ બતાવી શકાય. જ્યાં શોપીંગ છે ત્યાં તેઓ સફાઈ કરતા નથી. કારણ કે આ જગ્યા તો શોપીંગ રોની સોસાઈટીની માલિકીની હોય છે. ફુટપાથ અને શોપીંગ રો વચ્ચે દિવાલ તો રાખી જ નથી હોતી. એટલે શોપીંગવાળાને દબાણની સુવીધા રહે છે. પાણીપૂરીના લારીવાળા અને પાન તમાકુના ગલ્લાવાળા ને પણ સુવીધા રહે છે. એટલે ગંદકી માટે કોઈની જવાબદારી છે એવું કમીશ્નર સાહેબ જોતા નથી. પણ ગુન્ડા તત્વો અને અધિકારીઓના હપ્તા તો ચાલુ જ રહે છે.
ગલીઓના રસ્તાનું રીસર્ફેસીંગ પણ સફાઈદાર હોતું નથી. તે પણ ગુણવત્તા વગરનું હોય છે. ગલીઓના રી-સરફેસીંગના કોંટ્રાક્ટ પણ નાના હોય છે. તેઓ ફક્ત નામપૂરતી ડામરવાળી કપચી ભભરાવી ગલીનું રીસરફેસીંગ કરી દીધું માને છે. એટલે ખાયકી તો આમાં પણ ફૂટપાથ જેવી જ હોય છે. ગલીની કિનારીઓ અને ગટરના ઢાંકણાવાળી જગ્યા તો તમારા ટાયરને ફાડી નાખે તેમ હોય છે. વચ્ચે જો ટેલીફોન કેબલવાળા કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા કરી ગયા તો તે તમારા સ્કુટરને સ્લીપ કરવા તૈયાર રહે છે. રોડ ઉપર પાઈપ લાઈન ના ખોદાણ કર્યા પછી તેનું રીસરફેસીંગ પણ એવું જ ગુણવત્તા વગરનું અને તે પણ અતિ-વિલંબને અંતે થાય છે.
આ બધાનો શું ઉપાય છે?
હાજી, સીસી કેમેરાઓની જોગવાઈના સોફ્ટવેરમાં એવી જોગવાઈ પણ કરી શકાય કે જે આ બધા સીવીલ કામનું નિરીક્ષણ થાય અને રેકોર્ડ પણ થાય. કોન્ટ્રાક્ટરના કામના બીલ સાથે આની ક્લીપ પણ અધિકારી એટેચ કરે જેમાં સ્પેસીફીકેશન, વર્ક ઓર્ડર, કામચાલુ કર્યાની તારીખ, કામ પુરું કર્યાની તારીખ, અને ચૂકવણા વિષેની માહિતિ આપે. આ બધું શહેર સુધરાઈની વેબસાઈટ ઉપર ઓટોમેટિક આવે. જે નાગરિકને જોવું હોય તે જોઇ લે અને અધિકૃત કોપી જોઇતી હોય તો આરટીઆઈ હેઠળ અરજી કરીને માગે. જો તેને વેબસાઈટ અને અધિકૃત કોપીમાં ફેરલાગે તો તે આ વાત કમીશ્નરને જણાવે અને કમીશ્નર સાહેબ અધિકારી અને કોંટ્રાક્ટરને દંડિત કરે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ શહેર સુધરાઈ, કમીશ્નર, ગલી, રસ્તા, ગેટ, ફૂટપાથ, ગટર, રી-સરફેસીંગ, અધિકારી, હપ્તા, ક્વોટા, કોંન્ટ્રાક્ટર, ગુણવત્તા, સીસી કેમેરા, સોફ્ટવેર, પોલીસ, ટ્રાફીક, ગુન્ડા, દબાણ