Feeds:
Posts
Comments

Posts Tagged ‘સ્પર્ધા’

શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે?

હાજી ઘણા મૂર્ધન્યો અને દંભી માનવ અધિકાર વાદીઓ આવું જ કરવા માગે છે જેથી તેમને ખરીદી શકાય અને પોતાની સંસ્થાનો કારભાર ચાલુ રાખી શકાય.

આમ તો માંદગી અને ગરીબી કોઈને ન ગમે. પણ ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માંદગીની વાતો કરીને અપાર આનંદ મળતો હોય છે. ઘણા પૈસાપાત્ર લોકોનો આ એક શોખ હોય છે કે તેઓ પોતાની માંદગી અને દવાઓની વાતો સંભળાવ્યા કરે. પણ આ બધી માંદગીની વાતોમાં માંદગી ની વાત મૂખ્ય નથી હોતી. તેમાં થતા ખર્ચા પ્રત્યે પોતે કેવા સદ્ધર છે તે બતાવવું મુખ્ય હોય છે. જ્યારે માંદગી અતિગંભીર હોય ત્યારે તેજ વ્યક્તિમાં માંદગીની ચર્ચા કરવાના હોંશ રહેતા નથી.

આવું જ ગરીબીનું છે. ખાધે પીધે બહુ તકલીફ ન હોય તેવા સરખે સરખા લોકો પણ મોંઘવારીની વાતો કરતા હોય છે. પણ જ્યારે પૈસાની અત્યંત તકલીફ હોય ત્યારે તેમને હર્ષપૂર્વક પૈસાની તંગીની વાતો કરવાના હોંશ હોતા નથી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં અને દેશમાં ગરીબી હતી તે સમજી શકાય છે.કારણ કે તેઓ આપણો કાચો માલ દેશમાંથી નિકાલ કરતા હતા અને બનાવેલો માલ દેશમાં લાવીને વેચતા હતા. દેશનો પૈસો બહાર ઢસડાઈ જતો હતો. એ વાત ઉપર ભાર દઈને મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ ચલાવેલ. વિદેશી માલનો બહિસ્કાર કરવાની પણ ઝૂંબેશ ચલાવેલ. વિદેશી માલના બહિષ્કારની ચળવળ તે વખતના ઘણા મૂર્ધન્યોના અને મહાન નેતાઓના સમજમાં ન આવેલ. તેઓના નામ આપવા જરુરી નથી. પણ તેમને અંતે તો એ વાતનો ખ્યાલ આવેલ કે મહાત્મા ગાંધીમાં આજનું, કે કાલનું જ નહીં પણ આવનારા ભવિષ્યના અનેક દિવસોનું દેશનું હિત વિચારવાની દૃષ્ટિ હતી.

ગાંધીજીનું અર્થશાસ્ત્ર એક સાંકળ જેવું છે. તે સાંકળને તમારે સ્વિકારવી હોય તો તેને તમારે આખે આખી સ્વિકારવી જોઇએ. જો તમે આમ કરો તો જ તમને તેના ઉત્કૃષ્ટ ફળ મળે. જો તમે તેની અમુક કડીઓને ન સ્વિકારો તો તે સાંકળ તૂટી જાય અને તમને ઉપયોગી ન જ થાય. તમને ખરાબ પરિણામો મળે અને અંધાધુંધી પણ મળે.

ભૂતકાળની વાત કરવાનો કશો અર્થ નથી. પણ ભૂતકાળની ભૂલોને યાદ ન રાખીએ અને તેને દૂર ન કરીએ તો તેનું પુનરાવર્તન થાય. જો આર્ષ દૃષ્ટિ હોય તો નવી ભૂલો ન થાય.

કુદરતી અધિકાર શું છે?

જીવવાનો અધિકારઃ મારો, તમારો અને સૌનો. સૌનો એટલે વધુ વિશાળતાથી અને પરિપક્વ સંવેદનાથી વિચારીએ તો પશુ, પક્ષીઓ, જીવ, જંતુઓ  અને વનસ્પતીઓ પણ આવી જાય. જોકે પ્રાથમિકતા મનુષ્યના જીવવાના અધિકારની આવે છે. બને ત્યાં સુધી મનુષ્ય સમાજને આપત્તિ ન આવે ત્યાં સુધી બીજા સૌ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. તેથી મનુષ્ય જાતિએ સજીવોના જીવવાના અધિકારને રક્ષવો જોઇએ.

આનંદનો અધિકારઃ મારો તમારો અને સૌનો. પણ મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આનંદ માટે ખોરાક છે અને ક્યાં ક્યાંક ખોરાક અને પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ્‌.

અયં નિજઃ (અયં) પરઃ વેત્તિ, ગણના લઘુચેતષામ્‌

ઉદારચરિતાનાં, તુ વસુધૈવ કુટુંબકમ્‌

(આ મારો છે, આ પારકો છે, આવું જે વિચારે છે તે સંકુચિત મન વાળો છે. જેનું મન વિશાળ છે તેને માટે તો આખી ધરતી ઉપરના સૌ કોઈ કુટુંબીજન છે.)

સુરક્ષા અને જ્ઞાનઃ

મનુષ્ય એક એવું પ્રાણી છે જે વિશ્વ અને તેમાં બનતા બનાવો વિષે વિચારે છે. અને તેને સમજવાની કોશિસ કરે છે.

એટલે મનુષ્યને માટે બીજી બે વસ્તુઓ છે જે તેને આનંદ આપે છે.

(૧)સગવડ અને સુરક્ષિતતા, (૨) જ્ઞાન.

સગવડ અને સુરક્ષિતતા માં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય. અને જ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન આવી જાય.

સગવડ અને સુરક્ષિતતા માટે માનવ સમાજે કાળક્રમે ઠેરવ્યું કે રાજ્ય આનું ધ્યાન રાખશે જેથી સમાજમાં સુલેહ શાંતિ જળવાઈ રહેશે. અને જ્ઞાન (શિક્ષણ) પણ જો સમાજ આપશે તો તેની વૃદ્ધિમાં વેગ આવશે. કારણ કે ફક્ત વિચારો કરવાથી વિશ્વને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને તેમાં વૃદ્ધિ થઈ શકતી નથી. તેને માટે બીજા જ્ઞાનીઓની મદદ લેવી પડે છે. ઉપકરણોની પણ જરુર પડે છે.

જ્ઞાન માટેના ઉપકરણોનો પણ વિકાસ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો આપણી સુખ સગવડો અને સુવિધાઓ વધારવા માટે પણ વાપરી શકીએ છીએ. થયું એવું કે આ ઉપકરણોનો મોટાભાગનો ઉપયોગ સુખસગવડો અને સુવિધાઓ વધારવા માટે થયો.

એવી જાતની સમાજ રચના મંજુર રાખી કે જેમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહ્યો અને કાયદાઓ પણ એવા થયા કે જે મનુષ્યેતર પ્રાણી સૃષ્ટિમાં અલિખિત રુપે ચાલે છે કે જે પ્રાણી સક્ષમ હશે તે જ ટકી શકશે એટલે કે સક્ષમ પ્રાણીની પ્રજાતિ જ જીવન રુપી આનંદ મેળવી શકશે.

મનુષ્ય સૃષ્ટિમાં પણ એવું થયું કે જે સક્ષમ હશે તે જ સુખસગવડ ભોગવી શકશે. કાયદાઓ પણ ક્ષતિયુક્ત એવા થયા કે સિદ્ધાંત એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતાને હાની થશે નહીં, સિવાય કે તેની સ્વતંત્રતા ભોગવવાની પદ્ધતિથી બીજાના અધિકારને નુકશાન થતું હોય.

ક્ષતિયુક્ત અર્થઘટનો અને પ્રણાલીઓ

તમે જુઓ સેંકડો ઉદ્યોગો પર્યાવરણના સંતુલનને, જમીનને, જળને  અને હવાને નુકશાન પહોંચાડી આસપાસના લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તમારે ઉદ્યોગ કરવો હોય તો હજાર જાતની મંજુરીઓ લેવી પડે છે. અને આ મંજુરીઓ પણ હંગામી હોય છે. જે તમારે બે પાંચ વર્ષે ફરીથી મંજુર કરાવવી પડે છે. આવું હોવાં છતાં જમીન, પાણી અને હવા દુષિત કર્યા કરવામાં આવે છે.

દુષિત હવા, પાણી ઉપર જીવનારાઓના આરોગ્ય ઉપર જોખમાય છે. તેમના જીવવાના હક્કને હાની પહોંચે છે. પણ આરોગ્ય ખાતું ઉદ્યોગપતિની ધરપકડ કરીને જેલમાં પૂરીને સજા નક્કી કરાવવાને બદલે તેને નોટીસ આપે છે અને કાર્યવાહી પ્રલંબિત કરે છે. જ્યાં સુધી કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી કશું અસરકારક થતું નથી. આમાં આરોગ્ય ખાતાના સરકારી નોકરો, પોલીસ, લેબર કમીશ્નર, ન્યાયાલય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત હોય છે.

ઉદ્યોગપતિ શામાટે માનવીય આચાર સંહિતાનો ભંગ કરે છે?

ઉદ્યોગપતિ સમજે છે કે સક્ષમ બનવું એટલે વધુ પૈસા કમાવા અને વધુ પૈસા વાપરવા. પૈસા હશે તો કાયદાના અર્થઘટનોમાં ગુંચવાડો ઉભો કરી શકાશે. પૈસા હશે તો સરકારી નોકરો પાસે કાયદાકીય પ્રણાલીઓમાં છીંડા ઘુસાવી, દંડમાંથી છટકી શકાશે. પૈસા હશે તો પ્રતિસ્પર્ધીઓની સામે ટકી શકાશે. એટલે જો પૈસા કમાવા હોય તો વધુ ને વધુ નફો કરો. વધુ નફો કરવાના અનેક અમાનવીય રસ્તાઓ છે.

પૈસાનું મહત્વ અને સમસ્યાની સ્થિતિ “જૈસે થે” જેવી

સુખસગવડ અને સુવિધાઓ અને પૈસા કેટલા વધારવા જોઇએ તેની કોઈ કાયદાકીય સીમા નથી. કારણ કે આવી સીમા વ્યક્તિની સ્વતંત્રતાને હાની પહોંચાડે છે. કાયદાનો જે ભંગ થાય છે તેને અટકાવવા તો પ્રજાએ જ જાગૃત થવું પડશે. કાયદો કાયદાનું કામ કરે તે પ્રજાએ જોવું પડશે. સરકારી નોકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ નહીં કરે કારણ કે તેઓ પણ પ્રજામાંથી જ આવે છે. એટલે ઓળાઘોળ કરી સમગ્ર પ્રજા ઉપર દોષનો ટોપલો નાખી પ્રસાર માધ્યમના વિશ્લેષકો, મૂર્ધન્યો, વિવેચકો, રાજનીતિજ્ઞો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે. એટલે મૂળવાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહે છે.

જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ હોય તો કોઈપણ પ્રણાલી કામ કરશે. પણ જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ નહીં હોય તો કોઈ પણ પ્રણાલી કામ કરી શકશે નહીં. આનો જીવતો જાગતો દાખલો માહિતિ અધિકારને લગતો છે. કાયદો તો ભૂલભૂલમાં થઈ ગયો. પણ હવે તેને કેવી રીતે તદન નહોર વગરનો કરવો અને તે પણ રાજકીય પક્ષો માટે, એ આપણે જોઈ રહ્યા છીએ.

પણ આનો ઉપાય શું?

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું મૂલ્ય

આનો ઉપાય છે. બે ઉપક્રમ છે.

એક તો ઓછીને ઓછી દોષયુક્ત સરકાર લાવ્યા કરવી. અને શ્રમનું મહત્તમ અને લઘુતમ મૂલ્ય નક્કી કરવું.

નહેરુવીયન કોંગ્રેસ સરકારે ૫૬+ વર્ષના શાસન પછી પણ શ્રમનું લઘુતમ અને મહત્તમ મૂલ્ય કે કોઈપણ મૂલ્ય નક્કી કર્યું નથી. જો માનવીય શ્રમનું જ મૂલ્ય નક્કી થતું ન હોય તો બીજા ઉત્પાદનના મૂલ્યોની તો વાત જ શી થાય?

કોલસાના ક્ષેત્રો અપાયા અને શરતો નક્કી થઈ પણ તે ક્ષેત્રો એવી વ્યક્તિઓને અપાયા જેની કોઈ યોગ્યતા ન હતી. અને આ ક્ષેત્રો એ વ્યક્તિઓ દ્વારા બારોબાર વેચાઈ ગયા. કોલસો નિકળ્યો નહીં અને ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં પણ કોલસાની આયાત કરવાની પરવાનગીઓ આપવામાં આવી. ૨-જી સ્પેક્ટ્રમ જે માટે વધુ તકનિકી જાણકારીની યોગ્યતા ખાસ જરુરી હતી પણ એવી પૂર્વ શરત રાખવામાં ન આવી અને ટોમ-હેરી-ડીકને વહેંચી દેવામાં આવી અને તેમણે બારોબાર ત્રીજાને વેચી દીધી.

 શું કાયદામાં આવી જોગવાઈ છે કે તમે મનફાવે તેમ ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકો? નાજી આવું કશું નથી. આમ તો મૂડીવાદી પ્રક્રિયામાં જો ટેન્ડર બહાર પાડો ત્યારે તેને ભરનારાની યોગ્યતા નક્કી કરવી પડે છે. તેનો અનુભવ લક્ષમાં લેવો પડે. તેની પાસેથી બાનાની રકમ લેવી પડે. અને આ બધું કર્યા પછી પણ આવેલા ભાવ જો બજારભાવ સાથે સરખામણી કરવા યોગ્ય ન હોય તો એને સ્વિકારી શકાતા નથી. વળી જો આવા જ કામ માટે એક વરસ પહેલાં ભાવ મગાવ્યા હોય અને તે ભાવનું ટેન્ડર અમલમાં હોય તો પણ સરકારી અધિકારી તે ભાવને મંજુર ન કરી શકે કારણ કે બજારભાવ જો ઓછા કે વધુ થઈ ગયા હોય તો જનતાનું હિત જળવાય તે પ્રમાણે ભાવ મંજુર કરવા જોઇએ. આ તો બહુ સામાન્ય સિદ્ધાંત છે. જો કોઈ સરકારી અધિકારી આ નિયમને અવગણો તો તે ગુનેગાર જ ગણાય. પણ આપણા મનમોહન સિંહ કે જેઓ દરેક ખાતા માટે ઉત્તરદેય અને જવાબદાર છે તેમણે સામાન્ય નિયમની પણ અવગણના કરી.

અધિકારીને પોતાના હોદ્દા અનુસાર કામ અને વસ્તુઓના સંપાદન-વહીવટ કરવા માટે આર્થિક સત્તા હોય છે પણ આ સત્ત્તા મનફાવે તેમ ઉપયોગ કરવાની હોતી નથી. આ સત્તા શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના આધારે વાપરવાની હોય છે.

આખરે બધી સત્તા પ્રધાન અને વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળ પાસે હોય છે. આ સત્તા થકીના નિર્ણયો પણ શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના  આધારે કરવાના હોય છે. વડાપ્રધાન પાસે એવી સત્તા નથી કે તે તેના કોઈ પ્રધાનને મુનસફ્ફી પ્રમાણે નિર્ણયો કરવાની સત્તા આપી શકે. જો વડાપ્રધાન આવી સત્તા આપે તો ગેરબંધારણીય ગણાય. વડાપ્રધાન તેની બંધારણીય જવાબદારીમાંથી છટકી ન શકે. વળી જો તેના પ્રધાને શુદ્ધબુદ્ધિ અને વિવેકશીલતા વાપર્યા વગર નિર્ણય કર્યો હોય તો તેવા કિસ્સામાં વડાપ્રધાન પણ તે પ્રધાન જેટલો જ ગુનેગાર ગણી શકાય. જે કાર્યવાહી અને સજા પ્રધાનને થાય તેજ કાર્યવાહી અને સજા વડાપ્રધાનને થાય. આમાં કોઈ શક નથી. ૨-જીમાં અને કોલસા કૌભાંડમાં દિવા જેવી સ્પષ્ટ ગેરરીતિ થઈ તો પણ વડાપ્રધાનને આંચ ન આવી તે જ બાબત સિદ્ધ કરે છે કે અર્થઘટનમાં બેઈમાની આચરવામાં આવી. એટલે કે પ્રણાલી પોતે ક્ષતિહીન હોવા છતાં પણ પ્રણાલીને લાગુ કરવાની બાબતમાં રહેલી આચાર હીનતાને સમાચાર માધ્યમોએ અને સૌ કોઈએ વિવાદાસ્પદ બનાવી દીધી.

કામમાં રહેલા શારીરિક શ્રમના વપરાશ, જ્ઞાનરુપી શ્રમના વપરાશનું મૂલ્ય કેવી રીતે નક્કી કરશો?

પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે માણસને સુખ સગવડ, આનંદ અને સુરક્ષા સહિત જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઇએ. આના આધારે મનુષ્યના આઠ કલાકના કામના શ્રમનું લઘુતમ મૂલ્ય નક્કી કરવું જોઇએ.

માણસને શું શું જોઇએઃ

રહેવાને ઘર જોઇએ. કેવડું ઘર જોઇએ? એક બેઠક રુપ, એક બેડરુમ, એક વાચન અને બાળકો માટેનો રુમ. એક મહેમાન માટેનો બેડ રુમ, રસોડું બાથરુમ અને સંડાસ. જો તમે સ્ટન્ડર્ડાઈઝ બાંધકામ કરો તો ૧૫’બાય૧૫’ ના ચાર રુમમાં બધો સમાવેશ થઈ જાય. એટલે કે ૧૦૦ ચોરસ મીટરનું મકાન (ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ) જોઇએ. જો કોઈની પાસે આનાથી નાનું હોય તો તેના હાલના ઘરનો કબજો લઈ તેને સરકારે આવડું એપાર્ટમેન્ટ આપવું જોઇએ.

જો તમે ફેબ્રીકેટેડ ટાવર (બહુમાળી મકાન) બનાવો તો ઉપરોક્ત રહેઠાણ ઓછામાં ઓછું ૧૦ લાખ રુપીયામાં પડે. આમાં દિવાલો અને પેસેજ આવી જાય. સરકાર ફક્ત બહારની દિવાલો સાથે ૧૫’x૧૫’ ના ચાર ગાળાઓ જ આપશે.

એક કુટુંબમાં કોણ કોણ હોઈ શકે. પતિ પત્ની, બે બાળકો, અને માતા પિતા. પતિ-પત્ની બંને કમાતા હશે. અને માતા પિતાને પેન્શન આવતું હશે.

એક વ્યક્તિની આવક કેટલી હોવી જોઇએ? એક વ્યક્તિની માસિક આવક ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦/- હોવી જોઇએ. એટલે એક કુટુંબની આવક રૂ.૩૦૦૦૦/- થઈ.

જોકે ઘણાને આ આવક વધારે પડતી લાગશે. પણ સુખપૂર્વક અને આનંદથી જીવવા માટે આ કંઈ વધારે ન જ કહેવાય. વળી આમાં પણ કામ પર જવા માટેના વાહનવ્યવહાર, માંદગીનો ખર્ચ અને ભણતરનો ખર્ચ સરકાર કે કામ આપનાર માલિક જ ભોગવશે.

પણ આટલા પૈસા લાવીશું ક્યાંથી?

ભારતમાં કુદરતી શ્રોતોની કમી નથી. માળખા કીય કામ તો ન બરાબર છે. આપણી પાસે વૃક્ષ વગરના પર્વતો છે. અફાટ સમુદ્ર છે. બાંધેલા કિનારા વગરની (રીવર ફ્રન્ટ વગરની) નદીઓ છે, કે જેમાંની ઘણી છીછરી છે, ઝોંપડ પટ્ટીઓ છે, પડું પડું થતા જુના મકાનો છે. સુકા, છીછરા બાંધ્યા વગરની કિનારી વાળા તળાવો છે, ન ખતમ થાય તેવી સૂર્ય અને પવન ઉર્જા છે, અફાટ રણ છે. રેલ્વે અને રસ્તાની બંને બાજુએ જોવા મળતા, વપરાયા વગરના જમીનના ટૂકડાઓ છે. વિકસાવ્યા વગરના અને વિકસાવી શકાય તેવા અગણિત પર્યટન સ્થળો છે. પોતાના પૂરથી લોકોને તબાહ કરતી નદીઓ અને સાથે સાથે મોટેભાગે કાયમ સૂકી રહેતી નદીઓ છે. પાણીની તંગી છે, જનતા ટ્રેનોમાં દબાઈને લટકીને મુસાફરીઓ કરેછે, ભણેલા બેકાર છે અને કામવગરના અભણ પણ છે. અનેક સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં જોઇએ તો સમસ્યા એ પણ એક શ્રોત(કાચોમાલ)  અને કામ છે. વિજ્ઞાન ના વિકાસ માટે અસીમિત કામ છે. જ્યાં નજર દોડાવો ત્યાં કામ અને કામ છે.  એટલે જો કોઈ એમ કહે કે કામ નથી તો તે સૌથી મોટું જુઠાણું છે અથવા તો તે જૈસે થે ની સ્થિતિ ચાલુ રાખવામાં માને છે એટલે કે ભાગ લેતો કે ન લેતો જાણે અજાણે ઠગ છે.

તમે કહેશો કે કામ માટે પૈસા જોઇએ. પૈસા ક્યાં છે? પણ અર્થ શાસ્ત્રીઓ કહે છે કે કામની સામે તમે કરન્સી છાપી શકો છો. અને જેમ કરન્સીની પ્રવાહિતા વધે તેમ ઓછી કરન્સી જોઇએ. એક માણસની પાસે રહેલા ૧૦૦ રૂપીયા, જો ફરતા રહે તો કમસે કમ ૫૦૦૦ રૂપીયાનું કામ કરી શકે. વળી તમે જુઓ, વિદેશી બેંકોમાં ભારતીયોના ચારસો લાખ કરોડ રૂપીયા પડ્યા છે. આ બધા રૂપીયા આવ્યા ક્યાંથી?

શ્રમનું મહત્તમ મૂલ્ય કેટલું રાખવું જોઇએ?

આમ તો મારા સર્વોદયી મિત્ર બંસીભાઈ પટેલ ના કહેવા પ્રમાણે થોડી અસમાનતા તો રહેવાની જ. પણ આ અસમાનતા સંવાદહીન  બને તેટલી ન જ હોવી જોઇએ. એટલે કે હાથની આંગળીઓની જેમ અલગ અલગ તથા હળીમળીને પણ કામ કરી શકે તેટલી અસામનતામાં ખાસ વાંધો નથી. વ્યક્તિઓ સંવાદહીન કેવી રીતે બને છે. એકલતા (આઈસોલેશન) માણસને સંવેદનહીન પણ કરે છે. પહેલાંના સમયમાં જીવનની મોટાભાગની જરુરીયાતો માટે ગામ સ્વાવલંબી હતા એટલે ભાવો વધતા ન હતા. હવે માણસ આઈસોલેટેડ બન્યો હોવાથી સંવેદનહીન બન્યો છે. વસ્તુનું મૂલ્ય, લેનારની ગરજ અને વેચનારની ગરજના પરિણામી સ્વરુપ ઉપર આધાર રાખતું થયું છે. આનું એક શાસ્ત્ર તૈયાર થયું છે. વેચાણ વૃદ્ધિ પ્રબંધન શાસ્ત્ર. અને તેની સામે ઉપભોગતા હિત પ્રબંધન શાસ્ત્ર. અને આ બે બિલાડીઓને ન્યાય આપનાર સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલ વાનર ન્યાય પ્રબંધન પ્રણાલી છે.

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું? મૂલ્ય કોની ગરજ વધારે છે?

ટૂંકમાં જો તમે મહત્તમ શ્રમ મૂલ્ય નક્કી કરો તો ગેરમાર્ગે જતી કરન્સીની સ્થગિતતાને કે ગેરમાર્ગે જતી કરન્સીની પ્રવાહિતાને નાથી શકો છો અને તેને યોગ્ય દીશામાં વાળી શકો છો.

એટલે કે સમસ્યાની મૂળ વાત એ છે કે શ્રમનું મહત્તમ મૂલ્ય શું હોવું જોઇએ?

આ નક્કી કરવા માટે કેટલાક પરિબળોને લક્ષ્યમાં લેવા પડે.

કોણ લૂંટ કરે છે? અને કોને અમાપ પૈસા જોઇએ છે?

ઉત્પાદન કરનારા માલિઓને વધુને વધુ નફો જોઇએ છે કે જેથી તેઓ ધંધાનો વિકાસ કરી શકે અને સુખ સગવડો પણ ભોગવી શકે અને તેમના સંતાનો પણ આમ જ કરી શકે. તેઓ સંતાનોને તેની આવતી પેઢીઓને પણ નિશ્ચિંતતા બક્ષી શકે એટલું કમાવા માગે છે.

માણસે કેટલો નફો કરવો જોઇએ?

જો તમે ધંધો કરતા હો તો, આયકર વિભાગવાળા તમારી આવક ઉપર ૮ ટકા નફો તો ગણી જ લે છે. તમે કહેશો કે જો પૈસા ઉપર વરસે ૧૦ ટકા વ્યાજ મળતું હોય તો ૮ ટકા વાળો ધંધો કરશે જ કોણ?

પણ વાસ્તવમાં જો તમારી પાસે રૂ. ૧૦૦ હોય અને તમે તેને ઉત્પાદનમાં પ્રવાહિત કરો તો તમને ૮ ટકા મળે છે. એટલે તમારી ધંધાકીય સીમાની અંદર ભલે તે પ્રવાહિતા સમગ્ર દેશના પૈસાની પ્રવાહિતા જેવી એટલે કે ૫૦ ગણી ન હોય. પણ તે ૪ ગણી તો હોય જ. એટલે કે રૂ.૧૦૦૦ ના ટર્નઓવર ઉપર ઉત્પાદકને ૮૦ રૂપીયા મળે.

કરન્સીની પ્રવાહિતતા ચાર ગણી કઈ રીતે?

આપણે કેટલા માનવ દિન વપરાય છે તે જોઇએ

૧      માનવ અને કાચામાલ નું પ્લાનીંગ અને હેરફેર       ૫

૨      કામનું પ્લાનીંગ અને કામની વહેંચણી                ૧

૩      કામ ચાલુ   ૧૨x૭                                  ૮૪

૪      કામની ચકાસણી                                       ૭

૫      કામનું બીલ અને તેની ચૂકવણી માટે રજુઆત        ૧

( ૬ દિવસ બીલની ચૂકવણીની રાહ જુઓ)

કુલ દિવસ મજુર દિવસ                                    ૯૬ દિવસ

આમાં ૧૨ દિવસ મુકાર્દમના છે, જેમાં ૫ દિવસ મજુરની ગોઠવણના છે. ૬ દિવસ કામની દેખરેખના છે. ૧ દિવસ રજાનો છે. બાર મજુરો એક અઠવાડીયા માટે અને એક દિવસ રજાનો એટલે ૧૨ મજુરો સાત દિવસ માટે એમ ચુકવણી માટે ૮૪ દિવસ થયા.

મેનેજરના બે દિવસ છે. અને ૧૨ માનવ ના અઠવાડીયાના લેબર ૮૪ દિવસ છે.

આ વધુમાં વધુ સમય છે. ૧૨+૨ =૧૪ દિવસ અનુત્પાદક અને વહીવટી કામમાં ગયા. જે બીજા કામોમાં વપરાઈ શકે છે. તો પણ ૧૪ એટલે કે ૧૭ ટકા માણસો નિરીક્ષણ અને નિપૂણતામાં રોક્યા. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તે ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે. જે મેનેજર છે તે બુદ્ધિનો ઉપયોગ સુવાના સમયને બાદ કરતાં બધા સમય માટે કરે છે. છતાં આપણે સમજો કે તે ૧૫ કલાક કામ કરે છે.

એટલે જો લેબરને ૧૦ હજાર મળે તો નિરીક્ષકને ૨૦ હજાર સુધી આપી શકાય. મેનેજરને ૪૦ હજાર આપી શકાય. જનરલ મેનેજરને ૬૦ હજાર આપી શકાય. અને પ્રમુખ મેનેજરને ૮૦ હજાર સુધી આપી શકાય. જેમણે પૈસા અને સાહસ રોક્યાં છે તેમને એક લાખ રૂપીયા આપી શકાય અને તેની ઉપર નફો પૈસા રોકાણકર્તાઓમાં વહેંચી શકાય. 

ધારો કે સ્ટેજ હજી એક વધુ છે તો ૧૭ ટકાના ૧૭ ટકા એટલે કે ૧ ટકો જનરલ મેનેજરનો ઉમેરાય. એટલે કે ૧૮ ટકા માનવ શક્તિ થાય. એટલે કે ૨૦ ટકા સમય વહીવટી કામમાં ગયો. આ ગાળો સમયનું પ્રબંધન યોગ્ય રીતે કરીને ઘટાડી શકાય છે. જો કામ મોટું હોય તો પણ આ પ્રમાણ ઘટે. એટલે કે જેમ સંસ્થા મોટી તેમ વહીવટ ખર્ચ ઘટે અને પગાર સારો આપી શકાય.

જોકે સરકારના ધારાધોરણ અલગ છે. સરકાર જો પોતે કોઈ એક કામ કોન્ટ્રાક્ટ ઉપર લે અને બીજાને તે જ કામ સબકોન્ટ્રાક્ટ આપે તો તે વ્યક્તિગત કેસમાં સરકાર, ૪૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે અને અને સબકોન્ટ્રાક્ટરને ૬૦ ટકા આપે. પણ જો તે કોઈ સંસ્થાને આ કામ આપે તો તેને ૮૦ ટકા આપે. અને ૨૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે.

કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કમાણી કરી શકે? કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલા મોટા ઘરમાં રહી શકે?

જો કમાણીમાં નીચેની સીમા હોય તો ઉપરની સીમા પણ હોવી જોઇએ.

માણસની શ્રમ મૂલ્ય ઉપર આધારિત કમાણી માસિક એક લાખ કરતાં વધુ ન હોવી જોઇએ. જો કે આ એક લાખમાં ઘરનું ભાડું, કામ અર્થે કરાતો વાહનવ્યવહાર, દૂરસંચાર, વીજળી, પાણી, કુકીંગ ગેસ, ફર્નીચર અને રસોઈના ઉપકરણોનો સમાવેશ ન થવો જોઇએ. એટલે કે નોકરીની શરતોમાં આ સગવડ મફતમાં મળતી હોય તો તેને આવકમાં ન ગણવી જોઇએ. તેવીજ રીતે જેને આ સગવડો મફતમાં ન મળતી હોય તેની આવકમાં તેને કર ઉપર આવકના ૨૦ટકાની કર રાહત મળવી જોઇએ. પણ કરમાળખાની વાતો પછી કરીશું

એક માણસ મોટામાં મોટું કેવડું ઘર રાખી શકે અને વાપરી શકે?

એક માણસને બે એન્ટ્રી રુમ, એક બેઠક ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક ચર્ચા ખંડ, એક વાચન ખંડ, એક પુસ્તક ખંડ, એક લેખન ખંડ, એક શયન ખંડ, તેના બે બાળકો માટે એક એક ખંડ, ત્રણ મહેમાન ખંડ, તેના માતા પિતા માટે બે ખંડ, બે કિચન ખંડ, બે ભોજન ખંડ, બે પ્રસાધન ખંડ, એક વ્યાયામ ખંડ, એક ઉપાસના ખંડ, એક સફાઈ ખંડ – વોશરુમ (ત્રણ વોશીંગ મશીનો અને ત્રણ ડીશ વોશર મશીનો), એક એસી રુમ, ત્રણ ગેરેજ, ત્રણ ગેલેરી. આમ ૨૪ રુમ થયા. ત્રણ ગેરેજ અને ત્રણ ગેલેરી એ ત્રણ દીશા ખુલ્લી હોય એવા એપાર્ટમેન્ટની આ વાત છે. પાંચ માળથી કોઈ ઓછામાળ વાળું મકાન બાંધવાની છૂટ્ટી ન હોવી જોઇએ. અને પાર્કીંગ ની સગવડ ફ્રન્ટ યાર્ડ કે બેક યાર્ડમાં ન હોવી જોઇએ. પાર્કીંગ મકાનની અંદર જ હોવું જોઇએ.ગેસ્ટકાર પાર્કીંગ પણ મકાનની અંદર જ હોવું જોઇએ.

આ મહત્તમ વ્યક્તિગત મકાનની વાત થઈ.

કોઈ કંપની તેના કામદારને મોટામાં મોટું કેવડું મકાન ભાડે આપી શકે?

એક પ્રવેશ ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક બેઠક ખંડ, એક ચર્ચા ખંડ, એક શયન ખંડ, એક સંતાન શયન ખંડ, એક મહેમાન ખંડ, એક કીચન, એક સફાઈ ખંડ, એક પ્રસાધન ખંડ, એક ગેલેરી, બે કાર પાર્કીંગ. એટલે કે ૧૦ ખંડ ગેલેરી અને કાર પાર્કીંગ થયા. બધા ખંડ ફુલ્લી ફર્નીશ્ડ રહેશે. નવા આગંતુકને કિચન નવું ફર્નીશ્ડ મળશે. પણ બીજા બધા રુમ માં ફક્ત કવરો જ બદલાવીને અપાશે. કંપની કે સરકાર બે કાર આપશે અને બે શોફર આપશે.

ખંડનું કદ કેટલું  રહેશે?

કોઈ પણ ખંડ ૧૫’ બાય ૧૫’ થી મોટો એટલે કે ૨૫ ચોરસ મીટર થી મોટો નહીં હોય. ૧૫’x૧૫’ ના ગાળાઓ જ આપાશે. તેને તમે એક વખત માટે મરજી પ્રમાણે વિભાગો પાડો. આમાં ફેરફાર કરાવવો હશે તો તેનો ખર્ચ કંપની કે સરકાર આપશે નહીં.

આથી મોટું રહેઠાણ કોઈને પણ ન તો સરકાર કે ન તો કંપની ભાડે આપી શકશે. એટલે કે કોઈને સ્વતંત્ર બંગલો મળશે નહીં. સંકુલમાં જ એપાર્ટમેન્ટ આપી શકાશે. આ સંકુલો બધી રીતે સુરક્ષિત હશે. આ પ્રમાણે, મોટા સરકારી અફસરો, પ્રધાનો, પ્રમુખો, ગવર્નરો, વિગેરે સૌ કોઈ આથી મોટા મકાનોમાં રહી શકશે નહીં. 

હવે બીજી વાત ને જોઇએ.

એક નિપૂણ કારીગર છે.

તે ૩૩.૩૩ ટકા માલની કિમત ઉપર મજુરી લે છે. તે રૂપીયા ૧૦૦૦૦/- ના કાચામાલ ઉપર ૩૩૩૩ રૂપીયા મજુરી લે છે.

એટલે કે બની ગયેલી આઈટેમની કિમત ૧૩૩૩૩ ઉપર મજુરીની કિમત ૩૩૩૩/- થઈ.

આ કામ તેણે ત્રણ દિવસમાં કર્યું. આમાં તેને એક મદદનીશ રાખવો પડ્યો. નિપૂણ કારીગરનો રોજ રૂ. ૧૧૧૧ થયો.

તેણે તેના મદદનીશને ૧/૩ ભાગ આપ્યો. એટલે કે મદદનીશનો રોજ ૩૭૦.૩૩ થયો. ૨૫ દિવસની તેની આવક ૨૫ ગુણ્યા ૩૭૦.૩૩ થઈ. એટલે કે રૂ. ૯૨૫૮.૩૩ થઈ. આને ૧૦ હજાર કરવા માટે ૭૪૨ ઉમેરવા પડે.

રૂ. ૧૩૩૩૩ માં ૭૪૨ ઉમેરો એટલે કે ૧૪૦૭૫ પાકા માલની કિમત થઈ. આમ પાકામાલની કિમતમાં લઘુતમ વેતન લાગુ પાડવા માટે માલની કિમતમાં સાડા પાંચ ટકાનો વધારો કરવો પડે. આ એક ટેબલ કે શેટી બનાવવાની વાત છે. જે હાલના બજાર ભાવ પ્રમાણે છે.

નિપૂણ કારીગરને શું મળે છે?  નિપૂણ કારીગરને રૂ. ૨૨૨૨/- ત્રણ દિવસના મળે છે. પણ તેનો એક દિવસ ગણત્રી કરવામાં, પ્લાનીંગ કરવામાં, મજુર નક્કી કરવામાં, લાકડું લાવવામાં ગયો. એટલે કે તેના ચાર દિવસ ગયા. તેને જે ૨૨૨૨ મળ્યા તેને ૪થી ભાગવા પડશે. એટલે કે તેને રૂ. ૫૫૫.૫ નો રોજ મળ્યો. એટલે કે માસિક ૧૩૮૮૮ મળ્યા કહેવાય. આ નિપૂણ કારીગર સમયનો પ્રબંધ યોગ્ય રીતે કરીને રૂ. ૧૫૦૦૦ કમાઈ શકે. જો તે ત્રણ કારીગર રાખે તો એક દિવસમાં કામ પૂરું થાય. તે દરેક કારીગરને ૩૭૦ લેખે ૧૧૧૧ રૂપીયા આપે. તો તેને પોતાને ૨૨૨૨ મળે. અને તેનો એક દિવસ માલસામાનની ગણત્રી અને હેરફેરમાં ગયેલ. એટલે તેને રોજના ૧૧૧૧ મળ્યા કહેવાય. એટલે કે ૨૫ દિવસના એને ૨૭૭૭૫ રૂપીયા મળ્યા. એટલે કે મહિનાના ૨૭૭૭૫ રૂપીયા મળ્યા.

પણ આ દરેક માટે હમેશમાટે શક્ય નથી. કારણ કે એવા પણ દિવસો આવે કે મજુર કારીગરને કામ ન પણ મળે. જો સરકાર એક નિરીક્ષક અને કામની વહેંચણીની એજન્સી તરીકે વ્યવસ્થા ગોઠવે તો છૂટક કામોમાં મજુરોને અને નિપૂણ મજુરોને કારીગરોને ફાયદો થાય. સરકાર ગુણવત્તાના ધોરણો નક્કી કરે તો ઘરેલુ કામોમાં કારીગરોને આજના બજાર પ્રમાણે પણ ફાયદો થાય. કારણકે મજુરોના પડતર દિવસો ઘટે.

આળસુ અને હળવા કામ જ પસંદ કરવાવાળા માણસોનું શું કરવું?

પાથરણા વાળા, લારી વાળા, સાવરણાવાળા, કોથળાવાળા, પૉલીશવાળા, અર્ધ ભિક્ષુકો અને પૂર્ણ ભિક્ષુકો જેવા લોકોને કેવી રીતે ઉંચા લાવવા?

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ લોકો મહેનત કરવા માગતા નથી. જેઓ સાવરણાવાળા/ળી કે કોથળાવાળા/ળી છે તેમને પાવડા-ત્રીકમ ઉઠાવવા ગમતા નથી. જેઓ વેચાણ વાળા પાથરણાવાળા અને લારીવાળા છે તેમને પણ પોતાનું મહેનત વગરનું કામ બહુ ગમે છે. તેમને કોઈ આકાંક્ષા નથી, સિવાય કે વગર મહેનતે જે કંઈ પાંચ દશ પચીસ રુપીયા મળે તે તેમને પુરતું લાગે છે.

આમાંના જેઓ પરપ્રાંતના હોય છે તેઓ પાર્ટટાઇમ આ ધંધો કરે છે. અથવા તો કોઈ દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. જેઓના માબાપ અભણ છે તેમના અભણ સંતાનો પણ આ કામ કરીને માબાપને મદદરૂપ થાય છે. આ લોકો દ્વારા મોટા ભાગે ફેક્ટરીઓનો રીજેક્ટેડ કે ચોરેલો માલ વેચાય છે. તેઓ ફેક્ટરીઓના કે વેપારીઓના અર્ધકામગાર હોય છે. તેમને આ મહેનત વગરની નોકરી પસંદ હોય છે. અમુક રોંજીન્દી આઈટેમો દુકાનવાળાઓ, ફેક્ટરીવાળાઓ કે કબાડીઓ પાસેથી રોકડે કે ઉધાર લેવી, અને પછી તેને ફેલાવીને બેસી જવું અને આરામથી ઘરાકની રાહ જોવી અને તેના માલિકે કહેલા ભાવે કે થોડા વધારે ભાવે વેચવી. આવી નોકરી કોને ન ગમે? પોલીસવાળાને રોડનો કે એરિયાનો ગુન્ડો સંભાળી લે અને ગુન્ડાને માલિક સંભાળી લે, અને છાપાંવાળાને ગરીબીના બેલી માનવહિત રક્ષકો સંભાળી લે. અને કહે કે “… ભાઈ … આ લોકો ચોરી તો નથી કરતાને … પછી શું છે? સરકાર એમને નોકરી તો આપતી નથી તેથી નાનો નાનો ધંધો કરીને પેટનો ખાડો પૂરે છે…  તેઓ લૂંટફાટ નથી કરતા માટે તેમનો આભાર માનો….” 

આ લોકોને કેવીરીતે થાળે પાડી શકાય?

આ લોકોને જો ભણાવવામાં આવે તો તેઓ દેખા દેખીમાં ચોક્કસ સન્માર્ગે વળે.

જ્યાં પણ નવા વ્યાપારી સંકુલો બને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર અલગ રીતે તેમના લારી ગલ્લા અને પાથરણા માટે સંક્રાન્તિ સમયપૂરતી જગ્યા ફાળવવી જોઇએ. તેમજ તેમને ભણાવવાની અને સુઈ જવા પુરતી જગ્યા આપવી જોઇએ. (જુઓ લારી ગલ્લા વિષેનો લેખ …… )

જેઓ પરપ્રાંતમાંથી હરાયા ઢોરની જેમ આવે છે તેમની ઉપર લઘુતમ વેતન નો નિયમ લાગુ પડશે નહીં. તેઓ ઘર વગર (ખરીદીને કે ભાડે લીધા વગર) બેકાર તરીકે પરપ્રાંતમાં પ્રવેશી શકશે નહીં. તેઓ તેમના ઘરવાળા મિત્રની પાસે મહેમાન તરીકે જ આવી શકશે. જો કે એવો કોઈ કાયદો નથી કે તમે પરપ્રાંતના લોકોને રોકી શકો. પણ તમે તેમને અને કોઈને પણ ગેરકાયદેસર કબજો કરતા રોકી શકો છો. તમે તેમને રોજના રૂ. ૫ કે રૂ. ૧૦ લઈ સુવાની સગવડ આપી શકો.

જો તેઓ આ પૈસા પણ ન ભરી શકે તો તમે તેને ભિક્ષુક ગૃહમાં મોકલી શકો છો. અહીં તેમની પાસે મજુરીનું કામ કરાવાશે અને જમવાની અને સુવાની સગવડ મળશે. ભણવાની સગવડ મળશે નહીં. લઘુતમ વેતનની સગવડ પણ મળશે નહીં. કારણકે તે તેમના માતૃપ્રાંતના રાજ્યની જવાબદારી છે. જો તેઓ ગુજરાતી ભાષા ભણીને ૧૦મી શ્રેણી પાસ કરશે તો તેમને ગુજરાતના લઘુતમ રોજીના અને બીજા બધા જ હક્કો મળશે.

ઘરકામ કરનારા કામગારોનું શું કરવું?

ઘરકામ કરનારાઓ અને ચોકીદારો મોટેભાગે અભણ હોય છે.  આ લોકો કાંતો ડુંગરપુરીયા, કે અભણ રબારણ, વાઘરી, ભરવાડણ, ઠાકરણ, કોળી કે એવા સમકક્ષ હોય છે. તેમને આવી હળવી નોકરી જ કરવી હોય છે. ડુંગર પુરીયાઓ હોળીમાં અને વરસાદની ઋતુમાં  રાજસ્થાન કે પંચમહાલમાં પોતાના ખેતરમાં કામ કરવા પહોંચી જાયછે. હવે જોકે તેઓ ઓછા થઈ ગયા છે કારણ કે તેઓ નોકરીએ લાગી ગયા છે. પણ સ્થાનિક ઘરકામ કરનારા/રીઓ ને સારી સ્થિતિમાં લાવવાનો કોઈ ખાસ ઉપાય હોય તો તે એ છે કે તેમના સંતાનોને કોઈપણ રીતે શિક્ષણ આપો. ગામડામાં અને શહેરમાં રહેતા ગરીબો વહેમ અને લેવડ દેવડના ખોટા રીત રીવાજોમાં બહુ માને છે. તેઓ દેવું પણ કરે છે અને દારુ પણ પીવે છે. લોનના પૈસા પોતાના વ્યવસાયમાં વાપરવાને બદલે બીજા સામાજીક કામોમાં વાપરી નાખે છે. પછી દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરે છે.

મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે ઘરકામ કરનાર એક વ્યાપક અનિવાર્યતા બની ગયેલી છે. આ ઘરકામ કરવા વાળા સ્થાનિકોને વધુમાં વધુ ૫ થી ૬ હજાર મળે છે. તેઓ છકડામાં બેસીને આવે છે. એટલે ૫૦૦ રૂપીયા તો તેમના આમાં જ જતા. તેઓ તેમના સંતાનોને પણ આમાં જોતરે છે. આ લોકોને ગૃહ ઉદ્યોગશાળામાં દાખલ કરી દેવા જોઇએ જ્યાં તેઓ ભણી પણ શકે અને કમાઈ પણ શકે. ચાની લારીવાળાઓને ત્યાં પણ નાના બાબલાઓ કામ કરતા હોય છે. તેમને પણ ગૃહ ઉદ્યોગ શાળા દાખલ કરી દેવા જોઇએ. ગૃહ ઉદ્યોગની બનાવટ વાપરવી, સરકારી ઓફિસો અને કોર્પોરેશનની ઓફિસોમાં ફરજીયાત કરી દેવી જોઇએ.

જો આવું કરીશું તો ગૃહિણીઓ અને ચાની લારીવાળા કે ગલ્લાવળા શું કરશે?

લારીવાળા, ગલાવાળા, ખુમચાવાળા, પાથરણાવાળા એ દબાણ છે. અને તેમને જાહેર સ્થળો ઉપરથી દૂર કરી, સંકુલોમાં ખસેડી દેવા જોઇએ. તેઓને ભણાવીને નિકાલ કરી દેવો જોઇએ.

ગૃહિણીઓના પ્રશ્નો આળસના છે. તેમણે સફાઈના મશીનો વસાવી લેવા જોઇએ. રહેવાની આદતો બદલવી જોઇએ. ધૂળ કેમ ઓછી થાય.? શહેરની કે ગામડાની ધૂળ ૯૯ ટકા ઓછી કરી શકાય.છે અને ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી ઓછું કરી શકાય. આ એક અલગ વિષય છે.   

સરકારી ઓફિસોમાં, સરકારી દવાખાનાઓમાં અને સંકુલોમાં જે સફાઈવાળા રાખવામાં આવે છે તેઓ કામ કરવામાં દગડા હોય છે. સંડાસ તીવ્ર વાસ મારતાં હોય. સાહેબો પોતાની કેબિનમાં અલગ સંડાસ રાખતા હોવાથી તેઓ આ ગંદકી પ્રત્યે બેધ્યાન રહે છે. તેથી કાંતો તેમના અલગ સંડાસ દૂર કરવા જોઇએ અથવા તેમનો ગંદકી બદલ દંડ થવો જોઇએ. ઘણી જગ્યાએ સરકાર કોઈ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. તે કામદારોને પાર્ટ ટાઈમ રાખે છે અને પગાર ઓછો આપે છે. જે એજન્સીઓ લઘુતમ વેતન ન આપતી હોય કે સફાઈ બરાબર ન થતી હોય તો તેને અસરકારક પેનલ્ટી લાગુ પાડવી જોઇએ. અને ત્રીજી વખત ગેરરીતી થાય તો તેનું લાયસન્સ રદ થવું જોઇએ. એજન્સીઓ પોલીસ વેરીફીકેશન થયેલા કામદારોને જ રજીસ્ટર્ડ કરશે.

શિક્ષણ પદ્ધતિમાં ફેરફારઃ

કામનો તૂટો નથી. ઉદ્યોગોને શિક્ષણની જવાબદારી સોંપો. તેઓ તેમના કર્મચારીઓના બાળકોને અને આસપાસના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને તેમને તેમની ફેક્ટરીને કામ લાગે તેવું કામ પણ શિખવે. ફેક્ટરી ઉદ્યોગોવાળા સ્થાનિકોને રોજગારમાં પ્રાથમિકતા આપે. તેઓનો શૈક્ષણિક ઉદ્ધાર પણ તેઓ જ કરે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. તેની સાથે ગૃહ ઉદ્યોગ શિખડાવવા જોઇએ. ખાદી પહેરવી ફરજીયાત કરી દે તો શાળાઓ કંઈક અંશે આત્મનિર્ભર બને. ગરીબ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવી જોઇએ. તેથી ગરીબના સંતાનો સહેલાઈથી ભણવા આવી શકે. બાબલાંઓને અંગ્રેજી પણ ઘનિષ્ઠતા પૂર્વક શિખડાવવું જોઇએ. જેથી તેઓ પૈસાદારોના બાળકો પાસે નાનમ ન અનુભવે. પ્રાથમિક શિક્ષણ માં જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સૌજન્યતા, નિયમિતતા, નીતિમત્તા, બચત અને શ્રમના મહિમાના પાઠ ભણાવવા જોઇએ. શ્રેષ્ઠ શિક્ષકો પ્રાથમિકશાળામાં જ હોવા જોઇએ. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન તેમના અવારનવાર મનોવૃત્તિની ચકાસણી જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી રહેવી જોઇએ. જેથી તેઓ આગળ જતાં યોગ્ય વિષયની લાઈન પકડી શકે.

ગરીબી ચાલુ ન રાખવી હોય તો

ખેતી ઉપરનું ભારણ ઓછું કરવું જ પડશે. વનવાસીઓએ પણ ભણીગણીને નવા કામો શોધવા પડશે. જો આવું કરવામાં ન આવે તો ગરીબી હઠે નહીં. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, વનસંસ્કૃતિ, ગોપાલ, ગોચર, ગોધૂલી, પનિહારી, વિગેરેની કવિતાઓનો આનંદ લેવો સારો લાગે છે. પણ મૂર્ધન્યોનો આ આનંદ તો ગરીબોને ગરીબ રાખવાનું જ કાવતરું કહો તો કાવતરું, રાજકારણીય ખંધાઈ કહો તો ખંધાઈ અને ટૂંકી દૃષ્ટિ કહો તો ટૂંકી દૃષ્ટિ જ છે. જો ખેડૂ જગતનો તાત એવી વાતો કર્યા કરીશું તો આર્થિક અસમાનતાના પરિણામો થી દેશમાં અનેક સમસ્યાઓ ઉમેરાશે. એટલું જ નહીં અરાજકતા અને ખૂનામરકી ફેલાઈ જશે.

આ બધું રોકવા, મોટા મોટા બહુમાળી સંકુલો જ બનાવવા પડશે, ગ્રામ્યવિસ્તારોને સંકુલોમાં ફેરવી જમીન ખેતી કે ફસલ માટે ઉપલબ્ધ કરવી પડશે, પડું પડું થતા શહેર અને ગામના મકાનોને તોડીને સંકુલો બનાવવા પડશે, મકાનના બાંધકામમાં વપરાયેલી જમીન ઉપર જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ ટેક્ષ લગાવવો પડશે. બહુમાળી મકાનો કરવાથી ટેક્ષ ઓછો થશે. સ્વતંત્ર બંગલાઓ અને ફાર્મ હાઉસો ઉપર અપાર ટેક્ષ નાખવો પડશે. જો આમ કરીશું તો જ જમીન ફાજલ પડશે. કોઈ પણ જમીનને બીનઉપયોગી ત્રણ માસથી વધુ રાખી શકાશે નહીં. તેના ઉપર ઉત્પાદન કરવું પડશે. પડતર જમીન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કબજો લેવો પડશે, આ જમીનનો ઉપયોગ શાકભાજી વાવવા કરવો પડશે.

ખેડૂતોએ ભેગા થઈ અનાજને પેક કરવા માટેના સહિયારા મશીનો વસાવવા પડશે અને શહેરમાં વેચવા માટેની સહીયારી દુકાનો ખોલવી પડશે. સ્વાવલંબી વિસ્તારો આંકવા પડશે, શાક ભાજીને ગેલેરીમાં અને અગાશીમાં ઉગાડવા પડશે. મલ્ટીલેયર ખેતી કરવી પડશે. જમવાની આદતો બદલવી પડશે. શાકભાજી અને ફળોનો વપરાશ વધે તેવી આદતો કેળવવી પડશે. કારણ કે આ મલ્ટીલેયર ઉત્પાદન છે. કારણ કે તે વૃક્ષ છે અથવા ઓછી ઉંચાઈના છોડ છે. જે ઓછી ઉંચાઈના છોડ છે તેને મોટા ઝાડ નીચે કે ગેલેરીમાં ઉગાડી શકાય છે. તેને મલ્ટીલેયર બનાવીને પણ ઉત્પાદન કરી શકાય છે. માંસાહાર બંધ કરવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ વનસ્પત્યાહારી પ્રાણીઓને જ ખાય છે અને તેમને ઉછેરવા તેમના ખોરાક માટે મનુષ્ય કરતાં છ ગણી જમીન વપરાય છે.

આ બધું કરવા ઉપરાંત સુવિધાઓના ઉપકરણોના નાવિન્ય ઉપર અંકૂશ મુકવા પડશે. એટલે કે જે ઝડપે ટેક્નોલોજીનો વિકાસ થાય છે તે જુના મોડલોને રદબાતલ કરે છે. જુના મોડલો ભંગારમાં જાય છે. આ એક વ્યય છે. વિજ્ઞાન ના વિકાસ માટેના ઉપકરણો અને માનવની સુવિધા, સગવડ અને શોખ માટે ઉપકરણોમાટેના ફંડમાં ક્યાંક ભેદ કરવો પડશે. પ્રધાન્ય વિજ્ઞાન, માળખાકીય સગવડો અને આનંદ (પ્રવાસન અને કળા) ને આપવું પડશે.

આપણે સમજવું પડશે કે માણસ અંતે તો આનંદ માટે છે. આ આનંદ, જ્ઞાન, સુરક્ષા અને સુખસગવડ, સંવાદ, કલા પ્રદર્શન, રમતગમત અને પ્રવાસ દ્વારા મળે છે. સ્પર્ધા અને અસંવેદનશીલતાથી નહીં.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શ્રમ, ઉત્પાદન, મૂલ્ય, મહત્તમ, લઘુતમ, એપાર્ટમેન્ટ, વધુમાં વધુ, સગવડ, સુખ, આનંદ, સ્પર્ધા, પડતર, જમીન, બહુમાળી, સંકુલ, મલ્ટીલેયર, ફળ, શાકભાઈ, માળખાકીય, કામ, ઉપકરણો, વિજ્ઞાન, પ્રણાલી, ક્ષતિયુક્ત, માનવીય

 

Read Full Post »

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: