Feeds:
Posts
Comments

Posts Tagged ‘સ્વદેશી’

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

શું ખાદીના વસ્ત્રો પહેરવાં અવગડ ભર્યાં છે?

khadi bhandar

ઉત્તરઃ “અવગડ ભર્યા છે અને નથી.”

પણ પહેલાં સમજી લઈએ ખાદી એટલે શું?

કપાસ ઉગે છે ખેતરમાં.

ખેતર એટલે શું?

ખેતર એટલે પ્રણાલીગત રીતે જેને આપણે ભૂમિ કહીએ છીએ તે, જેમાં આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ. વનસ્પતિ પુનઃ પુનઃ ઉત્પાદિત (રીપ્રોડક્ટીવ) છે.

કપાસમાંથી આપણે રૂ કાઢીને તેના તાર કાઢીને તારને વણીને કાપડ બનાવીએ છીએ. કામો જો આપણે રેંટીયા અને હાથશાળથી કરીએ તો તેને ખાદીનું કાપડ કહેવાય.

જો કામ ઘરમાં કરીએ તો તો તે ગૃહઉદ્યોગ કહેવાય.

ત્રણ ફેઝ વાળી વિજળી નહીં વાપરાવાની એવું મનાય છે.  જો ગામમાં કાંતણ કેન્દ્ર હોય અને ત્યાં કોઈ કામ કરવા જાય તો પણ તેને ગૃહઉદ્યોગ જ કહેવાય છે.

જો કે કાર્લ માર્ક્સ થોડો જુદો પડે. વાત  અર્થશાસ્ત્રીઓને વિચારવા દો.

વ્યક્તિએ કાંતણવણાટ કેન્દ્રમાં, જે જત્થામાં સુતર કાત્યું હોય કે કાપડ વણ્યું હોય, અને ધારો કે તે સુતર તેણે  ઘરે કાંત્યું હોત કે વણ્યું હોત અને તેને શ્રમના જે પૈસા અનુક્રમે મળ્યા કે મળે તે બંનેમાં નહીંવત ફેર હોય તો પણ તેને ખાદી કહેવાય.

હા એક વાત ખરી કે જે સરંજામ હતો, તેની માલિકી, જેણે શ્રમ આપ્યો તેની હતી. પણ વાત તો જો શ્રમકરનાર વ્યક્તિએ, શ્રમ ઘરે કર્યો હોય તો પણ એવું બની શકે કે સરંજામની માલિકી તેની પણ હોય.

ટૂંકમાં જે ઉત્પાદન થાય છે તેના યંત્રો તેના તેજ રહે છે અને કોઈ બેકાર તું નથી. કેન્દ્રમાં જઈને શ્રમ કરે તો શ્રમજીવીને સમય બદ્ધ રીતે શ્રમ કરવો પડે અથવા તો એવી ગોઠવ અને સમજુતીઓ કરવી પડે. જો જુદી જુદી પાળીઓમાં શ્રમજીવીઓને કામ કરવા બોલાવવામાં આવે તો યંત્રો ઓછા જોઇએ. પણ આવી પ્રણાલીમાં વ્યક્તિગત અનુકુળતા અને લયતાને હાનિ પહોંચે. કારણ કે માણસ માટે ઉત્પાદન છે. ઉત્પાદન માટે માણસ નથી.

પણ આપણે તેનું સુક્ષ્મ વિશ્લેષણ નહીં કરીએ. કાપડને પણ ખાદી કહીશું. પણ વિકેન્દ્રિત ઉત્પાદન કહેવાશે અને ગૃહ ઉદ્યોગ પણ કહેવાશે કારણ કે યંત્રો તેના તે જ રહ્યા.

વિકેન્દ્રિત ઉત્પાદન શ્રેય કે કેન્દ્રિત ઉત્પાદન શ્રેય?

આનો જવાબ એવો સહેલો નથી. તમે શું ઉત્પાદન કરો છો અને તેની માંગ/વપરાશ કઈ જાતનો છે તેના ઉપર આધાર રાખે છે.

આમ તો ઈશ્વરે બધું વિકેન્દ્રિત કર્યું છે. પ્રકૃતિ વિકેન્દ્રીકરણમાં માને છે. પણ જ્યારે મનુષ્ય સ્વકેન્દ્રી બને છે ત્યારે શોષણ થાય છે. વરસાદ, વનસ્પતિ, ખાડા ટેકરાઓ, અને પ્રાણીમાત્ર વિકેન્દ્રિત હોય છે. મનુષ્ય ભલે ઘરને બદલે પ્રસૂતિગૃહમાં જન્મે, કુલ જન્મની કુલ સંખ્યામાં તે કારણથી ફેર પડતો નથી. એટલે આમ સજીવ માત્ર ગૃહ ઉદ્યોગ કહેવાય. મનુષ્ય પોતે પ્રકૃતિનો હિસ્સો છે એટલે મનુષ્ય જે કંઈ પણ કરે તે પ્રાકૃતિક જ કહેવાય. વાસ્તવમાં સાનુકુળતા અને પ્રાકૃતિક સંતુલન સુચારુ છે તે જોવું જોઇએ.

રેંટીયામાં સુધારા થયા. અંબર ચરખો આવ્યો. તેથી માણસને શ્રમમાં રાહત મળી અને ઉત્પાદન વધ્યું. હાથશાળમાં પણ સંશોધન થયા અને વણાટમાં પણ સુઘડતા આવી.

હવે સ્થિતિ એવી છે કે ખાદી અને મિલના (અતિ મોંઘા કાપડને અવગણીએ તો) ચાલુ કાપડમાં ખાસ ફેર નથી. પોલીયેસ્ટર કાપડની વાત જુદી છે. તેને શરીર માટે નુકશાન વગરનું બનાવવા માટે તેમાં રૂનું મિશ્રણ કરવું પડે છે.

ખાદીના કાપડની અવગડતાઓ

() ખાદીનું કાપડ સામાન્ય મિલના કાપડ કરતાં મોંઘું છે?

મિલને કયા ભાવે વિજળી મળે છે?

મિલને કયા ભાવે પાણી મળે છે?

મિલ પોતાનો કચરો કેવી રીતે અને ક્યાં ઠાલવે છે?

મિલ કેટલું પાણી બગાડે છે અને કેટલી મીન બગાડે છે?

મિલ કેટલી હવા બગાડે છે?

નુકશાનમાં થી સરકાર તેને માફી આપે છે.

પ્રદુષિત વાતાવરણ, મીન અને પાણી, આસપાસના વિસ્તારની જનતાની તંદુરસ્તીને હાનિકારક થાય છે. બધી નુકશાનીઓ મિલો ભરપાઈ કરતી નથી. તેથી મિલનું કાપડ સસ્તું પડે છે. આવી હજાર વાતો છે. મેં સાઈટ ઉપર અત્ર તત્ર આપેલી છે.

સચોટ ઉદાહરણ “ગંગા શુદ્ધીકરણ” માટે ની પરિકલ્પનાઓ છે. નહેરુવીયન કોંગ્રેસે ઉદ્યોગો સામે એવા ક્ષતિયુક્ત કાયદાઓ ઘડ્યા કે ઉદ્યોગ જમીન બગાડે, હવા બગાડે, ભૂગર્ભ જળ બગાડે, નદી તળાવનું પાણી બગાડે, તો ભલે બગાડે. માણસો રોગિષ્ટ બને અને પીડાય તો ભલે પીડાય. કાચી ઉમરે મરે તો ભલે મરે. નહેરુવીયન કોંગ્રેસને મોડે ખબર પડી કે ઘણું બધું બગડે છે. જોકે આમાં તેણે બુદ્ધિ ચલાવી નથી. એને માટે આંદોલનો થયા છે. અને ન્યાયાલયે કમને આદેશો આપ્યા કે કાયદાઓ કરો. જો કે આવા ચૂકાદાઓ આપવા એ ન્યાયતંત્રના ખેરખાંઓનો દંભ હતો.

હાનિ પહોંચાડવી કે હાનિની પૂર્ણ શક્યતા ઉભી કરવી એ ફોજદારી ગુનો છે. પણ ન્યાયાધીશો, કારખાનાઓની બાબતમાં આવું સુયોગ્ય માનવીય અર્થઘટન કરે એ વાતમાં માલ નથી. ન્યાયધીશ કહેશે; સરકારે “બગાડના સુધાર માટે” પ્રણાલી બનાવવી જોઈએ અને તકનિકી સહાય આપવી જોઇએ. વાત પૂરી.

ગંગા શુદ્ધીકરણ માટે પરાર્ધો રુપીયા ખર્ચાયા. નહેરુવીયન કોંગ્રેસના અનેક નેતાઓ, બીજા પક્ષોના નેતાઓ, ન્યાયધીશો અને સરકારી અધિકારીઓ માલદાર થયા. બહુ વખત પહેલાં કેલિકો મિલનું ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હતું. તેની તીવ્ર દુર્ગંધ કિનારે વસતા લોકોને આવતી. પાણી, હવા અને નદી ત્રણે બગડતાં હતા.   ઉદ્યોગોને બધી છૂટ.  

બધું હોવા છતાં ખાદી એટલી મોંઘી નથી.

ખાદી ગરમીમાં ઠંડક અને ઠંડીમાં રક્ષણ આપે છે.

મિલના કાપડના વસ્ત્રોમાં સ્પર્ધા છે. તમે ૧૫૦૦૦ નો સુટ પહેર્યો છે તો બીજાએ જેણે ૫૦૦૦૦ નો

સુટ પહેર્યો છે તેની આગળ તમે ઝાંખા લાગશો.

પણ ખાદી સાદાઈનું પ્રતિક છે એટલે આવી ઝાંખપ આવતી નથી. ખાદી એટલે ખાદી.

ખાદીના કપડાને કાંજી અને ઈસ્ત્રી કરવાથી સુઘડતા વધે છે.

(૨) ખાદીનો નિભાવ ખર્ચ વધુ હોય છે.

 જો આરોગ્યનો ખ્યાલ કરીએ તો કોઈપણ વસ્ત્ર બે ત્રણ દિવસથી વધુ વખત પહેરાય. એટલે ખાદી અને ખાદી બંને ના વસ્ત્રો ધોવાતો પડે .

ખાદીના વસ્ત્રો સહેલાઈથી સાફ થાય છે અને સાબુ જલ્દી નિકળી જાય છે. તમારી પાસેઓન્લી વૉશવાળું વોશીંગ મશીન હોય તો તે પણ ચાલશે. આ મશીન સસ્તું આવે છે.

જો તમે અફલાતુન ખાદી વસ્ત્રો પહેરતા હો તો તેમાં રોકાણ કિમત વધુ હોય છે. જો તમને રોકાણ કિમત પોષાતી હોય તો ખાદી ખરીદો અને વધારાના પૈસા ઈસ્ત્રીવાળાને આપો. ઇસ્ત્રીવાળા ને વધુ રોજી મળશે.

ખાદીના કપડાને કાંજી કરો તે વધુ આકર્ષક લાગશે. આમેય ત્રણ દિવસે તો તમારે કોઈપણ કપડા ધોવા પડતા હોય છે.

બહાર પહેરવાના કપડાં તમે જુના થયે ઘરમાં પહેરી શકશો, કારણ કે ખાદીનું કાપડ ધોવું સરળ છે. ખાદીના કાપડને લગાડેલો સાબુ જલ્દી નિકળી જાય છે. ઘરમાં આમેય તમે ક્યાં કાંજીઇસ્ત્રીવાળા કપડા પહેરો છો.

સરવાળે ખાદી સસ્તી પડશે. તે ઉપરાંત ગરીબોને રોજી મળશે.

ખાદીને સસ્તી કેવી રીતે કરી શકાય?

જો તમે ગરીબ છો કે તમને લાગે છે કે ખાદી પોષાતી નથી, તો તમે હાથે કાંતો અને તેના બદલામાં ખાદીનું કાપડ લો. ખાદીનું કાપડ ઘણું સસ્તું નહીં પણ લગભગ મફત પડશે. વધુ કાંતશો તો કમાણી પણ થશે.

વૈદિક જીવન વિષે સોસીયલ નેટવર્કમાં ભરપૂર લખાણો આવે છે. જો કે એ બધું અગમ નિમગ કે અગડં બગડં જેવું લાગે છે. પણ જો “વેદ”નો અર્થ જાણવું કરીએ તો જાણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને જ્ઞાન વધવાથી બુદ્ધિ વધે છે. બુદ્ધિ વધે તો સુયોગ્ય તકનિકીનો ઉપયોગ કરી શકાય. આ બધું વૈદિક જ કહેવાય.

માંધાતા, રામચંદ્ર, રાવણ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, કૃષણદેવરાય, અકબર, ઔરંગઝેબ, શિવાજી, તાત્યા ટોપે, ઝાંસીની રાણી, નાના ફડનવીશ … સૌ કોઈ ખાદી જ પહેરતા હતા.

ગાંધીજી એ ખાદી તરફ ધ્યાન દોર્યું.

ગાંધીજી ખાદી પહેરતા હતા. આ એક વૈચારિક ક્રાંતિ હતી. છેલ્લી વૈચારિક ક્રાંતિ ૧૯૭૭માં આવેલી. આ ક્રાંતિના નેતા જયપ્રકાશ નારાયણ પણ ખાદી જ પહેરતા હતા.

૨૦૧૪ના ક્રાંતિવીર નરેન્દ્ર મોદી ખાદીને પુરસ્કૃત કરે છે. પણ તેમને કોઈ ભેટ આપે તો અ-ખાદી પણ કામચલાઉ પહેરી લે છે અને પછી તેને હરાજીમાં મુકી ૧૦ થી ૧૦૦ ગણા પૈસા ગરીબોના હિત માટે ફાળવે છે. અ-ખાદી પ્રત્યે કડવાશ રાખવાની જરુર નથી.

એ વાત ખરી કે બધા પોતાના વસ્ત્રો હરાજીમાં ન વેચી શકે. પ્યાલા-બરણીવાળી પણ ખાદીના વસ્ત્રો લેતી નથી. પણ ખાદીના વસ્ત્રો જુના થાય એટલે ઘરમાં પહેરવા. ઘરના વસ્ત્રો ફાટી જાય એટલે તેને “પોતાં” તરીકે વાપરવા.

અંગ્રેજોનું રાજ આવ્યું એ પહેલાં ભારતનું ઉત્પાદન વૈશ્વિક ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતું હતું. અત્યારે ૨ થી ૫ ટકા હિસ્સો ધરાવે છે. જો ભારત સંપૂર્ણ સ્વાવલંબી થઈ જાય તો ૨૦ ટકા તો આમ જ થઈ જાય.

વિનોબા ભાવે એ કહ્યું છે કે અત્યારે યંત્રો કે ગૃહ ઉદ્યોગ કે સામ્યવાદ કે મૂડીવાદ વિષે ચર્ચા કરવાની જરુર જ નથી. જે વસ્તુ ઉત્પન્ન કરવી હોય તેને શ્રેષ્ઠ રીતે, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે વિષે બુદ્ધિનો ઉપયોગ કરો. કાચો માલ+ વિજ્ઞાન + માનવીય તકનિકી = વિકાસ.

વટ પાડવા માટે વસ્ત્રો એકલા જરુરી નથી. જો આપણી સુઘડતા, વસ્ત્રો, વાણી અને વર્તન ત્રણેમાં હોય તો કામ ચાલ્યું જાય છે. બહુ તૃષ્ણાઓ રાખવી નહી. આનંદ મુખ્ય છે.

બદલાની આશા રાખ્યા વગર કામ કરવાનો આનંદ ખરો આનંદ હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ખાદી, સ્વાવંબન, સ્વદેશી, યંત્ર, ગૃહ ઉદ્યોગ, સરંજામ, સામ્યવાદ, મૂડીવાદ, મોઘું, અગવડ, ઈસ્ત્રી, સાબુ, સુઘડ

Read Full Post »

નેપાળો કે હરડે ચૂર્ણ કે પૃથક ચૂર્ણ માંથી શું પસંદ છે?

અકળ મોદી

વળી પાછો આપણા કાન્તિભાઈ ભટ્ટે, પોતાને વિદ્વત્તાપૂર્ણ લાગે તેવો એક વિશ્લેષણાત્મક લેખ લખ્યો. આમ તો પોતે વિદ્વાન છે તેવું પ્રદર્શિત કરવું હોય તો પોતે “વેલ રેડ” “અતિવાચનવિદ્‍” છે, તેવું તો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે બતાવવું જ પડે. વળી કાન્તિભાઈની માન્યતા પ્રમાણે ભારતીય જનોની માન્યતા એ છે કે આપણે ભારતના પ્રાચિન કે અર્વાચિન વિદ્વાનો કરતાં વિદેશી નામોવાળા કહેવાતા વિદ્વાનોને ક્યાંય વધુ વિશ્વસનીય માનતા હોઈએ છીએ. તેથી કાન્તિભાઈના લખાણોમાં તમને આવા વિદેશી નામો યુક્ત કથનો ઉદ્ધૃત થયેલા વધુ જોવા મળશે. આમ તો જેઓ વિદેશમાં સ્થાયી થયા હોય તેવા આપણા ભારતીય મૂળના માણસો વિદેશી વિદ્વાનોની અને સમાચાર માધ્યમના વિશ્લેષકોની તારતમ્ય વાતોને બ્રહ્મવાક્ય સમજતા નથી અને આકર્ષાતા પણ નથી. પણ આ માનસિકતા હજુ ભારતમાં વિકસી નથી. આ બાબતમાં ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના વિશેષજ્ઞ શ્રી રાજીવ મલહોત્રાએ ભારતીય સાંપ્રત મહાનુભાવોની ખાસી રમૂજી વાતો કરી છે.

પણ આપણે એ વાત જવા દઈએ.

વાક્‍ પ્રહારો

મૂળવાત છે કે આપણા આ કટારીયા ભાઈ નરેન્દ્ર ભાઈ મોદીની ઉપર લેખીની દ્વારા પ્રહારો કેમ કરે છે? અને તે પણ કોઈ આધાર વગર.

જે વાતોને આધાર ન હોય અને ફક્ત તારવણીઓ જ હોય તેને ચર્ચા કે વિશ્લેષણ તો ન જ કહેવાય. તેને આપણે સુષ્ઠુ ભાષામાં મનોભાવ કે માનસિકતા કહી શકીએ. ગુજરાત માં એક “શનિ” નામના કાર્ટૂનીષ્ટ હતા તેઓ જોકે આમ તો વિશ્વકક્ષાની પ્રજ્ઞા ધરાવતા હતા, પણ કોંગ્રેસવાળાને આ વાસ્તવિક રીતે “તડ અને ફડ” કહેનારા શનિભાઈ સામે વાંધો પડી ગયેલ. મોરારજી ભાઈને ખાસ વાંધો પડતો નહીં પ્ણ જ્યારે ઈન્દીરાઈ કોંગ્રેસે ગુજરાતમાં દેખા દીધી અને કેન્દ્રમાં તેનું પ્રભૂત્વ ઘણું વધ્યું ત્યારે દેખીતી રીતે જ ઈન્દીરાઈ કોંગ્રેસીઓ શનિ ભાઈને કનડવામાં ઝાલ્યા રહે ખરા? આ વાત પણ બહુ લાંબી છે. અને અહીં અસ્થાને છે.

આ શનિભાઈ તથ્ય હીન અને વેતાવગરની ટીકાઓને “મળોત્સર્જ”ની ક્રિયા કહેતા. નેપાળો લીધો હોય તો આ ક્રિયા “એક ‘ઘા’એ પતી જાય. પણ નેપાળો રોજ ન લેવાય. ચૂર્ણ રોજ લઈ શકાય. હરડે પણ ચગળી શકાય. નેપાળો એ એક મોટો પ્રહાર કરે છે. ચૂર્ણ શનૈઃ શનૈઃ ધક્કો મારી “મળ”ને તેના નિકાસદ્વાર પાસે પહોંચાડે છે. હરડે આંતરડાને હલનચલન માટે ઉત્તેજીત કરે કે જેથી “મળ” ભાઈ તેમના નિકાસદ્વાર પાસે પહોંચે.

આપણા કટારીયા ભાઈએ શું લીધું છે તે આપણે જાણતા નથી. પણ આપણા ભાઈશ્રીને નેપાળો વધુ પસંદ લાગે છે.

આપણા કટારીયાભાઇઓ, કાંતિભાઈ અને પ્રકાશભાઈ એ બે માં ફેર શો છે?

જો તમારે કોઈની બુરાઈ કરવી હોય તો બે રીતે કરી શકો છો. બીજા કોઈપણ વિષય ઉપર વિશ્લેષણ કરતા હો, પણ વાતવાતમાં હરતા ફરતાં નરેન્દ્ર ભાઈ મોદીને ગોદા મારતા રહો. એટલે કે છૂટક છૂટક. પ્રકાશભાઈ કંઈક આવું કરે છે. બોક્સીંગ બીજા કોઈની સાથે કરતા હોય, પણ એકાદો ગોદો જેને લક્ષ્યમાન્યું નથી તેને (નરેન્દ્ર મોદીને) પણ ઉંધા હાથે મારી લે છે..

કાન્તિભાઈ એક જ સમયે ગોદાઓની એક બંદરેથી (સબ બંદરકા વ્યાપારી હોવાથી) ફડાફડી બોલાવી દે છે. ગોદાઓ નરેન્દ્ર મોદીને જેટલા પહોંચ્યા એટલા ખરા. ન પહોંચે તો કંઈ નહીં. આપણી નિકાસ રેકર્ડ ઉપર તો આવી જ જશે તેથી કોઈક વાર કામ લાગશે. બુમરેંગ થશે તેની તેમને ખબર નથી.

પેટના દુઃખાવાનો ઈલાજ

કાયમ ચૂર્ણ, નિત્યચૂર્ણ કોમર્સીયલ બન્યા પછી પૃથક ચૂર્ણ નામનું એક નવું ચૂર્ણ શોધાશે. જે સરકારી નોકરોને ખાસ કામ લાગશે. સરકારી નોકરોને અવારનવાર બ્રેક લેવાની ટેવ હોય છે. અને તેને માટે બહાનાની જરુર હોય છે. કારણ કે આ પૃથક ચૂર્ણ લેવાથી લેનારને પૃથક પૃથક “મળોત્સર્જન” કરવા જવું પડશે. આપણા ઋષિમૂનિઓએ “મળોત્સર્જનાસન” નામનું કે કાઠિયાવાડી સુજ્ઞ ભાષામાં “હંગાસન” નામનું એક આસન શોધ્યું હતું. ઘણા પ્રયોગેને અંતે આ આસન શોધ્યું હતું. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરનીચે હવે તે વિસરાતું જાય છે. પણ આ પૃથક પૃથક ચૂર્ણ વૈદકીય રીતે પ્રચલિત બને તે પહેલાં રાજકીય વિશ્લેષકોમાં આ પૃથક ચૂર્ણ આપણા પ્રકાશભાઈ કટારીયાએ અમલમાં મુકી દિધું છે.

આપણે જાણીએ છીએ કે નેપાળો રોજ ન લેવાય. પણ જ્યારે ઠીક ઠીક સમય પસાર થઈ ગયો હોય, સમયે સમયે નરેન્દ્ર મોદીને (ભીમને) મળતા લસપસતા (પ્રશંસાના) લાડુઓથી કાન્તિભાઈના (શકુનીની જેમ) જેમ આંતરડા ફાટ ફાટ થતા હોય અને બહુ મળસંચય થઈ ગયો હોય ત્યારે નેપાળો લેવો જરુરી બને છે. એટલે તેઓશ્રી વખતો વખત એક સળંગ લેખ નરેન્દ્ર મોદી માટે ફાળવતા હોય છે. જ્યારે પ્રકાશ ભાઈ તેમના દરેક લેખમાં છૂટક છૂટક ગોદા મારી લેતા હોય છે.

જો કે શુદ્ધ કાઠીયાવાડી ભાષામાં માટીરીયલ વગરની વાતોને “લાળી” કહેવાય છે.

આપણા કટારીયા કાંતિભાઈએ શબ્દ પકડ્યો “એનીગ્મા”. એનીગ્મા એટલે અનિશ્ચિત. એનીગ્મેટીક એટલે એવી વ્યક્તિ જેની વિષે તમે “તે શું કરશે” તે ભાખી ન શકો. આવો પણ અર્થ થાય. આમ તો ભવિષ્ય શાસ્ત્ર જેવું કશું વૈજ્ઞાનિક રીતે છે જ નહીં. પણ બેજાન દારુવાલાએ નરેન્દ્ર મોદી વિષે ચારેક વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલ કે તે “આ નરેન્દ્ર મોદી, બધાના છોડા ઉતારી નાખશે”. મીડીયા, મૂર્ધન્યો અને તેમના જ પક્ષના અમુક ઉચ્ચ કક્ષાના નેતાઓના સહિયારા આક્રમણ છતાં પણ ગુજરાતની ચૂંટણી નરેન્દ્રભાઈ જીતતા આવ્યા છે, એટલે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે નરેન્દ્ર મોદીની જીતની આગાહી કરવી એ ખોટનો ધંધો તો રહેતો જ નથી. પણ દેશની ચાર ટકા માનવ વસ્તિ ધરાવતા અને હમેશા અંગ્રેજી મીડીયાથી હડધૂત થતા એવા ગુજરાતના નેતા ગમે તેટલા મૂલ્યનિષ્ઠ અને આવડતવાળા હોય તો પણ ગુજરાતી નેતાને ગણતા નથી. કારણ કે ગુજરાત પાસે લોક સભાની માંડ ૨૫ બેઠકો છે. આ બધા ઉપરાંત આપણા નરેન્દ્ર મોદી અંગ્રેજીભાષાના જ્ઞાનમાં નબળા હોય, તેને અન્યપ્રાંતના નેતાઓ કેવીરીતે સાંખી શકે? વળી ભારતની પ્રજાને ન્યાતજાત, પ્રદેશવાદ, ભાષાવાદ અને વળી ધરમ થી વિભાજીત કરવામાં નહેરુવીયન કોંગ્રેસે જરાપણ બાકી રાખ્યું નથી. એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાય તે વાત નરેન્દ્ર મોદીના દુશ્મનો તો શું સહાનુભૂતિ ધરાવનારા રાજકીય વિશ્લેષકો વિચારી શકતા ન હતા. નરેન્દ્ર મોદીની માનસિકતા એવી છે કે તે ગીતાના નિયમો પ્રમાણે વર્તે છે. એટલે કે તેઓ જે પણ કામ કરે છે તે અલિપ્ત ભાવે કરે છે. આમ હોવા છતાં એક વખત આપણા આ કટારીયા કાંતિભાઈએ “સાક્ષીભાવ”નો નરેન્દ્ર ભાઈ પાસે અભાવ છે તેમ કહેતો એક લેખ ઠોકી દીધેલો. નરેન્દ્ર મોદીએ તો સાક્ષીભાવને સમાવતું એક પુસ્તક પણ લખ્યું છે. પણ આપણા કટારીયા ભાઈને એવું વાંચવું ફાવે નહીં. આપણા ભાઈ તો જે વ્યક્તિને તેઓ મહાન ગણે છે તેમના પુસ્તકો જ વાંચે છે અને તે પણ વાચકો સમક્ષ ઑકવા (ઉલટી કરવા) માટે. જે વ્યક્તિ, નરેન્દ્ર ભાઈના સાક્ષીભાવથી અજાણ હોય અને જે વ્યક્તિ આ વાત સમજી નથી શકતી, તે નરેન્દ્ર મોદીની એ વાત પણ ન સમજી શકે કે “આપત્તિને અવસરમાં કેવી રીતે પલટાવવી”.

જે વ્યક્તિ “આપત્તિ”ને “અવસર” સમજતો હોય તેને સમજવા માટે ભેજું જોઇએ ભેજું.

જો ભારતીય મૂર્ધન્યોમાં ભેજું હોત તો નહેરુની ભૂલો કે જેની શરુઆત જે ૧૯૪૭ થી શરુ થઈ ગઈ હતી અને હિમાલય જેવડી ભૂલોની શરુઆત ૧૯૫૧થી શરુ થઈ ગઈ હતી તેને તેઓ ૧૯૫૭માં જ સમજી શક્યા હોત.

ફલાણો વ્યક્તિ ક્યારે શું કરશે તે તમે ક્યારે નિશ્ચિત ન કરી શકો?

તે વ્યક્તિ તમારા કરતાં જ્ઞાની હોય,

તે વ્યક્તિ તમારા કરતાં વધુ અનુભવી હોય,

તે વ્યક્તિ આવડતવાળી હોય,

તે વ્યક્તિ મુશ્કેલીને સમજી શકતી હોય,

તે વ્યક્તિ મૂલ્યની દરકાર ન કરનારી ધૂની વ્યક્તિ હોય,

તે વ્યક્તિ સત્તાવાળી અને અહંકારી સ્ત્રી હોય,

તે વ્યક્તિ ગાંડી હોય.

પાકિસ્તાની લોકો સમગ્ર ભારતના લોકોને બનીયા-બ્રામણ કહે છે.

ગુજ્જુઓ વિષે સુજ્ઞ ઘાટી જનો, છેલ્લી બાબત કહેતા હોય છે.

મરાઠી લોકો મુંબઈમાં મોટે ભાગે, ગુજરાતી વાણિયાના સંપર્કમાં આવતા હોય છે. વાણિયાઓ વેપારી વૃત્તિના હોય છે. વાણિયાઓનું ધ્યેય લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એમ બન્ને હોય છે. વાણિયાઓ પોતાનો વ્યુહ રચતા પહેલાં સામી પાર્ટીને, સામેની પાર્ટી પોતાને ઓળખે તે કરતાં વધુ ઓળખી લે છે. પછી તબક્કાવાર આક્ર્મણ કરે છે. આક્ર્મણ એવું ગુઢ હોય છે કે સામે વાળી વ્યક્તિ માટે, વાણિયાની ક્રિયાનું કે પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવું અશક્ય હોય છે.

ગાંધીજીની જ વાત કરો. ગાંધીજી અંગ્રેજોને અંગ્રેજો કરતાં વધુ સારી રીતે ઓળખતા હતા. જીન્ના પણ વાણિયા હતા. એટલે ગાંધીજીને ગાંઠતા ન હતા. પણ ગાંધીજીએ નહેરુનો જીન્ના સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી, જીન્નાની શક્તિઓને મર્યાદિત કરી હતી. ગાંધીજી સિદ્ધાંતવાદી હતા તે વાત વાણિયાવૃત્તિની વિરુદ્ધમાં જતું હતું. વળી ગાંધીજીને એમ હતું કે કોંગ્રેસના નેતાઓ અખંડભારતના મુદ્દાઓ ઉપર અડગ રહેશે. પણ તેમ ન થયું. જીન્ના અને બ્રીટીશ સરકારનો સંયુક્ત ખૂનામરકીનો ઉપક્રમ, ગાંધીજીને હરાવી ગયો. જોકે ગાંધીજી વધુ જીવી ગયા હોત તો ગાંધી વાણિયાનો અચૂક વિજય થાત.

કોણ ચોક્ખું?

ટૂંકમાં તમે ઈચ્છો તો ગાંડાને એનીગ્મેટિક કહી, નરેન્દ્ર મોદીની સામે તેનો ઉપયોગ કરી, “મેં કેવું સરસ કહ્યું?” એવું માની પોતાની પીઠ થાબડી શકો. આપણા કટારીયાભાઈએ અનિગ્મા અને એનીગ્મેટિક વિષે પોતાના જ્ઞાનને પીરસતાં તો પીરસી દીધું અને કોઈ વિદેશી સામાયિકમાંના નરેન્દ્ર મોદીને લગતા લેખમાં મોદીને “એનેગ્મેટિક” ઉદ્ધૃત કરતાં તો કરી દીધા, પણ કાન્તિભાઈને થયું કે આ તો આપણે જે કહેવું ન હતું તે કહેવાઈ ગયું (કે નરેન્દ્ર મોદી ન પારખી શકાય તેવો છે). આપણે તો તેને ઉતારી પાડવાનો હતો. કંઈ વાધો નહીં. આપણે કહીશું કે જુઓ અમારું વાચન કેટલું બધું છે! અમારું જ્ઞાન કેટલું બધું છે! હવે આવા અમે અમારો મત સ્પષ્ટ કરી દઈએ છીએ કે, આવા મહાન અમે, “નરેન્દ્ર મોદીને હરગીઝ એનિગ્મેટિક માનતા નથી. આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આર એસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.”

જોકે ભાષાવિદો “આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આરએસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.” ના અનેક અર્થો કરી શકે. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જેને વિશેષણ લગાડ્યું હોય તેની વિભક્તિઓ, તેના વિશેષણને લાગે છે. એટલે “ચોક્ખે ચોક્ખા” એ વિશેષણ છે અને પ્રથમા એક વચન છે. નરેન્દ્ર મોદી પણ પ્રથમા એક વચન છે. એટલે નરેન્દ્ર મોદી ચોક્ખા જ નહીં ચોક્ખે ચોક્ખા એટલે કે ચોક્ખાઓમાં ચોક્ખા છે. આમ ન હોય તો “ચોક્ખે ચોક્ખા” શબ્દ હિન્દુ નેતા સાથે જાય. એટલે કે “ચોક્ખે ચોક્ખા” હિન્દુ નેતા છે. ચાલો એ જે હોય તે.

આરએસએસવાદ

આપણા દેશની સેક્યુલર જમાતે હિન્દુવાદી શબ્દને આરએસએસવાદનો સમાનાર્થી શબ્દ ઠેરવી દીધો છે. તમે ભારતમાંના કોઈ પણ ઐતિહાસિક બનાવને બ્રીટીશ સરકારે ભણાવેલા ઈતિહાસથી અલગ દૃષ્ટિએથી જુઓ એટલે તમે તેનું ભગવાકરણ કરી દીધું એમ કહેવાય. આરએસએસને એક ધજા છે જે આમ તો હિન્દુ મંદિરો ઉપર ફરકતી ધજા જેવી છે. પણ આ ભગવા રંગને સેક્યુલર જમાત એક કટ્ટરવાદી હિન્દુત્વ તરીકે ખપાવે છે.

આર એસ એસ વાળા કોણ છે?

આર એસએસવાળા કંઈ પરગ્રહના પ્રાણી નથી. આરએસએસવાળા સામાન્ય મધ્યમવર્ગના માણસો છે. દરેક વર્ગમાંથી આવે છે. તેમના અમુક નેતાને ગાંધીજીની તટસ્થતા ગમતી ન હતી. આમાંથી જેઓએ ગાંધીજીને વાંચ્યા, તેઓ ગાંધીજીને સમજ્યા. જેઓએ ગાંધીજીને ન વાંચ્યા અને જેમને પૂર્વગ્રહ રાખવો હતો તેઓએ પૂર્વગ્રહ રાખ્યો. જેઓએ ઈતિહાસ કે જે અંગ્રેજોએ મુસ્લિમો વિષે ભણાવ્યો હતો તેને સ્વિકાર્યો તેઓ પણ મુસ્લિમો વિષે પૂર્વગ્રહ રાખતા થઈ ગયા. હિન્દુવાદી કટ્ટરતાને આરએસએસ સાથે કશું લાગતું વળગતું નથી. હિન્દુઓની આક્ર્મકતા એક પ્રતિક્રિયા છે. હિન્દુઓની પ્રતિક્રિયા એ કટ્ટરતા નથી.

પણ આપણા કટારીયા શ્રી કાન્તિભાઈ, નરેન્દ્ર મોદીને કટ્ટર આરએસએસવાદી બંદો કહે છે. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીજીને વાંચ્યા છે અને ગાંધીજીને સમજ્યા પણ છે. તેથી તેઓએ ગાંધીજીને વાંચવાની ભલામણ પણ કરી છે.

જો નરેન્દ્ર મોદી, જનતાને ગાંધીજીને વાંચવાની સલાહ આપે એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓને ન ગમે તે વાત સમજી શકાય છે. ગાંધીજીને નામે નહેરુએ ત્રણ ચૂંટણીઓ જીતી. પણ પછી તેમના અ-ગાંધીવાદી કરતૂતો બહાર પડ્યા એટલે જનતાએ જાકારો આપવો શરુ કર્યો. સરદાર પટેલનું શસ્ત્ર તો તેમનું હતું જ નહીં કારણકે કોમવાદનું શસ્ત્ર તેમને વધુ પસંદ હતું.

નરેન્દ્ર મોદીએ “સરદાર પટેલ” નામનું શસ્ત્ર પોતાના કાર્યોદ્વારા કબજે કર્યું એટલે તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. હવે નરેન્દ્ર મોદી “ગાંધીજી” નામનું શસ્ત્ર પણ હસ્તગત કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીને ખબર છે કે ગાંધીનું અર્થશાસ્ત્ર સાવ નકામું તો નથી જ. એટલે સ્વાવલંબન તો લાવવું જ પડશે. ખાદીમેળા, ગ્રામોદ્યોગ મેળા, સખીમંડળ, કૃષિમેળા મારફત, નરેન્દ્ર મોદી, ગ્રામ્ય અને ગરીબ જનતાના કામ કરી રહ્યા છે. આ કામ ભારતની જુની ગ્રામ્ય પ્રણાલી ને અનુરુપ છે. આ વાતની પ્રશંસા કરવી જોઇએ. ધારો કે આમાં પણ આપણે રાજકરણ જોઇએ તો?

સહી શબ્દોંકા પ્રયોગ કરેં

મોદીના કામો, મોદી-ફોબીયા વાળા સુજ્ઞ કટારીયાઓને પસંદ પડતા નથી. હવે તેમની દલીલ જુઓ. તેમને હિસાબે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી પાટે બેઠા છે.

“પાટે બેઠા છે” એ જો કે આ સંદર્ભમાં લાગુ પડતું નથી. “પાટે બેઠા છે” એ શબ્દ પ્રયોગ, જે ઠરીને ઠામ ન બેસતો હોય અને જો તે કોઈ લાલચના કારણે ન છૂટકે પાટ ઉપર બેઠો હોય, તો તેવા સંજોગોમાં “પાટે બેઠો” વપરાય છે. કોઈએ કાંતિભાઈને કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં.”

કટારીયા ભાઈશ્રી કહે છે કે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. અરે ભાઈ! તો શું ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ ખાડે ગઈ હતી? નહેરુવીયન કોંગ્રેસ ક્યારે અને ક્યાં ખાડે ગઈ ન હતી? આ તો ચૂંટણી પરિણામ પછીના બધા ડહાપણના ઉદ્‌ગારો છે. ૨૦૦૯માં શું કોંગ્રેસ ઓછી ખાડે ગયેલી હતી? પણ આપણા અડવાણીજીમાં નરેન્દ્ર મોદી જેવો તરવરાટ ક્યાં હતો!. ૨૦૦૮માં મોદીનો જાદુ ગુજરાતમાં હતો. એજ મોદીની ત્સુનામી ૨૦૧૪માં ભારતભરમાં ફરી વળી.

નરેન્દ્ર મોદી, અગર તેમની કાર્યશૈલીમાં અને કાર્યવાહીમાં સરદાર અને ગાંધીજીને સંડોવવાનું રાજકારણ રમે તો તે ક્ષમ્ય છે અને આવકાર્ય પણ છે. નહેરુવીયન કોંગ્રેસી નેતાઓની કર્યશૈલી અને કાર્યવાહીમાં ગાંધીવાદ માત્ર અને માત્ર એક નામમાત્ર હતું.

આપણા ભાઈશ્રી કટારીયાનો તર્ક તો જુઓ.

દરેક સંત સૌ પ્રથમ પાપી હોય છે. દાખલા તરીકે વાલ્મિકી. માટે જનતાને એક સંદેશો આપો કે જનતા નરેન્દ્ર મોદીને સંત ન માને. અને બાકીના હે સંતો તમારું કર્યું કાર્યું ધૂળ બરાબર છે.

આમ તો નરેન્દ્ર મોદીને કેટલાક ધર્મ ગુરુઓ ભેટતા હોય તેવા ફોટાઓ સમાચાર પત્રોમાં ૨૦૦૮ની ચૂંટણી વખતે પ્રગટ થયેલા. અને આપણા નહેરુવીયન કોંગ્રેસવાદીઓએ અને મોદીવિરોધી સમાચાર પત્રોએ, તેને પોતાની ચૂનાવી જાહેરાતોમાં છપાવીને કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો આપેલ કે જુઓ તમારો નેતા મોદી, કેવો શેતાન છે. હવે આપણા આ કટારીયાભાઈ, નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મગુરુઓને ભેટતા તાજેતરના ફોટાઓ જોઇ એમ કહે છે કે નરેન્દ્ર મોદી કટ્ટર આરએસએસવાદી હોવા છતાં તેઓ વડાપ્રાધન થયા એટલે બદલાઈ ગયા છે તેવો દેખાવ કરે છે. માટે આ માણસ એનેગ્મેટિક લાગે છે પણ એ વાસ્તવમાં મીંઢો છે. વાહ ભાઈ વાહ . તમે તો તમારા અજ્ઞાનને પણ તમારું તર્ક માટેનું શસ્ત્ર સમજો છો.

આપણા કટારીયાભાઈ,  એનિગ્મેટિકનું ડીંડવાણું આગળ ચલાવે છે, નરેન્દ્ર મોદીને આ ડીંડવાણું કેવી રીતે લાગુ પડે છે તે બતાવવાની તસ્દી તેમણે લીધી નથી. તેથી ત્યાં તમે નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને ગોઠવી દો તો ચાલે.

જોકે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ઘેલા છે અને નહેરુવંશીઓને વ્હાલા થવા માટે તેઓ બેફામ બોલે છે. નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખોબ્રાગડેના કેસમાં વિદેશમંત્રી એવી પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી અમેરિકાની સરકાર પાસે માફી નહીં મંગાવું ત્યાં સુધી દિલ્લીમાં પગ મુકીશ નહીં.

યાદ કરો ગાંધીજીના શબ્દો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી મારા હરિજન આશ્રમમાં પગ નહીં મુકું. “પગ નહીં મુકું” એમ કહેવાથી સજ્જન થવાતું નથી. ધ્યેય હાંસલ કરવું પડે છે. ગાંધીજી સજ્જન હતા એટલે તેમણે તેમની પ્રતિજ્ઞાનું પાલન કરેલુ. આપણા કટારીયાભાઈ તો નહેરુ અને તેમના વારસદારોએ લીધેલી પ્રતિજ્ઞાઓ યાદ કરતા જ નથી. શઠની પ્રતિજ્ઞા પાણી ઉપર લખાયેલા અક્ષરો જેવી છે.

કાન્તિભાઈ કટારીયા એવું માને છે કે કોઈએ કયાંક કશું કોઈને વિષે સારું કહ્યું, જેમકે મોદી અકળ છે, તો મોદી તેવા નથી એમ કહી દો એટલે પત્યું. કોઈએ મોદીને કશું સારું કહ્યું તો કહી દો કે તે વ્યક્તિ તો બે બદામની હતી.

કરણ થાપરને મોટો ભા જાહેર કરો. અને પછી કહો કે કરણ થાપરના સવાલો તીક્ષ્ણ હતા. અને મોદીભાઈએ તેના સવાલોનો જવાબ ન આપવાની ઘૃષ્ટતા કરેલી. માટે મોદી પાપી છે.

કરણ થાપર અને પ્રભુ ચાવલા એ બેમાં સુજ્ઞ પત્રકાર કોણ? આ સવાલનો જવાબ અલ્પજ્ઞ વ્યક્તિ પણ આંખો બંધ કરીને કહી શકશે કે પ્રભુચાવલાની તોલે કરણ થાપર તો શું કોઈ પણ ન આવી શકે. કારણ કે પ્રભુ ચાવલામાં પ્રશ્નની સંચરચના કરવા માટેની અદભૂત આવડત છે. પ્રભુ ચાવલા પોતે ધારેલા પ્રશ્નો, સામેની વ્યક્તિને અપમાન જનક ન લાગે તે રીતે પૂછી શકે છે. કરણ થાપરમાં એટલી આવડત નથી અને નથી જ. કરણ થાપર તો સાવ અણઘડ જ લાગે છે. હવે જો પ્રભુચાવલા નરેન્દ્ર મોદીનો ઈન્ટર્વ્યુ લઈ શકે અને કરણ થાપર ન લઈ શકે તો, ખાટલે ખોડ, કરણ થાપરમાં જ છે. આપણા કટારીયા ભાઈ આ બાબતનો ફોડ ન જ પાડે.

આપણા કટારીયાભાઈનો ગર્ભિત અને અસંપ્રજ્ઞાતમનમાં પડેલો હેતુ તો “એનેગ્મા” વિષે તેમણે જે કંઈ પેટમાં નાખેલું તે બહાર કાઢવાનું હતું જેથી અજ્ઞજનોના ના જ્ઞાનમાં એનેગ્મા વિષે વૃદ્ધિ થાય.

મહાત્મા ગાંધીને ભાંડનારા પણ હતા

જ્યારે મહાત્મા ગાંધી જીવતા હતા ત્યારે તેમને “મહાત્મા”ને બદલે “મહાતમા” એટલે “તામસી મનોવૃત્તિવાળા” એમ કહેવાવાળા પણ હતા. તેઓના સંતાનો અત્યારે પસ્તાતા હશે!

મહાત્મા ગાંધીની “સ્વદેશી” અને “સવિનય કાનૂન ભંગ” ની વાત ઘણાબધા મહાન નેતાઓને પસંદ ન હતી. પણ ૧૯૪૨-૪૩ સુધીમાં તેમાંના મોટા ભાગનાને એ બંને વાતો સાચી લાગી ગયેલી. તેઓ સૌ સુજ્ઞ અને સંસ્કારી અને ધિરજવાળા હતા, તેઓએ કદી મહાત્મા ગાંધી ઉપર ઉલટીઓ કરી ન હતી.

જોકે ગાંધીજીએ કહેલ કે દુઝણી ગાય પાટુ મારે તો પણ ખમી લેવું જોઇએ.

નરેન્દ્ર મોદીમાં આ ગુણ છે.

ચમત્કૃતિઃ

સંસ્કૃતમાં એક શ્લોક છેઃ

જેઓ બીજાના હિત માટે પોતાનો સ્વાર્થ તજીને કામ કરે છે તે લોકો સજ્જનો છે,

જેઓ બીજાને નુકશાન ન થાય તે રીતે પોતાનું કામ કરે છે તે લોકો મધ્યમ લોકો છે,

જેઓ બીજાનું અહિત કરી પોતાનો સ્વાર્થ સાધે છે તે લોકો રાક્ષસ લોકો છે,

પણ જેઓ નિરર્થક જ બીજાને નુકશાન કરે છે તે લોકો કોણ છે તે અમે જાણતા નથી.

શિરીષ મોહનલાલ દવે

૨૬ નવેમ્બર ૨૦૧૪ ના દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલ કાન્તિભાઈ ભટ્ટના લેખના પ્રતિભાવ રુપે.

ટેગ્ઝઃ એનીગ્મા, અકળ, મહાત્મા, મહાતમા, ઉલટી, નહેરુવીયન, ઘેલા, મીંઢા, ગાંડા, અસંપ્રજ્ઞાત, ડીંડવાણું, પ્રકાશભાઈ, કટારીયા, કાન્તિભાઈ, કટ્ટર, આર એસ એસ, સ્વદેશી, સવિનય કાનૂનભંગ, પ્રભુ ચાવલા, કરણ  

Read Full Post »

%d bloggers like this: