Feeds:
Posts
Comments

Posts Tagged ‘૨૦૦૨’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

%d bloggers like this: