Feeds:
Posts
Comments

Posts Tagged ‘તેલઘાણી’

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »