Feeds:
Posts
Comments

Posts Tagged ‘બા’

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »