ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન
મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ
મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨૦ થી ૧૯૪૭ સુધીનો. તે વખતે ભારતની સંસ્કૃતિ ગ્રામીણ સંસ્કૃતિ હતી. તે અગાઉ નો સમય પણ ગ્રામીણ સંસ્કૃતિ નો હતો. ગ્રામીણ સંસ્કૃતિ એટલે કે ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી. કૃષિ અને ગ્રામોદ્યોગ ઉપર આધારિત હતી.
ભારતમાં ગૃહઉદ્યોગ ના જે સાદાં મશીનો હતાં તેમાં માણસ પોતે પણ મશીનનો એક ભાગ હતો.
આ પ્રકારના ઉત્પાદનની પ્રણાલી વિકેન્દ્રિત ઉત્પાદન ગણાય છે. ઉત્પાદન વિકેન્દ્રિત હોય અને ઉત્પાદક પોતે જ મશીન નો એક ભાગ હોય છે. તે મશીનના એક ભાગ ઉપરાંત, મેનેજર, સંગ્રાહક, વિતરક અને વિક્રેતા પણ તે પોતે જ હોય છે. મોટે ભાગે તે એ જ ગામનો હોય છે જ્યાં ઉત્પાદન કરતો હોય છે. વળી મોટો ગ્રાહક પણ તેનું ગામ જ હોય છે, એટલે ગામ સ્વાવલંબી હોય છે.
પ્રણાલી જ્યારે આવી હોય ત્યારે ૨+૨ કે ૩+૩ કે ૪+૪ વિગેરે લેનના રસ્તાઓની જરુર પડતી નથી. ભારતમાં આ વિકેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી હજારો વર્ષથી સફળતા પૂર્વક ચાલતી હતી.
અર્થશાસ્ત્ર નહીં પણ અનર્થશાસ્ત્રઃ
પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને મશીનો ઉત્પાદન કરતાં થયાં. મશીનો માણસે બનાવ્યા છે. માણસ પણ એક રીતે જોઇએ તો ઈશ્વરે બનાવેલું મશીન છે. એટલે માણસે બનાવેલાં મશીનો, ઈશ્વરે બનાવેલા મશીનો સામે ટક્કર ન લઈ શકે. આ કારણથી અંગ્રેજોને ભારતના કારીગરો ના આંગળાં કાપવાં પડ્યાં.
પશ્ચિમે પોતાનો હજારો ગાઉ દૂર ઉત્પન્ન થતો માલ ગુલામ દેશોમાં ખપાવ્યો. આની પાછળ એક નવું અર્થશાસ્ત્ર રચાયું, ભણાવાયું અને તેની પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવી. મનુષ્યના શ્રમનો મહિમા ઓછો થયો. મનુષ્યની બુદ્ધિશક્તિને આ દિશામાં વાળવામાં આવી. જેમણે આ દિશામાં પોતાની બુદ્ધિશક્તિ વાળી તેમને સારા પ્રમાણમાં માનમોભો, શિરપાવ અને વેતન મળવા લાગ્યાં. ભારતનો ગૃહ ઉદ્યોગ નષ્ટ થયો એટલે બેકારી અને ગરીબી ઉત્પન્ન થયાં. તેને પરિણામે નિરક્ષરતા પણ આવી અને વળી વધુ ગરીબી આવી.
આ વાત ઘણી લાંબી, અટપટી અને ગૂંચવણો વાળી છે. ટૂંકમાં એમ કહી શકાય કે જથ્થાબંધ ઉત્પાદન કરવું. તેને દૂર સુદૂર સુધી લઈ જવું, તેને ખપાવવું, તેને વધુ ખપાવવું, અને આ સઘળી પ્રક્રીયાને લગતા પ્રબંધશાસ્ત્રોને લાગુ કરવાં અને વિકસાવાં જરુરી બન્યાં. આ નવા અર્થશાસ્ત્રને અનુરુપ એક નવી સમાજ વ્યવસ્થા અને તેને બિરદાવતું શિક્ષણ ઉત્પન્ન કરવામાં આવ્યું. પશ્ચિમમાં આ બધું બહુ ફુલ્યું ફાલ્યું.
પહેલાં શું હતું?
ગાંધીજી આ વાત સમજી શકેલા, કે આ એક અનર્થશાસ્ત્ર છે. તેમને યંત્રો સામે કે સુખસગવડો સામે વિરોધ ન હતો. પણ તેમાં રહેલું શોષણ, અસમાનતા અને ગુલામી સામે વિરોધ હતો.
૧૯૪૭ એટલે કે અંગ્રેજો ગયા ત્યાં સુધીમાં ભારતીય ગામડાંઓ તેજહીન થયેલાં પણ અસ્તિત્વહીન થયાં ન હતાં. નાના ગામમાં તેલની બળદ ઘાણીઓ હતી. કુંભારો હતા, મોચીઓ હતા, લુહારો હતા, કારીગરો હતા, ગોપાળો હતા. જંગલો હતા, આદિવાસીઓ હતા અને ગૌચરો પણ હતાં. ગાંધીજીએ કાંતણ અને હાથવણાટને ઉત્તેજન આપેલ તેથી એક મૃતઃપ્રાય થયેલા ગ્રામોદ્યોગને નવજીવન મળવાના સંજોગો ઉભા થયા હતા. ખાટલે ખોડ એ હતી કે આ સહુ ગરીબ હતા. કારણ કે ખરીદનારા પણ કંઈ પૈસાદાર ન હતા. ઘણી જગ્યાએ જમીનદારો હતા. તેઓ જમીનના ટૂકડા કરી ખેડૂતોને કાંતો ભાગીયા બનાવતા કે મજુરીએ રાખી ખેતી કરાવતા. તે સૌનું શોષણ થતું.
ખેડે એની જમીન નો કાયદો થયો. પણ મુંબઈ રાજય સિવાય બીજે તેનો ખાસ અમલ ન થયો. ખેત મજુરો ગરીબ રહ્યા. કારણકે મશીન કરતાં માણસ સસ્તો હતો. ઓછી જમીન વાળા ખેડૂતો પણ ગરીબ રહ્યા. કારણ કે સરકારી મદદ તેમની પાસે પહોંચે ત્યારે એક રુપીયો ૧૫ પૈસા કે ૫ પૈસા થઈ જતો. પણ તેઓ જીવી શકતા કારણ કે તેઓ ગાય કે ભેંસ રાખી શકતા એટલે આડ પેદાશમાં તેમને દૂધ અને છાસ મળતાં. જ્યારે ઢોર દૂધ ન આપતાં હોય ત્યારે તે સૌ ગૌચરની જમીન ઉપર નભતાં. પણ ગૌચરની જમીનનું કોઈ ધણીધોરી નહીં એટલે જમીન માફીયાઓ તેનો કબજો કરી લેતા. અને જમીન રેકોર્ડમાં ચેડાં કરી વેચીને કાયદેસર કરી દેતાં. સરકારી નોકરો તો આવું બધું કરવા તૈયાર જ હોય. જમીન માફીયા, સરકારી નોકરો (નોકરોમાં સર્વ અધિકારી વર્ગ પણ સામેલ જ ગણવાનો) અને ખરીદનાર ની જ્યારે મીલીભગત હોય પછી કોણ પૂછનાર જ હોય.
ક્યાં ગયું એ બધું?
હવે તમે જુઓ. અમદાવાદની જ વાત કરો. ૧૯૪૭માં મોટાભાગનું અમદાવાદ કોટની અંદર જ રહેતું હતું. કોટની બહાર રહેલા ગામડાઓથી તે ઘેરાયેલું હતું. તે દરેક ગામને પોતાના તળાવ અને ગૌચરની જમીન હતી. પાલડી, કોચરબ, માદલપુર, ઉસ્માનપુરા, નારણપુરા, કાગદીવાડ, વિગેરે જે કંઈ વિસ્તારો છે તે સૌ નાના નાના ગામ હતાં. ૧૯૪૭થી ૧૯૯૬ સુધી વચ્ચેનાં થોડાંક ચાર પાંચ વર્ષોને બાદ કરતાં ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસનું જ રાજ હતું.
તો ક્યાં ગયાં ઉપરોક્ત ગામોના તળાવો અને ગૌચરની જમીનો? તળાવોની વાત એટલા માટે થાય છે કે કેટલાંક તળાવો પણ અદૃષ્ય છે.
દરેક ગામમાં કાંતો કોઈ ભરવાડ, રબારી કે ઠાકોરે આ જમીનો કબજે કરી છે. તેઓ ની ઈચ્છાવગર તમે લારી ગલ્લા નો ધંધો પણ કરી શકતા નથી. ઉઘરાણાં તો થતાં જ હોય છે. તમે એસજી રોડ ઉપરના કે ગમે ત્યાંના પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાં જુઓ તમને ક્યાંક ને ક્યાંક ભરવાડ, રબારી, ઠાકોર કે ક્યાંક લતિફ મળશે જ. તમે તે જમીનના ૧૦૦ વર્ષના ઇતિહાસની તપાસ કરો. જમીન માફીયા જ મળી આવશે.
ગૌચરની ક્યાં વાત કરો છો? હાઉસીંગ સોસાઈટીનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં તે જોવાની જવાબદારી રજીષ્ટ્રાર ઑફ કો-ઓપરેટીવ સોસાઈટીની હોય છે. ચેરમેન અને સેક્રેટરીની ખાઉકડગીરીને લીધે ખાડે ગયેલી અને ફેલ ગયેલી સોસાઈટી ઉપર સરકારે કબજો કરવાનો હોય છે. તેને બદલે માફિયાઓ તેનો કબજો કરી લેછે. રજીષ્ટ્રારની ઓફિસ તો પૈસા બનાવવાનું કારખાનું છે. જમીનના રેકૉર્ડ ગુમ હોય છે. જે અમદાવાદ જીલ્લામાં થયું તે બધે થયું છે.
તમારે શું કરવું છે?
એક બાજુ ઉદ્યોગીકરણની વાત કરવી, વૈશ્વીકરણની વાત કરવી અને વૈશ્વિક સ્તરે ભારતના પ્રદાનની (જે વૈશ્વિક પ્રદાનના બે ટકા માંડ છે) વાતોના બણગાં ફૂંકવા અને બીજી બાજુ ગ્રામ સ્વરાજની વાત કરવી એ “વદતો વ્યાઘાત” જ નહીં પણ દંભ, વરવું રાજકારણ અને અસામાજીક તત્વોના સ્થાપિત હિતોના રક્ષણની જ વાત છે.
એક બાજુ તમારે પશ્ચિમી અર્થશાસ્ત્રના વધુ ઉત્પાદન, વધુ બજાર, વધુ ઉપભોગ અને તે માટે વધુ સારા વેતનોની વાત કરવી છે અને આ બધાને ઉત્તેજન આપવું છે, અને બીજી તરફ ગ્રામ સ્વરાજની વાત કરવી છે. એકબાજુ વિશ્વ ઇન્ટરનેટ ને કારણે એક વિલેજ બની રહ્યું છે એવી વાત કરવી છે, અને ગામડાંમાં રોજગારી માટે ઉદ્યોગોને સ્થાપવા છે બીજી બાજુ ગામડાંને તેના મૂળ બંધારણમાં રાખવા માટે ગૌચર બચાવવાની વાત કરવી તે નકરા દંભ અને કલુષિત રાજકારણની વાત છે.
ભૂતીયા ગૌચરની લાલીયાવાડીઃ
ગૌચરની જમીનનું અસ્તિત્વ શું છે? શું ગૌચરની જમીન એ કોઈ પૂરતા ઘાસ માટેની જમીન છે? શું ગૌચરની જમીન ઉપર ગામના ઢોર નભી શકે તેમ છે? કેટલા લોકો પોતાના ગૌધન ને ગૌચરની જમીનને ભરોસે મુકી શકશે? ગૌચરની જમીનમાં શું છે? ત્યાં કેટલું ઘાસ ઉગે છે? ગૌધન કોની પાસે છે? ગાય બળદનો ખર્ચો શું છે? કેટલી ગાયભેંસ ઉપર કેટલાને નભાડવા છે?
તમારે ડેરીનું દૂધ પીવું છે કે રબારીનું? રબારીને શહેરમાં રાખવા છે કે તેમની વસાહતો બાંધી તેમને ગૌચરની જમીનનો કબજો આપી દેવો છે જેથી તેઓ તે જમીન શહેરી વિકાસ થતાં બીલ્ડરોને વેચી નાખે અને અથવા પાર્ટીપ્લોટયુક્ત રેસ્ટોરાંનો ધંધો કરી શકે. શું તમારે આવું કરવું છે? તમારે કરવું છે શું?
તમારે સમજી લેવું જોઇએ કે અત્યારના ગામડાં, ૧૯૪૭ પહેલાંના ગામડાં જેવા નથી જેમાં “મીઠી માથે ભાત”, “ગ્રામ્ય માતા”, કે “ઈલાના કાવ્યો” લખી શકાય. અત્યારે તો ભૂદાનમાં મળેલી જમીનના લાભાર્થીઓ, ભૂદાનની જમીન, સર્વોદય મંડળને જણાવ્યા વગર બારોબાર બે ત્રણ જણને ગીરવે મૂકી દેતા હોય છે. અને આવી લોચાવાળી જમીનને હસ્તવગી કરવા માટેના નિષ્ણાતો અસ્તિત્વ ધરાવતા હોય છે. વળી ખેડૂતો પાણીના પૈસા પણ સરકારને ભરતા નથી. પછી સરકારને દેવું માફ કરવું પડે તેનો લાભ પૈસાદાર ખેડૂતોને પણ મળે છે. સરવાળે સરકારી કુલ રાહતમાં મોટો હિસ્સો તો પૈસાવાળા ખેડૂતોને મળ્યો હોય છે જેને વિષે કેશુભાઈ ભયભીતતાની વાતો કરે છે.
પ્રશ્ન સીમાંત ખેડૂતોના કે મોટા ખેડૂતોના કે ગોપાલોના દુર્ગુણોને કારણે, તેમને વગોવવાનો નથી. સમસ્યા છે કે પરિસ્થિતિને કેવી રીતે હલ કરવી!
નરેન્દ્ર મોદી એ શું કર્યું?
જે મદદ કરવી હતી તે સાધનોથી કરી. ગરીબમેળા અને કૃષિમેળા કર્યા અને વસ્તુઓ આપી. તેથી રુપીયામાંથી ૧૫ કે ૫ પૈસાને બદલે સીધો રુપીયો જ મળ્યો. રાજીવગાંધીની જેમ કે મનમોહન ની જેમ પદ્ધતિની કે પરિસ્થિતિની મજબુરીની વાત ન કરી. પદ્ધતિ અને પરિસ્થિતિને શાસક બદલી શકે છે નહેરુવીયન કોંગ્રેસ ૬૦ વર્ષે ન કરી શકી તે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં સિદ્ધ કર્યું.
મોદી-વિરોધીઓના ગોકીરાઓમાં કઈ ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી તે આપણે જાણતા નથી અને તે એક સંશોધનનો વિષય છે.
“ગૌચરની જમીન બચાવો” એ વાત અગર કેટલાકને ભારતીય સંસ્કૃતિ બચાવો ની વાત સાથે જોડવાની પસંદ પડતી હશે, પણ તેમાં સંસ્કૃતિને બચાવવાની વાત કરતાં “સ્થાપિત હિતોના રક્ષણ” અને “ગંજીના કૂતરા” ની વાત સાથે વધુ બંધ બેસતી લાગે છે. ખરાબાની જમીન, પડતર જમીન, કેટલીક કહેવાતી જંગલની જમીન અને ગૌચરની જમીન એ કાંતો આ જમીનોને માફીયાઓના શિકાર માટે સુરક્ષિત રાખવાનો હેતુ હોય છે અથવા તેને “જેમ છે તેમ” રાખવાની મનોવૃત્તિ “ગંજી ઉપર બેઠેલા કૂતરા” જેવી છે. એટલે કે કામ કરતી સરકારને કામ ન કરવા દેવું. હવનમાં હાડાકાં નાખવા. અને જો પ્રગતિ ન થાય, તો તો એવું કહેવાનો લાભ લેવો કે પ્રગતિ તો થતી નથી. મોદી-વિરોધીઓએ ખાસ કરીને નહેરુવંશી સરકારોએ ૬૦ વર્ષમાં કશું ન કર્યું અને હવે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ દે એવો ઘાટ થયો.
ગોપાલોએ અને ખેડૂતોએ હવે મનોવૃત્તિ બદલવી પડશે. એટલે કે મફતીયું ખાવાની અને રાહતો ઉપર રાહતોની અપેક્ષા રાખવાની જ નહીં પણ રાહત માત્ર ઉપર આધાર રાખવાની વૃત્તિ બદલવી પડશે. નહેરુવીયન કોંગ્રેસની પાસે દીર્ઘ દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ છે તે જનતાએ નહેરુવંશના છ દાયકાના શાસનને પૂરબાહરમાં અનુભવ્યું છે. જનતાએ પણ સમયની માગ ને સમજવી પડશે કે વ્યવસાયીઓએ પગભર થવું પડશે. સરકારનો હેતુ સૌને પગભર કરવાનો હોવો જોઇએ. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદના મોહતાજ રાખવાનો ન જ હોવો જોઇએ.
ભૂમિઃ શાંતિઃ । વનસ્પતયઃ શાંતિઃ ॥
ખરી સંપત્તિ જમીન અને વનસ્પતિ છે. જમીન હશે તો પુનઃ પુનઃ ઉત્પાદન થશે. જમીન હશે તો વૃક્ષો વવાશે. વૃક્ષોની વૃદ્ધિને અટકાવવી અને જમીનનો દુરુપીયોગ કરવો એ માનવ જાતનો જ નહીં સજીવ સૃષ્ટિ અને પૃથ્વીનો પણ વિનાશ નોંતરી શકે છે.
જમીન ઉપર સૌપ્રથમ વૃક્ષોનો હક્ક છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું કે જમીન ઉપર બંગલાઓ બાંધવા એ જમીનનો દુરુપીયોગ છે. જમીન ઉપર અનાજ વાવવું તે પણ જમીનનો દુરુપીયોગ છે. કદાચ આ છેલ્લી બે વાત થી ઘણાને આશ્ચર્ય થશે, પણ એક બે દાયકામાં આ વાત અહિંસક સમાજમાં જેઓ શ્રદ્ધા ધરાવે છે તેમને નહીં સમજાઈ હોય તો સમજાઈ જશે.
ઘાસ અને અનાજને ઉગાડવા માટે ૬ થી આઠ ઈંચ નો જમીન નો સ્તર જોઇએ. તે તમે મલ્ટી લેયર (બહુમાળી) ખેતી માટેના બાંધકામ દ્વારા કરી શકો. પૃથ્વીની જમીનનો ફક્ત વૃક્ષો વાવવા માટે ઉપયોગ કરો. કારણ કે વૃક્ષ પોતે, મલ્ટીલેયર ઉત્પાદન કરે છે. તે ઉપરાંત તે એક નાનો પાણીનો સંગ્રાહક (ડેમ) છે. તે પ્રાણવાયુ આપે છે. તે ઠંડક આપે છે. તે વાતાવરણમાં ભેજને સાચવે છે, તે વરસાદ લાવે છે. તે ખાતર આપે છે. તે ફળો આપે છે, તે જમીનની ફળદ્રુપતા વધારે છે. તે રોજી આપે છે. જો આ બધા ફાયદાઓનો સરવાળો કરીએ તો એક વૃક્ષ ૧૫ વર્ષમાં ૪૦ લાખ રુપીયા જેટલું કામ કરે છે.
ભારતના ગામડાંઓનું હાલનું અસ્તિત્વ એટલે કે હાલની રચના, એ જમીનનો દુરુપયોગ અને બગાડ છે. તેવીજ રીતે બંગલાઓ અને ચાર પાંચ મજલા વાળી શહેર અને કસ્બાની સોસાઈટીઓ પણ જમીનનો દુરુપયોગ અને બગાડ છે.
જેમ નુક્કડનું વિકસિત સ્વરુપ બહુમાળી બજારો એવા આયામોએ (કોંપ્લેક્સોએ) લીધું છે અથવા લઈ રહ્યા છે અને લઈ લેશે, તેવી જ રીતે હવે રહેણાક માટે અને ગામડાઓ માટે પણ બહુમાળી આયામોએ સ્થાન લેવું પડશે. તેને માટે આપણા સ્થાપત્ય નિષ્ણાતોએ ભેજાનું દહીં કરીને આપણી સંસ્કૃતિને અનુરુપ બહુમાળી આયામોના ઘાટ ઘડવા પડશે. આ અઘરું નથી. આ કોઈ મોટો પડકાર પણ નથી. જેઓ વિરાટકાય ઍરપોર્ટનો ઘાટ ઘડી શકે છે તેઓને માટે તો આ નાનું કામ છે.
અન્ન ઉત્પાદનની પ્રણાલીઓ, ઉર્જાશક્તિ ઉત્પાદનની પ્રણાલીઓ , જીવન જરુરી વસ્તુઓના ઉત્પાદનની પ્રણાલીઓ આપણે વેળાસર બદલવી પડશે. “ગૌચર બચાવો, ગૌચર બચાવો”, કે “ખેડુ જગતનો તાત” કે પનીહારીઓના કાવ્યોનો પાઠ કરવાનો જમાનો નથી.
ભારત સ્વતંત્ર થયું ત્યારે વસ્તી ૩૫ કરોડ હતી. હવે ભારતની વસ્તી સવા અબજની છે. માનવ સમાજ અહિંસક બનવા તરફ જઈ રહ્યો છે. જે સૂઈ રહ્યો છે તેનું ભવિષ્ય સુતેલું રહે છે. જે બેઠેલો છે તેનું ભવિષ્ય બેઠેલું રહે છે. પણ જે ચાલે છે તેનું ભવિષ્ય આગળ ધપે છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ ગ્રામ્ય, સંસ્કૃતિ, ગામડા, સ્વાવલંબી, અનર્થશાસ્ત્ર, ઔદ્યોગિક ક્રાંતિ, ગુલામી, વિકેન્દ્રિત, ઉત્પાદન, ઉર્જાશક્તિ, આયામો, પ્રણાલી, બહુમાળી, ૬૦ વર્ષ, ૫ વર્ષ,
[…] મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E… […]
LikeLike
[…] આ વાતની ચર્ચા તો આપણે કરેલી જ છે. ( Ref: https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E…) […]
LikeLike