Feeds:
Posts
Comments

Archive for April, 2013

ગાંધીવાદીમાંની સાદાઈ અને સાદાઈમાં ગાંધીવાદ

આમ તો મે માસ આવશે. એટલે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ આવશે એટલે કેટલાક મૂર્ધન્યોના હાથને ચળ આવશે.

સાલુ આમ તો નહેરુની ટૂંકી દીર્ઘ દૃષ્ટિના અભાવને લીધે અને તેમના સંતાનોના સ્વાર્થી નિર્ણયોને લીધે દેશ અવનતિનીમાં ગર્ત થયેલો છે. પણ નહેરુની ઐતિહાસિકતાને તો સૂપેરે મુલવવી જ પડશે એવું ઘણા મૂર્ધન્યો માને છે. જેમ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પોતાને સંવેદનશીલ ગણાવનારાઓમાં સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં મોહાન્ધ થવાની ફેશન હતી, તેમ ભારતના કેટલાક પોતાને રેશનાલીસ્ટ ગનાવનારાઓમાં નહેરુપ્રત્યે મોહભાવના હતી.   

Mahatma Gandhi (6)

સંમોહન

આમ તો સંમોહન વિષે ગીતાએ પણ ફોડ પાડીને કહ્યું છે કે તેથી બુદ્ધિ નષ્ટ પામે છે. પુરુષો પણ પુરુષોને સંમોહિત કરી શકે છે. પુરુષ પણ ઘણા પરિબળો જો પ્રાપ્ય હોય તો તે તેનો ઉપયોગ કરીને લોકોને સંમોહિત કરી શકે છે.

નહેરુ પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. ગાંધીજી પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. પણ બંનેના પરિબળો અલગ અલગ હતા. ગાંધીજી પાસે વૈચારિક અને આચારોનું પરિબળ હતું. નહેરુ પાસે પૈસા અને પ્રદર્શનીય આચારોનું પરિબળ હતું.

સ્વાતંત્ર્યની ચળવળના સમયમાં નહેરુએ તેમનું ઘર ધર્મ શાળા જેવું બનાવી દીધું હતું. બધા નેતાઓ તેમને ત્યાં ઉતરતા અને નહેરુના ઘરમાં નોકરચાકરો દ્વારા તેમનું ધ્યાન રખાતું હતું. વળી ગાંધીજીની અહિંસક ચળવળ અને તેમની વૈચારિક વ્યુહરચનાઓનો અમલ થતો હતો. એટલે મહાવીર ત્યાગી જેવા નેતાઓ પણ નહેરુથી સંમોહિત થતા હતા.

સંમોહિત થવું આમ તો સહેલું છે. પણ જ્યારે વૈચારિક અને આચારના વિરોધાભાષો ઉભા થાય અને જે પરિણામોની આશા રાખવામાં આવી હતી તે પરિણામો પ્રમાણમાં સંતોષજનક ન હોય અને અથવા ઉંધા હોય તો મોહભંગ થઈ શકાય છે.

આવો મોહભંગ ભોગીભાઈ ગાંધીને સામ્યવાદીઓથી અને લોહીયાને નહેરુના સમાજવાદથી થઈ ગયો હતો.

સ્વતંત્રતા મેળવ્યા પછી, ઘણા લોકોને નહેરુ પ્રત્યેના મોહનો ભંગ થવા માંડ્યો હતો. ગાંધીજીને કદાચ સૌ પ્રથમ મોહભંગ થયો હશે. પણ ગાંધીજી સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જીવ્યા નહીં તેથી નહેરુનો ખુલ્લો બહિષ્કાર જોવા ન મળ્યો. પણ મહાવીર ત્યાગી, રામમનોહર લોહીયા જેવા ઘણાએ તેમની ખુલ્લેઆમ ટીકા કરેલી. આ બંને પણ સમાજવાદી જ હતા. એક કોંગ્રેસમાં હતા અને એક કોંગ્રેસની બહાર હતા.

આપણું ધ્યેય નહેરુને પ્રગતિશીલ બતાવવાનું છે

નહેરુના વલણનું પૃથક્કરણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું અને મોહભંગ થવું એ બધી જ વ્યક્તિઓની પ્રાથમિકતા ન હોય. એટલે ઘણા મૂર્ધન્યો, સમાચારપત્રોના વિદ્વાનો અને મહાપુરુષોનો મોહ નહેરુ જીવ્યા ત્યાં સુધી અને તે પછી પણ ચાલુ રહ્યો. અને હજી પણ તે દેખા દે છે. ખાસ કરીને નહેરુનો જન્મદિન નજીક આવે ત્યારે.

આપણા આવા એક મૂર્ધન્ય નો લેખ ૨૮મી એપ્રીલ ૨૦૧૩ રવિવારના દિવ્યભાસ્કરમાં જોવા મળ્યો.

આપણા આ લેખકશ્રી માનનીય છે. તેમની તટસ્થતા માટે તેઓ જાણીતા છે એ વિષે બે મત નથી. પણ ક્યારેક તો વિવાદ ઉત્પન્ન થાય જ. કેટલીક વખત સત્ય કરતાં ધ્યેયને વધુ મહત્વ આપી દેવાય તો આવી ભૂલ થાય છે.

કોઈ વ્યક્તિનો જન્મદિન હોય તો તેને શ્રાપ તો ન જ અપાય. બહુ બહુ તો મૌન રહી શકાય. પણ મૌન રહીએ તો આ એક અવસર જતો રહે એટલે મૌન ન રહી શકતા હોઈએ તો મભમ મભમ બોલીયે. પણ આપણ્રે જો નક્કી જ કર્યું હોય કે આપણે તરફમાં જ બોલવું છે તો પછી મગજને કસરત આપવી જ પડે.

નહેરુ ગાંધી વચ્ચે નો વિસંવાદનો સંવાદ

નહેરુની લોકપ્રિયતા, સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન તેમણે કરેલી કારકિર્દીને કારણે હતી. ખાદી, સાદગી, યંત્રોના વપરાશ અને સરળતા બાબતમાં નહેરુ અને ગાંધીજી વચ્ચે કેવા મતભેદો હતા તે વિષે આપણા જેવા સામાન્ય માણસો જાણતા નથી. પણ બીજાઓ કંઈક જાણે છે તેવું આપણને લાગે છે. હવે જો આપણે આપણા ઉપરોક્ત લેખકની વાતોને અને તારણોને સાચા માનીએ તો નહેરુનું મૂલ્યાંકન કેટલું સાચું છે તે વાત તો જવા જ દો, પણ ગાંધીજીને તો ભારોભાર અન્યાય થાય છે.

ઉપરોક્ત લેખકશ્રીને થયું, ચાલો શબ્દોની રમત રમીએ અને નહેરુ કેવા પ્રગતિશીલ હતા તે સિદ્ધ કરીએ.

આપણા મૂર્ધન્યશ્રીએ અમુક શબ્દો પકડ્યા. શાશ્વત સત્ય, અશાશ્વત સત્ય. શાશ્વત ગાંધી, અશાશ્વત ગાંધી.

આપણા મૂર્ધન્યશ્રીએ રેંટીયો અને ખાદી એટલે અશાશ્વત ગાંધી એવું કંઈક તારવ્યું છે. સંદેશ તો એવો જ લાગે છે.

શું ગાંધીજી પોતે જ ખાદીને શાશ્વત માનતા હતા? એવું લાગતું તો નથી જ. પણ આવું અશાશ્વત ગાંધીજીને નામે કેમ ચડાવી દીધું? જે વાત ગાંધીજીએ કહી નથી, એટલે કે જે ગાંધીજીનું નથી તે ગાંધીજીને નામે ચડાવી દેવું અને પછી બીજાને સાચા પાડવા માટે ગાંધીજીને ખોટા પાડવા. આને કેવી રમત કહેવી?

રજનીશને આવી કળા હસ્તગત હતી. જોકે આવી ટેવને કળા કહેવી એ કળાનું અપમાન છે. રજનીશના ચાહકોની નજર એવી તીક્ષ્ણ ન હતી કે તેઓ રજનીશની આ ચાલાકી પકડી શકે. તેમની કક્ષા તો બકરીની ત્રણ ટાંગની ચર્ચા જેવી હતી. જોકે હું આ મૂર્ધન્યશ્રીને રજનીશ સાથે નહીં સરખાવું. કારણ કે રજનીશની તો આવી આદત હતી. આપણા મૂર્ધન્યશ્રીની આ આદત નથી. પણ ઘણીવાર એવું બને કે આપણે તાનમાંને તાનમાં ઉંડું વિચાર્યા વગર કહી નાખીએ એવું કદાચ આ મૂર્ધન્યશ્રી વિષે બન્યું હોય.

ગાંધીજીને ખાદી વિષે શું કહેવું હતું?

ખાદી વિષે તો ગાંધીજીએ પુસ્તક લખ્યું છે. જેઓ ઉંડું વિચારી શકે છે તેઓ આ પુસ્તક ન વાંચે તો પણ ચાલે. ગાંધીજીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ખાદી શા માટે?

ગાંધીજીનો જવાબ શું હતો? “મારી સામે ભારતની બેકાર ગરીબ જનતા છે. તેમને તમે તાત્કાલિક કઈ રોજી આપી શકો તેમ છો?”

ગાંધીજીનો જવાબ અને તેમનો સવાલ જ ઘણું બધું કહી જાય છે.

તમે એવી ઘૃષ્ટતા તો નહીં જ કરો કે ગાંધીજી ભારતની જનતાને બેકાર અને ભૂખે ટળવળતી રાખવા માગતા હતા. તો પછી ગાંધીજીની ખાદીની વાત ગાંધીજીની દૃષ્ટિએ પણ અશાશ્વત જ હતી. ગાંધીજીની ખાદીની પ્રસ્તુતિ સમયની માગને અનુરુપ હતી.

જો માણસની જીંદગીની લંબાઈ જેટલા સમયગાળા દરમ્યાન પણ નહેરુના વાદને કારણે   બેસુમાર લોકો બેકારી અને ગરીબી સબડતા હોય તો તેમને માટે તો ખાદી શાશ્વત જ ગણાય. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

ટૂંકમાં જ્યાં સુધી ખાદી કે જેની અશાશ્વતતા (ઈર્રેલેવન્સ, અપ્રસ્તુતિ)  પાકી નથી તેને તમે કેવી રીતે “અપ્રસ્તુત” જાહેર કરી શકો?

ફેશનના મોહમાં અંધ થવું

જેમ નરેન્દ્ર મોદીને ૨૦૦૨ સાથે સાંકળવાની પોતાને સેક્યુલર માનતા સ્યુડો સેક્યુલર લોકોની ફેશન  છે તેમ ગાંધીજી, યંત્રના વિરોધી હતા એવું માનવાની કેટલાક અર્ધદગ્ધ લોકોની એક ફેશન છે.

ગાંધીજી યથાયોગ્ય (એપ્રોપ્રીએટ) ટેક્નોલોજીમાં માનતા હતા. સીલાઈ મશીન પણ એક યંત્ર છે. ગાંધીજી તેના વિરોધી ન હતા. મનુષ્યના શ્રમને ઓછો કરે તેમાં ગાંધીજીને વાંધો ન હતો. સગવડોના ગુલામ થવું અને અથવા સમાજવ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી સક્ષમ લોકો સગવડોના ગુલામ થઈ જાય અને સમાજમાં લોકોમાં એવી અસમાનતા ઉત્પન્ન થાય કે તેઓ સહકાર અને સંવાદ જ ન કરી શકે તો એવી અસંવેદનશીલ વિઘાતક સગવડોનો અર્થ શો? 

સગવડોને ઓછી ભોગવવી, કરકસર કરવી વિગેરે જેવી અનેક બાબતો ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલી. તેનું કારણ ગરીબો પ્રત્યેની તેમની સંવેદનશીલતા હતી.

નહેરુની આત્મવંચના

ગાંધીવાદીઓ વિષે નહેરુના ઉચ્ચારણ કંઈક આવા હતા, “કૃશ શરીર અને નિસ્તેજ દેખાવમાં જ સાધુતા રહેલી છે એવી કલ્પના આ ગાંધીવાદીઓમાં ઘરઘાલી બેઠી છે.” આવું આપણા મૂર્ધન્યશ્રીએ ઉદ્ધૃત કર્યું છે.

ધારો કે ગાંધીવાદીઓ આવા છે. તો તેઓ બે કારણસર આવા હોઈ શકે.

કાંતો તેઓ ગાંધીજીને જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે તેઓ સ્વેચ્છાએ આવા છે

અથવા તો તેઓ ગરીબાઈને લીધે અછતને કારણે આવા છે.

હવે જો તેઓ ગરીબાઈને કારણે આવા હોય તો તે ગરીબાઈ તેમને સ્વેચ્છાએ મળેલી છે કે તે ગરીબાઈ તેમને અણઆવડત અને નિસ્ફળતાને કારણે મળેલી છે?

આ પ્રશ્નોના જવાબો તમે ન આપો અને ગાંધીવાદીઓની બુરાઈ કરો તો તમે જનતાને એક જુદો જ સંદેશો આપો છો. નહેરુના મનમાં તો દંભ હતો જ, પણ જો તમે તેને પુરસ્કૃત કરો તો તમારા અસંપ્રજ્ઞાત માનસમાં દંભ બેઠેલો છે એવું નિસ્પન્ન થાય છે.

મેં જેટલા ગાંધીવાદીઓને જોયા છે તેઓ સૌ સ્વેચ્છાએ સ્વિકારેલી સાદગીમાં અને કરકસરમાં જીવે છે. તેઓમાંના ઘણા તો ઉચ્ચ શિક્ષણ લીધેલા છે અને તેમણે ઉચ્ચ હોદ્દાઓ પણ ભોગવેલા છે. બાકીનાઓ પણ આવડતમાં કંઈ કમ નથી.

ગાંધીવાદીઓની સાદાઈ અને કરકસરના મૂળમાં તેમનો કોઇ ફોબીયા નથી. જો નહેરુ અને નહેરુથી મોહિત મૂર્ધન્યો જો ગાંધીવાદીઓમાં કોઈ પ્રકારનો ફોબીયા જુએ તો એ અણઘડપણાની જ નહીં પણ પોતાની અંદર રહેલી રાક્ષસી ન્યુનતાને છૂપાવવાનો પ્રપંચ અને એક  માયાજાળ છે.

મજબુરીકા નામ મહાત્મા ગાંધી

નહેરુ જેવું વલણ રાખવું એ કંઈ નવી વાત નથી. આવો ભળતો તર્ક ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમકે “મજબુરીકા નામ મહાત્મા ગાંધી”. સત્યાગ્રહ અને અહિંસાને પણ કાયરતા છૂપાવવાની ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. જોકે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું.

એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે “… અમારે ઘર હતા, વહાલાં હતાં, … અમે વતનને કાજે બધું છોડીને નિકળી પડેલા…  ભાઈ … કદાચ અમારી હયાતીમાં સ્વતંત્રતા આવે કે ન આવે. પણ ધારો કે ભવિષ્યમાં તમારા જુદી જાતના પ્રયત્નોથી સ્વતંત્રતા આવે તો અમને પણ એક પળ માટે યાદ કરી લેજો, ભલે અમને લાખો ધિક્કાર આપજો અને ભાન ભૂલેલા કહેજો, પણ કદીય અશક્ત (કાયર) ન કહેશો.

કાર્યશીલ ગાંધીવાદીઓ તો તીર્થભૂમિ છે. તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપ ભવિષ્યતિ. એટલે કે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ જેવું કદીય દૂર ન થાય તેવું હોય છે.

જોકે નહેરુના સમયમાં ઘણા સંનિષ્ઠ મહાનુભાવ ગાંધીવાદીઓ કાર્યરત હતા. આજે પણ છે. ખાદીમાંથી સરકારી અને વહીવટી ભાવનાત્મકતા જતી રહી હશે. છતાં ઘણામાં એ સંવેદના છે કે જો આપણે ગૃહઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનને પ્રાધાન્ય આપીશું તો જેઓ બેકાર અને ગરીબ છે તેમને થોડા તો મદદ રુપ થતાં હોઈશું. આવું વિચારીને પણ તેઓ ખાદી છોડી શકતા નથી.

ચમત્કૃતિઃ

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાનમંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાનમંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાનનો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

Lester B Pearson

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

વધુ માટે વાંચો “ ચોક્ખું ઘી અને હાથી” વેબપેજ treenetram.wordpress.com

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, નહેરુ, ખાદી, યંત્ર, શાશ્વત, અશાશ્વત, સાદગી, કરકસર, ગરીબી, બેકારી, મૂર્ધન્ય, સમાજવાદ, ફોબીયા, દંભ, માયાજાળ, મોહ, મોહાંધ

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો

આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.

રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.

હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું

કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.

હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.

જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.

સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.

નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે

રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.

એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.

આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી  કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.

આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.

દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને,  કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.

રજીસ્ટ્રેશનઃ

એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?

જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.

દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.

જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.

દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ,  કે  પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.

દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.

દાખલા તરીકે એક દુકાન

દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.

આ કેવીરીતે થઈ શકે?

જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.

તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?

જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.

વેબસાઈટ ફરજીયાત બનાવોઃ

દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.

જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.

પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ

આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?

જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.

આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?

જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.

તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.

તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.

તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.

આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.

અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.

જુઓ અનુસંધાન લીંકઃ 

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

 https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.

જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.

 જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.

જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.

રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.

મફતમાં માલિકી નહીં

સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.

સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.

જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.

નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.    

સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ

માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ

હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.

માહિતિનો અધિકારઃ

રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.

આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.

હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.

ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.

ચૂંટણી પંચઃ

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.

ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.

એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્‌કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.

હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.

વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.

વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.

ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં  વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.

ચૂંટણીઃ

ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.

ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.

મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.

આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.

પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.

પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?

સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.

યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.

હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.

જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.

જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને શિખંડીઓ

convenience for shopping

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આમ તો સીબીઆઇ ના કાર્યક્ષેત્રમાં આવે છે, સીબીઆઈ પોતે આ જાણે છે કે કેમ તે આપણે જાણતા નથી. સીબીઆઈ સહદેવથી એક કદમ આગે છે. સહદેવ બધું જાણતો હોય પણ તે તો તમે પૂછો તો કહે. સહદેવને તમે ન પૂછો તો સહદેવ તમને કંઈ કહે નહીં. સીબીઆઈ તો કેન્દ્ર સરકાર કે ઉચ્ચન્યાયાલય કહે તો જ કામ કરે.

ઓર્ગેનાઝ્ડ ક્રાઈમ એટલે ભેગા મળીને ગુનો/ગુનાઓ કરવા. જેઓ આમાં સંડોવાયેલા હોય કે ન હોય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ પામ્યા હોય તે સૌ ગુનામાં સામેલ થયેલા ગણાય. આ ગુનાઈત સંડોવણીવાળાઓ જો તપાસ થાય તો તેઓ એક બીજાનો બચાવ કરે છે.

આપણે આની ફિલોસોફીકલ ચર્ચા ન કરીએ પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમથી આમ જનતા એટલે કે જેનો હિસ્સો આમાં સંડોવાયેલો નથી તે કેટલી ત્રસ્ત છે તે જોઇએ.

હાલ આપણે જમીનને લગતી બાબતો જ વિચારીએ.

જમીન માફીયાગીરીઃ

કબજો સર્વોપરી છે. શું કામ? કારણ કે જેનો કબજો છે તે તેના જીવનનો આધાર છે. માટે તમે તેને અધારહીન ન કરી શકો. જો કબજાવાળી વ્યક્તિનો કબજો ગેરકાયદેસર હોય તો પણ તેને તમે ખાલી ન કરાવી ન શકો.

તો આમાં સરકાર શું કરે છે?

પહેલાં તો સાબિત કરવું પડે કે કબજો ગેરકાયદેસર છે. આ કામ ન્યાય ખાતાનું છે. એટલે જે કોઈ ત્રસ્ત હોય તેણે મામલતદાર થી શરુ કરી કલેક્ટર લેવલ સુધી તો પોતાનો કેસ લડવો પડે.

ધારો કે જમીનનો કબજો ગેરકાયદેસર છે તેમ સાબિત થઈ ગયું તો જમીનનો કબજો જેનો હક્ક છે તેને સોંપવાનું કામ કલેક્ટર એટલે કે રેવન્યુ ખાતાનું છે. એટલે તે પોલીસને ઓર્ડર આપે અને પોલીસ તમને કબજો અપાવે.

હવે જો સામેવાળા ગુન્ડા હોય તો તેઓ મળતીયા દ્વારા ફરીથી કબજો લઈ લે. તમારો હક્ક હતો. પણ તમારો કબજો તો હતો જ નહીં. હવે તમને કબજો મળ્યો પણ તમે તેનો ઉપયોગ કરવામાં વાર લગાડી અને આવું તો બને જ એટલે કે થોડી વાર તો લાગે જ. તે સમય દરમ્યાન તમારે ફુલ ટાઈમ ચોકીદાર રાખવો પડે. જો ચોકીદારને તમે ત્યાં રહેવાની ગોઠવણ ન કરવા દેવા માગતા હો તો તમારે ચોકીદારો રાખવા પડે. ચોકીદારોને સીફ્ટ ડ્યુટી આપવી પડે. એટલે કે ત્રણ ચોકીદાર રાખવા પડે. આ તો પોષાય નહીં. એટલે એક ચોકીદારને તેના ફેમીલી સાથે રાખવો પડે. ચોકીદાર પણ માણસ છે. એટલે તે ખુલ્લા આકાશ તળે પોતાની ડ્યુટી બજાવી ન શકે તેથી તેને એક કેબીન કરી દેવી પડે. તમે કેબીન કરો કે તંબુ કરો કે તેને એક ઝુંપડું કરવા દો તે બધું એકનું એક છે. તમારો ચોકીદાર એવો તો નજ હોવો જોઈએ કે ગુન્ડાઓ તમારા ચોકીદારને ભગાડી ને તમારી જમીનનો કબજો લઈ લે. એટલે તમારો ચોકીદાર માથાભારે હોવો જોઇએ. ભરવાડ, રબારી, ઠાકોર, વાઘરી કે એવો કોઈ હોય તો ઠીક રહે.

હવે જ્યારે જમીન ઉપરના હક્કવાળા તમે અનેક હો, ત્યારે શું થઈ શકે? જેમકે કોઓપરટીવ હાઉસીંગ સોસાઈટીની જમીન, જેમાં જમીનની માલિકી સોસાઈટીની હોય અને તેના ઉપરનો હક્ક સામુહિક હોય. આવા કિસ્સાઓમાં વધુ તકલીફો ઉત્પન્ન થાય છે. સોસાઈટીના સભ્યો ક્યાંક ને ક્યાંક રહેતા તો હોય જ. કેટલાક તો બહારગામ પણ રહેતા હોય.

આપણે એક વાસ્તવિક દાખલો લઈએ

એક ભાઈને થયું કે આપણે સ્વાર્થ સાથે પરમાર્થ કરીએ. એટલે તેઓએ પોતાના બેત્રણ મિત્રો સાથે હાઉસીંગ સોસાઈટી બનાવવાનો વિચાર કર્યો. મિત્ર મંડળમાંથી સભ્યો બનાવ્યા. પૈસાનું ઉઘરાણું કર્યં. સોસાઈટીને રજીસ્ટર્ડ કરાવી.

જમીનનો સોદો કરવા માટે વચ્ચે એક એજન્સી ઉભી કરી. જે જમીનને ડેવેલપ કરે. સોદામાં અને દસ્તાવેજમાં સાક્ષીભાવે પણ રહે. ટાઈટલ ક્લીયર માટે અમુક દસ્તાવેજો નોંધોની કોપીઓ પણ જોઈએ. તેના પણ સરકારી બાબુભાવ હોય છે.  જમીન તો ખેતીની હતી એટલે તેને બીન ખેતીની કરાવવી પડે. આપણા ઉપરોક્ત ભાઈ કોઈ સરકાર સાથે કામ પાડવાના કામ માટેના ધંધાદારી માણસ હતા નહીં. બીન ખેતીની કરાવવામાં ઠીક ઠીક સમય થયો. માંડ માંડ જમીન બીનખેતીની થઈ. સરકારી બાબુઓ કશું મફત તો કરે જ નહીં. જેવો જેવો ઘરાક તેવા તેવા ભાવ.  પણ સરકાર પોતાનો હાથ ઉપર રાખવા તેને કાયમ માટે બીન ખેતીની ન કરે. બીનખેતીની જમીનમાં અમુક સમયમાં બાંધકામ કરી દેવું પડે. એ વાત જવા દો, પણ સરકાર કોઈની કોઈ સંસ્થા સ્કીમ જાહેર કરે તો તમારી જમીન કબજે કરવાની માગણી કરે. આમાં ઘણા આંટાફેરા અને સિફારિશો થાય. અને બધામાં ખર્ચા.

વળી પાછી જમીન ખેતીની થઈ જાય અને વળી પાછી તે જમીનને બીનખેતીની કરવાની પ્રક્રીયા હાથ ધરવી પડે.  આ બધામાં અમુક કિસ્સાઓમાં વર્ષો પણ વીતે. એક વખત તમારી જમીન પડતર રહી એટલે કોઈ હોંશીયાર ધંધાદારી માફીયાની નજર તમારી જમીન ઉપર પડે જ. તે તમારી જ સોસાઈટીના બનાવટી સભ્યો ઉભા કરી નવું મંડળ ઉભું કરી દે. સોસાઈટીની જમીન ને કોઈ બીજા મળતીયા ગુન્ડાને વેચી દે.

હવે તમે કહેશો કે બધા દસ્તાવેજો તો રજીસ્ટ્રાર પાસે હોય. અને તલાટીના રેકોર્ડ ઉપર પણ હોય તેનું શું? પણ ભાઈઓ, તલાટીના રેકોર્ડ સાથે ખિલવાડ થઈ શકે છે. અને કોઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીના રજીસ્ટ્રાર તો સોસાઈટીના રેકોર્ડ ગુમ કરી શકે છે.

તમારે તમારો કોઈપણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવો હોય તો તમારે સ્ટેમ્પફી ભરવાની હોય છે. સ્ટેમ્પ ફી ભરીને તમે રજીસ્ટર કરાવી શકો છો. તમે સ્ટેમ્પ ફી ભરો એ જ સરકારની જરુરીયાત છે. જ્યાં સુધી દસ્તાવેજ કરનાર અને કરાવનારને વાંધો ન હોય તો સરકારને શી લેવા દેવા? એટલે કોઈપણ અસુરક્ષિત જમીન ઉપર જો તમે કબજો લઈ લીધો તો તમે કમસે કમ એક પેઢી સુધી તો રંગે ચંગે રહી શકો.

આવા કેસ આમ તો ફોજદારી પણ કહેવાય. પણ જ્યાં સુધી ન્યાયધીશ માઈબાપ કહે નહીં ત્યાં સુધી પોલીસભાઈ આને હાથ ન અડાડે. અત્યારે જમીનની કિમત આસમાને હોય અને તમારી સોસાઈટીના સભ્યો ઠીક ઠીક પૈસા ઉઘરાવી શકતા હોય તો તમારે કેસ ઉચ્ચ ન્યાયાલય સુધી તો તમારો કેસ લડવો જ પડે. દરેક સ્ટેજે વકીલભાઈઓને પૈસા આપવા પડે એટલે અવારનવાર ઉઘરાણું કરવું પડે. આ બધું કામ પણ તમારે નિષ્કામ થઈને કરવું પડે. ઈશ્વર મદદ કરે પણ ખરો અને મદદ ન પણ કરે. ઈશ્વર તો એમ કહીને કે ન કહીને ઉભો રહે કે એમાં હું શું કરું?

ગૌચરની જમીન અને પડતરની સરકારી જમીન

આ વાતની ચર્ચા તો આપણે કરેલી જ છે. ( Ref: https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/)

આવી જમીન ઉપર સરકારે વાડ કે દિવાલો કે ખીલાઓ ઠોક્યા નથી હોતા એટલે નજીકની જમીન માફીયા ખરીદી લે અને પછી કબજો વધારતા જાય. અત્યારે તમે સીજી રોડ ઉપર કે એવા કોઈ રોડ ઉપર ભરવાડો, રબારીઓ, ઠાકોરોના કે પાર્શ્વભૂમિકામાં દાઉદની જાતિના કબજાઓ જુઓ જ છો જેમાં પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાંઓ ચાલતી હોય છે. કેટલાક બાવાજીઓ જેવાકે આશારામ જેવાઓના પણ એન્ક્રોચમેન્ટ(દબાણો) હોય છે.

ફૂટપાથો અને લોકવપરાશની જગ્યાઓઃ

મંદિરોઃ

જો નિર્જન રસ્તો હોય તો થોડી ઈંટો મુકી અંદર એકાદી માતજીની છબી મુકી દો અને ધીમે ધીમે જગા વિસ્તારતા જાઓ. અને બીજા ભગવાનની મૂર્તિઓ મુકવા માંડો. અને દેરી મંદિર ચણી નાખો. વ્યાપ વધારતા જાઓ. જ્યારે રસ્તો મેઈન રોડ થઈ જશે ત્યાં સુધીમાં ફર્સ્ટક્લાસ મંદીર કરી શકશો. અમદાવાદના આઈ આઈ એમ પાસે એક હનુમાનજી(?)નું મંદિર, દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેનું હનમાનજીનું મંદિર, ગુરુદ્વારા એસજીરોડ સામે શંકર ભગવાન અને રામદેવપીરનું કે એવાં મંદિર આના ઉદાહરણો છે, આવા કંઈક મંદિરો છે. આવા મંદિરોને હઠાવવામાં સરકાર ગલાંતલ્લાં કરશે, કારણ કે સર્વોચ્ચ ન્યાયાલયે એક એવો ચૂકાદો આપ્યો છે કે જો મંદિરને તોડવાથી સૂલેહશાંતિનો ભંગ થાય તેમ હોય તો એવા મંદિરો તોડવા નહીં અથવા તેનું આપસી મસલત દ્વારા નિરાકરણ લાવવું.

(વાસ્તવમાં જે મંદિરોનું બાંધકામ વિશ્વકર્માએ શાસ્ત્રમાં નક્કી કરેલા નિયમો પ્રમાણે ન કરવામાં આવ્યું અને તેમાં દેવની સ્થાપના વૈદિક વિધિ પ્રમાણે ન થઈ હોય તે બધા મંદિરને દેવમંદિર કહી જ ન શકાય. અને આવા મંદિરોને તોડીએ તો મંદિર તોડ્યું એમ ન કહેવાય. જો કે ઐતિહાસિક મંદિરોનો આમાં સમાવેશ ન થાય.)

આમ પોલિસ સહિતના સરકારી બાબુઓને કાયમી નિરાંત છે. મંદિરની આડમાં કયા કયા ધંધા ન થઈ શકે? ગુજરાતમાં જે વાત મંદિરોને અને (ક્યાંક ક્યાંક પીરબાપજીઓને) લાગુ પડે, તે જ વાત જ્યાં લઘુમતિ અસરકારક હોય ત્યાં ચર્ચ અને મસ્જીદોને લાગુ પડે છે.

તમે હાઈ વે ઉપર જાઓ, દર બે પાંચ કિલોમીટરે ગુજરાતમાં એક મંદિર/દેરી દેખાશે અને દક્ષિણમાં ચર્ચ દેખાશે.

પાથરણા, લારીઓ, ગલ્લા, ગેરેજો, લાતીઓ, કબાડીઓ અને નજીકના મકાન માલિકોના દબાણોઃ

Footpath kiske Baapki he

તમે અમદાવાદના બીઆરટીએસ રોડનો જ દાખલો લો. (લગભગ બધા જ રોડ બધે જ આવા દબાણોવાળા છે.)

મોટાભાગનો રોડ દબાણોથી ભરપૂર છે. જે લેન સાયકલ વાળા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે તે પણ દબાણમાં છે. કોઈ સાયકલ સવાર પોતાની સાઈકલ ત્યાં ચલાવી ન શકે.

આ દબાણ કરવાવાળા બધા જ કંઈ ગરીબ નથી. આ બધાઓમાં લાતીવાળા, કબાડીઓ અને ગેરેજ વાળાઓ અને દુકાનદારો તો લખપતિઓ અને કરોડપતિઓ છે.

તમે કહેશો કે પણ પાથરણા વાળા અને લારીવળા તો ગરીબ જ છે ને? હા એ લોકો જરુર ગરીબ છે પણ તેઓ જે માલ વેચે છે તે તેમનો હોતો નથી. તે કોઈક દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. તેઓ આ લોકોના પગારદાર હોય છે અને અથવા તેઓ તેમના કમીશન ઉપર કામ કરનારા હોય છે.

એક  નવી જાતનું દબાણ પણ છે

આ દબાણ ફુટપાથની જગા ઉપર ટેબલ ખુરસી સહિતની ખાણી પીણી. એટલે કે રેસ્ટોરાંઓ દ્વારા કરવામાં છે

તમે અમદાવાદનો આઈઆઈએમનો રોડ લો. ત્યાં ખાણીપીણીની લારીવાળા, બિન્ધાસ્ત રીતે રોજ ટેબલ ખુરસીઓ ગોઠવી દે છે. કાર્બન ડાઈઓક્સાઈડ અને પેટ્રોલના ધુમાડાથી રોડ તરબર છે. આપણા ભવિષ્યના મેનેજરો એટલે કે એમબીએ (મને બધું આવડે)ના સ્ટુડન્ટ્સની સ્વચ્છતાની સમજણ જુઓ. તમારુ માથું શરમથી ઝૂકી જશે. તેઓ સૌ કોઈ ટપોરીની જેમ ટેબલ ખુરસી ઉપર ગોઠવાઈ જાય છે. અને લહેરથી આરોગે છે. બીજાઓ પણ તેમને સાથ આપે છે. વાસ્તવમાં આ વિદ્યાર્થીઓએ શહેર સુધરાઈને ફરીયાદ કરવી જોઇએ કે આ રોગના કારખાના બંધ કરો અને હેલ્થ અધિકારીને ગુન્હાહિત બેદરકારી બદલ જેલમાં પૂરો.

મોટાભાગના રસ્તાની ફૂટપાથો પર આ ગરીબ લોકો કે જેમની પાર્શ્વ ભૂમિમાં લાખપતિઓ અને કરોડપતિઓ છૂપાયેલા છે એવા લોકોએ કબજો જમાવેલો છે. શું આ બધા મફતમાં જગ્યાનો ઉપયોગ કરે છે?

ના જી. દેશમાં કશું મફત મળતું નથી

આ બધા પાસેથી નિયમિત પૈસા ઉઘરાવાય છે. આમાં પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દુકાનદારો, ફેક્ટરીના માલિકો અને ગુન્ડાઓ સામેલ છે. નામ ગરીબોનું, મહેનત ગરીબોની પણ કામ પૈસાદારોનું. ગરીબો તો ઢાલ (શિખંડી) છે. જે સરકારી જમીન ઉપર ઝોંપડપટ્ટી હોય છે તે મફતમાં હોતી નથી. તેમાં વહીવટ ગુન્ડાઓનો હોય છે. તેની કિમત થોડા દશ હજારોથી લાખો રુપીયા સુધીની હોય છે. સરકાર તેમને બીજી જગ્યાએ ખસેડે તો બીજાઓ ત્યાં આવી જાય અને બીજાઓની જગ્યાએ ત્રીજાઓ કે પહેલાઓ આવી જાય. જે જગ્યા ફાળવી હોય ત્યાં થોડા સમયમાં વળી જુદા જ લોકો રહેતા હોય.

જ્યારે ક્યારેય પણ આવા દબાણકર્તાઓને ખસેડવામાં આવે ત્યારે આ લાખોપતિઓ, કરોડપતિઓ પૈસા વેરી વિરોધ પ્રદર્શનો કરે છે. આમેય આપણી નહેરુવીયન કોંગીનેતાઓ તો પ્રદર્શનપ્રિય છે જ.

મુંબઈમાં તમે રેલ્વેના ક્વાર્ટસ્ર જોયા હશે. તે ક્વાર્ટર્સ રેલ્વેના ચોથા વર્ગના ક્વાર્ટર્સ હોય. તે ક્વાર્ટર્સનો કબજો ૫૦૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયામાં વેચાય છે. તેના એજન્ટો હોય છે. જેમના નામે ક્વાર્ટર્સ છે તેમની કે એજન્ટની કોઈ જવાબદારી નહીં. તમે પૈસા આપો અને કબજો લો. જ્યારે તપાસ થાય ત્યારે તમે કબજો ગુમાવો. ત્યાં સુધી તમે બે ત્રણ હજાર ભાડું આપો. જેના નામે ક્વાર્ટર્સ છે તે તો ઝોંપડ પટ્ટીમાં જ રહેવાનું ચાલુ રાખશે. તેને તો આમ રહેવું ગોઠી ગયું છે.

બીલ્ડરો શું કરે છે?

બિલ્ડરો જે બ્રોશુઅર બહાર પાડે છે તે તમારા ભવિષ્યમાં થનારા દસ્તાવજ નો હિસ્સો હોતો નથી. તેને કોર્ટમાં માન્યતા પણ નથી. કારણ કે તેમાં પ્લાનમાં ફેરફાર કરવાના બિલ્ડરને અધિકાર હોય છે. સંડોવાયેલી પાર્ટીઓ એક નહીં પણ અનેક હોય છે. દા.ત. વેચનાર, જમીન માલિક, ખરીદનાર/રાઓ, એજન્ટ કે એજન્સી, કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટી, મિલ્કતના વિકાસ કરનારાઓ અને આ સૌના પાવર ઑફ એટર્નીઓ. આ સૌના દસ્તાવેજો હોય છે. આમાં ઘણં બધું મભમ હોય છે. હવે જો તમારી ખરીદેલી મિલ્કતમાં તમને લાંબા કે ટૂંકા ગાળે ખબર પડે કે તમને અન્યાય થયો છે તો તમને ખબર પણ ન પડે કે આમાં કારણભૂત કોણ છે.

અત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ ચાલે છે.

જે બાંધકામ પાર્કીંગનું હતું, ત્યાં ધંધાદારી દુકાનો થઈ ગઈ,

બીલ્ડીંગ આગળની જે હાલવા ચાલવાની કોમન વપરાશની જગ્યા હતી ત્યાં વાહનો પાર્ક થવા લાગ્યા,

જે ફૂટપાથ ચાલવા માટે હતી તે પણ પાર્કીંગમાં વપરાવવા લાગી,

ફૂટપાથ પાસેની રોડની લેન હતી તે કાપીને શહેર સુધરાઈએ પાર્કીંગની જગ્યા બનાવી અને તેના પૈસા લેવા માંડ્યા,

આ પૈસા ઉઘરાવવાના કામ માટે એજન્ટો નીમી દીધા.

આ બધું કામ સરાકારી અધિકારીઓએ હળી મળીને કામ કર્યું. આ બધી જગ્યાઓમાં જ્યાં થોડી જગ્યા બાકી રહી ગઈ ત્યાં લારી ગલ્લાવાળાને ઘૂસ મારવા દીધી જેથી સરકારી અધિકારીઓ (પોલીસ સહિત) ગુન્ડા એજન્ટો મારફત માસીયો કે અઠવાડીયો હપ્તો મેળવી શકે અને સીપાઈ સપરાં છૂટક ઉઘરાણું કરી શકે.

આમાં કશું ખાનગી નથી. તમે એક ગલ્લો બનાવો એટલે બધી ખબર પડશે. આપણા અતિસંવેદનશીલ ટીવી ચેનલોવાળાઓ અને સમાચાર પત્રો આ બાબતમાં કોઈ માહિતિ જાહેર કરશે નહીં. વીડીયો ક્લીપ પણ નહીં ઉતારે. અરે ભાઈ હવે તો છાપાના માલિકોએ પણ બિલ્ડરના ધંધામાં ઝંપલાવ્યું છે. જો ગુન્ડાઓ રાજકારણમાં ઝંપલાવે તો આ લોકોને પાનો તો ચડે જ ને?

આ ગેરકાયદેસર બાંધકામમાં બિલ્ડરો કેવી રીતે પૈસા કમાયા તે આપણે જાણીએ છીએ. લેબર કમીશ્નર સહિતના, સરકારી અમલદારો, કોર્પોરેશના અધિકારીઓ, ન્યાય તંત્રના ખેરખાંઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌએ ભેગા થઈ ખરીદનારાઓને છેતરીને લૂંટ્યા. ગેરકાયદેસર બાંધકામ હાજરા હજુર છે, સરકારી નોકરો હાજરા હજુર છે, બિલ્ડરો હાજરા હજુર છે. જે લૂંટાયા તે પણ પોતાની સાક્ષી આપવા તૈયાર છે. પણ ન્યાયાલયને કોઈ ગુનેગાર દેખાયા નહીં અને કોઈ દસ્તાવેજો દેખાયા નહીં. તેમને ફક્ત જે છેતરાયો એજ દેખાયો. અને તેની ઉપર ઈમ્પેક્ટ ફીનો દંડ ઠોક્યો. અને કહ્યું કે જાઓ, હવે તમારું બધું હવે કાયદેસર થઈ જશે. જે છેતરાયો એને તો સાંભળ્યો પણ નથી.

કાયદાનો ભંગ એ કાયદાનો ભંગ જ છે

બીજાને અગવડ આપીને તમે કાયદાનો ભંગ કર્યો તે ફોજદારી ગુનો જ ગણાય. ગેરકાયદેસર બાંધકામ અને દબાણની અસરો સમાન છે. સરકાર તેને કેવીરીતે કાયદેસર કરી શકે? સરકાર ઈમ્પેક્ટ ફી લગાવીને પણ તેને કાયદેસર કરી ન શકે. જો તમે ખોટી દીશામાં ગાડી ચલાવતા હો તો ટ્રાફિક પોલીસ દંડ જ કરી શકે. તમારી પાસેથી ઈમ્પેક્ટ ફી વસુલ કરીને તમને હમેશમાટે ખોટી દીશામાં ગાડી ચલાવવાની છૂટ આપી ન શકે. ગેરકાયદેસર બાંધકામ એ સતત રહેતું દબાણ છે. આપણા ન્યાયાલયો આ વાત કેમ સમજી શકતા નથી.

રસ્તાઓ આસપાસની જમીન ઉપરના દબાણો

એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તાઓ ઉપર તમને ગેરકાયદેસર રીતે થયેલા બંધકામ અને લારી ગલ્લાઓ જોવા મળશે. જ્યારે તમે એક ગામડા કે કસ્બા કે શહેરમાંથી પસાર થાઓ ત્યારે પણ તમને રોડને ગામને અને જગ્યાને બદસૂરત કરતા લારી ગલ્લા અને દુકાનો મળશે. આમાં પાન, ચા, ગેરેજ, સ્પેરપાર્ટસ, કબાડી, રેસ્ટોરાં અને શાકભાજીની લારીઓ કે દુકાનો વિગેરે ની હરોળો પણ હશે. બે ગામો વચ્ચે પણ તમને ખાણીપીણીની ગંદી દુકાનો અને વાસમારતી મૂતરડીઓ જોવા મળશે.

રસ્તામાં આવતા પેટ્રોલ પંપો ઉપર તમને ફ્યુએલ સિવાયની કોઈ સ્ટેચ્યુટરી જરુરી સગવડ મળશે નહીં. આ સ્ટેચ્યુટરી સગવડોમાંથી અમુક હશે તો પણ તમે તેને પામી નહીં શકો. નાના બાબલાઓ તમને નોકરી કરતા પણ જોવા મળશે.

આવું શા માટે છે?

આવું એટલા માટે થાય છે કે આરોગ્ય ખાતાના અધિકારીઓ, રોડ એન્ડ બીલ્ડીંગના અધિકારીઓ, લેબર કમીશ્નરના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ સૌ કોઈ પોતાનો ભાગ લઈ ઘરભેગા થાય છે.

આ બધા ઉપરાંત પ્રજા ઉપયોગી રસ્તાઓ અને ફૂટપાથના બાંધકામમાં અનેક ગેરરીતો હોય છે. તમને કોઈ ગામમાં યોગ્ય રીતે બંધાયેલ રસ્તો કે ફુટપાથ જોવા મળશે નહીં. જ્યાં પણ હાથ નાખો ત્યાં તમને પ્રજાના પૈસા ની ગેરકાયદેસર રીતે થયેલી હેરાફેરી જોવા મળશે.

કોન્ટ્રાક્ટર, ગુન્ડાઓ, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત દૂર કરવી તમને અશક્ય લાગશે.

જ્યારે છેતરનારાઓએ વ્યાપક રીતે છેતરપીંડી કરી હોય ત્યારે એક તપાસ પંચ બેસવું જોઇએ. આ છેતરપીંડી માં સાથ આપનારા તો સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. એટલે આતો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કહેવાય. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોય અને તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો ન્યાયતંત્રે ખાસ અધિકારવળા તપાસપંચની રચના કરવી જોઇએ અને દરેક ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલાઓની, જામીન ન મળી શકે તેવા વોરંટ હેઠળ ધરપકડ કરીને જ્યાં સુધી દરેક કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને જેલમાં રાખવા જોઇએ.

પણ આ બધું કેવી રીતે થાય અને કોણ કરે? બિલાડી નહીં પણ વાઘોને ગળે ઘંટ કોણ બાંધે? અથવા તો વાઘના દાંત અને નખ કોણ કાપે?

પણ કશું અશક્ય નથી.

નરેન્દ્ર મોદી કહે છે કે પ્રણાલીઓ બદલવી જોઇએ. ટેક્નોલોજી આમાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે. જે વિકસિત દેશોમાં થઈ શકતું હોય તો ભારતમાં કેમ ન થઈ શકે?

હવે પછીના પ્રકરણમાં જુઓ. આના ઉપાયો અઘરા નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સરકારી અધિકારીઓ, સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ, દબાણ, ગેરકાયદેસર બાંધકામ, બિલ્ડર, ડેવેલપર, પાવર ઓફ એટર્ની, ખરીદનાર, છેતરનાર, દસ્તાવેજ, મીલીભગત, હેરાફેરી, રજીસ્ટ્રાર, કોઓપરેટીવ, હાઉસીંગ, સોસાઈટી

Read Full Post »

નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની

આમ તો આપણને અવાર નવાર વાંચવા મળે છે કે નરેન્દ્ર મોદી આપખુદ છે, બધા નિર્ણયો પોતેજ કરે છે, બીજાઓને સાથે લઈને ફરતો નથી, કોઈને ઉપર આવવા દેતો નથી, પોતાના પક્ષના વિરોધીઓને પાડી દે છે વિગેરે વિગેરે.

એટલે કે નરેન્દ્ર મોદીની નેતાગીરી આદર્શ ન કહેવાય એવું પોતાને વિશ્લેષક માનનાર કેટલાક મીડીયા મૂર્ધન્યો માને છે.

આ વિશ્લેષકોએ શું કદી જે એલ નહેરુની નેતાગીરીનું આ પ્રમાણે વિશ્લેષણ કરેલું?

નેતાનું કર્તવ્ય

નેતાનું પોતાના સાથીઓ પ્રત્યે એક કર્તવ્ય હોય છે કે તે પોતાના સાથીઓને એક પગથીયું ઉપર ચડાવે. એટલે કે તેના સાથીઓનો, અનુયાયીઓનો પણ માનસિક અને બૌધિક વિકાસ કરે. માનસિક એટલે અહીં એવો અર્થ કે સમાજ પ્રત્યેના વ્યવહારની સમજણ શક્તિ અને બૌધિક એટલે કે નિર્ણયોને અમલમાં મુકવાની આવડત.

નેતાઓના ધ્યેય આમ તો સમાજને સુખી કરવાના હોય છે. પણા આતો વૈચારિક વાત થઈ.

તેના આડહેતુઓ “સ્વ”ની સત્તા અને “સ્વ”ની સુખસગવડો વધારવાના પણ હોય છે.

બીજો આડહેતુ એ પણ હોય કે પોતે એવો અનુગામી નેતા મુકે જે પોતે પ્રસ્તુત કરેલી નીતિઓ ચાલુ રાખે

જો નેતાનો મુખ્ય હેતુ સત્તાનો હોય (જે ઘણીવાર આડ અને પ્રચ્છન્ન  હોય છે) તો, તેનો અનુગામી તેનું સંતાન જ હોય છે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવા માગતા હતા. તેમ કરવામાં આમ જનતાની સામેલગીરી રાખવામાં માનતા હતા.

મહાત્મા ગાંધી જ્યારે કોંગ્રેસમાં દાખલ થયા ત્યારે કોંગ્રેસ, એરીસ્ટ્રોકેટ બૌધિકોની સંસ્થા હતી. પણ ગાંધીજીએ તેને બધા માટે ખુલ્લી કરી. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને અહિંસક માર્ગે અને સ્વદેશપ્રેમને માર્ગે જતી એક સંસ્થા બનાવી.

એટલે કે જેઓ અહિંસા અને સ્વદેશપ્રેમ બંનેને સ્વિકારે તેઓ કોંગ્રેસમાં આવકાર્ય ગણાયા. સ્વદેશપ્રેમ અને અહિંસા એ બેમાંથી એકમાં જ વિશ્વાસ હોય તો ન ચાલે. બંનેમાં વિશ્વાસ હોવો જોઇએ અને આચરણ પણ તે જ હોવું જોઇએ. જો કે આ વાત અને આને લગતી ચળવળોને સમજવામાં ઘણા ધુરંધર નેતાઓને વાર લાગી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો પણ સમાવેશ થતો હતો. અહિંસામાં સવિનય કાનુનભંગ અને સત્યાગ્રહનો પણ સમાવેશ થતો હતો.

જેઓ બરાબર સમજ્યા ન હતા તેઓએ સવિનય કાનુન ભંગ અને કે અથવા સત્યાગ્રહ અને કે અથવા સ્વદેશીના આગ્રહનો વિરોધ પણ કરેલો. તેમાં કોણ કોણ હતા તેની ચર્ચા ન કરીએ. પણ જેઓ અહિંસક આંદોલનમાં માનતા ન હતા તેમાં સુભાષ ચંદ્ર બોઝ મુખ્ય હતા. જોકે સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતમાં કોઈ કડવાશ ન હતી. છતાં કેટલાક આ વાતને ચગાવે છે.

પક્ષ એક વખત એવું નક્કી કરે કે આપણે અહિંસક ચળવળ દ્વારા જ સ્વાતંત્ર્ય લાવવું છે, પણ જો એવું બને કે લોકો તાનમાં ને તાનમાં કોઈ એવી વ્યક્તિને ચૂંટી કાઢે કે જેને અહિંસામાં વિશ્વાસ ન હોય. જો આવું બને તો પક્ષે પોતાના સિદ્ધાંતો બદલ્યા છે એવો સંદેશો જનતાને જાય, તો પછી પક્ષે હવે આ પક્ષે ચળવળના સિદ્ધાંતો અને તેથી કરીને તેની પ્રણાલીઓ બદલશે તેવો ઠરાવ પસાર કરવો જોઇએ. પણ આવું કર્યા વગર તમે જુદા માર્ગે ન જઈ શકો. કોંગ્રેસમાં પક્ષપ્રમુખની ચૂંટણીમાં આવું થયું. સુભાષ બાબુ ચૂંટાઈ આવ્યા. કારોબારીના સભ્યો કે જેઓ પોતે પણ ચૂંટાયેલા હતા તેઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. એટલે સુભાષબાબુએ નીતિમત્તાના ધોરણે રાજીનામું આપ્યું. સુભાષબાબુના દેશપ્રેમ વિષે ગાંધીજીને કે કોઈને પણ કશી શંકા ન હતી. પણ આ સૈધાંતિક મતભેદ હતો. તેથી સુભાષબાબુએ કોંગ્રેસના બંધારણનો આદર કર્યો.

આવી જ વાત જીન્નાની હતી. તેમને અસહકાર અને સત્યાગ્રહમાં વિશ્વાસ ન હતો. વખત જતાં તેમનો અહિંસા પરત્વેનો અવિશ્વાસ છતો થયો. તેઓ બંને કોંગ્રેસમાંથી વિદાય થયા હતા.

ગાંધીજીનો એક બીજો પણ સિદ્ધાંત હતો જે શોષણહીનતાનો હતો. આ વાત બહુ ઉચ્ચ સ્તરે આવી ન હતી કારણ કે આ વાત ઉત્પાદન અને તેની વહેંચણીની પ્રણાલીની હતી. આ મુદ્દો તો સ્વતંત્રતા આવે તે પછી ઉત્પન્ન થાય અને તે પછી અસરકારક બને તેમ હતો. પણ ગાંધીજીએ પોતાના સ્વપ્નના ભારતમાં આ વાતો લખી રાખેલ. જવાહરલાલ નહેરુને જોકે આ સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ ન હતો. પણ તેઓએ આ વાત પ્રગટ ન કરેલી અને બધું મભમ રાખેલ. જો ગાંધીજી વધુ જીવ્યા હોત તો આ મુદ્દા ઉપર નહેરુનો વિરોધ કરત. અને મીલમાલિકોને બેફામ થવા ન દેત.

જો આવું થાત તો કોંગ્રેસના બે ભાગ પડી જાત. એક વલ્લભભાઈની કોંગ્રેસ અને બીજી નહેરુની કોંગ્રેસ.

આ શક્ય ન બન્યું કારણ કે ગાંધીજી અને સરદાર પટેલ વહેલા વિદાય પામ્યા. પણ એક વાત ચગી કે ગાંધીજીએ સુભાષબાબુને અન્યાય કર્યો. આનો લાભ પશ્ચિમ બંગાળે લીધો અને ત્યાં સામ્યવાદીઓ ફાવ્યા.

ગાંધીજીએ પોતાના વૈચારિક અનુયાયીઓ ગામે ગામ તૈયાર કરેલ. તેમના વિચાર થકી ઘણા બધા મીની-ગાંધીઓ તૈયાર થયેલ. અને આ મીની ગાંધીઓ પણ મીની-મીની-ગાંધીઓ તૈયાર કરી રહ્યા છે.

મીની ગાંધીઓ અને મીની-મીની-ગાંધીઓ એટલે શું?

મીની ગાંધીઓ એટલે જયપ્રકાશ નારાયણ, વિનોબાભાવે, દેશપાંન્ડે, રવીશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચન્દ મેઘાણી, જુગતરામકાકા, ઢેબરભાઈ, આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, બબલભાઈ, ચૂનીભાઈ, મનુબેન, મણીબેન, જેવા નાના મોટા ગાંધીવાદી નેતાઓ દરેક પ્રાંતોમાં પેદા થયા હતા. તેવીજ રીતે આ મીની ગાંધીઓએ પણ ગાંધીવાદી લોકોનો નવો ફાલ તૈયાર કરેલ જેમાં નારાયણભાઈ દેસાઈ, સુદર્શનજી, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, હર્શદભાઈ માવાણી, બંસીભાઈ પટેલ, તુલસીભાઈ સોમૈયા, જેવા અનેક ગાંધીવાદીઓ આજની તારીખે પણ ત્યાગપૂર્વક ગાંધીજીનું કામ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કરી રહ્યા. દરેક રાજ્યમાં છેવાડેના પ્રદેશમાં પણ તમને ગાંધીવાદી લોકસેવક મળી જશે.

બધા ગાંધીજી જેવું કામ ન કરી શકે. પણ એક વિચાર તરીકે તે દીવો પ્રજ્વલિત રાખવા વાળા કોઈ ગાંધીવાદી ગુરુવગર પણ આપોઆપ ઉત્પન્ન થતા રહેશે. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. ગાંધી યુગપુરુષ હતા જે હજાર બે હજાર વર્ષે જ પાકે.

જવાહરલાલ નહેરુની નેતાગીરીએ શું બીજી હરોળ ઉભી કરેલી?

નાજી. જવાહરલાલ નહેરુનો લોકશાહીવાદી સમાજવાદ ખરો પણ તેનું વૈચારિક સ્થુળત્વ શું છે તે કોઈ જાણતું ન હતું. ગાંધીજી પણ નહીં. અને ગાંધીજીના કહેવા પ્રમાણે કદાચ નહેરુ પોતે પણ નહીં.

જો નેતાગીરી વિષે આમ જ હોય તો તેમાં ખરાબ શું કહેવાય? ખરાબ વસ્તુ એ છે કે જે વાતને સિદ્ધાંત સાથે લેવા દેવા ન હોય પણ જો કોઇ વ્યક્તિ પ્રતિસ્પર્ધી બની જાય તો તેને બદનામ કરી દૂર કરવો, આ વાત ખરાબ કહેવાય.

સમાજવાદને જો એક વાડો બનાવી દેવામાં આવે તો તે સુપર કેપીટાલીઝમ થઈ જાય. જેમાં સરકાર પોતે જ મૂડીવાદી થઈ જાય. નેતાઓ વહીવટદારો સાથે મળીને પૈસાદાર થઈ જાય.. કારણ કે ઉત્પાદક, વિતરક અને તેના ઉપર નીગરાની રાખનાર નિરીક્ષક પણ એક જ સંસ્થા હોય એટલે ભેગા મળીને લૂંટ કરવાની વૃત્તિવાળા થઈ જાય. અને આવું જ થયું. એટલે રાજગોપાલાચારી જેવા કોંગ્રેસની સામે પડ્યા. જેઓ સામે પડ્યા તેઓને બદનામ કરવામાં આવ્યા. જો કે આ કોઈપણ ઔદ્યોગીકરણના વિરોધી ન હતા.

ગાંધીવાદીઓ વિરોધી હતા ખરા પણ તેઓની આ પ્રાથમિકતા ન હતી. તેઓ લોકસેવામાં પડી ગયા. અને નહેરુને ટાઢા પાણીએ ખસ ગઈ.

નહેરુને કોઈ નિશ્ચિત વિચારધારા ન હતી તેથી તેમના કોઈ વૈચારિક શિષ્યોનો ફાલ ઉત્પન્ન ન થયો. નહેરુને એવી જરુર પણ લાગી નહીં હોય એવું જ લાગે છે. નહેરુએ ફક્ત એ વાતનો ખ્યાલ રાખ્યો કે તેમની પુત્રી જ તેમનો રાજકીય વારસો લે.

JAY HO WAS PARTY SONG FROM AGES

ઈન્દીરા ગાંધી તેમના કહેવા પ્રમાણે સમાજવાદમાં માનતાં હતા. પણ તેમને માટે સમાજવાદનું નામ “ સત્તા પ્રાપ્ત કરવાનું અને ટકાવી રાખવાનું એક સાધન હતું. બેંકોના રાષ્ટ્રીયકરણને લેબર યુનીયનોને પોતાના પક્ષ માટે વોટ બેંક બનાવવાનું હથીયાર બનાવવામાં આવ્યું. ઈન્દીરા ગાંધીએ  પોતાના વિરોધીઓને બદનામ કરાવી પક્ષમાંથી દૂર કર્યા.

જો તમે લોકશાહીમાં માનતા હો તો પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જરુર નથી. પણ જો તમે સરમુખત્યાર હો તો પ્રતિસ્પર્ધીને દૂર કરો જ કરો.

વી. પી. સીંગ, હેમવતીનંદન બહુગુણા નો શું વાંક હતો? એમનો એ વાંક હતો કે તેઓ પોતાના કામની ક્રેડીટ લેતા હતા. તેમની સામે ઈન્દીરા ગાંધીને સૈદ્ધાંતિક શું વાંધો હતો, તે ઈન્દીરા ગાંધી તરફથી જાણવા મળ્યો નથી. કે બીજા કોઈ તરફથી પણ જાણવા મળ્યો નથી.

ઈન્દીરા ગાંધી કંઈ એટલા કાબેલ વહીવટ કર્તા ન હતા. એવું પણ ન હતું કે બીજા નેતાઓ તેમનાથી કાબેલીયતમાં હજાર માઈલ પાછળ હતા. વાસ્તવમાં બહુગુણા, જગજીવનરામ, વીપી સીંગ વધુ કાબેલ હતા. આ સૌ કોઈ ઈન્દીરા ગાંધીની પ્રોડક્ટ પણ ન હતા. તેઓ સ્વબળે જ આગળ આવેલા.

ઈન્દીરાગાંધી કોઈ વૈચારિક વ્યક્તિ ન હતાં. તેમના કોઈ અનુયાયીને તેના વિચારોથી જોઈને તમે એમ ન કહી શકો કે તે ઈન્દીરા ગાંધીમાં જરુર શ્રદ્ધા ધરાવતો હશે. જેમકે ભજનલાલ, ચરણસીંગ, મુલાયમ, શરદપવાર, લાલુ યાદવ, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, બંસીલાલ, જેવા અનેક નેતાઓ ક્યારે ક્યાં હશે તે તમે તેમના દ્વારા વ્યક્ત થતા વિચારોના આધારે કહી ન શકો. જોકે સત્તા હાંસલ કરવા માટે અને તેને ટકાવી રાખવા તેમની કાર્યશૈલીઓ ઈન્દીરા ગાંધી જેવી જ રહી છે છતાં પણ.

સ્વામીનારાયણની એક બોધકથામાં “સત્સંગના મહિમા”ની એક વાર્તા આવે છે જે આપણે અગાઉ ઈન્દીરાઈ કટોકટી ના એક લેખમાં જાણી છે. આ એ વાત છે કે નારદ મૂનીના સત્સંગને કારણે એક કીટક ઈન્દ્ર સુધીની ઉન્નતી કરે છે.

આનાથી ઉંધો કુસંગનો મહિમા છે જેમાં આવડતવાળો નિકમ્મો થઈ જાય. ઈન્દીરાના કુસંગનો મહિમા એવો રહ્યો કે આવડતવાળા મનુભાઈ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જગજીવનરામ, વીપી સીંગ, બહુગુણા, ચિમનભાઈ પટેલ, મોહન ધારીયા, ચંદ્રશેખર જેવા અનેક ઈન્દીરાઈ કોંગ્રેસમાં રહ્યા અને બદનામ થયા. તેઓ ત્યારે જ સ્ટેપ અપ થઈ શક્યા જ્યારે તેઓ ઇન્દીરાઈ કોંગ્રેસની બહાર નિકળ્યા.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નેતા જ્યારે પોતાના સાથીઓ કરતાં શક્તિમાં હજાર માઈલ આગળ હોય ત્યારે શું થાય?

જ્યારે નેતાની વિચાર શક્તિ અને આચારની વ્યુહ રચના પોતાના અનુયાયીઓથી અનેક ગણી વધુ હોય તો અનુયાયીઓ હમેશા તેના ઉપર નિર્ભર રહે છે. અનુયાયીઓ પોતાના નેતા ઉપર નિર્ભર રહેતા હોય તો તે નેતા વિષે તે સરમૂખત્યાર છે તેમ ન કહેવાય. દરેક નેતા જો તે સિદ્ધાંતવાદી હોય તો પોતાનાથી અલગ સિદ્ધાંતવાળાને પોતાના જુથમાંથી દૂર કરે ને કરે જ.

નરેન્દ્ર મોદી સેલ્ફ મેઈડ છે. તેઓ સમાજસેવા માટે કટી બદ્ધ છે તેમ કહે છે. આ નેતા તેની આર્ષદૃષ્ટિમાં, વહીવટી આવડતમાં, વિચારોમાં અને જ્ઞાનમાં તેના સાથીઓથી હજાર માઈલ આગળ છે. તેથી તેના સાથીઓ નરેન્દ્ર મોદી ઉપર નિર્ભર રહે તો તેને નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ન કહી શકાય. નરેન્દ્ર મોદી તેના સાથીઓની આવડત વધારે, પણ નરેન્દ્ર મોદી બધાને પોતાના જેટલી આવડતવાળા બનાવી ન શકે. ગાંધીજીએ મીની ગાંધીજીઓ ઉત્પન્ન કરેલા પણ સૌ કોઈ ગાંધીજીની કક્ષામાં આવે એટલી આવડતવાળા થઈ શક્યા ન હતા. નેતા દીશા બતાવી શકે અને પ્રણાલીઓ સ્થાપી શકે. આવડત તો સૌ પોતાની શક્તિ પ્રમાણે જ વધારી શકે.

નરેન્દ્ર મોદીએ તેના કેટલાક સાથીઓને વૈચારિક રીતે સ્ટેપ અપ જરુર કર્યા છે. તે તો તમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે જાણી શકો છો. નરેન્દ્ર મોદીએ નવી પ્રણાલીઓ પણ સ્થાપી છે. ઓન લાઈન ઘણી બધી જાણકારીઓ તમે મેળવી શકો છો અને સંવાદ પણ કરી શકો છો. સુધારાઓ માટે અવકાશ તો હમેશાં રહેવાનો. અને હજુ ઘણું કરવાનું બાકી છે.

સમાજને પણ સ્ટેપ અપ કરવો જરુરી હોય છે. નરેન્દ્ર મોદીએ જનતાની આકાંક્ષાઓ જગાવી છે. ટીવી ચેનલો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદીએ કદી ચેનલો ઉપર વેરભાવ રાખ્યો નથી.

બધા રાજ્યોમાં નેતાઓનું વલણ સહનશીલ નથી. આ વાત મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ, યુપી, પશ્ચિમ બંગાળ અને આસામ ની સરાકારોએ સિદ્ધ કરી છે. તેનું કારણ કેન્દ્રની નહેરુવીયન કોંગ્રેસી સરકાર અને તેના અને તેના સાથીઓના વિવાદાસ્પદ વિદેશી બેંકોમાં રહેલા લાલ-કાળા નાણા ભાગબટાઈ પણ હોઈ શકે. એટીએમમાંથી બનાવટી કરન્સી નોટો નિકળે એ વાત જ, ઘણું બધું કહી જાય છે.

શું નરેન્દ્ર મોદીએ મીની-નરેન્દ્ર મોદીઓ ઉત્પન્ન કર્યા છે?

જો નેતા, એક વખત દરેક બાબતની પ્રણાલી સ્થાપી દે પછી કોઈ પણ વ્યક્તિ તેને ચલાવી શકે. હા, દરેક વ્યક્તિ મોદીની કાર્બન કોપી કે મીની-નરેન્દ્ર મોદી ન થઈ શકે.

નરેન્દ્ર મોદીના સુદ્ધાંતો શું છે?

આમ તો શંકરાચાર્યના અદ્વૈતવાદ પ્રમાણે સાચો આનંદ જ્ઞાનવડે મળતો આનંદ છે. ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે થાય એ વાત શ્રેષ્ઠ છે. પણ મુડીવાદની આડપેદાશ સુખ સગવડોની વૃદ્ધિ, તેવી વૃત્તિનું બેફામ પોષણ  અને બધા ક્ષેત્રમાં અસમાનતા, આમ છે. તમે કોઈ પણ વાદવાળા સમાજને રાતોરાત બદલી ન શકો. જો બદલવા જાઓ તો ફેંકાઈ જાવ. વાદને બદલવા માટે સમાજની માનસિકતા બદલવી પડે છે. આમ કરવામાં બે ત્રણ પેઢીઓ પસાર થઈ જાય.

એક વાત નરેન્દ્ર મોદી સ્થાપિત કરી શક્યા છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલીઓ બદલી શકાય છે. પ્રણાલીઓનો અમલ કરવામાં અને તેને વધુ સારી કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી જોઇએ. શિક્ષણ દ્વારા જ્ઞાનમાં પ્રગતિ થઈ શકે.

ટેક્નોલોજીના વિકાસ માટે માળખાકીય સગવડોમાં વિકાસ કરવો જોઇએ. માળખાકીય સગવડો દ્વારા તમે બધા ક્ષેત્રોમાં વિકાસ કરી શકો.

માળખાકીય સગવડોમાં રસ્તા, શક્તિ (વીજળી અને યંત્ર શક્તિ) અને પાણી આવે. શક્તિ ઉત્પન્ન કરવામાં પર્યાવરણ (ખાસ કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ) નો ખ્યાલ રાખવો પડે. એટલે પ્રાકૃતિક શક્તિઓના ક્ષેત્રમાં સંશોધનો થાય તે ઈચ્છનીય બને છે. સૂર્ય, પવન અને જળપ્રવાહમાંથી જ આ કામ થઈ શકે.

નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે.

જનતાની સામેલગીરીઃ

નરેન્દ્ર મોદી આ દિશામાં ઠીક ઠીક પ્રયત્નો કરે છે પણ તેના વિરોધીઓ તેને ખોટા ખર્ચામાં ખપાવે છે.

નરેન્દ્ર મોદીનો સ્વભાવઃ

નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેને એડામેન્ટ, એરોગન્ટ અને આત્મશ્લાઘી કહે છે. આપણા માનનીય કાન્તિભાઈ ભટ્ટ ભાઈએ નરેન્દ્ર મોદીની પીએમ પદની લાયકાત વિષે આ વાંધો બતાવ્યો છે.

જો નેતા પોતાની માન્યતાઓમાં સ્પષ્ટ હોય ત્યારે તે દૃઢ નિશ્ચયી હોય છે. જો નેતાની માન્યતાઓ નેતાએ બધી બાજુનું વિચારીને આત્મસાત કરી હોય અને તેના સાથીઓએ અને અથવા વિરોધીઓએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય અને કરવા માગતા પણ ન હોય તો તેઓ આ નેતાને એડામેન્ટ માનવાના જ.

જો કોઈ નેતાની પરિસ્થિતિને સમજ્યા વગર અને પોતાના રાજકીય લાભ માટે જ તે નેતાને  બદનામ કરવા માટે યમરાજ, મૌતકા સોદાગર, ખૂની એવા વિશેષણોથી નવાજે અને અથવા જુદા જુદા માપદંડ અપનાવે તો તે નેતાએ સત્યના બચાવ માટે તેના વિરોધીઓને તેમણે ધારણ કરેલા લેવલને અનુરુપ જવાબ આપવો જોઇએ. આ વાત જેટલી નરેન્દ્ર મોદીને લાગુ પડે છે તેટલી જ સરદાર પટેલને લાગુ પડતી હતી. એટલે જે મીડીયા મૂર્ધન્યોએ સરદાર પટેલને તેમના આખાબોલા-પણા માટે વગોવ્યા હોય તેમને જ નરેન્દ્ર મોદીને વગોવવા માટે આવો અધિકાર મળેછે.

એક વાત સૌ કોઈ મીડીયા મૂર્ધન્યોએ અને બુદ્ધિજીવીઓએ ખાસ સમજવાની છે કે મોદી પી.એમ. બને તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ છે?

નરેન્દ્ર મોદીએ કદી આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. નરેન્દ્ર મોદીએ કદીય મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ તે પૂર્વે મુખ્ય મંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી, અંદરખાને દોરીઓ હલાવે છે તેવી અફવા પણ આપણા મીડીયા મૂર્ધન્યો ફેલાવી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદી ચાની કીટલી ફેરવવા જેવા સાદા કામોથી શરુ કરી, ઘરબારનો ત્યાગ કરી, હિમાલય રખડી, બાવાઓનો સહવાસ ભોગવી, ગરીબી ભોગવી જાણનારા, બહુશ્રુત, ક્ષેત્રજ્ઞ, કુટુંબની જંજાળથી મુક્ત એવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે બન્યા છે.

આવી પાર્શ્વ ભૂમિકાવાળા નેતા વિષે જ્યારે આપણો એક ગુજ્જુ અખબારનવીશ પણ જ્યારે એમ કહે કે નરેન્દ્ર મોદી મેગ્નેનીમસ (દરિયાદિલ) નથી એવો વિવાદ ઉત્પન્ન કરે. એટલું જ નહીં પણ જાણે કે દરિયા દિલ એકમાત્ર વડાપ્રધાનપદ માટેની લાયકાત છે એવું ઠસાવવા કોશિસ કરે ત્યારે  આપણા મૂર્ધન્યોની તર્ક બુદ્ધિની આપણને  શરમ આવે છે. ફલાણો કેટલો બધો દરિયાદીલ હતો. અને ફલાણા નાટકમાં આ પાત્રે ફલાણા હિરો દ્વારા કેવો ઉત્કૃષ્ટ અભિનય આપીને તેની દરિયાદિલી સિદ્ધ કરી બતાવેલી. આવું વર્ણન કરીને આ મૂર્ધન્ય શ્રીએ એ સિદ્ધકરવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. દશરથને ચાર પત્નીઓ હતી માટે તમે વાંઢા છો. એના જેવી આ વાત છે.

સિકંદરનો દાખલો

કટારીયા ભાઈએ આમ તો જોકે દાખલો સિકંદરનો આપેલો છે. જોકે સિકંદર કેટલો દરિયા દિલ હતો એ આખી બાબત વિવાદાસ્પદ છે. સિકંદર પોરસને જીતેલો કે કેમ તે પણ વિવાદાસ્પદ છે. કારણકે એક વિવાદ એવો પણ છે કે સિકંદર એટલો નબળી કક્ષાએ પહોંચી ગયેલ કે તેના બધી ઋતુઓમાં યુદ્ધ કરવાને કાબેલ એવું સૈન્યને માભોમ યાદ આવી ગયેલી. સિકંદરે અગાઉના હરાવેલા રાજાઓ સાથે જ નહીં પણ તેમની પ્રજા સાથે પણ ક્રૂર વર્તાવ કરેલ. એટલે સિકંદર દરિયાદિલ હતો તે વાત શંકાસ્પદ છે. પણ ધારો  સિકંદર દરિયા દિલ હતો. એટલે આપણા નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. નેલ્સન મંડેલા દરિયા દિલ હતા, એટલે નરેન્દ્ર મોદી દરિયા દિલ નથી. સાધ્યં ઈતિ સિદ્ધમ્‌. આવું જો કોઈ મૂર્ધન્ય કહે તો તેની મૂર્ધન્યતા ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. જો કે આ મૂર્ધન્ય કટારીભાઈએ કશી માહિતિ આપી નથી કે ક્યાં આપણા નરેન્દ્રભાઈ ઉણા પડ્યા. જો તેમણે આ માહિતિ ઉજાગર કરી હોત તો વાચકોના અને મોદીભાઈના જ્ઞાનમાં વૃદ્ધિ થાત અને મોદી ભાઈને સુધરવાના ચાન્સ રહેત. સુધારવાનો ચાન્સ આપવો એતો લોકશાહીનો મુખ્ય આડગુણધર્મ છે.

નરેન્દ્રભાઈને હવે “ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉબકા આવ્યા છે…” નરેન્દ્ર મોદી, રાહુલની નીમ્ન સ્તરે જઈને ટીકા કરે છે. આવું પણ આપણા આ અખબારી કટારીયા મૂર્ધન્ય કહે છે. જોકે આ કટારીયા મૂર્ધન્ય, વિગતો આપવામાં માનતા નથી. તેમની વાતો અને તર્ક આપણે રજનીશની વાતો અને તર્ક સાથે સરખાવી શકીએ. રજનીશને તારણો કાઢવાની ટેવ હતી પણ તેમના તારણો પછી ભલે તે રાજકીય નેતાઓ સામે હોય કે કોઈ મહાન વિભૂતિ વિષે હોય, કે માનસશાસ્ત્રીય હોય, પણ તે સર્વ તારતમ્યો એ સત્ય અને સત્યમાત્ર છે. આ સત્ય કેવી રીતે છે તે વાચકોએ સિદ્ધ કરવાનું. “જેમકે બોલવાથી મુક્તિ મળે છે” અને મૂર્ધન્યોને સિદ્ધ કરવામાંથી મુક્તિ મળે છે.

આપણા દેશને ચાણક્યની જરુર છે, પૃથ્વીરાજ ચૌહાણની નહીં.

નરેન્દ્ર મોદીએ શું દરિયાદિલ રાખ્યું નથી. જોકે મારા જેવા તો એવું જ માને છે કે દેશને સુધારવો હશે તો નેતાએ ચાણક્ય જેવા થવું પડશે. પૃથ્વીરાજ જેવા થયે નહીં ચાલે. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઈતિહાસનું પુનરાવર્તન કરે છે. કર્મના ફળ ભોગવવા એ ઈશ્વરીય વ્યવસ્થા છે.

એક વખત નરેન્દ્ર મોદીએ કહેલ પણ ખરું કે જો હું ધારું તો આ બધા કોંગી નેતાઓ ઉપર કામ ચલાવી શકું કારણ કે તેમણે તેમના ગુજરાત ઉપરના ૨૨ વર્ષના શાસનમાં અનેક કાળાંધોળાં કર્યાં છે.

નરેન્દ્ર મોદીની આ વાતને તમે શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસની વરીષ્ઠ નેત્રીએ ખેલદીલી પૂર્વક પદત્યાગ કરવાને બદલે  પોતાના વિરોધીઓને વગરવાંકે અનિયત કાળપર્યંત જેલમાં પૂરેલ, વી.પી. સીંગ સામે સેન્ટ કીટનો બનાવટી કેસ ઉભો કરેલ આને આપણા કટારીયા મૂર્ધન્ય શું ખેલદીલીમાં ખપાવશે?

અત્યારે પણ જુઓ. નરેન્દ્ર મોદીને  વિષે જો તમે માહિતિ આપ્યા વગર તેની વિરુદ્ધમાં કંઈ પણ કહો તે અફવા જ કહેવાય. જ્યારે અમિત શાહની ધરપકડની બાબતમાં, સંજય જોષીની સીડીની બાબતમાં, બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખની સામે આક્ષેપોની બાબત કે એવી કોઈપણ બાબત હોય જેમાં કોઈ પદચ્યુત થતું હોય તો તેમાં નરેન્દ્ર મોદીની તથાકથિત સંડોવણીની વાત ચગાવવામાં આવે છે. જો કે માહિતીને નામે શૂન્ય હોય છે.  આવી અફવાઓ ફેલાવનારા સામે નરેન્દ્ર મોદી ખેલદીલી રાખે જ છે ને! આવી બાબતોને નેતાએ લક્ષમાં રાખવી જોઇએ કે નહીં તે વિવાદનો વિષય છે. પણ ચોક્કસ “હાથી પાછળ કુતરાં ભસે પણ હાથી તેની ચાલે આગળ ચાલ્યા જ કરે છે. આ બાબતમાં નરેન્દ્ર મોદીએ તાદાત્મ્ય સાધ્યું છે. આ વાત કદાચ કેટલાક મૂર્ધન્યોને કઠતી હોય તેવું બની શકે.

નરેન્દ્ર મોદીને કોણ પૂરસ્કૃત કરે છે?

આંખે ઉડીને વળગે એવી વાત છે કે કોંગી નેતાઓ અને અખબારી મૂર્ધન્યો રાહુલ ગાંધીને પી.એમ. પદના ઉમેદવાર તરીકે પુરસ્કૃત કરે છે. તેથી સાવ જ ઉંધી વાત નરેન્દ્ર મોદી વિષે છે. ભારતીય જનતા જ નરેન્દ્ર મોદીને પી.એમ. તરીકે પુરસ્કૃત કરે છે. બીજેપી, એનડીએ કે રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીને પી.એમ. પદ માટે પુરસ્કૃત કરતા નથી.

જનતા માટે મોદી એકમાત્ર હોટ ફેવરીટ છે તે વાત આ અખબારી અને રાજકીય ખેરખાંઓ અચૂક છૂપાવે છે અને તેથી જ જનતાના અવાજને દબાવવા માટે નરેન્દ્ર મોદી વિષે જ અવળો પ્રચાર કરે છે.

આવા અનેક દુષણો સામે ટકી રહેવું અને આગળ વધવું એજ ઉત્કૃષ્ટ નેતાનું લક્ષણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, નહેરુ, ઈન્દીરા, નરેન્દ્ર મોદી, પી.એમ., નેતાગીરી, વૈચારિક, પ્રણાલી, વિકાસ, મીડીયા મૂર્ધન્યો, કટારીયા, હોટ ફેવરીટ, બીજેપી, એનડીએ, દરિયાદિલ

Read Full Post »

મોટેરો ઘોડે અસવાર

આમ તો ઝવેરચંદ મેઘાણીની “ભેટે ઝુલે છે તલવાર” કંઈક આ પ્રમાણે છે.

ભેટે ઝુલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝુલે છે,

મોટો ઝુલે છે રોજ હાથી અંબાડીએ, નાનેરો ઘોડે અસવાર,

વીરાજી કેરી ભેટે ઝુલે છે.”

આમાં બે ભાઈઓની વાત છે.

એક નાનો અને એક મોટો એમ વાત છે.

ગુણોની અદલા બદલીઃ

ભારત આપણી માતા છે અને તેના સંતાનો એકબીજાના ભાઈ થાય. એ હિસાબે થતા બે ભાઈઓની આપણે વાત કરીશું.

Self made

એક નરેન્દ્ર મોદી છે. એક નહેરુવીયન વંશજ રાહુલ ગાંધી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નાનેરો સદ્‌ગુણો ને વરેલો છે. મોટેરો દુર્ગુણોને વરેલો છે.

ગુણોની અદલાબદલી થઈ ગઈ છે

સદ્‍ગુણઃ ભણતર, નીતિમત્તા, દેશહિતની સમજણ, વ્યસન હીનતા, પ્રજા હિતની સમજણ, સમાજના દરેક સ્તરની જીવનની અનુભૂતિઓ, અથાક પરિશ્રમ, સ્વાવલંબન, રાજકીય અને આર્થિક સ્વતંત્રતા, આર્ષદૃષ્ટિ, …

દુર્ગુણઃ બાપિકા પૈસે તાગડ ધીન્ના, નિમ્નસ્તરનું ભણતર, વ્યસનો અને ચારિત્ર વિષે અફવાઓનું અસ્તિત્વ, શંકાસ્પદ વર્તનો, અધુરું વાચન, કલ્પનાનો અભાવ, અસંવેદન શીલતા, સ્વાર્થ અને દંભ, પરતંત્રતાનું વળગણ…

સદ્‍ગુણ ધરાવતા ભાઈ ઉંમરમાં મોટા છે. દુર્ગુણ ધરાવનારા ભાઈ ઉમરમાં નાના છે.

હવે આપણો દેશ તો લોકશાહી છે એટલે મોટાભાગના શત્રુઓ તો આપણા દેશમાં જ હોવાના. એટલે જે લડવાનું છે તે તો મોટેભાગે દેશને ગર્તામાં ધકેલનારાઓ સામે જ લડવાનું છે. આ દેશના દુશ્મનો એ આપણી સમસ્યાઓના ભાગરુપે છે. એટલે કે તેમને પણ સમસ્યાઓમાં ગણી લો.

સમસ્યાને કેવીરીતે ઉકેલવી તે વિષે કંઈ ફોડ પાડો.

મોટાભાઈએ સમસ્યાના પડકારો ને ઝીલી લીધા અને તેની સામે યુદ્ધ શરુ કર્યું.

નાના ભાઈ, ચૂંટણી આવે એટલે સક્રીય થાય અને દેશમાં સફરજન બને. એ સિવાય વિદેશોની ખેપો કરે અને શાને માટે ખેપો કરી તે બધું ખાનગી. તેમના નામ અને ધર્મ પણ ખાનગી. તેમના હિસાબો ખાનગી … એવી શંકાઓ ઉપર સ્પષ્ટીકરણનો જાણીબુઝીને અભાવ …

હવે ચૂંટણીઓ નજીક આવી.  કેટલાક રાજ્યોની વિધાનસભાઓની અને તે પછી લોકસભાની

કેન્દ્રમાં નાનાભાઈનું શાસન ચાલુ છે

ગુજરાતમાં મોટાભાઈનું શાસન ચાલુછે.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે

ચૂટણીઓ આવે એટલે સમાચાર માધ્યમોને ગરમાગરમ મસાલેદાર વાનગીઓ રાંધવાનો મોકો મળી જાય છે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે અને જનતાની તબિયત બગડે. જનતાની તબિયતનું ધ્યાન શા માટે રાખવાનું? જનતાની તબિયત તો બગડેલી જ રાખવાની. જનતાની તબિયત  બગડેલી હોય તો જ આપણે તેના ઉપર ઉપચારો કરીને કમાણી કરી શકીએ ને? જનતાની તબિયત બગાડવાનું તો આપણું ધ્યેય છે. એમ સમાચાર પત્રો માને છે. એટલે કેટલાક એવી શંકા સેવે છે કે કાં તો આ સમાચાર પત્રો મૂર્ખ છે અથવા તો નાના ભાઈ સાથે ભળી ગયા છે.

હમણાં હમણાં સમાચાર માધ્યમો પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને વગોવવામાં મચી પડ્યા છે.

સમાચાર માધ્યમો બે નેતાઓ વચ્ચે વડાપ્રધાન પદ માટે સ્પર્ધા ચાલી રહી છે એ વાતને બહુ ચગાવી રહ્યા છે. આવું કરવામાં તેઓ તેમની આદત પ્રમાણે નરેન્દ્ર મોદી ના દરેક વક્તવ્યોને આ વાતના અનુસંધાનમાં વિશ્લેષી રહ્યા છે. મોટે ભાગે તેઓ શાસ્ત્રીય ચર્ચા ને બદલે નરેન્દ્ર મોદીને અપમાન જનક અને અથવા મજાકીયા શબ્દોમાં નવાજી રહ્યા હોય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરે તે તો સમજી શકાય તેવું છે. કારણ કે તેઓને પોતાનો અંત નજીક દેખાય છે તેથી હવાતીયા મારે તે કદાચ આપણે ક્ષમ્ય ગણીએ, પણ પ્રસાર માધ્યમો વિકૃત બને અને આમ જનતાની ઈચ્છાઓને પ્રતિબિંબિત ન કરે ત્યારે તેઓ વિશ્વસનીય રહેતા નથી. આ સમાચાર માધ્યમો તો જ્યારે આધારહીન માહિતિઓ આપે ત્યારે દેશના ભવિષ્ય વિષે ચિંતા ઉત્પન્ન થાય જ.

મોટાભાઈ પાસે તો આમેય પોતાના રાજ્યની જવાબદારી છે. નાના ભાઈને પણ અમુક રાજ્યોની વિધાન સભાની ચૂંટણી સમયે પ્રચારનું માળખું વ્યવસ્થિત કરવાની અને પ્રચારની જવાબદારી સોંપેલી. વિશાળ સૈન્ય અને ભાટચારણોનો કાફલા હોવા છતાં પણ આ નાનાભાઈને પરાજય મળ્યો.  વ્યવસ્થા શક્તિ અને વૈચારિક આવડત ન હોય તો બીજું શું થાય?

ભાટ ચારણ ભાઈઓ માફ કરે. આ શબ્દો વટના કટકા એવા સાચા ભાટચારણ માટે પ્રયોજાયેલા નહી. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો માટે પ્રયોજાયેલા છે. ઉત્તર ભારતમાં અમુક માલેતુજાર લોકો કેટલાક લોકોને સેવકો તરીકે જીંદગીભરના બંધન સાથે સેવા માટે રાખે છે. તેઓ બંધવા મઝદુર તરીકે ઓળખાય છે. નહેરુવંશના પક્ષના નેતાઓ પણ આ બંધવા મઝદુર જેવી પ્રકૃતિ ધરાવે છે.

નાનકાએ શું કર્યું?

મૂળવાત પર આવીએ. આ નાના ભાઈએ તો પરાજય સ્વિકારી લીધો. પણ બંધવા ગુલામોએ અને તેના કુટુંબીજનોને આ પરાજય પચ્યો નહીં. ભાટ ચારણોએ આ પરાજયોને ચગાવ્યા નહી, કારણ કે આવકનો શ્રોત જ બંધ પડી જાય તે તેમને પરવડે તેમ ન હતું.

“મસ્જીદમાં ગર્યો તો જ કોણ?” એટલે કે આ નાનકાને કોઈ જવાબદારી સોંપવામાં જ આવી ન હતી. તેથી પરાજય અને નિસ્ફળતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ નાનકો તો સાક્ષીભાવે જ યુદ્ધમાં ગયેલ. અમારો આ નાનકો તો જવાબદારીથી જરાય ડરે તેવો નથી.

અમારો આ નાનકો કોઈપણ જવાબદારી માટે સજ્જ છે. અમે તે કોઈ મોટી જવાબદારી સ્વિકારે તે માટે આતુર છીએ. આવી વાત ભાટચારણોએ, બંધવા ગુલામોએ અને કુટૂંબીજનોએ, તેમની મશ્કરી શરુ થઈ જાય તેટલા ઠીક ઠીક સમય સુધી ચલાવી. તે પછી તેને પક્ષનો ઉપપ્રમુખ બનાવી એક મહાપરાક્રમ કર્યાનો નિંરાતનો શ્વાસ લીધો.

ભાઈ, અમારો નાનકો કંઈ જેવો તેવો નથી.  તમે તેનો તરવરાટ જુઓ .. તમે તેની લાગણી શીલતા જુઓ, તેનું નિરાભિમાન જુઓ, તે કેવો ગરીબો સાથે જમવા બેસી જાય છે, કેવું પ્લાસ્ટિકનું તગારું ઉચકવાની મજુરી કરવા તૈયાર થઈ જાય છે, તમે તેનું વૈવિધ્ય જુઓ, તે કેવો ક્યારેક દાઢી વધારે છે, તે કેવો ક્યારેક દાઢી ક્લીન સફાચટ એટલે કે ક્લીન શેવ્ડ ચહેરો રાખે છે, તમે તેના ચહેરા ઉપર  ની  તાઝગી જુઓ,  તેના હાવભાવ જુઓ, તે કેવો ચાલે છે, તે કેવો દોડે છે … (ઘોડો જો .. ઘોડો જો .. ઘોડાની કેશવાળી જો .. ઘોડાની ડોક જો … ઘોડાની પીઠ જો .. ઘોડો કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણ હણે છે …  ઘોડો જો ઘોડો જો .. આવો એક પાઠ બચપણમાં અમારે આવતો હતો)

હવે સામાજીક સમસ્યાઓનું આ નાનકાએ અશ્વાવલોકન કર્યું અને તેને લાધ્યું કે શું મારે આ બધું ઉકેલવાનું છે? ભારે કરી…. મને તો એમ કે મારે મારી મમ્મીની જેમ જાહોજલાલી ભોગવાની છે. જે કંઈ પરિણામ આવે તેને માથા ફોડ કરી હકારાત્મક બનાવી આપણા ભાટચારણો દ્વારા સફળતામાં ખપાવી દેવું અને તેનો જશ લઈ લેવો એજ પ્રણાલી ચાલુ રાખવાની છે. અને જો આ અઘરું પડે અને અશક્ય લાગે તો તો તે નિસ્ફળતાને માટે બીજાને બલીનો બકરો બનાવી દેવો. નહેરુકુલ રીતિ સદાચલી આયી, પ્રાણ જાઈ ઔર બચન સબ જાઈ.  જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. કારણ કે ગામના છોકરા ગારાના અને નહેરુવંશના સોનાના.

અત્યાર સુધી તો આ ચતુર પુરુષ રસબસતા ચૂરમાના લાડુ ખાઈને એય આરામથી હિંડોળે બેસી પાન ચાવતા હતા અને હવાફેર માટે દેશ વિદેશની ટ્રીપો મારતા હતા.   જરુર પડે ત્યારે કોઈ ગરીબને ત્યાં બે કોળીયા ગળચીને ગરીબની સેવા કર્યાની ફરજ બજાવી એમ માનતા હતા.  પણ આતો સાચે સાચ ઉપાધી આવી. આપણને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા. અને સર્વત્ર એવી જાહેરાત કરી દીધીકે હવે યુવરાજને જવાબદારી ભર્યું સ્થાન આપ્યું છે.

નાનકાને એ પણ લાધ્યું કે તેના પૂર્વજોએ પણ આ સમસ્યાઓનું ગર્દભાવલોકન કરેલ અને સુખેથી સત્તા ભોગવતા ભોગવતા જીવન જીવેલ. મારા પ્રદાદાએ હિમાલયન બ્લન્ડરો કરેલી. દાદી પણ ભૂલો કરવામાં કે ફ્રૉડ કરવામાં કમ ન હતા એમણે તો પ્રદાદા કરતાં પણ વધુ ભૂલો કરેલ. પણ મોટા વારસાની જોગવાઈ કરી ગયેલ, એવા બંધવા ગુલામ સહાયકો બનાવીને મુકી ગયેલ કે જેઓ હમેશા આપણા ઉપર આધાર રાખતા રહે અને જો ડહાપણ કરવા જાય તો તેમને જેલના સળીયા ગણતા કરી શકાય. પપ્પા પણ એવા બનવા માંડેલ પણ અકાળે ભગવાને બોલાવી લીધા. બહેનીએ આ ભાર ઉઠાવી લીધો હોત તો સારું. પણ એ બીચારી પણ શું કરે? જીજાજીએ ઓછી આફતો ઉભી કરી છે?

નાનકાએ વિચાર્યું કે વંશની પ્રકૃતિને જાળવા માટે મારે સમસ્યા વિષે શું કશુંક કહેવું જોઇએ? તત્વજ્ઞાન ભરડવું જોઇએ. જેમ મારા પ્રદાદા અને દાદી સમસ્યા ઉજાગર કરી ફીલોસોફી ભરડતા કે ફલાણી સમસ્યા ઘણી જુની છે અને અત્ર તત્ર સર્વત્ર વિશ્વવ્યાપી છે. ગરીબી હટાવો. અમે આ ગરીબીને ઉકેલવા કટીબદ્ધ છીએ. પછી કહેવું કે અમુક સમસ્યાઓ વિષે તો જાણે કે એવું છે ને કે અમને તમુક લોકો કામ કરવા દેતા નથી … મારા પપ્પાને પણ અમુક લોકોએ કામ કરવા દીધું ન હતું, બાકી અમે કુટુંબીઓ તો ઘણા શાણા અને શકરા છીએ. અમારા વિરોધીઓ જ પાજી હતા…  વિગેરે વિગેરે. ભાટ ચારણો આ બધાની વિગતોમાં ઉતરીને જનતાને માહિતિપ્રદ બનવાને બદલે ઉપરોક્ત વંશના ફરજંદના તારણોને જ વધુને વધુ પ્રસિદ્ધિ આપવાનું ચાલુ રાખતા હતા.

હવે શું કરવું?

ભાટચારણોએ અને બંધવા લોકોએ મોટાભાઈને મોટા પાયા ઉપર ભાંડવાનું ચાલુ કરી દીધું.

નરેન્દ્ર મોદીનો ડોળો દિલ્લીની ગાદી ઉપર છે.

મોદી વડાપ્રધાન પદ માટે રઘવાયા થયા છે.

મોદી ચલે દીલ્લી કો.

ક્યા મોદીકા મેજીક ચલેગા?

ક્યા મોદી અપના દાગ ધો પાયેગા?

ક્યા મોદીકા મોડલ દેશ પર ચલેગા?

ક્યા મોદી આત્મશ્લાઘાસે દીલ્લીકા રાસ્તા તય કર પાયેગા?

ક્યા મોદીકા દિલ્લીકા રાસ્તા ઈતના સરલ હૈ?

ક્યા મોદી સર્વસ્વિકૃત બન પાયેગા?

ક્યા મોદીકો, એનડીએ કે ઘટક પક્ષ સ્વિકારેંગે? 

ક્યા મોદી અપને ખુદકે પક્ષમેં સર્વમાન્ય હૈ?

ક્યા મોદી સબકો સાથ લે કે ચલ સકતા હૈ?

નાનકાએ કહ્યું, દેશ સમસ્યાઓથી ભરપુર છે. જનતાએ સમજવું જોઇએ કે કોઈ એક માણસ ઘોડા ઉપર આવશે અને બધી સમસ્યાઓથી છૂટકારો મળી જ જશે એવું નહીં બની શકે. સમસ્યાઓમાં જનતાએ પોતે જ પ્રયત્નો કરવા પડશે. એક વ્યક્તિ કશું કરી ન શકે.

મોટા ભાઈ તો જવાબદારી વાળા હતા. અને પોતે કઈ સમસ્યા બાબતમાં કેવું વિચાર્યું અને શું કર્યું અને શાં પરિણામો આવ્યા …  વિગેરે વિગેરે લોકોમાં જાહેર કરવા લાગ્યા.

એટલે બંધવા ગુલામોના પેટમાં તેલ રેડાવા લાગ્યું. તે લોકો કહેવા લાગ્યા કે મોદી આત્મશ્લાઘા કરે છે. મોદી પોતાને પીએમ સમજવા લાગ્યો છે. મોદી ગુજરાતને દેશ માને છે. મોદી તો યમરાજ છે. ટૂંકમાં મોદી વિરોધીઓને હવે યમરાજ દેખાવવા લાગ્યા છે જાણે તેમના દિવસો પૂરા થયા.

મોદીએ કહ્યું મેં તો જનતાના સહકારથી કર્યું છે. મારે તો ઘણું કરવાનું બાકી છે. મેં તો હજુ નહેરુવંશી સરકારોએ કરેલા ખાડાઓ જ પૂર્યા છે. મારા સ્વપ્નની ઈમારત તો હજી બાકી છે.

બંધવા લોકો કહેવા લાગ્યા કે મોદીએ તો ખીણ ખોદી છે. એ કોણ પૂરશે? મોદી વિરોધીઓને મોદી-ફોબીઆ છે. તેઓ દરેક વાતે ૨૦૦૨ના રમખાણો જનતાને યાદ કરાવવા માગે છે. મોદીએ ગુજરાતની જનતાને તો ૨૦૦૨ના રમખાણો ભૂલાવી દીધા છે. પણ બંધવા ગુલામો અને ભાટચારણો ગુજરાત બહાર ૨૦૦૨નો લાભ લેવા માગે છે. એટલે કે ૨૦૦૨ના રમખાણો અને મોદી ફોબીયાની ખીણમાંથી તેઓ બહાર નિકળવા માગતા નથી. એટલું જ નહીં પણ આખા દેશની જનતાને ખીણમાં પાડવા માગે છે.

નાનકાએ કહ્યું દેશ તો મધપુડો છે. નાનકાનું કહેવું એમ હતું કે જનતાએ ભેગા મળીને કામ કરવું પડશે.

મોદીએ કહ્યું ભારત દેશ તો આપણી માતા છે. આપણે દેશને માતા તરીકે જોઇએ છીએ.  માતાને મધપુડો ન કહેવાય.

નાનકાએ રામ ભરોસે દેશની મધપુડા સાથે સરખામણી કરી હતી. મોદીકાકાએ તેના ઉપર એક કટાક્ષ કર્યો. જવાબ બહુ બહુ તો નાનકાએ આપવો જોઇએ. પણ નાનકાનું મગજ જરા “સ્લો ટુ ઓપરેટ” એટલે કે જલ્દી ન ચાલે તેવું છે. મોદીના કટાક્ષનો જવાબ તો તૂર્ત જ આપવો જોઇએ. નહીં તો હવા ઠંડી પડી જાય. તેવે વખતે જવાબ આપીએ તો મૂર્ખમાં ખપીએ. એટલે બંધવા ગુલામો એક પછી એક જવાબ આપવા માંડ્યા.   બંધવા ગુલામોએ કહ્યું, મોદીમાં અક્કલ નથી. મધપુડો એક શિસ્તબદ્ધ રીતે થયેલી સંરચના છે. મોદીમાં શિસ્ત જેવું અને સભ્યતા જેવું કશું નથી.

શું આ કટાક્ષ વિષે આગળ ચર્ચા કરી શકાય. રમૂજ તો કરી શકાય કે મધપુડામાં રાણી જ સર્વેસર્વા હોય છે. એટલે રાણીના ઘરને જ વળગીને કામ કરવું જોઇએ. રાણી કે રાજા થવાની કોઈએ આકાંક્ષાઓ રાખવી ન જોઇએ. બધાએ વ્યંઢળની જેમ જ વર્તવું જોઇએ. હવે આ ટોપી કોને માથે બંધ બેસતી થશે?

મોટાભાઈની વાતો અને મીડીયાગીરી

મોદીકાકા ઔદ્યોગિક ગ્રુપની બહેનોની સભામાં કંઇક બોલવા માટે આમંત્રાયા. અગાઉ એક સભામાં નાનકાએ **વતીબેનનો દાખલો આપેલ કે જેમના પતિ આત્મહત્યા કરી અવસાન પામેલ. તેથી **વતી બેનને અમુકલાખ રુપીયાની મદદ કરવામાં આવેલ. તેમની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ. આપણા મોદીકાકાએ જશુબેનનો દાખલો આપ્યો. કે તેઓએ વિધવા થયા પછી આત્મસુઝ અને વ્યવસ્થિત કારભારથી કેવી રીતે પીઝાનો ધંધો ઉભો કર્યો અને મલ્ટી નેશનલ વિદેશી બનાવટને ટક્કર આપીને વિકસાવ્યો.  બહેનોમાં અસાધારણ વ્યવસ્થા શક્તિ હોય છે. તેઓ પોતાના ઉત્પાદનને કેવા કેવા ઉચ્ચ સ્તરે પહોંચાડી શકે છે. આ વાતના સર્વગ્રાહી ઉદાહરણો તેમણે ઈન્દુબેન ખાખરા વાળા, લીજ્જત પાપડ અને અમૂલ દુધના આપ્યા. ગુજરાતમાં બહેનો સખીમંડળ બનાવીને કરોડો રુપીયાનો વહીવટ કેવો સક્ષમ રીતે કરી શકે છે તેનો પણ દાખલો આપ્યો. જો કે મોદીકાકાએ, નહેરુવંશના ભાટ ચારણો ઉપર થોડી રમૂજ પણ કરી લીધી. સાથે સાથે ભ્રૂણ હત્યા વિષે થોડા ભાવુક પણ બન્યા. આ વાતને આપણા ગુજ્જુ *ઢવાડીયાજીએ પકડી લીધી અને તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના આંસુ મગરના આંસુ છે. ફલાણી ફલાણી બહેનો જ્યારે કમોતે મરી ગઈ ત્યારે મોદી સાહેબ ક્યાં હતા?

નહેરુવંશના ભાટચારણોએ કહ્યું કે મોદીએ તેમને પૂછેલા ખાસ પ્રશ્નોનો સીધો ઉત્તર આવ્યો નથી. જેમકે બહેનો માટેના ૩૦ટકા અનામત બેઠકો વિષે તેમણે ફોડ પાડીને પોતાનો મત પ્રદર્શિત કર્યો નથી. જો કે મોદીએ કહ્યું કે તેમણે તો બહેનો માટે ૫૦ ટકા બેઠકો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત રાખવાનો ઠરાવ બનાવીને વિધાન સભામાં પસાર કરાવીને રાજપાલની મંજુરી માટે મોકલી આપ્યો છે. અને તે હજી ત્યાં જ પડ્યો છે. વળી તેમના પક્ષે કદી ૩૦ટકા બહેનો માટે અનામત રાખવાનો વિરોધ કર્યો નથી. હવે જો મધપુડો એટલે સામુહિક કર્મ એવું અર્થઘટન નહેરુવંશીઓ, તેમના બંધવા સેવકો અને ભાટચારણો કરી શકતા હોય તો નરેન્દ્ર મોદીના વલણનો તેમને ખ્યાલ આવી જ જવો જોઇએ. મોદીએ અને તેમના પક્ષે બહેનો માટે જે અનામતો પુરસ્કૃત કરી હોય તેના ઉપરથી નરેન્દ્ર મોદીના જવાબ મળી જ જાય છે. પણ આપણા આ ભાટચારણો તો એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઈલમાં જવાબ ન આપે. પ્રસાર માધ્યમો જે શબ્દોમાં જવાબ માગે છે તે જ શબ્દોમાં જવાબ આપે. ઈન્દીરા માઈએ લાદેલી કટોકટી વખતે વિનોબા ભાવે વિષે પણ આવું જ થયેલ. વિનોબા ભાવેએ કહેલ કે હું મારો જવાબ મારા શબ્દોમાં આપું, પણ કેટલાક લોકો એવું ઈચ્છે છે કે હું તેમના નક્કી કરેલા શબ્દોમાં મારો જવાબ આપું.

નરેન્દ્ર મોદી તો લોકોને સાથે લઈને જ ચાલે છે તે માટે તેમણે એક નવી પ્રણાલી પ્રસ્તૂત કરી છે જેમાં સ્થાનિક લોકો, જનતા, પ્રાઈવેટ પાર્ટી અને સરકાર સઘળા સામેલ હોય.

મોદીની વિકાસ માટેની કાર્યશૈલીને “મોદી મોડેલ” એ નામ થી પ્રસાર માધ્યમોએ ઓળખાવવી શરુ કરી છે. નરેન્દ્ર મોદી આમ તો દાખલાઓ આપીને જ બધી વાતો કરે છે. પણ પ્રસાર માધ્યમો એવી માહિતિઓ ઉપર ચર્ચા કરાવતા નથી. કારણ કે જો ચર્ચા એ રીતે ચાલે તો મોદીનો વિરોધ કરવાનો અને મોદીને વગોવવાનો અવકાશ ન રહે. પ્રસાર માધ્યમોને અદ્ધર અદ્ધર વાતો કરવામાં જ વધુ રસ છે.

એક ટીવી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “મોદી ચલે દીલ્લીકો

બીજી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “ફેંકુ બનામ પપ્પુ

ફેંકુ વિશેષણ નરેન્દ્ર મોદી વિષે વાપરવામાં આવ્યું છે.

“પપ્પુ” શબ્દ રાહુલ માટે છે.

પપ્પુ શબ્દ આમ તો નિર્દોષ શબ્દ છે.

પણ ફેંકુ શબ્દ તો હલકો, જુઠ્ઠા બોલો અને ચારસોવીસ નો પર્યાય થાય. નરેન્દ્ર મોદી એક લોકપ્રિય નેતા છે. એક રાજ્યના મુખ્ય મંત્રી છે. ભારે બહુમતિથી ચૂંટાઈને આવેલા છે. તેમને માટે ફેંકુ શબ્દ ન વપરાય. ચેનલે આવા અપમાન જનક શબ્દો ન વાપરવા જોઇએ. પણ આ બનાવ ચેનલના સંસ્ક્રાર બતાવે છે. સુજ્ઞ લોકોએ તેને તે રીતે મુલવવી જોઇએ.

“મોદી મોડેલ” આ શબ્દ રાજકીય બનાવી દેવાયો છે. છતાં ગુજરાતમાં જે રીતે વિકાસ થયો તેના અનુસંધાનમાં જો જોવામાં આવે તો તેને ફેંકી દેવાનુ કહેનારા જ ફેંકુ છે.

દરેક રાજ્ય પાસે અનેક સંપદાઓ તો હોય છે જ

દરિયા કિનારો, પહાડ, રણ, ખારોપાટ, ખેતરાઉ જમીન, પડતર જમીન, જંગલ, પવન, તડકો, ખનીજ સંપત્તિ, પાણીનો ઉગ્ર પ્રવાહ, નદીઓ, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્મારકો, પશુધન, માનવ શક્તિ. આ માનવ શક્તિને અન્ય શક્તિઓ સાથે જોડીને વિકાસ કરી શકાય છે. નરેન્દ્ર મોદીએ માળખાકીય સગવડો કરી. એટલે કે સડકો અને વિજળી. પાણીનો શ્રોત ફક્ત નર્મદા અને તાપી છે. તો તેમણે નર્મદાને સરસ્વતી સાથે જોડી. નર્મદાના કામમાં ઘણા રાજકીય રોડાઓ આવ્યાં છે. પણ તેની વાત નહીં કરીએ. ખેતીમાં ડબલ ફીગરમાં વિકાસ કર્યો. શિક્ષણનો વિકાસ કર્યો. જે પહેલાં ૬૦ ટકાથી નીચે હતું તેને ૮૦ ટકા કર્યું. પવન ઉર્જાનો વિકાસ કર્યો. સોલર પાવરનો વિકાસ કર્યો. પર્યટન ક્ષેત્રે વૃદ્ધિ થઈ. શહેરી વિકાસ શહેરો શોભી ઉઠે તેવો થયો. ગામડાંનો પણ વિકાસ થયો અને ગામડામાંથી શહેરો તરફ થતો ધસારો નબળો પડ્યો. સખીમંડળો અને મેળાઓ દ્વારા ગ્રામોદ્યોગ ને પ્રોત્સાહન આપ્યું અને શહેરોમાં તેના પ્રદર્શનોને વેગવંતા બનાવ્યા. તહેવારોની સામુહિક ઉજવણી, આનંદ બજારો, ખાદી મેળાઓ, કૃષી મેળાઓ, રમત ગમત અને મનોરંજન કાર્યક્રમો દ્વારા સંવાદ અને લોકભાગીદારી વિકસાવી. ઈન્ટરનેટથી વહીવટી તંત્રને પ્રજા સાથે જોડ્યું. સરકારી નોકરોના કલ્ચરને સુધારવા પ્રશિક્ષણના વર્ગો ચલાવ્યા. ટૂંકમાં લોકો સાથેનો સરકારનો સંવાદ વધ્યો.

નરેન્દ્ર મોદી શું કહે છે?

ગુજરાતનું વિકાસનું મોડેલ જ બધે ફીટ કરવું જોઇએ તેમ સમજવાની જરુર નથી. પણ ગુજરાત મોડેલમાં મોડીફીકેશન કરીને જે તે રાજ્યમાં તેને અનુરુપ મોડેલ બનાવી શકાય. મીડીયાવાળા આ મોડીફીકેશનનો અર્થ સમજવા છતાં પણ સમજશે નહીં. પણ તેને તેઓ મોડીફીકેશનને બદલે “મોદીફીકેશન” કહી નિરર્થક વિવાદો સર્જશે.

નરેન્દ્ર મોદી પાસે ચિંતન છે અને નવા વિચારો છે. તેને જનતાને ચાલતી અને દોડતી કરતાં આવડે છે. નરેન્દ્ર મોદી સંવાદ કરે છે. તેના સંવાદ ઉંડાણ અને માહિતિ સભર હોય છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ફક્ત વાણી વિલાસ કરે છે. તે કોઈ માહિતિ આપી શકતો નથી. ચાલો માની લઈએ આપણો દેશ મધપુડો છે. મધ તો બહુ પવિત્ર અને શ્રેષ્ઠ દવા અને વાનગી પણ છે. આટલી બધી માખીઓ પણ હાજર છે. અપાર સંપદાઓ પણ છે. તમારા બાપદાદાઓએ છ દાયકા સુધી રાજ કર્યું તો પણ લોકો અભણ, બેકાર અને ગરીબ કેમ રહ્યાં? મનીનું હની કોણે બનાવ્યું? વિદેશી બેંકોના ખાતાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં કઈ માખીઓ આડે આવે છે? શું તમે તમારા વડવાઓથી વધુ હોંશીયાર અને આવડતવાળા છે? દશાકાઓ તેમને અંધારે ગયા, તમે આવા શાણા ક્યાંથી થયા?

મોટાભાગની સમસ્યાનું મૂળ નિરક્ષરતા, બેકારી અને ગરીબી છે   

તે માટે વિકાસ અને ગુડગવર્નન્સ જોઇએ.

દિલ્લીનું, બીજા રાજ્યોનું અને સાથે સાથે મીડીયાનું કલ્ચર ગુજરાતની જનતાના કલ્ચરથી અલગ છે. પણ બીજા રાજ્યોની જનતા અને ગુજરાતની જનતામાં વિકાસના મુદ્દે આભ જમીનનો ફેર નથી.

જ્યારે જનતાની આકાંક્ષાઓ સમાન ધરી પર આવે છે અને તે એક નેતાને પસંદ કરે છે ત્યારે નાત, જાત, ધર્મ અને ભાષાના ભેદ ગૌણ બની જાય છે.

મોરારજી દેસાઈ એક ઉચ્ચ કક્ષાના નેતા અને વડાપ્રધાન હતા. જનતાને પસંદ હતા પણ જનતા તે વખતે સ્થાનિક રાજકારણની રાજરમતથી મુક્ત બની ન હતી અને બની શકે તેમ ન હતી. તેથી જનતા પક્ષ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવી ન શક્યો. જો તે વખતે મીડીયા મૂર્ધન્યોએ આમ જનતાને સાચી દોરવણી આપી હોત તો નહેરુવીયન કોંગ્રેસનો ફરીથી ઉદય થઈ શક્યો ન હોત. મોરારજી દેસાઈના નેતૃત્વમાં વિકાસની નીતિ સારી રીતે અમલમાં આવી શકી હોત. લોકો વિકાસની નીતિને સમજી શક્યા હોત.

નરેન્દ્ર મોદી, ભૂતકાળના નેતામંડળની ભૂલોને સમજી શક્યા છે. અને પોતાની વાત એક વ્યુહ રચના બનાવીને જનતાને સમજાવી શક્યા છે. જ્યારે જનતા સમજી જાય છે ત્યારે ભલભલા ભૂપતિઓ ભોંય ભેગા થઈ જાય છે.  એટલે બહારના અને અંદરના કયા નેતાઓને નરેન્દ્ર મોદી આવકાર્ય છે અને કયા નેતાઓને આવકાર્ય નથી, એ બધી વાતો ગૌણ બની જાય છે. મીડીયા મૂર્ધન્યો આ વાત સમજવા માગતા નથી. મોટાભાગના નેતાઓ અને મીડીયા મૂર્ધન્યો પોતાના અંગત સ્વાર્થ ફુલે ફાલે તે માટે જૈસે થે સ્થિતિ જ રાખવામાં માને છે.  

નિશ્ચિત મોડેલ કે વાદ જેવું કશું હોતું નથી

મુડીવાદ, સમાજવાદ, સામ્યવાદ વિગેરે ધત્તીંગ છે. વિનોબા ભાવે કહે છે કે આ યુગ જ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. તેમનું પ્રયોજેલું સમીકરણ છેઃ

માનવ શક્તિ + માનવતા + ટેક્નોલોજી = વિકાસ

વિકાસની સીમાઓ અનંત છે, અને કુદરતી શ્રોતો પણ અનંત છે. માણસની સુખસગવડો સાચવવા માટે કુદરતમાં અખૂટ છે. પણ માણસના લોભને સંતુષ્ટ કરવા માટે કુદરત તૈયાર નથી (મહાત્મા ગાંધી) 

નરેન્દ્ર મોદી પણ કંઈક આવી જ વાત કરે છે. પણ નરેન્દ્ર મોદીના વિરોધીઓ નરેન્દ્ર મોદીના શબ્દો ઉપર વાણીવિલાસ કરે છે અને તેના શબ્દો ઉપર બળાત્કાર કરે છે.

શિરીષ મોહનલાલ દવે

વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનઃ

એક પતંગ બનાવવાના કામમાં કેટલા કાર્ય ઘટક કાર્યો કરે છે? એક પતંગ તૈયાર કરવામાં કેટલી ઘટક વસ્તુઓ વપરાય છે? વાંસ ક્યાંથી આવે છે? વાંસ આસામથી કેમ આવે છે? ડાંગના વાંસનો ઉપયોગ કેમ કરતા નથી? આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી લાંબા અંતરે ગાંઠ હોય તેવા વાંસના સારા અને મોટા પતંગો પણ બનાવી શકાય છે. તો આપણે તેવા વાંસ ઉગાડો.

શેરડીના સાંઠાને પણ ગાંઠો હોય છે. જો વાંસની ગાંઠો વચ્ચેના અંતરને વધારી શકાય છે તો શેરડીના સાંઠામાં પણ આ થઈ શકતું હશે. અને તેવું થયું પણ ખરું. લાંબા અંતરે ગાંઠો હોય તેવી શેરડીએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આ તો એક જ વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનની વાત કરી. પણ આવું તો નરેન્દ્ર મોદી એ ઘણી બાબતોમાં માનવશક્તિની વૈચારિક ચેતનાને વિકાસ સાથે જોડવાનું કામ કર્યું છે.

ટેગ્ઝઃ ગુજરાત મોડલ, વિકાસ, મોદી, મોદીફીકેશન, મધપુડો, ભારતમાતા, વિપક્ષ, નહેરુવંશી, સમસ્યા, માનવશક્તિ, દિલ્લી, નેતા

Read Full Post »

તમારે રજનીશના ભક્ત થવું છે? મારે થવું છે.

બાવાઓ અત્ર તત્ર સર્વત્ર છે.

તમે રજનીશ, આશારામ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બાબા પરમસુખ, નિર્મલ બાબા અને લગભગ તેમના જેવાં રાધેમાં, એવાં “માં” ઓનો તૂટો નથી. જોકે આખી દુનિયામાં આવી સ્થિતિ પ્રવર્તે છે પણ ભારતમાં કંઈક વિશેષ હોય તેમ લાગે છે.

કટારીયાઓ પ્રત્યે કડવાશ નથી. દયા છે.

જેઓ પોતાને અસાધારણ નથી માનતા તેઓ આવા “બાબાઓ”ના અને “માં”ઓના ભક્ત બની જાય તો કદાચ ક્ષમ્ય ગણાય. પણ જેઓ પોતાને બુદ્ધિજીવી માનતા હોય અને સમાચાર પત્રોમાં કટારો લખતા હોય તેઓ જ્યારે આવા બાબાઓ અને માતાઓથી પ્રભાવિત થઈ જાય ત્યારે આશ્ચર્ય સહિત દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે દેશના સમાચાર માધ્યમો ઉપર કબજો ધરાવતા લોકોની જો બૌધિક કક્ષા આવા નિમ્ન સ્તરે હોય તો દેશમાટેના ઉચ્ચ સ્વપ્નો કોણ પુરા કરશે? જો કોઇ માઈનો લાલ નિકળશે તો પણ તે કેટલું પ્રદાન કરી શકશે?

આમ તો બાબા અને માતાઓ (“માં”ઓ) ના અનેક પ્રકારો છે. બધા જ બાબાઓ અને માતાઓ ઉપદ્રવી હોતા નથી.  જોકે મોટા ભાગના પોતાનું કાર્ય ક્ષેત્ર મર્યાદિત રાખે છે. કેટલાક પોતાનું ક્ષેત્ર દવા દારુ, યોગ અને આનંદ પુરતું મર્યાદિત રાખે છે. કેટલાક કૃષ્ણ, શિવ, સાંઈ, રામ, ઘનશ્યામ મહારાજની ભક્તિ કે વિદ્યા પ્રસાર સુધી સીમિત રાખે છે. અને કહે છે કે આ બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનો વિષય છે.

કેટલાક બાવાઓ સુખીજીવન અને આનંદની વાતો કરે છે. કેટલાક બાવાઓ ચમત્કારની વાતો કરે છે તો કેટલાક વૈશ્વિક સત્યોની વાતો કરે છે.

બ્રહ્મજ્ઞાની બાવાઓ

મોટાભાગના બાવાઓ પોતાને બ્રહ્મસત્ય  એટલે કે યુનીવર્સલ ટ્રુથ ના જ્ઞાતાઓ માને છે. અને જેમ અગાઉ જે અવતારી પુરુષોના મુખેથી બોલાયેલા વાક્યો કે પછી તેમના શિષ્યોએ તેમના મુખમાં મુકેલા શબ્દો  જેવા કે તું મારે શરણે આવી જા હું તારો ઉદ્ધાર કરીશ અને તને આ લોક અને પરલોકમાં સુખી કરી દઈશ એવું કહી કહેવડાવી વસ્તાર વધારે છે.

કેટલાક પોતાના વિસ્તરિત વર્તુળ થકી અમુક જરુરીયાતવાળા લોકોની અમુક જરુરીયાતો પુરી પણ કરી અપે છે. કેટલાક બાવાઓના વાણીવિલાસથી અતિપ્રભાવિત થઈ જાય છે. તો કેટલાક આ બાવાઓએ પોતે ફેલાવેલી અફવાઓ કે તેમના શિષ્યોએ ફેલાવેલી અફવાઓથી અતિપ્રભાવિત થઈ જાય છે.

સંશોધનનો વિષય છે

આવા પ્રભાવિત થયેલા લોકોમાં છાપાંઓના કટાર ધારકો પણ હોય ત્યારે આ બાવાઓ સંશોધનનો વિષય લાગે છે. આવા પ્રભાવિત મહાનુભાવો કયા કારણથી પ્રભાવિત થાય છે તે બાબત પણ સંશોધનનો વિષય બને છે.

પણ હવે જો આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરનારા હિરાભાઈઓ અને પંકાયેલા અસામાજીક તત્વો પાસેથી એકે ૫૬ જેવી બંદુક ખરીદનારા ની જાહેરાત ક્ષેત્રે અને બોલીવુડમાં બોલબાલા હોય અને જે દેશના  ન્યાયધીશો પણ તેનાથી પ્રભાવિત થતા હોય તો કટાર લેખકો વળી કઈ વાડીના મૂળા કે જેઓ આચાર્ય રજનીશના પ્રસંશક ચેલા ન બને!

પણ ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે મારે રજનીશના ચેલા બનવું છે, તો શું?

મને મારી વાત કરવી ગમતી નથી.

કારણ કે કદાચ મારી પોતાની વાત આત્મશ્લાઘામાં ગણાઈ જાય. અથવા જો કોઇ મારા વિષે જાણે તો, અને જો તેમનું ભણતર અને ઉલ્લેખિત જ્ઞાન મારા કરતાં ઓછું હોય તેવી તેમની સમજણ હોય તો, કદાચ મારી વાત અસ્પષ્ટ હોય અથવા તાર્કિક ન હોય અથવા અધુરી હોય તો, અને આવા સંજોગોમાં તેઓ જો મારી વાત સ્વિકારી લે તો એક ખોટો મેસેજ જાય.

*એવું પણ બને કે તેમની શૈક્ષણિક લાયકાત મારા કરતાં વધુ હોય, તેમનું વાચન અને લેખન પણ વધુ હોય અને ખ્યાતિ પણ વધુ હોય, પણ ફક્ત આ જ કારણોસર મારી વાત તેઓ સાચી ન માને અને આજ કારણસર ચર્ચાને નકારે, તો પણ જનતામાં એક ખોટો મેસેજ જાય.

“પ્રાણલાલ બાટલાવાળા”

આના બે દાખલા મારી પાસે છે. એક પ્રાણભાઈ જે “પ્રાણલાલ બાટલાવાળા” તરીકે ઓળખાતા હતા. તેમના વિષે મેં મારા મિત્રમંડળમાં એક ઈનામ બહાર પાડેલ. આ ઈનામ એ હતું કે જે કોઈ પ્રાણલાલભાઈને ખોટા સાબિત કરી દે તેને એક રુપીયો આપવો. જોકે એક રુપીયાને સો રુપીયા બરાબર ગણવાનો. કારણ કે આ ટોકન ઈનામ હતું.

પણ અમારા પ્રાણભાઈ એવા વક્તા કે તેમને વાત કરવામાં કોઈ પહોંચી ન શકે. એટલે અમારા મિત્રમંડળમાં બધા સમસમીને બેસી રહેતા અને મને કહેતા કે તમે એમને ચડાવો છો.

બીજું પણ એક ઈનામ જાહેર કરેલું તે ઈન્દીરા ગાંધી વિષે હતું. તે એમ હતું કે જો કોઈ એમ સાબિત કરી દે કે ઈન્દીરા ગાંધીએ કોઈપણ એક કામ સારું અને સાચું કર્યું હોય તો તેને એક રુપીયો ઈનામ આપવાનો. મારા આ બંને ઈનામ અકબંધ રહેલા. એક પ્રાણલાલભાઈને કારણે અને એક ઈન્દીરાને કારણે.

૧૯૭૧માં મારી કાળક્રમે અમદાવાદ બદલી થઈ. અહીં તો કોઈ પ્રાણલાલભાઈને ઓળખે નહીં એટલે એ ઈનામ સ્થગિત થયું.

મારે એક મારા ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર મિત્ર હતા. તેઓ બહુમોટા વિચારક પણ છે. ઈશ્વરની ઈચ્છા થકી હું બહુ ઓછી વ્યક્તિઓથી તેમના તર્ક, સમજણ અને કાર્યથી પ્રભાવિત થાઉં છું. પણ આ ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ તેમાં અપવાદ છે. તેઓ મારાથી કદાચ એકાદ વર્ષે નાના હશે પણ તેમના ત્યાગ અને કર્તવ્ય નિષ્ઠા થી ચોક્કસ કોઈપણ પ્રભાવિત થાય. આ મિત્ર થકી હું  અમદાવાદમાં  કેટલાક ગાંધીવાદીઓના સંપર્કમાં આવેલ.

મને બધા ગાંધી વાદી પ્રત્યે અત્યંત માન છે. અને સદાકાળ આ માન રહેશે. તો પણ કેટલાક અગ્રગણ્ય ગાંધીવાદીઓ પણ મારા આશ્ચર્ય વચ્ચે મને પરોક્ષ રીતે અહંકારી લાગ્યા. એટલે કે વિચારમાં તર્ક શુદ્ધતા જોવાને બદલે વિચાર ક્યાંથી (કઈ વ્યક્તિ તરફ થી) આવ્યો છે તેને વધુ મહત્વ આપતા હતા. આ વાત ની પૂર્વ ભૂમિકા સમજવા માટે ઉપરનો * માર્કા વાળો પેરા ફરીથી વાંચવો. મેં અમદાવાદમાં મારા મિત્રમંડળમાં એક ઈનામ જાહેર કર્યું. જે કોઈ મહાત્મા ગાંધીની કોઈ એક વાતને ખોટી સાબિત દેશે તેને સો રુપીયાનું ઈનામ આપીશ.

હવે આમાં થયું એવું કે જેઓ મારા કરતાં વધુ જ્ઞાની હતા અને ગાંધીજીના વધુ અભ્યાસી હતા તેમનું સ્વમાન ઘવાયું હોય તેવું લાગ્યું. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ડ્ઝવર્થને તેની આગળ કોઈ કુદરતી દૃષ્યનું પદ્યમય ગદ્ય કાવ્ય બનાવીને સંભળાવે.

એક બુઝર્ગ પ્રખર ગાંધીવાદીએ અમારી મંડળીમાં આ ચેલેન્જ ઝીલી અને એક દાખલો આપ્યો.

“એક અપરિણિત યુગલ ગાંધીજી પાસે આવ્યું. તેમના ધર્મ જુદા હતા. એક વ્યક્તિ મુસ્લિમ અને બીજી હિન્દુ એમ હતું. તેઓ ગાંધીજીની સલાહ લેવા આવ્યા કે તેમણે આ આંત‌ર્‌ ધર્મી લગ્ન કરવા કે નહીં. હવે તમે જાણો છો કે ગાંધીજી કોઈ એવા ભેદભાવમાં માનતા ન હતા કે ધર્મને કારણે લોકો જુદા પડે. સર્વધર્મ સમભાવમાં ગાંધીજી માનતા હતા. છતાં તેમણે આ યુગલને સલાહ આપી કે તેમણે આ લગ્ન ન કરવા. એટલે કે ગાંધીજી પોતે જ, પોતે પ્રબોધેલા સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. એટલે કે ગાંધીજી પોતે જ એટલા સાચા ગાંધીવાદી ન હતા. સાધ્યમ ઈતિ સિદ્ધં. લાવો ૧૦૦ રુપીયા.”

મેં કહ્યું કે યુગલે ગાંધીજીની સલાહ લેવાનું શા માટે નક્કી કર્યું? શું તેમને પોતાના ઉપર અને એકબીજા ઉપર આત્મવિશ્વાસ ન હતો? ગાંધીજીની સલાહ લેવા આવ્યા એજ વસ્તુ બતાવે છે કે તેમનામાં પુરતા આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસની ઉણપ હતી. આંતર્‍ધર્મી લગ્ન એ એક પડકાર છે. એ પડકાર ઝીલવામાં કચાસ હોય તો યુગલ અને સમાજ બંનેને હાનિ થઈ શકે છે. ગાંધીજી આ વાત સમજી શકેલ તેથી તેમણે આપેલી સલાહ યોગ્ય જ હતી. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને સામાજિક પડકાર સહનકરવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જ જોઇએ.

મારી વાતનો એમની પાસે કે કોઇની પણ પાસે જવાબ ન હતો. અને હુડહુડ કરી મંડળી બરખાસ્ત થઈ.

હવે આપણા રજનીશભાઈના ભક્તોની વાત કરીએ.

એ પહેલાં એક આડવાત પણ કરી લઈએ. ગીતા વિષે કોઈ ગીતાના જ્ઞાનીને પૂછીએ કે તમે મને ગીતા વિષે કંઈ કહો. તો તે એમ કહેશે કે ભાઈ ગીતા તો એક મહાસાગર છે. તમે આ અઢાર અધ્યાય જેટલીવાર વાંચો એટલીવાર ઓછા. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે તમને નવું અને નવું વિચારવા મળે અને નવું ને નવું સત્ય લાધે.

ના છતાં પણ તમે મને કંઈક કહો. તો વિનોબા ભાવે કહે છે કે વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદોનો સાર ગીતા છે. ગીતાનો સાર, ગીતાના પહેલા ત્રણ અધ્યાય છે. ગીતાના પહેલા ત્રણ અધ્યાયનો સાર ગીતાનો બીજો અધ્યાય છે અને આ ગીતાનાબીજા અધ્યાય નો સાર, સ્થિતપ્રજ્ઞ લક્ષણના શ્લોકો છે અને આ શ્લોકોનો સાર શ્લોક નંબર ૬૨ અને ૬૩ છે.

આ શ્લોકો ध्यायतो विषयान्‌ पुंषः … થી શરુ કરી  बुद्धिनाशात्‍ प्रणष्यति સુધી છે. અને આ વાત ઉપર એક પ્રકરણ લખી શકાય. જોકે ગીતાના શ્રેષ્ઠ શ્લોકો આ જ છે કે બીજા તે વિષે અલગ અભિપ્રાય હોઈ શકે. મને તો “કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન …. મા તે સંગોસ્તુ અકર્મણિ” પણ એક શ્રેષ્ઠ શ્લોક કહી શકાય એમ લાગે છે. કોઈને શું વધુ બુદ્ધિગમ્ય લાગે છે અને ગમે છે તે તેની પ્રકૃતિ ઉપર આધારિત છે. પણ આ શ્લોકોમાં રહેલા સત્ય વિષે અલગ અભિપ્રાય ન હોઈ શકે. હોય તો તેની ઉપર ચર્ચા દ્વારા સમજી શકાય.

ગીતાનું બારદાનઃ અને રજનીશનું બારદાન

ગીતાની મહાનતાની વાત કરવા બેસીએ અને તેનું પુઠું કેવું સુંદર છે. તેની છપાઈ કેવી સરસ છે. તેના પ્રાસ કેવા સરસ છે. તે કયા પ્રેસમાં છપાયેલું અને કોના પ્રકાશનના સર્વહક્ક છે એવી વાતો કરીને ગીતાની ઉચ્ચતા સિદ્ધ ન થાય.

રજનીશના ભક્તો કંઈક આવું જ કરે છે. જ્યારે રજનીશજી વિષે કંઈક વાત કરવી હોય તો રજનીશની દાઢી કેવી છે, રજનીશ ક્યાં જન્મેલા, રજનીશ કયાં ભણેલા અને ક્યાં ભણાવતા, ક્યાં ફરેલા, કોને મળેલા, કોની વિષે બોલતા, કોની ટીકા કરતા, તેમના વિષયો શું હતા. તેઓ કેવા સરસ લયથી બોલતા, શ્રોતાઓની કેવી ભીડ રહેતી, ભાષા ઉપર જબરી પકડ રાખતા …વિગેરે.

ટૂંકમાં તમે રજનીશના વિચારો વિષે કે વિચારોના ઉંડાણ વિષે કે તેના વિચારોની સાર્વત્રિકતા વિષે કશું જાણી ન શકો.

ફલાણી ફિલમ બહુ સરસ હતી. તેના ગાણાં બહુ સરસ હતા. રજનીશની વાતો વિષે પણ આમ જ સમજવું.

વાસ્તવમાં ગાણાં કે સીનસીનેરી એ ફિલમની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. ગાણાં, સીનસીનેરી, રંગો એ બધાં બાહ્ય જણશો છે.  ફિલમની બાબતમાં કથાવસ્તુમાં રહેલું ઉંડાણ અને તેની પ્રસ્તૂતિ એટલે કે નિર્દેશન મુખ્ય વસ્તુ છે.

રજનીશના ભક્ત

એક રજનીશના ભક્તે મને કહ્યું કે જુઓ મારી પાસે મારા પગથી શરુ કરી મારો હાથ પહોંચે એટલી રજનીશની ચોપડીઓ છે. તમે તેમની ટીકા કરો તે પહેલાં તમે એમની ચોપડીઓ વાંચો. જુઓ આ રહી ચોપડીઓ. અને તેમણે મને ચોપડીઓનો થપ્પો બતાવ્યો.

મેં તેમને કહ્યું હું તેમની જંગલમેં મોર નાચા અને બકરીની ત્રણ ટાંગ જેવી દલીલો વાળી ચોપડીઓ ન વાંચી શકું. પણ આપણા સાહિત્યમાં વિવેચનની એક પદ્ધતિ એ પણ છે જેનું નામ “શલાકા પરીક્ષા” છે.

જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન કરવાનું હોય અને વિવેચક ને બહુ શ્રમ લેવો જાણ્યે અજાણે ગમતો ન હોય તો તે એક સળી પુસ્તકમાં ક્યાંક વચ્ચેના પાનાઓમાં ખોસે. જે પાનું ખુલે એ પાનું વાંચે અને તેની ઉપર ટીકા કરે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે જ એક પુસ્તક પસંદ કરો અને તમે જ તેમાં સળી ખોસો. હું એજ બે પાનાં વાંચીશ અને તમને બતાવીશ કે રજનીશની વાતો કેટલી તર્કહીન છે. તમે તમારી દલીલ કરજો હું મારી દલીલ કરીશ.  બોલો મંજુર છે. તે ભાઈએ ચેલેન્જ ન સ્વિકારી. બાંધી મુઠ્ઠી લાખની.

મારી માન્યતા છે કે દુનિયામાં કશું અલૌકિક નથી. ચમત્કારો થયા નથી, થતા નથી, અને થશે નહી. ઈશ્વર છે પણ તે તર્કથી છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય નથી. ઈશ્વર તેના ભક્તોને ઉપરવટ જઈ મદદ કરતો નથી. ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય જાત, તેના સમાજની ઉન્નતિ માટે છે. માનવસમાજમાં વ્યક્તિની સુખસગવડ અને સંપત્તિ, તેને સમાજથી અળગો ન કરી દે, સંવાદ, અસંવાદ ન બને. માનવસમાજમાં અસમાનતા એટલી હદ સુધી જ હોય કે સંવાદ અને સહકાર જળવાઈ  રહે. હાથની પાંચ આંગળીઓ અસમાન હોવા છતાં અલગ અલગ અને સહયોગથી પણ કામ કરી શકે છે.  મનપસંદ જ્ઞાન માટેના દ્વારો સૌ માટે ખુલ્લાની સમાનતા પણ એટલી જ જરુરી છે.

રજનીશ ચર્ચામાં માનતા નથી. તેઓ તેમની કોઈ વાતની જવાબદારી લેવામાં પણ માનતા નથી. તેઓ કહે છે આજે હું જે કહું છું, આવતી કાલે તેથી ઉંધું પણ કહીશ. છતાં પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. અને ક્યારેય તેમણે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું કે નહીં, અને પરિવર્તન આવ્યું તો શું પરિવર્તન આવ્યું તેનો ફોડ તેમણે પાડ્યો નથી. તેમના ભક્તો પણ આ વિષે કશું કહેતા નથી. એક કાળે તેઓ અમેરિકા, તેના સંસ્કાર, તેની સરકાર, તેની જાહોજલાલી ના ચાર મોંઢે વખાણ કરતા હતા. અમેરિકાએ તેમની હકાલ પટ્ટી કરી એટલે પેટભરીને તેની બુરાઈ કરવા લાગ્યા. માંહ્યલી વાત શું હતી તેનો રજનીશે કે તેમના અનુયાયીઓએ કદી ફોડ પાડ્યો નથી. પારદર્શિતા બતાવવા માટે સિંહનું કાળજું જોઇએ. આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ થયા અને પછી ભગવાન રજનીશમાંથી ઑશો થયા. કારણ? રામ જાણે.

રજનીશને રામ કરતાં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ વધુ પ્રિય છે. કારણ કે કૃષ્ણ અને મહાવીરના ઉપાસકો માલેતુજાર છે. અને બુદ્ધ આંતરરાષ્ટ્રીય છે.   

આમ તો લોકશાહી એક વ્યભિચારશાહી છે. પણ તેજ સૌથી ઓછી ખરાબ છે. અને તે જ પરવડે. તે સિવાય તેનાથી ઓછો ખરાબ કોઈ બીજો વિકલ્પ નથી.

આમ છતાં રજનીશે રાજકારણીઓને સામાન્યીકરણ વડે પેટભરીને ગાળો આપી અને પોતાની પીઠ થાબડી છે (હોલીઅર ધેન થાઉ). વિકલ્પ આપવાની દરકાર કરી નથી. રજનીશ એ વાત સમજી શક્યા નથી કે વિકલ્પ વગરના સૂચનો દેશને લોકોને અકર્મણ્યતા તરફ અને આ અકર્મણ્યતા દેશને વધુને વધુ અરાજકતા તરફ લઈ જાય છે.

દરિદ્રતા તે સામાજીક રોગ છે

રજનીશ તાનમાં ને તાનમાં લોકોને આંચકો લાગે તેવું ઘણું બોલે છે.

ગાંધીજીની ટીકા કરવી એને કેટલાક માલેતુજાર લોકો ફેશન ગણે છે. એમાં આપણા રજનીશભાઈ સહર્ષ સામેલ થાય છે.

ગ્રામોદ્યોગ, અસહકાર, અહિંસા, સત્યાગ્રહ વિષેના ઉચ્ચારણો વિષે મેં અત્ર તત્ર લખ્યું છે. તેથી પુનરાવર્તન કરતો નથી.

ગાંધીજીએ ગરીબ લોકોને દરિદ્રનારાયણ કહેલ. નારાયણ એટલે ભગવાન. દરિદ્રને એટલે કે ગરીબને ભગવાન ગણો.

રજનીશ ગાંધીજીની કંઈક આવી રીતે ટીકા કરેછેઃ

ગાંધીજી કહે છે કે દરિદ્ર વ્યક્તિ નારાયણ છે. દરિદ્રનારાયણની સેવા કરો. વાસ્તવમાં દરિદ્રતા એક રોગ છે.   રોગને નારાયણ કેવી રીતે કહેવાય. રોગ છે. દરીદ્ગતાને જો નારાયણ ગણીએ તો તો પછી ટીબી, મેલેરીયા, ફ્લ્યુ બધા નારાયણ કહેવાય…. વિગેરે.

હવે રજનીશભાઈને ખબર નથી કે દરીદ્રનારાયણ પાછળ શું વિચાર અને ઉપચાર માટેની પ્રાથમિકતા પડેલી છે. ટીબી, મેલેરીયા, ફ્લ્યુ વિગેરે શારીરિક રોગ છે. દરીદ્રતા તે સામાજીક રોગ છે.

હવે જો રાજ્ય નો વહીવટ અને નીતિ એવી હોય કે તેમાં દશકા સુધી કોઈ અસરકારક સુધારો જોવા મળે તો સમજવું જોઇએ કે ખાટલે મોટી ખોડ છે.

ગરીબને અનુકુળ સરકારની નીતિઓ હોય અને સાક્ષરો જો વિતંડાવાદમાં રાચતા હોય તો ગરીબની સ્થિતિ એવી બને કે તમે એને એક રુમમાં બહારથી તાળુ મારીને પૂરી દીધો અને પછી તેને કહો છો કે તૂં બહાર કેમ નથી નિકળતો? તારો વાંક છે. તૂં રોગીષ્ઠ છે. રજનીશની આવી વાત થઈ. રજનીશે સમજવું જોઇએ (જો વાચન સાથે વિચાર અને મંથન હોય તો સમજાયને!) કે સમાજની માનસિકતા તમે વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણીની પ્રણાલી કેવી રાખો છો તેના ઉપર અવલંબે છે.

રાજ્યે પોતાની માનસિકતા કેવી રાખવી જોઇએ?

તેને માટે ગાંધીજી કહે છે કે સૌની પાસે ઈશાવાસ્ય વૃત્તિ હોવી જોઇએ. ઈશાવાસ્ય વૃત્તિ એટલે ઈશ્વરનો વાસ સર્વત્ર છે. તેથી તૂં તને જરુર હોય તેટલું લે. વધારાનું લેવું અણહક્કનું છે.

જો રાજ્ય  ગરીબ માણસમાં પણ ઈશ્વરને જુએ તો રાજ્યની માનસિકતા બદલાય.  અને જો રાજ્યની માનસિકતા બદલાય તો તે પોતાની પ્રણાલીઓની બદલે.

પણ લોકશાહીમાંરાજ્યકોના દ્વારા વહિવટ કરે છે?

રાજ્ય લોકો દ્વારા વહીવટ કરેછે. જો લોકો ઈશાવાસ્ય વૃત્તિ નહીં રાખે તો રાજ્ય કેવી રીતે રાખશે? લોકોને દોરનાર કોણ છે? લોકોને દોરનાર મૂર્ધન્યો છે. જો રજનીશભાઈ પોતાની જાતને મૂર્ધન્યોમાં એટલે કે વિચારક અને બહુશ્રુત માનતા હોય તો તેમણે ઈશાવાસ્ય વૃત્તિ એટલે શું તે સમજવું જોઇએ અને તેને આત્મસાત્કરવી જોઇએ. પણ આપણા રજનીશભાઈનામાં કોઈ ગહનતાથી વિચારવાની આદત નથી.

રજનીશ વિષે મેં છૂટક છૂટક લખ્યું છે. જે નીચેની લીંક ઉપર મળશે.

ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

જો કોઈ રજનીશની કોઈ પરમ વાત કરશે તો ચર્ચામાં આનંદ મળશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રજનીશ, આચાર્ય, ભગવાન, ઑશો, બાવાઓ, બ્રહ્મજ્ઞાની, ભક્તો, તર્કહીન, બેજવાબદારી, ચમત્કાર, ઈશ્વર, વૈશ્વિક, માલેતુજાર,

Read Full Post »