ફતવાની પ્રણાલી સનાતન ધર્મમાં લાવો … !!! (૧)
હિન્દુ ધર્મમાં ઉપદેશકોના જાતજાતના પ્રકારો હોય છે.
સાધુ (દાઢીવાળા, દાઢી વગરના) , બાવા, સંત, ઓશો, આચાર્ય, સ્વામી, ગુરુ, કથાકાર, કર્મકાંડ કરાવનાર, અને બીજા કેટલાક પીઠાધીશ. આ બધા મહાનુભાવોને આપણે એક સમાન નામે સંબોધવા હોય તો કયો શબ્દ વાપરી શકાય?
જો કે એક ગુણ આ બધામાં સમાન છે. તે ગુણ એ છે કે તેઓ સૌ આપણને બોધ આપવા કૃતનિશ્ચયી હોય છે. તેઓ આ માટે ઘણી મહેનત અને ચિંતન કરે છે. તેઓ શ્રુતવાન એટલે કે જ્ઞાતા હોય છે. આ ઉપરાંત તેઓને કાળનું બંધન હોતુ નથી. એટલે કે તેમના ઉચ્ચારણોમાં રહેલું સત્ય, બ્રહ્મ સત્યને સમકક્ષ હોય છે. અલબત્ત આવું કમસે કમ તેઓ અને તેમના શિષ્યો માને છે. મોટે ભાગે આવા ગુરુઓ પોતાને મોડર્ન પણ માનતા હોય છે. તેમની ચાંચ બધા ક્ષેત્રોમાં એટલે કે ખાસ કરીને વિજ્ઞાન (ભૌતિક શાસ્ત્ર) પણ ડૂબતી હોય છે. આમ હોય તો જ તેઓ મોડર્ન કહેવાયને …!!!
આ મહાનુભાવોને આપણે ગુરુ કહીશું.
જો કે એક પ્રશ્ન ઉઠશે. ગુરુ-શિષ્ય એ તો એક યુગ્મ છે. એટલે ગુરુ હોય તો શિષ્ય પણ જોઇએ જ. શિષ્યમાં શિષ્યો આવી જાય. તેમ જ શિષ્યમાં શિષ્યા પણ આવી જાય. ગુરુ-શિષ્ય પરંપરા એ સનાતન ધર્મની પરંપરા છે અને આ પરંપરા “એકઃ અહં બહુસ્યામ્” એટલે કે મહા વિસ્ફોટ (બીગબેંગ) જેટલી જુની છે.
કેટલાક ગુરુઓ પોતે મોડર્ન છે એવું દર્શાવવા સમાજના બધા જ ક્ષેત્રોની વાતો કરી શકતા હોય છે. તેઓ શિષ્યો રાખતા નથી. ખાસ કરીને એમને તો અનુયાયીઓની જરુર હોય છે. શિષ્ય હોય તો વળી પ્રશ્ન કરે. વળી શિષ્ય જાહેરમાં પ્રશ્ન કરે અને તે પણ અઘરો પ્રશ્ન કરે તો ગુરુની રેવડી દાણાદાર થઈ જાય.
જો અનુયાયી હોય તો વાંધો નહીં. કારણ કે ગુરુ તેને અગાઉથી પઢાવેલા પ્રશ્નો જ પૂછવાનું શિખવાડી રાખે. આવું તો ઘણી જગ્યાએ હોય છે. પ્રશ્ન અને પ્રશ્નનું ક્ષેત્ર, પૂર્વ નિશ્ચિત ફક્ત મીડીયા-નેતા વચ્ચે નથી હોતું પણ સમાચાર પત્રોના કોલમોના લેખક અને ભૂતીયા વાચક વચ્ચે પણ હોય છે. આમાં લેખકશ્રી પાસે જવાબ પહેલાં હોય છે અને તે જવાબને અનુરુપ સવાલ બનાવી પૂછવામાં આવે છે. જો બધે આવું જ હોય તો ગુરુજીનો શો વાંક. આ બધું જવા દો.
મૂળવાત એમ છે કે હમણાં મોરારી બાપુ ઉપર પસ્તાળ પડી.
“કોણ છે આ મોરારી બાપુ?
“અરે ભાઈ, … આ મોરારી બાપુ અમારે મહુવા (ભાવનગર)ના તલગાજરડાનું ઉત્પાદન છે. તેઓ બહુ જ રસપ્રદ રીતે રામ-કથા કહે છે. એટલે કે રામ-કથાકાર છે. એમણે કોઈ જગ્યાએ અલ્લા મુલ્લા ને પણ ભજનમાં નાખી દીધા. અને ધૂન બોલાવી. એટલે અમુક લોકોના કાન ઉંચા થઈ ગયા. અને એમણે દેકારો મચાવ્યો.
“ ભારે કરી …. તો … તો … જેમના કાન ઉંચા થઈ ગયા તેમણે તોડ ફોડ પણ કરી હશે?
“નારે ના … જેમના કાન ઉંચા થઈ ગયા તેઓ તો સભામાં ન હતા. પણ જ્યારે આ વાત તેમના સાંભળવામાં આવી ત્યારે તેમના કાન ઉંચા થઈ ગયા.
“તો … તો … ઠીક …
“ અરે … તો તો ઠીક શું? રામ – કથાકાર શેના વળી અલ્લા મુલ્લા ની ધૂન બોલાવે? શું મુસલમાનો રામની ધૂન બોલાવે છે? મોરારી બાપુ શેના ઘેલા થઈને મુસલમાનોના ભગવાનની ધૂન બોલાવે?
“કેમ ! ગાંધીજી પણ એમની પ્રાર્થનામાં “અલ્લા ઈશ્વર તેરે નામ …” એવું એવું નહોતા ગવડાવતા?
“આ ગાંધીજી એ જ દાટ વાળ્યો છે આપણા ભારતનો અને સનાતન ધર્મનો … આપણે હવે મોરારી બાપુનો બહિષ્કાર કરવો જોઇએ …
————————————-
મૂળ ધર્મ યહુદી છે (JUDAISM).
પણ યહુદીઓ ઈશુને પેગંબર કે ઈશ્વરનો પુત્ર ન માને. એટલે ઈશુને ઈશ્વરનો પુત્ર માનવાવાળાનો એક ધર્મ ઉત્પન્ન કરવામાં આવ્યો. હવે થયું એવું કે મૂર્તિપૂજા બહુ વધી ગઈ. કર્મકાંડો વધી ગયા. એમ કહોને કે અતિરેક થયો. એટલે મહમદ સાહેબે તેનો વિરોધ કર્યો. અને ઇસ્લામ ધર્મને ઉત્પન્ન કરવામાં આવ્યો. પણ યહુદીઓ અને ખ્રીસ્તીઓને આ મંજુર ન હતું. તેઓ અળગા રહ્યા. ત્રણ ધર્મો ચાલુ થઈ ગયા.
ભારતમાં આવું ન થયું.
વેદકાળમાં અગ્નિદેવ મુખ્ય દેવ હતા. અગ્નિદેવ બ્ર્હ્મમાંથી આપમેળે ઉત્પન્ન થયેલા એટલે તેમને બ્રાહ્મણ કહેવાયા. આમ ભારતીયોનો મૂળ ધર્મ બ્રાહ્મણ ધર્મ હતો. બધા દેવોને પ્રતિકાત્મ સ્વરુપ આપવામાં આવ્યું. અગ્નિદેવ રુદ્ર, વિશ્વદેવ, શિવ થયા. સૂર્યદેવ બ્રહ્મા વિષ્ણુ થયા. એમની પૂજા ચાલુ થઈ. પણ વેદ કાયમ રહ્યા. પૃથ્વિ ઉપર આપત્તિ આવી. અમુક સાધનો અને મનુષ્ય દ્વારા ઉદ્ધાર થયો. મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, બલરામ, કૃષ્ણ, અને કલ્કી (થનારો અવતાર). બલરામને કાઢીને રામને ઉમેર્યા. આ બધાની પૂજા ચાલુ થઈ. પણ જુના ભગવાનો પણ ચાલુ રહ્યા. બુદ્ધ નો ઉમેરો થયો. અવતારોની સંખ્યા ઓછી પડી તો પછી ૨૪ ઉપ અવતારો માનવામાં આવ્યા. જેમાં જૈનોના વૃષભ દેવને ઉમેર્યા.
આવી જાઓ બધા. વાંધો નહી. હિન્દુઓ હળી મળીને જ રહેતા. જેને જેમ માનવું હોય તેમ માને. કોઈએ તલવારો ન ખેંચી.
મુસ્લિમો આવ્યા. તેમાંના કેટલાક ને ભારતની વ્યવસ્થા ગમી. કેટલાકને ન પણ ગમી. ભારતનો પ્રાચીન કાળનો મનુષ્ય વધુ સહિષ્ણુ હતો.
યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમો આમ ભારતીય પરંપરાને હિસાબે અલગ ધર્મ કહેવાય જ નહીં. પણ તેઓ અલગ માને તો આપણે શું કરીએ? કારણ કે તેઓનો તો એવો ભૂતકાળ જ હતો. ભારતનો ભૂતકાળનો ઇતિહાસ ચર્ચા કરવાનો હતો.
પ્રવર્તમાન સમયમાં યહુદીઓ અને ખ્રીસ્તીઓ સંસ્કારી અને સહનશીલ થઈ ગયા છે. પણ અમુક પાદરીઓને અને મોટા ભાગના મૌલવીઓને સહનશીલ થવામાં વાર લાગશે.
શું ભારત ઉપર મુસ્લિમ ધર્મની અસર પડી નથી?
મુસ્લિમ ધર્મની અસર ભારતની ઉપર પડી છે.
એક ઈશ્વર, એક પુસ્તક અને એક ઈશ્વરે મોકલેલો માન્યતા પ્રાપ્ત છેલ્લો એક સંદેશ વાહક. અગાઉ બીજા સંદેશવાહક આવેલા પણ તેમણે જે કહ્યું તે તેના મૂળ સ્વરુપમાં નથી તેથી તેને માની ન શકાય. જે છેલ્લો સંદેશવાહક આવ્યો એ અદ્યતન છે તેથી તેણે જે કહ્યું તે જ માનવાનું.
જો કે આ આદેશ આમ તો અતાર્કિક હતો. પણ ગુરુ ગોવિંદ સિંહને થયુ કે હિન્દુઓએ કંઈક શિખવું જોઇએ. એટલે તેમણે ઉપદેશોનો સમન્વય કરી “ગુરુગ્રંથ સાહેબ” રચ્યો. અને કહ્યું આ ગ્રન્થને જ માનવાનું અને આ ગ્રંથની જ પૂજા કરવાની. જોકે તેમણે બીજાઓ ઉપર તલ્વાર ચલાવવાની વાત ન કરી. એમ હિન્દુઓમાં એક વધુ પંથ થયો.
હિન્દુઓમાં દેવતાઓ કરતાં પંથ વધુ છે.
હા જી.
બાર પુરબીયા અને તેર ચોકા (ચૂલા). કારણ કે એક પુરબીયો એવો હોય કે જે ચોકાને સવારે વાપર્યો હોય તેને તે સાંજે વાપરમાં ન માને.
એ રીતે અમુક વૈષ્ણવો બાલકૃષ્ણને જ માને. અને અમુક વૈષ્ણવો રણછોડરાયને માને. ભક્તિમાં ચર્ચાની જરુરત નહીં. ભક્તિ એ સમર્પણ છે.
આ પ્રમાણે મુસ્લિમ અને ખ્રીસ્તી લોકો ભક્તિ માર્ગી કહેવાય.
અંગ્રેજો આવ્યા પછી ઘણા ફેરફાર થયા. અંગ્રેજોના (યુરોપીયનો) ના ભક્તો ઉત્પન્ન થયા.
“સાલુ … આ હિન્દુ ધર્મ એ કંઈ ધર્મ છે. જેને જેમ ફાવે તેમ પૂજે. જાતજાતના દેવની જાત જાતની પૂજા. કોઈ ધણી ધોરી નહીં. જાત જાતના બાવાઓ. જાત જાતના તેમના લક્ષણો. વળી હિન્દુ ધર્મમાં કોઈ સ્થાપક નહીં.
“આ વિદેશીઓને જુઓ… એક જ સ્થાપક, એકજ પુસ્તક અને એક જ પદ્ધતિ. આને ધર્મ કહેવાય. હિન્દુ ધર્મને તો ધર્મ જ ન કહેવાય.
તમે કહેશો “અરે ભાઈ, ધર્મ એટલે કર્તવ્ય. તેમાં બધાં જ ક્ષેત્રો આવી જાય. તર્ક અને વિજ્ઞાન પણ આવી જાય. કોણે કોણે પોત પોતાના વલણને અનુરુપ શું કામ કરવું કે જેથી સમાજ આગળ વધી શકે. ભારતીય સંસ્કૃતિ એક લોકશાહી વાળી સંસ્કૃતિ છે. ચર્ચા કરવાની બંધી નથી. તમે જુઓને ભારતીયોએ વૈજ્ઞાનિક પદ્ધતિ જ અપનાવી છે. વિજ્ઞાનમાં કશું આખરી નથી.
આવું સાંભળી ધોળીયાઓનો ભક્ત કહેશે ; “ના … ના … ના … ધર્મ, વિજ્ઞાન અને રાજકારણ જુદા છે. તેમને એકઠા કરાય જ નહીં.
હવે આ ભક્તો આગળ તર્ક ને સ્થાન નથી. છતાં પણ તેઓ તે સ્વિકારવા તૈયાર નથી. ભારતીય સંસ્કૃતિએ આવા લોકો માટે પહેલેથી જ ભક્તિ માર્ગ શોધ્યો છે. અંગ્રેજોએ અને સિખને જુદો પાડ્યો. પછી કોંગીઓએ જૈન અને બૌદ્ધને જુદા પાડ્યા. હમણા હમણાં કોંગીઓએ લિંગાયતને જુદો ધર્મ માનવાની ખતરી આપેલી.
ભારતીય સંસ્કૃતિમાં દરેક ક્ષેત્રના શાસ્ત્ર છે.
જેમાં તર્કને સ્થાન નથી તે ભક્તિ-શાસ્ત્ર છે.
આપણે મૂળ વાત પર આવીએ.
આપણા મોરારી બાપુએ અલ્લા મોલાની ધૂન બોલાવી એ યોગ્ય કહેવાય કે નહીં?
“મોરારી બાપુને રામ બહુ પસંદ છે, અને તેમાં પણ તુલસીદાસના રામ. તુલસીદાસના રામ અલગ જ છે. જેમ વાલ્મિકીના રામ, રઘુવંશના રામ અને અમુક પુરાણોના રામ અલગ છે તેમ આ રામ પણ અલગ છે. તુલસીદાસના રામ, એ રામ વિષેનું છેલ્લુ પ્રકાશન છે (?). ઐતિહાસિક દૃષ્ટિએ આ રામનું કશું મહત્ત્વ નથી. વાલ્મિકીના રામાયણમાં બનાવોનું અને ચમત્કારોનું પ્રક્ષેપણ થયેલું છે. તુલસીદાસનું રામાયણ તો પ્રક્ષેપણ અને ચમત્કારોથી ભરપુર છે. પણ સુનીતિ અને આદર્શને સમજવા માટે તુલસીદાસનું રામાયણ સમાજ માટે અમૂલ્ય છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »