Feeds:
Posts
Comments

Archive for April, 2017

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

તમે નિર્ણય કરો કે;

સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

યાદ રાખો, આપણે ધાર્મિક માન્યતાઓ પ્રેત્યેની સંવેદનશીલતાની વાત કરતા નથી.

અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જો કે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

આપણે દંડને તદ્દન અનિવાર્ય માનીએ છીએ અને અનિવાર્ય માનીએ પણ છીએ. દંડ કરવો એ એક હિંસા છે. કારણ કે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે. જો કોઈ એક માનવીના મનને સુધારવાના ઉપચારો હાથવગા ન હોય અને સરકાર માટે અતિ ખર્ચાળ હોય અને અથવા જનમત પણ પ્રબળ રીતે દંડને સ્વિકાર્ય માનતો હોય તો સરકાર દેહાંત દંડ પણ આપી શકે છે..

માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

સંવેદનશીલતા પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રાણીઓ આપણે પાળેલા હોય છે તેઓને જ્યારે આપણા દુઃખની ખબર પડે ત્યારે આપણા દુઃખે દુઃખી થતા હોય છે. પણ તેમનામાં મનુષ્ય જેવી બુદ્ધિ હોતી નથી તેથી તેમની સંવેદનશીલતાનું વર્તુળ મોટું થતું નથી.

જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય, અને કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખની વિષે જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે.

આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે વિકાસ તો સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?

માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી…” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે તમારે તેમને કેળવવા પડે.

હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણું શરીર પોતે જ કહે છે. આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાનીજનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો પણ ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

વાસ્તવમાં ક્યાંક તો અહિંસાની અને સંવેદનશીલતાની એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરા સાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે. અને આની અંદર ઈશાવાસ્ય વૃત્તિ સાંસ્કૃતિક રીતે નિહિત છે. આપણા માનવા પ્રમાણે શસ્ત્રોમાં જીવ જ નથી. નદી, પર્વત, વૃક્ષો, સમૂદ્ર હવા પાણી વિગેરે અનેક પદાર્થો આપણી પાસે કદી કોઈ માગણી કરતા નથી. પણ આપણી સંસ્કૃતિમાં નિહિત ઈશાવસ્ય વૃત્તિને પરિણામે આપણી પ્રણાલીઓ સ્થપાઈ છે અને આપણે, કારણકે આપણે તેમના આધારે જીવીએ છીએ આપણે તેમના પર આપણી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.   .

હવે કરીએ કાયદાની વાત

કાયદો શું કહે છે?

युपीमें रहेना है तो कायदेसे रहेना होगा

પણ એ પહેલાં એ સમજી લઈએ કે ટીવી ચેનલોમાં ચર્ચા કેવી રીતે થાય છે.

પણ એ વાત કરીએ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે તે જાણીએ.

ચૂંટણી થઈ અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યો. ચૂંટણી વિશ્લેષકો, અક્ષરશાસ્ત્રીઓ, જ્યોતીષ શાસ્ત્રીઓ બધા જ ખોટા પડ્યા. આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી પદે આરુઢ થયા. જૈસે થે વાદીઓ અને ફરેબી ધર્મનિરપેક્ષતાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.  આદિત્યનાથ યોગી મોટી સંસ્થા ચલાવે છે. જેઓ સંસ્થા ચલાવતા હોય અને ૧૫ વર્ષથી લોક સભાના સભ્ય પણ હોય તેમને વહીવટ અને જનતંત્ર વિષે ગતાગમ હોય જ. એટલે તેમણે વહીવટી સપાટો બોલાવ્યો.

ગેરકાયદેસર કતલખાનાને તાળાં લાગ્યાં

Save Daughter Save Son

(with the curtsy of Cartoonist)

અત્યાર સુધીની સરકારો ખાસ કરીને સ.પા., બ.સ.પા. અને નહેરુવીયન કોંગ્રેસ સરકારો એવી હતી કે જે “જૈસે થે વાદ”, “હોતી હૈ ચલતી હૈ”, “યાર, અબ તો પૈસે બનાલો … ઇસસે અચ્છા મૌકા ફિર મિલે યા ન મિલે”, “અબે યાર, કાયદા હમે ક્યા કરેગા?”, “અબ મેરે ચાચા ડીએસપી હૈ… તુમ્હારી અબ ખૈર નહીં …”, “તુમ્હે ક્યા ચાહિયે વો બોલો ન … હમ તુમ્હે દિલા દેંગે …”, “અબ તો ઐશ હી ઐશ હૈ” બાબતોમાં ગળાડૂબ હતી. સમાચાર માધ્યમોના પણ આ જ સંસ્કારો હતા. મોટા ભાગના સમાચાર માધ્યમોના સંસ્કાર હજી પણ આવા જ છે.

ગેરકાયદેસર કતલખાના ચાલવા જોઇએ એવું કહેવાની ટીવી સંચાલકોની અને દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓની હિમત નથી. તેથી તેઓ ચર્ચા આડે માર્ગે લઈ જાય છે. આ સરકાર મુસ્લિમ વિરોધી અને કોમવાદી છે એવો પ્રચાર ચાલ્યા કરે છે. એક મુસ્લિમ ભાઈએ તો ચર્ચા દરમ્યાન કહ્યું પણ ખરું કે “અમે કતલખાનાના લાયસન્સના રીન્યુઅલ માટે જે અરજી આપેલી છે તેની ઉપર જુની સરકારે કેમ પેન્ડીંગ રાખી, તેની સાથે અમારે લેવા દેવા નથી પણ નવી સરકારે તેના ઉપર કેમ કાર્યવાહી કરી નથી તેનો તે જવાબ આપે.”

હવે તમે જાણી લો કે નવી સરકારને આવે હજી સાત દિવસ પણ થયા ન હતા તો પણ તેને વાંકમાં લેવાની યોગી-વિરોધીઓની વૃત્તિ બની ગઈ હતી. ચર્ચાના એંકરને તમે યોગીના પગલાના વિરોધીઓની ઉલટ તપાસ કરતા જોશો નહીં. કારણ કે તે સૌનો એજન્ડા “કાયદાના શાસનને” બહુમાન આપવાનો નથી, પણ યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા છે.

૨૦૧૦માં કતલખાના માટે નીતિ નિયમો નક્કી કરેલ છે

આ નીતિ નિયમો માટેનો પરિપત્ર કતલખાનાઓની અને જનતાની જાણકારી માટે આદિત્યનાથ યોગીની સરકારે પ્રસિદ્ધ કર્યો. તો સમાચાર માધ્યમોએ તેને એવી રીતે પ્રસિદ્ધિ આપી કે આ નીતિ નિયમો યોગી સરકારે જ ઘડ્યા છે. અને સમાચાર માધ્યમોએ એવી રીતે પ્રસિદ્ધિ આપવા માંડી કે આઆ નવા નિયમો એવા છે કે કોઈ પણ કતલખાનુ ચાલી શકશે નહીં. જો તમે આ નિયમ વાંચશો તો તેમાં કશું એવું નથી કે જેને અમલમાં મુકી ન શકાય. દુનિયાના બીજા બધા જ દેશોમાં આવા કે આનાથી વધુ કડક નીતિ નિયમો અમલમાં છે. પણ સમાચાર માધ્યમોના એવા સંસ્કાર નથી કે તેઓ આ નિયમો ઉપર ચર્ચા કરી શકે.

ટીવી એંકરો અને યોગી વિરોધીઓ “કાયદાના શાસનના” મુદ્દાને તો સ્પર્ષતા જ નથી. “ગેકાયદેસર ચાલતા કતલખાના” માંથી “ગેરકાયદેસર” શબ્દને ઉડાડી દેવામાં આવે છે અને સમગ્ર ચર્ચામાં આદિત્યનાથ યોગી કોમવાદી છે અને મુસ્લિમોને બેકાર કરવાનું આ કાવતરું છે, મુસ્લિમો ભૂખે મરશે, આ મુસ્લિમ વિરોધી છે કદમ છે એવી જ વાતો ચલાવે છે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને ટીવીના એંકરભાઈ, વળી ચોર કોટવાળને દંડૅ એવી વાત કરે છે. બીજેપીવાળાને પુરું બોલવા જ ન દે. બીજેપી બંધારણના આદેશાત્મક જોગવાઈની વાત પૂરી કરે કે ન કરે ત્યાં તો તેમને એમ કહીને ઉતારી પાડે કે “ભારતીય બંધારણમાં તો ગૌ-વંશ માત્રની હત્યાની બંધી કરવાની જોગવાઈ છે. તમે માત્ર ગાય બળદની હત્યા બંધીને જ શા માટે પકડી રાખી છે? તમે બંધારણની હત્યા કરી છે.  તમને ભારતીય બંધારણ પ્રત્યે આદર જ નથી.”

સમજી લો ચર્ચા તો ફક્ત ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સરકારની તવાઈની છે. ચાલુ કાયદાનો અમલ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. અને બ.સ.પા. કરતા ન હતા. આ બધા પક્ષો આમ તો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને મનાવે છે. તો પણ પૈસા લઈને લાયસન્સો આપતા હતા, પૈસા લઈને લાયસન્સો રીન્યુ કરતા હતા. કતલખાનાવાળાઓ લાયસન્સ લીધા વગર પણ કતલ ખાના ચલાવતા હતા. તવાઈ તો આ બધા પક્ષો પર લાવવી જોઇએ અને એંકરે તે લોકોને ચર્ચા દરમ્યાન સકંજામાં લેવા જોઇએ. પણ સકંજામાં બીજેપીવાળા ભાઈને લેવામાં આવે છે. કારણ કે બીજેપી કાયદાનો અમલ કરે છે અને આ વાત જ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા. ને કઠે છે.

રોડ-રોમીયાઓ ઉપર યોગી સરકારની લાલ આંખ પણ અભિષેક મનુ સિંઘવીની નહેરુવીયન કોંગ્રેસ, “લડકે હૈ ગલતી હો જાતી હૈ” કહેવાવાળા મુલાયમ ની સ.પા. ને પસંદ ન પડે તે સમજી શકાય તેમ છે પણ બ.સ.પા. ને શા માટે પસંદ ન પડે તે સમજી શકાતું નથી, એ સંશોધનનો વિષય છે. કદાચ એવું હોય કે “બાવો નાચ્યો એટલે બાવી નાચી”, “બીજેપીને ભાંડવાની વહેતી ગંગામાં હાથ ધોઈલો બાપલા” પણ આ બધી વાત આપણે નહીં કરીએ કારણ કે તે અહીં અપ્રસ્તૂત છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંવેદનશીલતા, માનવીય વિકાસ, અહિંસા, યુદ્ધ, દંડ, માનસિક, દેહાંતદંડ, દુઃખ, માનસિક વિકાસ, યાંત્રિક વિકાસ, ઉત્તર પ્રદેશ, આદિત્યનાથ યોગી, મુખ્ય મંત્રી પદ, જૈસે થે વાદીઓ, ધર્મનિરપેક્ષ, ગેરકાયદેસર કતલખાના, મુસ્લિમ, ભારતીય બંધારણ, લાયસન્સ, કાયદાનો અમલ, નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા.

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »