ભારતીય તત્વજ્ઞો જરા જુદી રીતે વિચારે છે
બ્રહ્માણ્ડ પંચ મહાભૂતોનું બનેલું છે. આ પંચ મહાભૂતો શું છે? આ પંચ મહાભૂતો એટલે બીજું કંઈ નહીં પણ પદાર્થ પોતે જ છે જે આપણને અનુભૂતિ કરાવે છે. પૃથ્વી (ઘન), પાણી (પ્રવાહી), હવા (વાયુ), પ્રકાશ (શક્તિ), આકાશ (ક્ષેત્રને ધારણ કરનાર અવકાશ). એને ભૂત શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેના થી સઘળું બનેલું છે. જેને આપણે સજીવો કહીએ છીએ તે પણ તેના જ બનેલા છે. આ પાંચે અવસ્થામાં પદાર્થ હોય તો જ જેને આપણે સજીવ કહીએ છીએ તે બની શકે છે.
આ બ્રહ્માણ્ડ કેવું છે? અને કેવડું છે?
આ વિશ્વ શું ઉત્પન્ન થયું છે કે તે પહેલેથી જ છે? શું તે શાશ્વત છે કે શાશ્વત નથી? વિશ્વનો અંત કેવી રીતે થાય? શું તે બીજા વિશ્વમાં ભળી જાય? જો બીજા વિશ્વમાં ભળવાની વાત હોય તો જેમ ગાયને સિંહ ખાઇ જાય છે તેમ બીજું વિશ્વ આપણા વિશ્વને ગમે ત્યારે ખાઈ જઈ શકેછે?જો વિશ્વ શાશ્વત ન હોય તો તે જન્મે છે. અને વિકસે છે અને નાશ પામે છે. વળી તે ફરી થી જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે. જો તે આમ ન હોય તો તે તેમ હોય. એટલે કે તે વિસ્ફોટે (જન્મે) છે, વિસ્તરે છે, વિસ્તરતું અટકે છે, સંકોચાય છે, અને શૂન્ય બને છે. ફરીથી શૂન્યમાંથી વિસ્ફોટે છે, વિસ્તરે છે, વિસ્તરતું બંધ થાય છે, સંકોચાય છે અને શૂન્ય બને છે. આ વિશ્વને આંદોલિત (ઓસ્સિલેટીંગ યુનીવર્સ) વિશ્વ કહેવાય.
જો વિશ્વ એ આંદોલિત વિશ્વ હોય, એટલે કે વિસ્ફોટ થાય, વિસ્તરે અને પછી સંકોચાય અને બિંદુ થઈ શૂન્ય થાય. તો તે અનંત ન કહેવાય. ધારોકે તે સંકોચાતુ નથી અને વિસ્તર્યા જ કરે છે તો પછી તે અનંત સમય સુધી વિસ્તર્યા જ કરશે. તો તેનો અર્થ એ થયો કે સમય અનંત છે. તો પછી ૧૫ અબજ વર્ષ પહેલાં જ કેમ વિસ્ફોટ થયો? જો “સમય” ભવિષ્ય માટે અનંત હોય તો ભૂતકાળ માટે પણ તે અનાદિ હોવો જોઇએ. જો સમયની શરુઆત અનાદિ ન હોય તો સમય કેવી રીતે અનંત હોય? આ વાત સમજાવી શકાય તેમ નથી.
એક અનંત વિશ્વ અને તેમાં આપણું વિસ્તરતું વિશ્વઃ
હવે ધારોકે એક બૃહદ વિશ્વ છે તે અનંત છે અને તેમાં આપણું વિશ્વ વિસ્ફોટિત થઈ જન્મ્યું. આપણું આ વિશ્વ વિકસિત થતાં થતાં વિલય પામી જશે. જો આ રીતે હોય તો સમય અનાદિ થાય અને અનંત પણ થાય કારણ કે સમય બૃહદવિશ્વમાં પહેલાં પણ હતો અને પછી પણ રહ્યો.
જો આવું હોય તો એક બીજો પ્રશ્ન (ગુંચવણ) ઉભો થાય છે.
જો બૃહદવિશ્વ એ અનંત વિશ્વ હોય, અને તેમાં અનેક બીજા વિશ્વો ઉત્પન્ન થવાના વિસ્ફોટો થયા હોય તો શું થાય? જો આપણા વિશ્વ જેવા બીજા અનંત સંખ્યામાં વિશ્વો ઉત્પન્ન થયા હોય, તો આવા વિસ્ફોટો અવાર નવાર થતા રહેવા જોઇએ. અગાઉના અનાદિ સમયથી થયેલા વિસ્ફોટોમાં થી સર્જાયેલા તારાઓમાંથી પ્રકાશના કિરણો નિકળ્યા હોવા જોઇએ. એટલે કે આપણે જે દિશામાં જોઇએ તે દિશા-રેખામાં કોઈને કોઈ તારો તો આવે જ. એટલે કે આપણી આંખ અને આકાશના કોઈપણ એક બિન્દુને જોડતી રેખાની લંબાઈ અનંત હોય એટલે કોઇને કોઇ તારો તો ત્યાં હોય જ એટલું જ નહીં પણ તે અનંત રેખા ઉપર અનંત સંખ્યામાં તારાઓ હોય. તેથી તે બિન્દુ ચળકતું દેખાય. આ વાત આકાશરુપી છતના દરેક બિન્દુને લાગુ પડે છે. એટલે આખું આકાશ રાત્રે ચળકતું દેખાય. પણ આવું દેખાતું નથી તેથી વિશ્વ અનંત નથી.
બીજી શક્યતા વિષે વિચારવું જોઇએ
ધારો કે એક રબરનો ગોળાકાર ફુગ્ગો છે. તેની ઉપર તમે ટપકાં કર્યાં છે. જેમ જેમ એ ફુગ્ગો ફુલાવીને મોટો કરતા જશો તેમ તેમ એ બધા ટપકાંઓ એક બીજાથી દૂર જતાં જશે. આ ફુગ્ગાની સપાટી તેના નાના હિસ્સા માટે બે પરિમાણ વાળી છે. આ વક્રસપાટી ઉપરની દુનિયા બે પરિમાણ વાળી કહેવાય.
આ ફુગ્ગો જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ તેના ઉપર રહેલા ટપકાઓ દૂર અને દૂર જતા જશે. આ બનાવને આપણે આપણા વિસ્તારિત વિશ્વના બનાવ સાથે સરખાવી શકીએ. ફુગ્ગાની ગોળાકાર સપાટી બે પરિમાણ વાળી છે. આપણું વિશ્વ ત્રણ પરિમાણની અનુભૂતિ વાળું છે પણ વાસ્તવમાં તે પણ વક્ર છે.
વિસ્તરતું વિશ્વ વિસ્ફોટને લીધે તેનું આકાશ(સ્પેસ) વિસ્તરે છે. પણ ગુરુત્વાકર્ષણને લીધે આકાશ (સ્પેસ) સંકોચાય છે. જો કોઈ પદાર્થ નું ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય કે તે પ્રકાશના કણોને પણ તે પોતાના તરફ ખેંચી લે તો તેને “બ્લેક હોલ” કહેવાય છે.
પ્રકાશના કણો આમતો શક્તિના પડિકાં છે. આગાઉ આપણે જોયું તેમ જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો ગતિના પ્રમાણમાં તેનું દળ વધે છે. પ્રકાશના કણ ફોટોનનું દળ શૂન્ય છે. પણ તેનામાં જે શક્તિ કે ઉર્જા છે તે દળને સમતુલ્ય છે. તે સમતુલ્ય-દળ પણ દળની જેમ ક્ષેત્રમાં વર્તે છે. અને આ દળને સમતુલ્ય કણ બ્લેક હોલમાં પડે એટલે સ્થુળ દળ બની જાય.
આધુનિક વૈજ્ઞાનિકો અને ભારતીય તત્વવેત્તાઓ વચ્ચે અહીં ભેદ પડે છે. આધુનિક વૈજ્ઞાનિકો વિશ્વમાં થતા ફેરફારોનું અવલોકન કરે છે અને કેવી રીતે થયું હશે તે વિષે ધારણાઓ બાંધે છે અને તેને ચકાસે છે. ભારતીય તત્વવેત્તાઓ કારણો વિષે ચર્ચા કરે છે.
વૈષ્ણવો આને આને આરીતે કહે છે. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તેઓ પોતામાંથી વિશ્વ ઉત્પન્ન કરે છે. કલ્પ પૂરો થતાં તેને પોતાનામાં સમાવી લે છે. પદ્મપુરાણમાં એમ કહ્યું છે કે આ બ્રહ્મા વિષ્ણુનું સ્વરુપ લઈ ફરીથી વિશ્વ ઉત્પન્ન કરે છે. એટલે કે વારાફરથી વિશ્વ ઉત્પન્ન કરે છે અને પોતાનામાં સમાવી લે છે.પણ આ એક રુપક છે.
બ્રહ્મા શું છે અને વિષ્ણુ શું છે?
વેદોના સમય વખતે સંભવતઃ વિશ્વના ગુણધર્મોને સમજવાના ઉપકરણો હતા કે નહીં તે આપણે જાણતા નથી. વિશ્વના કેન્દ્ર સ્થાને સૂર્ય હતો. સૂર્ય જગતનો આત્મા હતો. આ સૂર્યનું એક નામ વિષ્ણુ છે. ઉગતો સૂર્ય એ પ્રજાપતિ બ્રહ્મા છે. પૂર્વાકાશમાં ઉષાની લાલી થાય અને તેમાં ઉગતો સૂર્ય દેખાય, એટલે બ્રહ્માને કમળસ્થ માનવામાં આવ્યા. દૂર સુદૂર સમૂદ્ર હશે એવી કલ્પના કરી હશે, અથવા આમેય પશ્ચિમે સમૂદ્ર તો છે જ. એટલે સૂર્યનું નિવાસસ્થાન સમૂદ્રમાં કલ્પવામાં આવ્યું. હવે જો પૃથ્વીને ગોળ સમજીએ તો આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય આપણે માટે વિષ્ણુ છે પણ અમેરિકા માટે તે બ્રહ્મા છે. એટલે વિષ્ણુમાંથી બ્રહ્મા બન્યા. જે આપણે માટે ઉગતો સૂર્ય (બ્રહ્મા) છે તે અમેરિકામાટે આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય વિષ્ણુ છે. તેથી બ્રહ્મામાંથી વિષ્ણુ બન્યા. વાસ્તવમાં બ્રહ્મા એજ વિષ્ણુ છે અને વિષ્ણુ એજ બ્રહ્મા છે. કારણકે બંને એક જ સૂર્ય છે. જગતનો આત્મા સૂર્ય છે અને આ સૂર્યમાં રુદ્ર, આત્મા રુપે રહેલા છે. આ રુદ્રનું સ્વરુપ બપોરે ઓળખાય છે એટલે બપોરના સૂર્યને રુદ્ર સ્વરુપ ગણાય છે. સવારની સૂર્ય પૂજા બ્રહ્મ-સંધ્યા, બપોરની સૂર્ય-પૂજા રુદ્રસંધ્યા અને સાંજની વિષ્ણુસંધ્યા એમ ઓળખાય છે. જુદી જુદી બાર રાશીઓમાં આવતા સૂર્યને બાર સૂર્યના જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. પોષમાસની કડકડતી ઠંડીમાં પુષ્ય નક્ષત્રમાં રહેલા સૂર્યને વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડીથી આપણું તે રક્ષણ કરે છે. અને વાદળાઓને (વૃત્રાસુર) ઉપર કિરણોરુપી વજ્રોના પ્રહારો વડે કરીને (ઈન્દ્ર બની) તેને પાણીના બિન્દુમાં ચૂરા કરી નાખે છે.
આ વિશ્વ શેનું બનેલું છે?
આ વિશ્વ જડ અને ચેતનનું બનેલું છે. વાસ્તવ્માં જડ અને ચેતનમાં કશો ભેદ નથી. આ વિશ્વ એ બ્રહ્મ નો એક પર્પોટો છે.
બ્રહ્મ શું છે? બ્રહ્મ સત છે. તે અનાદિ અને અંત રહિત છે. એટલે કે નિર્વિકાર છે. જો આમ હોય તો બ્રહ્મ ઉપર પરપોટો ક્યાંથી થાય? કારણ કે બ્રહ્મ ઉપર પરપોટો થાય તો તો પરપોટો તો બ્રહ્મનો વિકાર કહેવાય. અને જેમાં વિકાર થાય તેને આદિ અને અંત હોય.
નાજી. બ્રહ્મ વિષે એમ નથી. બ્રહ્મ નિર્વિકાર જ રહે છે. તે નિર્વિકાર જ રહીને વિશ્વને ઉત્પન્ન કરે છે. અને વિશ્વ, કારણ કે બ્રહ્મ માંથી ઉત્પન્ન થયું છે તેથી વિશ્વનું કારણ બ્રહ્મ છે. પરપોટોનું ઉપમેય વિશ્વ છે.
એક બ્રહ્મ છે. તે શું છે તે કોઈ જાણતું નથી. બ્રહ્મ એકમાત્ર સત્ છે. બધા જ બનાવોના કારણો છે, પણ બ્રહ્મ શા માટે વિશ્વને ઉત્પન્ન કરે છે તે માટેનું કારણ, કોઈ કહી શકશે નહીં. આ બ્રહ્મ એ નિર્ગુણ અને નિરાકાર છે. તેની ઉપરનો પરપોટો તે વિશ્વ છે. પણ આ પરપોટાનું ભૌતિક અર્થઘટન થયું નથી. બીજા શબ્દો આ પ્રમાણે છે. પહેલાં એક માત્ર સત્ હતું. તે બ્રહ્મ હતું. ૐ કાર ના ઉચ્ચાર સાથે તેમાંથી અગ્નિ પ્રગટ થયો. તે રુદ્રનું શરીર હતું. આ અગ્નિ બધા દેવોમાં પુરોહિત (પહેલાં જન્મ્યો, અગ્રથયો) છે. અને તે વિશ્વનું પોષણ કરે છે. બધું તેમાંથી ઉત્પ્ન્ન થાય છે. અને તેમાં ભળી જાય છે. ૐમાં જે ત્રગડો છે તે ત્રણ પ્રક્રિયા ઉત્પત્તિ સ્થિતિ અને લય છે. જે વલય છે તે સ્પંદન વ્યવહાર છે. જે અર્ધ ચંદ્રાકાર છે તે અલિપ્તતા પ્રદર્ષિત કરે છે. જે બિન્દુ છે તે બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મ જગતના વ્યવહારોથી અલિપ્ત છે. બ્રહ્મ માંથીં અગ્નિ ઉત્પન્ન થયો તેથી તે અગ્નિ, “બ્રાહ્મણ” એમ કહેવાયો.
આ અગ્નિ શાંત પણ છે અને રુદ્ર પણ છે. તે ત્રણે પ્રક્રિયાઓ કરે છે. જગતની ઉત્પત્તિ, પોષણ અને નાશ. આ ત્રયીનો અધિષ્ઠાતા તે છે. જ્યારે તે ઉત્પન્ન કરે છે ત્યારે તે ભવ નામ રુપથીઓળખાય છે. જ્યારે તે પોષણ કરે છે ત્યારે તે “શર્વ” નામરુપથી ઓળખાય છે. અને સંહાર કરે છે ત્યારે તે “હર” નામરુપથી ઓળખાય છે. આ જગત આઠ વસુઓનું બનેલું છે. અને તેમાં આ અગ્નિ (રુદ્ર) આઠ વસુદેવ નામરુપે રહેલો છે.
આપણે આ બધી વાતો નહીં કરીએ. કારણકે આમાં અર્થઘટનોમાં એકસૂત્રતા નથી દેખાતી. કારણકે જુદા જુદા સમયે જુદા જુદા અર્થો થયા છે. કેટલીક વાતો ગુઢ અર્થમાં કહેવાઈ હોય છે.
જગત શું છે?
જગત એ વિશ્વમાં રહેલા પદાર્થોના એકબીજા સાથેના વ્યવહારો છે. આ વ્યવહારો કાયમી નથી પણ પ્રાણ એ કાયમ છે. એટલે જગત્ એ સત નથી તેમજ અસત પણ નથી. પણ અનિર્વચનીય છે. એટલે કે તે કદીય સમજી શકાય તેવું નથી. જગત ના અધિષ્ઠાતા અને વિશ્વરુપી શરીરવાળા આ વિશ્વદેવ એ રુદ્ર છે. તેઓ એકમાંથી અનેક થયા અને જગત (સૃષ્ટિ)ની રચના કરી.જો તમે વિશ્વને સંપૂર્ણ રીતે જાણો, અથવા વિશ્વની ચેતના સાથે એકાત્મતા સાધો તો તમારે વધુ કશું જાણવાની જરુર રહેતી નથી. કારણ કે તે બ્રહ્મસાથેની લીનતા છે અને તે ફક્ત આનંદ સ્વરુપ છે.
શિરીષ મોહનલાલ દવે
Leave a Reply