નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨
June 24, 2014 by smdave1940
નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨
૨૫ જુન ૧૯૭૫

૨૫ જુન ૧૯૭૫ એ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે.
આ દિવસે નહેરુવીયન ફરજંદ શ્રીમતી ઇન્દીરા ગાંધીએ ભારતીય જનતાના બંધારણીય હક્કો સ્થગિત કર્યા. જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સરકારી ચમચાઓ એમ માનતા હતા કે ભારતીય જનતાના સર્વે અધિકાર નાબુદ થયા છે. અને આ મતલબનું ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.
“કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.
કુદરતી અધિકાર શું છે? કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.
માનવીય અધિકાર શું છે? માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.
બંધારણીય અધિકાર શું છે? બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, પ્રતિનિધિત્વનો અધિકાર
કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?
ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.
ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.
નહેરુવીયન કોંગ્રેસી સરકારના નેતા કપિલ સીબ્બલે ગયે વર્ષે જાહેરાત કરેલી કે તે નરેન્દ્ર મોદી વિષે એક મોટો ખુલાસો કરવાના છે.
જોકે આ ખુલાસાનું તેમણે નામ દીધું ન હતું. આ ખુલાસો સંભવતઃ જાસુસીનો હતો. આ કોંગી નેતાઓએ વાત વહેતી મુકેલી કે નરેન્દ્ર મોદીએ (સફેદ દાઢીએ) તેના ગૃહ મંત્રીને (કાળી દાઢીને), કોઈ એક યુવતીની હિલચાલ ઉપર નજર રાખવાના મૌખિક આદેશ આપેલ. આ ગૃહમંત્રીએ કોઈ અધિકારીને ફોન ઉપર આ મતલબની વાત કરેલ. આ વાતની ટેપ પકડાયેલી. આ ટેપ કોંગીનેતા પાસે આવી અને કોંગીએ ઉપરોક્ત હવા ફેલાવી કે આ વ્યક્તિગત ખાનગીપણાના અધિકારનો ભંગ છે એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે. આ બનાવનું મટીરીયલ એકઠું કરવા માટે એક સ્પેશીયલ તપાસ પંચ બનાવવામાં આવ્યું. આ માટે મનમોહન સિંહના મંત્રીમંડળે એક સ્પેશીયલ બેઠક બોલાવી હતી અને ઠરાવ પાસ કરેલ.
ધારો કે આ જાસુસી પ્રકરણમાં થોડુંક પણ સત્ય હોય તો પણ શું?
કટોકટીમાંના સમયમાં તો શંકાસ્પદ વ્યક્તિની અને દરેક સંમેલનોમાં જાસુસી થતી હતી. જેમ કે દરેક કર્મચારી યુનીયનોને આદેશો હતા કે સૌ પ્રથમ કટોકટીને આવકારતો ઠરાવ પસાર કરવો. જો કોઈ કર્મચારી યુનીયનની મીટીંગમાં કટોકટીને બહાલી આપતો ઠરાવ પસાર ન કરે તો તેના હોદ્દેદારોને ધમકી મળતી અને ઠરાવ પસાર કરાવવો પડતો. કર્મચારી યુનીયન કે કોઈપણ યુનીયનના હોદ્દેદારો ધરપકડથી બચવા આવો કટોકટીને બહાલી આપતો ઠરાવ અચૂક પસાર કરતા અને તેની નકલ આઈબીને આપતા. કોઈપણ મીટીંગ કરવી હોય તો એલઆઈબીને જાણ કરવી પડતી.
ઈન્દીરાઈ જાસુસી
ઈન્દીરા ગાંધીના એક અનુયાયી નામે મોઈલી, તેના ટેપ પ્રકરણની વાત છોડો. સીન્ડીકેટના નેતાઓ કે જેમણે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાનપદ ઉપર બેસાડેલ. સમય જતાં ઈન્દીરા ગાંધીના ખરાબ પરફોર્મન્સ અને એરોગન્સને કારણે આ સીન્ડીકેટના નેતાઓ તેણીની વિરુદ્ધ ગયેલ. તો આ જ કોંગીઓની દેવીએ આ બધાના જ ફોન ટેપ કરાવેલ. અને મોરારજી દેસાઈને સંભળાવેલ. આવી કોંગ્રેસ જ્યારે નરેન્દ્ર મોદી ઉપરની કથા કથિત જાસુસી માટે હોબાળો મચાવે ત્યારે વરવી જ લાગે છે.
વળી જુઓ, નરેન્દ્ર મોદીવાળા આ જાસુસી પ્રકરણમાં કોઈ ફરીયાદ આવી નથી. શક્ય છે કે એક પિતાએ તેની પૂત્રીને કોઈ ગુમરાહ ન કરે તે માટે પોતાની વગ ચલાવેલ હોય. યુવાન પુત્રીની બેઈજ્જતી ન થાય તે માટે કોઈ પણ પિતા પોતાથી બનતો પ્રયાસ કરે. પણ આપણી આ નહેરુવીયન કોંગ્રેસને સ્ત્રીઓ ભરમાય કે બે ઈજ્જતીને પામે તેનો છોછ નથી. કોઈ હિસાબે નરેન્દ્ર મોદી બદનામ થાય તેમાં જ તે રચીપચી રહે છે. સત્તા લેવા અને ટકાવી રાખવા બધી નીતિમત્તા અને સામાજીક સ્વસ્થતાને નેવે મુકો એવા આ કોંગી નેતાઓના સંસ્કાર છે.
અભિષેક સિંઘવીના એક વકીલ સ્ત્રીની સાથે દુસ્કર્મની ટેપ પકડાયા છતાં નહેરુવીયન કોંગ્રેસે તે ટેપ અને અભિષેક સિંઘવી મામલે કશી જ કાર્યવાહી કરવાનું યોગ્ય માન્યું નથી. પોતાની દ્વારા કરવામાં આવતો વ્યભીચાર કોંગીઓ માટે ગુનાઈત નથી. આવા તો અનેક સામાજીક વિનીપાતના નહેરુવીયન કોંગ્રેસના ઈતિહાસના પ્રકરણો છે.
આ બધા પ્રકરણોની વાત જવા દો. ઈન્દીરાઈ કટોકટીનો મહાગ્રંથ ભારતના ઈતિહાસમાં એક ન અવગણી શકાય તેવો કાળો ગ્રંથ છે.
શું ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?
ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.
ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તે રદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.
આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ “શાહ કમીશન”ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.
સૌથી મોટી ગુનેગાર ઈન્દીરા ગાંધી છે.
શું સરકાર પોતાની યોજનાઓ અને સ્કીમોને દાઉદનું નામ આપશે? શું સરકાર પોતાના બંધ, પુલ, એરપોર્ટ, બસસ્ટેન્ડ, મકાન, વિગેરેને દાઉદ અને તેના સગાંઓના નામ આપશે?
ઈન્દીરા ગાંધી જ નહીં, જવાહર, રાજીવ અને સોનીયા પણ ગુનેગાર તો છે જ.
જવાહરે તીબેટની ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારીને, ચીનને ભારતની ઉપર આક્રમણ કરવાની તક પુરી પાડી હતી. જવાહારે ચીન સાથેની સરહદ રેઢી મુકીને આપણા દેશના હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી મોતને ઘાટ ઉતારેલ.
ઈન્દીરાએ જે સિમલા કરાર કરેલ તે દેશ સાથેની એક છેતરપીંડી હતી.
ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડ સાથે ક્ષતિયુક્ત કરાર કરી ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારેલ અને લાખો ઈજાગ્રસ્ત થયેલ.
ભારતમાં આતંકવાદના ફેલાવા માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે. કારણકે તેણે જ ભીંદરાણવાલેને મોટોભા અને સંત ઘોષિત કરેલ. આ સંત તેના લાવા લશ્કર અને શસ્ત્ર-અસ્ત્ર સાથે સતત સુવર્ણ મંદિરમાં અવરજવર કરતો હતો છતાં પણ કોઈને રોકવામાં આવ્યા ન હતા અને તે કારણે હજારો નિર્દોષ લોકોની હત્યા થયેલ. આ માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે.
રાજીવ ગાંધીએ યુનીયન કાર્બાઈડના એન્ડરસનને માટે ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપેલ. આ પ્રમાણે એક ગંભીર આરોપીને ભાગી જવામાં મદદ કરેલ. ક્વાટ્રોચીની ઉપર પણ ફોજદારી ગુનાના આરોપ હતા. તેને ભાગાડી દેવામાં રાજીવ ગાંધી અને સોનીયા ગાંધીની સંડોવણી નકારી ન શકાય.
કોંગીએ ભલે જનતાની માફી માગી હોય પણ આવા ફોજદારી ગુનાઓ માફી માગવાથી રદ થતા નથી. સરકાર ફોજદારી ગુનાઓ માફ કરી શકતી નથી.
બનાવટી એનકાઉન્ટરઃ
નહેરુવીયન કોંગી નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીની સરકારે એનકાઉન્ટર કરાવ્યા છે. અને આ બાબત ઉપર મોટો ઉહાપોહ કરવામાં આવે છે. વાત ખંડણીખોરોના કહેવાતા એનકાઉન્ટરની છે જેને માટે અમિત શાહ અને સાથે સાથે નરેન્દ્ર મોદીને ભીડવવાની કોશિસ કરવામાં આવે છે. તેવીજ રીતે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની કહેવાતી સંડોવણી બાબત પણ નરેન્દ્ર મોદીને ભીડવવાની ભરપુર કોશિસ થઈ છે. સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હજુ નરેન્દ્ર મોદીનું નિવેદન લેવાની નોટીસ મોકલી ન મોકલી ત્યાંતો સમાચાર માધ્યમો અને આપણા ગુજ્જુ નેતાઓ કહેવા માંડ્યા કે નરેન્દ્ર મોદી કેમ હાજર થતા નથી? જો નરેન્દ્ર મોદી પોતાને નિર્દોષ માનતા હોય તો તેમણે એસઆઈટી સમક્ષ હાજર થવું જ જોઇએ. તેઓ હાજર થતા નથી તે જ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ગુનેગાર છે. નિવેદન આપવા માટેની નોટીસને આ કોંગીઓએ એફઆઈઆર ની નોંધણી સમકક્ષ ગણી લીધેલ. સમાચાર માધ્યમો પણ આવા વહિયાત આક્ષેપોને બેસુમાર પ્રસિદ્ધિ આપતા હતા.
ઈન્દીરા ગાંધી ધરાર અને નિર્લજ પણે શાહ કમીશન સમક્ષ હાજર થઈ ન હતી. આ નહેરુવીયન કોંગીઓની દેવી ઈન્દીરા ગાંધીમાં શાહ કમીશન સામે નોટીસ મળ્યા છતાં અને અવાર નવાર બોલાવ્યા છતાં નિવેદન આપવાની હિમત ન હતી.
જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?
જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.
ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.
ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.
આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.
કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.
જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.
આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.
ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?
જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.
આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.
નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.
નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.
નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.
યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.
નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.
સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી. આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.
શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર
Like this:
Like Loading...
Related
Posted in માનવીય સમસ્યાઓ | Tagged આતંકવાદ, ઈન્દીરાઈ, એનકાઉન્ટર, કટોકટી, કીડની, કુદરતી અધિકાર, ચિકિત્સા, જયપ્રકાશ નારાયણ, ડાયાલીસીસ, ધરપકડ, બંધારણીય અધિકાર, માનવીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, સરકારી, ૨૫મી જુન | Leave a Comment
Leave a Reply