જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?
સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.
વાચકોને શું વાંધો પડી શકે?
વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.
પણ વાત શી છે?
વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.
હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!
જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.
આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.
આપણે મુખ્ય વિષય પર આવીએ.
વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.
આ જી.એસ.ટી. શું છે?
જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર). આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.
વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.
“હરિ ૐ”
“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.
તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.
ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.
સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….
જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.
મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?
“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.
કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.
ચંદ્રમુખી નારાજ થઈ
એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.
તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?
ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.
હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ તો ચાણક્ય છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.
આર્થિક ક્રાંતિ
જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.
ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.
જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.
જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.
નવી પ્રણાલીને શા માટે ઉજવવી?
આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.
“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.
“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.
નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.
“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.
બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?
નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્ !!” લાગતું નથી શું?
નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી
આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.
હાલનું વિધેયક સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.
જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.
નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ
Leave a Reply